Room Number 22 in Gujarati Short Stories by Sanket Shah books and stories PDF | રૂમ નંબર ૨૨

Featured Books
Categories
Share

રૂમ નંબર ૨૨

રૂમ નંબર ૨૨

જિંદગી હવે એવી નોકરી બની ગઈ હતી કે જ્યાં દરેક સાંજે અમને નવું બોનસ મળતું હતું, આવતીકાલ ની સવારનું. આ રસ્તે હું પહેલા પણ એકવાર આવી ચુક્યો હતો, પણ જ્યારે બીજી વાર આવ્યો ત્યારે ખબર પડી કે આ રસ્તો કેટલો લાંબો હતો. કંઈક એવી જ રીતે હું ગાડી વળાવી ગયો હતો, જેવી રીતે તે દિવસે મારો છોકરો વળાવી ને જતો રહ્યો હતો. હવે તો આ વૃદ્ધાશ્રમ નો બાવીસ નંબરનો રૂમ જ મારું સરનામુ હતું. જાણીતા બધા જ ચહેરા મારાથી છુટ્યાની કદાચ ખુશી વ્યક્ત કરતાં હશે, ખેર કરે. પણ મેં હવે આ જિંદગીને સ્વીકારી લીધી હતી. બિલકુલ સાફ સુથરી હતી અમારી આ દુનિયા.

અહીંનું જીવન એકદમ શુદ્ધ,સાત્વિક અને આઝાદીભર્યું હતું. સવારે બરાબર પાંચ વાગ્યે અમારા દિવસની શરૂઆત થતી હતી. ઘણા લોકો પોતપોતાના ગ્રુપમાં યોગ કરે, કોઈ કસરત કરે, તો કોઈ સભા ભરે. ઘણી વખત નવા આવતાં લોકોનું દુઃખ દૂર કરવાં સૌ સવારે 'હાસ્ય કવિ' બની જાય. મને યાદ છે કે મારી વખતે પણ આ બધા કેવા હાસ્ય કવિ બની ગયા હતાં અને હું ય કેટલી વાર બન્યો છું. પછી સાત વાગ્યે બધા તૈયાર થઈ વૃદ્ધાશ્રમનાં વિશાળ પ્રાંગણમાં પુસ્તકો વાંચે કે પછી ઝાડ-છોડની માવજત લે. જાણે બગીચામાં ફુલ બનીને ફરે. તો ઘણા ખાવાનું બનાવવામાં સ્વયંસેવકો ને મદદ કરે. વળી કેટલાક આખી જિંદગી દિલનાં કોઈ ખૂણે સંઘરી રાખેલા શોખ પુરા કરવા નીકળી પડે. જિંદગીનાં આટલા કમનસીબ વર્ષો મેં પણ પરીવારને સાચવવામાં જ વ્યતીત કર્યા હતાં એટલે અહીંયા લખવા માટે મને ઘણું મળી રહેતું. સવારે તો હું લખતો જ નજરે પડું.

આજે જો કે દિવસ રોજનાં જેવો જવા નો ન હતો. હું મારા વિચારોને નક્કર રૂપ આપતો જ હતો કે બહાર ચીસાચીસ સંભળાઈ. દસ્તુરભાઈને કોઈ ટેમ્પો ટક્કર મારીને ચાલ્યો ગયો હતો અને તેમને ગંભીર ઇજા થઈ હતી. હું અને સૌ બહાર દોડી આવ્યાં. તેમને ઘણું લોહી વહી રહ્યું હતું અને અર્ઘ ચેતન અવસ્થામાં તે સતત 'મનન...મનન...' બોલી રહ્યાં હતાં. એમ તો અમે કાયદો બનાવેલો કે કોઈએ હતાશા વ્યક્ત કરવી નહીં પણ એ કાયદો રોજ તુટતો અને આજે તો કડડભસ થઈ ગયો.

