Satya Asatya - 12 in Gujarati Love Stories by Kajal Oza Vaidya books and stories PDF | સત્ય અસત્ય - પ્રકરણ - 12

Featured Books
Categories
Share

સત્ય અસત્ય - પ્રકરણ - 12

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૨

સોનાલીબહેન ક્યારના ચૂપચાપ ઘરે બેઠા હતાં. એમના ચહેરા પર ઘેરી વેદનાની છાયા હતી. બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું કે એમને જે કંઈ બન્યું એનું ઊંડું દુઃખ હતું.

એ પ્રિયંકાના નિર્ણય વિશે વાત કરવા સિદ્ધાર્થભાઈના ઘરે આવ્યા હતા.

ખાસ્સી વારથી એક અજબ પ્રકારની ચૂપકિદી ડ્રોઇંગરૂમમાં ઘુમરાયા કરતી હતી. કોઈ કશું બોલે એવી આશા સાથે સૌ એકબીજા સામે જોતા હતા, પરંતુ શીલાબહેન, સિદ્ધાર્થભાઈ, મહાદેવભાઈ અને સોનાલીબહેન સહિત કોઈનેય સૂઝતું નહોતું કે શું બોલવું.

થોડી પળો પહેલાં જ સોનાલીબહેનનું રુદન માંડ અટક્યું હતું. એમણે દાખલ થતાંની સાથે જ એકીશ્વાસે પોતાની વાત કહી નાખી હતી, “જુઓ, હું સમજું છું કે જે કંઈ થયું છે એમાં મારા દીકરાની ભૂલ છે. આદિત્યતરફથી હું માફી માગું છું પણ બે કુટુંબો આમ છૂટાં પડી જાય એ વાત મને કેમેય કરીને ગળે ઊતરતી નથી.” શીલાબેન અને સિદ્ધાર્થભાઈ એમના અચાનક આવવાથી સહેજ ઝંખવાઈ ગયા હતા, પરંતુ મહાદેવભાઈ મનોમન આ પરિસ્થિતિ માટે કદાચ તૈયાર હતા. એટલે એમણે વાતને બહુ સરસ રીતે સંભાળી લીધી.

“બે છોકરાંઓના નિર્ણયથી કંઈ કુટુંબના સંબંધ થોડા તૂટી જવાના છે ?”

“બે જણાનો નિર્ણય નથી આ. તમારી પ્રિયંકાએ જાતે જ નિર્ણય લઈ લીધો છે. સત્યજીતને પૂછ્‌યું પણ નથી, માત્ર જણાવ્યું છે.” સોનાલીબેનનો અવાજ સહેજ ઊંચો થયો હતો. સાથે જ એમને ડૂમો ભરાઈ આવ્યો હતો, “બે જણાની જિંદગીનો સવાલ છે. પ્રિયંકા આવી રીતે નક્કી કરીને પરદેશ ચાલી ગઈ... એણે બરાબર નથી કર્યું. મેં એને વહુ કરતાં વધારે દીકરી ગણીને વહાલ કર્યું છે. મારી સાથે વાત કરી હોત તો હું...” એ રડવા લાગ્યાં હતાં.

ઘરનો માહોલ એકદમ તંગ થઈ ગયો હતો. શીલાબેન અને સિદ્ધાર્થભાઈ એકબીજા સામે જોઈને સોનાલીબેનનો ઘવાયેલો અહમ્‌ અને સાથે જ એમની દુભાયેલી લાગણી સમજી શક્યા હતા, પરંતુ એમણે જવાબ આપવાને બદલે શાંત રહેવાનું પસંદ કર્યું હતું.

મહાદેવભાઈએ ખૂબ શાંતિથી સોનાલીબેનને જવાબ આપ્યો હતો, “તે હજીયે દીકરી જ છે તમારી...”

“બધી કહેવાની વાતો છે. એ છોકરીએ મારો વિશ્વાસ તોડ્યો છે.” સોનાલીબેન હજીયે ફરિયાદ કરી રહ્યાં હતાં.

