‘પિયરિયાં’
યશવંત ઠક્કર
‘મેહુલ, આજે તું ઑફિસેથી વહેલો આવી શકે?’ સ્વાતિએ પૂછ્યું.
‘કેમ?’
‘આજે રાત્રે આઠ વાગે ટાઉનહૉલમા કવિ સંમેલન છે. સારાસારા કવિઓ આવવાના છે. તું આવતો હોય તો જઈએ.’
દર વખતે કવિતા, નાટક કે સાહિત્યનું નામ પડે ને જે રીતે મેહુલને હસવું આવતું, એવું આ વખતે પણ આવ્યું. એ બોલ્યો : ‘કવિઓ સાલા કલ્પનાની દુનિયામાંથી બહાર નથી આવતા. એમને બીજો કામધંધો નહિ હોય.’
‘મેહુલ, ન જવું હોય તો મને વાંધો નથી. પણ આમ કોઈને ઉતારી પાડવું એ ઠીક નથી.’
‘લે, તું તો નારાજ થઈ ગઈ. મેં જાણે તારાં પિયરિયાંને ઉતારી પાડ્યાં હોય એવી વાત કરે છે.’
સ્વાતિ ચૂપ થઈ ગઈ. પરંતુ, મનોમન મેહુલને સવાલો કર્યા વગર ન રહી શકી. ‘મેહુલ, આ મારાં પિયરિયાંને ઉતારી પાડવા જેવું નથી? પિયરિયાં એટલે શું માત્ર મારાં માતાપિતા, ભાઈબહેન કે કાકાકાકી, મામામામી વગેરે જ? લગ્ન પહેલાંની મારી આદતો, મારી મનગમતી પ્રવૃત્તિઓ, મારા રસના વિષયો... એ બધાં મારાં પિયરિયાં નહિ? જે કવિઓની કવિતાઓએ મને પ્રેમ કરતાં શીખવ્યું, સપનાં જોતાં શીખવ્યું, એકલાં એકલાં મરકતાં શીખવ્યું, એકલાં એકલાં રડતાં શીખવ્યું... એ કવિઓ મારાં પિયરિયાં નહિ? આજે હું જે કાંઈ છું, જેવી છું... એમાં મારાં માતાપિતા, મારા શિક્ષકોની સાથેસાથે આ કવિઓનો પણ ફાળો છે એ હું તને કેમ સમજાવું? તારી પાસે એ સમજવા લાયક દિલ જ નથી તો!’
...સ્વાતિ મેહુલ માટે ટિફિન તૈયાર કરવાના કામે લાગી. મેહુલ ઓફિસે જવાની તૈયારીમાં લાગ્યો.
પરંતુ, વાતાવરણ ઉદાસીના ઘેરા રંગે રંગાઈ ગયું હતું.
ઑફિસે જતી વખતે મેહુલે વાતાવરણને હળવા બનાવવાના ઇરાદે કહ્યું, ‘સૉરી સ્વાતિ, તું જાણે છે ને કે હું પહેલેથી જ પ્રેક્ટિકલ છું. મને હવે આવા કલ્પનાના ઘોડા દોડાવવા ગમતા નથી. કામ બહુ રહે છે. જવાબદારીઓ પણ બહુ છે. આપણે અંશના ભવિષ્યનો પણ વિચાર કરવો પડે. એને હજુ વધારે સારી હોસ્ટેલમાં મૂકવો છે. વધારે ભણાવીને વિદેશ મોકલવો છે...’
સ્વાતિનું મૌન તૂટ્યું નહિ.
મેહુલે વાતાવરણને હળવું બનાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. ‘સ્વાતિ, જો તને કવિતા, નાટક, વાર્તા એ બધાંનો શોખ છે તો ટીવીમાં બધું આવે જ છેને? હવે તો નેટ પર પણ બધું જ મળી જાય છે.’
‘ મેહુલ, નેટ પર તો રોટીશાક પણ હોય છે પણ એનાથી પેટ નથી ભરાતું. આપણે એ બનાવવાં પડે છેને? ટીવીમાં લીલાંછમ ઝાડ પણ હોય છે પણ એનો છાંયડો આપણને લાગતો નથી. ટીવીનો વરસાદ આપણને ભીંજવતો નથી. પણ વાંધો નહિ. આ કાંઈ બહુ મોટી વાત નથી. ન જઈએ તો ચાલે. આપણી જવાબદારી પહેલાં.’
સ્વાતિએ હસવાનો પ્રયાસ કર્યો. પરંતુ એની ભીની થયેલી આંખો મેહુલથી છાની ન રહી.
‘તને ખુશ રાખવા માટે તો ઊંધું ઘાલીને મહેનત કરું છું તોય તારી આંખોમાં આંસુ! તને શું જોઈએ છે એ જ મને નથી સમજાતું.’ મેહુલનો અવાજ જરા મોટો થઈ ગયો.
‘મને મારો ખોવાયેલો મેહુલ જોઈએ છે. જે નાની નાની વાતોથી પણ ખુશ થતો હતો.’ સ્વાતિ માંડ માંડ બોલી શકી.
‘નાની નાની વાતો!’ મેહુલ મજાકભર્યું હસ્યો અને ઑફિસે જવા નીકળી ગયો.
એકલી પડેલી સ્વાતિ મન મૂકીને રડી. એને લાગ્યું કે, ‘જિંદગી હવે જીવાતી નથી, રોજે રોજ કૉપી-પેસ્ટ થતી હોય એવું લાગે છે. એમાં હવે કશું જ નવું નહિ બને. કવિતા, નાટક, સંગીત, પ્રવાસ .. એ બધાં .વગર જિંદગી અટકી નથી જતી. પરંતુ, એ બધાંને લીધે જિંદગીને ગતિ પણ મળે છે. પણ મેહુલ પાસે આ બધું સમજવા માટે સમય જ નથી. કદાચ, એની જિંદગી ઝડપથી ભાગતી ટ્રેન જેવી છે અને મારી જિંદગી યાર્ડમાં પડેલા ડબ્બા જેવી! ’
એ પલંગમાં પડી પડી વિચારતી રહી.. એની આંખો ઘેરાતી ગઈ....
... મોબાઈલમાં રિંગ વાગી ત્યારે એની આંખો ખૂલી. મેહુલનો ફોન હતો. ‘હલો, સ્વાતિ, શું કરે છે?’
‘હમણાં જ ઊઠી.’
‘કહું છું કે રિક્ષા કરીને છ વાગે તું સિટીમાં આવી જજે. હું લેવા આવીશ તો મોડું થશે. આપણે લક્ષ્મી હૉલ પાસે ભેગા થઈશું.’
‘પણ કેમ? કશું ખરીદવાનું છે? મારી પાસે ઘણાં કપડાં છે. હવે ...’
‘હું ભેગાં થવાની વાત કરું છું. ખરીદી કરવાની નહિ. હું મૂકું છું. કામમાં છું. આવવાનું ભૂલતી નહિ.’
‘ભલે.’ સ્વાતિએ જવાબ આપ્યો. આપવો પડ્યો.
‘હવે મને મનાવવાના ઇરાદે એકાદ નવી સાડી કે ડ્રેસ અપાવવાની વાત કરશે. પણ એનો શો અર્થ છે! નાની નાની ખુશીઓમાં એને રસ નથી. એની ગણતરીની રીત જ જુદી છે. પણ આજે તો ના જ પાડી દઈશ. મારે કપડાં કે ઘરેણાં ભેગાં નથી કરવાં.’ સ્વાતિને વિચાર આવ્યો.
... એ લક્ષ્મી હૉલ પાસે પહોંચી ત્યારે મેહુલ બાઈક પાર્ક કરીને એની રાહ જોતો ઊભો હતો.
‘મેહુલ, કશી ખરીદી કરવાની છે?’ સ્વાતિએ સાડીની દુકાન તરફ નજર કરતાં બોલી..
‘હા’
‘શું ખરીદવાનું છે?’
‘આ..’ ફૂટપાથ પર બેસીને એક બાઈ માથામાં નાખવાનાં બોરિયાં વેચી રહી હતી, મેહુલે એ તરફ હાથ કર્યો.
‘ઓહ! એની તો મારે ખરેખર જરૂર છે.’ સ્વાતિએ જાણે કે દોટ મૂકી. એ બોરિયાં પસંદ કરવામાં મશગૂલ થઈ ગઈ.
મેહુલ સ્વાતિને ઉકેલતો હોય એમ એને જોઈ રહ્યો.
‘દસ રૂપિયા આપને.’ સ્વાતિએ મેહુલ તરફ જોઈને બોલી.
‘ક્રેડિટ કાર્ડ નહિ ચાલે?’ મેહુલે મજાકમાં પૂછ્યું. સ્વાતિને મેહુલ દ્વારા બહુ વખતે થયેલી મજાક ગમી.
બોરિયાં ખરીદ્યાં પછી મેહુલે સ્વાતિને કપડાંની ખરીદી કરવાની વાત કહી. પરંતુ, સ્વાતિએ ના પાડી.
‘તો ચાલો બજારમાં એકાદ લટાર મારીએ. કદાચ બોરિયાં જેવું સસ્તું બીજું કશું મળી જાય.’ મેહુલે ફરી મજાક કરી.
સ્વાતિને પંદરેક વર્ષો પહેલાંના એ દિવસો યાદ આવી ગયા કે જે દિવસોમાં મેહુલની આવક ઓછી હતી એટલે ખરીદી માટે આ બજારમાં જ આવવું પડતું હતું.
બજાર આજે પણ ચીજોથી અને માણસોથી ઉભરાતું હતું. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો; કપડાં,ચંપલ, શણગારની ચીજો, કપ-રકાબી, રમકડાં વગેરેની ખરીદી માટે બજારનો હિસ્સો બન્યા હતા. તેઓ ભાવ ઓછા કરવા માટે વેપારીઓ સાથે રકઝક કરી રહ્યા હતા. ફેરિયાઓ અને વેપારીઓની બૂમો, પપૂડાં અને સીસોટીઓનું સંગીત, હોર્નનો અવાજ, મોટેથી વાગતાં ગીતો... આ બધું જ બજારના વાતાવરણમાં એ રીતે ભળી જતું હતું કે જે રીતે કોઈ ગીતકારના ગીતમાં સંગીત ભળી જતું હોય.
રોજિંદા નિર્જીવ વાતાવરણના બદલે આવું જીવંત વાતાવરણ જોઈને સ્વાતિને કોઈ જુનું સગું મળ્યા જેટલો આંનદ થયો. ગ્રાહકોની આંખોમાંથી ડોકિયાં કરતાં આશા, ઉમંગ, લાચારી વગેરે વિવિધ પ્રકારના ભાવ એને ઓળખીતા લાગ્યા.
બંને જણાં કપડાંની એક લારીથી થોડે દૂર ઊભાં રહી ગયાં. ગામડેથી આવી હોય એવી એક બાઈ પોતાના બાળકને માટે એ લારીવાળા પાસેથી કપડાં ખરીદી રહી હતી. એણે બાળકને માપનાં કપડાં પહેરાવ્યાં હતાં. બાળક પણ નવાં કપડાં પહેરીને રાજી રાજી થઈ ગયો હતો. હવે માત્ર પૈસા જ ચૂકવવાના બાકી હતા એટલે એ બાઈ ભાવ માટે વેપારી સાથે રકઝક કરી રહી હતી.
‘મેહુલ., તને યાદ છે? અંશનો પહેલો જન્મદિવસ હતો ત્યારે આપણે આ બજારમાં એને માટે કપડાં લેવા આવ્યાં હતાં.’ સ્વાતિએ બાળક તરફ પ્રેમભરી નજર નાખતાં પૂછ્યું.
‘હા, ત્યારે આપણી પણ મજબૂરી હતી. આવક ઓછી હતીને.?’
‘આવક ઓછી હતી પણ નાની નાની ખુશીઓથી જિંદગી કેવી છલકાતી હતી! હું પણ આ બાઈની જેમ જ વેપારીઓ સાથે રકઝક કરતી હતી અને કિંમત ઓછી કરાવીને ખુશ થતી હતી.’
પરંતુ, એ બાઈ અને એના બાળકના નસીબમાં જાણે આજે એવી ખુશી નહોતી. બહુ રકઝકના અંતે લારીવાળા વેપારીએ જે છેલ્લો ભાવ કહ્યો હતો એ ભાવ પણ બાઈને પોસાતો નહોતો. એની પાસે વીસ રૂપિયા ઓછા હતા. વીસ રૂપિયા ઓછા લઈને કપડાં આપવા માટે એ એ કરગરી તો વેપારીએ પણ પોતાની મજબૂરી દર્શાવી, ‘બહેન, આનાંથી એક રૂપિયો પણ ઓછો નહિ થાય. મારી ઘેર પણ મારો પરિવાર છે. મારે એનું પણ જોવાનુંને?’
છેવટે એ બાઈ પાસે, બાળકના શરીર પરથી કપડાં ઉતારીને વેપારીને પાછાં આપવાનો એક જ ઉપાય બાકી રહ્યો હતો. એ એવું કરવા ગઈ ત્યાં તો બાળકે રિસાઈને પોક મૂકી. જોતજોતામાં તો બાળકની આંખોમાંથી આંસુના રેલા દદડ્યા. એ કાલીઘેલી ભાષામાં દલીલ કરવા લાગ્યો કે, ‘મા, તું મને નવાં કપડાં અપાવવા તો અહિ લાવી છે, તો પછી કેમ નથી લઈ આપતી?’ બાઈ એને સમજાવવા લાગી, ‘દીકરા, માની જા. આ કપડાં સારાં નથી. તને આનાથી પણ સારાં કપડાં લઈ દઈશ.’ પરંતુ, બાળહઠ હાર માનતી નહોતી. બાઈ પોતે જાણે ધર્મસંકટમાં મુકાઈ ગઈ હતી. એ બાળકના શરીર પરથી કપડાં ઉતારવા મથતી હતી અને બાળક પોતાનામાં હોય એટલી તાકાતથી કપડાંને પકડી રાખતો હતો.
સ્વાતિની સાથેસાથે આ દૃશ્ય જોઈ રહેલો મેહુલ એકદમ જ લારીવાળા વેપારી પાસે પહોંચ્યો. એણે વેપારીને પેલી બાઈ ન સાંભળે એટલા ધીરા અવાજે પૂછ્યું, ‘કેટલા ખૂટે છે?’
‘વીસ રૂપિયા. સાહેબ, મારાથી થાય એટલા ઓછા કર્યા. હવે ઓછા થાય એમ નથી.’
‘તમે એને કપડાં આપી દો. એ જાય પછી વીસ રૂપિયા હું આપું છું. એને કહેતા નહિ કે બાકીના પૈસા હું આપું છું. એને ખરાબ લાગશે.’ મેહુલ ધીમેથી બોલીને સ્વાતિ પાસે પાછો આવતો રહ્યો.
‘રહેવા દો. ભલે પહેર્યાં.’ વેપારીએ બાઈને કહ્યું, ‘લાવો વીસ રૂપિયા ઓછા હશે તો ચાલશે.’
... બાઈ વેપારીને આશીર્વાદ આપતી આપતી અને બાળકના ગાલ પરથી આંસુ લૂછતી લૂછતી ગઈ. બાળકે પણ પાછું જોઈ જોઈને વેપારી સામે આભારી નજર નાખી.
એ બાઈ અને બાળક દૂર ગયાં એટલે મેહુલે વેપારીને વીસ રૂપિયા ચૂકવી દીધા.
‘આજે મને મારો ખોવાયેલો મેહુલ પાછો મળ્યો છે.’ ખૂશ થયેલી સ્વાતિ બોલી.
‘સ્વાતી, આજે આખો દિવસ ઑફિસમાં એ ખોવાયેલા મેહુલને શોધવા સિવાય મેં બીજું કશું કામ કર્યું નથી. ચાર વાગ્યે એ મને મળ્યોને મેં તરત તને ફોન કર્યો.’ મેહુલે પૂરી ગંભીરતા સાથે કહ્યું.
સ્વાતિએ મેહુલનો હાથ પકડી લીધો. ‘ચાલ, હવે મારે કશું ન જોઈએ. જે જોઈતુ હતું એ મળી ગયું.’
‘અરે! અહી સુધી આવ્યાં છીએ ને રાજસ્થાની કચોરી ખાધાં વગર જઈશું?’
...રાજસ્થાની કચોરી ખાધાં પછી એમણે એ હોટેલમાં આઇસક્રીમ ખાધો કે જે હોટેલમાં એમણે અંશને પહેલી વખત આઇસક્રીમ ખવડાવ્યો હતો.
બજારમાં લટાર મારીને બંને, જ્યાં મેહુલે બાઈક પાર્ક કર્યું હતું ત્યાં આવ્યા.
સ્વાતિને બાઈક પર પાછળ બેસાડીને મેહુલે બાઈક દોડાવી. એને ઘર તરફનો રસ્તો ન લીધો એટલે સ્વાતિથી પૂછાઈ ગયું, ‘કેમ આ તરફ? ઘેર નથી જવું?’
‘ના, હજુ એક ઠેકાણે જવાનું બાકી છે.’ મેહુલે જવાબ આપ્યો.
‘ક્યા?”
‘નજીક જ છે.’
મેહુલ ક્યાં લઈ જાય છે. એ વિષે સ્વાતિ વધારે ધારણા બાંધે એ પહેલાં તો મેહુલે બાઈક ઊભું રાખી દીધું. ‘અહી જવાનું છે.’ એણે આંગળી દર્શાવતાં કહ્યું.
કવિતાપ્રેમીઓને આવકારતું ટાઉનહૉલ સ્વાતિને પોતાનાં કોઈ પિયરીયાં જેવું લાગ્યું. .
[સમાપ્ત]