Chhabchhabiya in Gujarati Short Stories by Dr Sagar Ajmeri books and stories PDF | છબછબીયા

Featured Books
  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

  • સંઘર્ષ - પ્રકરણ 5

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

છબછબીયા

છબછબીયા

ગઇ કાલ રાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ રોકાયો નથી. સૂર્યદેવને કાળા ડિબાંગ વાદળોએ સાવ ઢાંકી દીધા. ધોધમાર વરસાદ ચાલી રહ્યો હતો. ચારે બાજુ બસ પાણી જ પાણી.! ઘરના ઝરૂખે બેઠેલી સાવિત્રીની આંખે પણ પાણી બાઝ્યું. કાં તો વરસાદની વાછટ ત્યાં સુધી પહોંચી ગઇ કે પછી સાવિત્રીની પાંપણે કાળાડિબાંગ મેઘો છવાયા.! ધોળે દિવસે પણ છવાયેલ અંધારુ ક્યાંક સાવિત્રીની આંખના ઊંડાણમાં વ્યાપી રહ્યુ હતુ. સાવિત્રીની સામે ફળિયામાં લીમડાના વૃક્ષ પર બાંધેલો સુગરીનો માળો વરસાદ અને પવનની ઝાપટથી હાલક ડોલક થતો રહ્યો. ઘડીભર લાગતુ કે હમણા કદાચ આ માળો નીચે પડી જાશે કે શું.? નાના બચ્ચા આને જીવ સટોસટીનો ખેલ માની બીકથી ચીચીયારી કરવા લાગ્યા, પણ તેની મા કુદરત પરની અતૂટ શ્રધ્ધાથી ગંભીર પણ શાંત બેસી રહી.!

બહારના ધોધમાર વર્ષા સાથે સાવિત્રીની આંખો પણ ટપકતી રહી. સાવિત્રીની આંખે વરસાદનાં છાંટણા જમીનથી આકાશ તરફ એક વર્ષ પાછા ફરી ગયા.! સાવિત્રીના કાને નાનકડા પાર્થની કિલકારીઓ સંભળાવા લાગી. કેટલીયે બાધા-માનતા કરીને, કાંઇ ઢગલાબંધ મંદિર-દરગાહના ઓટલે માથા નમાવી ખોળો ખૂંદનાર પાર્થ મળ્યો હતો. પાર્થ એ જ સાવિત્રીનું જીવનકેન્દ્ર.! સાવિત્રીની સવાર, બપોર, સાંજ કે રાત...જે ગણો તે આ પાર્થ જ..! સાવિત્રી જાણે માત્ર પાર્થ માટે જ જીવતી હતી. પાર્થને જમાડવું, પાર્થ સાથે રમવું, તેને નવા નવા ગીતો શીખવાડવા, તેની સાથે ધમાલ મસ્તી કરવી, તેને સૂવડાવવો તે જ તેનું જીવન. સાવિત્રી માટે લેક્ચરર તરીકેની તેની કારકિર્દી કરતા પાર્થની સંભાળ કેટલાય ગણી વિશેષ હતી, તેથી જ તો તેણે સૌ કોઇના આશ્ચર્ય વચ્ચે નામાંકિત સંસ્થામાંથી લેક્ચરરની જોબ ખુશી ખુશી છોડી હતી..! સાવિત્રી માટે પાર્થ એટલે ઇશ્વરનું અમૂલ્ય વરદાન..!

