પ્રકરણ-૨૬
ભૂતકાળ - ૨
(રતનસિંહ અને રિયાના ભાઈ-બહેનના સંબંધને જાણીને સૌ ચોંકી ઉઠે છે. રિયાએ વનરાજ અને કવિતા સાથે નછૂટકે ભાઈ-બહેનનું રહસ્ય જાણ્યા વગર જ ત્યાંથી નીકળી જવું પડે છે. કૂવા પાસે રોકાયેલા ઈશાનને દિવાનસિંહ લોકેટ વિશે પૂછે છે ત્યારે ઈશાન લોકેટ અંબાની ઝૂંપડીમાં હોવાનું જુઠમૂઠ કહીને દિવાનસિંહને ત્યાંથી ભટકાવે છે અને તેઓ બંને બચી જાય છે. જોરાવરસિંહની લાશ હવેલીએ લઈ જવામાં આવે છે. બધાં હવેલીમાં ભેગા થાય છે ત્યારે રતનસિંહ સમગ્ર ભૂતકાળ વાગોળવાનું ચાલુ કરે છે. હવે આગળ...)
રતનસિંહે વાત આગળ વધારી:
“ધાનીને ઘરમાં ન જોતાં દિવાનસિંહ આખું ઘર ફેંદવા લાગ્યો. આખું ઘર વેરવિખેર કરી નાખ્યું, પણ દિવાનસિંહને લોકેટ ન જ મળ્યું. એટલામાં ધાની ત્યાં આવી પહોંચી. ભાણસિંહનું કપાયેલું માથું અને ધડ જોઈને તે આઘાત અને ડરથી ધ્રૂજી ઊઠી. પરંતુ આ સમય ડરવાનો નહોતો, બલ્કે પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરવાનો હતો. જો પોતે દિવાનસિંહનો સામનો નહીં કરે તો પોતાનો જીવ તો જશે જ, પણ પોતાના નાના દીકરા ઉદયસિંહને પણ નહીં બચાવી શકે એમ તે સમજી ચૂકી હતી. દિવાનસિંહ હજુ પણ લોકેટ શોધવામાં વ્યસ્ત હતો. ધાનીની ત્યાં હાજરીથી એ બિલકુલ અજાણ હતો. ધાનીએ એ જ તકનો લાભ ઉઠાવીને એક મોટો પથ્થર ઉપાડ્યો અને દિવાનસિંહના માથા પર પાછળથી જ ઘા કર્યો. દિવાનસિંહ કંઈ કરી શકે, સમજી શકે એ પેહલાં જ તેના માથામાંથી લોહીની ધારા વહેવા લાગી અને એ ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યો. પોતાના પ્રેમી ભાણસિંહની આવી હાલત જોઈને તે કાંપી ઊઠી. તે જાણી ગઈ હતી કે જો દિવાનસિંહ ભાનમાં આવશે તો પોતાનો અને ઉદયસિંહનો પણ આવો જ હાલ થવાનો છે. એ ફટાફટ ઘરમાં રહેલો તેલનો ડબ્બો લઈ આવી અને બધું જ તેલ દિવાનસિંહના બેભાન દેહ પર રેડી નાંખ્યું. અને પછી એણે આક્રમક પગલું ભર્યું. મન મક્કમ કરીને દિવાનસિંહ પર દીવાસળી ચાંપી દીધી. ધાનીએ છેલ્લીવાર પોતાના પ્રેમ - ભાણસિંહ પણ નજર નાખી અને આંસુ લુછીને ઝડપથી ઉદયસિંહને લઈને ઘરની બહાર નીકળી ગઈ. બેહોશ દિવાનસિંહની ચેતના જાગૃત બની ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. આગની જ્વાળાઓમાં તેનું શરીર ગરકાવ થઈ ચૂક્યું હતું. દિવાનસિંહની ચીસો અને બળતા શરીરને જોઈને નાનકડા ઉદયસિંહ પણ રડવા લાગ્યા. ધાની પર એની કોઈ અસર ના થઈ. એને દિવાનસિંહના બળતા શરીર સાથે એની દરેક પીડાનો અંત દેખાયો. એ દરેક સ્ત્રીઓ જેની સાથે દિવાનસિંહે બળજબરી કરી હતી એમનાં આંસુ દેખાયાં. એ આગમાં દિવાનસિંહ, ભાણસિંહનું મૃત શરીર અને ધીમે-ધીમે ધાનીનું આખું ઘર બળીને રાખ થઈ ગયાં. ધાનીનું હવે આ દુનિયામાં કોઈ નહોતું એટલે એ ભાણસિંહની બહેન અંબા પાસે જતી રહી. અંબા પણ ભાણસિંહની જેમ જ જ્યોતિષવિદ્યામાં પારંગત હતી. તેને જ્યારે પોતાના ભાઈ ભાણસિંહનાં મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે એ પણ ખૂબ દુઃખી થઈ. પણ ઉદયસિંહ અને ધાનીને જીવતાં જોઈને તેને રાહત પણ થઈ.