“વિશ્વાસ તો મારી દીકરીનો તૂટ્યો છે. તમારા દીકરાએ તોડ્યો છે. કેટલું જુઠ્ઠું બોલે છે તમારો દીકરો, એ ખબર છે તમને ?” શીલાબેનથી રહેવાયું નહીં, “નાની નાની વાતોમાં જે માણસ પર ભરોસો ન થઈ શકે એ માણસનો હાથ પકડીને આખી જિંદગીનો પ્રવાસ કેમ થાય ?”

“એને મન એ રમત છે. એ ગંભીરતા સમજતો નથી. વાતને ટાળી દેવા માટે...” સોનાલીબેને પાંગળો બચાવ કર્યો.

“આજે એક વાતને ટાળે છે. કાલે બીજી વાતને ટાળશે. મારી દીકરી શું કામ એની સાથે જીવે ?” શીલાબેન સ્વભાવ મુજબ ઉકળી ઊઠ્યાં હતાં.

વાત વધારે વણસે એ પહેલાં મહાદેવભાઈએ વચ્ચે પડીને અટકાવી હતી, “અમે પ્રિયંકાને પૂરી સ્વતંત્રતા આપી છે. એણે આ સંબંધ જોડવાનું પણ જાતે જ નક્કી કર્યું હતું ત્યારે પણ અમે સંમત હતા. જ્યારે એને એમ લાગ્યું કે એ આ સંબંધ નહીં નિભાવી શકે ત્યારે એણે તોડવાનું નક્કી કર્યું. ત્યારે પણ અમે સંમતિ આપી, કારણ કે જિંદગી એની છે. એણે જીવવાની છે.”

‘‘તમને નથી લાગતું કે તમે તમારી દીકરીને વધારે પડતી છૂટ આપીને બગાડી રહ્યા છો.’’

‘‘તમને નથી લગાતું કે તમે તમારા દીકરાને બગાડી નાખ્યો છે ?’’

મહાદેવભાઈને લાગ્યું કે હવે વાત બગડી જશે. એ શીલાબેનનો ગુસ્સો સમજી શકતા હતા. એમણે વાત વાળી લેવા માટે સોનાલીબેનની સામે હાથ જોડી દીધા, ‘‘જુઓ, જે થવાનું હતું તે થઈ ચૂક્યું. એમાં હવે કોઈ ફેરફાર થઈ શકે એવું મને લાગતું નથી. આપણે વાત અહીં જ અટકાવી દઈએ તો બહુ સારું.’’

સામાન્ય રીતે સોનાલીબેન શાંત રહેતા. એમના બોલવામાં પણ એક મીઠાશ હતી. આજે એમણે જાત પર ઘણો કાબૂ રાખ્યો, પણ એમની નજર સામે સત્યજીતનો વિલાયેલો ચહેરો દેખાયા હતો. એમનાથી બોલાઈ જ ગયું, ‘‘પ્રિયંકાએ અમેરિકા જવા માટે સત્યજીતને તરછોડી દીધો. પણ એક વાત યાદ રાખજો. મારા દીકરાએ સાચા દિલથી પ્રિયંકાને પ્રેમ કર્યો છે. એક દિવસ એવો આવશે કે પ્રિયંકાએ એની માફી માગવી પડશે.’’

‘‘જુઓ, જે થવાનું હશે તે થશે. એને માટે આપણે શા માટે મન ઊંચા કરીએ છીએ. બંને જણાની જિંદગીનું એક પ્રકરણ પૂરું થઈ ગયું એમ માનીને વાત સંકેલી લો, સોનાલીબેન !’’ મહાદેવભાઈના હાથ હજી જોડેલા હતા. હવે કશુંજ બોલ્યા વિના એ ઊભા થઈ ગયા. એમને પણ નમસ્કાર કરીને ઘરની બહાર નીકળી જવું જ યોગ્ય લાગ્યું.

