વહેતી ગંગામાં હાથ ધોઈ લેવામાં શું વાંધો ?
પણ...દૂરદર્શનમાં આવ્યા પછી કોઈ છોછ કે શરમ વગર લગભગ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો જોયો. “આટલા પૈસા આપીને નોકરી લીધી છે, તો પછી પાછા કમાવા તો પડે જ ને ? વસુલ તો કરવાનું જ ને વળી .” ... એવા હક્ક સાથે પગાર ઉપરાંતના પૈસા ક્યાંથી કેવીરીતે કમાવાય એની તક શોધતા અમુક સહ-કર્મચારીઓને જોયા. જ્યારે મને તો તરતજ ‘કોમર્શીયલ’ વિભાગમાં મુકવામાં આવ્યો. જ્યાં, દૂરદર્શન પર પ્રસારિત જાહેરાત અને સીરીયલોનું કામકાજ જોવાતું. અને ઉપરની કમાણીની સૌથી વધુ અને આસન તક આ વિભાગમાં હતી. સહ-કર્મચારીઓ અદેખાઈ કરતા, કે “તારેતો ચાંદી જ ચાંદી છે.”
મારા જ વિભાગના મારાથી અગાઉ ભરતી થયેલા સહ-કાર્યકર રાકેશ શાહને મેં આ બધી વાત કરી કે, આ બધું શું ચાલે છે ? મારાં સદનસીબે એ ‘સત્યના પ્રયોગો’ વાળો હતો અને એણે મને કહ્યું. ”હું આ બધામાં નથી માનતો. ભલે બધા મને બોચિયો કહે છે. અને તને પણ સલાહ આપું છું કે આમાં ના પડીશ. પછી તારી મરજી.”
થોડા દિવસ આ વિષે વિચારતો રહ્યો. પછી નક્કી કર્યું કે ... રાકેશની વાત તો સાચી છે. આમાં ન જ પડવું જોઈએ.
પણ...દૂરદર્શનમાં આવનાર સીરીયલ નિર્માતા કે એડ-એજન્સીવાળાને તો એમ જ છાપ હોય, કે સરકારી નોકર હોય, એટલે પૈસા તો લેતો જ હોય ને. પણ એ વખતે મને “ના” પાડ્યા પછી, પોતાની જાત ઉપર ગર્વ થતું ખરું હો... !
‘ના’ પાડનાર અમે થોડા જ હતા અને આ ગ્રહ, દુરાગ્રહ કે હઠાગ્રહથી ખુશ થઈને કૈક તો લેવું જ પડે, એવી જબરજસ્તી કરનાર પણ ઘણા હતા.
મારા ‘અસત્યના પ્રયોગો’ની મૂળ વાત હવે શરુ થાય છે. આડી અવળી વાતો પછી મુખ્ય ટ્રેક પર ગાડી હવે ચઢે છે.
દરમ્યાન મારાં કામ અને સર્જનાત્મકતા લોકોને ગમવા લાગ્યાં અને મને પ્રાયવેટ કામની ઓફર મળવા લાગી. નોકરી સિવાયના સમયમાં પ્રાયવેટ કામની મહેનત કરીને પૈસા મેળવવામાં મને કાંઈ અજુગતું કે અયોગ્ય લાગ્યું નહી.
નોકરીના અમુક વર્ષો પછી એક વાર અમારા ઉપરીએ જ અમને બોલાવીને સામેથી કહ્યું કે, “બીજા બધા તો પોતપોતાની રીતે કમાઈ લે છે. પણ તમે એમાં નથી. તો તમે બન્ને બીજાના નામે કોઈ પ્રોજેક્ટની ફાઈલ મૂકી દો. હું મંજૂર કરી દઈશ. કામ કરીને તો કમાઈ લો. આખું ગામ લુંટે છે. તમારો તો હક્ક છે. વહેતી ગંગામાં હાથ ધોઈ લો.”
અમે આગ્રહથી રાજી થઈને ફાઈલ મૂકી. મેં ફાઈલ પર મંજુરી આવે એ પહેલાં જ નજીકમાં આવી રહેલ રજાઓ દરમ્યાન શુટિંગ શરુ કરવા માટે મૌખિક મંજુરી લીધી. મારી પત્ની મુહુર્ત વગેરેમાં માને, પણ હું બહુ ન્હોતો માનતો. દીપ્તીએ સહેજ ટકોરપણ કરી કે “અમાસના દિવસે કામ શરુ કરશો ?”
મેં કહ્યું ..”રજાનો મેળ પડે છે, એમાં આવું બધું ન જોવાય. મુહુર્ત પ્રમાણે કરવા જઈએ તો તો કોઈ કામ જ ન થાય.”
શુટિંગમાં નીકળ્યો ત્યાં અમદાવાદ છોડતાં પહેલાં જ મેટાડોરમાં પંચર થયું.! કદાચ અમાસને કારણે ? વાહન બદલીને પહોંચ્યા. કામ શરુ થયું, ત્યાં બીજા જ દિવસે મુખ્ય કલાકારના પિતાજીના અવસાનના સમાચાર આવ્યા. અમાસ નડી ? એકાદ દિવસ માટે શુટિંગ રોકવું પડ્યું. પણ છેવટે બધું પૂરું થયું. અને અઠવાડિયાંના આ બ્રેક પછી ઓફીસ પહોંચ્યો, ત્યાં ખબર પડી કે જે અધિકારી ફાઈલને મંજુરી આપવાના હતા, એમના પર રેડ / દરોડો પડ્યો છે અને તાત્કાલિક ટ્રાન્સફર થઇ છે.!...મારી ફાઈલ મંજુરીની સહી વગરની જ રહી ગઈ. કમાવાને બદલે શુટિંગ-એડીટીંગનું ખર્ચ પણ માથે પડ્યું. નુકશાન થયું.
સાવ સીધું કામ હતું, ઘરની જ વાત હતી... તો ય આમ કેમ થયું ? અમાસને કારણે ? ... ત્યારે ...પ્રથમ વખત એવું લાગ્યું, કે જાણે આ ખોટું કામ કરતાં રોકવાના કુદરત તરફથી દરેક તબક્કે પ્રયત્ન થયા હતા. દીપ્તીને મોઢે અમાસ વિષે બોલાવ્યું, મેટાડોરમાં પંક્ચર પાડીને બીજો સંકેત આપ્યો કે અટકી જાવ, મુખ્ય કલાકારના પિતાના અવસાન દ્વારા અટકી જવાનો ફરી ત્રીજો એક સંકેત આપ્યો ... પણ ... એ સમયે એવું કઈ જ્ઞાન કે આવડત ન્હોતાં કે આવી સમજણ પડે. પણ..હા.. એટલું ચોક્કસ સમજણ પાડીને મન મનાવ્યું કે, “આપણા નસીબમાં હરામનો કે ખોટાં કામનો પૈસો નહિ હોય.”
જો કે, જે મહેનત કરી હતી, એ સાવ પાણીમાં ના ગઈ, બીજા એક નિર્માતાને અન્ય કોઈ રીતે એ તૈયાર થયેલ એપિસોડસને ચલાવી લેવા વેચ્યા, અને એ રકમ ભલે દૂરદર્શન થી મળવાની હતી, એના કરતાં પચીસ ટકા જેટલી ય નહોતી, પણ ...એ..ત્યારે મળી જયારે મને એની સખત જરૂર હતી. મારા દીકરાની બાબરી માટે પરિવાર સાથે નીકળવાનું મુહુર્ત મુજબ બધ્ધું નક્કી હતું, પણ ઘરથી નીકળ્યા પછી વાપરવાના અને ખર્ચના પૈસા ન હતા. શું કરશું ? એ કઈ સૂઝતું ન્હોતુ, પણ નરસિંહ મહેતાની જેમ વિશ્વાસ હતો, કે હુંડી સ્વીકારાઈ જશે. અચાનક આ એપીસોડસનો સોદો યાદ આવ્યો અને નીકળવાનું હતું એ જ સાંજે એ રકમ હાથમાં આવી, જે એક્ઝેક્ટ જેટલા જરૂર હતા એટલી જ હતી ! પ્રસંગ ઉકલી ગયો. અને “કુદરત મને તકલીફમાં સાચવી જ લેશે, હુંડી સ્વીકારશેજ’ એવો વિશ્વાસ વધ્યો. અને એ વિશ્વાસ આવા બીજા અનેક અનુભવો થકી આજે પણ એમજ અડીખમ છે. આર્થિક કારણોસર ક્યારેય મારું કોઈ મહત્વનું કામ અટક્યું હોય એવું મને યાદ નથી.