ધાનીએ જૂની વાતોને ભૂલી જઈને ઉદયસિંહના ઉજ્જવળ ભવિષ્ય માટે નવા જીવનની શરૂઆત કરી. તે દિવાનગઢને જ ભૂલી જવા માંગતી હતી.
હજુ થોડા જ દિવસો વિત્યા હશે કે ધાની પાણી ભરવા માટે નદીએ ગઈ હતી. ત્યાં બે સ્ત્રીઓ વાત કરી રહી હતી, - ‘અલી, તેં સાંભળ્યું ? આ દિવાનગઢના રાજા મૃત્યુ પામ્યા. પણ એમનું ભૂત ત્યાંના લોકોને જીવવા નથી દઈ રહ્યું. ગઈકાલે જ એ ભૂતે તેમની પત્નીના પિતાનું ખૂન કરી નાખ્યું.’
આ સાંભળીને ધાનીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ધાનીએ ઘરે જઈને અંબાને બધી વાત જણાવી. અને પોતાના પિતાના અંતિમસંસ્કાર માટે દિવાનગઢ જવાની ઈચ્છા બતાવી. અંબાએ ધાનીને ખૂબ સમજાવી કે ત્યાં જાનનું જોખમ છે, પણ ધાનીએ અંબાની એક ન માની. ધાની ઉદયસિંહ અને લોકેટ બંને અંબા પાસે મૂકીને દિવાનગઢ જવા નીકળી ગઈ. એ પછી ધાની પાછી આવી નહીં. આવ્યા તો માત્ર એના મૃત્યુના સમાચાર. અંબા જાણી ચૂકી હતી કે એ કામ દિવાનસિંહની ભટકતી પિશાચી આત્માનું જ હતું. અંબાએ તેના થોડા સાથીઓને મોકલીને તંત્રવિદ્યા વડે દિવાનસિંહને ત્યાં જ, એની જ હવેલીમાં કેદ કરી દીધો જેથી દિવાનસિંહ ઉદયસિંહને નુકસાન ન પહોંચાડે.
