Baazigar - 4 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બાજીગર - 4

Featured Books
Categories
Share

બાજીગર - 4

બાજીગર

કનુ ભગદેવ

૪ - શિકાર અને શિકારી...!

વિશાળગઢથી જમ્મુ જતી જમ્મુ એક્સ્પ્રેસ ટ્રેન પૂરી રફતારથી પોતાની મંઝીલ તરફ ધસમસતી હતી.

મંદાકિની, કિરણ અને અતુલ ફર્સ્ટક્લાસના એક કૂપેમાં બેઠા હતા.

તેમની બાજુમાં બીજા કૂપેમાં દીપક અને પ્રવીણ બેઠા હતા. એ બંને બાજીગરના સંગઠનના ખાસ સભ્યો હતા.

બાજીગરને એ બંને પર જેટલો ભરોસો હતો, એટલો બીજા કોઈ સભ્યો પર નહોતો.

કહેવાની જરૂર નથી કે એ બંને બાજીગરના કહેવાથી જ આ ટ્રેનમાં મુસાફરી કરતા હતા.

રાતના અગિયાર વાગ્યા હતા.

અતુલ વ્હીસ્કી પીવામાં મશગુલ હતો. પરંતુ સુધાકર વગર તેને જરા પણ મજા નહોતી આવતી. એ વ્હીસ્કી પીતાં પીતાં વારંવાર સુધાકરની કમી તરફ મંદાકિની અને કિરણનું ધ્યાન દોરતો હતો.

‘અતુલ...!’ મંદાકિની સ્મિત ફરકાવતા બોલી, ‘તેં ઘણો ઢીંચી લીધો છે. હવે આપણે ડીનર કરી લેવું જોઈએ એમ હું માનું છું.’

‘બસ ડીયર...હવે એક જ પેગ...!’

‘ના...’

‘બસ, એક જ પેગ એનાથી વધુ નહીં...!’

અતુલ પોતાને માટે પેગ તૈયાર કરવા લાગ્યો.

એણે પોતાનો પેગ પૂરો કર્યો, ત્યાં સુધીમાં મંદાકિની ડીસો તૈયાર કરી ચુકી હતી.

જમવાનું એ લોકો ઘેરથી સાથે જ લઈને નીકળ્યા હતા.

ત્રણેય જમવા લાગ્યા.

એ જ વખતે દીપક તેમના કૂપેમાં પ્રવેશ્યો.

‘માફ કરજો સાહેબ...! એક ગ્લાસ પાણી આપશો...?’ એણે શિષ્ટાચારભર્યા અવાજે પૂછ્યું.

‘તમે પણ કમાલના માણસ છો...!’ અતુલ નશાની ખુમારીભર્યા અવાજે બોલ્યો, ‘તમારે પાણી સાથે લઈને જ ટ્રેનમાં બેસવું જોઈતું હતું.’

‘પાણી લઈને જ બેઠા હતા સાહેબ ! પણ ખલાસ થઇ ગયું છે...! આગલા સ્ટેશને વોટરબેગ ભરી લેશું.’

‘આ તો એમ જ મજાક કરે છે મિસ્ટર...!’ કિરણ વચ્ચેથી જ બોલી ઉઠી, ‘વોટરબેગ સીટની નીચે જ પડી છે, લઇ લો...!’

દીપકે પળનોય વિલંબ કર્યા વગર સીટ નીચેથી વોટરબેગ કાઢીને ગ્લાસ ભર્યો.

પછી એણે અતુલ વિગેરે સામે જોયું.

ત્રણેય ભોજન કરવામાં મશગુલ હતા.

ત્રણમાંથી કોઈનુંય ધ્યાન તેની તરફ નહોતું.

દીપકે આ તકનો લાભ ઉઠાવીને એક પડીકીમાં ભરેલો સફેદ પાવડર વોટરબેગમાં પધરાવી દીધો.

ત્યારબાદ ઢાંકણું બંધ કરવાના બહાને વોટરબેગને બે-ત્રણ વખત આમતેમ હલાવી.

પછી વોટરબેગ પુનઃ સીટ નીચે મૂકી, તેમનો આભાર માની, ગ્લાસ ઊંચકીને એ પોતાના કૂપેમાં ચાલ્યો ગયો.

‘કામ પતી ગયું...?’ પ્રવીણે ઉતાવળા અવાજે પૂછ્યું.

‘ભાઈ પ્રવીણ, હું એક વખત જે કામ હાથમાં લઉં છું, તે પૂરું ન થાય એવું આજ સુધીમાં ક્યારેય બન્યું છે ખરું ?’

‘ના...ક્યારેય નથી બન્યું...!’

‘બસ, તો પછી... લે… પાણી… પી...!’ કહીને દીપકે તેની સામે ગ્લાસ લંબાવ્યો.

‘દવાવાળું પાણી તો નથી ને...? જોજે હોં ભાઈ ધ્યાન રાખજે...! જો દવાવાળું પાણી હશે તો પછી કેમેરો કોણ સંભાળશે ?’

‘મેં દવા ભેળવતા પહેલાં જ ગ્લાસ ભરી લીધો હતો.’