બહાર નીકળીને એ સડસડાટ પોતાની ગાડીમાં ગોઠવાઈ ગયા. સાડીનો છેડો મોઢા પર દબાવી એમણે રીતસર પોક મૂકી. ગાડી સ્ટાર્ટ કરવાની તૈયારી કરતો ડ્રાઇવર બે ક્ષણ માટે ડઘાઈ ગયો. પછી સોનાલીબેનને કોઈ સવાલ પૂછવો એને યોગ્ય ન લાગ્યો એટલે ગાડી ઘર તરફ નીકળી ગઈ.

‘‘આજે જ જવું છે ?’’ લંચ પૂરું થયા પછી પ્રિયંકાએ ધીમેથી આદિત્યને પૂછ્‌યું.

‘‘તું કહે તો જિંદગીભર ન જાઉં.’’ આદિત્ય હસી રહ્યો હતો.

‘‘મજાક છોડ. ત્યાં કામ છે ?’’

‘‘મારી મોટેલ ફ્રેન્ડના ભરોસે મૂકીને આવ્યો છું. રોકાવાય એવું તો નથી જ.’’

‘‘આજે મને અચાનક જ બહુ એકલું લાગે છે. ઘર યાદ આવે છે.’’ આદિત્ય એક સેકન્ડ માટે પ્રિયંકાના ચહેરા તરફ જોઈ રહ્યો પછી એણે ફોન ઉઠાવ્યો, ‘‘શું કરે છે ?’’

‘‘એક મિનિટ.’’ આદિત્યનો ફોન કનેક્ટ થઈ ગયો હતો. એણે એના મિત્રને કહી દીધું કે આજે એ પાછો નહીં ફરી શકે. ફોન પર વાત પૂરી થયા પછી એણે સ્મિત કર્યું, ‘‘તને એકલું લાગે એટલે મારે રોકાવું જ પડે.’’

‘‘કેમ ?’’ પ્રિયંકાનો મૂડ અચાનક બદલાઈ ગયો, ‘‘હું તારી સગી થાઉં છું ?’’

‘‘જો હું પટેલ છું... મારું મોઢુ નહીં ખોલાવ. મને તમારા લોકોની જેમ ગોળ ગોળ વાતો કરતા નથી આવડતી. કંઈ આડુંઅવળું બોલી નાખીશ તો પાછો તારો મૂડ ખરાબ થઈ જશે.’’

‘‘બોલ, શું બોલે છે ?’’

‘‘જવા દે ને...’’ એણે વાત ટાળી, પણ પ્રિયંકા અચાનક જ મૂડ બદલાવાથી તોફાને ચડી હતી.

‘‘મને ખબર છે તું શું કહેવાનો છે ?’’ પ્રિયંકાએ હસતાં હસતાં કહી જ નાખ્યું, ‘‘તને હસતી જોવી એ જ મારી જિંદગીની સૌથી મોટી ભેટ છે. તું ખુશ રહે એ માટે હું કંઈ પણ કરી શકું છું. તને આનંદ થાય એ માટે હું...’’

‘‘ઓ હલો !’’ આદિત્યએ પ્રિયંકાના હોઠ પર આંગળી મૂકી દીધી, ‘‘તને મળેલા બધા ડફોળ છોકરાઓએ આવું જ કહ્યું હશે એવી મને ખાતરી છે. પણ સૉરી ! હું એ ઘેલા, મૂરખ, ડફોળ છોકરાંઓમાંનો એક નથી એટલું તો તું સમજી ગઈ હોઈશ.’’ એણે પ્રિયંકાના હોઠ પરથી આંગળી લઈને ગોળ ફેરવી, ‘‘હું તારી પાછળ ગાંડો નથી કે મારું કામ બગાડું છું. તું મારા દેશથી આવેલી એક સારી-સીધી છોકરી છે અને હું સાચા હૃદયથી ઇચ્છું છું કે તારી મદદ કરું. બસ, એટલું જ હં ! ન આની આગળ કંઈ, ન આની પાછળ કંઈ...’’

