પ્રકરણ-૨૭
ભેદી વ્યક્તિઓ
(રતનસિંહ ગોઝારો ભૂતકાળ આગળ ધપાવે છે. કઈ રીતે દિવાનસિંહ હવેલીના બંધનોમાંથી મુક્ત થઈ ગયો અને તેના આત્માએ રિયા અને રતનસિંહના પૂર્વજોનો અને તેમનાં માતા-પિતાનો ભોગ લીધા એ હકીકત સાંભળીને બધાં દંગ થઈ જાય છે. દિવાનસિંહને અંબાએ કોફિનમાં બંધ કરીને તેની હવેલીના બગીચામાં દાટી દીધો હોય છે. બધાં આગળના પગલાં તરીકે પેલી તલવાર ખોળી કાઢવાનું વિચારે છે. રાત્રે રિયા એક સ્ત્રીને વનરાજ અને રતનસિંહ સાથે વાતો કરતી જુએ છે. એ સ્ત્રીનો ચહેરો રિયા જેવો જ હતો. હવે આગળ...)
“હેલ્લો બખ્તાવરભાઈ, આખરે હું સફળ થયો. ખજાના વિશે મને ખબર પડી ગઈ છે. તે એક વર્ષોજુની હવેલીની અંદર છે. બસ હવે બે-ત્રણ દિવસમાં હું એ ખજાનો શોધીને જ ઝંપીશ.” ડેનીએ ફોનમાં નંબર ઘુમાવીને વાત કરી.
“વાહ ડેની ! આજે હું તારા પર ખૂબ ખુશ થયો છું. એ ખજાનાના વીસ ટકા તારા...” સામેથી બખ્તાવરનો અવાજ આવ્યો.
“પણ ભાઈ, ત્યાં શેતાની આત્મા છે...” ડેની માંડ તેના ગળાનું થુંક નીચે ઉતારતાં બોલ્યો.
“અરે, આ આત્મા-બાત્મા કિતાબો અને ફિલ્મોમાં સારાં લાગે. અસલ જીવનમાં નહિ, બેવકૂફ. હા... હા... હા...” બખ્તાવર જોરથી હસી પડ્યો.
“હું સાચું કહું છું. થોડા મહિનાઓ પહેલાં મેં ચાર મજૂરોને એક કબર ખોદવા મોકલ્યા હતા જેથી એ નકશો મેળવી શકાય. એ ચારેયને એટલું બદતર મોત મળ્યું છે કે કહી ના શકું. ગામવાળાઓનું કહેવું છે કે આ કામ એ જ શેતાની શક્તિનું છે.” ડેનીએ ગભરાઈને કહ્યું.
“હું કાલ સવાર સુધી મારા માણસોનો કાફલો લઈને ત્યાં આવું છું. પણ એક વસ્તુ યાદ રાખજે, મારે કોઈ પણ કિંમતે એ ખજાનો જોઈએ. નહિતર ડેની, તારી કબર ઉપર માટી ફેંકવાવાળો સૌથી પહેલો માણસ હું જ હોઈશ.” કહીને બખ્તાવરે રિસીવર મૂકી દીધું.
એક તરફ ખજાનાની ભાળ મળ્યાની ડેનીને ખુશી હતી, તો બીજી તરફ શેતાની આત્મા - દિવાનસિંહનો ખોફ એને હતો. અને ત્રીજી તરફ, પોતે જો સફળ ના થાય તો બખ્તાવર ઠંડા કલેજે એનું ખૂન કરવામાં પાછો નહિ પડે એ વાત તે સારી પેઠે જાણતો હતો. તેના માટે તો ‘એક તરફ કૂવો અને બીજી તરફ ખીણ’ જેવી આ વાત હતી.
***
“બસ, હવે માત્ર એક જ માર્ગ છે. જો ખુદનું જીવન બચાવવું હોય તો દિવાનસિંહને ખતમ કરવો જ પડશે. એ માટે ખજાનામાં છુપાયેલી તલવાર આપણે શોધવી જ પડશે.” રતનસિંહે કહ્યું.
