અધુરા અરમાનો -૧૮
સૂરજ ઘેર આવ્યો નહી. કાગના ડોળે રાહ જોઈને બેઠેલા સૌની વિમાસણ વધવા લાગી. ધોમ તાપમાં નીકળેલો સૂરજ હજું કેમ આવ્યો નહી? ક્યા હશે? એવા વિચારે ચિંતાનું સામ્રાજ્ય ફેલાયું. કિશનભાઈ જયના ઘેર ગયા. જય દ્વારા જાણવા મળ્યું કે સૂરજ આજે નહી જ આવે. જાણીને રાહત થઈ.
"સુરજ......!" દર્દનાક ચિત્કાર થયો. એ બિહામણો અવાજ રોટલી વણતા શિલ્પાબેનના કાને ઊતર્યો. સાદ વરતાતા વેંત જ એ સફાળે બારણે આવી પહોચ્યા. એમણે જોયું તો એમની આંખ ફાટી ગઈ. વેરવિખેર હાલતે સેજલ ભોંય પર ઢળેલી પડી હતી. માતૃવત્સલ પ્રેમાળ અંતરમાં અરેરાટી ઉમટી આવી. હૈયું હિબકે ચડ્યું ને મન ડામાડોળ. અંજલીની મદદથી સેજલને ઘરમાં લીધી. પુત્રીવત્સલ પ્રેમાળ ઉરમાંથી ડામાડોળ દુ:ખના ફુવારા ઉડવા લાગ્યા. સઘળું કામ પડતું મૂકીને એ ત્યાં જ ઉભડક બેસી ગયા. ઘડીકવારે સેજલે આંખ ઉઘાડી. હજું તો પાંપણ પૂરી ખૂલી નહોતી ને સેજલે સવાલોના મહાસમંદર ઉલેચવા માંડ્યા:"મમ્મી, મમ્મી...! હું ક્યાં છું? મારો સૂરજ ક્યાં છે? એ મને મૂકીને કેમ જતો રહ્યો? મમ્મી અંજલી ક્યાં છે? અરે અંજલી જા જલ્દી સૂરજને બોલાવી લાવ જા...જા...! અરે, પણ મારી આંખો પૂરૂપૂરી કેમ ઉઘડતી નથી? અરે યાર, સરજ! તું પાછો આવી જા, હું હવે તારા વિના શે જીવી શકું? આવ...આવ....!" અને ફરી બેભાનીને વશ થઈ.
બિચારા શિલ્પાબેન આ ગોઝારી ઘટના જોઈ અવાક રહી ગયા. પળભર માટે તો જાણે એમનું દિલ બંધ પડી ગયું ન હોય! વધું આઘાત તો સૂરજ નામના અજાણ્યા શખ્સનું અજાણ્યું નામ સાંભળીને.
સેજલને સફાળે મૂકીને સૂરજ સીધો જ પંચાયતની સામે જ આવેલ પાનના ગલ્લા પર આવ્યો. કેટલાંક યુવાનો નીતનવા ટોળટપ્પા મારીને મન બહેલાવી રહ્યાં હતાં. સૂરજે સિગારેટનું પેકેટ ખરીદ્યું. સિગારનો દમ કસ મારતો એ સ્મશાનના મારગે ચાલીને નારાયણીનગર સોસાયયીમાં વળ્યો. સર્વત્ર સોંપો પડી ગયો હતો. અંધારી આલમની ઉબડખાબડ અંધારી ગલિયોમાં આથડતો આથડતો એ એની બહેનના ઘેર પહોચ્યો. એટલીવારમાં એણે છ સિગારેટનો ખાત્મો બોલાવી દીધો હતો. સિગારના ઝેરી કેફમાં સેજલની ચિંતાભરી યાદોના નશાએ એના મનને ગોળ ગોળ ભમાવવા માંડ્યું. આંખોના પોચા પોપચા પર ધુમાડાના પડળ જામી ગયા હતાં. દીવાલે આથડતા જ એણે ડોરબેલ વગાડી.
રાતના નીરવ સૂનકારમાં એ ડોરબેલની રણકાર ક્યાંય સુધી હવામાં ગુંજી રહી.
જીંદગીના વળાંક બહું અટપટા હોય છે. સાવ સરળતમ ધારેલો વળાંક જ્યારે જલેબીની આકાર સમો બનીને સામે આવી જાય છે ત્યારે જીવનના હોંશકોશ ઊડી જાય છે. ઉમંગભેર જીવવા જેવું જીવન વેરાન બની જાય છે. જીવનમાં આવા અટપટા વળાંકો શાને આવી જતાં હોય છે?
"દીકરા સેજલ! હું તારી મમ્મી તારી જોડે જ છું. તું તારા વહાલા રૂમમાં જ છે. આ જો અંજલી તારી સન્મુખ જ ઊભી છે." કહીને એમણે સેજલના ગાલે મીઠી બચીઓ ભરી. એના અધરે પાણીનો પ્યાલો મૂક્યો. પરંતું સેજલ હોઠ ખોલે તો પાણી ગળે ઊતરે ને! ગ્લાસ હાથમાં અને હૈયામાં 'સૂરજ' નામનો અણુંબોમબ ફૂટ્યો. એ બોમ્બ માતૃરદયી કાળજાના ટૂકડ-ટૂકડા કરી ગયો.
"કોણ છે આ સૂરજ?" શંકાઓથી ભરેલા અનેક સવાલો ચિત્તને તિત્તરવિત્તર કરી ગયા. બાજુમાં જ ઊભેલી અંજલી બધી હકીકત જાણતી હતી. એ બહું સમજું હતી. એ અજાણ બની શાંત રહી.
શિલ્પાબેન દુ:ખના માર્યા બેબાકળા બની ગયા. એમણે અંજલીને પૂછ્યું:બેટા, 'અંજલી! આ સૂરજ કોણ છે? તું એના વિશે કંઈ જાણે છે?'
'ના, મમ્મા. મને કશી જાણ નથી.'
'ગમે એમ કરીને જાણી લે. હું એ નાલાયકને છોડીશ નહી!' શિલ્પાબેનનો અવાજ ભારે થયો. અંજલી ગભરાઈ. એણે ફોન જોડ્યો.
'હેલ્લો, મયુરી....અંજલી બોલું છું!'
'હા, બોલ શું હતું?'
અંજલીએ ઘટેલી બીના વર્ણવી. મયુરી તાગ જાણી ગઈ. એણે કહ્યું:'સેજલ પ્રેમલગ્નના રવાટે ચડી હતી. સૂરજ હજુ લગ્ન માટે તૈયાર નહોતો. શાયદ આજે મળ્યો હોય અને લગ્નની ચોખ્ખી ના પાડી હોય જેના કારણે સેજલ બહાવરી બની હોય એવું બને. પરંતું આજની બાજી સંભાળી લેજે. તારી મમ્મીને ગંધ આવવા દઈશ નહી, કાલે હું બધું ઠીક કરી આપીશ!'
'હા, પણ હવે હું મમ્મીને શું ઉત્તર આપું? મારી પણ મતિ બહેર મારી ગઈ છે યાર!'
'તારી મમ્માને કહેજે મયુરી કે એની કોઈ સહેલી કશું જાણતી નથી. શાયદ એ કોઈ સદમામાં પડી હશે. જે હશે એ કાલે જ જાણવા મળે.'
ફોન મૂકાયો.
અંજલી વિમાસણે ચડી.
એ મનમાં કંઈક ગોઠવણ કરે એ પહેલા જ શિલ્પાબેન સામે આવી ઊભા રહ્યાં.
'મમ્મી, મયુરી કહેતી હતી કે સેજલ હાલ જ એના ઘેરથી નીકળી છે. એ બીજું કંઈ જાણતી નથી. એ સવારે આવશે.' સૌનો આબાદ બચાવ કરતી અંજલી જે મનમાં આવ્યું એ સંભાળીને બોલી ગઈ.
