અહમ્ બ્રહ્યાસ્મિ
આજે મુશળધાર વરસાદની સાથે ૫૦નાં ઉંબરે ઉભેલી આહુતિ વ્યાસની આંખોમાંથી પણ મુશળધાર અશ્રુબિંદુઓ વહી રહ્યા હતા. ઠેર-ઠેર પાણી-પણીનાં માહોલમાં ઘરનાં સભ્યો તો શું પણ ખુદ આહુતિ વ્યાસને પણ ખ્યાલ ન રહ્યો કે પોતાનાં હૈયામાં ભરેલ દરિયો આટલો બધો ઉલાળા મારી રહ્યો છે. આમ તો સાંસારિક જવાબદારી નિભાવવી એ જ પોતાનું કર્તવ્ય એવી આહુતિ વ્યાસની સ્પષ્ટ સમજણ હતી. પરંતુ હજી તો ગઈકાલે જ ઘરમાં પેસ્ટકંટ્રોલ કરાવીને રાત્રે થાકી-પાકી સુતેલી આહુતિના ઘરમાં રાતે મુશળધાર વરસાદને કારણે MCL ટૂટી જતાં દાદર પરનાં વેન્ટીલેશનમાંથી સીધું પાણી ડ્રોઈંગરૂમમાં જાણે દરિયો બની બેઠું હતું. રોજનાં ક્રમ મુજબ ૫:૩૦ વાગ્યે આહુતિ ઊઠી ત્યારે બેબાકળી થઈ ગઈ. અને મનોમન બબડી “ચાલો! હવે આજે આ કામ હાથમાં લો.” અને, ફ્રંશટેશનમાં પતિ સ્વંય આગળ મનનો બળાપો કાઢ્યો. “યાર! આ શું છે? રોજે-રોજ ઘરનાં કામ! હું તો ઘરથી થાકી. ઘરનાં મેઈન્ટેશન પાછળ મારી જાત ઘસાઈ ગઈ.” પતિ સ્વંય વ્યાસ ભભૂકી ઉઠ્યા-“ ઓ.કે. વેલ! આટ-આટલી સુવિધા અને કામવાળાં હોવા છતાં તેને ઘરનું કામ આકરું લાગે છે!?” આહુતિએ વળતો જવાબ આપ્યો- “કામવાળા ફિઝિકલ વર્ક કરે મેન્ટલી તો મારે જ જવાબદારી નિભાવવી પડે ને! લેબરવર્ક કરાવવું પણ કંઈ સહેલું કામ નથી. હું તો બસ- હવે થાકી હું આ સંસારથી- આ સંસાર નથી ઝંઝાળ છે.”
મુશળધાર વરસાદનાં માહોલમાં આજે ‘વ્યાસહાઉસ’ માં શ્રીમાન-શ્રીમતિ વચ્ચે ગરમાગરમી ચાલી રહી હતી. પતિ સ્વંય બોલ્યાં “તારે શું કરવાનું છે? અમારી જેમ બહાર કમાવવા તો નથી જવાનું ને!? આહુતિના દિલમાં ડાઘ લાગ્યો એણે પણ સામે શબ્દોનો પ્રહાર કર્યો “વોટ ડુ યુ મીન! હું બહાર કમાવવા નથી જતી મતલબ હું કંઈ નથી કરતી??? મારી પાસે પણ સાયન્સની ઉચ્ચ ડિગ્રીઓ છે. હું પણ કુશળ છું મને પણ જીવનમાં કરિયર બનાવવાની અનેક તકો મળતી હતી. પરંતુ ના, એ બઘું જ મેં છોડી દીધું. ઘર-સંસાર, પતિ-બાળકોની જવાબદારી મેં સ્વૈચ્છિક સ્વીકારી. શું એ જ મારી ભૂલ ??? એ વખતે મને લાગ્યું કે હું કુશળ છું. દરેક જવાબદારીને હું એકલે હાથે પહોંચી શકીશ. બાકીનાં સભ્યો એ જવાબદારીઓમાંથી મુક્ત રહેશે તો ઉચ્ચ કરિયર બનાવી શકશે. ઘરને ચોક્કસ મુકામ પર પહોંચાડવા માટે કોઈ એકે તો ‘આહુતિ’ આપવી પડશે અને એ આહુતિ મેં આપી. શું એ મારી ભૂલ હતી? શું મને કંટાળો વ્યક્ત કરવાનો માર પોતાનાં ઘરમાં હક્ક પણ નથી. ફક્ત જરા કંટાળો તો શું વ્યક્ત કર્યો કે તમે આટ-આટલું બધું, ન બોલવાનું પણ બોલો છો. સ્વંય ! જરા સમજો. તમારી આવી વિચારધારાથી મારું સ્વમાન કકડભૂસ થઈ જાય છે. “
સ્વંય વ્યાસ ઉંચા અવાજે પોતાનું પુરુષપણું જતાવી રહ્યા હતા. “હા-હા તો તને કોણે રોકી હતી? ઘણી કુશળ હતી તો બહાર નીકળવું હતું. કેટલા વિસે સો થય એ ખબર પડત! ઘરમાં બેઠાં-બેઠાં ચરબી વધી ન હોત.”
સ્વંયનાં કટુ વાક્યો આહુતિના હ્ર્દયનાં આરપાર વીંધાય રહ્યા હતા. એ ત્રાડુકી ઊઠી. “સ્વંય ઈનફ ઈઝ ઈનફ. ધીસ ઈઝ ટુ મચ. હા! હું સ્વીકારું છું તમે મને આકાશ જોવાની છુટ આપી હતી. મારી પાંખો પણ સશક્ત તો હતી જ. પણ સ્વંય ! જરા સમજો- ઉડવા માટે પીંજરામાંથી બહાર નીકળવું પડે. અને એ પીંજરામાંથી બહાર નીકળાવાની તક આપી નહિં હતી. જરા વિચારો તમે પણ જો ઘર-સંસાર-બાળકોની જવાબદારી સરખા ભાવે નિભાવી હોત તો હું પણ આ ઘર- જે આજે મને પીંજરું ભાસે છે એમાંથી મારી જાતને છોડાવી શકી હોત.” પરંતુ સ્વંય એક વર હતા એમને આહુતિની ‘આહુતિ ગાથા’ સાંભળવામાં કોઈ રૂચી ન હતી. એ વરપણાનાં વટ સાથે ઓફિસે જવા રવાના થયા.
આહુતિ મુશળધાર વરસાદમાં વરને સાદ પાડતી રહી. એની આંખોમાંથી હ્રદયનાં અનરાધાર અશ્રુઓ વહી રહ્યા હતા. આહુતિ પોતાની જાતને પ્રશ્ન કરી રહી- શું હું આજીવન આ ઘર સંસારની વાર્તાનું ફક્ત સાઈડ કેરેક્ટર બની ને જીવી રહી છું? શું હું પોતે એક જીવંત વાર્તા ન બની શકું?” શા માટે એક સ્ત્રી ‘ઘર-સંસાર’ વાર્તાનું મુખ્ય પાત્ર બની ન શકે? ઘર સંભાળવું એ કોઈ કંપનીના CEO કરતાં જરાયે ઉતરતું કામ નથી. શું ખબર પડે આપુરુષોને- આખે આખું જીવન આ ઘરમાં કેવી રીતે હોમી શકાય? આવી રીતે જતો સ્ત્રી નિરાશાની ગર્તામાં ધકેલાય જતી હોય છે. ભગવાન કૃષ્ન એ પણ એજ કહ્યું છે કે માણસે પોતે મનોબળ એકઠું કરી પોતાના જીવન ની ડિઝાઇન જાતે બનાવવી .હું પણ હવે એ મારગે ચાલીશ. મારે હવે રઢિગત પ્રણાલી ત્યજવી છે. આહુતિ વ્યાસ આજે હું પોતે મારી જાતને વચન આપું છું કે ‘ પુરુષપણાનાં માળખામાંથી હું મુક્ત થઈશ. હવેથી હું કોઈ નિરાશાનાં વમળ વચ્ચે ઝોલાં નહિં ખાઈશ. ‘હું જ મારી વાર્તા’ એ મારો અભિગમ રહેશે. હું આત્મનિર્ભરતાથી મારું જીવન વ્યતીત કરીશ. અહમ્ બ્રહ્યાસ્મિ ના આંતરનાદથી ગુંજી ઊઠી
***