ઉદાહરણ તરીકે - ૨૦૧૬માં દીપ્તીને અચાનક પેટમાં ભયંકર દુ:ખાવો ઉપડ્યો. તપાસ કરાવતાં માલુમ પડ્યું કે, ગાંઠ છે અને તાત્કલિક ઓપરેશન કરવું પડે. ડૉ. મુકેશ બાવીશી ઓળખીતા હતા, એટલે ઈમરજન્સીમાં રવિવારે ઓપરેશન થીયેટર ખોલાવી, એક લગ્નમાં જવાનું હતું એ કેન્સલ કરીને તાત્કાલિક ઓપરેટ કર્યું. બધું સુખ રૂપ પત્યું તો ખરું, પણ ખાસ્સું ખર્ચ થયું.
થોડા દિવસ પહેલાં નોટબંધીને કારણે એક મિત્ર અમુક રકમ બેંકમાં મુકવા આપી ગયા હતા. લગભગ એટલીજ રકમનું ખર્ચ થયું. અમે એ મિત્રને પછી ટુકડે ટુકડે પરત કર્યાં. પણ, એ વખતેતો એ જ વપરાયા ..એ રકમ જાણે ભગવાને એડવાન્સમાં જ મોકલી દીધી હતી..!
એક વર્ષ પછી ફરી એકવાર આવું જ થયું. અચાનક હિમોગ્લોબોન ઓછું થઈ ગયું. તાત્કાલિક લોહી ચઢાવવું પડ્યું, આયર્ન ચઢાવવું પડ્યું અને આ વખતે પાડોશી સ્વરૂપે હુંડી સ્વીકારાઈ. વગર માંગે “તમને જરૂર પડશે.” કરીને આપી ગયા. એને શું કહીશું ? જાણે પાડોશીના સ્વરૂપમાં ભગવાન જ આવીને આપી ગયા.
હરામનું નહી જ પચે ? – પ્રયોગની શરૂઆત
આવા થોડાક અનુભવો પરથી નક્કી થઈ ગયું કે, જીવનમાં હરામનું તો નહી જ પચે. એટલે એ તરફ વિચારવાનું આમ તો સાવ બંધ જ હતું. હવે સદંતર બંધ થયું.
પણ, પૈસા તો કમાવાનાને ? મેં લોકોને નાના નાના કામમાં વળતર લેતા, માર્જિન મારી ખાતા, સાદી ભાષામાં કહીએ તો ઝોલ કરતા જોયા હતા. મને થયું, મારામાં આ આવડત નથી, મેં ક્યારેય આવું નથી કર્યું. અને આ તો ધંધો છે. સામા માણસને કોઈ વસ્તુ ક્યાં મળે કે શું ભાવ ચાલે છે, એનું અજ્ઞાન હોય, તો એનો લાભ પ્રોફેશનલી લઇ જ શકાય અને એમાં કશું ખોટું નથી.