"સાચા આશિક એ હોય છે અશ્ક,
વેદના જે અન્ય આશિકોની જાણે!"
મધુરી ડોરબેલનો સંગીન રણકાર સાંભળીને દરવાજાની તિરાડમા તાકવાની કોશીશ કરતા જીગરે પૂછ્યું:" અરે, કોણ છે આટલે મોડું ભાઈ? હવે તો રાત પડી ગઈ ઘેર જઈને સૂઈ જાઓ."
"અલ્યા, જીગર! આ તો તારા મામા છે!" બારણું ખોલતાં જ સ્નેહલકુમાર બોલ્યા.
આ સાંભળીને અવંતિબેન ઉતાવળે બારણે આવ્યા. ઉચાટમા જ પૂછ્યું:"કેમ ભાઈ, આટલો મોડો! ક્યાંથી આવે છે?"
સૂરજ શું બોલે? બારણામાં પ્રવેશતાં ખાટલામાં ફસડાઈ પડ્યો.
સંયમ ધરી એ બોલ્યો:"બેન, પાલનપુરથી આવતા મોડું થઈ ગયું એટલે અહીં આવી ગયો." વળી પાણીનો ઘુંટડો ભરતા ઉમેર્યું:"મિત્રો સાથે ફિલ્મ જોવા ગયો હતો."
"તો પછી જમવાનું બાકી હશેને?"
"ના, હો. જમવાનું તો છેક પાલનપુરની લીલીપીળીવાડીમાં દાળબાટી જમીને આવ્યો છું!"
અવંતીબેન ઝપાટે અગાશી પર જઈ પથારી કરી આવ્યા.
બંને ભાણાઓને બે-બે ચોકલેટ આપીને સૂરજ અંધારી અગાશીએ ચડ્યો. ચડ્યો એવો જ પલંગમાં પડ્યો.
હૈયું હિબકે ચડ્યું હતું. ને ધડકન જાણે ધમણ! મન જાણે વિફરીને ઘુઘવાટે ચડેલ મહેરામણ! અંતરમાં ભયંકર આંધીના તૂફાનો ઉડવા માંડ્યા. આંખે આંસુ ઊતરી આવ્યા. એ ગહેરા ઘમાસાણમાં ફસાયો. પ્રેમ, સેજલ અને જવાનીના વિચારે એ અટવાયો. સેજલનો સળગતો સવાલ 'પ્રેમલગ્ન' એને દઝાડી રહ્યો. થોડીવાર પહેલાં જ એકલી મૂકીને આવેલી પ્રાણપ્રિયાને પોકારી-પોકારે એ રડ્યો. સેજલને ગોતવા એ ફાંફે ચડ્યો. પરંતું હવે શું? સેજલને એ પારાવાર દુ:ખ આપીને આવ્યો છે એવા વિચારે એ પછતાયો. એક તરફ પરિવાર અને બીજી તરફ પ્રેમ, પ્રિયા. એ ચિંતાભરી ઘેરી ગર્તામાં અટવાયો. સારી આલમ સઘળી પરવા છોડીને પ્રગાઢ નીંદ માણી રહી હતી જ્યારે સૂરજ ભરઉનાળે સિતારાઓથી ભરેલા ગગન નીચે અશ્કના દરિયા ખાળી રહ્યો. નીંદ એની ચોતરફ ઘુમરાવા લાગી. કિન્તું એ પાંપણ બીડે તો કીકીમાં ઉતરે ને!
