Baazigar - 6 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બાજીગર - 6

Featured Books
Categories
Share

બાજીગર - 6

બાજીગર

કનુ ભગદેવ

૬ - કેપ્ટન પ્રભાકર...!

બીજી તરફ કિરણ અત્યારે કોટેજમાં એકલી જ હતી.

ઉટી ખાતેનું આ કોટેજ તેમણે ભાડે રાખી લીધું હતું.

કિરણને માથું દુખતું હોવાથી તે અતુલ અને મંદાકિની સાથે ફરવા નહોતી ગઈ.

એ કોટેજના વરંડામાં બેસીને સામેની પહાડીનું રમણીય દ્રશ્ય જોતી હતી.

‘કિરણ...’અચાનક પાછળથી એક અવાજ તેને સંભળાયો.

એણે ચમકીને પીઠ ફેરવી.

પછી પોતાની સામે સુધાકરને જોઇને એના ચહેરા પર અવર્ણનીય આનંદ છવાયો.

એ ઝડપભેર ઉભી થઈને સુધાકરને વળગી પડી.

‘ઓહ… સુધાકર...!’

પરંતુ સુધાકરે તેને મળવામાં કોઈ ઉત્સાહ ન દર્શાવ્યો.

એના મનમાં એક જ વાત ભમતી હતી.

અતુલ અને કિરણ વચ્ચે અનૈતિક સંબંધો છે...!’

-‘કિરણ ચારીત્ર્યહીન છે...!’

‘શું વાત છે ડીયર...? બહુ ઉદાસ દેખાય છે...! તારી તબિયત તો સારી છે ને ...?’

‘હા.....’

‘સુધાકર તું આવીશ એવી મને આશા નહોતી.’

સુધાકર કિરણના ચહેરા પર છવાયેલા હાવભાવનું અવલોકન કરવા લાગ્યો.

એના ચહેરા પર તેને પાપનો એક અંશ પણ ન દેખાયો...!

કિરણનો ચહેરો ખુબ જ માસુમ અને પવિત્ર લાગતો હતો.

પોતે કથિત શુભેચ્છકની વાતોથી નાહક જ કિરણ પર શંકા કરીને દોડી આવ્યો છે, એવું તેને લાગ્યું.

‘અરે તું આ રીતે ટગર ટગર મારી સામે શું જુએ છે...? શું અગાઉ ક્યારેય મને નથી જોઈ...?’ કિરણે શરારતભર્યું સ્મિત ફરકાવતા પૂછ્યું.

‘તું કેટલી ખૂબસૂરત છો, એ હું જોઉં છું કિરણ...!’

‘વાતો કરવામાં તો તને કોઈ પહોંચી શકે તેમ નથી...!’

‘હું માત્ર કહેવા ખાતર જ નથી કહેતો...!’

‘ખરેખર...?’

‘હા...’ કહીને સુધાકરે તેને પોતાના આલિંગનમાં જકડી લીધી.

***

જયપુર ખાતેની છાવણીમાં અત્યારે કેપ્ટન પ્રભાકર તથા મેજર ગુપ્તા વ્હીસ્કીના ઘૂંટડા વચ્ચે વાતો કરવા બેઠા હતા.

બંને ગાઢ મિત્રો હતા.

દરરોજ રાત્રે તેઓ સાથે બેસીને જ શરાબ પીતાં હતા.

પોતાની કંપનીમાં કોઈ ત્રીજા માણસનો સાથ તેમને નહોતો ગમતો.

‘તું ય કમાલનો માણસ છો પ્રભાકર...!’ ગુપ્તાએ પોતાનો પેગ ખાલી કરતા પૂછ્યું.

‘કેમ...?’ પ્રભાકરે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘વિરાભાભીને તારી પાસેથી ગયાને કેટલો વખત થયો ?’

‘લગભગ સવા ત્રણ મહિના...!’

‘યુવાન પત્નીને આટલો વખત સુધી એકલી ન મુકવી જોઈએ.’

‘કેમ...?’

‘આજના જમાનામાં જુવાન યુવતીનો પગ લપસતાં વાર નથી લગતી પ્રભાકર...! મેં મારી જીંદગીમાં આવા ઘણા દાખલાઓ બનેલા જોયા છે.’

‘જરૂર જોયા હશે ગુપ્તા ...! આ બાબતમાં તું મારા કરતાં વધુ અનુભવી છો પરંતુ વીરા એવી નથી. એ મારી સમજુ ગુણીયલ અને ચારિત્ર્યવાન પત્ની છે...! મને તેના ઉપર ગર્વ છે...!મોટાભાઈનો પત્ર આવ્યો હતો કે તેમની તબિયત સારી નથી રહેતી એટલે મેં વીરાને સારસંભાળ રાખવા માટે મોકલી છે. આમ તો મોટાભાઈને ત્યાં ઘણાં નોકર-ચાકર છે પરંતુ સારસંભાળમાં, જેટલી કાળજી ઘરનું માણસ રાખે છે, એટલી નોકર-ચાકર નથી રાખતા.’ કહી પોતાનો પેગ ઊંચકીને પ્રભાકરે એક શ્વાસે ખાલી કરી નાંખ્યો.

‘શું તારા મોટાભાઈની તબિયત હજુ પણ સારી નથી થઇ ?’

‘હવે તેઓ એકદમ સ્વસ્થ છે.’

‘તો પછી વીરાભાભીએ તારી પાસે આવી જવું જોઈતું હતું.’

‘મેં પત્ર લખી નાંખ્યો છે. તે એક-બે દિવસમાં જ આવી જશે.’ પ્રભાકર બોલ્યો.

સહસા એક સિપાહી ત્યાં આવ્યો.

‘કેપ્ટન સાહેબ...!’ એણે પ્રભાકરને ઉદ્દેશીને કહ્યું. ‘આપને માટે વિશાળગઢથી ફોન છે...!’

‘માફ કરજે ગુપ્તા...!’ પ્રભાકર ખુરશી પરથી ઉભો થતાં બોલ્યો, ‘વિશાળગઢથી મોટાભાઈનો ફોન આવ્યો લાગે છે. તું પેગ બનાવ ત્યાં સુધીમાં હું ફો રિસીવ કરીને આવું છું.’

ગુપ્તાએ હકારમાં માથું હલાવ્યું.

પ્રભાકર ઓફીસ તરફ આગળ વધી ગયો.

ઓફિસમાં પહોંચીને એણે રિસીવર ઊંચક્યું.

