Amdavad ane Rathyatra in Gujarati Spiritual Stories by Disha books and stories PDF | અમદાવાદ અને રથયાત્રા

The Author
Featured Books
Categories
Share

અમદાવાદ અને રથયાત્રા

અમદાવાદ અને રથયાત્રા

જાણી અજાણી વાતો

અમદાવાદ કહો કે કર્ણાવતી કહો.. પણ અમદાવાદ એ ગુજરાત ની શાન છે.. અને ગુજરાત નું ઔધોગિક કેપિટલ છે.. અમદાવાદ માં તમને દરેક ધર્મ અને દરેક જાત ની પ્રજા જોવા મળે.. આ બધી પ્રજા એકબીજા સાથે હળીમળીને રહે છે અને અમદાવાદ ની સાથે ગુજરાત ના વિકાસ માં પોતાનો સિંહફાળો આપે છે.

પણ હંમેશા આજ ના જેવી શાંતિ નહોતી. હિન્દૂ અને મુસ્લિમ ની વસ્તી એકસમાન જેવી વસ્તી ધરાવતો અમદાવાદ નો કોટ વિસ્તાર ઘણાં નાનાં મોટાં કોમી રમખાણો નો ભોગ બન્યો છે.. જેમાં હજારો માસુમ યુવકો અને નિર્દોષ વ્યક્તિઓ નો ભોગ લેવાયો. આપણે બધા પણ ગોધરાકાંડ પછી થયેલાં કોમી રમખાણો નાં જીવતાં જાગતાં સાક્ષી છીએ.

આજે હું વાત કરી રહી છું સાલ 1969ની.. એ સમયે અમદાવાદ ભયંકર સાંપ્રદાયિક રમખાણોની ચપેટ હતું. આખા શહેરમાં એ પ્રકારે તણાવની સ્થિતી પણ લોકો એ દુવિધા હતા કે આ વખતે વર્ષો થી નીકળતી અને હિંદુઓ માટે આસ્થા નું પ્રતીક સમી રથયાત્રા નિકળી શકશે કે નહી. બધાને ડર સતાવી રહ્યો હતો કે રથયાત્રા નિકળતાં ક્યાંક ફરીથી સાંપ્રદાયિક રમખાણો ભડકી ન ઉઠે. અનેક તર્ક-વિતર્કો વચ્ચે સમય નિકળતો જતો હતો. રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારની પણ નજર આ રથયાત્રા પર ટકેલી હતી. અંતત: અમદાવાદમાં કોમી એકતા સ્થાપિત કરવા માટે કાશ્મીરથી ખાન અબ્દુલ ગફ્ફારને અમદાવાદ બોલાવવામાં આવ્યા.

અમદાવાદમાં જે પ્રકારે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તણાવની સ્થિતી હતી. તે પ્રકારે કાશ્મીરમાં પણ હિન્દુ-મુસ્લિમો વચ્ચે રમખાણો ચાલી રહ્યાં હતા. એવા સમયમાં અબ્દુલ ગફ્ફાર ખાને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા અને ભાઇચારાની પુન સ્થાપના માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સરકારના નિવેદન પર અબ્દુલ ગફ્ફાર ખાન તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા હતા. શાંતિપૂર્ણ રીતે રથયાત્રા માટે તેમણે ના ફક્ત જગન્નાથ મંદિરના તત્કાલિન મહંત નરસિંહદાસજી મુલાકાત લીધી, પરંતુ પૂજા અને ઇબાદત પણ કરી હતી. તેમના આ પ્રયત્નોને સકારાત્મક પરિણામ સામે આવ્યા છે અને થોડા દિવસોમાં જ આખા શહેરમાં શાંતિનો માહોલ બની ગયો અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ધૂમધામથી કાઢવામાં આવી. આમ એકઆઅસ્થાનું પ્રતીક બનેલી રથયાત્રા એ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ની તકરાર મિટાવવાનું કામ બહુ સરળતાથી કરી બતાવ્યું. આજે તો રથયાત્રા માં મુસ્લિમ બિરદારો પણ સેવા આપી ધન્યતા પ્રાપ્ત કરે છે.

નજીક માં અષાઢી બીજ આવી રહી છે.. અષાઢી બીજ નું આપણાં હિન્દુ ધર્મ માં અને ભારત ની પ્રજા માટે આગવું મહત્વ છે.. ખેડૂતો ખેતી માટે રોપણી આ દિવસે કરતાં હોય છે.. તો પ્રકૃતિ પણ સોળે કલા એ ખીલવાની શરૂવાત કરી મૂકે છે એટલે જ ગુજરાતી લોકગીતો માં પણ અષાઢી બીજ ને અલગ સ્થાન આપવામાં આવ્યું છે.

અત્રે આપણે વાત કરવાની છે અમદાવાદ માં છેલ્લા ૧૪૦ વર્ષ થી નીકળતી રથયાત્રા ની.. આ રથયાત્રા અમદાવાદ માટે ગૌરવ નું પ્રતીક સમી છે જે દરેક અમદાવાદી સાથે સંકળાઈ ગઈ છે.

અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૦ વર્ષથી રથયાત્રા યોજાય છે. ૧૪ જુલાઈ ના રોજ આ વર્ષે એટલે કે ઈ. સ. ૨૦૧૮ માં યોજાનાર રથયાત્રા ૧૪૧ મી રથયાત્રા બનશે.. અહીં જમાલપુરમાં આવેલાં ૪૫૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ. મી. નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે.

આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.

રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી (પ્રભાતની પહેલી આરતી)માં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ "પહિંદ વિધી" કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રીકો, શ્રદ્ધાળુઓને મહા ભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાય છે.

સરસપુર ભગવાન જગન્નાથ નું મોસાળ કઈ રીતે બન્યું એ વિશેનો પણ બહુ રોચક ઈતિહાસ છે. 140 વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના રહિશો રથયાત્રામાં જોડાયેલા ભકતોને પ્રેમભાવથી જમાડે છે.

સાંજે ૮-૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે. અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે

જ્યાંથી રથયાત્રા નો પ્રારંભ થાય છે એ ભગવાન જગન્નાથ 450 વર્ષ જુનું છે. છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજીદાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે. સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તી સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો. જેથી તેઓ પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તીઓ લાવ્યા, અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ.

અષાઢીબીજના દિવસે એટલે કે 1 જૂલાઇ 1978માં પ્રથમ રથયાત્રા યોજાઇ હતી. 140 વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ. સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે.

જો કે સમયની સાથે-સાથે હવે રથયાત્રાનું સ્વરૂપ પણ બદલાઇ પણ ગયું છે. પહેલાં રથયાત્રામાં શણગારેલા બળદગાડા રહેતા હતા. બીજી તરફ હવે મોંઘા-મોંઘા વાહન હાથી-ઘોડા, ભજન મંડળીઓ અને અખાડા સામેલ થયા છે. આ સાથે જ ભગવાન જગન્નાથના રથનું સ્વરૂપ પણ બદલાઇ ગયું છે. જો કંઇ ન બદલાયું તો તે ફક્ત ભગવાન જગન્નાથના પ્રતિ ભક્તોની અતૂટ શ્રદ્ધા.

રથયાત્રા દરમિયાન પ્રસાદની છૂટા હાથે વહેંચણી કરાય છે. 25, 000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 300 કિલો કાકડી અને દાડમ તેમજ બે લાખથી વધુ ઉપેર્ણાનો પ્રસાદ ભક્તોને અપાય છે. તે ઉપરાંત રથયાત્રાના રૂટ પર ચોકલેટ અને પાણીને પણ પ્રસાદી સ્વરૂપે અપાય છે. રથયાત્રાના રૂટ પર માર્ગો પર ઠેર-ઠેર પાણીની પરબ, કોલ્ડડ્રિંક્સ અને પ્રસાદનું ફ્રી વિતરણ કરાય છે.

શહેરમાં ઠેર-ઠેર લાઉડ સ્પીકરમાં દેશભક્તિના ગીતો અને ભજનોની સુરાવલીઓ વાગતી હોય છે. અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરે છે, અને ભગવાનના ઓવારણા લેવાય છે. ભગવાન સામે ચાલીને તેમના વિસ્તારમાં આવે પછી તો પુછવું જ શું. ભાવિક ભક્તો ગાડાતૂર બની જાય છે. ઓલમોસ્ટ શહેરના લોકો તે દિવસે કામ-ધંધા બંધ રાખીને ભક્તોની સેવામાં લાગી જાય છે

તમે જો રૂબરૂ કે ટેલિવિઝન પર જો રથયાત્રા માં નીકળતો રથ અને એની પર રહેલ ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ની પ્રતિમા જોઈ હોય તો એનો આકાર તમને થોડો વિચિત્ર લાગ્યો હશે.. પણ આ આકાર કેમ છે એ પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી છે.

કહેવાય છે એકવખત ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૦૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું.

રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા.

તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યુ. બસ આજ રૂપ આપણે રથયાત્રા વખતે નિહાળીએ છીએ..

આ સિવાય પણ અન્ય પૌરાણિક કથાઓ રથયાત્રા ના સંદર્ભ માં કહેવાઈ છે.. જગન્નાથજીની રથયાત્રા પાછળની એક કથા ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એક વાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યાં હતાં. તેમણે પોતાના બંને ભાઈઓને નગરદર્શનની ઇચ્છા જણાવી. શ્રીકૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડયાં અને તેઓ અલગ-અલગ રથ પર સવાર થઈ ગયા. સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ-બહેનો નગરયાત્રા પર નીકળી પડયાં. સુભદ્રાજીની નગરયાત્રાની ઇચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે.

ઓરિસ્સાના પુરી શહેરમાં નીકળતી ભારત ની સૌથી મોટી રથયાત્રા સાથે પણ એક સરસ મજાનો પ્રસંગ જોડાયેલો છે. પુરી માં પણ અમદાવાદ ની જેમ જ ભગવાન કૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રા ની કાષ્ટ ની બનેલી મૂર્તિઓ ને ભવ્ય રથ પર રાખી નગર માં ભ્રમણ કરાવવામાં આવે છે. ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાની ત્રણે મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે.

તેની પાછળ એક કથા જોડાયેલી છે. તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એક વાર રાજા ઇન્દ્રદ્યુમ્નને ઇચ્છા થઈ કે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે. આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો. એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા. એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ઠ (લાકડું) તરતું જોયું. તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ઠમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો! પરંતુ એક સમસ્યા ઊભી થઈ, તે હતી યોગ્ય શિલ્પીની શોધ.

એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા. આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે, તે મૂર્તિ તો બનાવશે, પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ. રાજાએ શરતનો સ્વીકાર કર્યો, પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે, તેની પાસે જ એક ઘરમાં મૂર્તિનિર્માણના કામ માટે કાષ્ઠ સાથે જતા રહ્યા. રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે?

ઘણાં દિવસો સુધી તે ઘરનાં દ્વાર બંધ રહ્યાં. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધાપીધા વગર કેવી રીતે કામ કરી શકશે?પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે. મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી, તેથી મહારાજાએ દ્વાર ખોલાવતાં ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા, પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી. આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયાં. તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે, "હે નરેશ! દુઃખી ન થશો, અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ. મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો. "

ભગવાન નો હુકમ માની રાજા એ રંગેચંગે એ કાષ્ટ ની બનેલી મૂર્તિઓ ની સ્થાપના કરી. જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ. મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર "રથયાત્રા" તરીકે ઓળખાય છે.

આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા, સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે. જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે. પુરીનાં કલાકારો અને ચિત્રકારો આ રથનાં વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલપાંખડીઓ અને અન્ય આકૃત્તિઓ ચીતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળફૂલોની આકૃત્તિઓ ચિતરવામાં આવે છે. જગન્નાથનાં આ વિશાળ રથોને રથયાત્રા સમયે ખેંચવાની ક્રિયા પરથી અંગ્રેજી ભાષામાં "Juggernaut" (જગરનૉટ) શબ્દ રચાયો છે. આ રથયાત્રાને "ગુંડીચા યાત્રા" પણ કહેવામાં આવે છે.

ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લાં ચાલીસેક વર્ષથી રથયાત્રોનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લૉસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત ઇંગ્લેંડનાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા પેરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન દ્વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રાઓ પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શનીવાર કે રવિવારે યોજવામાં આવે છે, અને તે કારણે હંમેશા અષાઢી બીજને દિવસે યોજાય તેમ નથી બનતું.

આ હતી થોડી ઘણી માહિતી રથયાત્રા અને એની સાથે જોડાયેલી અમુક જાણી અજાણી બાબતો ની.. જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સ માં જય જગન્નાથ લખવા વિનંતી..

"જય જગન્નાથ"

-દિશા. આર. પટેલ