ત્યારબાદ મનનને ઘણાં ફોન ગયા, છતાં પરિસ્થિતિ જાણી તેણે આવવાનું તો દૂર, ફોન પર વાત કરવાનો પણ ઉમળકો દાખવ્યો નહીં. પછી તો ફોન ઊપાડવાનું જ બંધ કરી દીધું. આ તરફ લાગતું ન હતું કે કસ્તુરભાઈ લાંબુ ખેંચશે એટલે મનનને મેસેજ કરવાનો મારો પ્રયત્ન નાકામ રહ્યો અને દસ્તુરભાઈએ દમ તોડ્યો. સમગ્ર હવામાં એક લહેરખી છુટી ગઈ. બધા જાણતા જ હતાં કે તેમણે આ રીતે જ મરવાનું છે, આપ્તજનોની ઉપેક્ષા વચ્ચે. અમારામાંથી જાણે એક હિસ્સો મરી ગયો હતો. તે દિવસે રાત્રે કોઈને ઊંઘ આવી નહીં, બસ પુત્રનાં દિદારને તરસતો તેમનો લાચાર ચહેરો વિવશ કરી ગયો. આ જિંદગીનો મતલબ શું? અમારા વૃદ્ધાશ્રમને અડીને જ એક સ્મશાન આવેલુ છે. તો શું અમારે દિવાલ ઠેકવાની જ બાકી છે?

કયાંય લગી અનિમેષ નજરે હું સામેના ઘડિયાળને તાકી જ રહ્યો. ભવિષ્યમાં દોડતું એ ઘડિયાળ મને ભૂતકાળમાં લઈ ગયું. એક ક્ષણ એવી ન હતી કે મને ચિન્મયથી દૂર થવું ગમે. મારા મોબાઇલનાં વૉલપેપરમાં પણ તે અને શેફાલી જ હોય. ચિન્મયની નાની-નાની વાતોનું ધ્યાન અને તેને માટે આપેલી નાની-મોટી કુરબાનીઓ હજી યાદ છે. શેફાલી સાથે મારો લાંબો સાથ કુદરતને મંજૂર ન હતો. છેલ્લે એ જ ચિન્મયનું મને વૃદ્ધાશ્રમ લગી છોડવા આવવું. માત્ર સીટોની જગ્યા બદલાઈ હતી. અત્યારે ચિન્મય ડ્રાઈવિંગ સીટ પર હતો, અને પાછળ તેની પત્ની અને બાળકો. હું આગળ હતો. થોડા વર્ષો પહેલા એ જ દ્રશ્ય થોડું અલગ રીતે ભજવાયું હતું કે જેમાં હું ડ્રાઈવિંગ સીટ પર હતો, શેફાલી-ચિન્મય પાછળ અને મારા પપ્પા આગળ હતાં.

હું આ સંસારમાં મહાત્માની જેમ તો નથી રહ્યો, સંસારીની જેમ જ રહ્યો છું. ઘણા દોસ્તોય હતા તો દુશ્મનો પણ. ધીરે ધીરે આંખો ઘેરાતી ગઈ, પણ સમયે આગળ વધવાનું ચાલું રાખ્યું અને મને પાછળ ધકેલવાનું પણ.

***

વધુ એક સવારે જિંદગીને અજવાળી દીધી. હું અને રમેશભાઈ વૃદ્ધાશ્રમ માં આવેલા બગીચાનાં સૌથી દૂરના બાંકડે બેસી ગયાં. અહીં જરા ચહલ-પહલ ઓછી રહેતી. અમે ઘણી વાર આ રીતે બેસતા અને એકબીજાને સમજતાં હતાં. વાત વાતમાં વાત જવાનીની નીકળી અને મને મારા એ સોનેરી દિવસો યાદ આવી ગયાં. થોડી વાર બાદ કોઈ તેમને બોલાવી ગયું અને હું ત્યાં જ જવાનીનાં દિવસો યાદ કરતો કરતો, બગીચાનો હિસ્સો બનીને બેસી રહ્યો. સોનાલી નામે એક અપ્સરા હતી. તે આખા કૉલેજની શાન હતી. હવે આ ઉંમરે તેને યાદ કરવી જરા અવિનયી લાગે છે પણ મારી યાદો પર મારો કોઈ કાબૂ રહ્યો ન હતો. તે દિવસોમાં સોનાલી મારી ધડકન હતી. જેટલી નજરોથી મેં સોનાલીને પીધી હતી તેટલી તો કોઈ શરાબીએ શરાબ નહીં પીધી હોય... સોનાલી નામ જ કાફી હતું મારે નશો કરવાં. કૉલેજનાં એ બેમિસાલ ચાર વર્ષો તેની હાજરીથી આજેય સાફ કોતરાયા છે દિલમાં.

એ કૉલેજની નિર્દોષ મજાક મસ્તીમાં સોનાલી પ્રત્યે મારો પ્રેમ પણ વધતો રહ્યો. આજેય યાદ છે મને એ 'વેલેન્ટાઈન દિવસ' જ્યારે હું ગુલાબનું ફૂલ લઈને ગયો હતો પણ તેને કદી આપી જ ના શકાયું. કદાચ તેનીય મારા પર નજર પડી નહીં. મારી સાથે તેનું નામ જોડવાની એ હરકતો આજેય આ પાનખર જિંદગીમાં ક્ષણિક વસંતનો અહેસાસ કરાવે છે. તેની જોડે 'કેમ છો' પણ ના બોલી શકવાની કમજોરી મને આજેય ડસે છે. એક દિવસ તેણે પછી તેનો જીવનસાથી પસંદ કરી લીધો. પછી કૉલેજનાં છેલ્લા દિવસે, પહેલી વાર તેણે મારી જોડે શેક-હેન્ડ કર્યું, અને 'ફરી મળીશું' જેવો આશાવાદ આપ્યો. હું કંઈ જવાબ આપું તે પહેલા તે તેના ગ્રુપ જોડે જતી રહી. બસ, છેલ્લી વાર જોઈ હતી મેં તેને તે વખતે. પછી તો તે કયાં ગઈ? શું થયું? બધાનાં આધારભૂત જવાબ ના મળ્યા કે ના મેં આગ્રહ રાખ્યો. પણ આ હાથ તે દિવસે પાર્કિંગ્સન ન હોવા છતાં ખુબ ધ્રુજતો હતો.

***

હું બગીચાને છોડીને પાછો વળ્યો ત્યાં જ મને ખબર મળ્યા કે આજે અમારા પરીવારમાં કમને પણ કોઈ આવવાનું હતું. મને થયું કે કાશ! દુનિયાના દરેક વૃદ્ધાશ્રમ હંમેશા ખાલી જ રહે.

વૃદ્ધાશ્રમનાં મહિલા વિભાગમાં ચહલ-પહલ વધી ગઈ હતી. આમ તો વૃદ્ધાશ્રમને ત્રણ બિલ્ડિંગ હતાં. એકમાં અમે, બીજામાં મહિલાઓ અને ત્રીજામાં એડમિનિસ્ટ્રેશન અને અન્ય સવલતો જેમ કે મિટીંગ રૂમ, પુસ્તકાલય અને અન્ય... પણ બે-ત્રણ એવાય હતાં કે જે આ વિભાગમાં રહેતા હતાં. જે કપલ આવ્યું હોય, તેમને અલગ રૂમમાં ત્યાં રાખવામાં આવતું હતું.

સામે હોર્ન વગાડતી એક કાર આવી. અને તેમાંથી એક વૃદ્ધા ઊતરી. બધી વિધિ પત્યા બાદ જ્યારે તેને મહિલા વિંગમાં લઈ જવાઈ હતી ત્યારે એમાની એકનો ચહેરો ચમકી ઊઠ્યો. અને તેણે બુમ પાડી, 'સોનાલી, અલી તું આવી ગઈ?' ત્યારબાદ બંને સહેલીઓ વાતે વળગી ગઈ. તેના મોઢે સોનાલીનું નામ સાંભળીને મારો ભૂતકાળ મને વળગી પડ્યો.

સોનાલી હવે કેવી દેખાતી હશે? કંઈક તકલીફમાં હશે કે મજામાં હશે? જીવતી પણ...આવા જાતજાતનાં વિચારો મને ઘેરવાં લાગ્યા હતાં. મારાથી પણ રહેવાયું નહીં. આટલા વર્ષોથી દિલનાં એક ખૂણે સંઘરી રાખેલી લાગણીએ ઉછાળો માર્યો હતો.

હું તરત અમારા તે સમયનાં કોમન મિત્રને ફોન કરવા પુરૂષ વિભાગનાં ફોન તરફ આગળ વધ્યો. આમેય આ ફોન કદી રણકતો ન હતો. કેટલાય તેમના પુત્રનાં ફોનની ઘંટડીનો આભાસ સાંભળી દોડ્યા આવતા અને ભોંઠા પડી પાછા જતાં રહેતા. મેં તેને ફોન જોડ્યો પણ તે વ્યસ્ત બતાવતો હતો એવું મને લાગ્યું પણ તે ફોન બંધ જ હતો. મેં છેલ્લી આશા પણ છોડીને રૂમ નંબર 22 તરફ દોટ મૂકી. સોનાલી મારા જીવનનો એ હિસ્સો છે જેની કોઈને જ જાણ નથી. કોઈ ને જ નહીં. કદાચ એક ને છે અને તે છે

રૂમ નંબર 22...

સંકેત શાહ