‘એ તે બહુ ડહાપણનું કામ કર્યું છે...!’પ્રવીણે તેના હાથમાંથી ગ્લાસ લઈને એક શ્વાસે ખાલી કરી નાંખ્યો. પછી ગ્લાસ સીટ પર મુકતાં બોલ્યો, ‘મને ખુબ જ તલપ લાગી છે દીપક...! એક એક પેગ ટેકાવી લઈએ તો...?’

‘તારું માથું તો નથી ભમી ગયું ને પ્રવીણ ?’

‘ના...જો ફરી ગયું હોત તો અત્યારે હું તારી સામે નહીં પણ કોઈક મેન્ટલ હોસ્પીટલમાં પડ્યો હોત ! એક પેગથી વધુ નહીં લઈએ...!’

‘હું તારી ટેવથી વાકેફ છું બેટમજી...! તું જયારે પીવાનું શરુ કરે છે ત્યારે તને એક પેગથી જ સંતોષ નથી થતો. ઉપરાઉપરી એક પછી એક પેગો પાણીની માફક ગળે ઉતરતો જ જાય છે! પહેલા એક કામ કર...!વ્હીસ્કીની બોટલ આપણા કબજામાં જ છે અને આપણી પાસેથી કોઈ નથી આંચકી જવાનું સમજ્યો ? કામ પતી ગયા પછી આરામથી પીશું...!’

‘જેવી તારી મરજી...! બાકી...’

‘બાકી શું...?’

‘બાકી તારું માથું ભાંગી નાખવાનું મને મન થાય છે !’

‘કેમ...?’

‘એક પેગ પીવાની રજા નથી આપતો એટલે...!’

દીપક સ્મિત ફરકાવીને રહી ગયો.

પ્રવીણ એક સિગારેટ સળગાવીને તેના લાંબા લાંબા કસ ખેંચતો વ્હીસ્કીની તલપને સિગારેટના ધુમાડાથી સંતોષવાનો નિષ્ફળ પ્રયાસ કરવા લાગ્યો.

આમ ને આમ ત્રીસ મિનિટ પસાર થઇ ગઈ.

આ દરમ્યાન પ્રવીણ ત્રણ સિગારેટ ફૂંકી ચુક્યો હતો.

‘હવે એ લોકોની તપાસ કરવી જોઈએ...!’ છેવટે દીપક બોલ્યો.

‘કરી આવ...! હું તને ક્યાં અટકાવું છું ?’ પ્રવીણે સીગારેટનો અંતિમ કસ ખેંચીને તેને બૂટના તળિયા વડે મસળતા કહ્યું.

‘તું પણ ચાલ...!’

બંને ઉભા થઈને અતુલના કૂપેમાં પહોંચ્યા.

અંદર એ ત્રણેય એકબીજા પર ઢળી પડ્યા હતા.

ત્રણેય ઘેનની દવાની અસર નીચે ગાઢ ઊંઘમાં હતા.

પ્રવીણે મંદાકિનીને એક સીટ પર સુવડાવી.

ત્યારબાદ કિરણ તથા અતુલને પતિ-પત્નીની જેમ એકબીજાના આલિંગનમાં જકડીને સુવડાવ્યા.

વળતી પળે જ પ્રવીણે કેમેરો સંભાળી લીધો.

કેમેરાના બટનો દબાતા ગયા.

દીપક અતુલ તથા કિરણની સુવાની મુદ્રાઓ બદલતો ગયો.

તેઓ પોતાને જોઈતી વસ્તુ કેમેરામાં કેદ કરીને પોતાના કૂપેમાં પહોંચ્યા.

હવે તેઓ કોઈક સ્ટેશન આવવાની રાહ જોતા હતા.

તેમને આગલા સ્ટેશન પર જ ઉતરી જવાનું હતું કારણ કે તેમનું મિશન પૂરું થઇ ગયું હતું.

‘ભાઈ દિપક...! પ્રવીણ પ્રસન્ન અવાજે બોલ્યો.

‘બોલ બેટમજી...!’ દીપકે સ્મિત ફરકાવતાં કહ્યું.

‘હવે તો પીવામાં કંઈ વાંધો નથીને ?’

‘ના...’

‘તો પછી કાઢ બોટલ...!’

‘તું કંઈ ખાવાનું લાવ્યો છે કે નહીં ?’

‘હું શા માટે લાવું...? હું પીવાની સાથે કંઈ ખાતો નથી એની તો તને ખબર જ છે!’

‘બસ, તારામાં આ જ એક કમી છે. બાકી...!’

‘બાકી શું...?’

‘બાકી તો તું લાખ રૂપિયાનો માણસ છો...!’

દીપકે બોટલ કાઢી.

બંને વ્હીસ્કી પીવા લાગ્યા.

દોઢ વાગ્યે આગલું સ્ટેશન આવ્યું.

બંને એ સ્ટેશન પર ઉતરી ગયા.

ટ્રેન ફરીથી પોતાના ગંતવ્ય સ્થળ તરફ ધસમસવા લાગી.

રાત્રે લગભગ ત્રણ વાગ્યે મંદાકિની ભાનમાં આવી.

એને પોતાનું માથું ખુબ જ ભારે લાગતું હતું.

એ શું બન્યું હતું, એનો વિચાર કરવા લાગી.

રાત્રે ત્રણેયે સાથે જ ભોજન કર્યું હતું.

ભોજન કર્યા બાદ અચાનક જ તેની આંખો ઘેરાવા લાગી હતી.

આવી ગાઢ ઊંઘ તો તેને જીંદગીમાં ક્યારેય નહોતી આવી.

પછી અચાનક જ તેની નજર સામેની સીટ પર પડી.

વળતી જ પળે જાણે અચાનક જ પગે સાપ વીંટળાયો હોય એમ એ ઉછળી પડી.

એના ચહેરા પર નર્યા-નીતર્યા અચરજમિશ્રિત અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા.

સામેની સીટ પર અતુલ તથા કિરણ એકબીજાના આલિંગનમાં જકડાઈને ગાઢ ઊંઘમાં સુતા હતાં.

અતુલના હોઠ કિરણના ગાલને સ્પર્શતા હતા.

મંદાકિની ક્રોધથી ધૂંવાફુંવા થઇ ગઈ.

એણે અતુલને ઢંઢોળ્યો.

‘સુવા દે ને...! શા માટે ઊંઘ બગાડે છે...?’અતુલ બબડ્યો.

મંદાકિનીએ વોટરબેગમાંથી પાણીનો ગ્લાસ ભરીને તેના પર ઉંધો વાળી દીધો.

અતુલ ડઘાઈને સીટ પર બેઠો થઇ ગયો.

‘અરે...અરે...!’ એ ધૂંધવાતા અવાજે બોલ્યો. ‘આ શું ગાંડપણ કરે છે?’

‘ગાંડપણના દિકરા...!’ મંદાકિનીએ ક્રોધથી તમતમતા અવાજે કહ્યું, ‘જરા આંખો ઉઘાડીને જો કે તું કોની સાથે સુતો છે...!’

અતુલે આંખો ઉઘાડીને કિરણ સામે જોયું.

‘હે ઈશ્વર...!’ વળતી જ પળે તે એક કુદકે બીજી સીટ પહોંચી ગયો, ‘મને આટલો નશો તો નહોતો ચડ્યો...! અચાનક ઊંઘ કેવી રીતે આવી ગઈ...? ભોજનસામગ્રી પણ આમતેમ વિખેરાયેલી પડી છે.’

‘હું પણ એનો જ વિચાર કરું છું અતુલ...! તારી સાથે જે કંઈ બન્યું છે, એ જ મારી સાથે બન્યું છે. કિરણભાભી પણ આમાંથી બાકાત રહ્યા હોય એવું મને નથી લાગતું.’

‘ઈશ્વરનો પાડ માન કે ભાભી કરતાં તારી ઊંઘ પહેલાં ઉડી ગઈ...! બાકી જો ભાભીની ઊંઘ પહેલા ઉડી હોત તો મારા પ્રત્યે કેટલી ખોટી ધારણા બાંધી લેત ? હું તો જિંદગીભર તેની સાથે નજર પણ ન મેળવી શકત !’

‘ના...એવું કશું જ ન થાત...!’

‘કેમ...?’

‘હું ભાભીને સમજાવી દેત...! અતુલ..તું ક્યારેય જાણી જોઇને તો આવું ન જ કરે એની મને પૂરી ખાતરી છે.’

‘મંદાકિની...આપણને ઊંઘ નહોતી આવી, પણ આપણે બેભાન બની ગયા હતા એવું મને લાગે છે.’

‘પરંતુ આપણને બેભાન કરી શકે એવું તો કોઈ જ આપણા કૂપેમાં નથી આવ્યું. કામ સે કમ આપણે બેભાન થતાં પહેલા તેનો ચહેરો તો જરૂર જોયો હોત !’

‘ઓહ...સમજ્યો...’

‘શું...?’

‘એ જ કે આપણે શા માટે બેભાન બની ગયા હતા?’

‘કેવી રીતે...?’

‘તને યાદ હોય તો એક દેખાવડો યુવાન પાણી લેવા માટે આપણા કૂપેમાં આવ્યો હતો.’

‘હા, યાદ છે...!’મંદાકિનીએ હકારમાં માથું હલાવતાં કહ્યું.

‘બસ....તો આપણને બેભાન કરવામાં એ યુવાનનો જ હાથ છે. એણે પાણી લેવાના બહાને આપણી વોટરબેગમાં ઘેનની દવા ભેળવી દીધી.ભોજન કર્યા પછી એ દવા ભેળવેલું પાણી પીને આપણે ભાન ગુમાવી બેઠા !’

‘એ યુવાન એવો લાગતો તો નહોતો...!’

‘મંદાકિની...કયો માણસ કેવો છે ને કેવો નહીં, એ તેના કપાળ પર લખેલું નથી હોતું. આ દુનિયામાં હંમેશા ચહેરાઓ જ માણસને છેતરે છે. ખેર, આપણા તથા કિરણભાભીનાં ઘરેણાં અને રોકડ રકમની સંભાળ લે...!’

‘ઘરેણાં તો અમે બંનેએ પહેર્યા જ છે...! રોકડ રકમ ચેક કરી લઉં છું.’

‘મંદાકિનીએ સુટકેસ ઉઘાડી.

અંદર રોકડ રકમ જેમની તેમ યથાવત રીતે પડી હતી.

બધું સલામત જોઇને એણે છુટકારાનો શ્વાસ લીધો.

‘અતુલ...આપણને બેભાન કરનાર કશું જ નથી લઇ ગયો...!’એ બોલી.

‘ખેર, વોટરબેગમાં રાતવાળું પાણી તો હશે જ...?’

‘હા...છે...! મેં એમાંથી જ હમણાં થોડું પાણી કાઢીને તારા પર છાંટ્યું હતું.’

‘આપણે શ્રીનગર પહોંચતા જ કોઈક ડોક્ટર પાસે વોટરબેગના પાણીની તપાસ કરાવીશું.’

મંદાકિની કંઈ જવાબ આપે એ પહેલાં જ કિરણ ભાનમાં આવી ગઈ.

એ પોતાની આંખો ચોળતી ચોળતી સીટ પર બેઠી થઇ ગઈ.

‘અરે...!’ એ આશ્ચર્યસભર અવાજે બોલી, ‘આજ જેવી ઊંઘ તો મને અગાઉ ક્યારેય નથી આવી મંદાકિની...! ભોજન કર્યા પછી તરત જ મને ઊંઘ આવી ગઈ હતી...! ઓહ...મારું માથું આટલું ભારે કેમ લાગે છે?’

‘કિરણ...!’ મંદાકિનીએ કહ્યું, ‘આપણને ઊંઘ નહોતી આવી પણ બેભાન કરી દેવામાં આવ્યા હતા...!’

‘શું...?’કિરણે ચમકીને તેની સામે જોતાં પૂછ્યું.

‘હા...પેલો જે યુવાન પાણી લેવા માટે આવ્યો હતો, એણે કદાચ આપણી વોટરબેગમાં ઘેનની દવા ભેળવી દીધી હતી. એ પાણી પીધા પછી આપણે બેભાન થઇ ગયા હતા.’ મંદાકિનીએ કહ્યું. અલબત્ત, પોતે તેને અતુલ સાથે કેવી હાલતમાં જોઈ હતી, એ વાત તે છુપાવી ગઈ હતી.

‘આપણો સામાન તો સલામત છે ને ?’

‘હા...ઘરેણાં, રોકડ રકમ વિગેરે બધું જ સલામત છે !’

‘આ બધું સલામત છે તો આપણને બેભાન કરવાથી એને વળી શું લાભ થઇ શકે તેમ હતો ?’

‘એ જ તો મને નથી સમજાતું ભાભી...!’

‘આપણને બેભાન કરવા પાછળ જેરુર તેનો કીઓ હેતુ હશે જ મંદાકિની...!’ કિરણ વિચારવશ અવાજે બોલી, ‘આ દુનિયામાં કોઈ કામ કારણ વગર નથી થતું.’

‘ભાભી...તમે પણ વાતનું વતેસર કરવા લાગ્યાં...! અતુલે કહ્યું, ‘રાઈનો પર્વત અને તલનો તાડ બનવાથી કશો જ લાભ નથી થવાનો...! એ લબાડે આપણી વોટરબેગમાં ઘેનની દવા ભેળવી દીધી અને આપણે બેભાન થઇ ગયાં. એણે આપણને કોઈ જાતનું નુકસાન તો પહોંચાડ્યું નથી. તો પછી આ બાબતમાં દલીલો કરવાથી શું વળશે ? આ કંટાળાભર્યા વિષય હવે વિદાય કરો તો સારું...!’

‘અતુલ સાચું કહે છે ભાભી...!’

‘આપણે હવે થર્મોસમાં રાહ જોઇને બેઠેલી ગરમાગરમ કોફી પીવી જોઈએ એમ હું માનું છું...! એ બિચારી ક્યારનીયે આપણા પેટમાં પહોંચવા માટે તરફડિયાં મારે છે !’

અતુલની બોલવાની કંઇક રીત જ એવી હતી કે કિરણ સ્મિત ફરકાવ્યા વગર ન રહી શકી.

‘આપણે થર્મોસમાંથી કોફી નથી પીવાની...!’સહસા મંદાકિની ગંભીર અવાજે બોલી.

‘કેમ...?’

‘કોફીમાં પણ ઘેનની દવા ભેળવેલી હોય એ બનવાજોગ છે.’

‘મંદાકિનીની વાત સાચી છે...! એવું પણ બની શકે છે.’કિરણે તેની વાતને સમર્થન આપતાં કહ્યું.

‘જો તમને એવું લાગતું હોય તો આપણે પાણીની સાથે સાથે કોફી પણ ચેક કરાવી લેશું.’

મંદાકિની વિચારતી હતી – જયારે ત્રણે ય એક જ સીટ પર બેસીને ભોજન કરતાં હતા તો પછી પોતે બીજી સીટ પર કેવી રીતે પહોંચી ગઈ ?’

ઘણું વિચાર્યા પછી પણ આ સવાલનો કોઈ જવાબ તેને ન સુઝ્યો.

કંટાળીને એણે આ બાબતમાં વિચારવાનું છોડી દીધું.

ટ્રેન પોતાની મંઝીલ તરફ ધસમસતી હતી.