ત્યારબાદ અંબા ઉદયસિંહને લઈને દિવાનગઢથી હંમેશ માટે દૂર જતી રહી. તેણે ઉદયસિંહને પણ તંત્રવિદ્યાનું જ્ઞાન આપ્યું હતું. સમયના વહેણ સાથે ઉદયસિંહ યુવાનીમાં પ્રવેશ્યા. બિલકુલ પિતા ભાણસિંહ જેવો જ ચહેરો, એમના જેવી જ પાણીદાર આંખો અને એ આંખોમાં છલકાતો આત્મવિશ્વાસ કોઈનું પણ મન મોહી લે તેવો હતો. ઉદયસસિંહને ત્યાં જ એક નેના નામની સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો. સામે પક્ષે નેનાને પણ ઉદયસિંહ માટે પ્રેમના ભાવ બંધાયા હતા. થોડા જ સમયમાં અંબાના આશીર્વાદથી તેઓ લગ્નની પવિત્ર ગાંઠથી બંધાયા. બંને પોતાના સુખી લગ્નજીવનનો આંનદ માણી રહ્યાં હતાં. થોડા સમયમાં જ તેમના ઘરે બે જોડિયાં બાળકો એટલે કે મારો અને રિયાનો જન્મ થયો. ઉદયસિંહે એટલે કે અમારા પિતાએ પેલું લોકેટ રિયાને પહેરાવી દીધું. ઉદયસિંહને ઘણીવાર લોકેટને જોઈને દિવાનગઢ જવાની ઈચ્છા થતી, પણ અંબા તેને એ વિચારોમાંથી બહાર લઈ આવતી. એ પછી પિતાજીએ આખા ઘટનાચક્ર પર પુસ્તક લખ્યું. પરંતુ તેઓ એ વાતથી તદ્દન અજાણ હતા કે દિવાનસિંહ ક્યારનો હવેલીના તાંત્રિક બંધનોમાંથી આઝાદ થઈ ચૂક્યો હતો. પિતાજી દ્વારા લખાયેલું પુસ્તક જે વ્યક્તિ વાંચતી તેનું મૃત્યુ થઈ જતું. દિવાનસિંહ એ દરેક વ્યક્તિને મારી નાખતો. હા, એ વાતની રાહત હતી કે અંબાના શક્તિશાળી કવચને તોડીને તે પિતાજીના ઘરમાં પ્રવેશ કરી શકે તેમ નહોતું. પરંતુ એક દિવસ ન બનવાનું બની ગયું. તે દિવસે જેવી નેના, એટલે કે અમારી મા ઘરની બહાર નીકળી કે તરત જ લાગ જોઈને દિવાનસિંહ તેમને ઉઠાવીને દિવાનગઢ લઈ ગયો. પિતાજીને ખબર પડતાં જ તેઓ માને બચાવવા માટે દિવાનગઢ પહોંચી ગયા. જ્યારે અંબાને આ વિશે જાણ થઈ ત્યારે તે પણ તરત જ દિવાનગઢ ઉપડી. પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. અમારી મા - નેનાનું દિવાનસિંહના હાથે મોત થઈ ગયું હતું અને અમારા પિતાજીનો તો મૃતદેહ પણ અમારે હાથ નહોતો લાગ્યો...”
અંબાએ તંત્રમંત્રના અતિશય જાપ કર્યા અને એક અઠવાડિયા સુધી સખત મહેનત કર્યા બાદ દિવાનસિંહને હંમેશા માટે કેદ કરવા સક્ષમ બની. તેણે મરહૂમ દિવાનસિંહને એક કોફિન જેવી પેટીમાં કેદ કર્યો અને એની જ હવેલીની બાજુમાં આવેલા બગીચામાં હંમેશ માટે દફન કરી દીધો. એ દિવસથી દિવાનસિંહ હંમેશા માટે દિવાનગઢની તેની હવેલીમાં કેદ થઈ ગયો હતો. ત્યાર પછી એ હવેલીમાં જવા પર પણ પાબંધી લગાવવામાં આવી હતી.
જ્યારે અંબા ઘરે પાછી આવી ત્યારે તેનાં આશ્ચર્ય વચ્ચે રિયા અને લોકેટ બંને ગાયબ હતાં. માત્ર હું જ ત્યાં હાજર હતો. અંબાએ જ મને મોટો કર્યો અને તંત્રવિદ્યા શીખવાડી. અંબા અને હું અત્યાર સુધી એમ માનતા હતા કે રિયાનું પણ મારા માતા-પિતાની જેમ મૃત્યુ થઈ ગયું છે. પણ જ્યારે મને લોકેટ મળવાની ખબર પડી ત્યારે જ હું સમજી ગયો હતો કે મારી બહેન જીવતી છે.” કરુણ કથની કહેતા રતનસિંહની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં.
રિયા પણ પોતાના ભાઈ રતનસિંહને ભેટી પડી, “આટલાં વર્ષો સુધી હું પણ પોતાના પરિવાર વગર એકલી ખૂબ રડી છું, ભાઈ.”