‘‘અચ્છા ?’’ પ્રિયંકાનો અહમ્‌ ઘવાયો, ‘‘ભારતથી હજારો છોકરીઓ આવે છે અહીંયા રોજેરોજ... બધાની મદદ કર... સોશિયલ સર્વિસ સેન્ટર ખોલી નાખ. ઇન્ડિયાથી આવનારા બધા માટે આદિત્ય પટેલ ફ્રી સર્વિસ.’’

‘‘મારું ચાલે તો એમ જ કરું. હું મારા દેશને બહુ ચાહું છું. મારા દેશથી આવતી દરેક વ્યક્તિ મને ક્યાંક ને ક્યાંક મારા સ્વજન જેવી જ લાગે છે. લોહીથી બંધાય એને જ સંબંધ કહેવાય એવું હું નથી માનતો, પ્રિયંકા. તુ દોસ્ત છે મારી એટલે જિંદગીભર આ દોસ્તી ટકે એટલો પ્રયત્ન હું જરૂર કરીશ.’’

પ્રિયંકાને અચાનક આદિત્ય માટે માન થઈ આવ્યું. છોકરીઓની પાછળ સમય બગાડતા મુરખ છોકરાઓ એણે ઘણા જોયા હતા. કૉલેજ પૂરી થાય અને જિંદગી શરૂ થાય એવી કાચી ઉંમરે આ છોકરો અમેરિકામાં બબ્બે મોટેલ સંભાળતો હતો. ત્રીજી મોટેલની પ્રોપર્ટી જોવા આવ્યો હતો...

મહેનત કરતો હતો.

સાચું બોલતો હતો ! પોતાને ખરાબ લાગશે કે સારું એની ચિંતા કર્યા વિના આ છોકરાએ સીધું જ સ્પષ્ટ કહી નાખ્યું એ વાતે પ્રિયંકા પ્રભાવિત થઈ ગઈ હતી. એ કંઈ બોલી નહીં, પણ મનોમન એણે આદિત્ય સાથેની દોસ્તી જીવનભર સાચવવાનો નિર્ણય લઈ લીધો. એણે હાથ લંબાવી આદિત્યની આંગળી પકડીને એનોે હાથ પોતાના હાથમાં લઈ લીધો, ‘‘હું પણ એવો પ્રયત્ન કરીશ, આદિત્ય. કે આપણી દોસ્તી જીવનભર આવી જ રહે.’’ એ લાગણીવશ થઈ ગઈ. એની આંખોમાં સહેજ ભીનાશ આવી ગઈ, ‘‘છોકરાંઓ બહુ મળ્યા મને જિંદગીમાં. કોેઈને મારી સુંદરતામાં રસ હતો તો કોઈને મારી બુદ્ધિમાં... પણ મને એક વ્યક્તિ સમજીનેે દોસ્તી કરનારો તું પહેલો છે.’’

‘‘તને એક બીજી વાત પણ કોઈએ નહીં કહી હોય...’’ આદિત્યના ચહેરા પર શરારતી સ્મિત આવી ગયું.

‘‘શું ?’’ પ્રિયંકાએ પૂછ્‌યું. એની આંખોમાં પાણી છલકાયા હતા.

‘‘કે તું સહેજ ચકરમ પણ છે !’’ એણે પ્રિયંકાના કપાળ પર હળવો ધક્કો માર્યો. એ બંને જણા ખડખડાટ હસી પડ્યા. પ્રિયંકાને લાગ્યું કે આદિત્યની આંખમાં પણ હલકી ભીનાશ આવી ગઈ હતી.

‘‘તું મારી જિંદગીમાં દાખલ થઈ ચૂકી છે, પ્રિયંકા. હવે આ સંબંધ જ્યાં જાય ત્યાં હું તારો દોસ્ત છું અને તારો દોસ્ત રહીશ. આ મારું તને વચન છે.’’ આદિત્યએ મનોમન કહ્યું, એણેે હાથ લંબાવી પ્રિયંકાની આંખમાંથી રેલાઈ ગયેલા આંસુ લૂછી નાખ્યા.

(ક્રમશઃ)