બાજીગર
કનુ ભગદેવ
૭ - પ્રભાકરનું ખૂન....!
રાતનો એક વાગ્યો હતો.
નાગપાલ બાજીગરના કેસની ફાઈલ વાંચવામાં મશગુલ હતો.
એની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું.
દિલીપ તેની સામે જ પલંગ પર ગાઢ ઊંઘમાં સુતો હતો.
સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.
નાગપાલ માટે આટલી મોડી રાત્રે ફોનનું આગમન નવું નહોતું.
અગાઉ અનેક વખત આવું બની ચુક્યું હતું એટલે તેને જરા પણ નવાઈ ન લાગી.
એણે ફાઈલને સ્ટુલ પર મૂકી.
પછી ઉભા થઇ, આગળ વધીને રિસીવર ઊંચક્યું.
‘હલ્લો...મેજર નાગપાલ સ્પીકીંગ...!’
‘નાગપાલ સાહેબ...! સામે છેડેથી એક અપરિચિત અવાજ તેને સંભળાયો. બોલનાર પોતાનો અવાજ બદલીને બોલતો હોય એવું લાગતું હતું. ‘હું પોલીસનો મદદગાર બોલું છું..’
‘હું પોલીસનો માણસ નથી...!’
‘બરાબર છે પરંતુ એક યા બીજી રીતે તો પોલીસ સાથે સંકળાયેલા છો ને ?’
‘હા...’
‘તો સાંભળો...! ભૂતપૂર્વ એમ.એલ.એ.રાજનારાયણે પોતાના નાના ભાઈ કેપ્ટન પ્રભાકરનું ખૂન કરી નાખ્યું છે.’
‘શું...?’
‘હા...અને આ ખૂનમાં પ્રભાકરની પત્ની વીરાએ પણ રાજનારાયણને મદદ કરી છે.’
‘તમે મજાક તો નથી કરતા ને મિસ્ટર...?’
‘ના… હું મજાક નથી કરતો, પણ સાચું જ કહું છું!’
‘આ વાતની તમને કેવી રીતે ખબર પડી...?’
‘હું રાજનારાયણના બંગલે જઈ ચડ્યો હતો !’
‘કેમ...?’
‘એક ચોરને વળી બીજું શું કામ હોય...? હું ચોરી કરવાના આશયથી બંગલામાં ઘુસ્યો હતો. પરંતુ ત્યાં તો લોહી રેડાતું જોઇને નાસી છૂટ્યો છું...! હું રાજનારાયણના બંગલાથી થોડે દુર આવેલા એક પબ્લિક બુથમાંથી જ બોલું છું...!’
‘તમે એ લોકો વચ્ચે થયેલી વાતચીત સાંભળી હતી ?’
‘હા...’
‘રાજનારાયણે પોતાના નાના ભાઈનું ખૂન શા માટે કરી નાખ્યું એ બાબતમાં તમે કશું જણાવી શકો તેમ છો ?’
‘નાગપાલ સાહેબ, પ્રભાકરની પત્ની પણ આ ખૂનમાં સામેલ હતી તો એનો અર્થ શું કાઢી શકાય, એટલી બુદ્ધિ તો તમારામાં જરૂર હશે જ ?’
‘સમજ્યો...રાજનારાયણને પોતાના નાનાભાઈની પત્ની સાથે અનૈતિક સંબંધ હતો એમ જ તમે કહેવા માંગો છો ખરું ને ?’
‘હા...તમે તાબડતોબ રાજનારાયણના બંગલે પહોંચી જાઓ...! એ બંને પ્રભાકરના મૃતદેહને ઠેકાણે પાડી દેવાની વેતરણમાં હશે. ક્યાંક તમારા પહોંચ્યા પહેલાં જ તેઓ મૃતદેહને સગેવગે કરી નાખે એવું ન બને !’
‘હું નહીં બનવા દઉં...!’
વળતી જ પળે સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.