ત્યાં ઊભેલી દરેક વ્યક્તિ ભાઈબહેનના આ મિલનને જોઈને લાગણીશીલ થઈ ઊઠી.
તો પછી રિયા અનાથાશ્રમમાં પહોંચી કઈ રીતે ? આ સવાલ દરેકના મનમાં થઈ રહ્યો હતો. પણ એનો જવાબ તો કોઈની પાસે નહોતો.
સવાર પડી ગઈ હતી. દિવાનગઢનો ઈતિહાસ જાણવામાં જ આખી રાત પસાર થઈ ગઈ હતી જેનો કોઈને ખ્યાલ નહોતો રહ્યો.
રિયા ખુશ હતી કે તેને આટલા વર્ષો પછી પોતાની ઓળખાણ મળી અને પોતાનો ભાઈ પણ મળ્યો. પરંતુ ક્યાંકને ક્યાંક એ વનરાજના અજીબ વર્તનથી થોડી અસમંજસમાં હતી અને દુઃખી પણ હતી.
ગામના લોકો સાથે મળીને બધાએ જોરાવરસિંહના અંતિમસંસ્કાર કર્યા.
ઇશાનના નાના પણ આખી વાત જાણીને જોરાવરસિંહની હવેલીએ આવી પહોંચ્યા.
“હવે આપણે ક્યાં સુધી આમને આમ આ લક્ષ્મણરેખાના સહારે હવેલીમાં પુરાઈ રહીશું ?” વનરાજે રતનસિંહને પૂછ્યું.
“એનો હવે એક જ ઉપાય છે. દિવાનસિંહ આપણામાંથી કોઈને મારી નાખે એ પહેલાં આપણે દિવાનસિંહને હરાવવો પડશે.” રતનસિંહે વનરાજ સામે જોયું.
ઈશાનના નાનાએ વચ્ચે ટાપશી પૂરાવી, “દિવાનગઢના ખજાનામાં જે તલવાર છે એનાથી જ દિવાનસિંહનો અંત આવશે ને.”
“પણ આપણે એ તલવાર સુધી પહોંચીશું કઈ રીતે ? અને એ છે ક્યાં ?” રિયાએ પૂછ્યું.
“એ દિવાનગઢના મહેલમાં જ ક્યાંક છે જેનો નકશો મારા ઘરે એક ડબ્બીમાં સુરક્ષિત છે.” ઈશાને સ્મિત કરતાં કહ્યું અને પોતાની પાસેનું લોકેટ હવામાં ગોળગોળ ઘુમાવવા લાગ્યો. “આ લોકેટ તો ખાલીખમ છે. આમાં કશું જ નથી.” તે ફરી હસ્યો અને તેણે કઈ રીતે નક્શાનો ફોટો પાડીને તેને નાનકડી ડબ્બીમાં મૂકી દીધેલો એ જણાવ્યું. પછી ઉમેર્યું, “પણ હા, મારે વહેલી તકે ઘરે જઈને એ ડબ્બી લઈ આવવી પડશે. એ કામમાં ઢીલ કરીશું તો વળી નવી મુસીબતને આમંત્રણ આપી બેસશું.”
બધાંએ તેની વાતની તરફેણ કરી. તેની ચતુરાઈ પર સૌને માન થઈ ગયું હતું.
***
એ આખો દિવસ તો કશી નવા-જૂની બની નહીં.
રાતનો ઓછાયો જોરાવરસિંહની હવેલીને ઘેરી વળ્યો હતો.
રિયાએ અને કવિતાએ એક જ રૂમમાં રહેવાનું નક્કી કર્યું હતું. વનરાજ અને રતનસિંહ બીજા રૂમમાં રોકાયા. ઈશાન અને એના નાના પોતાને ઘરે ચાલ્યા ગયા હતા.
રિયાને કવિતા ઘણા સમય પછી મળી હતી એટલે તે બંનેએ એક કમરો શેર કર્યો હતો, પણ રિયાના મનમાં ઊંડે-ઊંડે વનરાજ વિશે શંકા ઉપજી રહી હતી. પોતાનો પતિ, પોતાનો શોહર, પોતાનો સ્વામિ તેનાથી દૂરી રાખી રહ્યો હતો, તેનાથી અંતર રાખી રહ્યો હતો એ વાત રિયાને શૂળની માફક ખૂંચતી હતી. પોતાનાથી એવી તે કઈ ભૂલ થઈ ગઈ કે જેથી એનો પ્રિયતમ એને પ્રેમ કરવાનું ભૂલી ગયો હતો ? – રિયા વિચારી રહી. વનરાજ સાથે વિતાવેલી પળો તેની નજર સામે ઉપસી આવી. વનરાજનો અતૂટ પ્રેમ, એની રિયા પ્રત્યેની હમદર્દી, એનું હંમેશા પ્રેમાળ રહેતું વર્તન, સુખ-દુઃખમાં હંમેશા રિયાની સાથે રહેવાની પ્રેમભરી હઠ, પ્રથમ વખત માણેલા એ સહવાસ દરમિયાન એનો સ્પર્શ... અને શું નહીં ? પરંતુ આજે...? આજે તેનો વનરાજ બદલાઈ રહ્યો હતો. તેનાથી નીરસ થઈ રહ્યો હતો. આખરે શું કામ ? એનું આવું વર્તન રિયાને મૂંઝવી રહ્યું હતું.
જૂની વાતો યાદ આવતાં જ રિયાની આંખો ભરાઈ આવી. તેણે પોતાની નાજુક આંગળીઓ વડે આંસુ લૂછીને રડવાનું ખાળ્યું. તેણે બાજુમાં જોયું તો કવિતા સુઈ ગઈ હતી.
રિયાને વનરાજ જોડે વાત કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. એ તરત જ વનરાજના રૂમ ભણી ગઈ. પરંતુ બારી પાસેથી પસાર થતાં જ રિયાને અંદરથી કંઈક અવાજ સંભળાયો. તેણે બારીમાંથી અંદર જોવાનો પ્રયાસ કર્યો.
વનરાજ અને રતનસિંહ એક સ્ત્રી સાથે ધીમેથી વાતચીત કરી રહ્યા હતા. રિયા એમની વાતો તો ન સાંભળી શકી, પણ પેલી સ્ત્રીનો આછેરો ચહેરો નજરે પડતાં જ એ હલી ગઈ. એ ચહેરો આબેહૂબ રિયાને મળતો આવતો હતો !
રિયાને એ સ્ત્રીનાં કપડાં પરથી લાગ્યું કે તેણે એને પહેલાં પણ ક્યાંક જોઈ છે. તેણે તેનાં મનને કસી જોયું અને એ સ્ત્રીને ક્યાં જોઈ હતી એ યાદ કરવાની કોશિશ કરી.
અચાનક તેને યાદ આવ્યું. અહીં જ, આ જોરાવરસિંહની હવેલીમાં જ એ જ્યારે પહેલી વાર આવી હતી, ત્યારે તેને જે સ્ત્રી દેખાઈ હતી તે આ જ હતી. અચાનક જ એ સ્ત્રી એક પડછાયામાં ફેરવાઈ ગઈ અને ક્ષણેવારમાં તો ગાયબ થઈ ગઈ.
રિયાને કંઈ સમજાતું નહોતું. એ સ્ત્રી કોણ હતી ? એનો ચહેરો કેમ પોતાને મળતો આવતો હતો ? વનરાજ એ સ્ત્રીને કઈ રીતે ઓળખતો હતો ? શું વનરાજનું પોતાનાથી દુર રહેવાનું કારણ એ સ્ત્રી તો નહોતી ને ? આવા અનેક સવાલો રિયાના મગજમાં ઘુમરાઈ રહ્યા હતા.
(ક્રમશઃ)
પ્રકરણ લેખિકા: માનસી વાઘેલા