ઈશ્વર પ્રાર્થના પરની પ્રશ્નોત્તરી - 2
પ્રશ્ન: ઈશ્વરની પ્રાર્થના કરતાં કેટલાંક વેદમંત્રો જણાવશો?
વેદોમાં ઈશ્વરની પ્રાર્થના કરતાં ઘણાં મંત્રો છે. “ઈશ્વરની પ્રાર્થના” એ અત્યંત સુખદાયક અનુભવ છે. પણ એ વાતનું સદા ધ્યાન રાખો કે પ્રાર્થના ત્યારે જ સાર્થક નીવડે છે કે જ્યારે તમે નિરંતર ઉત્સાહપૂર્વકના પ્રયત્નો કરતાં હો.
યજુર્વેદ ૩૨.૧૪
હે અગ્ને અર્થાત પ્રકાશસ્વરૂપ તેજસ્વી પરમેશ્વર! આપની કૃપાથી વિદ્વાનો, જ્ઞાનીઓ અને યોગીઓએ જે બુદ્ધિ પ્રાપ્ત કરી છે, અને જે બુદ્ધિથી તેઓ તારી ઉપાસના કરે છે, વર્તમાન સમયમાં અમોને પણ તે જ બુદ્ધિથી યુક્ત કર. અમો નિસ્વાર્થભાવે અમારું સર્વસ્વ તને સમર્પિત કરીએ છીએ કારણ કે અમારી પાસે જે કાંઈપણ છે તેનો દાતા તું જ છે.
યજુર્વેદ ૧૯.૯
આપ પ્રકાશસ્વરૂપ પરમેશ્વર છો, કૃપા કરી અમારામાં પણ પ્રકાશ સ્થાપન કરો.
આપ અનંત પરાક્રમયુક્ત છો, અમારામાં પણ પૂર્ણ પરાક્રમ આપો.
આપ અનંત બળયુક્ત છો, તેથી અમોમાં પણ બળ આપો.
આપ અનંત સામર્થ્યયુક્ત છો, અમોને પણ પૂર્ણ સામર્થ્ય આપો.
આપ દુષ્ટ કામ અને દુષ્ટ ઉપર ક્રોધ કરનાર છો, અમોને પણ એવા જ બનાવો.
તું નિંદા, સ્તુતિને સહન કરનાર છે, કૃપાથી અમોને પણ એવા જ બનાવી માત્ર લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સામર્થ્ય આપ.
અમોને દુષ્ટતાથી દુર લઇ જઈ ભલાઈ તરફ વાળ.
યજુર્વેદ ૩૪.૧-૬ (શિવ સંકલ્પ મંત્રો)
હે પ્રેમાળ અને દયાળુ ઈશ્વર! તારી કૃપાથી મારું મન જાગ્રત અવસ્થામાં દૂર દૂર જાય છે તથા હંમેશા દિવ્યગુણયુક્ત રહે છે. તે જ મારું મન નિંદ્રા અવસ્થામાં દૂર દૂર જવા સમાન વ્યવહાર કરે છે. તારી કૃપાથી મને મળેલું પ્રકશિત મન સદા શિવસંકલ્પ રહે. એટલે કે મારું મન પોતાને અને અન્ય પ્રાણીઓને અર્થે સદા કલ્યાણનો સંકલ્પ કરનારું થાય અને કોઈની હાનિ કરવની ઈચ્છાયુક્ત કદી ન થાય.
હે સર્વજ્ઞ અને સર્વાંન્તરર્યામી પરમેશ્વર! જે મનથી ધૈર્યયુક્ત વિદ્વાનો લોક કલ્યાણ માટે સત્કર્મ કરે છે અને દુષ્ટો સામે યુદ્ધ કરે છે, જે મન અપૂર્વ સામર્થ્યયુક્ત છે અને જે મન સદા સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરનારું છે, તે મારું મન સદા ધર્માચરણ કરવાની ઈચ્છાયુક્ત થઈને અધર્મને સર્વથા છોડી દે.
જે ઉત્કૃષ્ટ જ્ઞાનપ્રદાતા છે, જે મારામાં સદા પ્રકાશયુક્ત છે, જે યોગ્ય નિર્ણય લેવામાં સહાયક છે, જેના વગર કોઈપણ કાર્ય સંપન્ન થઇ શકતું નથી, તે મારું મન સદા શુદ્ધ ગુણોની ઈચ્છા કરી દુષ્ટ ગુણોથી પૃથક રહે.
હે જગદીશ્વર! જે મનથી યોગી લોક સર્વ ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણી શકે છે, જે મન ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્તિ માટે અને જીવાત્માને પરમાત્મા સાથે મેળવવામાં સહાયભૂત છે, જે મન પાંચ જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ અને જીવાત્માની સાથે મળી સત્કર્મો કરે છે, તે મારું મન સર્વદા શુદ્ધ અને લોક કલ્યાણમાં પ્રવૃત રહે.
હે પરમ વિદ્વાન પરમેશ્વર! આપની કૃપાથી મારા મનમાં ચાર વેદોનું (ઋગવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ) જ્ઞાન એવી રીતે પ્રતિષ્ઠિત થયેલું છે જેમ રથની મધ્યમાં ધરીની અંદર આરા લાગેલા રહે છે. જે મનની અંદર અને બહાર સર્વજ્ઞ, સર્વવ્યાપક અને ચેતન ઈશ્વરનો વાસ છે, તે મારું મન સર્વદા કલ્યાણકારી કર્મોમાં પ્રવૃત રહે. આમ કરી મારું મન વેદજ્ઞાન પ્રાપ્ત કરવામાં સમર્થ બને અને તેમાં સર્વદા અવિદ્યાનો અભાવ રહે અને તે વિદ્યાપ્રિય બન્યું રહે.
હે સર્વનિયન્તા પરમેશ્વર! જે મન ઘોડાના નિયન્તા સારથીની સમાન મનુષ્યોને અહીં-તહીં ડોલાવે છે, જે હદયમાં પ્રતિષ્ઠિત ગતિમાન અને અત્યંત વેગવાળું છે, તે મારું મન મારી સર્વ ઇન્દ્રિયોને અધર્માચરણથી રોકી ધર્મપંથ પણ સદા ચલાવ્યાં કરે, એવી મારા પર કૃપા કરો.
યજુર્વેદ ૪૦.૧૬
હે આનંદ પ્રદાતા ! હે સ્વપ્રકાશસ્વરૂપ સર્વજ્ઞ ઈશ્વર ! આપ અમોને શ્રેષ્ઠ માર્ગથી સંપૂર્ણ બુદ્ધિયુક્ત કરો. અમોને અમારામાં રહેલ કુટિલ અને પાપાચરણરૂપ માર્ગથી પૃથક કરો. અમો તારી નમ્રતાપૂર્વક સ્તુતિ કરીએ છીએ છે કે આપ અમારા મન, વચન અને કર્મ પ્રવિત્ર કરો.
યજુર્વેદ ૧૬.૧૫
હે રુદ્ર ! (દુષ્ટને પાપના દુઃખસ્વરૂપ ફળ આપીને રુદન કરાવનાર પરમેશ્વર!) અમોને અમારાથી નાના, અમારા વડીલો, અમારા માતા-પિતા, ગર્ભમાં રહેલ જીવ, અમારા પ્રિયજનો કે પછી કોઈપણ નિર્દોષ જીવોને કોઈપણ પ્રકારની હાનિ ન પહોચાડવા પ્રેરિત કર. અમોને એવા માર્ગે ચાલવ કે જે માર્ગે ચાલી અમે તારા દંડને પાત્ર ન બનીએ.
શતપથ બ્રાહ્મણ ૧૪.૩.૧.૩૦
અમે અસત્યનો પરિત્યાગ કરી સત્યને ગ્રહણ કરીએ. અમે અંધકારરૂપી અવિદ્યાને છોડીને વિદ્યારૂપી જ્યોતિને પ્રાપ્ત કરીએ. અમે મૃત્યુરોગથી પૃથક થઇ અમરત્વરૂપી મોક્ષને પ્રાપ્ત થઈએ. હે પરમેશ્વર! આમ થવા માટે અમોને પ્રેરણા આપ.
યજુર્વેદ ૨.૧૦
હે સર્વઐશ્વર્યસંપન્ન ઈશ્વર! અમોને સ્વસ્થ શરીર, સર્વોત્તમ ઇન્દ્રીઓ અને મનમાં સ્થિર કર. અમારી સર્વ ઇન્દ્રિયો તથા મન ઉત્તમ થાય, અમોને ઉત્તમ પદાર્થ મળે અને સર્વ ઇન્દ્રિયો અને અવયવોનું પોષણ ઉત્તમ પ્રકારે થાય. અમોને સર્વ સદ્દગુણ યુક્ત કર. તું વિદ્યા, શક્તિ અને સમૃદ્ધિ આદિ ધનયુક્ત છે. અમારા રાષ્ટ્રને સામર્થ્યવાન, શક્તિમાન અને સમૃદ્ધ બનાવવામાં અમારી સહાય કર. અમારી ઈચ્છાઓ સદૈવ સત્ય થાય અને અમો સદા સત્કર્મો કરતાં રહીએ. અમારી ન્યાયપૂર્વકની ઈચ્છાયુક્ત ક્રિયાઓ સિદ્ધ થાય. અમે ભ્રષ્ટાચાર, દેશદ્રોહ જેવા રાષ્ટના શત્રુઓનો નાશ કરી એક શક્તિશાળી ચક્રવર્તી અને ન્યાયી રાષ્ટ્રની સ્થાપના કરીએ.
ઋગ્વેદ ૧.૩૯.૨
અમે સદા સશકત અને શક્તિમાન નબી રહીએ. અમારા શસ્ત્રો હંમેશા કાર્યક્ષમ સ્થિતિમાં ઉપલબ્ધ રહે. અમારા શસ્ત્રો અને શક્તિ નિર્દોષ લોકોની રક્ષામાં પાપી શક્તિઓને સદા પરાજિત કરતાં રહે અને પાપીઓની સેનાને સદા રોકી રાખે. અમારી શક્તિ, અમારું અદમ્ય સાહસ અને અમારી વીરતા, એક સમૃદ્ધ, શક્તિશાળી, ન્યાયી અને ચક્રવર્તી સામ્રાજ્યની સ્થાપના કરવામાં સહાયક બને. અમે ભ્રષ્ટાચાર, અન્યાય, દેશદ્રોહ જેવી પાપી શક્તિઓને પરાજિત કરતાં રહીએ. પણ આ પ્રાર્થના ત્યારે જ સાર્થક થઇ શકે કે જયારે આપણે સત્ય, ન્યાય, સદાચાર અને દયા માર્ગના પથિક હોઈએ. જે લોકા આવી પ્રાર્થના સફળ થવાની આશા રાખે છે પણ સ્વયં પ્રપંચી, અન્યાયી, કપટી અને પાપી છે તમને ઈશ્વરની ન્યાય વ્યવસ્થા અનુસાર ભારે પરાજયનો સામનો કરવો પડે છે. આથી આપણે સદા સત્કર્મો જ કરતાં રહેવું જોઈએ.
યજુર્વેદ ૩૮.૧૪
હે ઈશ્વર ! અમે સદા સત્કર્મો કરીએ. અમારી ઈચ્છાઓ શુભ અને ઉત્તમ તથા અમારા શરીર ઉત્તમોત્તમ તથા પુષ્ટિકારક અન્નથી બળવાન કર. અમે સદા કર્મશીલ બની રહીએ. અમે સદા વેદવિદ્યા અને વિજ્ઞાન ગ્રહણ કરી માનવમાત્રનું કલ્યાણ કરવામાં પ્રયત્નશીલ રહીએ. અમે બ્રાહ્મણવર્ણ જેવા ગુણ, કર્મ અને સ્વભાવયુક્ત થઇ વિદ્યા ગ્રહણ અને વિદ્યા પ્રચાર કરીએ. અમે દેશના આંતરિક અને બાહ્ય શત્રુઓનો નાશ કરી શક્તિશાળી ચક્રવર્તી રાષ્ટ્રની સ્થાપના અને સંચાલન કરે તેવા ક્ષત્રિય સ્વભાવવાળા થઈએ.
જેમ પૃથ્વી, સૂર્ય, અગ્નિ જેવા પદાર્થોથી સર્વ જગતને પ્રકાશ અને ઉપકાર પહોંચે છે તેમ જ્ઞાન, વિજ્ઞાન, કલાકૌશલની સાથે વિમાન, વાહનો, યંત્રો અને અન્ય ઉપકારક ઉપકરણોને વિકસાવી સમાજ પર ઉપકાર કરીએ. હે ન્યાયકારી ઈશ્વર! જેમ તું ન્યાયકારી છે, તેમ અમો પણ ન્યાયકારી બનીએ. હે સર્વહિતકારક પરમેશ્વર! જેમ તું સર્વહિતકારક છે તેમ અમો પણ પરસ્પરના વેર ત્યજી, કોઈપણ જીવ પ્રત્યે શત્રુતાનો ભાવ ન રાખી, સર્વના મિત્ર અને સર્વહિતકારી બનીએ. હે ઈશ્વર! અમારું રાષ્ટ્ર સર્વ સામર્થવાન બને, અમે સમૃદ્ધિના શિખર પર પહોંચીએ અને અમે સદ્દગુણો સંપન્ન થઈએ.
યજુર્વેદ ૧૮.૨૯
જે આ આખા જગતમાં વ્યાપી રહ્યો છે તે ઈશ્વર આપણો માતા-પિતા, ગુરુ અને પરમ મિત્ર છે. હે મનુષ્યો! તે ઈશ્વરની પ્રાપ્તિ માટે તમારું સર્વ આયુષ સમર્પણ કરો. અર્થાત મનુષ્યે પોતાનું જીવન તે ઈશ્વરની સેવામાં અને આજ્ઞા પાળવામાં જ ગાળવું. તે જ પ્રમાણે મનુષ્યે પોતાના પ્રાણ, જ્ઞાનેદ્રીઓ, મન, જીવાત્મા, સુખ, જ્ઞાન, સત્કર્મો, કર્મફળ, યજ્ઞ, સર્વ ક્રિયાઓની વિદ્યા, ન્યાયાચરણ, ભૂમિ આદિ રહેવાના સ્થાન, મહાન સિદ્ધિ આ સર્વ વસ્તુઓ ઈશ્વરને સમર્પણ કરી કૃતજ્ઞ થવું. કારણ કે મનુષ્ય પાસે જે કાઈપણ છે તે સર્વ પદાર્થોનો સ્ત્રોત ઈશ્વર જ છે. આથી હે મનુષ્યો! ઈશ્વર પ્રાપ્તિ જ તમારા જીવનનો એક માત્ર ઉદ્દેશ હોય. ઈશ્વર સમર્પણ એ જ તમારો જીવન મંત્ર બને!
આપણે ઈશ્વર સિવાય કોઈ વ્યક્તિ વિશેષ કે વંશને સ્વામી ન માનીએ. આપણે સદા ઈશ્વરના સનાતન નિયમો અનુસારનું વર્તન કરીએ. આપણે સદા ઈશ્વરની આજ્ઞા પાલન કરવામાં પ્રયત્નશીલ અને ઉત્સાહી બની રહીએ. ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધના માનવનિર્મિત નિયમોને ન માનીએ. આપણે સૌ એક થઇ એવી પાપી શક્તિઓનો નાશ કરીએ કે જે સાચા ઈશ્વરને નહીં પણ સ્વયંનો જ ઈશ્વર તરીકે સ્વીકાર કરવા આપણને બાધ્ય કરવાનો પ્રયત્ન કરે છે. બીજા શબ્દોમાં, આપણે સૌ એક થઈએ, ક્યારેય એકબીજાનું અહિત ન ઈચ્છીએ. અને સદા મન,વચન અને કર્મમાં સત્યનું આચરણ કરતાં રહીએ.
આપણે માત્ર અને માત્ર સર્વજ્ઞ ઈશ્વરને જ સ્વામી માની તેની આજ્ઞાનું પાલન કરતાં રહીએ, કોઈ અલ્પજ્ઞ વ્યક્તિ કે વંશની ઈશ્વર વિરુદ્ધની આજ્ઞાનું નહીં.
પ્રશ્ન: ઉપાસનાનો અર્થ સમજાવશો?
ઉપાસના શબ્દનો અર્થ “સમીપસ્થ” થવું છે. ઉપાસનાથી પરબ્રહ્મ સાથે મેળ અને તેનો સાક્ષાત્કાર થાય છે. જે કરવાથી ઈશ્વરના આનંદસ્વરૂપમાં પોતાના જીવાત્માને મગ્ન કરવામાં આવે છે, તેને “ઉપાસના” કહે છે. ઈશ્વરની આજ્ઞા અનુસાર આપણે મન, વચન અને કર્મમાં વ્યવહાર કરી શકીએ તે માટે ઈશ્વરને સમજવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેને “ઉપાસના” કહે છે. પરમેશ્વરના સમીપસ્થ થવા માટે અને તેનો સાક્ષાત્કાર કરવા માટે જે જે કર્મ કરવા આવશ્યક છે તે બધાં જ કર્મો “ઉપાસના” કહેવાય છે.
જે મનુષ્યે પોતાની અજ્ઞાનતાના બધાં જ બીજ નષ્ટ કરી દીધા છે, જેણે આત્મસ્થ થઇ પરમાત્મામાં ચિત્ત લગાડ્યું છે, તેને પરમાત્મા સાથેના યોગનું જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખનું વાણીથી વર્ણન કરી શકાતું નથી. કારણ કે ઈશ્વરના આનંદને તો જીવાત્મા તેના અંત:કારણમાં ગ્રહણ કરે છે.
પ્રશ્ન: ઈશ્વર ઉપાસનાની વિધિ જણાવશો?
ઈશ્વર ઉપાસના ઘણો લાંબો અને ગહન વિષય છે. ઈશ્વર ઉપાસના યોગ દર્શનનો મુખ્ય વિષય છે. આપણે આ પુસ્તકમાં ઈશ્વર ઉપાસના વિધિ પર ટુંકી વિગત આપીશું.
ઈશ્વર ઉપાસનાનો પ્રારંભ કરવા ઇચ્છનારને નીચે વર્ણિત ક્રિયાઓ સૌ પ્રથમ કરવી જોઈએ.
એ વાતની નોંધ લો કે જ્યાં સુધી ઉપાસક ઉપાસનાના વિધિના આ પ્રથમ તબક્કામાં વર્ણિત ક્રિયાઓ કરવામાં સફળ થતો નથી ત્યાં સુધી ઉપાસનાની બાકીની વિધિ તેના માટે અસરકારક નીવડતી નથી. ઉપાસના વિધિના આ પ્રથમ તબક્કાના બે અંગ છે. – યમ અને નિયમ
યમ
અહિંસા – શરીર, વાણી, તથા મનથી દરેક સમયે સમસ્ત પ્રાણીઓ પ્રતિ તિરસ્કાર કે દ્વેષનો ભાવ ન રાખી પ્રેમપૂર્વક વ્યવહાર કરવો “અહિંસા” કહેવાય છે.
સત્ય – જોયેલું, સાંભળેલું, વાંચેલું અને અનુમાન કરેલું જે જ્ઞાન મનમાં છે એવું જ જ્ઞાન વાણીથી બોલવું અને શરીરથી આચરણમાં લાવવું “સત્ય” કહેવાય છે.
અસ્તેય – કોઈ વસ્તુના સ્વામીની આજ્ઞા વિના તે વસ્તુને ન તો શરીરથી લેવી, ના લેવા માટે કોઈને વાણીથી કહેવું, કે ન મનમાં તે વસ્તુને લેવાની ઈચ્છા કરવી “અસ્તેય” કહેવાય છે.
બ્રહ્મચર્ય – મન થતા ઇન્દ્રિયો સંયમ રાખી વીર્ય આદિ શારીરિક શક્તિઓની રક્ષા કરવી, વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને ઈશ્વરની ઉપાસના કરવી “બ્રહ્મચર્ય” કહેવાય છે.
અપરિગ્રહ – હાનીકારક કે અનાવશ્યક વસ્તુઓ અને હાનીકારક કે અનાવશ્યક વિચારોનો સંગ્રહ ન કરવો “અપરિગ્રહ” કહેવાય છે.
નિયમ
શુદ્ધિ – શુદ્ધિ બે પ્રકારની હોય છે. પહેલી બાહ્ય શુદ્ધિ અને બીજી આંતરિક શુદ્ધિ. શરીર, વસ્ત્ર, પાત્ર, ખાનપાન વગેરેને પવિત્ર રાખવું “બાહ્ય શુદ્ધિ” કહેવાય છે. વિદ્યા, સત્સંગ, સ્વાધ્યાય, સત્ય ભાષણ, ધર્માંચારણથી મન-શુદ્ધિ વગેરેથી અંત:કારણને શુદ્ધ કરવું “આંતરિક શુદ્ધિ” કહેવાય છે.
આત્મસંતોષ – જ્ઞાન, વિદ્યા, બળ તથા સાધનોથી પૂર્ણ પુરષાર્થ કર્યા બાદ જેટલો પણ આનંદ, વિદ્યા, બળ, ધન ફળરૂપમાં પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહવું અને તેનાથી અધિક મળવાની ઈચ્છા ન કરવી “આત્મસંતોષ” કહેવાય છે.
તપ – ધર્માચરણરૂપ ઉત્તમ કર્મો કરતાં કરતાં ભૂખ-તરસ, સર્દી-ગરમી, હાની-લાભ, માન-અપમાન આદિ ને પ્રસન્નતાપુર્વક સહન કરવા “તપ” કહેવાય છે.
સ્વાધ્યાય – મોક્ષ પ્રાપ્તિ માટે વેદાદિ સત્ય શાસ્ત્રોનો અભ્યાસ અને મંત્રો જાપ તથા આત્મચિંતન કરવું એ “સ્વાધ્યાય” કહેવાય છે.
ઈશ્વર પ્રણિધાન – શરીર, બુદ્ધિ, બળ, જ્ઞાન ધન આદિ સાધનોને ઈશ્વરપ્રદ્દ્ત માની તેમનો પ્રયોગ લૌકિક ઉદ્દેશ માટે નહીં પણ ઈશ્વર પ્રાપ્તિ માટે કરવો; તથા ઈશ્વર મને જોઈ, સંભાળી અને જાણી રહ્યો છે તે ભાવના સદા મનમાં બનાવી રાખવી “ઈશ્વર પ્રણિધાન” કહેવાય છે.
જયારે આ મૂળ પ્રક્રિયા સમજાઈ જાય ત્યારે મનુષ્ય ઉપાસક બને છે.
આખી ઉપાસના વિધિનું તત્વ આ બે અંગોમાં હોવાથી ઉપાસનાના આ બે અંગના અભ્યાસમાં નિપુણ બન્યા બાદ જ તમે ઉપાસનાના બાકીના છ અંગોનો અભ્યાસ શરુ કરી શકો તેમ નથી. પણ ઉપાસનાના બાકીના છ અંગોનો અભ્યાસ કરવા માટે ઉપાસનાના પ્રથમ બે અંગોને સમજી તેનો નિરંતર પ્રમાણિકપણે અભ્યાસ કરતાં રહેવાની જરૂર તો રહે જ છે. કદાચ શરૂઆતમાં તેમાં સંપૂર્ણ સફળતા ન મળે તો પણ વધુ દ્રઢ સંકલ્પ કરી યમ નિયમમાં નિપુણ બનાવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પ્રશ્ન: આપણે ઉપાસના કેવી રીતે કરવી જોઈએ?
ઈશ્વર ઉપાસના પદ્ધતિ નીચે પ્રમાણે ક્રમાનુસાર કરવી જોઈએ.
૧. એકાંત અને શાંત સ્થાન શોધવું
૨. આસનમાં બેસવું અર્થાત ઈશ્વરનું ધ્યાન કરવા માટે એકાંત અને શાંત સ્થાન પર સુખપૂર્વક સ્થિર બેસવું.
૩. પ્રાણાયમ કરવું અર્થાત આસન પર સ્થિરતાપૂર્વક બેઠા પછી મનની અસ્થિરતા અને ચંચળતાને રોકવા માટે શ્વાસોચ્છવાસની ક્રિયાનું નિયંત્રણ કરવું. (એ વાતનું ધ્યાન રાખો કે આજકાલ રામદેવ બાબાની શિબિરોમાં જે યોગ શીખડાવવામાં આવે છે તે માત્ર એક શારીરિક કસરત જ છે અને તેનો સાચી યોગવિદ્યા સાથે કશો જ સબંધ નથી. સાચા અર્થમાં પ્રાણાયમ શીખવા માટે સત્યાર્થ પ્રકાશનું બીજું પ્રકરણ વાંચો.)
૪. મનને બાહ્ય ખલેલ અને અશાંતિથી અલગ કરી નિયંત્રણમાં લાવ્યાં બાદ જ્યારે ઇન્દ્રીઓ પોતાનું કામ કરવાનું બંધ કરે ત્યારે મનને નાભી, હદય, ગળું, નેત્ર, શિખા, કે પીઠના મધ્ય ભાગ જેવા શરીરના કોઈ એક સ્થાન પર સ્થિર કરવું.
૫. પોતાની જીવાત્માનું અને પરમાત્માનું વિવેચન કરો. પરમાત્મા સાથે ભાવાત્મક રીતે જોડાવાનો પ્રયત્ન કરી પરમાત્માના આનંદમાં મગ્ન થાઓ. બાહ્ય જગતને ભૂલી જાઓ. જેમ સુંદર સંગીત સાંભળતી વખતે આપણે મચ્છરના ગણગણાંટની અવગણના કરીએ છીએ, તેમ ઉપાસના સમયે મનમાં ઉભરતા અનિયંત્રિત વિચારોની અવગણના કરો.
૬. મનની નબળાઈ અને પાપયુક્ત વિચારોને દુર કરી મનને વિશુદ્ધ કરવાનો સંકલ્પ કરો! પ્રશ્ન
પ્રશ્ન: ઉપાસનાથી થતા લાભ સમજાવશો?
૧. જે કોઈ ઉપાસના કરે છે તેનો જીવાત્મા અને અંત:કારણ પવિત્ર થઇ સત્યથી પૂર્ણ થઇ જાય છે. અને સત્ય = આનંદ હોવાથી ઉપાસના કરનાર જીવાત્મા અન્ય જીવોની સરખામણીમાં જીવનનો વધુ આનંદ માણે છે.
૨. ધીરે ધીરે આ સત્ય સ્વરૂપ આંનદ ઉપાસકને મુક્તિ સ્વરૂપ પરમ આનંદ તરફ લઇ જાય છે કે જ્યાં કોઈપણ પ્રકારનું દુ:ખ હોતું નથી. પરમ આનંદની આ અવસ્થા જેવી બીજી કોઈ ઉત્તમ અવસ્થા નથી.
૩. જે ઉપાસક ૨૪-૭-૩૬૫ ઈશ્વર સમર્પિત રહે છે તે જીવનમાં વધુને વધુ સુખ અને આનંદને પ્રાપ્ત થાય છે. ઉપાસક ઉપાસના ન કરનારની સરખામણીમાં વધુ સક્ષમ, સચેત, ઉત્સાહી અને સફળ બને છે.
૪. ઈશ્વર જ ભૌતિક અને આધ્યાત્મિક સુખનો સ્ત્રોત હોવાથી ઈશ્વરનો ઉપાસક ભૌતિક અને આધ્યાત્મિક રીતે ખુબ જ સફળ બને છે!
૫. જેમ ઠંડીથી થર-થર ધ્રુજતો વ્યક્તિ અગ્નિ પાસે આવી ઠંડીથી નિવૃત થઇ જાય છે, તેમ પરમેશ્વરની સમીપ પ્રાપ્ત થવાથી જીવાત્મા સર્વ દોષ અને દુ:ખથી મુક્ત થઈ જાય છે. જીવાત્માના ગુણ, કર્મ અને સ્વભાવ પરમેશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ જેવા થાય છે અને જીવાત્મા પરમ આનંદયુક્ત પવિત્ર થઇ જાય છે.
૬. ઈશ્વરની ઉપાસના કરવાથી મનુષ્યનું આત્મબળ એટલું વધશે કે તે પર્વત સમાન દુ:ખ પ્રાપ્ત થવા છતાં ગભરાશે નહીં, એ સર્વ દુ:ખોને શાંતચિત્તે સહન કરશે અને તેમાંથી બહાર આવી જશે. મનુષ્ય જીવનમાં આનાથી વધારે અદ્દભુત બીજું શું હોય શકે!
૭. જે પરમેશ્વરની સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના નથી કરતાં તે મહામુર્ખ અને કૃતઘ્ન હોય છે. કારણ કે પરમાત્માએ આ જગતના સર્વ પદાર્થોને જીવોના સુખ માટે આપી રાખ્યા છે, આથી ઈશ્વરની આ કૃપા ભૂલી જવી અને ઈશ્વરને પણ ન માનવો, એ કૃતઘ્નતા અને મૂર્ખતા છે.
જરા વિચારો કે પોતાના માતા-પિતાને ત્યજી દેનાર કૃતઘ્ન, સ્વાર્થી અને મહામુર્ખ વ્યક્તિઓ સાથે આપણે કેવો વ્યહવાર કરવો જોઈએ!
***