નાગપાલે તાબડતોબ પોલીસ હેડક્વાર્ટરે ઇન્સ્પેકટર વામનરાવને ફોન કરીને તાબડતોબ રાજનારાયણના બંગલે પહોંચી જવાની સુચના આપી દીધી.
એને દિલીપને ઉઠાડવાનો વિચાર આવ્યો.
પણ પછી એણે પોતાનો આ વિચાર માંડી વાળ્યો.
ત્યારબાદ તે ઝપાટાબંધ વસ્ત્રો બદલવા લાગ્યો.
-બીજી તરફ રાજનારાયણના બંગલામાં-
‘વીરા...! રાજનારાયણે કહ્યું. ‘આપણે હવે પ્રભાકરના મૃતદેહને ઠેકાણે પાડવામાં પળનોય વિલંબ ન કરવો જોઈએ...!’
‘પણ આપણે એને ક્યાં ઠેકાણે પાડીશું ?’
‘ગમે ત્યાં પાડી દેશું...!’
‘છતાંય તું કહે તો ખરો ૧ કદાચ આ બાબતમાં હું તને કોઈ મારી સલાહ આપી શકું..’
‘આપણે મૃતદેહને મારા ફાર્મહાઉસમાં દાટી દેશું...?’
‘રાજ...મૃતદેહને દાટવા માટે ઊંડો ખાડો ખોદવો પડશે...! અને ખાડો ખોદવાની હિંમત છે તારામાં ...?’
‘પણ...’
‘આપણે મૃતદેહને ઠેકાણે પાડવામાં કોઈ ત્રીજા માણસની મદદ નથી લેવાની...!’ વીરા વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા બોલી, ‘નહીં તો ભવિષ્યમાં એ પણ બાજીગરની માફક આપણને બ્લેકમેઈલ કરવા માંડશે !’
‘તો પછી દેવગઢના જંગલમાં ફેંકી આવીએ !’
‘તારું માથું તો નથી ભમી ગયું ને રાજ...?’
‘કેમ...?’
‘જો આપણે મૃતદેહને જંગલમાં ફેંકીશું તો એ લોકોની નજરે ચડી જશે...!’
‘તો ભલે ને ચડે...! એમાં આપણું શું લુંટાઈ જવાનું છે ?’
‘અરે આપણું શું નહીં લુંટાઈ જાય એમ પૂછ...!’
‘એટલે...?’
‘એટલે એમ કે પોતે પોતાની પત્ની તથા ભાઈને રેડહેન્ડેડ પકડવા માટે જાય છે એવું પ્રભાકરે પોતાના કોઈક મિત્રને જણાવ્યું હિય તે બનવાજોગ છે. કદાચ ન જણાવ્યું હોય તો પણ જયારે તેનો મૃતદેહ મળી આવશે, ત્યારે એનું ખૂન આપણે કર્યું છે એ વાત તરત બાજીગર સમજી જશે. બાજીગરને રાઈનો પર્વત બનાવતાં બહુ વાર નથી લાગતી એ તો તું જાણે જ છે. એ પુરાવાઓ એકઠા કરીને આપણને ફાંસીના માંચડે પહોંચાડી દેશે. ના...આપણે કોઈપણ સંજોગોમાં મૃતદેહને જંગલમાં ફેંકી શકીએ તેમ નથી.
‘તો પછી તું જ બોલ કે મૃતદેહને ક્યાં ઠેકાણે પાડવો છે ?’
‘આપણે મૃતદેહને અહીંથી દુર લઇ જઈને કોઈક ઊંડી નદીમાં પધરાવી દેશું...!’
‘મૃતદેહને નદીમાં ફેંકવાથી તે લોકોની નજરે નહીં ચડે ?’
‘ના...?’
‘કેમ...?’
‘એટલા માટે કે નદીનું વહેણ મૃતદેહને દુર દુર સુધી ઘસડી જશે...!’
‘પરંતુ એ ગમે ત્યાં પહોંચીને તો લોકોની નજરે ચડશે જ ને ?’
‘હા... પણ જ્યાં પહોંચશે, ત્યાં તેની ઓળખ કરનારું કોઈ જ નહિ હોય...! તેમ છતાંય એક બીજો ઉપાય પણ છે મારી પાસે...!’
‘શું ?’
‘આપણે મૃતદેહના ચહેરા પર તેજાબ છાંટી દેશું...!’
‘અત્યારે મારો કયો બાપ મને અહીં તેજાબ આપી જવાનો હતો ?’ રાજનારાયણ ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘તારી વાતેય સાવ ગધેડાને તાવ આવે એવી છે. બોલ અત્યારે અડધી રાતે તેજાબ ક્યાંથી લાવવો...?’
‘તેજાબ લાવવા માટે ક્યાંય જવાની જરૂર નથી.’
‘કેમ...?’
‘એ મારી પાસે છે...!’
‘તારી પાસે તેજાબ છે...? રાજનારાયણે ચમકીને તેની સામે જોતા પૂછ્યું.
‘હા, હું કાલે જ લઇ આવી હતી.’
‘કેમ...? શા માટે ...?’
‘જયારે પ્રભાકર મને તેડવા માટે આવે અને એ સુતો હોય ત્યારે એના ચહેરા પર તેજાબ છાંટીને તેને કદરૂપો બનાવી દેવા માટે...! એ કદરૂપો બની જાય ત્યારબાદ હું તેની સાથે છૂટાછેડા લઈને તારી સાથે લગ્ન કરી લેત...! તું ના પાડત તો કોઈક બીજાનું ઘર શોધી લેત...!’ વીરાનો અવાજ એકદમ ભાવહીન હતો.
એની વાત સાંભળીને રાજનારાયણનું દિમાગ ચકરાવે ચડી ગયું.
વીરા કેટલી કઠોર હૃદયની અને ખતરનાક સ્ત્રી છે, એનો તે વિચાર કરવા લાગ્યો.
ઘડીભર તો એ પણ વીરાના ભયથી થરથરી ઉઠ્યો.
તું શું વિચારમાં પડી ગયો છે રાજ...?’
‘ક...કંઈ નહીં...!’ એણે વિચારધારામાંથી બહાર આવતા કહ્યું.
‘હું સ્ટોર રૂમમાંથી કોથળો લઇ આવું છું...!’
વાત પૂરી કર્યા પછી વીરા ઉતાવળા પગલે શયનખંડમાંથી બહાર નીકળી ગઈ.
રાજનારાયણ ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર વળેલો પરસેવો લુછવા લાગ્યો.
થોડી પળો બાદ વીરા પુન: શયનખંડમાં આવી, ત્યારે તેના હાથમાં એક કોથળો જકડાયેલો હતો.
રાજનારાયણ આગળ વધીને મૃતદેહ પાસે પહોંચ્યો.
એનો ચહેરો સળગેલા કાગળ જેવો થઇ ગયો હતો.
હૃદય નગારાની જેમ ધબકતું હતું.
જયારે એથી વિપરીત વીરાના ચહેરા પર ભય કે ગભરાટનું નામોનિશાન પણ નહોતું.
જાણે કશુંય ન બન્યું હોય એવા હાવભાવ એના ચહેરા પર ફરકતા હતા.
‘જો તો ખરો રાજ...!’ એ બોલી. ‘આ કમજાત મર્યા પછી પણ કેવો ઘૂરકીને જુએ છે...! સાલ્લો લબાડ...મારી સામે ડોળા ફાડે છે..!’ વાત પૂરી કરીને એણે મૃતદેહના ચહેરા પર ઠોકર મારી દીધી.
રાજનારાયણના મોંમાંથી તીણી ચીસ નીકળી ગઈ.
‘શું થયું રાજ...?’
‘મારો જીવ ગભરાય છે વીરા...!’રાજનારાયણ હાંફતા અવાજે બોલ્યો.
