Kismat Connection - 15 in Gujarati Love Stories by Rupen Patel books and stories PDF | કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૫

Featured Books
Categories
Share

કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૫

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧૫

નીકીની મમ્મીએ મોના બેન સાથે ફોન પર વાત કરી, “કેમ છો મોના બેન ?”

“અરે ! મજામાં. બહુ દિવસે વાત થઇ તમારી સાથે. તમે કેમ છો ?”

“હા. હું પણ મજામાં. ફોન એટલે કર્યો હતો કે નીકી ઘરે આવી છે.” નીકીની મમ્મીએ ધીમા સ્વરે તેમના પ્લાન મુજબ મોના બહેનને કહ્યું.

“એમ વાત છે. નીકી આવી છે ઘરે. નીકી કેમ છે ?”

“મજામાં છે. લો આપું તેને ફોન.” નીકીની મમ્મીએ ફોન સ્પીકર પર કરીને નીકીના હાથમાં આપ્યો.

નીકીએ ધીમા સ્વરે મોના આંટી સાથે વાત કરી અને ખબર અંતર પુછ્યા. મોના આંટીએ તેને તેમના ઘરે આવવા પણ કહ્યું. મોના આંટીએ આમ અચાનક ઘરે આવવાનું કારણ પુછતાં નીકી બોલતાં અટકી ગઈ. તે પળવાર માટે શું બોલવું તે વિચારતી હતી ત્યાં તેની મમ્મીએ ફોન તેમના હાથમાં લઇ વાત કરવાનું શરુ કર્યું. મોના બેનને ઘરે આવવા પણ કહ્યું.

ફોન પત્યા પછી નીકી અને તેની મમ્મી મૌન બનીને એકબીજા સામે જોઈ રહ્યા. થોડીવાર પછી નીકીની મમ્મી બોલી, “બેટા, ચિંતા ના કર. બધું સારું થઇ જશે અને તું સ્ટડી પર ધ્યાન આપ.”

“મમ્મી તું મોના આંટી સાથે વાત ક્યારે કરીશ ?” નીકી ધીમા સ્વરે બોલી.

“બહુ જલ્દી જ મોના આંટી આપણા ઘરે આવશે અને હું વાત કરીશ.” નીકીની મમ્મીએ મક્કમતાથી કહ્યું.

“એવું તું કેવી રીતે કહી શકે કે એ જલ્દી જ આપણા ઘરે આવશે.” નીકી પ્રશ્ન કરતાં બોલી.

“આવશે બેટા, જલ્દી જ આવશે. મારી વાત પર ભરોશો રાખ.” નીકીની મમ્મી રસોડામાં જતાં જતાં બોલી.

નીકી પણ સ્ટડી કરવા રૂમમાં ગઈ. બુક હાથમાં લીધી પણ મન તેનું વિશ્વાસના વિચારોમાં જ ખોવાયેલું હતું.

***

વિશ્વાસની મમ્મીએ નીકી ઘરે આવ્યાનું જાણતા વિશ્વાસને ફોન કરે છે.

વિશ્વાસ ફોન ઉપાડી વાત કરે છે, “બોલ મમ્મી કેમ છે ? કેમ અત્યારે યાદ કર્યો ?”

“દિકરાને તો મમ્મીની યાદ ના આવે પણ મા ને તો યાદ આવે ને. તું મજામાં તો છે ને ?”

“હા મમ્મી મજામાં છું અને સ્ટડીમાં થોડો બિઝી છું.”

“અત્યારે તું કોલેજમાં છું કે.. ?”

“ના મમ્મી, હું અત્યારે હોસ્ટેલ પર રીડીંગ કરું છું. કોલેજમાં તો રીડીંગ વેકેશન ચાલે છે.”

“તો કોલેજના બધા મિત્રો હોસ્ટેલમાં જ રીડીંગ કરતાં હશે ને ?”

“ના મમ્મી. મોટાભાગના ઘરે જતાં રહ્યા છે અને લોકલ સ્ટુડન્ટ કોલેજ ફરવા ના બહાને જાય. પણ તું આમ કેમ પુછે છે.”

“એટલે પુછુ છું કે ગામ આખુ ઘરે રીડીંગ કરવા જાય અને તને જ ઘરની યાદ નથી આવતી.” વિશ્વાસની મમ્મી ગુસ્સામાં બોલી.