એ વખતે ટીવીનું શુટિંગ યુ-મેટીક / બીટાકેમ કેસેટ પર થતું. એટલે એકવાર કોઈ નવા નિર્માતાને કેસેટ ખરીદવાની હશે. મને મારા સંબંધોને કારણે બજાર ભાવ કરતાં સસ્તી કેસેટ મળતી. તો એનો લાભ નિર્માતાને શા માટે મળે ? એ હક્ક તો મારો જ છે. એટલે મેં એમાં માર્જિન રાખ્યું અને ખુશ થયો કે મને પણ હવે સ્માર્ટ ધંધો કરતાં આવડી ગયું. પૈસા તો આમ જ કમાવાય.
રાજી થતો ઘરે પહોંચ્યો, ત્યાં ખબર પડી કે દીકરી બીમાર છે, ડૉક્ટર પાસે લઇ જવી પડશે. ડૉક્ટરની ફી અને દવાના લગભગ એક્ઝેક્ટ એટલા જ પૈસા થયા, જે હું થોડા કલાકો પહેલાં ખોટું બોલીને કમાયો હતો.! અને રાજી થતો હતો. આવું તે કાંઈ હોતું હશે ? આ તો કાગનું બેસવું ને ડાળનું પડવું કહેવાય. આપણે ભગવાન કે કુદરત માટે એટલા અગત્યના છીએ, કે આવી નાની નાની બાબતનું આપણું ધ્યાન રાખે ? ..એમ વિચારતાં મેડીકલ સ્ટોરથી દવા લીધી. દુકાનદારે ભૂલથી થોડાક વધુ પૈસા પાછા આપી દીધા, પણ આગળના વિચારોની કંટીન્યુટીમાં “જોઈએ તો ખરા શું થાય છે ?!” એમ વિચારી બોલ્યા વગર પૈસા ખિસ્સામાં મૂકી દીધા. માંડ થોડાંક ડગલાં ચાલ્યો હોઈશ ત્યાં ..સેન્ડલની પટ્ટી તૂટી અને મોચી પાસે ખીલ્લી મરાવવી પડી ...ફરી લગભગ એટલા જ પૈસા થયા, જેટલા મેડીકલ સ્ટોરવાળાએ ભૂલથી વધારે આપી દીધા હતા.
બીજા પણ એક-બે વાર આવા “અસત્યના પ્રયોગ” ખાત્રી કરવા કર્યાં અને ફરીવાર પણ એવા જ અનુભવ. ખોટી રીતે આવેલ કે હરામના પૈસા ૨૪ કલાક પણ ટકે નહી. એટલે હવે એકદમ પાક્કું થઈ ગયું કે, જીવનમાં હરામનું તો નહી, નહી અને નહી જ પચે.
તો પણ ...૨૦૦૧માં ઈ-ટીવીમાં જોડાયા પછી ફિલ્મોના રાઈટ્સ / પ્રસારણ હક્કના લાખ્ખો રૂપિયાનાં ડીલ / એગ્રીમેન્ટ / સોદા મોટે ભાગે મારે હસ્તક થતા. અમારા એક મિત્રની પણ એક સાથે ત્રણ ફિલ્મનો સોદો કર્યો, એટલે સ્વાભાવિક છે કે, જેને લાખ્ખો રૂપિયાનો સોદો કરાવી આપીએ, એ વિવેક કરે જ કે, “આમાં તમારું કાંઇક રાખો.” પણ મારે તો નક્કીજ હતું કે, “આપણે એ ગામ જવું જ નથી.” તો પણ મિત્રદાવે છે ક મેઈનરોડ સુધી વળાવવા આવ્યા અને પરાણે, દુરાગ્રહ સાથે અમુક રકમ મારા ઝભ્ભાના ખિસ્સામાં ધરાર નાખી જ દીધી.
વધુ એકવાર એ જ અનુભવ. બીજા દિવસ સવાર સુધીમાં ખિસ્સાં માંથી પૈસા ક્યાં અને ક્યારે કેવીરીતે પડી ગયા એ આજ સુધી ખબર નથી. આવું તમે માની શકો ખરા ? હું પણ ન માનત, જો આ અગાઉ આવાજ અનુભવો થયા ન હોત.
***