રીસન જેક આઈલેન્ડ
( રહસ્યમય રોમાંચક પ્રેમસફર )
પ્રકરણ: ૮
“જો ભાર્ગવ, અમે અત્યાર સુધી તારાથી એક વાત છુપાવી છે. પણ હવે અમને લાગે છે કે સાચી વાત કહી દેવી જોઈએ. તને અમારા બંને પર શંકા છે એ વાત અમે જાણીએ છીએ. અને હોવી પણ જોઈએ. પરંતુ સાચી વાત એ છે કે અમે ફક્ત મિત્રતા નિભાવવા માટે તારી આટલી મદદ નથી કરી રહ્યા. અમારો પણ સ્વાર્થ છે થોડો....”
“કેવો સ્વાર્થ? અને શું જોઈએ છે તમારે મારી પાસેથી?”
“બ્લેક ઓપલ.”
“શું? બ્લેક ઓપલ? રીસન જેક આઈલેન્ડ વાળા.”
“હા, એ જ. સાંભળ, ભવ્યા સુરત નથી ગઈ. તે કિડનેપ થઇ ચુકી છે. કારણ કે તે રીસન જેક સુધી પહોચવાનો રસ્તો જાણે છે. ‘રીસન જેક આઈલેન્ડ’ નો નકશો તારી પાસે છે. પણ ત્યાં સુધી પહોચવા માટે પણ નકશો તો જોઇશે ને? એ પછી જ તેમાં આગળ વધી શકાય. તો સુંદરવનના જંગલમાં થઈને રીસન જેક સુધી પહોચવાનો નકશો અમારી પાસે છે. અને ત્યાર પછીનો તારી પાસે છે. હવે સૌથી ખાસ વાત. તારી ગર્લફ્રેન્ડ, તારી હરહંમેશની સાથી ભવ્યાને રીસન જેક લઇ જવામાં આવી છે. તારે તારી ગર્લફ્રેન્ડ જોઈએ છે અને અમને બ્લેક ઓપલ. સાથે મળીને કામ કરીશું તો જલ્દી કામ પતિ જશે, નહિ તો ઘણું મોડું થઇ જાશે. એકલા હાથે આ કામ પૂરું પાડવું શક્ય નથી એ તો તને પણ અત્યાર સુધીમાં ખબર પડી જ ગઈ હશે. તો હવે નિર્ણય તારા હાથમાં છે.”
“ભવ્યાને કોણે કિડનેપ કરી છે? અને એ વાત તમને લોકોને કેવીરીતે ખબર પડી?”
“મિ. પીટર માર્ક. આપણી કૉલેજના જુનિયર સાયન્ટીસ્ટ! અમે ત્રણ ચાર દિવસ પહેલા ભવ્યાનાં ઘરે ગયા હતાં. અમે ત્યાં જઈને જોયું તો ખબર પડી કે ભવ્યા ઘરે છે જ નહિ. અમે બધા ફ્રેન્ડસને પણ પૂછી જોયું. અમે જાતે પણ તપાસ કરી. તેના વિશે કોઈને ખબર નહોતી. આ ઉપરાંત અમે તેના ઘરે ગયા ત્યારે તેના ઘરનો દરવાજો ખુલ્લો હતો, ઘરમાં શાકભાજી અને જમવાનું બધું જ ખુલ્લું પડ્યું હતું. તેના સ્વભાવથી વિરુદ્ધ છે આ બધું. તેની એક પણ વસ્તુ ક્યારેય આડા - અવળી ના જ હોય. તેનું દરેક કામ એકદમ પરફેક્ટ જ હોય. તો આનો મતલબ એક જ થાય કે એ કોઈ મોટી મુસીબતમાં છે અથવા તો કોઈ વાતનું ટેન્શન છે.”
“તો પણ એનું કીડનેપીંગ જ થયું છે અને તેને આઈલેન્ડ પર જ લઇ જવામાં આવી છે તેની શું ખાતરી? વળી તેમાં મિ. પીટર માર્ક જ સંકળાયેલા છે એની શું ખાતરી? બીજું કોઈ પણ હોઈ શકે ને...”
“ના. બીજું કોઈ ના જ હોઈ શકે. ભવ્યા પર આ એક જ વ્યક્તિની નજર હતી. તેને ગમે તેમ કરીને બ્લેક ઓપલ જોઇતાં જ છે. એના માટે એ કંઈ પણ કરી શકે એવો છે. બ્લેક ઓપલની લાલચમાં એ કોઈનું મર્ડર કરતા પણ અચકાશે નહિ.”
“એક સાયન્ટીસ્ટનું દિમાગ આટલું વિકૃત કેવી રીતે હોઈ શકે?!”
“તારી વાત સાચી છે ભાર્ગવ. પણ એવું જ છે. બ્લેક ઓપલ મેળવવાનું સપનું તો કોઈ ના જોવે તો જ નવાઈ! અને આ પહેલા પણ પીટરે ઘણાં લોકોને ફોડવાની ટ્રાય કરી જ હતી. પણ એ ફાવ્યો નહિ. અમુક લોકો પાસે માહિતી અને આવડતનો અભાવ હતો અને અમુક લોકો એ કાર્યને લાયક જ નહોતા. એટલે પછી તેનું ધ્યાન તારી અને ભવ્યા તરફ ફેલાયું. તમારા પ્રોજેક્ટનું હેન્ડલિંગ પણ એ જ કરતો હતો. ઘણાં પ્રયાસો પછી અનાયાસે જ તમને આઈલેન્ડનો સુરક્ષિત રસ્તો મળી ગયો. આઈલેન્ડના વિવિધ રીપોર્ટ ભેગા કરીને તેનો આબોહવાકીય અને ભૌગોલિક ચાર્ટ તૈયાર થયો અને તેના આધારે નકશો બનાવવામાં આવ્યો. પણ તમે લોકોએ એ નકશો કોલેજમાં રજુ કરવાની ના પાડી દીધી. કારણ કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમારે એ માહિતી ગવર્મેન્ટ સુધી મોકલવાની હતી. આખરે એ બધી જ સંપતિ સરકારની જ તો છે! અને કોલેજના અન્ય ફેકલ્ટી પણ એવું જ ઇચ્છતા હતાં. બસ એક પીટર માર્ક જ આ વાતથી ખુશ નહોતો. કેમકે તેને લાગતું હતું કે કોઈ પણ નવી વસ્તુનો આવિષ્કાર થાય, તો સૌથી પહેલો હક તેમાં સંશોધન કર્તાનો જ હોવો જોઈએ, નહિ કે સરકારનો. જે મહેનત કરે, એને જ ફળ મળવું જોઈએ. ભ્રષ્ટ અધિકારીઓના હાથમાં જાય તો, ના તો એ તેનું મુલ્ય સમજી શકે કે ના તો તેની દેખરેખ રાખવાની પરવા કરે. બસ પછી તો-”
“- આખરે એ બધી જ સંપતિ સરકારની જ તો છે – તો પછી તમારે શા માટે જોઈએ છે?” ભાર્ગવે આયુષને વચ્ચેથી જ ટોક્યો.
“અમારા વિચારો મિ. પીટર માર્ક જેવા જ છે. જે વ્યક્તિ મહેનતથી મેળવે એ જ ભોગવે.” આયુષ મલકાયો. પણ ભાર્ગવને તેની આ વાતથી ગુસ્સો આવ્યો.
“તો પછી મિ. પીટરે આઈલેન્ડની માહિતી મારી પાસેથી મેળવવાની કોશિશ કેમ ના કરી?”
“કરી તો હતી. પણ તારી પાસેથી કોઈ પણ માહિતી તેમને ના જ મળી. એટલે પછી તેણે ભવ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. બસ એ જ કારણ છે તેનું કીડનેપીંગનું.”
“અને મારું એકસીડન્ટ કરાવ્યું, બરાબર ને?”
“ના, એવું લાગતું તો નથી. અમે પણ પહેલા એવું જ માની લીધું હતું. પણ એવું છે નહિ. એ અકસ્માત જ હતો. પણ એક વાત પાક્કી છે કે ભવ્યાને તેણે જ કિડનેપ કરી છે અને હવે તેને રીસન જેક આઈલેન્ડ પર જ લઇ જશે.”
“આટલો કોન્ફીડન્સ છે તો પછી તમે પોલીસને જાણ કેમ ના કરી?”
“પોલીસને જાણ કરવાનો કોઈ ફાયદો નથી. પીટર પહોચેલી માયા છે. અને આમ પણ પોલીસ પહેલા તો પુરાવા માંગશે એ પછી તપાસ આદરશે. સમય વેડફાશે આપણો. ત્યાં સુધીમાં તો ભવ્યા સાથે કંઈ પણ થઇ શકે છે. ઉલટા આપણે જ ફસાઈ જઈએ તો નવાઈ નહિ!”
“હા, વાત તો સાચી છે તારી.” ભાર્ગવ સહમત થયો અને ઉમેર્યું, “મને લાગે છે આપણે અત્યારે જ ભવ્યાના ઘરે જવું જોઈએ.”
“ત્યાં જવાનો કોઈ મતલબ નથી, સમાચાર પાક્કા જ છે. આમ પણ...-”
“મારે જવું જ. એ પણ અત્યારે જ.”
“ઠીક છે, ચાલો જઈએ મારી બાઈક પર.” મોનાર્થે સાથ પુરાવ્યો.
“ના, આપણે મહિન્દ્રામાં જઈએ. હું ડ્રાઈવ કરી લઉં છું.” ભાર્ગવ ઘરની બહાર નીકળતા બોલ્યો.”
“તું ડ્રાઈવ તો કરી શકીશ ને?” આયુષે ચિંતા વ્યક્ત કરી.
“ઓ ભાઈ, મારી યાદશક્તિ જતી રહી છે. આવડત નહિ! માણસ તેની યાદદાસ્ત ગુમાવી બેસે તો પણ એ હાલવા ચાલવાનું કે પોતાની ભાષા નથી ભૂલી જતો. તેની આવડત અને કોમન સેન્સ તો પહેલા જેટલી જ રહે છે.”
***
તેઓ ત્રણેય ભવ્યાનાં ઘરે પહોચ્યા. ભવ્યાનું ઘર ભાર્ગવના ઘરથી લગભગ દોઢ બે કિલોમીટર જેટલું દુર છે. અને ભવ્યાનાં ઘરથી તેઓની કોલેજ વચ્ચેનું અંતર પણ એટલું છે. ભવ્યાનું ઘર જોઇને ભાર્ગવની આંખો પહોળી થઇ ગઈ. એને અત્યાર સુધી એવું જ લાગતું હતું કે મારા ઘરની બનાવટ જ બેનમુન છે. પણ એ ખોટો ઠર્યો. ભવ્યાનું આખું ઘર લગભગ લાકડા માંથી જ બનાવેલું હતું. જોનારની આંખો પળવારમાં જાય! જાણે જમીનથી લગભગ પાંચ ફીટ ઉચું ઝૂલતું સ્વર્ગ જ જોઈ લો! આયુષના જણાવ્યા મુજબ આ ઘર ભવ્યાએ જ ડીઝાઇન કરાવ્યું હતું.
( ક્રમશ:... )
લેખક : ભાવિક એસ. રાદડિયા