નો-રીટર્ન-૨
ભાગ-૧૫
( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- સાવ નજીવી બાબતમાં અનેરી અને પવન વચ્ચે રેસ્ટોરન્ટમાં મીઠી તકરાર થાય છે જેનો પવન પુરેપુરો લૂત્ફ ઉઠાવે છે. એ દરમ્યાન વિનીત ત્યાં આવી પહોંચે છે એટલે ન છૂટકે પવન ત્યાંથી ચાલ્યો જાય છે..… બીજી તરફ રોલમાં જે ફોટા હતા એ જોઇને રીધમ પટેલ ગૂંચવાઇ ઉઠે છે.… હવે આગળ વાંચો...)
મારી આંખ ખુલી ત્યારે બપોરનાં અગીયાર વાગ્યા હતાં. હું ઘણો મોડો ઉઠયો હતો. આજ પહેલા આટલો બધો મોડો ઉઠયો હોય એવું ક્યારેય બન્યું નહોતું. જો કે રાત્રે હું સુતો પણ ઘણો મોડો હતો. રેસ્ટોરન્ટમાંથી જમીને બહાર નીકળ્યા બાદ પથારીમાં પડયા- પડયા મને સતત અનેરીનાં જ વિચારો આવ્યે રાખ્યાં હતાં. તેની દિલફરેબ ભૂખરી આંખોમાં હું પુરેપુરો ડૂબી ચુકયો હતો એ અહેસાસ અને તેનો સુંવાળો સહવાસ મારા મનમાંથી હટતો નહોતો. તેનો ખુબસુરત ચહેરો અને તેનો અવાજ, મોડી રાત સુધી મને પજવતાં રહ્યાં. મને ઉંઘ આવી ત્યારે મધરાત વીતી ચૂકી હતી એટલો ખ્યાલ હતો એટલે મોડા ઉઠવાનું એક મીઠું બહાનું ખુદ પોતાને સમજાવવા મારી પાસે હતું.
પથારીમાંથી ઉભા થઇ ફટાફટ હું બાથરૂમમાં ઘૂસ્યો. નહાતી વખતે પણ અનેરીનાં જ વિચારો મારા મગજમાં સતત ઘુમરાતા હતાં. ગઇકાલે રાત્રે રેસ્ટોરન્ટમાં જો વિનીત ત્યાં આવી ન ચડયો હોત તો હજુ અમારી તકરાર લંબાઇ હોત, પરંતુ વિનીતને આવતા જોઇને મેં અનેરી સાથે માથાકૂટ પડતી મુકી હતી અને મેનેજરે ચીંધેલાં બીજા ટેબલે જઇ ભોજનને ન્યાય આપ્યો હતો. ખરું પુછો તો ત્યારે અનેરી સાથે આમ મુલાકાત થશે એવું સ્વપ્નેય મેં વિચાર્યું નહોતું, અને મારે તેની સમક્ષ આવવું પણ નહોતું. પરંતુ સંજોગોવશાત તેણે જે ટેબલ બુક કરાવ્યું હતું એ ટેબલ ઉપર જ હું બેઠો હતો એટલે અમારી મુલાકાત થવી અનિવાર્ય બની હતી. નિયતીનું એક અજીબ ચક્ર વ્યવસ્થિત રીતે અમારી બંનેની આસપાસ એક ભયાનક જાળ ગૂંથી રહયું હતું એ બાબતથી ત્યારે હુ અજાણ હતો. જો મને એવો ખ્યાલ હોત તો પણ અનેરીને પામવા એ જોખમ મેં જાણી જોઇને પણ ઉઠાવ્યું હોત.
બાથરૂમમાંથી ફ્રેશ થઇને હું બહાર નીકળ્યો ત્યારે પલંગ ઉપર પડેલા મારા ફોનની ઘંટડી વાગી રહી હતી. ટુવાલભેર જ હું પલંગ તરફ ચાલ્યો અને ફોન ઉઠાવ્યો. દુનિયાભરનું આશ્વર્ય મારા મોબાઇલ ફોનની સ્ર્કીન ઉપર ઝળકી રહયું હતું. છેલ્લા ઘણા સમયથી આ નંબર ઉપર મારે વાત થઇ નહોતી. હું એક ધબકારો ચૂકી ગયો. ફોલ રીસીવ કરી મેં કાને મુકયો.
“ હેલ્લો...” હું બોલ્યો. સાવ ઔપચારિક રીતે જ એ શબ્દો મારા મોં માંથી નીકળ્યા હતાં, છતાં કોણ જાણે કેમ, સામેથી કંઇ કહેવાય એ પહેલા ઘણુંબધુ મારે તેમને કહી દેવું હતું. વર્ષોથી હ્રદય ઉપર છવાયેલો ભાર શબ્દો દ્વારા જ વહી જવાં તત્પર બન્યો હતો. એકાએક મને ઉડીને તેમની પાસે પહોંચી જવાનું મન થયું. આવી લાગણીઓ અચાનક કેમ જનમવા લાગી એ હું નહોતો જાણતો. કદાચ, અનેરી સાથે થયેલી એક મુલાકાત મારામાં ગજબ પરિવર્તન લાવી રહી હતી. મારી એકલતાનાં બંધનો ધીરે- ધીરે ખુલી રહયા હતાં.
“ શું કરે છે દીકરા...! ” સામેથી એક રૂઆબદાર, પરંતુ લાગણીભર્યો ભીનો અવાજ મારા કાને અફળાયો. અને... મારી આંખોમાં ઝાકળ છવાયું. હદયમાં એક અકળ સંવેદન ઉઠયું. આ અવાજ સાંભળવા મેં ઘણી પ્રતિક્ષા કરી હતી. મારા પિતાજી ભાગ્યે જ મને ફોન કરતા. તેઓ એમની દુનીયામાં મસ્ત રહેતાં અને હું મારી દુનિયામાં. મારી તમામ આર્થિક જરૂરિયાતો વગર કહયે તેઓ પુરી કરતા પરંતુ અમારા બાપ- દિકરા વચ્ચેનો સંબંધ ત્યાં આવીને અટકી જતો. ઘણા વર્ષોથી તેમણે મારા નામનું નાહી નાંખ્યું હતું, અને મેં પણ એ બાબતે તેમની બહું દરકાર કરી નહોતી. એક બાબત અનુભવે મને બહું સ્પષ્ટ રીતે સમજાઇ હતી કે જે ઘરમાં અઢળક ઐશ્વર્ય અને સંપત્તિનું સામ્રાજ્ય છલોછલ છવાયેલું હોય એ ઘરમાં માનવીય સંબંધો અને લાગણીઓને ઝાઝી મોકળાશ મળતી હોતી નથી. અમારા બાપ- દિકરા વચ્ચે પણ કંઇક એવું જ આવરણ છવાયેલું હતું. પરંતુ આજે એકાએક મને કંઇક અલગ જ ફિલીંગ્સ થતી હતી. મારા મન ઉપર વર્ષોથી જે ખારાશ બાઝેલી હતી એ પિતાજીનાં શબ્દોથી ઓગળતી મેં અનુભવી.
“ મજામાં છું પિતાજી...! તમે શું કરો છો...? ” મારા ગળે ડુમો ભરાયો હતો એટલે સરખું બોલી પણ શકાયું નહી.
“ હમણાં જ એક બિઝનેસ મિટિંગ પતાવીને આવ્યો છું. અને એકાએક તારી યાદ આવી...” તેઓ બોલ્યાં અને બોલતાં ગયા. “ તું મુંબઇ આવી શકે...? ઘણાં સમયથી તને મળાયું નથી. જો તું આવી શકે તેમ હોય તો આવી જા. આમપણ તારી કોલેજમાં વેકેશન ચાલતું હશે....! ”
“ જી...! હમણાં વેકેશન જ છે. મારું પણ મન હતું કે હું મુંબઇ આવું. કદાચ બે દિવસ પછી હું અહીંથી નીકળું. ” મેં કહયું.
“ બે દિવસ પછી નહીં, આજે સાંજે, અરે સાંજે શું કામ... અત્યારે જ તું નિકળ. તારી ફ્લાઇટનું બુંકિંગ હું કરાવી દઉં છું. તું સાંજ સુધીમાં અહીં હોઇશ...” મારા પિતાજી મને આશ્વર્ય પમાડી રહયાં હતાં. મને મળવાની આટલી અધીરાઇ કયારેય તેમણે દેખાડી હોય એવું મને યાદ નહોતું. પરંતુ એમ હું અહીંથી નિકળી શકું તેમ નહોતો. મારે પેલા ફોટોગ્રાફ્સ જોવાં હતાં, અને અનેરીને છોડીને હવે કયાંય જવાનું મારું મન નહોતું.
“ આજે તો હું નહીં નિકળી શકું પિતાજી, પરંતુ હું તમને સાંજે ફોન કરીને જણાવું....” થોડું વિચારીને મેં જવાબ આપ્યો. સામેનાં છેડે ખામોશી છવાઇ.
“ અચ્છા...પવન...! તું ઇન્દ્રગઢ ગયો છે કયારેય....? ” અચાનક તેમણે મને પુછયું.
“ ઇન્દ્રગઢ....!! ” આ સવાલથી મને આશ્વર્ય ઉદ્દભવ્યું. હું સતર્ક બન્યો. “ નાં...! કયારેય નથી ગયો. નાનો હતો ત્યારે દાદા સાથે ગયો હોઇશ.”
“ વાત એમ છે કે હમણાં ત્યાંથી આપણા દિવાન કનૈયાલાલનો ફોન આવ્યો હતો. તેનો છોકરો હોસ્પિટલમાં છે. તેની ઉપર કોઇકે હુમલો કર્યો હોય એવું તેણે જણાવ્યું હતું. કનૈયાલાલ વર્ષોથી આપણી રિયાસતને વ્યવસ્થિત રીતે સંભાળી રહ્યાં છે એટલે આવા સમયે આપણી ફરજ બને કે તેમની પડખે આપણે ઉભા રહીએ. હું વિચારતો હતો કે જો તું મુંબઇ આવે તો આપણે બંને બાપ- દિકરો બે દિવસ ભેગા મુંબઇ રહીએ અને પછી સાથે અહીંથી ઇન્દ્રગઢ જઇએ. ઘણા વર્ષો થયાં મને પણ ઇન્દ્રગઢ ગયે. એ બહાને તારી સાથે વધું થોડો સમય રહી શકાશે....” ખુબ જ લાગણીભર્યા શબ્દો હતાં એ. મેં કહ્યુંને...પિતાજી આજે મને આશ્વર્ય પમાડી રહયા હતાં. પણ...હું જઇ શકું એમ નહોતો. મારે વિચાર કરવો પડે એમ હતોં.
“ ઠીક છે પિતાજી...! પરંતુ આજે નહી, બે દિવસ પછી. ” આખરે કંઇક વિચારીને મેં જવાબ આપ્યો. “ હું અહીંથી નીકળીશ અને તમે મુંબઇથી સીધા જ ઇન્દ્રગઢ આવો. આપણે ત્યાં જ ભેગાં થઇએ.” આ એક ઉચિત ઉપાય મને સૂઝયો હતો. ફરી સામાં છેડે ખામોશી છવાઇ. કદાચ તેઓ પણ વિચારમાં પડયાં હશે. પરંતુ આખરે તેમણે હામી ભરી હતી અને બે દિવસ બાદ મુંબઇથી સીધા તેઓ ઇન્દ્રગઢ આવવા તૈયાર થયાં હતાં.
“ તારું ધ્યાન રાખજે પવન...! ” કહીને પિતાજીએ ફોન મુકયો. હું અવાચક બનીને ફોન સામું જોઇ રહયો. મારા પિતાજી અચાનક બદલાઇ ગયા હતાં એનું સુખદ આશ્વર્ય મને ઉદભવ્યું હતું. મારા જીગરમાં આનંદ સમાતો નહોતો. એક વાત સ્પષ્ટ હતી... અનેરીને મળ્યા બાદ મારા જીવનમાં ઘણુબધું અણધાર્યુ અને સારું બની રહયું હતું. એકાએક મને અનેરીને મળવાનું મન થયું. તે મારી સામેનાં કમરામાં જ હતી. મેં ટુવાલ કાઢી ઝડપભેર કપડાં પહેર્યા અને રૂમની બહાર નીકળ્યો. મારા આશ્વર્ય વચ્ચે અનેરીનાં કમરાનો દરવાજો અધખુલ્લો હતો અને તેમાં અંદર કોઇ પુરુષની પીઠ મને દેખાતી હતી. તેણે યુનિફોર્મ પહેર્યો હતો, કદાચ તે આ હોટલનો કર્મચારી હતો. હું તેનાં દરવાજે પહોંચ્યો અને અધખુલ્લા બારણાં ઉપર ટકોરા માર્યા. પેલો આદમી સહસા મારી તરફ ફર્યો અને આગળ વધીને તેણે દરવાજો પૂરેપૂરો ખોલી નાંખ્યો.
“ જી સર...! ” તેણે પુછયું. મારી ધારણા સાચી પડતી મેં અનુભવી. તે આ હોટેલનો જ કર્મચારી હતો અને રૂમની સાફ- સફાઇ કરી રહયો હતો.
“ અહીં એક મેડમ ઉતર્યા હતા એ કયાં છે...? ” મેં તેને પુછયું.
“ તેઓ તો ચાલ્યાં ગયાં....! ”
“ ચાલ્યા ગયાં...? મતલબ...? ” મને આશ્ચર્ય થયું.
“ ચેક-આઉટ કરી ગયા....”
“ કયારે....? ” અચાનક મારી ધડકનો વધી ગઇ.
“ હમણાં જ, અડધો કલાક પહેલાં....” કર્મચારી બોલ્યો.
“ પણ કેમ....? આઇ મીન, મતલબ કે એ તો રોકાવાનાં હતાં....” મને કંઇ સમજાતું નહોતું કે અચાનક અનેરી કયાં ચાલી ગઇ. હું કોઇ બાઘા વ્યક્તિની જેમ પેલા કર્મચારીને પુછી રહયો હતો.
“ મને શું ખબર. તમે નીચે મેનેજરને પુછો. ” પેલાએ જવાબ આપ્યો. તેને કદાચ હું કોઇ ભેજાગેપ વ્યક્તિ લાગતો હોઇશ. પણ મને અત્યારે કોઇ ફરક પડતો નહોતો. મારા માટે તો અનેરી અગત્યની હતી. મને ખબર હતી કે તે અહી રોકાવાની હતી, તો પછી અચાનક તેણે ચેક- આઉટ શું કામ કર્યું...? મારા જહેનમાં હજારો સવાલ ઉદ્દભવતાં હતા. ઝડપથી, લગભગ દોડતો જ હું લીફ્ટમાં ઘુસ્યો અને નીચે આવ્યો. નીચે કાઉન્ટર ઉપર પેલા ભાઇ જ હાજર હતાં જેમની પાસે મેં રુમ બુક કરાવી હતી..
“ એક્સકયૂઝ મી....! પેલાં ૨૦૨ નંબર વાળા મેડમ કયાં ગયાં....? “ મેં સીધું જ તેમને પુછી લીધું.
“ પેલાં ટૂંકાવાળ વાળા મેડમને...? લગભગ અડધી કલાક પહેલાં તેમણે ચેક- આઉટ કર્યુ અને ટેક્ષી મંગાવી હતી.” તેણે જવાબ આપ્યો.
“ ટેક્ષી મંગાવી હતી...? પણ શું કામ...? કયાં જવા માટે....?” મેં હેરાનીથી પુછયું. પેલાએ મારી સામું જોયું. અચાનક તે સતર્ક થયો હોય એવું મને લાગ્યું. કદાચ હોટલમાં ઉતરનારા ગેસ્ટની અંગત માહિતી બીજા કોઇને ન આપવાની સતર્કતા તેને ઉદ્દભવી હતી. મેં કળ થી કામ લેવાનું નક્કી કર્યું.
“ જુઓ...! મારે એ જાણવું બહુ જરૂરી છે કે તેઓ કયાં ગયા...? તેઓ મારા ગામ “ઇન્દ્રગઢ” નાં જ છે. એક સંદેશો મારે તેમનાં સુધી પહોંચાડવાનો હતો...”
પેલા ભાઇને કદાચ મારી વાત ઉપર વિશ્વાસ આવ્યો હતો કારણકે અનેરીએ હોટલનાં ચોપડામાં તેનું ગંતવ્ય સ્થાન “ ઇન્દ્રગઢ” નું લખાવ્યું હતું. મને પણ એ સાવ એકાએક જ સૂઝયું હતું અને મેં ગપગોળો ચલાવ્યો હતો.
“ એ મેડમ પણ અજીબ હતાં. ચેક- આઉટ સમયે તેમની સાથે એક ભાઇ પણ હતાં. તેણે ટેક્ષી એ ભાઇ માટે જ મંગાવી હતી. એ ભાઇ ટેક્ષીમાં બેસીને અહીંથી ગયા ત્યારબાદ એ મેડમ પણ પોતાની કારમાં બેસીને ચાલ્યા ગયા....! હવે એ ટેક્ષી કયાં જવા માટે મંગાવી હતી એ તો ટેક્ષીવાળો પાછો અહીં આવે ત્યારે જ જાણવા મળે. અને પેલા મેડમ તો પોતાની કાર જાતે ડ્રાઇવ કરીને ગયા છે એટલે મને કેમ ખબર હોય કે તેઓ કયાં ગયા...! ” તે બોલ્યો.
“ ઓહ...! ” હું વિચારમાં પડયો. એક બાબત સ્પષ્ટ મારા જહેનમાં ઉભરતી હતી કે ટેક્ષીમાં બેસીને ગયેલો વ્યક્તિ ચોક્કસ વિનીત જ હોવો જોઇએ. પણ અનેરી આમ એકાએક કયાં ચાલી ગઇ હશે...? અને તેણે આટલું જલ્દી કેમ ચેક- આઉટ કર્યું એ મને સમજાતું નહોતું. હવે મારે તેને કયાં શોધવી..? અનેરી કે વિનીત, બંનેમાંથી એકનું પણ સરનામું મારી પાસે નહોતું. હવે...? એક જબરો પ્રશ્ન મારી સમક્ષ આવીને ખડો થયો હતો, અને તેનો કોઇ જવાબ ફિલહાલ તો મને સૂઝતો નહોતો. ઘોર નિરાશા મને ઘેરી વળી.
“ સાહેબ, તેઓ કોઇ કેમેરા રોલ અને ફોટાની, કે એવી કોઇ વાત આપસ- માં કરતાં હતાં” મને નિરાશામાં માથું ધુણાવતો જોઇને અચાનક પેલા રિસેપ્શનિષ્ટ ભાઇ બોલ્યાં.
“ ઓહ...યસ...ફોટાઓ..! ઓહ....! ” એકાએક મારા મનમાં ઉત્સાહનો સંચાર થયો. આ વાત મારા જહેનમાંથી કેમ કરતા નીકળી ગઇ...? જરૂર એ ફોટોગ્રાફ્સ વહેલા આવી ગયા હોવા જોઇએ, નહિતર આટલી બધી માથાકુટ જેનાં કારણે થઇ રહી છે એને છોડીને અનેરી આમ એકાએક અહીથી જાય નહી. અચાનક એક દિશા મને મળી હતી જેને હવે કોઇપણ ભોગે હું ગુમાવવા માંગતો નહોતો. પેલા ભાઇને “ થેંક્યુ” કહીને હું ઝડપથી ચાલતો હોટલનાં ગેટની બહાર નીકળ્યો. વિનીતે જે દુકાને રોલ ડેવલપ કરવા આપ્યો હતો એ દુકાન અહીથી વધુ દુર નહોતી. છતાંપણ બહાર નીકળીને તુરંત મેં રીક્ષા કરી અને પંદર મિનિટમાં હું “ કેનન” કંપનીનાં શો- રૂમનાં પગથિયે ઉભો હતો. મારુ હ્રદય જોરજોરથી ધડકી રહ્યું હતું જાણે હોટલેથી અહી સુધી હું દોડીને ન આવ્યો હોઉં....! અનેરીને હોટલ છોડયે અડધો કલાક ઉપર સમય થયો હતો. છતા. એક ધૂંધળી આશા હતી કે તે અહીં જ હોવી જોઇએ. એ આશા સાથે હું દુકાનમાં દાખલ થયો અને ચો- તરફ નજર ઘુમાવી. ત્યાં અનેરી કે વિનીત, બે માંથી કોઇ નહોતું. ફરી એક વખત હું મોડો પડયો હતો. જો કદાચ તેઓ અહીં આવ્યા પણ હશે તો જરૂર પેલા ફોટોગ્રાફ્સ લઇને ચાલ્યા ગયા હોવાં જોઇએ. મારે એ કન્ફર્મ કરવું જરૂરી હતું. હું ત્યાં કાઉન્ટર પાછળ ઉભેલા એક સેલ્સમેન પાસે જઇને ઉભો રહયો અને તેને વિનીતનું વર્ણન કર્યું કે આવો કોઇ વ્યક્તિ હમણાં જ કોઇ ફોટાઓ લઇને અહીંથી ગયો છે...? પેલા સેલ્સમેને હામી ભરી. વિનીત થોડીવાર પહેલાં જ એ ફોટાઓ લઇને અહીથી ગયો હતો. ફરીવાર એક નિરાશા મને ઘેરી વળી. શિથીલ ચાલે હું દુકાનમાંથી બહાર નીકળ્યો.
***
વિનીતે ટેક્ષી છોડી દીધી. તેનાં ખભે એક થેલો લટકતો હતો જેમાં પેલા ફોટોગ્રાફ્સ વાળુ કવર તેણે મુકયું હતું. અહીથી તેની મંઝિલ “ ગીતામંદિર ” બસ સ્ટેન્ડ હતું. અનેરીએ તેને ત્યાં બોલાવ્યો હતો. આ ફોટાઓ ભરેલું કવર એ ત્યાંથી જ કલેક્ટ કરવાની હતી. અનેરીને બીક હતી કે કદાચ કોઇ તેનો પીછો કરતું હોય તો નાહકની ઉપાધી સર્જાય. એટલે જ તેણે વિનીતને ગીતામંદિર બસ સ્ટેન્ડ જેવી ભીડભાડવાળી જગ્યાએ બોલાવ્યો હતો. એ ફોટાઓ લઇને તે ફરી પાછી “ઇન્દ્રગઢ” જવાની હતી. વિનીતને ખરેખર આશ્વર્ય ઉદ્દભવતું હતું કે અનેરી આખરે શેની પાછળ પડી.છે...? તેણે તેની સાથે જવાનો પ્રસ્તાવ મુકયો હતો પરંતુ અનેરીએ એ બાબતની ચોખ્ખી “ ના” પાડી દીધી હતી. તે પોતાની રીતે જ બધું મેનેજ કરવા માંગતી હતી. પણ આખરે તે કરવા શું માંગતી હતી..? વિનીતને સમજાતું નહોતું કે આખરે તે કરે તો શું કરે...?
બહું વિચાર્યા બાદ આખરે તેણે પણ “ ઇન્દ્રગઢ” જવાનું મન બનાવી લીધું. અનેરીને કોઇપણ સંજોગોમાં તે ગુમાવવા કે એકલી મુકવા માંગતો નહોતો.
જોકે, તે નહોતો જાણતો કે તેનો આ ફેંસલો આવનારા ભવિષ્યમાં કેવા- કેવા વમળો સર્જવાનો હતો. તે તો બસ, એક પાગલ પ્રેમીની ભાંતી પોતાની પ્રિયતમા પાછળ ફના થવા નિકળી ચૂકયો હતો.
( ક્રમશઃ)
લેખકઃ- પ્રવિણ પીઠડીયા.
આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.
ધન્યવાદ.
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..
નો રીટર્ન.
નસીબ.
અંજામ.
નગર.
આંધી.
પણ વાંચજો.