બાજીગર
કનુ ભગદેવ
૫ - એમ. એલ એ. રાજનારાયણ....!
ભૂતપૂર્વ એમ.એલ.એ.રાજનારાયણ તથા વીરા વાતો કરતા બેઠા હતાં.
રાજનારાયણનો ચહેરો બેહદ ગંભીર હતો.
જયારે વીરાના ચહેરા પર ક્રોધમિશ્રિત ઉદાસીના હાવભાવ છવાયેલા હતા.
‘વીર...!’ રાજનારાયણે ગંભીર અવાજે કહ્યું, ‘તને કદાચ મારી વાત પર ભરોસો નથી બેઠો પણ હું સાચું જ કહું છું. મારા પર આજે જ પ્રભાકરનો પત્ર આવ્યો છે. એની નોકરી અજમેરથી જયપુર ટ્રાન્સફર થઇ ગઈ છે.’
‘જયપુર...?’
‘હા...પરમ દિવસે તે જયપુર છાવણીમાં પહોંચી જશે. એણે પોતાની જયપુર છાવણીનું સરનામું જણાવીને મને તાબડતોબ ત્યાં પહોંચવાનું લખ્યું છે.’
‘ઓહ... તો આનો અર્થ એ થયો કે મારે હવે એ ઠંડા પુરુષ પાસે રહેવું પડશે !’
‘હા...ગમે તેમ તોય એ તારો પતિ છે...!’
‘બરાબર છે, પરંતુ મેં તેને ક્યારેય પતિ નથી માન્યો. હું તો તને જ મારો પતિ માનું છું.’
‘તારી નજરે ભલે એ તારો પતિ ન હોય, પરંતુ દુનિયાની નજરે તું એની પત્ની છો.’
‘રાજ...’
‘તને પ્રભાકર પાસેથી આવ્યાને ત્રણ મહિના વીતી ગયા છે. તે ઘણો આનંદ , માણી લીધો છે. હવે તારે પ્રભાકર પાસે જવું જોઈએ.’
‘રાજ...એક વાતનો સાચો જવાબ આપ !’
‘બોલ...!’ રાજનારાયણે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા કહ્યું.
‘ક્યાંક મારાથી તારું માન ભરાઈ ગયું હોય એવું તો નથી ને ?’
‘આ તું શું નાખી દેવા જેવી વાત કરે છે વીર...? કાશ ..જો તું પ્રભાકરને બદલે બીજા કોઈકની પત્ની હોત તો હું તારા પતિનું ખૂન કરીને હંમેશને માટે તને મારી બનાવી લેત !’
‘હું ગઈકાલે પણ તારી હતી, આજે પણ છું અને આવતીકાલે પણ રહીશ. રાજ...જો આપણી વચ્ચે કોઈ વિઘ્ન ન રહે એમ જો તું ઈચ્છતો હો તો પ્રભાકરનું ખૂન કરી નાંખ !’
‘ના...!’ કહેતાં કહેતાં રાજનારાયણના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ચમકવા લાગ્યા.
એ વિચિત્ર નજરે વીરા સામે તાકી રહ્યો.
‘મારી સામે આ રીતે શું જુએ છે ? તેં આજ સુધીમાં કેટલાય ખૂન કર્યા છે. એમ તું પોતે જ મને કહેતો હતો, તો પછી તું એક આ પ્રભાકરનું ખૂન કરી શકે તેમ નથી ?’
‘ના...’
‘કેમ...?’
‘એ...એ મારો નાનો ભાઈ છે વીરા...!’
‘તો શું થઈ ગયું ? શું નાના ભાઈનું ખૂન ન કરાય...?’
‘આજે આ તને શું થઇ ગયું છે વીરા...? તું કેવી નકામી નકામી વાતો કરે છે !’
‘હું નકામી વાતો નથી કરતી...સાંભળ ..હું તારા ઠંડા ભાઈને એક મિનિટ માટે પણ સહન કરી શકું તેમ નથી.’
‘તો પછી...?’
‘પછી, શું...? હું તેની પાસે નહીં જઉં !’
‘તો એ તને લેવા માટે અહીં દોડી આવશે.’
‘એ ન આવે એનો ઉપાય છે મારી પાસે !’
‘એના ખૂન સિવાયનો...?’
‘હા ...’
‘શું...?’
‘હું બીમાર છું એવો પત્ર લખી નાખ...?’
‘બરાબર છે, પરંતુ બીમારીનું બહાનું વધુમાં વધુ કેટલા દિવસો સુધી ચાલશે ?’
‘એટલા માટે તો કહું છું કે પ્રભાકરનું ખૂન કરી નાખ !’
વીરાની વાત સાંભળી રાજનારાયણ કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.
જાણે કોઈક મક્કમ નિર્ણય પર પહોંચવાનો પ્રયાસ કરતો હોય એવું તેના ચહેરા પરથી લાગતું હતું.
પરંતુ એક વાતથી બંને અજાણ હતા.
રૂમની પાછળની બારી પાસે ઉભેલી એક માનવ આકૃતિએ તેમની વચ્ચે થયેલી વાતચીત સાંભળી લીધી હતી.
એ માનવ આકૃતિ બીજું કોઈ નહીં પણ બાજીગર હતો !
વળતી પળે જ તે કમ્પાઉન્ડ વોલ તરફ આગળ વધી ગયો.
***
સુધાકર પોતાની ઓફિસમાં બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો.
એના હાથની આંગળીઓ વચ્ચે સિગારેટ સળગતી હતી. પરંતુ તે ફાઈલમાં એટલો તલ્લીન બની ગયો હતો કે કસ ખેંચવાનું પણ તેને ભાન નહોતું રહ્યું.
સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.
એ ખુબ જ ધૂંધવાઈ ગયો.
જાણે આંખો વડે જ ટેલીફોનને બાળીને ભસ્મ કરી નાખવા માંગતો હોય એવી નજરે એણે ટેલીફોન સામું જોયું.
અત્યારે તેને ફોનનું આગમન ખુબ જ ખૂંચ્યું હતું.
‘હલ્લો...’છેવટે એણે રિસીવર ઉચકીને કાને મુકતા કહ્યું.
‘તમે જ મિસ્ટર સુધાકર બોલો છો ?’ સામે છેડેથી નરમ અવાજે પૂછવામાં આવ્યું.
‘હા...અને તમે ? કોણ બોલો છો ?’
‘તમે મને તમારો શુભેચ્છક માની શકો છો મિસ્ટર સુધાકર !’
‘શુભેચ્છક...?’
‘હા...’
‘તમે મારા શુભેચ્છક હશો એ વાત હું કબુલ કરું છું પણ તમારું કંઇક નામ તો હશે જ ને ?
‘માફ કરજો મિસ્ટર સુધાકર, હું તમને મારો પરિચય આપી શકું તેમ નથી.’
‘કંઈ વાંધો નહીં મિસ્ટર શુભેચ્છક...! બોલો, શા માટે મને ફોન કરવો પડ્યો છે ?’
‘મિસ્ટર સુધાકર, હું તમારી સાથે થોડી જરૂરી વાતો કરવા માંગું છું...!’
‘કઈ બાબતમાં ...?’
‘તમારી આવારા અને ચારિત્ર્યહીન પત્ની કિરણના બાબતમાં...!’
‘શટઅપ...!’ સુધાકર કાળઝાળ રોષથી બરાડ્યો, ‘તમારી આ મજાલ..કે ત્મેમારી દેવી જેવી પત્નીની પવિત્રતા પર આવો આરોપ મુકો છો ?’
‘મિસ્ટર સુધાકર...!’ સામે છેડેથી આવતો અવાજ બેહદ ગંભીર અને શાંત હતો, ‘તમને તમારી પત્ની પર ખુબ જ ભરોસો હોય એવું લાગે છે. પરંતુ હું સાચું જ કહું છું. તમારી પત્ની ચારીત્ર્યહીન છે...! એ તમારા ભરોસાનું ખૂન કરે છે...! તમારી સાથે વિશ્વાસઘાત કરે છે...!’
