22 Single - 4 in Gujarati Comedy stories by Shah Jay books and stories PDF | ૨૨ સિંગલ - 4

Featured Books
Categories
Share

૨૨ સિંગલ - 4

સોશીયલ મીડિયા

૨૧મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ માનવ જગતને એક ક્રાંતિકારી ખોજ ગીફ્ટ આપી- ઈન્ટરનેટ. પહેલો દશકો પૂરો થયો ત્યાં સુધી 2g ચાલતું હતું પછીના પાંચ જ વર્ષમાં 3g અને 4g નો જમાનો આવ્યો. આ જ વચ્ચે સોશીયલ મીડિયા ની પણ શરૂઆત થઇ. ધીમી પણ એટલી જ મક્કમ કે દસ જ વર્ષમાં માનવજાત ઉપર એવું આધિપત્ય જમાવી લીધું કે માણસ ઈચ્છે તો પણ એની બહાર ના નીકળી સકે.

સોશીયલ મીડિયાનો ક્રેઝ એટલો વધી ગયો કે ફેસબુક, whatsapp, હાઈક, ઇન્સ્તાગ્રામ, ટ્વીટર અને આવી તો અસંખ્ય એપ્લીકેશન લોકોમાં મોબાઈલમાં રહેવા લાગી. એમાં હર્ષ પણ ૨૨ વર્ષનો ભણેલો (પણ ગણેલો નહિ...) એન્જીનીયર. એમ પણ સોશીયલ મીડિયા ભલે પહેલા દશકામાં શરુ થયું પણ એનો ખરો ગ્રોથ તો બીજા દશકની શરૂઆત માં જ થયો અને હર્ષ ની પેઢી પણ ત્યારે જ મોબાઈલ વાપરવા જેવી યુવાન બની. હર્ષ પણ આમાંની મોટાભાગની એપ્લીકેશન પર રહેતો, એમાં ફેસબુક પર થોડો વધારે (બસ ખાલી 3 એકાઉન્ટ ).

હર્ષના પપ્પા આમ તો આ મોબાઈલ નામની બલાથી દુર જ રહેતા. હા, મોબાઈલ ખરો. પણ, માત્ર ફોન લેવા-કરવા માટે જ એ સિવાય ઝાઝી લપ્પન-છપ્પન નહિ. પણ ખબર નહિ, એક દિવસ સૂર્ય કયા આકાશમાં ઉગ્યો કે સાંજે ઓફિસે થી આવીને એમણે હર્ષ ને whatsapp વિષે પૂછ્યું. શું છે, કેમ વાપરવાનું, આનાથી શું થાય વગેરે વગેરે. હર્ષ ને થોડું આશ્ચર્ય થયું. પૂછતા ખબર પડી કે એમની કંપનીમાં પણ બધાએ whatsapp પર ગ્રુપ બનાવ્યું છે.

બીજા દિવસે આવીને ફેસબુક વિષે આવા જ સવાલ. અને પછી તો તરત જ હર્ષ ને કીધું કે મને અત્યારે ને અત્યારે જ whatsapp અને ફેસબુક માં એકાઉન્ટ બનાવી આપ. હર્ષ થોડી વાર તો વિચારમાં પડ્યો કે આ મારા જ પપ્પા છે ને જેમને whatsapp અને ફેસબુકની ચીતરી ચડતી. જે whatsapp પર આવતી કોઈ પણ પોસ્ટ ખાલી એક અફવા છે કહીને સાંભળતા પણ નહિ. પણ પપ્પા છે ને!!!!! વધારે ના પુછાય. એટલે હર્ષે એકાઉન્ટ તો બનાવી આપ્યું. બંને નો કેમ ઉપયોગ કરવાનું એ પણ થોડું ઘણું સમજાવી દીધું. એમાં જયારે પ્રોફાઈલ પિકચર મુકવા માટે તો એના પપ્પા એ રીતસર ફોટો સેશન કરાવ્યું, ત્યારે પેહલી વાર લાગ્યું કે ના હો!!!! એમને પણ શોખ હોય જ!!! દસ ફોટા અલગ અલગ એંગલ થી લીધા ત્યાર પછી એક ફોટા માટે માંડ માન્યા. વળી whatsapp અને ફેસબુક પર એકસરખા ફોટો ના જોઈએ તો ફરી ફેસબુક માટે એક ઔર ફોટો સેશન. બંને પર ફોટો મુક્યા પછી જ હર્ષને છોડયો.

પણ આ તો પપ્પા કહેવાય, ઘર ની સુપ્રીમ કોર્ટ. એમની ફેસબુક પર એન્ટ્રી પડતા જ હર્ષ ની અડધી એન્ટ્રી ઓછી થઇ ગઈ. કેટલીય પોસ્ટ ડિલીટ કરવી પડી. ધીરે ધીરે પપ્પા ના લીધે હર્ષના ફેસબુક અને whatsapp માં સગાસંબંધીઓ ફ્રેન્ડસમાં એડ થવા લાગ્યા. whatsapp પર પપ્પા એ એક ફેમીલી ગ્રુપ બનાવ્યું (એમને એડ કરતા ના આવડે એટલે હર્ષ ને નામ અને નંબર મોકલે અને હર્ષ ને એડ કરવાનું કહે ).

થોડા સમય પહેલાની જ વાત છે, હર્ષ ને એક છોકરી ગમી હતી (છોકરી ને હર્ષ નહિ હાં...). એની સાથે વાત કરવાનો એક પણ મોકો હર્ષ કેમ નો જવા દે, એમાં વળી છોકરી રાતરાગીણી. રાત્રે જ ઓનલાઈન થાય. અને એની સાથે વાત કરવાના ચક્કરમાં હર્ષ પણ જાગતો. એક દિવસ આ જ રીતે રાત્રે ૧૨:૩૦ જેવા એ હર્ષ ઓનલાઈન હતો અને ચેટ કરતો હતો, ત્યા જ એક બીજો મેસેજ આવ્યો. મેસેજ પપ્પાનો હતો. હર્ષ ની પેલી સાથે વાત કરવાની બધી જ ઉત્સાહ પર પાપા નો એક મેસેજ ફરી વળ્યો. પપ્પા નો મેસેજ જોઇને જ હર્ષ તો સીધો ઓફલાઈન. ઈન્ટરનેટ બંધ કરીને સીધા પથારી ભેગા. ક્યાય સવાર થઇ ગઈ ખબર જ ના પડી (આવું તો બચપણમાં મમ્મી નો એક લાફો પડતો ત્યારે જે ઊંઘ આવતી એવી જ અસર પપ્પા ના આ એક મેસેજ થી થઇ, ખરેખર સોશીયલ મીડિયા નો જમાનો હોં સાહેબ....).

સવારે ઓફીસ પહોચ્યો ત્યારે જ હર્ષ પર એના પપ્પા નો ફોન આવ્યો. હર્ષની તો ઈચ્છા જ નહોતી ઉચકવાની પણ પપ્પા છે ને!! સારા નસીબે ત્યારે તો કઈ ના બોલ્યા. બે- ત્રણ દિવસ પછી હર્ષ એના ઓફીસ ના બધા મિત્રો સાથે એક પિકચર જોવા ગયો. બે-ત્રણ ફોટા પાડીને whatsapp સ્ટેટસ માં મુક્યા. પછી થયું જોવા જેવું, ચાલુ પિકચર એ ફોન રણક્યો (કોણ હોય??? પપ્પા જ ને તો...). હર્ષ તો સીધો થીએટર ની બહાર. પપ્પા નો પહેલો જ સવાલ, ક્યાં છે એનો જવાબ આપતા જ હર્ષ થોથવાયો. પણ પપ્પા એ જવાબની દરકાર કર્યા વગર જે કામ માટે ફોન કર્યો હતો એ કહીને મૂકી દીધો (હાશ બચ્યા....!!! પણ બેટા ક્યાં સુધી ??). દસેક દિવસ પછી હર્ષ જયારે ઘરે ગયો ત્યારે એના પપ્પાએ whatsapp સ્ટોરી શું છે, એ કેમ ની મુકાય એ બધું પૂછ્યું. હર્ષે બતાવ્યું. તરતા જ એના પપ્પાએ એમની અને હર્ષની એક સેલ્ફી લીધી અને હર્ષના શીખવાડ્યા પ્રમાણે whatsapp સ્ટોરી મૂકી (અહો આશ્ચર્યમ....!!! હજી બાકી છે, વાંચો આગળ). અને નીચે કમેન્ટ પણ લખી well time spend with son” . હર્ષને તો શું બોલવું શું નહિ એની કોઈ ગતાગમ જ નહોતી રહી.

બીજી પણ બે-ત્રણ વખત આવું જ થયું, હર્ષ રાત્રે જરા લેટ સુધી ઓનલાઈન દેખાય એટલે તરત એના પપ્પા એને “??” આવા પ્રશ્નાથ ચિહ્ન મોકલી આપે. હર્ષ પણ એમનો જ છોકરો ને. બીજી વાર જયારે ઘરે ગયો ત્યારે પપ્પા ના મોબાઈલ ના સેટિંગ ચેન્જ કરી નાખ્યા. હવે એમને કોઈ ઓનલાઈન હોય તો જ દેખાય, બધાનું last seen દેખાતું બંધ થઇ જય એવું સેટિંગ કરી નાખ્યું. પપ્પા ને પણ લાગ્યું કે હવે આવું કેમ થાય, એક વાર હર્ષ ને પૂછ્યું પણ ખરું તો હર્ષ એ ઈન્ટરનેટ ની સ્પીડ ઓછી હશે એવું કહી દીધું અને પોતે ઘરે આવશે ત્યારે જોઈ લેશે એટલે પપ્પા એ પણ જવા દીધું અને હર્ષ ને વળી પેલી સાથે વાત કરવા માટે મોકળું મેદાન મળી ગયું.

કોલેજ ની એક મિત્રની બર્થડેના દિવસે હર્ષે એનો ફોટો ફેસબુક પર મુકીને વિશ કર્યું. પપ્પા એ એ ફોટો લાઇક તો કર્યો પણ નીચે “હેપ્પી બર્થડે વહુ બેટા” એમ કમેન્ટ પણ કરી. થોડી વાર પછી પેલી ફ્રેન્ડનો ફોન આવ્યો ને એને ગાળ દીધી ત્યારે હર્ષને તો ખબર પડી. હર્ષે તરત જ પોસ્ટ ડિલીટ કરી નાખી પણ ત્યાં સુધીમાં તો એના ખાસ ફ્રેન્ડ એ એનો સ્ક્રીનશોટ લઈને એની ફેસબુક પર પોસ્ટ પણ કરી દીધો હતો. હર્ષે તરત એના પપ્પા ને ફોન કર્યો અને એમણે આવી કમેન્ટ કેમ કરી એમ પૂછ્યું તો એમનો જવાબ કૈક આવો હતો : “મને એમ કે હશે તમારા વચ્ચે કંઇક હોય તો જ તું એનો ફોટો મુકે, તે મારી કે તારી મમ્મીની બર્થડે પર ક્યાં ફોટો મુક્યો હતો. અને એમ છોકરી પણ સારી જ છે, તને ગમતી હોય તો બોલ હું મમ્મીને સમજાવી દઈશ.” હર્ષને કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઇ ગઈ. શું બોલવું એની સમજ ના પડતા થોડી વાર તો મૂંગા રહીને પપ્પા જે બોલ્યા એ ફરી યાદ કરતો ઉભો રહ્યો. પણ પછી એને તરત એના પપ્પાને પૂછ્યું કે: “જે હોય એ તમે આમ ફેસબુક પર કમેન્ટ કેમ કરી? હવે બધા મને ચીડવે છે અને પેલી છોકરી તો મારી સાથે હવે કોઈ દિવસ વાત પણ નહિ કરે..” ત્યારે એના પપ્પાએ પૂછ્યું કે: “મેં જે કમેન્ટ કરી એ બધા જોઈ સકે?? મને એમ કે ખાલી તું જ જોઈ સકીશ એટલે મેં તો કરી.” હર્ષે તો કપાળ કૂટ્યું.

પપ્પાની આવી ભૂલ પર હસવું પણ આવ્યું અને ગુસ્સો પણ. એક તો પોતે હજી સિંગલ છે અને પપ્પા એ તો સીધી વહુ જ બનાવી દીધી. જોકે હર્ષે એક વાર તો પેલી છોકરી સાથે પોતાની જોડી જામે કે નહિ એના સમણાં જોઈ ચુક્યો હતો. ફ્રેન્ડ ને સમજાવતા નાકે દમ આવ્યો, પણ આખરે માની ગઈ. પણ હર્ષ જ્યાં સુધી કોઈ એક્શન લે ત્યાં સુધી તો વાત સારી એવી ફેલાઈ ચુકી હતી. હર્ષના પપ્પાનું આવું કામ સાંભળીને બધા એ હર્ષની બહુ લીધી. પણ “અંત ભલા તો સબ ભલા” પ્રમાણે છોકરી એ વાત મઝાક માં લઇ લીધી એટલે હર્ષને ગંગા નાહ્યા જેવું લાગ્યું.

પણ ત્યારથી જ હર્ષનું ફેસબુક વાપરવાનું એકદમ ઓછુ થવા લાગ્યું. રખે ને ફરી આવું કઈ થાય એ બીકમાં ફેસબુક પર પોસ્ટ કરવાનું તો એ જાણે સાવ ભૂલી જ ગયો. એમાં ને એમાં થોડો સમય વીતી ગયો ત્યાં હર્ષ નો બર્થડે આવ્યો. પપ્પા પણ રાત્રે બાર વાગ્ય સુધી જાગ્યા. ૧૨ વાગતાના એક મિનીટ પહેલા જ ફોન કરી દીધો, હર્ષે કીધું કે હજી બાર નથી વાગ્યા તો કહે કે હા એકવાર ૧૨ વાગી જાય પછી તારો નંબર જ ક્યાં લાગવાનો, તું તો વ્યસ્ત જ આવે. (એમનો ઈશારો મારી ગર્લફ્રેન્ડ પર હતો પણ એમણે ક્યાં ખબર હતી કે એમનો આ લાલ રાધા વગરનો છે. )

હર્ષના પપ્પા ધીમે ધીમે હર્ષ પાસેથી ઈન્ટરનેટ શીખવા માંડ્યા. એક દિવસ હર્ષ ને ફોન કરીને એનો ઇમેલ આઈડી માંગ્યો. બીજા દિવસે હાઈટ અને વજન પૂછવા ફોન કર્યો. હર્ષની સવાલ પૂછવાની તો હિંમત જ ક્યાંથી ચાલે. પણ પપ્પા પણ સ્માર્ટ હતા. હર્ષ પૂછે તો એમણે જવાબ તૈયાર જ રાખ્યો હતો કે એ તો એની પોલીસી કરાવવાની છે એટલે. થોડા દિવસો પછી હર્ષ ઉપર કંપનીમાં હતો ત્યારે એક ફોન આવ્યો. કામમાં હતો એટલે ઊંચક્યો નહિ અને સામેથી ફરી કર્યો ત્યારે ખબર પડી કે એ તો કોઈક લગ્નવિષયક વેબસાઈટ પરથી ફોન હતો. હર્ષે વેબસાઈટ નું નામ પૂછીને સર્ચ કર્યું ત્યારે રાઝ પરથી પડદો ઉઠ્યો કે એના પપ્પા એ એની પ્રોફાઈલ ત્યાં મુકી છે. હર્ષે પપ્પા ને કેટલું સમજાવ્યા કે “હજી તો મારી ઉંમર ગર્લફ્રેન્ડ બનાવાની છે (જો કે આ એ પણ વીત્યા ને 2-૩ વર્ષ થઇ ગયા હતા). તમે અત્યારથી કેમ મને લગ્નના બેડા માં બાંધો છો?” તો પાછા પપ્પા મમ્મી સામે જોઇને કહે કે “કેમ હું પણ ના બંધાઈ ગયો.”

પપ્પા પણ કહેતા કે “હું પણ આ પેઢીમાં જન્મ્યો હોત તો કેટલું સારું.!!!” પણ પપ્પા ને કોણ સમજાવે “વગર દીવે બધે અંધારું”. અહિયાં બ્લોક થિયે છીએ, તો કોઈક ‘પોક’ કરે છે. ફેસબુક પર સેટિંગ થાય છે, whatsapp પર ચેટીંગ થાય છે, skype પર એનિવર્સરી ઉજવાય છે, instagram પર ટેગ કરાય છે, ફોન પર લડાઈ થાય છે, હેંગઆઉટ પર બ્રેક-અપ થાય છે, અને ફરી ફેસબુક પર કોઈક નવું સર્ચ કરીને ફ્રેન્ડ બનાવીને આ જ રીપીટ થાય છે. આ પેઢી માટે કોઈ કોઈ નું નથી. બધા ટેમ્પરરી જ છે.

પણ પણ, હર્ષ ને એના પપ્પાની આ ક્યુટનેસ બહુ જ ગમી. આજે તો હર્ષ એના પપ્પા સાથે મસ્ત whatsapp પર વાત કરે છે. મમ્મી ને પણ શીખવી દીધું છે અને ત્રણે ફેમિલી ગ્રુપ બનાવીને હવે ત્યાં લડે છે.

***