Anamika in Gujarati Short Stories by HINA DASA books and stories PDF | અનામિકા

Featured Books
  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

  • સંઘર્ષ - પ્રકરણ 5

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

અનામિકા

"એનું નામ આ ઘરમાં લેવાયું તો મારું મરેલું મોઢું જોશે બધા."

એક ફરમાન જારી થયું ને બધા અવાક. 

સતીષભાઈ જ્યારે પણ અનામિકાનું ઘરમાં નામ આવતું જમતા નહિ, ને એ ન જમે એટલે આખું ઘર પણ જમવાનું ટાળતું. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. અહીં તો બધાએ એક દીકરીના નામનું નાહીં લીધું હતું. 

અનામિકા એટલે સતિષભાઈ નો જમણો હાથ. પંદર માણસોના કુટુંબમાં અનામિકા બીજી પેઢીની સૌથી મોટી આદર્શ. કોઈ પણ છોકરા છોકરીને અનામિકાનો જ દાખલો અપાય કે દીદીને જુઓ તેની પાસેથી કાંઈક શીખો. ને આદર્શ પણ એમનમ નહતી બની ગઈ. એ અનુસરવા યોગ્ય પણ હતી જ.

સતિષભાઈના ચાર ભાઈઓમાં સતિષભાઈ બધાથી મોટા, સંયુક્ત પરિવારોની વ્યાખ્યામાં એકદમ બંધબેસતો પરિવાર. સતિષભાઈની ઘરે અનામિકાનો જન્મ થયો ત્યારે પેંડા વહેંચવામાં આવ્યા હતા. બે પેઢીમાં કોઈ દીકરી ન હતી માટે બધા પરિજનો બહુ ખુશ થયા. 

જોકે ગામ પણ ખુશ થયું હતું કારણ કે કોઈનેય જવાબ ન આપતા સતિષભાઈ હવે નમ્ર બનશે એમ ઘણા માનતા. આ પરિવાર એવા સમાજમાં રહેતો જ્યા મોટા ભાગના લોકો માનતા કે દીકરીના બાપે અકડ થઈને ન રહેવું જોઈએ. હવે ખબર પડશે. 

અનામિકા આખા ઘરમા બધાની લાડલી હતી. કરોડપતિ તો નહીં પણ મોજીલો પરિવાર તો ખરો. લાડને કારણે હવે અનામિકા ઉદ્ધત પણ બનવા લાગી હતી. પણ ધૃતરાષ્ટ્રના શિષ્ય ન હોય તેમ સતિષભાઈને તો તેની ઉદ્ધત્તા દેખાઈ જ નહીં. માં બહુ સાલસ પણ અનામિકા મોટા ભાગનો સમય પપ્પા સાથે જ હોય, એટલે માં ની બહુ છાપ પડતી નહિ. અનામિકા બાદ સતિષભાઈને ત્યાં બીજી દીકરીનો જન્મ થયો. હવે પ્રેમની વહેંચણી થવા લાગી. પછી તો સતિષભાઈના બીજા ભાઈઓને ત્યાં પણ ફાલ વધવા લાગ્યો. 

સતિષભાઈએ અનામિકાને બાઇક શીખવેલી. શેરીમાં થોડે જવું હોય તોય બાઇક લઈને જ જતી. સમય સરતો ગયો અનામિકા હવે માની છાયામાં આવવા લાગી. હવે માં ની શિખામણ ગળે ઉતરવા લાગી. સતિષભાઈ આ બદલાવ અનુભવતા હતા. તેઓ કહેતા પણ ખરા કે,
"મારી દીકરીને નમાલી ન બનાવી દેતી, તે નવા જમાનાની  છોકરી છે તેને એજ રહેવા દેજે. "

એક અલ્હડ બનેલી છોકરી ક્યારે ઘરનો આદર્શ બની ગઈ કોઈનેય ખબર ન રહી. જેમ જેમ મોટી થતી ગઈ તેમ બીજા માટે જીવતા શીખતી ગઈ. અનામિકા ઘરના નાના બાળકોની પ્રિય ને મોટેરાઓ લાડકી બની ગઈ. 

જે લોકો માનતા કે આ છોકરી સતિષભાઈ માટે નાલેશીનું કારણ બનશે તેમના મોઢા શીવાય ગયા. ખાસ કરીને અજયને એમનો પરિવાર. સતિષભાઈના પરિવાર સાથે 
વર્ષો જૂની અદાવત. એકબીજાના લોહીના તરસ્યા. સતિષભાઈ ને ત્યાં દીકરીઓના જન્મ વખતે આ પરિવાર પણ ખુશ થયો હતો. કે કોઈ સામનો કરવાવાળું પેઢીમાં નથી. બીજા ભાઈઓને ત્યાં છોકરાવ હજુ નાના હતા. 
અનામિકા હવે બધું જ સમજતી હતી. એ આંબાવલી જેમ ઉંમર પાકતી ગઈ તેમ મજબુત રીતે જુકતી ગઈ. 

આજે રાત્રે સતિષભાઈ બહુ મોડા આવ્યા. પરિજનો બધા બહુ ચિંતા કરતા હતા. બાળકો બધાને સુવડાવી અનામિકા ફરી હોલમા આવી. સતિષભાઈ અડધી રાતે આવ્યા. બહુ મોટો ઝગડો કરીને. લોહીલુહાણ હાલતમાં.  ઘર આખાના મોઢા પર ઘેરી ચિંતા ફરી વળી, અજય ને તેના પિતાનો ત્રાસ વધતો જતો હતો, માં ની આંખોમાં સ્પષ્ટ દેખાતુતું કે દીકરો હોત તો જરૂર બાપ ની પડખે ઉભો હોત, પણ અફસોસ કે અનામિકા દીકરા સમોવડી હતી પણ દીકરો તો નહીં ને?

સમય વીતતો ગયો. અનામિકા લગ્ન યોગ્ય થઈ ને સમાજમાં તેના ગુણો ગવાવા લાગ્યા. મુરતિયા જોવા આવે પણ સતિષભાઈને કોઈ ફિટ ન પડે. 

ને એક દિવસ અનામિકા કોઈનેય કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ. ખૂબ શોધ ખોળ થઈ પણ બધું વ્યર્થ. ને નાના ભાઈ એક દિવસ સાંભળીને આવ્યા, અનામિકા અજય ની ઘરે છે. આખું ઘર હથિયાર લઈને ગયું. સતિષભાઈ તો અજયને મારી જ નાખત. પણ અનામિકા વચ્ચે આવી ગઈ ,બોલી,
"હું મારી મરજીથી અહીં આવી છું."

એક પિતા પર વજ્રાઘાત થયો, આ એ દીકરી જેને પોતે પોતાની માથાની પાઘડી ગણતાતા. 

આજથી અનામિકાનું નામ ઘરમાં લેવાનું બન્ધ થઈ ગયું. સમય એના બાણ ચલાવીને જતો રહ્યો, ને એક દીકરી પોતીકા પાસે અળખામણી બની ગઈ. માં ને અફસોસ થતો કે દીકરી શા માટે ચોખવટ કરવા નથી આવતી. પણ માં પણ મજબુર હતી. ન તો અનામિકાની વાત કરી શકતી ન તો એનું નામ લઈ શકતી. અનામિકા હવે બધાને ભુલાતી ગઈ. 

મનની અભેદ્ય દીવાલ ન તો કોઈ તોડવા માંગતું હતું, કે ન તો કોઈ તોડી શકે તેમ હતું. બંને પરિવારો એકબીજાનું મોઢું જોવાય માંગતા ન હતા. 

અનામિકા આજે અજયને હાથ જોડીને વિનવતી હતી કે બસ પહેલી ને છેલ્લી ઈચ્છા પૂરી કરી લેવા દો. ફરી ક્યારેય કશું નહીં માંગુ. પાષાણ પણ બાવીસ વર્ષે તો પીગળ્યો હતો. આખરે અનામિકા રૂપી અમૃત પાસે કોણ ન પીગળે? નામ ભલે અનામિકા હોય પણ તે પોતે બહુ અર્થસભર હતી. સતિષભાઈ મરણ પથારીએ હતા ને અનામિકા તેમને છેલ્લી વખત મળવા માંગતી હતી. અજયે પરવાનગી આપી દીધી. અનામિકા મળવા ગઈ.
 
ભારે પગલે બસ માફી માંગવા ગઈ હતી. સતિષભાઈએ મોઢું ફેરવી લીધું. અનામિકા માફી માંગીને જતી રહી. 
કોઈ તેની સાથે ન બોલ્યું. પણ નાની બહેન ધૈર્યા નામ પ્રમાણે ધીરજ ન ધરી શકી. તે અનામિકાની પાછળ ગઈ. અનામિકાને એની ભૂલ સમજાવવા , તે બહુ મોટી થઈ ગઈ હતી, ઘણા વર્ષો બાદ અનામિકાને મળી હતી. તેની પાસે અનામિકા માટે ફક્ત ને ફક્ત ગુસ્સો જ હતો, ને એ વરસી પડી, મોટી બહેને મોટાઈ બતાવી બધું સાંભળી લીધું. અનામિકાને કાંઈ કહેવું જ ન હતું. એ તો બસ તેની નાની બહેનની તેના પરિવાર પ્રત્યે લાગણી જોઈ મનોમન હરખાતી હતી, હવે ધૈર્યા ગળગળી થઈ ગઈ. અનામિકા સાંભળીને જતી રહી.

રાતના અંધકારમાં બે આંખો વહેતી હતી. અનામીકાની સમજદારીએ બે પરિવારોની દુશ્મની મિટાવી દીધી હતી. ભલે બે પરિવારો સંપી ન શક્યા પણ એકબીજાના લોહી તરસ્યા પણ ન હતા રહયા. 

જો દીકરો હોત તો પિતાની એ દિવસની લોહી નીતરતી દશા જોઈ બાપનું વેર લેવા જરૂર જાત. પણ આ તો દીકરી, વહેતુ ઝરણું, તેને તો દુશ્મની મિટાવવી હતી. ને પોતાનો ભોગ દઈ તેણે આ કામ કર્યું હતું. કદાચ બધાને ખબર પડે તો બધાને અફસોસ થાત એટલે અનામિકાએ કોઈનેય વાત ન હતી કરી. એક દીકરીએ સમજદારી બતાવી હતી. કદાચ આના સિવાય ઘણા રસ્તા પણ મળી જાત પણ શકયતા ને સહારે અનામિકા કોઈનોય ભોગ આપવા ન હતી માંગતી, એટલે એણે જ ભોગ આપી દીધો. તે જાણતી હતી કે નાલેશી સાથે જીવી શકાય પણ કોઈના ખાલીપા સાથે જીવવું બહુ કપરું છે. અનામિકા એક સમજદાર દીકરી સાબિત થઈ હતી ને આ વાત ફક્ત અજય જ જાણતો હતો.