‘બકવાસ બંધ કરો તમારો...!’
‘જો તમને મારી વાત બકવાસ લગતી હોય તો હું રિસીવર મૂકી દઉં છું. તમે જાણો અને તમારી પત્ની જાણે...! મારે આ મામલામાં પંચાત કરવાની શું જરૂર છે ? હું તમને મારા પોતાના જ માનતો હતો. એટલે મને લાગ્યું કે તમને સાચી હકીકતથી વાકેફ કરવાની મારી ફરજ છે. મારી ફરજ મેં પૂરી કરી છે. હવે તમે પોતે જ ફોડી લેજો.’
સામે છેડેથી કહેવાયેલી વાતની સુધાકર પર ધારી અસર થઇ હતી.
એની આંખોમાં શંકાના કુંડાળા રચાયા.
‘મિસ્ટર શુભેચ્છક...!’ એ વિચારવશ અવાજે બોલ્યો, ‘તમે આમ ગોળ ગોળ વાતો કરવાને બદલે જે કંઈ કહેવું હોય, તે સ્પષ્ટ શબ્દોમાં કહો...!’
‘અત્યારે તમારી પત્ની ઉટીના એક શાનદાર કોટેજમાં તમારા બનેવીના આલિંગનમાં મોજ કરે છે...!’
‘શું...?’ જાણે અચાનક જ રિસીવરમાં ઇલેક્ટ્રિક કરંટ વહેવો શરુ થયો હોય એમ સુધાકર ચમકી ગયો.
‘હા...’
‘તમે ખોટું બોલો છો મિસ્ટર...! તમારી વાત મારે ગળે નથી ઉતરતી...! અતુલને હું બહુ સારી રીતે ઓળખું છું. એ ખુબ જ ચારિત્ર્યવાન છે ! એ ...એ કિરણ સાથે આટલી હલકી કોટિનું કામ કરી શકે જ નહીં...!’
‘તમે કરી શકવાનું કહો છો મિસ્ટર સુધાકર...! પરંતુ આ કામ તો તેઓ કેટલીય વાર કરી ચુક્યા છે.’
‘મિસ્ટર..બસ...બહુ થઇ ગયું હવે...! તમે ખોટું બોલીને મને નહીં ભરમાવી શકો સમજ્યા ?’
‘હું ખોટું નહીં પણ સાચું કહું છું મિસ્ટર સુધાકર...! મારા પર ભરોસો રાખો...!’
‘વારુ, અતુલ અને કિરણ વચ્ચે અનૈતિક સંબંધ છે, એ વાતનો કોઈ પુરાવો છે તમરી પાસે...?’
‘હા...છે...’
‘શું...?
‘પહેલા તમે તમારી પત્ની પર નજર રાખો...’
‘કેમ...?’
‘જેથી કરીને તમારી શંકાનું સમાધાન થઇ જાય...! કિરણ વાસ્તવમાં ચારિત્ર્યહીન છે. એ વાતની તમને ખાતરી થઇ જાય...! જો તમારી શંકાનું સમાધાન ન થાય તો પછી મને વાત કરજો...! હું તમને ગમે ત્યારે પુરાવો બતાવી શકું તેમ છું.’
વળતી જ પળે સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.
સુધાકર હલ્લો...હલ્લો...કરતો રહી ગયો.
એના ચહેરા પર લાચારીના હાવભાવ છવાઈ ગયા.
એણે ધીમેથી રિસીવરને ક્રેડલ પર મૂકી દીધું.
એ બીજી સિગારેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચતો વિચારમાં ડૂબી ગયો.
રહી રહીને તેની નજર સામે અતુલ તથા કિરણના ચહેરા તરવરતા હતા.
એ બંને વચ્ચે અનૈતિક સંબંધ હશે, તે વાત કોણ જાણે એના ગળે ઉતરતી નહોતી.
વળતી જ પળે એના અંતરમને કહ્યું – સુધાકર, તું સાવ મૂરખ છો...! આ દુનિયા ગોળ છે...! એમાં કશું જ અશક્ય નથી...! એ બંને વચ્ચે મંદાકિનીથી ખાનગી સંબંધો બંધાયા હોય તે બનવાજોગ છે.
થોડી પળો બાદ એના ચહેરા પર મક્કમ નિર્ણયના હાવભાવ છવાઈ ગયા.
એણે ચપરાશીને બોલાવીને જી.એમ.ને મોકલવાનો આદેશ આપ્યો.
ચપરાશી હકારમાં માથું હલાવીને ચાલ્યો ગયો.
***
ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.
રાજનારાયણે આગળ વધીને રિસીવર ઊંચક્યું.
‘હલ્લો...’એણે કહ્યું.
‘નેતા...!’ સામે છેડેથી બાજીગરનો પૂર્વ પરિચિત બરફ જેવો ઠંડો અને બરછીની ધાર જેવો તીખો અવાજ તેના કાને અથડાયો.
બાજીગરનો અવાજ પારખીને રાજનારાયણ પરસેવે રેબઝેબ બની ગયો.
‘ત...તું… બાજીગર...!’એણે ધબકતા હૃદયે પૂછ્યું.
‘હા, નેતા...! તું ભલે મને ભૂલી જાય...પરંતુ મારા નિયમ મુજબ હું મારા શિકારને ક્યારેય ભૂલતો નથી.’
‘હું તને બાર લાખ રૂપિયા આપી ચુક્યો છું બાજીગર...!’
‘જરૂર...એની હું ક્યાં ના પાડું છું ?’
‘તો પછી તું શું માટે મને હેરાન કરે છે ?’
‘શું કરું...? હું આદતથી લાચાર છું...૧ હું તારી પાસેથી કંઇક મેળવવાની આશા રાખું છું.’
‘હવે...હવે તારે શું જોઈએ છે ?’
‘અમુક સવાલોના જવાબ...!’
‘શું...?’
‘હા...તારે મારા અમુક સવાલોના એકદમ સીધા અને સાચા જ જવાબો આપવાના છે. જો ખોટા જવાબો આપીશ તો તારી હાલત ધોબીના કુતરા જેવી થશે એટલું યાદ રાખજે.’
‘ઈશ્વરના સોગંદ બાજીગર...! હું ખોટું નહીં બોલું...! તું જે કંઈ પૂછીશ, એના હું સાચા જ જવાબો આપીશ !’
‘વેરી ગુડ...!’
રાજનારાયણે ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર વળેલો પરસેવો લૂછ્યો.
‘શેઠ કાશીનાથ અને તારી વચ્ચે મિત્રતાનો સંબંધ ક્યારથી છે ?’
‘બચપણથી જ...!’ અમે આજુબાજુમાં જ રહેતા હતા.’
‘તું રજનીકાંતને ઓળખે છે ?’
‘રજનીકાંત કોણ ?’
‘હું એ રજનીકાંતની વાત કરું છું કે જે વર્ષો પહેલા કાશીનાથ અને ધરમદાસનો મિત્ર હતો. પરંતુ એ જમાનામાં તેઓ શેઠ નહીં પણ સાધારણ માણસો હતા. માંડમાંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા.’
‘હા, યાદ આવ્યું..! પચ્ચીસેક વર્ષ પહેલાં એ ત્રણેયે ભાગીદારીમાં એક ડેમ બાંધવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો.’
‘બરાબર...!આ કોન્ટ્રાક્ટમાં બધી મૂડી રજનીકાંતે રોકી હતી.’
‘હા...હું જાણું છું...! કાશીનાથે આ બાબતમાં મને જણાવ્યું હતું.’
‘એ વખતે તું એમ.એલ.એ હતો ને ?’
‘હા...હું બીજી વખત એમ.એલ.એ.ની ચુંટણી જીત્યો હતો.’
‘વેરી ગુડ...રજનીકાંતનું ખૂન કરીને તેના દસ લાખ રૂપિયા હજમ કરવાની સલાહ પણ તે જ ધરમદાસ અને કાશીનાથને આપી હતી ને ?’
‘ના...’
‘શું, ના...?’
‘મેં તેમને આવી કોઈ જાતની સલાહ નહોતી આપી...!’
‘જો નેતા...! ખોટું બોલીશ નહીં...! બોલીશ તો એનું પરિણામ તારે માટે સારું નહીં આવે એ હું તને કહી જ ચુક્યો છું. ખોટી વાત પ્રત્યે મને સખ્ત નફરત છે. હું એક વખત ગુનેગારને માફ કરી દઉં છું. પણ ખોટું બોલનાર ને કદાપી માફ નથી કરતો...!’
‘હા...!’ રાજનારાયણ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, ‘મેં જ ધરમદાસ તથા કાશીનાથને સલાહ આપી હતી કે જો રાતોરાત લાખોપતિ બનવું હોય તો રજનીકાંતને મારી નાંખીને તેને કોન્ટ્રાક્ટના છેલ્લા હપ્તા રૂપે જે દસ લાખ રૂપિયા મળ્યા છે, એ કબજે કરી લો..’
‘રજનીકાંતના ખૂનની યોજના પણ તે જ તેમને બનાવી આપી હતી ને ?’
‘હા...મેં તેમને એવી જડબેસલાક યોજના બનાવી આપી હતી કે તેઓ તેને વિજયગઢની હોટલમાં જ મારી શકે તેમ હતા. પરંતુ જોગાનુજોગ રજનીકાંતને આ યોજનાની ખબર પડી ગઈ. પરિણામે તે દસ લાખની રકમ સાથે વિજયગઢથી પોતાની કારમાં નાસી છૂટીને અહી વિશાળગઢ પહોંચી ગયો.’
‘અને પછી એના ઘરમાં જ ધરમદાસ તથા કાશીનાથે તેનું ખૂન કરી નાખ્યું અને ઘરમાં આગ લગાવીને રજનીકાંતની પત્ની અને બે વર્ષના માસુમ પુત્રને જીવતા સળગાવી નાખ્યા ખરું ને ?’
‘હા...’
‘તને દસ લાખમાંથી કેટલો ભાગ મળ્યો હતો...?’
‘મને...?’
‘હા...તને...હું તારી જ વાત કરું છું લબાડ...!’
‘પ...પાંચમો ભાગ...’
‘અર્થાત તને બે લાખ રૂપિયા મળ્યા હતા ખરું ને ?’
‘હા...’
‘તે એ રકમમાંથી ભાગ લીધો હતો એટલે તું પણ રજનીકાંતના ખુનનો જવાબદાર ગણાય !’
‘હું કેવી રીતે જવાબદાર ગણાઉં ?’
‘તે ધરમદાસ અને કાશીનાથને આડકતરી રીતે રજનીકાંતના ખૂનમાં મદદ કરી હતી.’
‘મેં રજનીકાંતના ખૂનમાં એ બંનેને મદદ કરી હતી, તે વાતનો તારી પાસે શું પુરાવો છે ?’
‘તું હમણાં જ ફોન પર આ વાત કબુલ કરી ચુક્યો છે, એ શા માટે ભૂલી જાય છે ?’
‘ના...જરા પણ નથી ભૂલ્યો...!’
‘તો પછી ...?’
‘આ વાત તો મેં તારી સામે જ કબુલ કરી છે ને ? પોલીસ સામે તો નથી કરી ને...?’
‘તું અક્કલનો ઊંટ છો રાજનારાયણ ...!’ સામે છેડેથી બાજીગરનું અટ્ટહાસ્ય તેને સંભળાયું.
‘તું હસે છે શા માટે...?’
‘તારી અક્કલનું પ્રદર્શન જોઇને...!’
‘કેમ...?’
‘અક્કલના ઊંટ, આપણી વચ્ચે જે કંઈ વાતચીત થઇ છે, એ મેં ટેપ કરી લીધી છે...!’
‘શ...શું...?’ રાજનારાયણના મોંમાંથી આશ્ચર્યમિશ્રિત ભયનો ચિત્કાર સરી પડ્યો. બાજીગરની વાત સાંભળીને તેના હોંશ ઉડી ગયા હતા.
‘હા...તને મારી વાત પર ભરોસો ન હોય તો તારો કોયલ જેવો મધુર અવાજ તને સંભળાવું...!’
‘તે...તેં મારી સાથે દગો કર્યો છે...!’ રાજનારાયણના થોથવાતા અવાજે બોલ્યો.
‘દગાબાજ સાથે દગો કરવામાં કંઈ ખોટું કે પાપ નથી નેતા...! હવે તારી પડતીના દિવસો શરુ થઇ ગયા છે એમ માની લેજે...!’
‘ના, બાજીગર...! ઈશ્વરને ખાતર એવું ન બોલ...!’
‘એ જ પળે વીરા ડ્રોઈંગરૂમમાં પ્રવેશી.
રાજનારાયણના મોંએથી બાજીગરનું નામ સાંભળીને તેના હોંશ ઉડી ગયા.
એનો દેહ સુકા પાંદડાની જેમ થરથરવા લાગ્યો.
ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો.
‘જો તું મારી વાત નહીં માને તો એમ જ થશે નેતાના દિકરા...!અને આમ થતાં દુનિયાની કોઈ તાકાત અટકાવી શકે તેમ નથી.’
‘બ...બાજીગર...!’
‘બોલ...!’
‘તું શા માટે મારી પાછળ પડ્યો છે...? તું છેવટે શું ઈચ્છે છે...?’
‘હું તારું મોત ઈચ્છું છું સાલ્લા ખડધુસ...! બોલ, મરવું છે તારે...?’ સામે છેડેથી બાજીગરનો હંટરના ચાબખા જેવો અવાજ પીગળેલા સીસાની જેમ રાજનારાયણના કાનમાં ઉતરી ગયો.
‘ન...ના...!’ એ કંપતા અવાજે બોલ્યો.
‘તો પછી દસ લાખની વ્યવસ્થા કરી લે...!’
‘દ...દસ લાખ...?’ રાજનારાયણનો અવાજ ફાટેલા વાંસની જેમ તરડાઇ ગયો.
‘પણ...!’
‘બહુ સસ્તામાં છોડું છું નેતા...! મારી પાસે તારા બબ્બે ભેદ સલામત છે...! એક તારે તારા નાના ભાઈની પત્ની સાથે અનૈતિક સંબંધ છે એ ભેદ...અને બીજો ભેદ તે રજનીકાંતના ખૂનમાં ધરમદાસ અને કાશીનાથને મદદ કરી તે છે...!’
રાજનારાયણની બુદ્ધિ કુંઠિત થઇ ગઈ.
‘કેમ નેતા...? શું વિચાર છે...? મરવું છે કે જીવવું છે...?’
‘તારા હાથેથી બ્લેકમેઈલ થવા કરતાં મરી જવું સારું બાજીગર...!’
‘એમ...?’
‘હા...’
‘વિચાર તો તારો ખુબ જ ઉત્તમ છે...! મારું ચાલે તો આવા સુંદર વિચાર બદલ હું તને નોબલ પારિતોષિક જ આપી દઉં ! દુનિયામાં તારા જેવા દરેક ખડધુસને આવો વિચાર આવે તો કેવું સારું થાય ? તું રહ્યો નેતા...! તારો મુખ્ય ધંધો ભાષણ કરવાનો છે...! મને ભાષણ કરતાં થોડું આવડે છે પરંતુ તારા જેવું ભાષણ કરતાં મને ન જ આવડે એ તો બહુ દેખીતી વાત છે. હા...જો કોઈને બ્લેકમેઈલ કરવો હોય તો એમાં તારા જેવા માણસનું કામ નથી. એ તો મારા જેવા નિષ્ણાતનું જ કામ છે...! ખેર, હું આડી વાતે ચડી ગયો હતો. હું શું કહેતો હતો...? હા...યાદ આવ્યું...! મેં કહ્યું તેમ તારો વિચાર ખુબ જ સુંદર છે ...હું તને ભારતભરના મોટા મોટા શહેરમાં ભાષણ કરવાની વ્યવસ્થા ગોઠવી આપું છું. તું ભાષણ કરીને લોકો સમક્ષ તારો વિચાર રજૂ કરી દેજે...તને શા માટે બ્લેકમેઈલ કરવામાં આવે છે એ પણ કહેવાનું ભૂલીશ નહીં...!’ સામે છેડેથી બોલી રહેલા બાજીગરના એક એક શબ્દમાંથી કટાક્ષ નીતરતો હતો. ‘સાલ્લા કમજાત...! તારા જેવા નેતાઓ જ દેશની પ્રગતિને રૂંધે છે...! તમે મહાત્મા ગાંધી અને નહેરૂજી જેવા મહાન નેતાઓની મહેનત પર પાણી ફેરવવા બેઠા છો...! તેમના નામ રોશન કરવાને બદલે બગાડો છે...! બિચારા ગાંધીજી કહેતાં હતા કે આઝાદી પછી દેશમાં ઘી-દુધની નદીઓ વહેશે પરંતુ તમારા જેવા નેતાઓને કારણે આજે દેશમાં ઘી-દુધને બદલે લોહીની નદીઓ વહે છે...!’
‘બાજીગર...’ રાજનારાયણ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, હું એક શરતે તને દસ લાખ રૂપિયા આપી શકું તેમ છું...’
‘નેતાના દિકરા...તે વળી વેપારીની જેમ ક્યારથી સોદાબાજી શરુ કરી દીધી...? ખેર...બક...તારી શરત માનવાને લાયક હશે તો જરૂર માનીશ...!’
‘આ દસ લાખ મળ્યા પછી તારે ભવિષ્યમાં ક્યારેય મને બ્લેકમેઈલ નથી કરવાનો...’
‘ભલે...નહીં કરું...!’
‘અને જો કરીશ તો...?’
‘નેતાના બચ્ચા, હું ગરીબ અને ભિખારીઓને નહીં, પણ પૈસાદારોને જ બ્લેકમેઈલ કરું છું સમજ્યો ?’
‘છતાંય તું પ્રયાસ કરી શકે તેમ છો !’
‘મેં કહ્યું તો ખરું કે નહીં કરું...!’
‘તારી વાતનો શું ભરોસો...?’
‘હું તને વચન આપું છું બસને ?’
‘તારા વચન પર પણ મને ભરોસો નથી’
‘તો પછી તું જ કહી નાખ ...કે હું શું કરું તો તને ભરોસો બેસશે ?’
‘શું તું મને ટેલીફોન પર ટેપ થયેલી વાતચીતની કેસેટ આપી શકે તેમ છો ?’
‘બસ...?’
‘હા...’
‘ભલે...એ કેસેટ હું તને આપી દઈશ બસ ને ?’
‘તું સાચું કહે છે...?’
‘સામા માણસ પર ભરોસો રાખતા શીખ નેતા...જ્યાં હોય ત્યાં નેતાગીરી વાપરવાનું બંધ કર નહીં તો દુઃખી થઇ જઈશ...! દુનિયામાં બધા માણસો તારા જેવા નીચ, બેઈમાન અને દગાબાજ નથી હોતા...’
‘તારે ક્યારે રકમ જોઈએ છે ?’
‘તું વ્યવસ્થા કરી રાખ...! આગામી ચોવીસ કલાકમાં હું ગમે ત્યારે તને ફોન કરીશ.’
‘ભલે થઇ જશે...!’
‘થઇ જાય એમાં જ તારું હિત છે...!’
વળતી જ પળે સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.
રાજનારાયણે એક ઊંડો શ્વાસ લઈને રિસીવર મૂકી દીધું.
પછી તે આગળ વધીને નિર્જીવ મૃતદેહની જેમ સોફા પર ઢગલો થઇ ગયો.
‘રાજ...હવે એ કમજાતને તારી બીજી કોઈ કમજોરી પકડી પાડી છે ?’ વીરાએ પૂછ્યું.
જવાબમાં રાજનારાયણે રજનીકાંતવાળા બનાવની વિગતો તેને જણાવી દીધી.
‘વાસ્તવમાં આપણા માઠા દિવસો શરુ થઇ ગયા છે રાજ...!’ એની વાત સાંભળ્યા પછી વીરા બોલી, ‘આજે ફરીથી પ્રભાકરનો પત્ર આવ્યો છે.’
‘એમ ...?’
‘હા...’
‘શું લખે છે...?’
‘એ જ કે કાં તો હું પોતે જ જયપુર ચાલી જઉં અથવા તો પછી એ મને તેડવા માટે આવશે !’
‘તારે જ ચાલ્યા જવું જોઈએ એમ હું માનું છું...! આમેય મારામાં હવે શું દમ રહ્યો છે ?’
‘તારામાં જે દમ છે, એ તો આજકાલના યુવાનોમાં પણ નથી ડીયર...’
‘ખેર, એ બધી વાતોને પડતી મુક અને મને વિચારવા દે કે રકમની વ્યવસ્થા કેવી રીતે કરવી ?’
‘એમાં વિચારવા જેવું શું છે ?’
‘મારી પાસે રકમ નથી એટલે ક્યાંકથી તો વ્યવસ્થા કરવી જ પડશે ને ?’
‘તો શું કોઈની પાસે ઉછીના લઈશ ?’
‘વીરા...અત્યારે હું સત્તા પર નથી એટલે કોઈ મારો ભાવ નહિ પૂછે...દસ લાખ તો શું, દસ રૂપિયા પણ મને કોઈ નહીં આપે...! બાકી જો હું સતત પર હોત તો દસ લાખ માંગતા વીસ લાખ હજાર થઇ જાત...સૌ કોઈ ઉગતા સુરજને પૂજે છે...? આથમતા સુરજની સામે પણ કોઈ નથી જોતું...!અધૂરામાં પૂરું કરવું હોય એમ મારી ડીપોઝીટ પણ જપ્ત થઇ ગઈ છે. સાલ્લા કમજાતો...જયારે હું સત્તા પર હતો ને મારું કામ પડતું ત્યારે નેતાજી...નેતાજી કહીને મારી પાસે દોડી આવતા હતા...મારી ચમચાગીરી કરતાં હતા...વગર માગ્યે જ કામ કઢાવવા માટે રૂપિયાની બેગો મારી સામે મૂકી જતા હતા અને આજે...? આજે હું સત્તા પર નથી એટલે એ કમજાતોએ મારી સામેથી મોં ફેરવી લીધું છે. પણ વાંધો નહીં... મારો વખત આવશે ત્યારે હું એ નાલાયકોને પણ જોઈ લઈશ...આજે મારી પાસે સત્તા નથી તો શું થઇ ગયું ? પરંતુ તેનો અર્થ એવો નથી થતો કે હું કાલે પણ સત્તા પર નહીં આવું...? સાલ્લા...કમજાતો...!’
‘સાંભળ...તારે કોઈની પાસે પૈસાની ભીખ માંગવા જવાની જરૂર નથી.’
‘કેમ...?’
‘મારી પાસે પૈસા છે...હું તને આપીશ...!’
‘તારી પાસે આટલી મોટી રકમ છે...?’
‘હા...મારા પિતાજીએ મારા નામથી પંદર લાખ રૂપિયા બેંકમાં મુક્યા છે. હું કાલે જ એમાંથી દસ લાખ રૂપિયા ઉપાડીને તને આપી દઈશ...!’
‘ખરેખર...?’
‘હા...તારી પાસે વળી મારે શા માટે ખોટું બોલવું પડે ?’
‘આ વાત તે મને પહેલા શા માટે નહોતી જણાવી?’
‘તે ક્યારેય પૈસાની તંગીનો મારી પાસે ઉલ્લેખ જ નથી કર્યો...!’
‘ઓહ...!
વળતી જ પળે રાજનારાયણે તેને પોતાના આલિંગનમાં જકડી લીધી.
***