“નકશા પ્રમાણે એ ખજાનો દિવાનસિંહની હવેલીમાં જ કોઈક ગુપ્ત માર્ગમાં આવેલો છે. આપણને તલવાર ત્યાં જ મળશે.” ઈશાને કહ્યું. અત્યારે લોકેટ અને નકશો તેની સાથે જ હતાં. ઈશાન અને એના નાના, બંને પોતાના ઘરેથી નકશો લઈને અહીં, જોરાવરસિંહની હવેલીએ આવી પહોંચ્યા હતા.
“તો... ચાલો જઈએ.” રિયાએ કહ્યું.
“ના છોકરાઓ, થોભી જાવ. તમને શું લાગે છે દિવાનસિંહ તમને ત્યાં આસાનીથી પહોચવા દેશે ?” સુરેશભાઈએ કહ્યું.
“નાના, હવે બીજો કોઈ માર્ગ પણ નથી. દિવાનસિંહ આપણને એક-એક કરીને એમ પણ મારી નાખશે. એના કરતાં બહેતર છે કે આપણે પ્રયાસ કરીએ. જો ઈશ્વર ઈચ્છશે તો બની શકે કે કદાચ સફળતા મળી પણ જાય.” ઈશાને કહ્યું.
“પણ, બેટા...” સુરેશભાઈ આગળ બોલવા જાય એ પહેલાં જ જોરદાર પવનને કારણે બારી-બારણા ખખડવા લાગ્યા.
“જલ્દી બારી-બારણા બંધ કરો.” રતનસિંહે હુકમ છોડ્યો.
ઈશાન બારી બંધ કરવા જતો હતો. જેવો તેણે બારીનો સળિયો બંધ કરવા માટે પકડ્યો કે એક પિશાચ બારી પાસે ઊડીને આવ્યો અને ઈશાનનો હાથ પકડી લીધો. તેણે એક જ પ્રહારમાં બારીના લોખંડના સળિયા તોડી પાડ્યા અને ઈશાનની છાતી પર જોરથી લાત માર્યા બાદ અંદર ધસી આવ્યો. ત્યાં હાજર રહેલા બધા જ લોકો અચાનક બનેલી આ ઘટનાથી ભયભીત થઈ ગયા. આટલો બિહામણો અને કદાવર પિશાચ આજે તેઓ પહેલી વાર જોઈ રહ્યા હતા. આ એ જ પિશાચ હતો જેને રિયાએ ઘણા વખત પહેલાં એના સ્વપ્નમાં દીસેલો. વરુ જેવા, કાળી રૂઆંટીવાળા શરીરવાળો, જનાવર જેવો લાગતો એ પિશાચ માણસની જેમ બે-પગે ચાલતો હતો. અંગારા ઓકતી આંખો, બંને છેડે સફેદ, અણીદાર દાંતવાળું મોઢું, માથા પર બે શિંગડાં.
બે નોકરો લાકડીઓ લઈને આગળ આવ્યા અને પિશાચ પર જોરથી પ્રહારો કર્યા. જાડી લાકડીઓ તૂટી ગઈ, પણ પિશાચને કોઈ અસર ન થઈ. તેણે નોકરોની સામે જોઈને તેના હોઠના નીચેના ભાગે લાલચટ્ટક જીભ ફેરવી. તેણે એક-એક હાથે બંને નોકરોને ઊઠાવી લીધા.
એ જ અરસામાં રતનસિંહે સુરેશભાઈને કહ્યું, “તમે રિયા અને કવિતાને લઈને જલ્દી કોઈ સુરક્ષિત સ્થળે પહોંચો.” સુરેશભાઈએ હકારમાં માથું ધુણાવ્યું અને બંનેને લઈને પાછલા દરવાજેથી નીકળવા માટે આગળ વધ્યા.
રિયાએ પોતાનો હાથ છોડાવતાં કહ્યું, “હું વનરાજ વિના અહીંથી નહિ જઉં.”
“રિયા, પ્લીઝ અહીંથી જા ! અમે આ પિશાચને અહીં જ રોકીએ છીએ. મને કંઈ નહિ થાય.” વનરાજે ધરપત આપી.
સુરેશભાઈએ ફરી રિયાનો હાથ પકડ્યો અને તેને આગળ કવિતા પાસે ખેંચી ગયા. ત્રણેય દરવાજાથી થોડેક દૂર હતા. અચાનક દરવાજો ‘ધડામ’ દઈને તુટ્યો અને જનાવર જેવા બીજા બે પિશાચો અંદર ધસી આવ્યા. તેઓ આગળ વધે એ પહેલાં ત્રણેય બીજા નજીકના રૂમ તરફ દોડી ગયા અને ઝડપથી અંદર ઘૂસીને દરવાજો બંધ કરી દીધો.
રતનસિંહે પિશાચને જોરથી લાત મારી. તેની પકડ ઢીલી પડતા બંને નોકરો જમીન પર ઢળી પડ્યા. પિશાચ ફરી ઊભો થયો. તેણે રતનસિંહનું ગળું પકડીને તેને જમીનથી અદ્ધર કર્યો અને હવામાં ફેંક્યો. થોડે દૂર પડેલી ટિપોઈ પર રતનસિંહ પટકાયો અને ટિપોઈના ફુરચા ઊડી ગયા.
ઈશાન અને વનરાજ પેલા બે પિશાચ, જે સુરેશભાઈ વગેરે સંતાયા હતા તે દરવાજાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એ તરફ ગયા.
ઈશાને ઝડપથી ડ્રોઅરમાંથી બંદૂક કાઢી અને નિશાન લગાવીને એક પિશાચ પર ગોળી ચલાવી. પણ એના આશ્ચર્ય વચ્ચે ગોળી લાગવા છતાંય પિશાચને કોઈ અસર ના થઈ.
“કેમ ભૂલી જાઓ છો કે આ કોઈ માણસ નથી.” વનરાજે કહ્યું.
ખિજાયેલા બે પિશાચો ઈશાન અને વનરાજ તરફ ઝડપથી ધસી આવ્યા. ઈશાન આંખો મીંચીને ગળામાં પહેરેલા લોકેટને પકડીને ઘસવા લાગ્યો. બે ક્ષણ ઘસ્યા બાદ અચાનક તેમાંથી લાલ રંગની રોશની ઉત્પન્ન થઈ. તેના કિરણોનો પ્રકાશ આખા રૂમમાં ફેલાઈ રહ્યો હતો. બીજી તરફ પિશાચ અર્ધબેહોશ થયેલા રતનને ખતમ કરવા જાય એ પહેલાં જ લાલ રોશની ત્રણેય પિશાચો પર પડી. તેઓ બળવા લાગ્યા. તેમને થઈ રહેલી ભયંકર પીડાઓને કારણે તેઓ જોર-જોરથી ચીસો પાડવા લાગ્યા. ક્ષણભરમાં તેઓ બળીને ખાખ થઈ ગયા. જાણે કે તેઓ અહીં હતા જ નહીં.
ઈશાન અને વનરાજને હવે રાહત થઈ. રતનસિંહ પણ હોશમાં આવીને ઊભો થયો.
“આ તેં કેવી રીતે કર્યું ?” વનરાજે હેરતથી ઈશાનને પૂછ્યું.
“ખબર નહિ ! અચાનક જ મેં આવેશપૂર્વક આ લોકેટને વગર કારણે ઘસવાનું શરુ કર્યું અને...” ઈશાન હજી પણ સમજી નહોતો શકતો કે થોડી પળો પહેલાં આ કેવી ઘટના બની ગઈ.
સુરેશભાઈ, કવિતા અને રિયા હવે રૂમમાંથી બહાર આવ્યાં.
“આ કોઈ મામુલી લોકેટ નથી. જો આનો ઉપયોગ કરતાં આવડી જાય તો જે ચાહીએ તે કરી શકીએ. આ જ કારણે તો દિવાનસિંહ આની પાછળ પડ્યો છે.” સુરેશભાઈએ કહ્યું.
“તો આપણે આ જ લોકેટની મદદથી દિવાનસિંહને ના મારી શકીએ ?” ઈશાને ગળામાં રહેલા લોકેટ તરફ જોતાં પૂછ્યું.
“નહિ. આ લોકેટની શક્તિથી એને ન મારી શકાય.” સુરેશભાઈએ કહ્યું.
“તો પછી ‘ભયેગ્યો કોલારા દિવાન’ શું છે ? એ જ તો મતલબ હતો કે આ લોકેટને કારણે જ તે એક દિવસ મરશે.” રતનસિંહે કહ્યું.
“એ, તમે જ્યાંથી પણ માહિતી લાવ્યા હોય, અડધું જ સત્ય છે. આ લોકેટની મદદથી જ ગુફાનો દ્વાર ખુલશે જ્યાં તલવાર છે અને એનાથી જ દિવાનસિંહ મરશે.” સુરેશભાઈએ કહ્યું.
“એ તલવાર ગુફામાં કેવી રીતે પહોચી ?” રિયાએ પૂછ્યું.
“જ્યારે દિવાનસિંહનો આત્મા પાછો આવ્યો અને ગામવાળાઓને પરેશાન કરવા લાગ્યો, ત્યારે અંબાએ એ શેતાનનો ખાત્મો કરવા સોનાની મુઠવાળી ચાંદીની તલવાર બનાવડાવી. મંત્રશક્તિથી પવિત્ર ઉર્જાનો સ્ત્રોત તેમાં ભર્યો અને જણાવ્યું કે આના થકી જ એ શેતાનનો નાશ થશે. જ્યારે દિવાનસિંહને આ વિશે જાણ થઈ ત્યારે તેણે એના પિશાચોને એ તલવાર છીનવી લેવા મોકલ્યા અને તેઓ સફળ પણ થયા. ત્યારબાદ તેણે આ તલવારને નષ્ટ કરવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તે સફળ ના થયો. બીજી તરફ, અંબા ગામવાળાઓની સાથે હવેલી પહોચી ગઈ. દિવાનસિંહને પણ મનથી થયું કે જો તલવાર ફરી એ લોકો પાસે આવી ગઈ તો એનો અંત નક્કી. આ જ કારણે તેણે તલવાર ગુફાની અંદર રહેલા ખજાનામાં છુપાવી દીધી.” સુરેશભાઈએ કહ્યું.
“તો પછી આ નકશો લોકેટમાં કેવી રીતે આવ્યો ?” ઈશાને પૂછ્યું.
“અંબા દિવાનસિંહને મારી તો ન શકી, પણ ખુદની તંત્ર-મંત્રની વિદ્યાથી તેણે દિવાનસિંહને કેદ કરીને કબરની અંદર પૂરી દીધો. અને વ્યવસ્થા પણ એટલી ઉત્તમ રીતે કરી કે તે ચાહે તો પણ બહાર ન નીકળી શકે. દફન કરતાં પહેલાં દિવાનસિંહના ગળામાંથી અંબાએ લોકેટ કાઢી લીધું. દિવાનસિંહના સેવકને થોડી લાલ આંખો બતાવતાં તેણે તલવાર કઈ બાજુ છે તેનો નકશો બનાવી આપ્યો. અંબાએ તે નકશાને આ લોકેટમાં સંતાડી દીધો હશે.” સુરેશભાઈએ કહ્યું.
“દિવાનસિંહ આપણને ખતમ કરવા માટે હવે વધારે કંઈ કરે તે પહેલા આપણે એ તલવાર શોધી લેવી જોઈએ.” વનરાજે સૂચવ્યું.
“ઠીક છે. હું, ઈશાન અને વનરાજ દિવાનસિંહની હવેલીએ જઈએ.” રતનસિંહે કહ્યું.
“આ નકશો તમે ઉકેલી નહિ શકો, માટે મારે તો આવવું જ પડશે અને સાથે ગુફામાં પણ ઘણી જગ્યાએ જીવનું જોખમ છે એવી લોકવાયકા છે.” સુરેશભાઈએ કહ્યું.
“અમે બન્ને પણ સાથે આવીશું.” રિયાએ કહ્યું. કવિતાએ પણ હકારમાં માથું ધુણાવ્યું.
“નહિ ! તેં સાંભળ્યું નહિ ? ત્યાં જીવનું જોખમ છે.” વનરાજે કહ્યું.
“તો શું અમે અહીં સુરક્ષિત રહીશું ? હમણાં થોડીવાર પહેલાં જે ઘટના બની હતી એ બીજીવાર પણ બની શકે છે.” કવિતાએ કહ્યું.
“જીવનું જોખમ અહીં પણ છે અને ત્યાં પણ.” રિયા બોલી.
“વનરાજ, બન્નેને સાથે લઈ લે. દિવાનસિંહના મુખ્ય દુશ્મન આપણે નહિ, પણ રિયા અને રતનસિંહ જ છે.” સુરેશભાઈએ કહ્યું.
“ઠીક છે. કાલે સવારે જ આપણે હવેલી પર જઈશું.” રતનસિંહે દૃઢતાથી કહ્યું.
***
લગભગ રાતના બે વાગ્યે દિવાનસિંહ ઊડીને એક છત પર આવ્યો. કાળા રંગનો ધાબળો ઓઢીને કોઈ વ્યક્તિ ત્યાં હાજર હતી.
“તો શું સમાચાર છે ?” દિવાનસિંહે ઘોઘરા અવાજે પૂછ્યું.
“માલિક... કાલે સવારે તેઓ તમારી હવેલી જશે અને ખજાનામાં રહેલી તલવાર શોધવાનો પ્રયાસ કરશે.” તે વ્યક્તિ બોલી.
“હમ્મ... આ ખેલ તો હવે ખૂબ દિલચશ્પ બનતો જાય છે. હું ઈચ્છું તો હમણા જ બધાને મોતને ઘાટ ઉતારી દઉં, પણ ના... એક-એકને ભયાનક મોત આપીશ. અને જ્યારે એ લોકો તારા વિશે જાણશે ત્યારે...” દિવાનસિંહ ખંધુ હસ્યો.
“પણ જો એ લોકો ખજાના સુધી પહોંચી ગયા તો...”
“ના ! ત્યાં મારો સૌથી ખતરનાક પિશાચ ‘મોરો’ છે જ.”
તે વ્યક્તિએ હસીને દિવાનસિંહને નતમસ્તક થઈને પ્રણામ કર્યા.
***
સવારથી જ રિયાની તબિયત સારી નહોતી. થોડાં ચક્કર આવ્યાં હતાં અને ઉલ્ટી થઈ હતી. આથી તે ડોક્ટરને ત્યાં ચેકઅપ માટે જઈ આવી. ત્યારબાદ રતનસિંહ, વનરાજ, રિયા, ઈશાન, કવિતા, સુરેશભાઈ તથા બીજા બે નોકરો - મુન્નો અને ભેમો - બધા જીપમાં બેસીને દિવાનસિંહની હવેલી જવા રવાના થયા.
ઇન્સ્પેક્ટર રણજીત અને તેનો સહકારી આહિર ચાની લારીએ બેસીને કંઈક ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી જીપ પસાર થતાં રણજીતના મનમાં કંઈક સળવળાટ થયો.
“આહિર, નક્કી દાળમાં કંઈક કાળું છે. ચાલ, આપણે એ લોકોનો પીછો કરીએ.” રણજીતે કહ્યું.
આહિરે હકારમાં માથું ધુણાવ્યું.
(ક્રમશઃ)
પ્રકરણ લેખક: રોહિત સુથાર