એ બેઠો થયો. સીગાર સળગાવી. કસ માર્યા. ધુમાડાનું વાળું કરવા માંડ્યું. ભયંકર ઉધરસના ઓડકારે એના ગળાને બાળવા માંડ્યું. હાથમાં સિગારેટ, આંખમાં આંસું અને અધરો પર લાળની લાલિમાં. ઉપરાઉપરી ચાર સિગારેટ સળગાવીને એણે એની ફરતે ધુમાડાનું સામ્રાજ્ય સર્જી નાખ્યું. ધુમાડાના ગોટેગોટામા એ સેજલને ફંફોસવા મથ્યો. માંડ આછા આભાસમાં સેજલ દેખા દે અને પાછી અદ્રશ્ય! સેજલને નોંધારી મૂકી આવ્યાની પીડા એના અંતરને કોસવા લાગી. એણે ભયંકર કૃત્ય કર્યું હોય એમ પીડાના મચ્છરોની વિશાળ સેના ચાંચના તીક્ષ્ણ તીરથી વીંધી રહી. એની એકલી એકાંતને સાથ આપવા તમરાંઓ દૂર દૂરથી આવીને ત્રમ ત્રમ કરતા એની ચોફેર ગોઠવાઈ ગયા.
ઘેરી વ્યાકૂળતામાં ચાર વાગ્યા. ગગનમંડળમાં મસ્તીભરી મહેફિલ સજાવીને બેઠેલા સિતારાઓએ સૂરજની તડપતી તન્હાઈને જોઈને દુ:ખ પામીને ઘેર જવા રવાના થયા.
સેજલ પણ સારી રાત ઊંઘી શકી નહી. સૂરજના આવું બેદર્દી વર્તન એને તીર બની ખુચ્યું.
"મારો સૂરજ આવું કરી જ કેમ શકે? જીવ આપવા તૈયાર થયો હતો એજ પ્રાણ ત્યજવા મજબૂર કેમ કરી શકે? આ અશક્ય! નક્કી કંઈક કાવતરૂ થયું છે!" રાતભર એ વિચારોના ભયંકર વંટોળમાં ફંગોળાતી રહી.
સૂરજ હવે રઘવાયો થયો. સેજલ કને જવા એ બેબાક બન્યો. એ ઊભો થયો. વિના ચંપલ પહેર્યે એ દાદરો ઊતરવા માંડ્યો. નીચે આવ્યો. જોયું તો જાળીએ જાપાની તાળું લાગેલું હતું. એ લમણે હાથ ભરાવી બેસી ગયો. ઘડીવારે ઉપર ગયો. અડધી વધેલી છેલ્લી સિગારેટ સળગાવી. કસ ઉપર કસ લગાવવા માંડ્યા. અચાનક જ એને પિતાજીનું શિખામણભરેલ વાક્યનું સ્મરણ થયું.
એકવાર પિતાજીએ કહ્યું હતું:"દીકરા, સૂરજ! તું ડાહ્યો છે, સમજું છે. સૌને સમજાવે એવો છે, છતાંય મારે તને એક શિખામણ આપવી છે કે તું જીવનમાં ક્યારેય વ્યસનના વાવાઝોડે અથડાઈશ નહી. વ્યસન એક જીવલેણ ઝેર છે. એ આખેઆખા જીવતરની પત્તર ફાડી નાખે છે. આ વ્યસને તો રાજાઓના રજવાડા અને આશિકોની આલમ ઉજાડી દીધેલ છે. તું એના રવાડે ચડીશ નહી. નહી તો રફે દફે થઈશ!"
સૂરજને તો વ્યસને ચડીને સંસારસાગરમાં ડૂબી જવું હતું..વેરાન થઈને વિનાશ થવું હતું પરંતું પિતાજીની શીખ એની આડે આવી. એણે વ્યથાને દાબી. સળગતી સિગારેટને એડીએ દબાવીને મોતને ઘાટ ઉતારી. ચૌદિશથી આવતા વિચારોના ધાડાઓને ઉરમાં ધરબીને એ ફરી ખાટલે પડ્યો.
"મહોબ્બત કોઈને મારે નહી તો સારૂ." તંદ્રાવસ્થામાં બબડ્યો.
અને પ્હોં ફાટી.
હવે આગળની સફર કંઈ દિશાએ ફંટાય છે?
વાંચો આવતા અંકે.....!
ક્રમશ: