પ્રકરણ – ૨
હસતી-ગાતી જ્યોતિ એ સાંજે સૂનમૂન ઉતરેલા ચહેરે ખેતરે પહોંચી. જમવાનું ભાણું જમીને ઝાડ નીચે સાદરણું પાથર્યું. આખો દિવસ ખેતર કામ કરીને થાકેલા બા-બાપુના પગ દબાવીને તે ઊંઘવા આડી પડી. તેની આંખોમાં ઊંઘ ખોવાયેલી હતી. બરડે અને હથેળી પર ઉઠેલા લાલ સોળ, આંસુ ટપકતી આંખો, બગલમાં થેલી દબાવી ઉતાવળા પગે તેનું દોડી જવું... એ દ્રશ્યો વાગોળતા તેની આંખો પર ભીનાશનું પડ બાઝી ગયું. નાકમાં વળેલું પાણી ખેંચી, કણસતા કંઠ નીચે થૂંક ઉતાર્યું. આકાશમાં ટમટમતા તારલાની જેમ તેની શુક્રકણિકા જેવી આંખો ચમકતી હતી. મન ફરી પાછું એ પ્રશ્નોના હિલોળમાં તણાઇ ગયું. એ ચહેરાની યાદો વાગોળતાં વાગોળતાં તેની આંખોમાં ઊંઘ ભરાવા લાગી...
એ દિવસ વિત્યે અઠવાડિયું થઈ ગયું. નિશાળમાં જ્યોતિની આંખો દરરોજ એ ચહેરાની વાટ જોતી, પણ એ ક્યાંય દેખાતો નહતો. તેને મનમાં ચિંતા થવા લાગી. રજાના દિવસે તેણે મનમાં નક્કી કરી લીધું કે એ ગલીગુંચીમાં જઈને એ કયા ફળિયામાં રહે છે એ શોધી લેવું. જો એ મળશે તો એ તેને શું કહેશે એ પણ તેણે વિચારી લીધું. તેણે બા સામે ‘બહેનપણીના ઘરે જાઉં છું’, એવું બહાનું બનાવી કલાકમાં આવવાનું કહીને તે નીકળી પડી.
ગામ વચ્ચે મંદિર સામેથી પસાર થતાં તેણે હાથ જોડીને માથું નમાવ્યું. ગલીગુંચીમાં થઈને તેણે અજાણ્યા ફળિયામાં પગ મૂક્યો. ફળિયામાં રમતા છોકરાઓમાં એ ચહેરો શોધવા તેણે નજર ફેરવી. ઝાડ પર ચડીને આંબલી-પીપળી રમતા છોકરાઓમાં એ ચહેરો શોધવા મથી. પોણો કલાક સુધી તે ફળિયાની ગલીગુંચીમાં ફરી, પણ ક્યાંય એ ચહેરો દેખાયો નહીં. મનમાં થયું એનું નામ યાદ હોત તો કોઈ છોકરાને પૂછી લેત, અને ફટ્ટ લઈને આંગળી ચીંધી ઘરની ડેલી બતાવી દેત... એક ફળિયામાંથી બીજા ફળિયામાં તે કલાક સુધી ફર્યે ગઈ. ફળિયામાં વાસણ ઉટકતા બેને પૂછ્યું, “કુનું ઘર ગોતો સો બુન...?” જ્યોતિએ કશું બોલ્યા વગર માથું ધૂણાવ્યું, ને તરત ફળિયા બહાર જવા પગ ઉપાડ્યા. એનું ઘર ન મળતા મનમાં નિરાશા સાથે દુ:ખદ ભાવ ઘેરી વળ્યો.
ફળિયામાંથી બહાર નીકળતી જ્યોતિને એક ખૂણામાંથી બે આંખો ચૂપચાપ બધુ નીરખી રહી હતી. ફળિયામાંથી બહાર નીકળતી જ્યોતિની નિરાશ નજર ખૂણામાં આવેલી એક કરિયાણાની દુકાન પર પડી. એ છોકરો ચોખાના કોથળામાંથી ચોખા થેલીમાં ભરી રહ્યો હતો. ત્રાજવામાં થેલી મૂકી વજન તોલી રહ્યો હતો. બંનેની આંખો એકબીજાને મળી. જ્યોતિની આંખોમાંથી ઝરતી સહાનુભૂતિ અને સંવેદનશીલતા તેના હ્રદયને સ્પર્શી ગઇ. તેને અહીં આવેલી જોઈને ઘણું અનકહ્યું છોકરાનું હૈયું સમજી ગયું. અને જ્યોતિ તેને ત્યાં કામ કરતી દેખીને તેની ગરીબ પરિસ્થિતિને સમજી ગઈ હતી. જ્યોતિનું મન ઘણું પૂછવા કહેવા ઝંખતું હતું, પણ ત્યારે તેને પૂછવા હિંમત ન થઈ. તેના તરફ હળવું સ્મિત કરી તે ત્યાંથી બહાર નીકળી ગઈ.
જ્યોતિ થોડીક વાર મંદિરના ઓટલા પર બેસી ગઈ. તેના વિક્ષુબ્ધ મનને મંદિરના શાંત વાતાવરણમાં થોડુંક શાંત પડતું મહેસુસ કર્યું. થોડીક વાર બાદ તેના કાને તેના નામનો એક અવાજ સંભળાયો. તેણે ડોક ફેરવીને જોયું તો... તે મંદિરના થાંભલા પાછળ ઊભો હતો. તેના હોઠ પર આછું સ્મિત ફરકતું હતું. તેને જોઈને જ્યોતિના મુખભાવ હરખાઈ ઉઠ્યા. તેના મોઢે પોતાનું નામ સાંભળ્યું એ તેને ગમ્યું હતું. એ ઊભી થઈ તેની નજદીક ગઈ. મન અનેક પ્રશ્નોથી ભરાઈ ગયું. તેણે મનમાં ચુભતો પ્રશ્ન તરત પૂછી લીધો, “તન હથેળીમો હજુયે દુખાતું હશેન?”
તેના બંધ હોઠ પર નિર્દોષ સ્મિત રમતું હતું. તેણે જીભથી ડચકારો બોલાવી માથું ધૂણાવ્યું.
“એતો મટી ગ્યું...”
“જુઠ્ઠું ના બોલ... મન બતાવ જે...” તેનું સંવેદનશીલ હૈયું બોલી ગયું.
તેણે ડાબા હાથની હથેળી સામે ધરી. હજુ પણ જામી ગયેલા લોહીના સોળ હથેળીમાં દેખાતા હતા. ચામડી ઉખડી ગયેલી હતી. તેની હથેળી જોઈને જ્યોતિની આંખો પલભરમાં ઝળઝળી થઈ ગઈ. આસું ઉભરાવા લાગ્યા. પાંપણ પલકાવતા આસું ગાલ પર ખરી પડ્યું. તેની સામે જોઈને ગળગળા સાદે પૂછ્યું, “કેમ જુઠ્ઠું બોલીન મન બચાઇ તે?? પેલી નિલ્પાડીનો વાંક હતો...”
“ખબર સ... ઈના ગુનામો તન માર પડ એ મન ના ગમ્યું, એટ્લે જુઠ્ઠું બોલ્યો ’તો.” સ:સ્મિત નિખાલસ હૈયે તેણે કહી દીધું.
જ્યોતિ તેની આંખોમાં જોઈ રહી હતી. એણે મારા વિશે વિચાર્યું એ જાણીને તેના ભીતરમાં એક અજાણ્યો લાગણી ભાવ ઉમટી પડ્યો.
છોકરાએ જમણા હાથની મુઠ્ઠીમાં કશુંક છુપાવી રાખ્યું હતું. તેણે એ મુઠ્ઠી ખોલી હથેળી સામે ધરીને કહ્યું, “તારા માટ લાયો સુ... લઈ લે...”
તેના સોળ ઉઠેલી હથેળીમાં લાલ કાગળવાળી પારલેની ચોકલેટ હતી.
જ્યોતિ ચોકલેટ લઈને તેની સામે આદ્ર આંખે હસી પડી. ચોકલેટના બે કટકા કરી પહેલો કટકો તેના મોંમાં મૂક્યો, અને પછી તેણે ચોકલેટ ખાતા પૂછી લીધું, “નિશાળમાં કાલે આઈશન?”
તેણે ડચકારો બોલાવીને ના પાડી.
“ચમ? તારા બાપુજીન કઇશ તો વઢશી એટ્લે?”
“ના. મારા બા-બાપુજી નહીં. મરી ગ્યાં. ઇમનું ઉધાર ચૂકબ્બા મુ અન મારો મોટો ભઈ સગાની દુકોનમો કોમ કરીએ છીએ. ઇમનું ઉધાર ચૂકવાઇ જશે પછી અમે અમારા ગોમડ જતાં રઇશું...”
“અન ભણવાનું?”
ફરીથી ડચકારો બોલાવીને ના પાડી, “મુ તો શે’રમો જઇન રીક્ષા ચલાવોય. ત્યોં વધુ કમાબ્બા મલ...” કહી તે નિર્દોષ મુખભાવે હસી પડ્યો.
જ્યોતિ પણ તેના કહેવાના અંદાજ પરથી ખિલખિલ હસી પડી. ભીતરમાં ઘૂંટાતી સંવેદના હળવી પડી હાસ્યમાં પલટાવા લાગી.
“મારા શેઠ દુકોનમો મારી રાહ જોતાં હશી. મુ જઉં સુ. કાલે આયે મળવા? આરતી ટાણ?”
“મારા બા-બાપુન ખેતરમો કોમ કરાવાનું હોય સ. રવિવાર હોજે મળવા આવોય... ચાલશે?”
સ:સ્મિત બંને આંખો મીંચીને ‘હા’માં માથું ડોલાવ્યું, ને એ તરત દુકાન તરફ દોડ્યો.
અચાનક કશુંક યાદ આવતા જ્યોતિએ તેને બૂમ પાડી : “એય....”
તત્ક્ષણ તેના પગ થંભી ગયા.
તેણે પાછળ વળીને પૂછ્યું, “શું?”
“તારું નામ તો કે?”
“ભરત” કહી હસતાં મુખે તે ગલીગુંચીમાં દોડી ગયો.
બંને હસતાં મુખે મંદિર આગળથી છૂટા પડ્યા. હૈયામાં એકબીજા પ્રત્યેની લાગણીઓ ઘૂંટાવાની શરૂ થઈ ગઈ હતી. મનમાં હવે એક જ ચહેરો રમવા લાગ્યો હતો.
બંનેની બચપણની મિત્રતા પ્રેમમાં પલટાવાની હતી કે પછી...?
ખેર, ભગવાને તેમના નસીબની રેખાઓ બંનેને મળવાની લખી હતી કે નહીં – એનો ભેદ ભવિષ્યના ગર્ભમાં જ છુપાવીને રાખ્યો હતો. પણ અત્યારે તો કંઈક અલગ જ રીતે બંનેની તકદીરની રેખાઓ એકબીજાને નજદીક લાવી રહી હતી.
***
સમય પાણીના ઝરણાની જેમ ખળખળ વહેતો રહ્યો. એકબીજાનું મળવું અને વાતોચીતો બંનેના હૈયાને વધુને વધુ નજદીક લાવી રહ્યા હતા. ભરતનો સોહામણો ચહેરો જ્યોતિના મનમાં વસી ગયો હતો. તેને જોઈને હોઠ પર ગુલાબી સ્મિત રેલાઈ જતું. આંખોના પોપચાં નમી પડતાં. જ્યોતિના થનગનતા પગની ઊછળકૂદ તેને ગામમાં આવતો-જતો જોતાં જ શમી જતી. દીવાલની આડશ શોધી ચોરીછૂપી મલકાતા હોઠે તેને દેખતી. મનમાં વસેલો એ ચહેરો ભવિષ્યના સપનાઓ ગૂંથવા લાગ્યું હતું. ક્યારેક નિશાળની બહાર તો ક્યારેક ગામમાં આવતા-જતાં સ્મિતની આપ-લેમાં ઘણું કહેવાઈ જતું. જ્યોતિના યુવાન થઈ ઉઠેલા હૈયામાં પ્રથમ પ્રેમપુષ્પની કૂંપળો ખીલવા લાગી હતી. ખેતરનું કામકાજ કરતાં પણ મનમાં તેના જ વિચારો ખેડાયે જતાં. રાત્રે ઊંઘતી વખતે મન ભવિષ્યના સપનાની રંગોળીઓ પૂરતું.
સાત ધોરણ પછી જ્યોતિના બાપુએ તેને નિશાળેથી ઉઠાડી મૂકી. તેને ખેતરના કામમાં મદદ કરાવવા માટે લઈ જતાં. તેમનું ગરીબ મજૂર જીવન ઘણું સંઘર્ષમય રહ્યું હતું. રહેવા પોતાનું ઘર નહતું. જ્યાં કામ મળે ત્યાં ઝાડના ઓથે રહેવાનું, સુવાનું અને ખાવાનું પણ ત્યાં જ. જ્યોતિ તેમનું એક માત્ર સંતાન હતું. જ્યાં કામ મળે એ ખેતરમાં મજૂરી કરીને તેઓ પેટયું રળતા. તેના માતા-પિતા સ્વભાવે સરળ અને પ્રામાણિક હતા, અને એ સંસ્કાર જ્યોતિના સ્વભાવમાં બાળપણથી જ ઉતર્યા હતા.
એક દિવસ ગામના પૈસાદાર પટેલ શેઠે તેમનું કામ અને સ્વભાવ જોઈને તેમને ઘર તથા ખેતરના કામકાજ કરવા કાયમી રાખી લીધા. ભેંસોના તબેલામાં ભેંસો દોહવાનું, ખેતરમાં પાકની વાવણી કરવાની, માવજત કરવાની અને પાક લણવાનું કામ તેમને સોંપી દીધેલું. રહેવા માટે તેમને તબેલામાં જ એક કોટડી આપી દીધેલી. જ્યોતિની બા, કંકુબેન ભેંસોના તબેલામાં અને પટેલ શેઠના આખા ઘરનું કામકાજ કરતા. તેર વર્ષની જ્યોતિ પણ તેની બા સાથે રહીને બધું કામકાજ હોંશે હોંશે શીખી ગયેલી. ક્યારેક તેની બા બીમાર હોય તો એ ઘરનું બધું જ કામકાજ માથે ઉઠાવી લેતી.
પટેલ શેઠની પત્ની સ્વભાવે ઉદાર દિલના હતા. એમની બે જુડવા દીકરીઓ હતી. દિવ્યા અને દિપ્તી. જેમની સાથે જ્યોતિને ઘરમાં રમવા-ફરવાની પૂરી છૂટ આપતા. જાતિના ઊંચ-નીચનો કોઈ ભેદભાવ એમના મનમાં નહતો. બંને બહેનો જ્યોતિથી બે વર્ષ નાની હતી. બંનેને હાથમાં મહેંદી મૂકાવાનો ખૂબ શોખ. રજાના દિવસોમાં બંને ગામમાંથી મહેંદીના કોન લેતી આવતી. જ્યોતિને ટહુકો પાડી મેડી પર ત્રણેય ભેગા થતાં. જ્યોતિને મહેંદીના પુસ્તકમાં દોરેલી ડિઝાઇનનું અનુકરણ કરવાનું કહી તેના જોડે મહેંદી મુકાવડાવતાં. જ્યોતિની મહેંદી મૂકવાની આવડત જોઈને બંને બહેનો આશ્ચર્યમૂઢ થઈ તેની સામે જોઈ રહેતી, અને જ્યોતિ મહેંદીની ડિઝાઇનને બારીકાઈથી રચવામાં તલ્લીન થઈ જતી. બંને બહેનો ખુશખુશાલ થઈ તેમના હાથે મૂકેલી મહેંદીની ડિઝાઇન તેમની મમ્મીને બતાવવા ઉત્સુક થઈ જતી. બંનેના હાથે મુકેલી મહેંદી જોઈને શેઠાણી વિસ્ફારિત આંખે જ્યોતિ સામે જોઈ રહી જાણે કહેતા : આટલી નાની વયમાં આટલી સુંદર મહેંદી મૂકવાનું હુન્નર ક્યાંથી કેળવ્યું? જ્યોતિ ઝૂકેલા ચહેરે તેમની સામે ડોલતી શરમાતી ઊભી રહેતી. શેઠાણીના પ્રશંસાભર્યા શબ્દોનો ગર્વ લઈ તે ઠેકડા મારતી તબેલામાં દોડી જતી.
શનિ-રવિની રજાઓમાં બંને બહેનોના હાથમાં મૂકેલી મહેંદીનો રંગ ઘાટ્ટો નીખરી આવતો. તે નિશાળે જતી ત્યારે એમની બહેનપણીઓ તેમના હાથની મહેંદી જોઈને ખુશ થઈ જતી. એમના હાથે પણ એવી જ મહેંદી મૂકાવવાના અભરખા તેમના મનમાં જાગતા. બંને બહેનો તેમને મહેંદીનો કોન લઈને એમના ઘરે આવવા આમંત્રિત કરતી.
જ્યોતિના નામનો ટહુકો પડતાં જ તે તબેલામાંથી ખિસકોલીની જેમ દોડતી આવી મેડી પર જતી રહેતી. જ્યોતિને પણ તેના મનગમતા કામમાં હૈયું રેડવાનો અનેરો આનંદ આવતો હતો. મહેંદીની સુંગંધ તેના ફેફસામાં ભરાતા જ તેના મનમાં મહેંદીની વિવિધ ડિઝાઇનોની સર્જનશીલતા ખીલી ઉઠતી. કોન હાથમાં લેતા જ મનમાં આપોઆપ ડિઝાઇન રચાઇ જતી. મહેંદી છોકરીઓના હાથમાં મુકાતી ત્યારે જ્યોતિની ડિઝાઇન લેવાની આવડત જોઈને બધી છોકરીઓ દિગ્મૂઢ થઈ જતી. તેના શ્યામલ પાતળા હાથ, કાળા-ભૂખરાં વાળ, નમણો ચહેરો અને પ્રતિભાથી ચમકતી આંખો જોઈને જ તેઓ અંજાઈ જતાં. દિલથી કરેલા કામમાં જ્યોતિને કામના વળતર માટે એક ફદિયું માંગવાની ઈચ્છા મનમાં નહતી ઉઠતી.
ધીરે ધીરે બીજી ઘણી છોકરીઓ જ્યોતિ પાસે રજાઓમાં મહેંદી મૂકાવા આવવા લાગી, જેના બહાને દિવ્યા-દિપ્તીની બહેનપણીઓ પણ વધવા લાગી. ધીરે ધીરે જ્યોતિના હાથમાં મહેંદી મૂકવાનું કલાકૌશલ્ય ખીલવા લાગ્યું. હાથમાં આવડત બેસવા લાગી. પછી તો ગામમાંથી કેટલીય છોકરીઓ જ્યોતિને એમના ઘરે બોલાવી મહેંદી મુકાવતી. આખો દિવસ કામ કરીને શરીર થાકી ચૂક્યું હોય તો પણ જ્યોતિ રાત્રે નવ-દસ વાગ્યે, ગામમાં લગ્ન લેવાના હોય એ છોકરીઓના ઘરે મહેંદી મૂકવા પહોંચી જતી. છોકરીની મમ્મી પતાસાની થેલી ભરી જ્યોતિને ખુશ કરીને ઘરે મોકલતી. કંકુબેન પણ તેની આવડત પર ગર્વ લઈને તેની પીઠ થાબડતાં.
તેમનું જીવન એકદમ સરસ ચાલતું હતું. એક દિવસ જે બન્યું એના પછી જ્યોતિનું જીવન પૂરેપુરું બદલાઈ ગયું. તેના બાપુ, શંકરલાલ રાત્રે ખેતરમાં પાણત કામ કરતાં હતા ત્યારે સાપ કે કોઈ અન્ય ઝેરી જીવે તેમના પગ પર ડંખ મારી દીધો. અંધારામાં કશું દેખાતું નહતું કે શું કરડ્યું? પણ પગમાં દર્દ સાથે લબકારા વધવા લાગ્યા. તેમણે તરત જ ત્યાંથી પગ ઉપાડી તબેલા તરફ દોડ્યા. તબેલામાં પહોંચતા જ તેમનું શરીર થાકવા લાગ્યું. શ્વાસ લેતા લેતા તે હાંફવા લાગ્યા. હ્રદયના ધબકારા એટલા તેજ થઈ ગયા હતા, કે હમણાં હ્રદય ફૂટી જશે એવું લાગતું હતું. તબેલામાં પ્રવેશી તેમણે તરડાઇ ગયેલા અવાજે તેમની પત્નીને બૂમ પાડી. કંકુબહેનના કાને બૂમ સંભળાતા જ ફફડતા હૈયે તે બહાર દોડી આવ્યા. ડંખ મારેલો પગ જાણે કોઈ ભારે ધાતુથી જડાઈ ગયો હોય એટલો ભારેભરખમ તેમને મહેસુસ થતો હતો. શંકરલાલ તબેલાની વચ્ચે આવી જમીન પર ફસડાઈ પડ્યા.
આખરી શ્વાસની ઘડીઓ ગણાઈ રહી હતી. પરસેવે રેબજેબ શરીરે તેમણે પગ પર નજર કરી. ડંખ મારેલી જગ્યાએ જાંબલી-કાળો લોહીનો મોટો ગઠ્ઠો જામી ગયો હતો. તેમણે કંકુબહેનનો હાથ પકડ્યો અને તેમની સામે દેખીને ધ્રૂજતા અવાજે આખરી બે શબ્દો ઉચ્ચારયા : ‘હે રામ’ અને તેમનું શરીર ત્યાં જ ઢળી પડ્યું. કંકુબેન છાતી પીટીને આક્રંદ કરવા લાગ્યા. તેમનું પોચું હૈયું પતિના મૃત્યુનો આઘાત જીરવી ન શક્યું. બીજા જ દિવસે સવારે જ્યોતિ તેમને ઉઠાડવા ગઈ, પણ એમણે આંખો હંમેશા માટે મીંચી દીધી હતી. એકલીઅટુલી જ્યોતિ પંદર વર્ષે અનાથ બની ગઈ. અચાનક દુ:ખનો પહાડ તેના પાંગરી રહેલા જીવનછોડ પર પડ્યો હતો.
ગતની દુ:ખદ યાદો પર સમયની મલમ લેપાતી ગઈ, એમ એમ દુ:ખના ઘા ભરાતા ગયા. આખો દિવસ ઘરના કામકાજ અને ભેંસોને દોઇને એ થાકી જતી. રાત્રે એકલી ખાટલામાં સૂતી ત્યારે ક્યારેક તેનું મન ગતની યાદોમાં ડૂબી જતું. માતા-પિતાનો આશરો ગુમાવ્યાની અંત:વેદના તેના આંસુમાં ઓગળી ગાલ પર વહેવા લાગતી. તેમના હસતાં ચહેરા, મીઠો સ્પર્શ, લાડ-પ્રેમ, પોતીકાની હુંફભરી યાદો વાગોળતાં તેનું હૈયું વિષાદભાવથી ભરાઈ આવતું.
***
આ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવો 99136 91861 WhatsApp નંબર પર પણ આપી શકો છો.
લેખક – પાર્થ ટોરોનીલ