‘તું પુરુષ થઈને ગભરાય છે...? ચાલ...મૃતદેહને કોથળામાં પેક કરી દઈએ...!’ વીરાએ મૃતદેહના પગ કોથળામાં નાંખતા કહ્યું, ‘આને બેઠો કર...!’
રાજનારાયણે મૃતદેહને બેઠો કરવાનો પ્રયાસ કર્યો.
પરંતુ એમાં તેને સફળતા ન મળી.
મૃતદેહ એકદમ અકડાઈ ગયો હતો.
એને બેઠો કરવાના રાજનારાયણના તમામ પ્રયાસો વ્યર્થ ગયા.
‘તું ય બાકી કેવો છે રાજ...! એક મૃતદેહને બેઠો નથી કરી શકતો ?’
‘મૃતદેહ એકદમ અકડાઈ ગયો છે વીરા...!’
એ જ વખતે નાગપાલે રિવોલ્વર સાથે શયનખંડમાં પગ મુક્યો.
‘બસ કરો...!’ એ કઠોર અવાજે બોલ્યો, ‘તમારે મૃતદેહને ક્યાંય લઇ જવાની જરૂર નથી. મિસ્ટર રાજનારાયણ અને મિસીસ પ્રભાકર...! પોલીસ પોતે જ હવે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જશે.’
નાગપાલને અણધાર્યો આવી ચડેલો જોઇને રાજનારાયણ તથા વીરાના પગ નીચેથી જમીન સરકી ગઈ.
ચહેરા કાપો તો લોહી ન નીકળે એવા થઇ ગયા.
પોતે આ રીતે પોલીસની ચુંગાલમાં જકડાઈ જશે, એવી તો તેમણે કલ્પના પણ નહોતી કરી.
આ બધું બાજીગરનું જ પરાક્રમ છે, એ વાત તેઓ તરત જ સમજી ગયા. કદાચ બાજીગર પોતાના પર નજર રાખતો હતો. એ પોતાને પ્રભાકરનું ખૂન કરતો જોઈ ચુક્યો છે અને એણે જ નાગપાલને અણીના સમયે મોકલી દીધો છે.
‘મિસ્ટર રાજનારાયણ, તમે તમારા સગા ભાઈનું જ ખૂન કરી નાખશો એવું મેં નહોતું ધાર્યું !’ નાગપાલ બોલ્યો.
રાજનારાયણ ચૂપ રહ્યો.
એ કશું જ બોલી શકે તેમ નહોતો.
એની નજર સામે તો કોર્ટરૂમ અને ફાંસીનો ગાળિયો તરવરતો હતો.
મનોમન એ ખુબજ પશ્ચાતાપ અનુભવતો હતો કે જો પોતે વીરાની વાત ન માની હોત તો આજે પોતાના હાથ સગાભાઈના લોહીથી ન ખરડાયા હોત...!
‘વીરા...!’ નાગપાલે વીરાને ઉદ્દેશીને કઠોર અવાજે કહ્યું, ‘હું તને સ્ત્રી કહું કે ચુડેલ...?તેં તારા હાથેથી જ તારા સેંથાનું સિંદુર ભૂંસી નાખ્યું ? તારા પતિ પરમેશ્વરનું ખૂન કરવામાં રાજનારાયણને સાથ આપ્યો...? તું સ્ત્રી નહીં, પણ સ્ત્રીના નામ પર કલંક છો...!’
પરંતુ નાગપાલના કથનની વીરા પર કંઈ જ અસર ન થઇ.
એનો ચહેરો ભાવહીન હતો.
‘મિસ્ટર રાજનારાયણ... બાજીગર શા માટે તમને બ્લેકમેઈલ કરતો હતો ને શા માટે તમે લેખિત રૂપે ફરિયાદ નોંધાવવા નહોતા માંગતા એ વાત હવે જ મને સમજાય છે...! તમારે તમારા નાના ભાઈની પત્ની એટલે કે આ ચુડેલ સાથે અનૈતિક સંબંધ છે એ ભેદ બાજીગર જાણતો હતો અને આ ભેદના આધારે જ એ તમને બ્લેકમેઈલ કરતો હતો ખરું ને ? આ જ વાત હતી ને ...?’કહીને નાગપાલ પ્રશ્નાર્થ નજરે રાજનારાયણ સામે તાકી રહ્યો.
‘હા..નાગપાલ સાહેબ...શું એવું ન બની શકે કે ...’ કહેતાં કહેતાં રાજનારાયણ અટકી ગયો.
‘હા...હા...બોલો... તમે અટકી શા માટે ગયા...?’
‘નાગપાલ સાહેબ..તમે પાંચ-સાત લાખ રૂપિયા લઈને અમારો પીછો છોડી દો...!’ છેવટે રાજનારાયણે એની નેતાગીરી વાપરી જ નાખી, ‘અર્થાત...અમને મૃતદેહ ઠેકાણે પાડી દેવા દો...!’
રાજનારાયણની વાત સાંભળીને નાગપાલનો ચહેરો કમાનની જેમ ખેંચાયો.
એની આંખોમાં ક્રોધની લાલિમા ફરી વળી.
ચહેરો કાનની બુટ સુધી લાલઘુમ બની ગયો.
એણે રિવોલ્વરને ગજવામાં મૂકી દીધી.
ત્યારબાદ તે ધીમેધીમે આગળ વધીને રાજનારાયણ પાસે પહોંચ્યો.
વળતી જ પળે એના રાઠોડી હાથનો એક સણસણતો તમાચો રાજનારાયણના ગાલ પર ઝીંકાયો.
રાજનારાયણની આંખો સામે અંધકાર ફરી વળ્યો.
એના ગાલ પર કાળી બળતરા થવા લાગી.
જાણે પોતાના ગાલ પર તમાચો નહીં પણ વજનદાર હથોડો ઝીંકાયો હોય એવો ભાસ તેને થતો હતો.
નાગપાલનું રૌદ્ર સ્વરૂપ જોઇને વીરા એકદમ હેબતાઈ ગઈ.
એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી.
એની આંખોમાં ભય, ખોફ અને દહેશતના હાવભાવ છવાઈ ગયા હતા.
તે ફાટી આંખે ક્યારેક નાગપાલ સામે તો ક્યારેક રાજનારાયણ સામે તાકી રહી હતી.
‘ન...નાગપાલ સાહેબ...!’ રાજનારાયણ માંડમાંડ આટલું બોલી શક્યો.
‘ખામોશ...કમજાત...!’ નાગપાલના આવજમાં કારમો રોષ ગુંજતો હતો, ‘તારા જેવા નેતાઓ હોય પછી દેશ કેવી રીતે પ્રગતિ કરી શકે...? તારા જેવા નેતાઓ જ દેશને બરબાદીના પંથે ધકેલે છે..સાલ્લા લબાડ...ખાદી પહેરે છે.તો પછી એનું માન રાખતા શીખ.! અત્યારે તને શૂટ કરી નાખવાની મને ઈચ્છા થાય છે...પણ મારા હાથ કાયદાની બેડીમાં જકડાયેલા છે એટલે હું લાચાર છું. તું મને પણ બીજો જેવો રુશ્વતખોર અને ભ્રષ્ટાચારી માને છે...? આજ સુધીમાં કોઈ ઈમાનદાર ઓફિસર સાથે તારે પનારો નથી પડ્યો લાગતો એટલે જ આ રીતે ખુલ્લેઆમ લાંચની ઓફર કરે છે! સાંભળ, પાંચ-સાત લાખ તો શું, તું દુનિયાના પાંચ-સાત દેશો આખેઆખા ખરીદીને આપે તો પણ હું નહીં ખરીદાઉં, , , ભારતની પ્રજા પણ સાવ ભોળી છે કે તારા જેવા ભ્રષ્ટાચારીના વચન પર ભરોસો રાખીને સત્તાની બાગડોર તમારા હાથમાં સોંપી દે છે...!
‘મને ...મને માફ કરી દો નાગપાલ સાહેબ...!’ રાજનારાયણ કરગરતા આવજે બોલ્યો.
‘તને મારી પાસેથી માફી મળશે, પણ ફાંસીના માંચડે લટકી ગયા પછી...!’ નાગપાલનો રોષ હજુ પણ ઓછો નહોતો થયો.
સહસા શાંત વાતાવરણમાં પોલીસ જીપનું સાયરન ગુંજી ઉઠ્યું.
વામનરાવ પોતાના લાવ-લશ્કર સાથે સાથે આવી પહોંચ્યો છે એ વાત નાગપાલ તરત જ સમજી ગયો.
રાજનારાયણ તથા વીરાના ચહેરા ભયથી પીળા પડી ગયા.
થોડી પળો બાદ વામનરાવ પોતાના સહકારીઓ સાથે અંદર પ્રવેશ્યો.
નાગપાલ તેને બધી હકીકતથી વાકેફ કરવા લાગ્યો.
***
સવારના ચાર વાગ્યા હતા’
સુધાકર અને કિરણ ગાઢ ઊંઘમાં સુતા હતા.
સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.
ઘંટડીનો આવાજ સાંભળીને સુધાકરની સાથે સાથે કિરણની ઊંઘ પણ ઉડી ગઈ.
એણે બેઠા થવાનો પ્રયાસ કર્યો.
‘તું સુતી રહે ડિયર...! હું જોઉં છું...!’ સુધાકરે કહ્યું.
એણે પલંગ પરથી નીચે ઉતરીને સ્લીપર પહેર્યા અને આંખો ચોળતો ચોળતો ટેલીફોન પાસે પહોંચ્યો.
‘હલ્લો...!’ એણે રિસીવર ઊંચકીને કાને મુકતા કંટાળાભર્યા અવાજે કહ્યું, ‘કોણ બોલે છે ?’
‘હું ઇન્સ્પેકટર વામનરાવ બોલું છું...!’
‘બોલો ઇન્સ્પેકટર સાહેબ ?’
સુધાકરના મોંએથી ઇન્સ્પેકટરનું નામ સાંભળીને કિરણની ઊંઘ ઉડી ગઈ.
ઇન્સ્પેકટરને અત્યારે ફોન કરવાની શી જરૂર પડી હશે, એનો તે વિચાર કરવા લાગી.
‘તમે કોણ બોલો છો ?’
‘સુધાકર...!’
‘શું તમે શેઠ કાશીનાથના પુત્ર અને એમ.એલ.એ રાજનારાયણના જમાઈ છો ?’
‘હા... પણ વાત શું છે ઇન્સ્પેકટર સાહેબ ?’
‘તો મહેરબાની કરીને મિસ્ટર કાશીનાથને ફોન પર બોલાવી આપો...!’
‘પણ પિતાજી તો બહારગામ ગયા છે ...’
‘કઈ તરફ ગયા છે ?’
‘એ તો હું નથી જાણતો..?’
‘ખેર, મિસ્ટર રાજનારાયણે તેમને જ ફોન કરવાનું કહ્યું હતું.’
‘રાજનારાયણ અંકલ તો કુશળ તો છે ને ...?’
‘અત્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં છે !’
‘શું...?’
‘હા...’
‘આ તમે શું કહો છો ઇન્સ્પેકટર સાહેબ ...? અંકલ વળી પોલીસ કસ્ટડીમાં શા માટે હોય...? તેમણે શું ગુનો કર્યો છે...?’
આ દરમિયાન વાતચીતનો અર્થ પારખીને કિરણ પણ તેની પાસે આવી પહોંચી હતી.
‘શું વાત છે સુધાકર...?પોલીસે પિતાજીની શા માટે ધરપકડ કરી છે ?’એણે પૂછ્યું.