‘હલ્લો મોટાભાઈ...!’ એ બોલ્યો.

‘મિસ્ટર પ્રભાકર હું તમારો મોટોભાઈ નહીં પણ બાજીગર બોલું છું.’ સામે છેડેથી એક અપરિચિત અવાજ તેને સંભળાયો.

‘બાજીગર...?’

‘હા... તમે આ નામથી પરિચિત નથી એટલે નાહક જ મારે વિશે વિચારીને તમારા મગજને તકલીફ ન આપો.’

‘ઓહ...!’

‘તમે કેપ્ટન પ્રભાકર બોલો છો ને ?’

‘હા...!’

‘તમે તમારી પત્ની વીરાના અસલી રૂપ વિશે જાણવા ઈચ્છો છો ?’

‘એના અસલી રૂપ વિશે એટલે...?તમે કહેવા શું માંગો છે મિસ્ટર બાજીગર ?’

‘તમારી પત્ની વીરા બદચલન અને ચારિત્ર્યહીન છે !’

‘આ તું શું બકે છે હરામખોર...!’ પ્રભાકર તેને એકવચનમાં સંબોધીને કાળઝાળ રોષથી બરાડ્યો.

‘હું બકતો નથી પણ સાચું કહું છું મિસ્ટર પ્રભાકર...! તમારી પત્ની વીરા અને તમારા મોટાભાઈ રાજનારાયણ વચ્ચે અનૈતિક સંબંધો છે !’

‘અશક્ય...એવું બને જ નહીં...૧ મારા મોટાભાઈ દેવતા સ્વરૂપ છે ! તેમને મન વીરા તથા કિરણ સરખા જ છે !’

‘તારો મોટોભાઈ વીરાને કિરણ સમાન નથી માનતો એ જ વાતનું દુઃખ છે...! એ કમજાતે વીરાને પોતાની પત્ની બનાવી રાખી છે...!’

‘મિસ્ટર બાજીગર, આ તમે શું બકો છો એનું તમને ભાન છે ?’

‘હા...એ બંનેના કાળા કરતૂતો મેં કેમેરામાં કેદ કરી લીધા છે ? પરંતુ તમે તમારી નજરે એ બંનેના કરતૂતો જુઓ, એ વધુ યોગ્ય રહેશે. રાત્રે તેઓ પોતાની જેમ એક જ પલંગ પર સુએ છે...! અને આવું તેઓ દરરોજ કરે છે, હલ્લો...મારી વાત સાંભળો છો ને તમે ?’

‘હા...સાંભળું છું...તમે બોલતા રહો...?’

‘જો તમારે તમારા ભાઈ અને વીરાનું અસલી રૂપ જોવું હોય તો કોઇપણ જાતનો સંદેશો આપ્યા વગર જ વિશાળગઢ જાઓ...રાતના સમયે ચુપચાપ ચોરીછૂપીથી તમારા બંગલામાં પ્રવેશો અને વાસ્તવિકતા શું છે, એ જાણી લો !’

‘મિસ્ટર બાજીગર...મને હજુ પણ તમારી વાત પર ભરોસો નથી બેસતો !’

‘ભરોસો ન બેસતો હોય તો જહન્નમમાં જાઓ...’ મારે શું પડી છે ? તમારા મોટાભાઈ પાસે તમારી પત્નીની આબરુ લુંટાવતા રહો, બીજું શું ?’

‘શટઅપ...!’

‘ક્રોધે ભરાવાની જરૂર નથી મિસ્ટર પ્રભાકર...! સાચી વાત હંમેશા કડવી જ લાગે છે...મેં સાચી વાત પ્રત્યે તમારું ધ્યાન દોર્યું છે હવે તમને જેમ યોગ્ય લાગે તેમ કરો...!’

વળતી પળે જ સામે છેડેથી સંબંધ કપાઈ ગયો.

પ્રભાકર હલ્લો... હલ્લો કરતો રહી ગયો.

એના ચહેરા પર ક્રોધ મિશ્રિત લાચારીના હાવભાવ છવાઈ ગયા હતા.

રિસીવર મુકીને તે ગુપ્તા પાસે પાછો ફર્યો.

‘શું વાત છે પ્રભાકર...?તારો ચહેરો ઉતરી શા માટે ગયો છે ? શું મોટાભાઈની તબિયત વધુ પડતી લથડી ગઈ છે ?’

‘ના...’

‘તો શું બન્યું છે...?’

જવાબમાં પ્રભાકરે ટેલીફોન પર બાજીગર સાથે થયેલી વાતચીતની વિગત તેને જણાવી દીધી. પછી મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું, ‘તું જ કહે ગુપ્તા... દુનિયામાં આવું ક્યાંય બને ખરું ?’

‘આ દુનિયામાં બધું જ બની શકે છે પ્રભાકર...! મને બાજીગરની વાતમાં તથ્ય લાગે છે !’ ગુપ્તાનો અવાજ બેહદ ગંભીર હતો, ‘મેં આવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે ! માણસની મતિ જયારે ફરી જાય છે ત્યારે સારા-નરસાનું ભાન નથી રહેતું...એ બધા સંબંધોને ભૂલી જાય છે ...!’

‘ગુપ્તા...!’ પ્રભાકરના મોંમાંથી આશ્ચર્યોદગાર સરી પડ્યો.

‘હા, દોસ્ત...!સ્ત્રીની જાત પર ભરોસો કરવો, તે આપણા પગ પર જ હાથે કરીને કુહાડો મારવા જેવું છે. સ્ત્રી પોતાના સગા હાથેથી પતિનું ખૂન કર્યા પછી સતી થવાનો ઢોંગ કરે છે ! એટલા માટે જ મેં આજ સુધી લગ્ન નથી કર્યા, તેમ ભવિષ્યમાં પણ કરવાનો મારો વિચાર નથી. મને સ્ત્રીની જાત પર જરા પણ ભરોસો નથી.’

‘બાજીગર મારી પાસે ખોટું બોલ્યો હોય એવું પણ બની શકે તેમ છે ગુપ્તા...’

‘ભલા માણસ, કોઈ નાહક જ કોઈને શા માટે બદનામ કરે ? તારી પાસે ખોટું બોલવાથી બાજીગરને શું લાભ થવાનો હતો ? અને તેમ છતાંય જો એ ખોટું બોલે છે એવું લાગતું હોય તો તું એની તપાસ કર...! તું ગુપ્ત રીતે તારા મોટાભાઈ અને તારી પત્ની પર નજર રાખ ! સાચી હકીકત શું છે, એ આપોઆપ જ તારી સામે આવી જશે.’