***

બીજી તરફ વિશાળગઢમાં –

અત્યારે કાશીનાથ તથા ધરમદાસ વિશાળગઢ શહેરથી ત્રણ કિલોમીટર દુર આવેલા ધરમદાસના ફાર્મ હાઉસના એક ખંડમાં બેઠા હતા.

બંને શરાબના ઘૂંટડા ગળે ઉતારીને પોતાનું દુઃખ ભૂલવાનો નિષ્ફળ પ્રયાસ કરતા હતા.

તેઓ ટાઇગર ઉર્ફે બાજીગરને ધોબીઘાટ પર મળ્યા પછી ત્યાંથી સીધા જ અહીં આવ્યા હતા.

‘કાશીનાથ...! આપણે હાથે કરીને આપણા પગ પર કુહાડો મારી બેસીએ એટલી હદ સુધી મૂરખ બની જશું, એવું તો મેં વિચાર્યું પણ નહોતું. ખરેખર એ કમ્જાતે અંધારામાં ફેંકેલું તીર નિશાન પર ચોંટી ગયું છે.’

‘મેં તો તને પહેલાંથી જ કહ્યું હતું ધરમદાસ, કે ટાઇગર બીજું કોઈ જ નહીં પણ બાજીગર જ છે...! પરંતુ તું તો એક વાતનું રટણ લઈને બેઠો હતો કે ટાઇગર આપણા ભૂતકાળનો કોઈક દુશ્મન છે !’

‘હવે દાટેલા મડદા ઉખેડવાથી કશો જ લાભ નથી થવાનો કાશીનાથ...! આપણને બાજીગરની ચુંગાલમાંથી કેવી રીતે છુટકારો મળી શકે તેમ છે, એનો જ વિચાર હવે આપણે કરવાનો છે !’

‘આપણે તેનાથી છ્ત્કારો મેળવી શકીશું એવું મને નથી લાગતું...! કમસે કમ આ જન્મમાં તો આપણે તેના સકંજામાંથી નહીં જ છટકી શકીએ ! એ કમજાતથી આ જન્મમાં તો આપણું મોત જ આપણને છુટકારો અપાવી શકે તેમ છે ?’ કાશીનાથના અવાજમાં ભરપુર નિરાશા હતી.

‘કાશીનાથ, તું આટલો જલ્દી નિરાશ થઇ જઈશ એવું મેં નહોતું ધાર્યું ! ધરમદાસે કહ્યું.

‘જયારે આશાનું કોઈ કિરણ દેખાતું ન હોય, તાય્રે માણસ પાસે નિરાશા સિવાય કશું જ નથી બચતું.’

‘બાજીગર આપણી અડધી અડધી મિલકત લીધા પછી એ કેસેટ આપણા હવાલે કરી દેશે એવું તને લાગે છે ખરું, , , ? જે રીતે રાક્ષસનો જીવ પોપટમાં પુરાયેલો હતો, એ રીતે આપણા બંનેના જીવ એ કેસેટમાં પુરાયેલા છે!’

‘આ બાબતમાં ખાતરીપૂર્વક કશું જ કહી શકાય તેમ નથી...! એ કેસેટ પણ આપી શકે છે અને નથી પણ આપી શકતો...!’

‘એમ નહીં...’

‘તો...?’

‘ગમે તે એક વાત કર...!’

‘તે કેસેટ આપશે એવી આપણે માત્ર વીસ જ ટકા આશા રાખવી જોઈએ.’

‘આનો એક જ અર્થ કાઢી શકાય તેમ છે.’

‘શું ?’

‘એ જ કે એ કમજાત આપણી અડધી મિલકત લીધા પછી પણ જિંદગીભર આપણને બ્લેકમેઈલ કરતો રહેશે.’

‘આવું તું કયા આધારે કહે છે ...?’

‘તારી વીસ ટકાવાળી વાતને આધારે...!’

‘મને તો જે લાગ્યું છે, એ જ મેં કહ્યું છે !’

‘હું ક્યાં તારો વાંક કાઢું છું...?’

‘તો પછી...?’

‘મેં તો માત્ર વાસ્તવિકતા પ્રત્યે જ તારું ધ્યાન દોર્યું છે...!’

કાશીનાથ કશું જ ન બોલ્યો.

જાણે હમણાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડશે એવું એના ચહેરા પરથી લાગતું હતું.

***

‘પિતાજી...!’ પોતાના પિતાજી કાશીનાથની ગંભીરતા જોઇને સુધાકર બોલતા બોલતા અટકી ગયો.

કાશીનાથ જયારે ખુબ જ ચિંતાતુર અને પરેશાન હોય ત્યારે જ તેના ચહેરા પર આટલી ગંભીરતા જોવા મળતી હતી.

કાશીનાથની ચિંતા કે પરેશાનીનું કોઈ કારણ તેને નહોતું દેખાતું.

બિઝનેસ વ્યવસ્થિત રીતે ચાલતો હતો. તો પછી તેમને કઈ વાતની ચિંતા હતી?

પરંતુ ઘણું વિચાર્યા પછી પણ તે કોઈ નક્કર પરિણામ પર ન પહોંચી શક્યો.

‘ના, બેટા...તું કાશ્મીર જઈ શકે તેમ નથી. મારે એક અઠવાડિયા માટે ઓફીસના કામ અંગે બહારગામ જવું પડે તેમ છે !’કાશીનાથે ખોટું બોલતાં કહ્યું.

‘જી, પિતાજી...!’

‘મારી ગેરહાજરીમાં તારે જ બધું સંભાળવું પડશે. આવડો મોટો બિઝનેસ કર્મચારીઓના ભરોસે મૂકી શકાય તેમ નથી. આપણા બેમાંથી એક જાણે સતત હાજર રહેવાની ખાસ જરૂર છે.’

‘હું સમજુ છું પિતાજી...!’

‘તું કિરણને ફોન કરીને તેની માફી માંગી લેજે...!’

‘જી...!’

‘અને હા... અગરવાલ એન્ટરપ્રાઈઝનો કોઈ ઓર્ડર આવે તો તેને માલ નથી મોકલવાનો...! જી.એમ.ને કહી દેજે...એ ઓર્ડર અટકાવી દેશે. એની પાસે સાડા બાર લાખ રૂપિયાનું પેમેન્ટ લેવાનું બાકી છે. એને રજીસ્ટર્ડ પત્રથી તાબડતોબ આપણા પૈસાની વ્યવસ્થા કરવાનું જણાવી દેજે. સાથે જ નહીં તો ન છટકે તેના પર કાયદેસર પગલાં ભરવા પડશે એવી ધમકી પણ લખજે.’

‘ભલે, પિતાજી...!’

‘અને સાંભળ...બજારમાં જેટલી ઉઘરાણીઓ બાકી છે, એ બધી તાબડતોબ વસુલ કરી લેવાની છે.’

‘કેમ...?’

‘એટલા માટે કે થોડા દિવસોમાં જ આપણી આર્થિક હાલત નબળી પડવાની છે !’

‘આ તમે શું કહો છો પિતાજી...?’ સુધાકરે ચમકીને પૂછ્યું. એના ચહેરા પર અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા હતા.

‘સુધાકર...તને કદાચ મારી વાત પર ભરોસો નથી બેઠો... પણ હું સાચું જ કહું છું. કદાચ આપણે ત્રણ-ચાર મિલો પણ વેચી નાખવી પડશે.’

‘આજે આ તમને શું થઇ ગયું છે પિતાજી...? તમે આવી ગાંડા જેવી વાતો શા માટે કરો છો ?’

‘હું ગાંડો થઇ ગયો હોત તો સારું હતું ...! કમ સે કમ અત્યારે મને જે દુઃખનો અનુભવ થાય છે, એ અનુભવ તો ન થાત...!’

‘પિતાજી...તમે નારાજ ન થાઓ તો એક વાત પૂછું...?’

‘બોલ...કોઈ બાપ ક્યારેય પોતાના દિકરાથી નારાજ થાય કહ્રો ?’ કહીને કાશીનાથ પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યો.

‘માત્ર ચોવીસ કલાકમાં જ આપણી આર્થિક હાલત આટલી બધી કેવી રીતે કથળી ગઈ એ જણાવી શકશો ? હજુ ગઈ કાલે તો તમે એમ કહેતાં હતા કે આપણી દસેય મિલો સારામાં સારો નફો કરે છે...!’

‘સોરી સુધાકર...! હું લાચાર છું...! મારી ઈચ્છા હોવા છતાં પણ હું આ બાબતમાં તને કશું જ જણાવી શકું તેમ નથી.’

‘પિતાજી...!’

‘મને સાચી વાત જણાવવા માટે લાચાર ન કરીશ દિકરા...!’એક તો પહેલાંથી જ દુઃખી છું...!’

જાણે એક જ દાવમાં જિંદગીભરની કમાણી હારી ગયો હોય એવું તેની હાલત પરથી લાગતું હતું.

વાત પૂરી કર્યા પછી કાશીનાથ નિર્જીવ પૂતળાની જેમ ખુરશી પર ઢગલો થઇ ગયો હતો.

સુધાકરમાં હવે કશું જ બોલવાની હિંમત નહોતી રહી.

બીજે દિવસે સવારે તે ઓફિસમાં બેઠો હતો.

એના કાનમાં રહી રહીને કાશીનાથની વાત ગુંજતી હતી કે તેમની આર્થિક હાલત કથળી ગઈ છે...ત્રણ-ચાર મિલો પણ વેચવી પડશે.

‘આ બધું શું છે...? પિતાજીની એવી તે કઈ લાચારી છે કે જે તેઓ પોતાને જણાવી શકે તેમ નથી એ તેને નહોતું સમજાતું.

તે આ બાબતમાં જેમ જેમ વિચારતો જતો હતો. તેમ તેમ તેની મૂંઝવણ વધતી જતી હતી.

એનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું.

ઘણું ઘણું વિચાર્યા પછી પણ તેને કશું જ નહોતું સૂઝતું.

સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

ઘંટડીના અવાજથી તેની વિચારધારા તૂટી ગઈ.

એણે એક ઊંડો શ્વાસ લઇ રિસીવર ઊંચક્યું.

‘હલ્લો...સુધાકર સ્પીકિંગ...!’

‘સુધાકર... હું કિરણ બોલું છું...!’ સામે છેડેથી કિરણનો પરિચિત અવાજ તેને સંભળાયો.

‘કિરણ, તું...?’

‘હા, સુધાકર...હું તારાથી ખુબ જ નારાજ છું...!તારા વચન મુજબ તારે ગઈકાલે જ અમારી પાસે પહોંચી જવું જોઈતું હતું. પરંતુ તું હજુ વિશાળગઢમાં જ પડ્યો છો...!!’

‘પિતાજી બહારગામ ગયા છે કિરણ...!’

‘તો...?’

‘તેમને ગેરહાજરીમાં અહીનું બધું કામકાજ મારે જ સંભાળવું પડે તેમ છે !’

‘એમ શા માટે નથી કહેતો કે તું કાશ્મીર નહીં આવે...!’

‘સોરી ડીયર...! હું ખરેખર જ તમને કંપની નહીં આપી શકું...!’

‘જો આ જ વાત હતી, તો પછી મને એકલીને જ અહીં શા માટે મોકલી ?’

‘મને શું ખબર કે હું નહીં આવી શકું...!’

‘તને બધી ખબર હતી. તું મને ઉલ્લુ બનાવે છે !’

‘તારા સોગંદ ખાઈને કહું છું કે હું તને નેથી બનાવતો...! હું ખરેખર જ સંજોગોનો શિકાર બની ગયો છું. આપણે બંને ફરી ક્યારેક કાશ્મીરનો પ્રોગ્રામ બનાવીશું. અત્યારે તો તું અતુલ અને મંદાકિની સાથે કાશ્મીરની ખીણોનો આનંદ માણ...!’

‘જો તું કહેતો હો તો હું વિશાળગઢ ચાલી આવું...’

‘આ તું કેવી વાત કરે છે ?’

‘કેમ...?’

‘તારા વગર મને અહીં ક્યાંય નથી ગમતું એ હું કબુલ કરું છું. તેમ તેને પણ ત્યાં મારા વગર નહીં જ ગમતું હોય એ પણ હું જાણું છું.’

‘તો પછી ?’

‘જો તું અતુલ અને મંદાકિનીને પડતાં મુકીને અહી ચાલી આવીશ તો તેઓ નારાજ થઇ જશે. એટલે હવે તો તું તેમની સાથે જ આવજે. ખેર, બાકી બધું તો બરાબર છે ને ?’

‘હા...’

‘બીજી કોઈ તકલીફ તો નથી ને ?’

‘ના...’

ત્યારબાદ એણે સુધાકરને પોતાનું ઉટી ખાતેનું સરનામું જણાવી દીધું.

‘સારું ત્યારે...’

‘ઓ.કે...’

સુધાકરે રિસીવર મૂકી દીધું. પછી એક સિગારેટ સળગાવીને તે ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

***

નાગપાલ પોતાની ઓફિસમાં મોજૂદ હતો.

એના હોઠ વચ્ચે પાઈપ દબાયેલી હતી જેમાંથી તે રહી રહીને કસ ખેંચતો હતો.

પાઈપના કસ ખેંચતો તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો.

સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

એની વિચારધારા તૂટી.

એણે રિસીવર ઉચકીને કાને મુક્યું.

‘હલ્લો...મેજર નાગપાલ સ્પીકિંગ...!’ એ બોલ્યો.

‘નાગપાલ સાહેબ..’ સામે છેડેથી બરફ જેવો ઠંડો અને બરછીની ધાર જેવો તીખો અવાજ સંભળાયો.

એ જ વખતે ઓફીનું દ્વાર ઉઘાડીને દીપક અંદર પ્રવેશ્યો. નાગપાલે તેને ચુપચાપ બેસી જવાનો સંકેત કર્યો.

દિલીપ તેની સામે બેસી ગયો.

‘બોલો...! તમે કોણ...?’

‘હું બાજીગર બોલું છું...!

‘બાજીગર...?’ નાગપાલે આશ્ચર્યસહ પૂછ્યું.

એના મોંએથી બાજીગરનું નામ સાંભળીને દિલીપ પણ ચમકી ગયો.

‘હા, નાગપાલ સાહેબ...! હું બાજીગર જ બોલું છું...!’

‘બોલ...શા માટે મને યાદ કરવો પડ્યો છે ?’

‘નાગપાલ સાહેબ...! હાલમાં તમે આકાશમાંથી તારા તોડવાનું સપનું જુઓ છો ! આ તો ઘણું ખરાબ કહેવાય ! માણસે સાકાર ન થાય એવું સપનું કદાપી ન જોવું જોઈએ !’

‘તું કહેવા શું માંગે છે બાજીગર...?’ કહેતાં કહેતાં નાગપાલના કપાળ પર ત્રણ-ચાર કરચલીઓ ઉપસી આવી.

‘તમે મારા સુધી પહોંચવાના પ્રયાસો કરો છો...?’

‘હા, ચોક્કસ...! હું એક દિવસ તને ઘટતા ફેજે પહોંચાડીને જ જંપીશ બાજીગર...!’નાગપાલના અવાજમાં કારમી સ્વસ્થતા હતી.

‘તમે નાના બાળક નથી નાગપાલ સાહેબ...! સી, આઈ.ડી.ના ઉચ્ચ કક્ષાના ઓફિસર બની ગયા છો પરંતુ તેમ છતાંય હજુ નાના બાળકો જેવી વાતો કરો છો.’