સુધાકરે તેને ચૂપ રહેવાનો સંકેત કર્યો.
કિરણ ચૂપ થઇ ગઈ.
પરંતુ કોઈક અજાણી આશંકાથી તેના ધબકારા એકદમ વધી ગયા હતા.
‘બોલો ઇન્સ્પેકટર સાહેબ...! શું અંકલથી કોઈ ગુનો થઇ ગયો છે ?’
‘હા...’
‘શું...?’
‘તેમના હાથેથી એક ખૂન થઇ ગયું છે...?’
‘આ..આ તમે શું કહો છો ઇન્સ્પેકટર સાહેબ...?’સુધાકરે અવિશ્વાસભર્યા અવાજે પૂછ્યું.
‘હું સાચું કહું જ કહું છું. મિસ્ટર રાજનારાયણે પોતાના નાના ભાઈ કેપ્ટન પ્રભાકરનું ખૂન કરી નાખ્યું છે. અફસોસની વાત તો એ છે કે આ ખૂનમાં મિસ્ટર પ્રભાકરની પત્ની વીરાએ પણ તેમને મદદ કરી હતી.’
‘પણ આવું કેવી રીતે બને...?’
‘મિસ્ટર સુધાકર, રાજનારાયણ અને વીરા વચ્ચે અનૈતિક સંબંધ હતો. જોગાનુજોગ આજે મિસ્ટર પ્રભાકર એ બંનેને કઢંગી હાલતમાં જોઈ ગયો. તેમની વચ્ચે ઝઘડો થયો અને પછી રાજનારાયણ તથા તથા વીરાએ ભેગા થઈને પ્રભાકરનું ખૂન કરી નાખ્યું.’
‘ઓહ...’સુધાકર બબડ્યો.
‘મિસ્ટર કાશીનાથ આવે તો કહેજે કે તેમને રાજનારાયણ યાદ કરે છે !’
‘જી...!’સુધાકર બોલ્યો.
જાણે ભારબજારમાં પોતાના ગાલ પર કોઈકે વગર વાંકે તમાચો ઝીંકી દીધો હોય એવો ભાસ તેને થતો હતો.
સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો હતો.
સુધાકરે પણ ધીમેથી રિસીવર મૂકી દીધું.
એના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા હતા.
‘શું વાત છે સુધાકર...?’
કિરણના અવાજથી તેની વિચારધારા તૂટી.
‘તેં કંઈ કહ્યું...?’
‘હા...હું એમ પૂછતી હતી કે પિતાજી પોલીસ કસ્ટડીમાં શા માટે છે...?’
‘તેમણે અને તારી આંટીએ ભેગા થઈને તારા અંકલ કેપ્ટન પ્રભાકરનું ખૂન કરી નાખ્યું છે...! આ કારણસર પોલીસે તેમની ધરપકડ કરી છે...!’
‘ન...ના...!’ કિરણ ચીસ જેવા અવાજે બોલી, ‘આવું બને જ નહીં...! આ બધું ખોટું છે સુધાકર...!’
‘આ ખોટું નથી, પણ સાચું જ છે...!’ સુધાકરે ગંભીર અવાજે કહ્યું.
‘પરંતુ એક વાત મને નથી સમજાતી...!’કિરણ વિચારવશ અવાજે બોલી.
‘શું ?’
‘એ જ કે પિતાજીએ તથા વીરા આંટીએ ભેગા થઈને અંકલનું ખૂન શા માટે કર્યું?’
જવાબમાં સુધાકરે એ બંને વચ્ચેના અનૈતિક સંબંધો વિશે કિરણને જણાવી દીધું.
પોતાના પિતાજીના વાસ્તવિક ઘૃણિત રૂપ વિશે જાણ્યા પછી કિરણમાં સુધાકર સાથે નજર મેળવવાની હિંમત નહોતી રહી.
એ કોઈક ગુનેગારની જેમ નીચું જોઈ ગઈ.
***