“અરે મમ્મી ! તું ય શું આમ ગુસ્સે થઇ જાય છે. હું પણ ઘરે આવીશ. નેક્સ્ટ વીકમાં આવીશ.”

“હજુ નેક્સ્ટ વીકમાં આવીશ. નીકી તો ક્યારની આવી ગઈ છે.”

“ઓહ એમ વાત છે. હવે સમજાયું કે તે ફોન કરીને આ બધી વાતો કેમ કરી. નીકી ઘરે આવી ગઈ એટલે મારે પણ આવવું જોઈએ એમ તારું કહેવું છે.” વિશ્વાસ હસતાં હસતા બોલ્યો.

“હા અને ના. એવું નથી. તું બે દિવસમાં ઘરે આવી જા. નહિતર મને તારી યાદ આવે છે તો હું તને લેવા આવી જઉં છું.”

“શું હા અને ના. કેવી વાતો કરે છે. એમ ઘરે આવી જઈને શું કરવાનું. મારે લાયબ્રેરીમાંથી સ્ટડી મટીરીયલ લાવાનું છે. મારી કેટલીક ક્વેરી પ્રોફેસર્સ જોડે સોલ્વ કરાવાની છે. મારું કામ પતશે એટલે જ આવીશ.”

“સ્ટડી તારે એકલાને જ કરવાનું હોય છે. બાકીના ને ...” વિશ્વાસની મમ્મી બોલતાં અટકી ગઈ.

“મમ્મી આમ વાત ના કર, હું ત્રણ દિવસ પછી પાક્કું ઘરે આવી જઈશ. બસ હવે ખુશ.”

“ના. ઘરે મારી સામે જોઇશ પછી ખુશ થઈશ. ચલ બાય. પાછુ તારે સ્ટડી કરવામાં ડીસ્ટર્બ થશે.” વિશ્વાસની મમ્મી હસીને ફોન કટ કરતાં બોલે છે.

વિશ્વાસ ફોન મુકી મનમાં વિચારતો હોય છે, આટલા વર્ષોમાં ક્યારેય નહી પણ આ વખતે મમ્મી આટલી બધી અધીરી કેમ થઇ ગઈ છે મને ઘરે બોલાવવા માટે. મમ્મીને શું કામ હશે. મમ્મી અને નીકી વચ્ચે શું વાત થઇ હશે.

વિશ્વાસની મમ્મી પણ વિશ્વાસ ઘરે આવે ત્યારે તેને નીકી વિશે પૂછવાનું મન બનાવી લે છે. અને વિશ્વાસ આવે તે પહેલા નીકીને કાલે તેના ઘરે મળવા જવાનું વિચારી લે છે.

***

બીજા દિવસે સવારમાં કામ પતાવી મોના બેન નીકીના ઘરે ફોન કરી તેની મમ્મી સાથે બપોરે તે ત્યાં આવશે તેવી વાત કરે છે. નીકીની મમ્મી નીકીને મોના બેન બપોરે આવવાના છે તે જણાવે છે. નીકી પણ બપોરે સ્ટડી કરવાનો સમય બગડશે એટલે અત્યારે સ્ટડી કરીલઉં તેમ કહી રૂમમાં જાય છે.

બપોર પડતાં જ મોના બેન નીકીના ઘરે આવી પહોંચે છે. સાથે તેઓ નીકી માટે ખાસ તેમણે બનાવેલી સુખડી ડબ્બામાં લેતાં આવે છે. મોના બેન અને નીકી ઉમળકાભેર મળે છે. નીકીની મમ્મી સાથે પણ મોનાબેન મળે છે. ત્રણે જણ વાતો કરવાની શરુ કરે છે.

નીકીની મમ્મી કહે છે, “મોના બેન, હું આજે જ નીકી માટે સુખડી બનાવાનું વિચારતી હતી અને તમે બનાવી લાવ્યા.”

“મને ખબર છે મારી નીકીને મારા વિશ્વાસની જેમ સુખડી બહુ ભાવે છે. એટલે બનાવી લાવી.” નીકીના માથે હાથ ફેરવતા ફેરવતા મોના બેન બોલ્યા.

વિશ્વાસનું નામ આવતાં જ નીકીના ચહેરાના ભાવ બદલાઈ ગયા તે મોના બેન જોઈ રહ્યા.