‘એમ...?’

‘હા...’

‘એ તો જયારે તું તારી જાતને જેલના સળિયા પાછળ જોઇશ ત્યારે જ સમજાશે કે કોણ બાળક છે ને કોણ વડીલ...!’

‘તમે મને જેલના સળિયા પાછળ ધકેલવાની વાત કરો છો. પરંતુ વાસ્તવમાં તમે મારો પડછાયો પણ નહીં મેળવી શકો...! હા...પૂજા-પાઠ શરુ કરી દો તો તમને ભગવાનના દર્શન કદાચ થઇ જશે. પરંતુ કઠોર તપ કર્યા પછી પણ તમે બાજીગરનાં દર્શન નહીં કરી શકો નાગપાલ સાહેબ...!’

‘તું તારી જાતને આટલી બુદ્ધિશાળી માને છે ?’

‘હા...અને હું છું એમાં પણ બે મત નથી...!’

‘દરેક ગુનેગાર પોતાની જાતને ખુબજ ચાલાક, હોશિયાર અને તીવ્ર બુદ્ધિશાળી માનતો હોય છે પરંતુ કાયદાના લાંબા હાથમાંથી તે નથી બચી શકતો. કાયદાનો લોખંડી પંજો એક ને એક દિવસ જરૂરથી તેની ગરદન પર જકડાઈ જ જાય છે.’

જવાબમાં સામે છેડેથી એક બુલંદ અટ્ટહાસ્ય ગુંજી ઉઠ્યું.

‘તું હસે છે...?’

‘હસુ નહીં તો શું તમારી મૂર્ખાઈ પર આંસુ સારું...? મને તમારી બુદ્ધિ પર દયા આવે છે નાગપાલ સાહેબ...! તમે ધરપકડનાં સપના જુઓ છો. કદાચ હું અત્યારે તમારી સામે આવું તો પણ તમે કયા ગુનાસર અને કાયદાની કઈ કલમ મુજબ મારી ધરપકડ કરશો ?’

બાજીગર...!’ નાગપાલના ચહેરા પર લાચારીના હાવભાવ છવાઈ ગયા.

‘હા...હા...કહો...! તમારી બોલતી શા માટે બંધ થઇ ગઈ...? સાંભળો...તમારા કાયદાની નજરે મેં કોઈ ગુનો નથી કર્યો...! કાયદાની કોઈ કલમનું ઉલ્લંઘન નથી કર્યું. કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમારી પાસે મારી વિરુદ્ધ કોઈ પુરાવો નથી એટલે તમે મારી સામે અંખ ઉંચી કરીને પણ જોઈ શકો તેમ નથી. હું તમારી પાસે રૂબરૂ મારા દર્શનનો લાભ આપવા માટે આવીશ તો પણ તમે મને નહીં પકડી શકો.’

‘તું એક બ્લેકમેઈલર છો...! પૈસાદારોની કમજોરી જાણીને તેમને બ્લેકમેઈલ કરે છે!’

‘શટઅપ...મિસ્ટર નાગપાલ...! આ તમે શું બકો છો...? મેં મારી જીંદગીમાં ક્યારેય આવું નીચ કામ નથી કર્યું. હું બ્લેકમેઈલર છું એવો કોઈ પુરાવો તમારી પાસે હોય તો કહો...! હું પોતે જ સામેથી મારી જાતને કાયદાને હવાલે કરી દેવા માટે તૈયાર છું. બોલો છે કોઈ પુરાવો તમારી પાસે...?’

‘બાજીગર, મારી પાસે તારી વિરુદ્ધ કોઈ પુરાવો નથી એનો ખુબ જ અફસોસ છે !’

‘તો પછી ચુપચાપ તમાશો જોયે રાખો...!’

‘હું ચુપચાપ બેસી રહેવામાં માનતો નથી...!’

‘તો શું કરશો તમે...?’

‘હું તારી વિરુદ્ધ પુરાવાઓ શોધવાનો પ્રયાસ કરીશ !’

‘એના માટે તો તમારે બીજો જનમ લેવો પડશે નાગપાલ સાહેબ...!’

‘બાજીગર...!’ સહસા નાગપાલનો અવાજ એકદમ કઠોર બની ગયો, ‘જો હું આ જન્મમાં જ તને કાયદાના હવાલે ન કરું તો મારું નામ બદલી નાખજે...!’

‘તો તમે તમારે પ્રયાસ કરો...! પણ તમને સફળતા નહીં મળે એની મને પૂરી ખાતરી છે !’

‘શટઅપ ...’કહીને નાગપાલે રિસીવર મૂકી દીધું.

‘અંકલ...!’ સહસા દિલીપ બોલ્યો, ‘આ બાજીગરનો દીકરો તો ખુબ જ ચાલાક લાગે છે !’

‘હા...પણ હું તેને ઘટતા ફેજે પહોંચાડીને જ જંપીશ !’

દિલીપ ચુપચાપ નાગપાલની કઠોર મુખમુદ્રા સામે તાકી રહ્યો.

નાગપાલ પાઈપ પેટાવીને ફરીથી તેના કસ ખેંચતો વિચારમાં ડૂબી ગયો હતો.

***