Jadibutti in Gujarati Short Stories by Tarulata Mehta books and stories PDF | જડીબુટ્ટી

Featured Books
  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

  • સંઘર્ષ - પ્રકરણ 5

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

જડીબુટ્ટી

'જડીબુટ્ટી '

તરુલતા મહેતા

(જીવન આધારિત ઘટના પરથી આ વાર્તા નું સર્જન થયું છે.એમાં જરા ય અતિશયોક્તિ નથી બલ્કે વાસ્તવિકતાની કઠણાઈનો આ નાની વાર્તામાં અંશ માત્ર છે.)

'જડીબુટ્ટી'

'આકાશ -- આ ...કા..શ ..આ.....શ ..' પડઘા અવકાશમાં વાદળોની કોરે દડૂક દડૂક દેડકાની જેમ કૂદતા ભમ દઈ ખીણમાં ભુસ્કો મારી અલોપ થઈ જાય છે.

આકાશ ચારેબાજુ એના ગોઠિયાને શોધે છે. એ અડપલો જેકોબ જ બૂમો પાડી સંતાઈ જાય ! પડોશમાં રહેતો જેકોબ એનો બડી .સ્કૂલેથી આવી બન્ને ફ્રેન્ડસ જેકોબના યાર્ડમાં રમવા ઉપડી જાય.

પણ આજે ને ગઈકાલે કે ઘણા દિવસોથી હવે જેકોબ તેને બોલાવતો નથી. ક્યાંથી બોલાવે ? નીચેથી જેકોબની બૂમો આવે તેજ ઘડીએ મમ્મીનો સાદ સાંભળી તેને રૂમમાં દોડી જવું પડે !

શાંત રસ્તા પર નજર દોડાવી નિરાશ થયેલો આકાશ બાલ્કનીમાંથી જબરદસ્ત મોટાં, વાદળાને અડતાં ઊંચાં વુક્ષોને જોયા કરે છે.

એની નજર સૌ પહેલાં જમીન પર સસલાંની જેમ ફૂ દકા મારતી ઝાડનાં થડમાં સંતાકુકડી કરતી દોડે છે, અને પછી જાણે ચારપગે હરણાંની જેમ ઠેકડા મારતી પર્વતોના ઢોળાવે લીલું ઘાસ ચરવા લાગે છે, ઘડીકમાં ઝાડના થડે વાંદરાની જેમ ચઢી ડાળીઓમાં હુપાહુપ કરવા લાગી.એ પોતે જંગલબુકનો છોકરો થઈ ગયો.એ એક ઝાડ પરથી બીજા ઝાડ પર કોઈ અજાણ્યા પ્રદેશે ઉડવા લાગ્યો.દિવસ છુ થઈ ગયો, રાતના તારોઓએ એને અવકાશમાં માર્ગ કરી આપ્યો ત્યાં એના એક પગમાં ભીનું લીસું કૈક અડ્યું, આકાશનો બીજો પગ દૂ...ર અજાણ્યા દેશે પહોચી ગયો હતો.

નાનકડું કાળુંધોળું એનુ વહાલું ડોગી મોલી એના પગને ચાટતું હતું,

એને 'આકાશ, આશુ, બેટા ....કહી એની મમ્મી બોલાવી રહી છે, મમ્મીનો અવાજ જાણે ઊંડી ખીણમાંથી આવતો હોય તેટલો ધીમો હતો,

ક્યારની બોલવું છુ 'બેટા' એની મમ્મી હાડપિજર હોય તેમ એના બેડ પાસે વોકર લઈ ઊભી હતી.

આકાશ બાલ્કનીમાંથી દોડીને મમ્મીની પાછળ ઉભો રહી, ટેકો આપવા લાગ્યો.

મમ્મી બાથરૂમ જઈ આવી, વોકર બેડની પાસે મૂકી બોલી, 'તારા ફ્રેન્ડની રાહ જોતો હતો.'

સ્કૂલમાંથી આવી ખાધા વિના આકાશ મમ્મીની રૂમમાં આવી જ્તો. એ કિચનમાં ગયો હતો , રેફ્રીજેટર ખોલી ઊભો હતો ...હમણાં મમ્મી આવીને એને પાછળથી પકડશે અને કંઈક સરપ્રાઈઝ આપશે ! ' જો આજે મારા બેટા માટે 'બરિટો ' લાવી છું ' ના ના હવે મમ્મી નાની થઈ ગઈ છે અને એનો બેટો મોટો થઈ ગયો છે.

આકાશ ઓરેંજ જ્યુસના બે ગ્લાસ ભરી ફ્રીજ બંધ કરી દેછે.

ગ્લાસ મમ્મીના બેડ પાસેની ટિપોઈ પર મૂકી આંખો બંધ કરી સૂતેલી મમ્મી કોઈ તૂટેલી ઢીંગલી જેવી પડી હતી.

આકાશની મમ્મી બે મહિનાથી કંઈ ખાતી નથી, તેને મમ્મીને આમ ભૂખા પેટે બેડના પાંજરામાં તડપતી જોઈ રોજ એમ થાય છે કે

'હું મારી મમ્મી માટે કોઈ એવી દવાની ગોળી લઈ આવું કે તે સાજી થઈ જાય! મમ્મી ફરી હોંશે હોંશે હું સ્કુલેથી આવું ત્યારે મેક્રોનીચીઝ બનાવે અને અમે ખાઈએ, મમ્મી કહેતી એ નાની હતી ત્યારે નાનીમા એને ચીઝ ખાવા દેતા નહોતા, હવે મારા બેટા સાથે ચીઝ ખાવાની મઝા કરું છું.

મમ્મી જોબ પરથી છુટી રોજ એને સ્કૂલથી લઈ ઘેર આવતી ત્યારે હસાવતી 'કોના પેટમાં બિલાડા બોલે ?'

આજે શું બનાવશું ?

ઘેર આવી મમ્મી બેડરૂમમાં જઈ કપડાં બદલી આવે ત્યારે આકાશ જલ્દી જલ્દી ફ્રીજમાંથી વસ્તુઓ કાઢવા મૂકવામાં મદદ કરતો, સ્કૂલની વાતો પૂરી થાય ત્યાં નાસ્તો સફાચટ અને પછી ઝટપટ મમ્મી ડીનરની તેયારી કરે. આકાશ જેકોબ જોડે કલાકેક રમવા ઊપડી જાય.

હવે એ સ્કૂલેથી આવે એટલે આંટી ઘેર જાય, આંટી સવારે મમ્મીનું ધ્યાન રાખવા આવતા. પાપા સાંજે છ વાગે આવે ત્યાં સુધી આકાશ મમ્મીની પાસે રહેતો.એને મમ્મીનો હાથ પકડી બાલ્કનીમાં લઈ જવાનું મન થતું , એને કહેવું હતું , 'જો મમ્મા હું તારા માટે પે...લા દૂર જંગલમાંથી જડીબુટ્ટી લઈ આવીશ'

મમ્મી પોતાના ભોળા ભટાક રમતિયાળ મીઠડાને પૂછે 'બેટા, જડીબુટ્ટીની વાત તે કેમ જાણી ?'

આકાશ , 'મેં હનુમાનજીની કાર્ટુનબુકમાં જોયું હતું .'

મમ્મી , 'હનુમાનજી તો હિમાલયના જંગલમાંથી લક્ષ્મણજી માટે જડીબુટ્ટી લાવ્યા હતા.'

આકાશ મમ્મીના માંદલા ચેહરા પર હાથ ફેરવી કહે છે, 'તું ય લક્ષ્મણજીની જેમ પાછી સાજી થઈ હસવા લાગીશ.'

મમ્મી આકાશનો હુંફાળો નાનકડો હાથ જ જડીબુટ્ટી હોય તેમ ગળે વળગાડી કહેતી , 'જો હું સાજી થઈ ગઈ, તારે ખાતર હું બધી ટ્રીટમેન્ટ લઇશ, કીમો થેરાપી સહન થતી નથી પણ તારો હાથ જાદુ કરશે.'

તેની મમ્મી બપોરે ત્રણ વાગ્યા સુધી ઘડી ઘડી ઓરડામાથી તરસી નજરે સ્કૂલબસની રાહ જોયા કરતી. એની આંખનો તારો દોડતો રૂમમાં આવશે ,

હું એને પાસે બેસાડી વ્હાલથી નવરાવી દઇશ .એવા સપના તે ધોળે દિવસે જોયા કરતી. કીમોની અસરથી આંખમાં ધેન રહેતું , આકાશ સામે ઉભો હોય પણ ના તેની આંખ ખૂલે કે નબળો પાતળી સળકડી જેવો હાથ લંબાય .

આકાશને ઘરની દિવાલો ધ્રૂજી જાય તેવી ચીસો પાડી કહેવું છે , 'મને ખવડાવતી, હસાવતી મમ્મી આપો, '

***

પાપા ઓફિસથી આવતા ચાઇનીઝ ફૂડના બોક્સ લેતા આવ્યા.

એમણે હોસ્પિટલ જવા માટે મમ્મીના કપડાંની બેગ તેયાર કરી, આકાશે જીદ કરી કહ્યું,

'પાપા મને લઈ જાવ, હું મમ્મીનો હાથ પકડી રાખીશ, એને સારું થઈ જશે.'

પાપાના અવાજમાં આંસુ હતાં, 'બેટા ત્યાં કોઇથી હાજર ન રહેવાય'

મમ્મીએ એને પાસે બેસાડી કહ્યું , 'આશુ બેટા, તું તારી કાર્ટુનબુકમાંથી જડીબુટ્ટીના જંગલનો રસ્તો શોધી કાઢજે ત્યાં પાછી હું ઘેર આવી જઈશ.'

આકાશ જાણે જંગલમાં દોડતો, અટવાતો, ભયભીત કોઈ સિહની ગુફા સામે આવી અટકી ગયો, સિહની પીળી લાલ આંખો ને જંગલ ધ્રુજાવતી ત્રાડ સાંભળી એવો ડરી ગયો કે સાવ ઓગળી ગયો, કોઈએ એને ઉપાડીને ઝાડની ટોચે મૂકી અંધારામાંથી રસ્તો ખોલી આપ્યો ને તે તરફ જવા કહ્યું, ' 'કોણ?' 'નવાઈ પામી તે દોડવા લાગ્યો.

પાપામમ્મી બોલી ઉઠ્યા , 'આકાશ, તું ક્યાં દોડે છે?'

મમ્મીને હવે પેટમાં સહેવાય નહિ તેવું દુખ્યા કરે 'ઓ મા .. આ મને શું થઈ ગયું ?' છોકરો બિચારો છતી માએ વીલો , હિજરાતો, અડધો ભૂખ્યો ફર્યા કરે છે, બાપ -દીકરો બહારથી લાવી જેમતેમ ખાઈ દિવસો કાઢે છે.

પાપાએ કહ્યું , 'અમે જઈએ પછી બારણું લોક કરી દેજે બેટા , આંટીનો વિકાસ રાત્રે આવશે.'પાપા ખૂબ કાળજીથી મમ્મીને એના રૂમમાંથી બારણા સુધી લઈ આવ્યા.આકાશ મમ્મીના લથડતા પગને અને ધમણની જેમ ચલતા શ્વાસને જોઈ સિહની પીળી-લાલ આંખો જોઈ ડરી ગયો હતો તેવું થયું, સાવ અશક્ત મમ્મી બારણા આગળ જ ઓગળી ગઈ, તે મોટેથી ચીસ પાડી ઊઠે છે, 'મમ્મીને પકડો, જવા ના દેશો, હું એને માટે જડીબુટ્ટી લઈ આવીશ.'

આકાશ તેને ન સમજાય તેવી વિમાસણમાં હાલ્યાચાલ્યા વગરનો પૂતળા જેવો છતાં અણજાણ દિશામાં દોડ્યા કરે છે.

પાપા ખાલી વોકરને કારમાં બેસાડે છે, પાપા કારની ચાવી ધૂમાવે છે, ચાલુ થયેલી કાર ધમણની જેમ ડચકા લેતી સ્થિર થઈ જાય છે.ઘરના બારણા પાસે અટકી ગયેલા મમ્મીના શ્વાસને શોધે છે.

લાંબી ..લા...બી રાતના અંધારા જંગલમાં ભટકી પડેલો આકાશ દુ ..ર અવકાશમાં ખરી પડતા તારાને જોઈ ત્યાંજ બેસી પડ્યો. પાપા સવારે હોસ્પિટલમાંથી ઘરે આવ્યા. આકાશને ખભે હાથ મૂકી સહારો શોધતા ખાલી ઘરમાં ' લે તારા દીકરાને સંભાળ ' કહેતા કડડભુસ તૂટી પડ્યા ત્યાં આકાશ બોલી ઊઠ્યો : 'પાપા, હું જડીબુટ્ટી શોધીશ'

બાલ્કનીમાં રાતના અંધારામાં મમ્મીના ડચકાં લેતા શ્વાસને ભેદી દોડતો આકાશ દસ વર્ષ પછી શિકાગોની નોર્થવેસ્ટન યુનિ.ના ઓન્કોલોજી વિભાગમાં દાખલ થાય છે, કેન્સરના દર્દીઓ માટેની નવી દવાઓની શોધો અહી સતત થાય છે.આકાશ રાત -દિવસ ખડેપગે મહેનત કરે છે.તે

કેન્સરના દર્દીને કીમો થેરાપી પછી સારુ જીવન મળે તેવી ફૉર્મ્યુલા શોધવામાં સફળતાને આરે પહોંચ્યો . એણે કેન્સરના દર્દીઓને આશા આપતી ' tomorrow ' નામની સંસ્થા ઊભી કરી .

તરુલતા મહેતા

મિત્રો,

ક્ષણભંગુર જીવનમાં તનના દર્દોનો સામનો કરતાં મારાં સ્વજનોને જોઈ મને દુઃખ થયું હતું પણ એક હોંશિલા યુવાને પોતાના દર્દનો સામનો ભવિષ્યના દર્દીઓને રાહત થાય તે રીતે કર્યો. પોતાની માને આપેલી આ અઁજલિથી મારુ હૈયું દ્રવી ગયું અને તેને વાચા આપી. મારી વાર્તાઓના રીવ્યુ આપવા માટે આપનો આભાર માનું છું . 'આ વાદયને કરુણગાન વિશેષ ગમે.'