‘હું આવતી કાલે જ એ બંનેને જાણ કર્યા વગર વિશાળગઢ જવા માટે રવાના થઈશ!’

‘વારું, એક વાતનો જવાબ આપ !’

‘બોલ...!’કહીને પ્રભાકરે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘જો એ બંને ચારિત્ર્યહીન પુરવાર થશે તો તું શું કરીશ ?’

‘હું શું કરીશ એ જ તારે જાણવું છે ને ?’

‘હા...’

‘તો સાંભળ... હું એ બંનેની છાતીમાં મારી રિવોલ્વર ખાલી કરી નાખીશ !’ પ્રભાકર કાળઝાળ રોષથી એક એક શબ્દ પર ભાર મુકતા બોલ્યો, ‘હું કોઈ કાળે તેમને જીવતા નહી રાખું...!’

‘બસ, અહીં જ તારી ભૂલ થાય છે !’

‘કેમ...? મેં કંઈ ખોટું કહ્યું છે ?’

‘હા...’

‘શું...?’

‘તું આવી ભૂલ હરગીઝ કરીશ નહીં...!’

‘તો શું હું તેમને માફ કરી દઉં ?’

‘તું તેમને માફ કરે કે ન કરે..પણ જો તું તેમને હમણાં જ તે કહ્યું તેમ ગોળી ઝીંકી દઈશ તો કાયદો તને માફ નહીં કરે...હરગીઝ માફ નહીં કરે પ્રભાકર...! કાયદો તને એ બંનેના ખૂન કરવાના આરોપસર ફાંસીના માંચડે પહોંચાડી દેશે.’ ગુપ્તાનો અવાજ પૂર્વવત રીતે ગંભીર હતો.

‘ગુપ્તા...’

‘હા, પ્રભાકર તું ફાંસીના માંચડે લટકી જઈશ..!’

‘તો પછી તું જ કહે ગુપ્તા મારે શું કરવું ને શું ન કરવું...? મારું દિમાગ ચકરાવે ચડી ગયું છે. મતિ એકદમ મૂંઝાઈ ગઈ છે. મને કશું જ નથી સૂઝતું...!’

‘તું જોરથી નહીં પણ હોંશથી કામ લે પ્રભાકર...! ઘણી વાર માણસ ક્ષણિક આવેશમાં આવી જઈને ન ભરવાનું પગલું ભરી બેસે છે અને પાછળથી પોતાનાં એ પગલાં બદલ પસ્તાયા છે. તારે પણ પસ્તાવું પડે એમ હું નથી ઈચ્છતો !’

‘તો હું શું કરું...!’

‘સૌથી પહેલાં તો તારે તારા મગજ પર કાબુ રાખવાનો છે...! ક્રોધને મગજ પર સવાર નથી થવા દેવાનો ! જો ખરેખર વીરાભાભી ચારિત્ર્યહીન હોય... તેને તારા મોટાભાઈ સાથે અનૈતિક સંબંધ હોય તો તું તેને છૂટાછેડા આપી દેજે... તારા મોટાભાઈ સાથે હંમેશને માટે સંબંધ પૂરો કરી નાખજે...! બસ...આનાથી આગળ વધીશ નહીં... નહીં તો વાત લોહી રેડાવાની હદ સુધી પહોંચી જશે...! આ દુનિયામાં એવો કોઈ ઝઘડો નથી જે શાંતિથી ન પતે ! કોઈ પણ ઝઘડાની પતાવટ માટે રિવોલ્વર કે બીજા કોઈ હથિયારની જરૂર પડતી નથી...! જરૂર પડે છે માત્ર સમજદારીની...! તું તો ખુબ જ સમજદાર છે એટલે તને વધુ કંઈ સમજાવાની મને જરૂર નથી લાગતી.’

પ્રભાકર ક્રોધનો ઘૂંટડો ગળે ઉતારવાનો પ્રયાસ કરવા લાગ્યો.

***

કાશીનાથ નર્યા-નીતર્યા અચરજથી રાજનારાયણના ચહેરા સામે તાકી રહ્યો હતો.

બંને અત્યારે કાશીનાથના બંગલામાં બેઠા હતા.

રાજનારાયણે બાજીગરના છેલ્લા ફોન વિશે તેને જણાવી દીધું હતું.

‘રાજનારાયણ...!’ કાશીનાથ બોલ્યો, ‘ જે રીતે હું અને ધરમદાસ બાજીગરની જાળમાં ફસાઈ ગયા છીએ એ જ રીતે તું પણ એ કમજાતના ષડયંત્રમાં સંડોવાઈ ગયો છે. તારે તેને એમ કહેવાની શી જરૂર પડી કે તેં અમને રજનીકાંતના ખૂનની યોજના બનાવી આપી હતી...એના ખૂનમાં અમને મદદ કરી હતી...!તેં એ કમજાત સામે તારો આ ગુનો શા માટે કબુલ કર્યો ?’

‘હું લાચાર હતો કાશીનાથ ! એની સામે મારી હાલત સાપ-છછુંદર જેવી હતી. હું કાઢી પણ શકું એમ નહોતો ને ગળી પણ શકું તેમ નહોતો ! મરતો માણસ શું નથી કરતો ? એ બચવાનો પ્રયાસ કરતો હાથ-પગ તો ઉછાળે જ છે ! પછી ભલે એ બચે કે ન બચે...!

કાશીનાથ એકીટશે રાજનારાયણના ચહેરા સામે તાકી રહ્યો.

‘તું આ રીતે સામે શું જુએ છે કાશીનાથ...? શું તને મારી વાત પર ભરોસો નથી ?હું સાચું જ કહું છું...બાજીગર નામનો એ લબાડ અત્યાર સુધીમાં મારી પાસેથી કુલ બાવીસ લાખ રૂપિયા ઓકાવી ચુક્યો છે.’

‘મને તારા પર પુરેપુરો ભરોસો છે.’

‘તો પછી...?’

‘તારી એવી તો કઈ લાચારી હતી કે જેના કારણે એની સામે તારો ગુનો કબૂલી લીધો ?’

‘કાશીનાથ...!’

‘જો રાજનારાયણ...!’ કાશીનાથ તેને વચ્ચેથી જ અટકાવીને બોલ્યો, ‘આપણે માત્ર મિત્રો જ નહીં, સાથે સાથે સગા પણ છીએ...! શું તું મને પણ તારી લાચારી વિશે જણાવી શકે તેમ નથી ?’

‘ના...’

‘કેમ...?’

‘કાશીનાથ...!’ રાજનારાયણ ઉદાસ અવાજે બોલ્યો, ‘હું તને તો શું મારા આત્માને પણ એ લાચારી વિશે જણાવી શકું તેમ નથી...! મારાથી એક ભૂલ થઇ ગઈ છે, એવી ભૂલ કે જેને સુધારી શકાય તેમ નથી. કમ સે કમ આ જન્મમાં તો નથી જ સુધારી શકાય તેમ !’

‘મને તો કશું જ નથી સમજાતું. ખેર, શું તારી આ લાચારી રાજનારાયણ વિશેની છે?’

‘એ વાતને હવે પડતી મૂકી દે કાશીનાથ...! અને સાંભળ... મારી કોઈ લાચારી છે, એ વાતને તું હંમેશને માટે ભૂલી જ...!’

કાશીનાથ એક ઊંડો શ્વાસ લઈને રહી ગયો.

પરંતુ એક વાતથી તેઓ અજાણ હતા.

બહાર ઉભેલા ધરમદાસે તેમની વચ્ચે થયેલી વાતો સાંભળી લીધી હતી.

એ કાશીનાથને મળવા માટે આવ્યો હતો. એ ત્યાંથી મળ્યા વગર જ પાછો ફરી ગયો.

***

પોતાના બંગલાના ડ્રોઈંગરૂમમાં અત્યારે ધરમદાસ તથા અતુલ સામસામે બેઠા હતા.

અતુલ ધ્યાનથી ધરમદાસના ચહેરા પર છવાયેલા હાવભાવનું નિરીક્ષણ કરતો હતો.

તેઓ ત્રણ દિવસ પહેલા જ કાશ્મીરથી આવી પહોંચ્યા હતા.

‘પિતાજી...!’ છેવટે એ બોલ્યો, ‘હું જ્યારથી કાશ્મીરથી આવ્યો છું, ત્યારથી તમારા ચહેરા પર એકેય વાર સ્મિત ફરકતું નથી જોયું. તમે કોઈક કારણસર ખુબ જ ચિંતાતુર હો એવું મને લાગે છે. શું વાત છે ?’

‘એવી કોઈ વાત નથી દિકરા...!’

‘પિતાજી...!’

‘હું એકદમ સ્વસ્થ છું...!’ ધરમદાસે સ્મિત ફરકાવતા કહ્યું પરંતુ એના સ્મિત પાછળ છુપાયેલા દુઃખનું આવરણ સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું.’

‘તમે મને બનાવો છો...!’

‘અતુલ...!’કહેતાં કહેતાં ધરમદાસ મનોમન ધ્રુજી ઉઠ્યો.

‘હા, પિતાજી ...તમે જરૂર મારાથી કંઇક છુપાવો છો...! બોલો શું વાત છે?’

‘હું કશું જ નથી છુપાવતો...!’

‘તમે જરૂર છુપાવો છો...! શું તમારું દુઃખ એ મારું દુઃખ નથી?’

‘જરૂર છે ...!’

‘તો પછી....?’

‘અતુલ...આપણી આર્થીક હાલત સારી નથી...!’

‘આ તમે શું કહો છો પિતાજી...?’ અતુલે નર્યા-નીતર્યા અચરજથી તેની સામે તાકી રહેતા પૂછ્યું.

‘તને કદાચ મારી વાત પર ભરોસો નથી બેઠો લાગતો...પણ હું સાચું જ કહું છું...!’

‘પરંતુ આવું કેવી રીતે બને ?’

‘શું ?’

‘હજુ એક મહિના પહેલા તો તમે એમ કહેતાં હતા કે આપણી કંપની બહુ સારો નફો કરે છે ! તો પછી અચાનક ખોટમાં કેવી રીતે ચાલવા લાગી...?’

‘આ બધું મારી જ ભૂલનું પરિણામ છે દિકરા...!’

તમારા થી એવી તે કઈ ભૂલ થઇ છે ?’

‘એ વાતને પડતી મુક દિકરા...!હું બધું સંભાળી લઈશ...!’તારે કશીયે ફિકર કરવાની જરૂર નથી.અત્યારે તારા હરવા-ફરવાના દિવસો છે...!તું તારે હરી-ફરીને આનંદ કર...!’

અતુલ ચૂપ થઇ ગયો.

એને કશું જ નહોતું સમજાતું.

થોડીવાર બાદ તે ચાલ્યો ગયો.

ધરમદાસ પોતાના ખંડમાં પહોંચ્યો.

એણે વ્હીસ્કીનો એક પેગ બનાવી ગળા નીચે ઉતાર્યો.

ત્યારબાદ સોફા પર બેસીને એણે એક સિગારેટ સળગાવી.

સિગારેટના કસ ખેંચતો તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.

સહસા ટેલીફોનની ઘંટડીના અવાજથી તેની વિચારધારા તૂટી.

એ ઉભો થઈને નિરાશ વદને, થાકેલા પગલે ટેલીફોન પાસે પહોંચ્યો.

‘હલ્લો...’એણે રિસીવર ઊંચકીને કાને મુકતા કહ્યું.

‘ધરમદાસ...!’ સામે છેડેથી બાજીગરનો પૂર્વપરિચિત અવાજ તેના કાને અથડાયો.

એના અવાજને પારખીને ધરમદાસ પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યો.

ભયનું એક ઠંડુ લખલખું વિજળીવેગે એના દેહમાં ફરી વળ્યું.

એનો રિસીવરવાળો હાથ કાંપવા લાગ્યો.

‘બ...બાજીગર તું...?’ એણે ધ્રુજતા સાદે કહ્યું.

‘હા, ધરમદાસ હું જ છું...!’

‘બોલ...શા માટે ફોન કરવો પડ્યો ?’ધરમદાસે પોતાની જાત પર કાબુ મેળવવાનો પ્રયાસ કરતાં પૂછ્યું.

‘ધરમદાસ...! અડધી મિલકત સોંપવાનો વિચાર કરવા માટે મેં તને તથા કાશીનાથને એક મહિનાની મુદત આપી હતી અને મહિનો પૂરો થવામાં હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા છે. ત્રણ દિવસ પછી તમારે બંનેએ તમારી અડધી અડધી મિલકત મારે હવાલે કરી દેવાની છે ! તમે તમારી તમામ મિલકતના હિસાબ-કિતાબ કરી લીધા હશે એવી મને આશા છે. જો આંકડા ખોટા હોય તો સુધારી લેજો...૧ મને ખોટું કરનારાઓ પ્રત્યે સખત ચીડ છે એ તો તમે જાણો જ છો !’

‘બાજીગર..અમે તને અમારી સંપતિનો અડધો અડધો ભાગ આપવા માટે તૈયાર છીએ પણ...’

‘પણ શું કમજાત...?’સહસા સામે છેડેથી આવતા બાજીગરનો અવાજ પોલાદ જેવો સખત બની ગયો, મેં તને તથા કાશીરામને એક મહિના પહેલાં જ કહ્યું હતું કે તમે ‘પણ’ શબ્દનો ઉપયોગ કરવાની હાલતમાં નથી. ખેર, બોલ ...!’

‘પણ એમાં અમારી એક શરત છે !’

‘શું કહ્યું...? શરત છે એમ ...?’

‘હા...’

‘મેં તમને એક મહિનાની મુદત આપી એમાં તમારામાં આટલી હિંમત કેવી રીતે આવી ગઈ કે તમે મારી સામે શરત મુકવા લાગ્યા...! ખેર, તારી શરત બોલ...! જો માનવા લાયક હશે તો વિચારીશ...!’

‘અમારી શરત બહુ મામુલી છે...!’

‘તું બક તો ખરો...!’

‘તારે અમને પેલી કેસેટ આપવી પડશે !’

‘કઈ કેસેટ...?’

‘એ જ કે જેમાં તેં મારી તથા કાશીનાથની વાતો ટેપ કરી હતી...!જેમાં મેં તથા કાશીનાથે રજનીકાંત અને એના કુટુંબીજનોના ખુનનો ગુનો કબુલ કર્યો હતો...!’

‘ઓહ...સમજ્યો...! તો તારે એ કેસેટ જોઈએ છે એમ ને ?’

‘હા, બાજીગર...!’

એ જ વખતે તેના રૂમમાં કાશીનાથ પ્રવેશ્યો.

પરંતુ તેના આગમનથી ધરમદાસ અજાણ હતો.

‘તારી આ શરત વ્યાજબી છે અને મને કબુલ-મંજુર છે ધરમદાસ...’

‘ખરેખર...?’

‘શટઅપ...! આવો સવાલ પૂછીને તું મારા ભરોસા પર શંકા કરે છે...? સાંભળ...હું કોઈ નેતા નથી કે વચન આપ્યા પછી ફરી જઈશ...!’

‘થેન્કયુ બાજીગર...!’ ધરમદાસ ખુશખુશાલ આવજે બોલ્યો.

જાણે કોઈ મોટો ખજાનો મળી ગયો હોય એવા પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા. હાશ...હવે આ કમજાતના ષડ્યંત્રમાંથી છુટકારો મળી જશે...એમ એણે વિચાર્યું.

‘ધરમદાસ...’

‘જી...’

‘ત્રણ દિવસ પછી મને મારો ભાગ મળી જવો જોઈએ.’

‘ભલે મળી જશે...!’

‘અને પેલા લબાડને પણ કહી દેજે...!’

કોને...?’

‘કાશીનાથને...!’

‘એને પણ કહી દઈશ...! મેં કહ્યું , તે એણે કહ્યું છે એમ જ માની લે.’

‘વેરી ગુડ...!’

વળતી પળે જ સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

ધરમદાસે રિસીવર મુકીને રાહતનો ઊંડો શ્વાસ ખેંચ્યો.

‘ધરમદાસ...!’સહસા કાશીનાથનો અવાજ તેને સંભળાયો.

‘અરે કાશીનાથ...! તું વળી ક્યારે આવ્યો ?’

‘હમણાં જ આવ્યો છું ...?’

‘આવ...બેસ...!’

બંને સોફા પર સામસામે બેસી ગયા.

‘બાજીગર સાથે શું વાત થઇ?’કાશીનાથે પૂછ્યું.

ધરમદાસે ફોન પર બાજીગર સાથે થયેલી વાતચીતની વિગત તેને કહી સંભળાવી.

‘ઓહ...!; એની વાત સાંભળ્યા પછી કાશીનાથ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, ‘તો આનો અર્થ એ થયો કે ત્રણ દિવસ પછી આપણે આપણી અડધી અડધી સંપતિ બાજીગરને હવાલે કરી દેવી પડશે!’

‘હા, દોસ્ત...!’ ધરમદાસે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, ‘બાજીગરની નાગચૂડમાંથી છૂટવા માટે આપણી પાસે એ સિવાય બીજો વિકલ્પ નથી.’

‘આજ સવારથી જ એક વાત મારા મગજમાં ખટકે છે ધરમદાસ ?’

‘શું...?’

‘એ વાત બાજીગર વિશેની જ છે...!’

‘બોલ...!’

‘બાજીગર મનોજ પુરોહિત હોઈ શકે છે !’

‘મનોજ પુરોહિત...?’

‘હા...’

‘એ વળી કોણ છે...?’

‘તું કુસુમ પુરોહિતના ભાઈ મનોજ પુરોહિતને ભૂલી ગયો...?’

‘’કુસુમ પુરોહિત...!’ ધરમદાસ બબડ્યો.જાણે કશુંક યાદ કરતો હોય એમ એણે કપાળ પર આંગળી ટપટપાવી.

‘યાદ નથી આવતું ને ...?’

‘ના...’ ધરમદાસે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.

‘હું આપણી સાથે કોલેજમાં અભ્યાસ કરતી કુસુમ પુરોહિતની વાત કરું છું...! એક દિવસ નશામાં ચકચૂર બનીને મેં, તેં તથા રાજનારાયણે તેની આબરૂ લુંટી લીધી હતી અને એણે આપઘાત કરી લીધો હતો...!’

‘ઓહ...આઈ સી...!’ ધરમદાસે ધીમેથી માથું હલાવ્યું.

‘આ બનાવના અનુસંધાનમાં કુસુમના ભાઈ મનોજે આપણને ત્રણેયને મારી નાંખવાની ધમકી પણ આપી હતી...! યાદ આવ્યું હવે...?’

‘હા...પરંતુ એ દિવસો દરમ્યાન મનોજના હાથે એ જે મિલમાં કામ કરતો હતો, એ મિલના માલિકના ખૂન થઇ ગયું હતું. કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. અત્યારે તો તે ઉદેપુરની જેલમાં પોતાની સજાના દિવસો પુરા કરતો હશે...!ધરમદાસ બોલ્યો.