“કેમ બેટા આમ અચાનક ઘરે આવી ? તબિયત તો બરોબર છે ને ?” મોના બેને નીકી પાસેથી તેના ઘરે આવવાનું કારણ જાણવા પ્રશ્ન પૂછ્યો.

“એ તો આંટી અમારે કોલેજમાં સ્ટડી વેકેશન છે એટલે ઘરે સ્ટડી કરવા આવી. અને મમ્મીને સરપ્રાઈઝ આપવી હતી એટલે કોઈને કહ્યું નહી.” નીકી હસીને બોલી ગઈ.

“વિશ્વાસને તો ખબર જ હશે ને કે તું આમ ઘરે ...”

“ના વિશ્વાસને પણ નહોતી ખબર.”

નીકીની મમ્મી મોના બેન અને નીકીની વાતો સાંભળી રહી હતી અને વિચારતી હતી કે મોના બેન પણ અહી કંઇક જાણવા જ આવ્યા છે.

નીકીની મમ્મીએ વાત બદલતા બોલી, “મોના બેન વિશ્વાસ કેમ છે ?” તે ક્યારે ઘરે આવવાનો છે ?”

“એ તો નીકી ને ખબર હશે. એનું સ્ટડી ક્યારે પતશે એ એની ફ્રેન્ડને જ ખબર હોય ને.” નીકીની આંખોમાં જોઇને મોના બેન બોલ્યા.

નીકી કંઇજ બોલ્યા વગર બેસી રહી. મોના બેને પાસે બેસેલી નીકીને ડબ્બો ખોલી સુખડી ખવડાવી અને કહ્યું, “વાતો પછી કર જે બેટા, પહેલા સુખડી ખા.”

નીકીને સુખડી ખાતા જોઈ મોના બેન અને નીકીની મમ્મી હસતાં હતાં. નીકીની નજર તે તરફ જતાં તે બોલી, “તમે લોકો આમ મારી સામે જોઇને કેમ હસો છો ?”

“અરે ! બસ એમ જ.” મોના બેન બોલ્યા.

“આમ સુખડી ફટાફટ બટકા ભરીને ખાય છે એટલે હસીએ છીએ.” નીકીની મમ્મી હસતા હસતા બોલી.

નીકી સુખડીનો ટુકડો મોંમાં મુકીને બોલી, “મમ્મી તને ખબર છે ને સુખડી મારી ફેવરીટ છે. મોના આંટી તારા જેવી જ સુખડી પ્રેમથી બનાવી લાવ્યા હોય અને ઘણા દિવસે ખાવા મળી હોય તો ફટાફટ બટકા જ ભરીને ખાવી પડે ને.”

નીકીએ સુખડીનો ડબ્બો તેની મમ્મી અને મોના આંટી તરફ ધર્યો અને બોલી, “તમે બે પણ ટેસ્ટ કરો, હા પણ એક એક ટુકડો જ. બાકીની મારે ખાવાની છે.”

નીકીની મમ્મી અને મોના આંટી સાથે બોલી ઉઠ્યા, “ના અમારે ટેસ્ટ નથી કરવો, તું ધરાઈને ખાઈ લે.”

નીકીની મમ્મી મોના બેન માટે ચા બનાવવા રસોડામાં ગઈ એટલે મોના બેને ફરી નીકીને પુછ્યું, “વિશ્વાસ ઘરે ક્યારે આવશે ?”

નીકી સુખડી ખાતા અટકીને બોલી, “એ તો ભગવાન અને વિશ્વાસ પોતે જાણે કે તે ક્યારે આવશે,”

મોના બેન નીકીની વાત પર હસ્યા અને બોલ્યા, “નીકી મારે તને કેટલાંક પ્રશ્નો પુછવા છે, તું સાચા જવાબ આપીશ ને.”

નીકીની મમ્મી પણ મોના બેનની વાત સાંભળી ઉતાવળે પગલે રસોડામાંથી બહાર આવીને બોલી, મારે પણ નીકી તને ઘણું બધું પૂછવું છે.”

નીકી મોના આંટી અને તેની મમ્મીની વાત સાંભળી તેમની સામે પળવાર માટે જોઈ રહી અને પછી ધીમા સ્વરે બોલી, “હા પુછો. શક્ય હશે એટલા જવાબ આપીશ.”

પ્રકરણ ૧૫ પુર્ણ

પ્રકરણ ૧૬ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો