પ્રકરણ ૨૫
અંતિમ વિગતો
બાવીસમી નવેમ્બર આવી ગઈ; વિદાયને હવે દસ દિવસ બાકી રહ્યા છે. એક કાર્ય હજી પણ બાકી હતું જે સમગ્ર વાતાવરણમાં ખુશી લાવશે; એક એવું કાર્ય જે નાજુક અને ખતરનાક હતું, જેમાં અતિશય સંભાળ લેવાની જરૂર હતી, જે કેપ્ટન નિકોલની ત્રીજી શરતની જીત વિરુદ્ધનું હતું. આ કાર્ય બીજું કશું જ નહીં પરંતુ કોલમ્બિયાડને લોડ કરવાનું હતું અને ગન કોટનનો ચાર લાખ ટન જેટલો જથ્થો તેમાં દાખલ કરવાનો હતો. નિકોલે એમ વિચાર્યું હતું, બેશક કેટલાક કારણોને ધ્યાનમાં લઈને, કે પેરોક્સાઈલના આટલા વિશાળ જથ્થા સાથે જો કામ સરખી રીતે પાર પાડવામાં ન આવે તો ભયંકર દુર્ઘટના થઇ શકે છે અને તે પણ કલ્પના બહારની, કારણકે તોપ દ્વારા ઉભા કરવામાં આવેલા દબાણથી આટલા મોટા જ્વલનશીલ જથ્થામાં આગ ન લાગે તો જ નવાઈ.
અમેરિકનોના બેદરકારીભર્યા સ્વભાવને કારણે ભય ઉભો થઇ શકે તે શક્ય પણ હતું, પરંતુ બાર્બીકેને સફળતા મેળવવા માટે પોતાનું દિલ લગાવી દીધું હતું અને તેમણે તમામ સાવચેતીઓ ઉભી કરી લીધી હતી. સૌથી પહેલા સ્ટોન્સ હિલ સુધી ગન કોટનને લઇ જવા માટેના વાહનવ્યવહાર માટે તેઓ અત્યંત કાળજીપૂર્વક વર્ત્યા હતા. તેમણે નાના નાના જથ્થામાં સંભાળપૂર્વક સીલ કરેલી પેટીઓમાં તેને રવાના કર્યા. તેને રેલવે દ્વારા ટેમ્પા ટાઉનથી કેમ્પ સુધી લઇ જવામાં આવ્યા અને ત્યાંથી તેને કોલમ્બિયાડ સુધી મજૂરો દ્વારા ખુલ્લે પગે લઇ જવામાં આવ્યા, જેમણે તેને ક્રેનની મદદથી તોપના છિદ્રમાં પ્રસ્થાપિત કર્યા. આગથી ચાલતા એન્જીનને પરવાનગી આપવામાં ન આવી અને કાર્યસ્થળથી બે માઈલ સુધીમાં દરેક આગને બુઝાવી દેવામાં આવી.
નવેમ્બરના મહિનામાં પણ તેમને રોજેરોજ ડર લાગી રહ્યો હતો કે ક્યાંક સૂર્યના કિરણો ગન કોટનમાં આગ લગાડીને કોઈ ખરાબ સમાચાર ન ઉભા કરી દે. આમ તેઓએ રાત્રે કાર્ય કરવા માંડ્યું અને જરૂરી પ્રકાશ રૂહમકોર્ફના એક ઉપકરણથી પૂરો પાડવામાં આવ્યો જેણે કોલમ્બિયાડની ઉંડાઈ સુધી અકુદરતી પ્રકાશ આપ્યો. ટોપની અંદરની કાર્ટ્રીજ પણ સંભાળપૂર્વક ગોઠવવામાં આવતી હતી, જે એક લોઢાના તારથી જોડાયેલી હતી અને તેમાં ઇલેક્ટ્રિક સ્પાર્ક થવાની સંભાવના હતી, જેનો મતલબ હતો કે ગન કોટનના જથ્થામાં વ્યવસ્થિતપણે આગ લાગી શકે.
અઠ્યાવીસમી નવેમ્બર સુધીમાં કોલમ્બિયાડના તળીએ આઠસો કાર્ટ્રીજ ગોઠવી દેવામાં આવી હતી. અત્યારસુધી આ ઓપરેશન સફળ રહ્યું હતું. પરંતુ પ્રમુખ બાર્બીકેન જે મૂંઝવણ, જે સતત ચિતા અને તકલીફમાંથી પસાર થઇ રહ્યા હતા તેની તો વાત જ શું કરવી! તેમણે સ્ટોન્સ હિલ પર આવવા પર વ્યર્થ પ્રતિબંધ મુક્યો; દરરોજ જિજ્ઞાસુ પાડોશીઓ ત્યાં આવી જતા અને થાંભલાઓ પર ચડી જતા, જેમાંથી કેટલાક તો ગન કોટનના વિશાળ જથ્થાથી ઘેરાયેલા હોવા છતાં પણ ધુમ્રપાન કરવાની મૂર્ખતા દેખાડી રહ્યા હતા. બાર્બીકેન સતત ભય હેઠળ જીવી રહ્યા હતા. જે ટી મેટ્સનને તેમની આ ચિંતા વિષે જાણ હતી અને તેમણે ઘુસણખોરોનો મહેનતથી પીછો કરીને બહાર કાઢ્યા અને અત્યંત સંભાળથી નીચે ફેંકી દેવામાં આવેલી સિગારને ઉપાડી ઉપાડીને બુઝાવી દીધી. જ્યારે વિસ્તારને ત્રણ લાખ લોકો ઘેરીને બેઠા હોય ત્યારે આમ કરવું એ અત્યંત મુશ્કેલીભર્યું કાર્ય કહી શકાય. કોલમ્બિયાડના છિદ્રમાં કાર્ટ્રીજ લઇ જવાના કાર્યનું નિરીક્ષણ કરવાની જવાબદારી માઈકલ આરડને સામેચાલીને ઉપાડી લીધી; પરંતુ પ્રમુખને તેણે ત્યારે આશ્ચર્ય પ્માડ્યું જ્યારે તે ખુદ દર્શકોને ભગાડતી વખતે સિગાર ફૂંકી રહ્યા હતા અને એક ખતરનાક ઉદાહરણ પૂરું પાડી રહ્યા હતા, આથી પ્રમુખને તેમના આ નીડર ધુમ્રપાન કરતા વ્યક્તિ પર બિલકુલ ભરોસો રહ્યો ન હતો અને તેથી તેમને આરડન પર નજર રાખવા એક ખાસ ગાર્ડ મુકવો પડ્યો. આખરે આ ભગીરથ કાર્ય સાનુકુળ બન્યું અને કાર્ટ્રીજ ચડાવવાના આ કાર્યનો સુખાંત આવ્યો, અને આ રીતે કેપ્ટન નિકોલ પોતાની ત્રીજી શરત પણ હારી ગયો. હવે ગોળાને કોલમ્બિયાડમાં ઉતારવાનું અને ગન કોટનની મુલાયમ પથારી પર તેને સ્થાપિત કરવાનું કાર્ય બાકી રહ્યું હતું.
પરંતુ આ બધું કર્યા પહેલા ગોળાના વાહનને સંભાળપૂર્વક લઇ આવવા માટેની જરૂરી પ્રક્રિયાઓ કરવી જરૂરી હતી. જરૂરિયાતો અસંખ્ય હતી અને જો આરડનને તેની ઈચ્છાઓ પૂર્ણ કરવા દેવામાં આવી હોત તો તેમાં મુસાફરો માટે બિલકુલ જગ્યા બચી ન હોત. આ મોહક ફ્રેન્ચમેન દ્વારા ચન્દ્ર પર લઇ જવાની વસ્તુઓમાંથી અડધી તો સફર માટે બિલકુલ અશક્ય હતી. નાની નાની અને નકામી વસ્તુઓનો મોટો જથ્થો! પરંતુ બાર્બીકેન વચ્ચે પડ્યા અને અત્યંત જરૂરી ન હોય તેવી કોઇપણ વસ્તુ લઇ જવાની મનાઈ ફરમાવી. ઓજારોની પેટીમાં અસંખ્ય થર્મોમીટર, બેરોમીટર અને ટેલીસ્કોપ બંધ કરવામાં આવ્યા.
મુસાફરોને સફર દરમ્યાન ચન્દ્રનું સંભાળપૂર્વક નિરીક્ષણ કરવાની ઈચ્છા હતી, જે તેમને પોતાના અભ્યાસમાં મદદ કરે, આથી તેમણે બોયર એન્ડ મૂર્સની અદભુત માપ્પા સેલેનોગ્રાફીયા સાથે લીધી જે ધીરજ અને નિરીક્ષણની ઉત્તમ રચના હતી, અને તેમને આશા હતી કે તે તેમને ચન્દ્ર પર રહેલા ભૌતિક પરિમાણોને ઓળખી શકવામાં મદદ કરશે. ચન્દ્રના નકશાને અત્યંત સંભાળપૂર્વક અને વફાદારીથી ફરીથી બનાવવામાં આવ્યો હતો અને ચન્દ્રની સપાટી અંગેની નાનામાં નાની વિગતો જણાવવામાં આવી હતી જે પૃથ્વીની સમક્ષ હતી; પહાડો, ખીણો, ખાડા, પર્વતો બધું જ તેમાં દર્શાવવામાં આવ્યું હતું જેમાં તેમના ચોક્કસ પરિમાણો, તેમનું સ્થાન અને નામ, અને નામ; ડોર્ફેલ પર્વતથી શરુ કરીને અને લેઈબનીત્ઝ પર્વત સુધી ચન્દ્રની પૂર્વ તરફ તેના ઉત્તર ધ્રુવમાં આવેલા મેર ફ્રીગોરીઝ સુધીની માહિતી આપવામાં આવી હતી.
તેમણે ત્રણ રાઈફલો, ત્રણ જાળ અને મોટી સંખ્યામાં ગોળીઓ અને ગન પાઉડર પણ સાથે લીધો.
માઈકલ આરડને કહ્યું, “આપણને ખબર નથી કે આપણે કોની સાથે કામ પાર પાડવાનું છે. માનવો અથવાતો પ્રાણીઓ આપણી મુલાકાતમાં વિઘ્નો નાખી શકે છે અને આથી જ સંભાળ લેવામાં જ ડહાપણ છે.”
આ હથીયારો સાથે ફાવડા, લાંબા સળિયા અને કરવત અને અન્ય મદદરૂપ ઓજારો લેવામાં આવ્યા જેમાં પોલાર ક્ષેત્રથી માંડીને ઉષ્ણ વિસ્તારોમાં કામમાં આવે તેવા તમામ પોષાકો પણ લઇ લેવામાં આવ્યા હતા એ ઉમેરવાની જરૂર નથી.
આરડન પોતાની સાથે વિવિધ પ્રકારના પ્રાણીઓ પણ લઇ જવા માંગતો હતો, જાણીતા પ્રાણીઓની જોડી નહીં, કારણકે તેને એવું લાગતું હતું કે સર્પો, વાઘો, મગરો કે પછી કોઇપણ પ્રકારના હિંસક પ્રાણીઓ ચન્દ્રના વાતાવરણ સાથે પોતાને સાંકળી શકશે. “ચાલો કોઈ વાંધો નહીં,” તેણે બાર્બીકેનને કહ્યું, “કેટલાક કિંમતી જાનવરો, બળદો, ગાય, ઘોડા, ગધેડા આ મુસાફરી આરામથી કરી શકશે અને તેઓ આપણને પણ મદદરૂપ થઇ શકશે.”
“ના હું અસહમત છું, મારા પ્રિય આરડન,” પ્રમુખે જવાબ આપ્યો, “પણ આપણો ગોળો એ નોઆહઝ આર્ક નથી, વળી તેનો આકાર પણ તેનાથી સાવ અલગ છે. આપણે શક્યતાઓની મર્યાદામાં રહીએ તો જ સારું રહેશે.”
લાંબી ચર્ચા બાદ એ અંગે સહમતી સધાઈ કે મુસાફરો પોતાની સાથે નિકોલનો સ્પોર્ટીંગ ડોગ જે ન્યુફાઉન્ડલેન્ડનો વતની હતો તે જશે. જરૂરિયાતની ચીજવસ્તુઓમાં બીજના ઘણા બધા પેકેટ્સ મુકવામાં આવ્યા. માઈકલ આરડનને તો જમીનના અસંખ્ય ટુકડાઓ પણ લઇ જવા હતા અને આ માટે તેણે અસંખ્ય ઝાડીઓ લીધી જેને તે ચન્દ્ર પર રોપી શકે.
ખાદ્યપદાર્થોના પૂરતા જથ્થા અંગેનો સવાલ હજીપણ ઉભો હતો, આ એટલે જરૂરી હતું કે કદાચ ચન્દ્રની ભૂમિ સદંતર ઉજ્જડ નીકળે એવું બની શકે. બાર્બીકેને સફળતાપૂર્વક આખું વર્ષ ચાલે એટલી ખાદ્યસામગ્રીની વ્યવસ્થા કરી લીધી હતી. તેમાં સાચવી રાખેલી માંસ અને શાકભાજીઓ, જેને હાયડ્રોલીક દબાણથી નાના ટુકડાઓમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા હતા. તેમના સંગ્રહમાં બ્રાન્ડી, બે મહિના ચાલે તેટલું પાણી, જો કે તેમને અગાઉની અવકાશી શોધ પર વિશ્વાસ હતો કે ચન્દ્રની સપાટી પર તેમને પૂરતું પાણી મળી રહેશે. જે પ્રકારની ખાદ્યસામગ્રીનો જથ્થો એકઠો કરવામાં આવ્યો હતો તે પૃથ્વીવાસીઓના પોષણ માટે પુરતો હતો જે ચન્દ્ર પરની કોઈ જગ્યાએ જવાના હતા. આરડને આ અંગે કોઈજ પ્રશ્ન ઉભો નહોતો કર્યો નહીંતો તે આ સફરે ઉપડત પણ નહીં.
“આ ઉપરાંત.” તેણે એક દિવસ પોતાના મિત્રોને કહ્યું, “આપણે આપણા પૃથ્વીના મિત્રો દ્વારા પ્રતિબંધિત પણ ન થવા જોઈએ; તેઓ આપણને ભૂલી ન જાય તેવી સંભાળ રાખવી જોઈએ.”
‘બિલકુલ નહીં.” જે ટી મેટ્સને જવાબ આપ્યો.
“એમ થવું સરળ નહીં હોય,” આરડને જવાબ આપ્યો, “કોલમ્બિયાડ તો અહીં જ રહેશે. જ્યારે પણ ચન્દ્ર પોતાના મધ્યબિંદુ કરતા પૃથ્વીની સૌથી નજીક હોવાની લાભપ્રદ પરિસ્થિતિમાં હશે, માની લો કે વર્ષમાં એક વખત, તમે વધારાની ખાદ્યસામગ્રી તો એક નક્કી કરેલા દિવસે મોકલી જ શકો ને?”
“વાહ! વાહ!” જે ટી મેટ્સને બૂમ પાડી, ‘કેવો હોંશિયાર વ્યક્તિ છે! શું જબરદસ્ત વિચાર છે! બિલકુલ મારા સાચા મિત્રો, અમે તમને ક્યારેય નહીં ભૂલીએ!”
“હું તમારા પર વિશ્વાસ રાખીશ! ત્યારબાદ, તમે અમને પૃથ્વી પરના સમાચાર નિયમિતપણે મોકલતા રહેજો, અમે મુર્ખ જ કહેવાઈશું જો અમે અમારા આટલા સારા મિત્રો સાથે સંપર્કમાં રહેવાની કોઈ યોજના જ ન બનાવીએ.”
આ શબ્દોએ વાતાવરણમાં એટલો બધો ઉત્સાહ ભરી દીધો કે માઈકલ આરડને આખી ગન ક્લબમાં ખભા પર બેસાડીને ફેરવવામાં આવ્યો. તેણે જે કહ્યું તે એટલું સામાન્ય અને સરળ લાગતું હતું કે સફળતા નિશ્ચિત થઇ ગઈ હોય એવું લાગતું હતું, અને કોઇપણ આ જમીન સાથે મજબૂત રીતે જોડાયેલો વ્યક્તિ આ ત્રણ મુસાફરો સાથે તેમની ચન્દ્રના અભિયાનમાં સાથે જોડાવાની ના પાડી શકે તેમ ન હતો.
છેવટે બધુંજ તૈયાર થઇ ગયું હોવાની સાથે હવે ગોળાને કોલમ્બિયાડમાં મુકવાનો જ બાકી હતો, આ એક એવું કાર્ય હતું જેની સાથે ભય અને મુશ્કેલીઓ જોડાયેલી હતી.
એક રાક્ષસી કદનો ગોળો સ્ટોન્સ હિલની ટોચે પહોંચાડવામાં આવ્યો. વધુ શક્તિશાળી ક્રેન દ્વારા તેને ઉપર ચડાવવામાં આવ્યો અને તેને તોપના મુખ ઉપર લટકાવી રાખવામાં આવ્યો.
આ એક ડરામણી ક્ષણ હતી! જો તેના ભારેખમ વજનને લીધે ચેઈનની કડીઓ તૂટી જાય તો? આમ અચાનક જ કોઈ ભારે પદાર્થ પોતાના પર પડવાથી ગન કોટનમાં ધડાકો પણ થઇ શકે તેમ હતું.
સદભાગ્યે આવું કશું જ ન થયું; અને અમુક કલાકો બાદ ગોળાને તોપના મધ્યમાં આવેલા પેરોક્સાઈલના ખોળામાં મૂકી દેવામાં આવ્યો જે પથારી અત્યંત જ્વલનશીલ હતી. તેનાથી ઉદભવેલા દબાણનું કોઈજ પરિણામ ન આવ્યું, સિવાય કે કોલમ્બિયાડ અસરકારક રીતે ગોઠવાઈ ગઈ.
“હું હારી ગયો,” કેપ્ટને કહ્યું જેણે પ્રમુખ બાર્બીકેનને તાત્કાલિક ધોરણે ત્રણ હજાર ડોલર્સ ચૂકવી દીધા.
બાર્બીકેનને પોતાના સહ-પ્રવાસીઓ પાસેથી નાણા લેવા ન હતા, પરંતુ તેમને પોતાની જીદ સાથે સમાધાન કરવું પડ્યું જ્યારે નિકોલે તેમને એમ કહ્યું કે તે પૃથ્વી છોડતા અગાઉ પોતાની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે.
“હવે,” માઈકલ આરડને કહ્યું, “તમારા માટે મારી એક જ ઈચ્છા છે, મારા શુરવીર કેપ્ટન.”
“અને એ શું છે?” નિકોલે પૂછ્યું.
“એમ જ કે જો તમે તમારી બીજી બે શરતો હારી ગયા છો! તો આપણે એ બાબતે નિશ્ચિત થઇ જવું જોઈએ કે આપણને આપણી સફરમાં કોઈજ રોકી નહીં શકે.”
***