‘મનોજ જેલમાંથી નાસી છૂટ્યો હોય એ બનવાજોગ છે...!’ કાશીનાથે વિચારવશ અવાજે કહ્યું.

‘એટલે...? તું કહેવા શું માંગે છે...?’ધરમદાસે ચમકીને તેની સામે જોતા પૂછ્યું.

‘આ બાજીગર બીજું કોઈ નહીં પણ મનોજ પુરોહિત જ હોય એવું મને લાગે છે !’

‘કાશીનાથ...!’ધરમદાસ બોલ્યો. ‘બાજીગર મનોજ પુરોહિત હોય કે બીજું કોઈ...આપણા નસીબમાં તેના હાથેથી બ્લેકમેઈલ થવાનું લખ્યું છે અને એ આપણે થઈશું જ... દુનિયાની કોઈ તાકાત આપણને એના હાથેથી બ્લેકમેઈલ થતાં બચાવી શકે તેમ નથી. એ કદાચ મનોજ પુરોહિત હોય તો પણ આપણને એનાથી શું ફર્ક પડવાનો છે ?’

‘ફર્ક તો બહુ મોટો પડી શકે તેમ છે ‘

‘શું ?’

‘આપણે તેના હાથેથી બ્લેકમેઈલ થતાં બચી શકીએ તેમ છીએ...!’

‘એમ...?’ ધરમદાસે ઠાવકા અવાજે પૂછ્યું.

‘હા...’

‘કેવી રીતે...?’

‘જો ખરેખર જ મેં કહ્યું તેમ મનોજ પુરોહિત જ બાજીગર હોય તો આ બાબતમાં આપણે પોલીસની મદદ લેશું...’

‘શું કહ્યું...? પોલીસ...? તું પોલીસની મદદ લેવાનું વિચારે છે.’

‘હા...’

‘તારું માથું તો નથી ભમી ગયું ને ?’

‘ના...આપણે માત્ર પોલીસને તેની વાસ્તવિકતાથી જ પરિચિત કરાવવાની છે ! આ સંજોગોમાં મનોજ પુરોહિત ઉર્ફે બાજીગર કાયદાની ચુંગાલમાં જકડાઈ જશે...! એ કમજાત જેલના સળિયા પાછળ ધકેલાઈ જશે તો પછી આપણને કેવી રીતે બ્લેકમેઈલ કરવાનો હતો ...?આપણે તો ટાઢા પાણીએ ખસ જવા જેવો ઘાટ થશે.

‘ઓહ...સમજ્યો...! તારી આ દલીલમાં વજન છે કાશીનાથ...’

‘તો પછી હું અત્યારે જ ઉદેપુર જવા માટે રવાના થઇ જઉં છું !’

‘આટલી મોડી રાત્રે નીકળવું છે...?સાડા અગિયાર વાગી ગયા છે !’ ધરમદાસે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોતા કહ્યું.

‘હા...રાતનો સમય છે એટલે ડ્રાઈવરને સાથે લઇ જઈશ ! સવાર સુંધીમાં પહોંચી જઈશ...!’

‘હૂં...’ ધરમદાસના ગળામાંથી હુંકાર નીકળ્યો.

‘શુભ કામમાં ઢીલ ન કરવી જોઈએ એમ હું માનું છું.’

‘ભલે...તું તારે નિકળી જ...’

ત્યારબાદ કાશીનાથ વ્હીસ્કીનો એક પેગ પીને વિદાય થઇ ગયો.

***

અત્યારે રાતના બાર વાગીને ઉપર પાંચ મિનિટ થઇ હતી.

ચારે તરફ ગાઢ અંધકાર અને ભેંકાર સન્નાટો છવાયેલો હતો.

રહી રહીને કુતરાઓના ભસવાના અવાજથી ચુપ્કીદીનો ભંગ થતો હતો.

વિશાળગઢ શહેરનો રળિયામણો વિસ્તાર સુભાષ રોડ...!

એક માનવ આકૃતિ ભૂતપૂર્વ એમ. એલ. એ. રાજનારાયણના બંગલા તરફ આગળ વધતી હતી.

એ બીજું કોઈ નહીં પણ રાજનારાયણનો નાનો ભાઈ કેપ્ટન પ્રભાકર હતો.

પ્રભાકરના જડબા ભીંસાયેલા હતા.

ચહેરા પર કોઈક મક્કમ નિર્ણયના હાવભાવ ફરકતા હતા.

એ રાજનારાયણ તથા વીરાને રેડહેન્ડેડ પકડવા માંગતો હતો.

દસેક મિનિટ પછી તે બંગલાના પાછળના ભાગમાં ઉભો હતો.

એ કમ્પાઉન્ડ-વોલ પર ચડીને અંદરના ભાગમાં કુદી પડ્યો. એણે એક વખત સાવચેતીથી ચારે તરફ નજર દોડાવી.

પોતાની આજુબાજુ કોઈ ન દેખાયું.

એણે રાહતનો શ્વાસ લીધો.

એ ડ્રેન પાઈપ મારફત બંગલાના ત્રીજા માળ પર પહોચ્યો અને ત્યાંથી સીડીના પગથીયા ઉતરીને બીજા માળ પર આવ્યો.

રાજનારાયણ તથા વીરાના શયનખંડો બીજા માળ પર જ હતા.

પરંતુ એક વાતથી પ્રભાકર સાવ અજાણ હતો.

જે આકૃતિ પડછાયાની માફક તેનો પીછો કરતી હતી. એની પ્રત્યેક હિલચાલ પર કડક નજર રાખતી હતી.

એ બીજું કોઈ નહીં, પણ બાજીગરના જમણા હાથ જેવો દીપક હતો.

એણે છેક રેલવેસ્ટેશનથી જ પ્રભાકરનો પીછો કર્યો હતો.

પ્રભાકર કોઈ પણ ઘડીએ વિશાળગઢમાં પગ મુકશે એની બાજીગરને ખબર હતી. પરિણામે એણે દીપકને રેલવેસ્ટેશન પર ગોઠવી દીધો હતો. પ્રભાકરને ઓળખવામાં મુશ્કેલી ન પડે એટલા ખાતર એણે એનો એક ફોટો પણ દીપકને આપ્યો હતો.

ફોટાના આધારે પ્રભાકરને ઓળખવામાં દીપકને જરા પણ મુશ્કેલી નહોતી પડી. પ્રભાકર વિશાળગઢ આવી પહોંચ્યો છે, એ વાતની જાણ એણે સ્ટેશન પરથી જ ફોન દ્વારા બાજીગરને કરી દીધી હતી. બાજીગરે જ તેને પ્રભાકરની પ્રત્યેક હિલચાલ પર નજર રાખવાની સુચના આપી હતી.

બીજા માળના લગભગ બધા જ રૂમો અંધકારમાં ડૂબેલા હતા.

માત્ર એક રૂમની બારીમાંથી પ્રકાશ બહાર રેલાતો હતો.

બારી પર પડદો નહોતો.

એ વીરાનો શયનખંડ હતો.

વીરા અત્યારે જાગે છે, એ વાતનું અનુમાન કરવું પ્રભાકર માટે મુશ્કેલ નહોતું, કારણકે તેને અંધકારમાં જ સુવાની ટેવ હતી.

પ્રભાકર વીરાના શયનખંડ તરફ આગળ ધપ્યો.

એણે કી-હોલમાંથી અંદર નજર કરી.

વળતી જ પળે જાણે કે તેના પર આભ તૂટી પડ્યું.

બાજીગરે તેને જણાવેલી વાત અક્ષરશ: સાચી હતી.

અંદર તેનો ભાઈ રાજનારાયણ તથા પત્ની વીરા કઢંગી હાલતમાં સુતા હતાં.

આ દ્રશ્ય જોઇને પ્રભાકરનો ચહેરો ભઠ્ઠીમાં તપાવેલા ત્રાંબા જેવો થઇ ગયો.

એની આંખોમાં લોહી ઉતરી આવ્યું.

રાજનારાયણ તથા વીરાને શૂટ કરી નાખવાની તીવ્ર લાલસા એની નસેનસમાં ઉછાળા મારવા લાગી.

એની સહનશક્તિએ જવાબ આપી દીધો હતો.

એણે કોટના ગજવામાંથી પોતાની સર્વિસ રિવોલ્વર ખેંચી કાઢી.

એ રાજનારાયણ તથા વીરાને ગોળી ઝીંકી દેવા માંગતો હતો.

પછી સહસા તેને મેજર ગુપ્તાની વાત યાદ આવી...!

એણે આપેલી નેક સલાહ યાદ આવી...!

ગુપ્તાની વાત યાદ આવતાં જ એણે એ બંનેને ગોળી ઝીંકવાનો વિચાર માંડી વાળ્યો.

એણે રિવોલ્વર પુન: ગજવામાં મૂકી દીધી.

ત્યારબાદ ટટ્ટાર થઈને એણે શયનખંડના દરવાજા પર દાંત કચકચાવીને જોરદાર લાત મારી.

‘તમારી ગંદી રમત બંધ કરો કમજાતો...!’ એ જોરથી બરાડ્યો.

અંદર મોઝુદ રાજનારાયણ તથા વીરાએ પ્રભાકરનો અવાજ સાંભળ્યો તો તેમના હોંશકોશ ઉડી ગયા.

ચહેરા એકદમ ઝાંખા પડી ગયા.

જાણે ગુનો કરતા પકડાઈ ગયા હોય એવા હાવભાવ તેમના ચહેરા પર છવાયેલા હતા.

તેમણે ઝપાટાબંધ વસ્ત્રો પહેરી લીધા.

‘રાજ...! વીરા એકદમ ધીમા અવાજે બોલી, ‘પ્રભાકર પાસે આપણો ભાંડો ફૂટી ગયો છે. હવે તેને સ્વધામ પહોંચાડી દેવામાં જ આપણું હિત છે. જો આપણે તેને ઠેકાણે નહીં પાડીએ તો તે આપણને કોઈને મોં બતાવવાને લાયક પણ નહીં રાખે...!’

‘પણ...’

‘અત્યારે દલીલ કરવાનો વખત નથી રાજ...! આપણે તેનું ખૂન કરીને રાતોરાત તેના મૃતદેહને ઠેકાણે પાડી દેશું !’

‘રાજનારાયણ...કમજાત...!’ દરવાજા પર ફરીથી પ્રભાકરની ઠોકર વાગી, ‘બારણું ઉઘાડ...! તું મારો ભાઈ નહીં પણ ઝેરી સાપ છે...!’

રાજનારાયણે કબાટમાંથી રિવોલ્વર કાઢીને પોતાના ઝભ્ભાના ગજવામાં મૂકી દીધી.

‘રાજ...વીરા...ગંદી ગટરના કીડાઓ....બારણું ઉઘાડો છો કે હું તોડીને અંદર આવું...?’

રાજનારાયણે આગળ વધીને દરવાજો ઉઘાડ્યો.

પરંતુ તેનામાં પ્રભાકર સાથે નજર મેળવવાની હિંમત નહોતી.

નજર મેળવે પણ કેવી રીતે ?

એણે જે ગુનો કર્યો હતો તે માફીને લાયક નહોતો.

‘રાજ...!’ પ્રભાકર અંદર પ્રવેશીને કાળઝાળ રોષથી બરાડ્યો, ‘સાલ્લા...ગંદી ગટરના કીડા...! નેતા બનીને તું લોકોની આ જ જાતની સેવા કરે છે ? હું તને મારો ભાઈ નહીં પણ બાપ સમાન માનતો હતો...૧ તને બાપના સ્થાને માનીને તારું માન જાળવતો હતો. પરંતુ તેં તારા નાના ભાઈની પત્નીની આબરૂ પર જ હાથ નાંખ્યો...? તારી દિકરી કિરણ સમાન છે. એવી મારી પત્નીને જ વાસનાનો શિકાર બનાવી...! તું માણસ નહીં પણ માણસના રૂપમાં સાક્ષાત શયતાનનો અવતાર છે. તારા જેવા નીચ માણસને ભાઈ કહેતાં પણ મને શરમ આવે છે. તારા જેવા નરાધમના ટુકડેટુકડા કરીને જંગલી પશુઓને ખવડાવી દેવાનું મને ખુબ જ મન થાય છે...! પરંતુ હું તારા જેવા શયતાનના લોહીથી મારા હાથ રંગવા નથી માંગતો.’

ઉત્તેજનના અતિરેકથી પ્રભાકરનો દેહ કાંપતો હતો.

‘મને...મને માફ કરી દે પ્રભાકર...!’ રાજનારાયણ કરગરતા અવાજે બોલ્યો.

‘ખામોશ સુવ્વર...! મારી માફી માગીને મને ગુસ્સો ન ચડાવ...! નહીં તો મારા હાથેથી તારું ખૂન થઇ જશે. તેં જે પાપ કર્યું છે, એને માટે હું તને આ જન્મમાં તો શું, આવતા એક હજાર જન્મમાં પણ માફ કરી શકું તેમ નથી. તું માણસ નહીં પણ માણસના રૂપમાં જંગલી પશુ છે...! પશુ પણ તારા કરતા કંઇક સારા હશે...! તેઓ તારી જેમ ઘરની જ આબરૂ નહીં લુંટતા હોય...! અને તું...!’ પ્રભાકર મશીનની જેમ વીરા તરફ ફરીને એક એક શબ્દ ઉપર ભાર મુકતાં બોલ્યો, ‘તું ...વીરા..સાલ્લી ચુડેલ...હું તને પૂછું છું કે તું કડવા ચોથનું વ્રત મારે માટે રાખતી હતી કે આ જંગલી ગેંડા માટે...! દગાબાજ, વિશ્વાસઘાતી હું તને પવિત્રતાની દેવી માનતો હતો પણ તું...તું તો કોલગર્લ કરતાં પણ હલકી કોટીની નીકળી...! કોલગર્લ પોતાના દેહનો વેપાર કરે છે તો પોતાની જાતને ડંકાની ચોટ પર કોલગર્લ તરીકે પણ કબુલ કરે છે...પરંતુ તું...તું તારી જાતને મારી સામે સતી સાવિત્રી દર્શાવતી રહી...! તું તારી શારીરિક ભૂખ સંતોષવા માટે આટલી નીચ કક્ષાએ ગઈ...? આના કરતાં તો જો તેં તારી વાસના સંતોષવા માટે દેહનો વેપાર શરુ કરી દીધો હોત તો પણ અત્યારે મને જેટલું દુઃખ થાય છે તેટલું ન થાત ! જો બાજીગરે મને તમારા અસલી રૂપની જાણ ન કરી હોત તો હું જિંદગીભર અંધારામાં જ રહેત...! તને દેવી જ માનતો રહેત...! અને તું સાવિત્રીનો ઢોંગ રચીને આ ખડધૂસ સાથે વાસનાની રમત રમતી રહેત...! હું બાજીગરનો આભારી છું...એણે સમયસર જ મારી આંખો ઉઘાડી નાખી છે...!

રાજનારાયણ મનોમન ધૂંધવાઈ ને રહી ગયો.

બાજીગર પોતાની રકમેય હડપ કરી લેશે અને પ્રભાકર પાસે પોતાનો ભાંડો પણ ફોડી નાખશે એવું એણે નહોતું ધાર્યું.

બાજીગર પાસેથી આવી દગાબાજીની આશા એણે નહોતી રાખી.

પણ હવે શું થાય ?

‘વીરા...હું કાલે સવારે કોર્ટમાં તને છૂટાછેડા આપી દઈશ. પછી જોઈએ તો તું આ ગેંડા સાથે રહેજે ને જોઈએ તો કોઈક બીજો બોકડો શોધી લેજે અને સાંભળ નેતાના પુંછડા...! કાલે આપણી વારસાગત મિલકતના ભાગ પડી જવા જોઈએ, હું ભવિષ્યમાં તારી સાથે કોઈ જાતનો સંબંધ રાખવા નથી માંગતો.’

વાત પૂરી કરીને પ્રભાકર બારણા તરફ આગળ વધ્યો.

‘ઉભો રહે પ્રભાકર...!’ રાજનારાયણ ઠંડા અવાજે બોલ્યો.

પ્રભાકરે પીઠ ફેરવી વળતી જ પળે તે ધ્રુજી ઉઠ્યો.

રાજનારાયણના હાથમાં કાળના દૂત સમી રિવોલ્વર ચમકતી હતી.

પ્રભાકરને તેના અણસાર સારા ન લાગ્યા.

એણે ગભરાઈને વીરા સામે જોયું.

જાણે તેની મજાક ઉડાવતી હોય એવું સ્મિત વીરાના ચહેરા પર ફરકતું હતું.

‘આ...આ શું કરે છે રાજ...!તું મને રિવોલ્વર બતાવે છે ?’

‘પ્રભાકર...તું રિવોલ્વર બતાવવાનો અર્થ પણ નથી સમજતો ?’વીરાએ ખડખડાટ હસીને પૂછ્યું.

‘તું ચૂપ મર ચુડેલ...! હું તારી સાથે નહીં પણ તારા પ્રેમી સાથે વાત કરું છું...’

‘હવે તારી સાથે મારો પ્રેમી નહીં પણ તેની રિવોલ્વર વાત કરશે બેવકૂફ...!

‘વીરા સાચું કહે છે પ્રભાકર...! તું આ રૂમમાંથી જીવતો બહાર નહીં નીકળી શકે !’

‘તું...તું મારું ખૂન કરીશ એમ...?’

‘શું કરું...? લાચાર છું...! જો તું જીવતો રહીશ તો અમને બદનામ કરી નાખીશ...આ સંજોગોમાં હું આગામી ચૂંટણીમાં નહીં જીતી શકું...! જીતવાની વાત એક તરફ રહી, ઉમેદવારી પણ નહીં નોંધાવી શકું...!’

પ્રભાકરનો હાથ રિવોલ્વર કાઢવા માટે પોતાના ગજવા તરફ લંબાયો.

પરંતુ એનો હાથ ગજવા સુધી ન પહોંચી શક્યો.

રાજનારાયણના હાથમાં જકડાયેલી રિવોલ્વરમાંથી આગના લીસોટા વેરતી, ભીષણ શોર મચાવતી ઉપરાઉપરી બે ગોળીઓ છૂટીને તેની છાતીમાં સમાઈ ગઈ.

પ્રભાકરના કંઠમાંથી કાળજગરી ચીસ નીકળી પડી.

એ બંને હાથે પોતાની છાતી દબાવીને શરાબીની જેમ લથડીયા ખાવા લાગ્યો અને બે-ત્રણ લથડીયા ખાધા પછી કપાયેલા વૃક્ષની જેમ ગાલીચા પર ઢળી પડ્યો.

એ મૃત્યુ પામ્યો હતો.

રાજનારાયણ તથા વીરાના મોંમાંથી જોરદાર અટ્ટહાસ્યો નીકળ્યાં.

આ સમગ્ર બનાવ બારી બહાર ઉભેલો દીપક જોઈ ચુક્યો હતો.

દુનિયામાં કેવા કેવા માણસો વસે છે, એનો વિચાર કરતો તે કમ્પાઉન્ડ-વોલ તરફ આગળ વધી ગયો.

***