એક વર્ષ પહેલા પણ આ જ રીતે ધોધમાર વર્ષાનો માહોલ હતો. આવા વરસાદમાં જ પાર્થ ઘરની બહાર પાણીમાં રમવા ગયો હતો. પાર્થને પાણીમાં છબછબીયા કરવા ખૂબ ગમતા. ઘરમાં પણ તે વારંવાર બાથરૂમમાં પાણીના શાવર નીચે કલાકો સુધી રમતો અને બાથટબમાં છબછબીયા કરતો રહેતો. તેને આમ રમતો જોઇ સાવિત્રીની આંખો પ્રેમથી ભીંજાઇ જતી. તેમાંયે આ તો વરસાદ...ઇશ્વરે ચાલુ કરેલ શાવર..! તેમાં ભીંજાવવાનું અને છબછબીયા કરવાનું પાર્થ કેમ કરી મૂકે..? સાવિત્રીએ પાર્થને બહાર વરસાદમાં રમવા જવા જેવી ‘હા’ કહી કે તરત જ પાર્થ દોટ મૂકી બહાર રમવા નીકળ્યો. ઘરના કામમાં વ્યસ્ત સાવિત્રી થોડી થોડી વારે આ જ ઝરૂખેથી બહાર પાર્થને પાણીમાં રમતો-કૂદતો-છબછબીયા કરતો જોઇ ખુશ ખુશ થઇ જતી. પાણીના ખાબોચીયામાં કાગળની હોડી મૂકી પાર્થ કાલી ભાષામાં ‘ચાલો ચાલોને રમીએ હોડી હોડી’ કાવ્ય ગાતો જતો અને તેની સાથે ઘરમાં કામ કરતી સાવિત્રી પણ એકસૂરે કાવ્ય ગણગણતી જતી.

હમણા બે દિવસા પહેલા જ ગટર લાઇન માટે ઘર પાસે ખોદેલા ખાડાની વાત સાવિત્રી સાવ ભૂલી જ ગઇ હતી. ક્યાંય સુધી પાર્થનો અવાજ ન આવતા સાવિત્રી તેને જોવા ઝરૂખા તરફ ગઇ, અચાનક જ તેને પેલા ખોદેલા ખાડાનું સ્મરણ થતા ઘર બહાર દોડી ગઇ. એક સણસણતી ચીસ સાથે વીજળીનો ચમકારો થયો. વીજળીના ચમકારાનું પ્રતિબિંબ સાવિત્રીની આંખથી વહેતી આંસુની ધારે ઝીલી લીધું. વાદળના ગડગડાટનો અવાજ તો શમી ગયો, પણ સાવિત્રીના મનમાં તે ગડગડાટ ક્યારેય શમ્યો ના હતો.! સાવિત્રી જાગી ગઇ..! વર્ષાનાં ટીપા ફરી ગગનથી ધરા પર વરસવા લાગ્યા. આજે પણ તે ખાડામાં તેને પાર્થનું ડૂબેલું શરીર દેખાયુ. વરસાદ તો આજે એક વર્ષે આવ્યો, પણ સાવિત્રીની આંખમાં બારેય માસ મેઘ વરસતો જ રહ્યો. છેલ્લી વાર પાર્થના નામની ચીસ પાડ્યા પછીથી કાયમ માટે મૂંગી થયેલી સાવિત્રી એક વર્ષથી નિર્જીવ શરીર સાથે ઝૂરી રહી છે..!

થોડીવારમાં સાવિત્રીનો પતિ તેને વ્હીલચેર સાથે તેની પથારી સુધી લઇ ગયો. ડૉક્ટર્સના ઘણા પ્રયત્નો કરવા છતા હજુ સુધી સાવિત્રી કોમામાંથી બહાર આવી શકી નથી. કેટલાક ડૉક્ટર્સનું માનવું છે કે સાવિત્રી પાછલા સમયમાંથી બહાર આવવા જ ઇચ્છતી નથી, પણ હવે તેના માટે આ સમયમાં કોઇ રહ્યું પણ ના હતુ..! સાવિત્રીનું જીવન તેના પાર્થ સાથે જ રોકાઇ ગયુ. તેના જીવીત હોવાની સાબિતી તેની આંખથી સતત ઝરતી આંસુની ધાર જ આપતી રહે છે..! બહાર હજુ પણ પવનની ઝાપટથી પેલો માળો હાલક ડોલક થતો રહ્યો, પેલી સુગરી એકીટશે આકાશ તરફ કાંઇક અકળ રીતે તાકી રહી..! બહાર પાણીમાં છબછબીયા કરતા બાળકોની કિલકારીઓમાં સાવિત્રી કંઇ શોધી રહી હતી – પાર્થ..!

***