Ek Chaal Tari Ek chaal mari - 16 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 16

Featured Books
Categories
Share

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 16

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 16 )

‘વ્હોટ, બેબી નથી ? વૃંદા પણ નથી ? !’

અનીતાનો ફોન સલોનીને રીતસર થથરાવી ગયો.

બેબીની સાથે વૃંદાનું પણ ગૂમ થઇ જવું શું સુચવતું હતું ? સલોનીના મગજમાં ઝબકારો થયો : ઓહ,એનો અર્થ એ કે વિક્રમના લાંબા હાથ મુંબઇ સુધી પણ પહોંચે છે !

બીજા શબ્દોમાં વિરવાનીની કંપની દ્વારા સેવામાં તહેનાત થયેલી વૃંદા ખરેખર તો વિક્ર્મની ભેટ હતી, વિરવાનીની નહીં અને પોતે પણ કેટલી ગાફેલ ! વૃંદાની અપોઇન્ટમેન્ટ માટે વિરવાનીની ઑફિસ પર એક ફોન કરી તપાસ સુદ્ધાં ન કરી....

હવે શું ?

સલોનીની ગભરામણ અસાધારણપણે માઝા મૂકી રહી હતી. જેના પરિણામ રૂપે શરૂ થઇ ગયેલા ઉબકાં. વર્ષો જૂનાં, લગભગ વિસરાઇ ગયેલા દર્દે ફરી હૂમલો કર્યો હતો. સલોનીએ કારવિન્ડોનો કાચ ઉતારી માથું બહાર કાઢવું પડ્યું. ટેન્શનને કારણે થતો પિત્તનો ઊથલો ગૌતમના અવસાન સમયે પણ કાબૂમા રહેલો પણ વિક્ર્મના બ્લેકમેઇલિંગથી ટ્રીગર થઇ ગયો હતો.

બહાદૂરે પરિસ્થિતિનો ક્યાસ કાઢતાં કાર સાઇડ પર લઇ રોકી. મિનરલ વૉટરની બૉતલ લઇ સલોની બેઠી હતી એ ડોર તરફ ઘસી ગયો.

‘મૅમ, નીચે ઊતરો... આ પાણી...’ બહાદૂરે સલોનીના હાથમાં વૉટરબૉટલ થમાવી દીધી.

‘બહાદૂર, હું ઠીક છું. જલદી ઘેર પહોંચાડ... ‘

સલોની અસ્ફુટ સ્વરે માંડ બોલી શકી. કપાળ પર પસેવાની બુંદ જામી રહી હતી. કારના ફુલ બ્લાસ્ટ ઍરકન્ડિશનરની ઠંડી હવા જાણે એને સ્પર્શતી સુદ્ધાં નહોતી. પાણીની બૉટલમાંથી ખોબામાં પાણી લઇ સલોનીએ આછી છાલક પોતાના ચહેરા પર મારી. ઠંડા પાણીએ પોતાનો પ્રભાવ બતાવ્યો હોય એમ જરા હળવાશ વર્તાઇ.

હવે ગુરુનામ વિરવાનીને જાણ કર્યા વિના છૂટકો નહોતો સલોનીએ વિચાર્યં, પણ એ સાથે જ યાદ આવ્યું થોડાં દિવસ પહેલા થયેલી મિટિંગમાં વિરવાનીનું ઠંડું વર્તન. એ તો હજી ભૂલાયું નહોતું ત્યાં ફરી ફોન કરવો એટલે !’

સલોનીને લાગ્યું કે જાણે દિલ પર કોઇ કાચપેપર ફેરવી રહ્યું છે સમય બગાડવો પોસાય એમ્ નહોતો. વીતી રહેલી એક એક ક્ષણ કીમતી હતી.

‘મિસ્ટર વિરવાની, પ્લીઝ...’ રિસેપ્શનિસ્ટના હલોની પરવા કર્યાં વિના ફોન રિસીવ થતાં જ સલોની બોલી ઊઠી. :

‘પ્લીઝ, મિસ્ટર વિરવાનીને લાઇન આપો... ઇટ’સ અર્જન્ટ... વેરી અર્જન્ટ...’

‘સૉરી મૅડમ, મિસ્ટર વિરવાની તો આઉટ ઓફ ઇન્ડિયા છે...’ જેનો ડર હતો એ જ જવાબ સામેથી મળ્યો.

‘ઉફ્ફ.... હવે ?

આશુતોષ ? એક વિચાર આવ્યો ને તરત જ વિલાઇ ગયો : એ શું કરવાનો હતો. એ તો બેઠો હતો બનારસમાં... અને એ ધારો કે મદદ કરે તો કઇ રીતે ? એને કેમ સમજાવવું કે આ પરી કોણ છે ?

આશુતોષના નામ પર ચોકડી મૂકી ત્યારે સલોનીને પહેલી વાર ખયાલ આવ્યો પોતાની વિવરાતાનો.... એક ફોનથી બોલાવી શકે એવા બે-ચાર મિત્ર પણ ન બનાવી શકી જિંદગીમાં...

આઇ-બાબાને તો ફોન કરવાનો પ્રશ્ન જ નહોતો.

હવે કરવું શું ?

સલોનીને એકએક ક્ષણ કલાક જેવી લાંબી લાગી રહી હતી અને ફક્ત અનુભવી રહી હતી તપતી જતી કાનની બૂટ ને એની નીચે થઇ રહેલા થડકાર... આંખોમાં સખત ચચરાટ ને માથામાં ઝીંકાતા હથોડાં... એનું બ્લડ પ્રેશર હાઇ થઇ રહ્યું હતું.

સલોનીને આંખ સામે ક્ષણ માટે અંધકારનુ સામ્રાજ્ય છવાતું લાગ્યું, પણ ના.. આ સમય હથિયાર નાખી દેવાનો નહોતો. સલોનીએ પોતાની જાત સાથે સખ્તી શું કરી અને અંધારાને છેદી પ્રકાશનું કિરણ પ્રવેશતું લાગ્યું. પુણેથી આવતા થયેલા એક્સિડન્ટ વખતે આવું જ ઘોર અંધારું છવાયેલું હતું અને જ્યારે આંખ ખોલી ત્યારે...

અરે, સુદેશ સિંહનુ નામ કેમ યાદ ન આવ્યું ? અને હવે એ જાણ્યા પછી કે એ કોણ છે !

હવે એક પણ મિનિટ વેડફ્યા વિના સુદેશ સિંહને ફોન કરવો જરૂરી હતો. મોબાઇલ નંબર તો એણે પોતે જ આપ્યો હતો.

સલોનીએ હળવી ધ્રુજારી અનુભવી અને ફોન બુકમાં રહેલો નંબર કનેક્ટ કર્યો. માત્ર બે જ રિંગ અને કાને પડ્યું :

‘સૂર્યવંશી સ્પીકિંગ...

અરે ! આ નંબર તો મિસ્ટર સુદેશ સિંહનો નથી ? એમને મને આ જ નંબર આપ્યો હતો.... !

‘બાય ધ વે, સલોની દેશમુખ હિયર... પ્લીઝ, મારી વાત કરાવી આપો સર સાથે... એકદમ અર્જન્ટ કામ છે...’

સામે છેડે એક ક્ષણ મૌન છવાયેલું રહ્યું.

‘સર, સલોની દેશમુખ... કહે છે તમારી સાથે જ વાત કરવી છે...’ સુદેશ સિંહને સામે જ ઊભેલા સૂર્યવંશીએ પોતાનો ફોન એમના સાહેબને આપવો કે નહીં એવી અવઢવ ન સમજાતાં પૂછ્યું.

સૂર્યવંશીના હાથમાંથી સુદેશ સિંહે ફોન લીધો.

‘સુદેશ સિંહ હિયર..’

‘મિસ્ટર સિંહ, સલોની દેશમુખ... સૉરી, તમને ફરી તકલીફ આપું છું, પણ કોઇ ચોઇસ જ નથી...’ સલોનીના સ્વરમાં ગભરામણ હોય તે અવાજમાંથી ગુંગળામણ સ્પષ્ટ થતી હતી.

‘નો મેટર, પણ વાત શું છે ?’ સુદેશ સિંહને થોડું આશ્ર્વર્ય જરૂર થયું હશે એટલું તો સલોની કલ્પી શકી હતી.

માત્ર બે-ત્રણ મિનિટમાં જ સલોનીએ આખી ઘટના બયાન કરી દીધા.

‘તમે અત્યારે ક્યાં છો ?’

સુદેશ સિંહના સ્વરમાં પોલીસતંત્ર દ્વારા થતી સાહજિક પૂછપરછની ગંધ હતી. પોતે ક્યાં હતી, શા માટે ગઇ હતી, એ બધું જણાવવાને બદલે માત્ર લોકેશન આપી સિફતથી વાત ટુંકાવી.

‘તો તમે કલાકેકમાં તો બાન્દ્રા તમારા ઘરે પહોંચી શક્શો... ત્યાં સુધી હું કંઇક કરું છુ. ‘

સુદેશ સિંહના સ્વરમાં અજબ ઠંડક હતી. કદાચ આત્મવિશ્ર્વાસની ?સલોનીએ વિચાર્યું : જેના આગમન પછી ક્રાઇમ બ્રાન્ચ ધમધમતી થઇ ગયેલી એ એડિશનલ કમિશ્નરની મદદ મળે એટલે પોતે અડધો જંગ જીતી ગઇ હોય એવું સલોનીને લાગ્યું.

* * *

દોઢ કલાકે સલોની અલ-સીડ પહોંચી ત્યારે કમ્પાઉન્ડના ગેસ્ટ પાર્કિંગમાં બ્લુ પોલીસ ફલૅગવાળી ઇનોવા જોઇને સમજી ચૂકી હતી કે પોતાના પહેલા સુદેશ સિંહ પહોંચી ગયા છે.

પણ બેબી... સલોની પરીના જન્મ પછી ક્યારેય ન અનુભવેલી લાગણીથી ભીંજાતી રહી. આખરે તો એ હતો પોતાનો જ એક અંશ... જો એને કંઇ થઇ ગયું તો ? સલોની આગળ વિચારી ન શકી.

પ્રાઇવેટ લિફ્ટના ઓટોમેટિક સ્ટીલ ડોર્સ બંધ થયાને પાંચમી સેકન્ડે વીસમા ફ્લોરની સાઇન ઝબૂકી.

પર્સનલ લાઉન્જમાં ખુલતી લિફ્ટના શટર્સ ખુલ્યાં ને સલોનીની નજર ચાર થઇ ગઇ. સામે એના સ્વાગતમાં સજ્જ હોય એમ અનીતા અને વૃંદા ઊભા હતાં. અનીતાએ પરીને પોતાના હાથમાં ઊંચકી હતી. પરી જાણે કંઇ થયું ન હોય એમ અનીતાની કાનની બૂટ્ટી સાથે રમી રહી હતી.

‘અનીતા... શું છે આ બધું ?’

સલોનીને સમજાતું નહોતું કે હવે હરખ કરવો કે છૂટ્ટે મોઢે રડી પડવુ ? સલોનીએ દોડીને અનીતાના હાથમાંથી પરીને લઇ બાથમાં ભીડી- બચીઓથી નવડાવી દીધી : ઓ દીકરા.. તારા માટે તો !

‘મૅમ, અંદર આવો... પોલીસ આવી છે.’ અનીતાએ દબાયેલા સ્વરે કહ્યું.

સલોનીનું મસ્તક તો હજી ચકરાવે ચઢલું હતું.

‘મિસ દેશમુખ, નથિંગ ટુ વરી, બેબી ઇઝ સેફ... તમે નાહકના આમ ગભરાઇ ગયાં ને મને પણ નાહકની દોડાદોડી કરાવી નાખી.’ લિવિંગ રૂમનાં સોફા પર બેઠાં બેઠાં પોતાના ફોનમાં મૅસેજ જોઇ રહેલા સુદેશ સિંહે અતિશય સ્વાભાવિક રીતે કહ્યું.

સલોનીને પ્રવેશતાં જોઇને એમણે પોતાના હાથમાં રહેલો મોબાઇલ ફોન પોતાના બ્લેઝરના પોકેટમાં સરકાવ્યો. ઊભા થઇ સલોની સાથે શેકહેન્ડ કર્યા. સલોનીના ચહેરો સુકાયેલા પાંદડા જેવો પીળો ને નિસ્તેજ લાગી રહ્યો હતો, જેની પર હવે અચાનક આવેલા હૅપ્પી યુ ટર્નને કારણે હળવી પ્રસન્નતા છવાયેલી હતી.

‘હું તો હજી માની જ નથી શકતી...’ સલોનીએ ફરી એક વાર દહેશતભરી નજરે બેબી સામે જોઇ એને ગળે લગાડી. નાનકડા હાથ ચુમવા માડ્યાં.

‘મેમ, વૃંદા એને લઇ ગઇ હતી, પણ મને જાણ તો કરે ને !’

વૃંદા સામે ફોડવાનો દારૂગોળો અનીતા જમા કરી રહી હતી.

‘બિલ્ડિંગના ગાર્ડનમાં જ રમાડતી હતી, મૅમ, તમે ચાહો તો બિલ્ડિંગના સિક્યોરિટી સ્ટાફને પૂછી લો.. ! ‘

વૃંદા પોતાના બચાવમાં બોલી.

‘કેમ ? આપણો ગાર્ડન નથી કે એને રમવા નીચે લઇ ગઇ ? એ પણ આ સમયે, મને જણાવ્યા વિના ?’ અનીતા જાણે વૃંદાને કોઇ રીતે બક્ષવા તૈયાર નહોતી.

‘મિસ, દેશમુખ.. મને લાગે છે કે તમે નાહકના ડરી ગયાં.’ સુદેશ સિંહે એક નજર વારાફરતી સૌ પર નાખી.

‘આ તમારી નવી રાખેલી છોકરી બેબીને ફરવા લઇ ગઇ એ પણ કોઇની જાણ વિના... પરંતુ તમે ડરી ગયાં કે જાણે બેબીનુ કિડનૅપિંગ થઇ ગયું હોય.. પણ એક વાત પૂછું ?’સુદેશ સિંહે સહેજ આંખ ઝીંણી કરીને પૂછ્યું :

‘તમે કિડનેપિંગનો આ વહેમ કર્યો ક્યા લોજિકથી ?’

‘સૉરી... તમારો સમય બગાડવા મારી પાસે માફી માગવાના ન તો શબ્દો છે, ન તમારો આભાર માનવા માટેના શબ્દ.’ આખા બનાવે સલોનીને ભારે અવઢવમાં મૂકી દીધી હતી.

‘પણ તમને આ વિચાર આવ્યો કઇ રીતે ?’

એડિશનલ સીપીએ કોઇ ઊલટતપાસ કરવા માંગતા હોય એ રીતે ફરી પૂછ્યું અને પછી થોડે દૂર અદબ વાળીને શાંત ઊભા રહેલા ઇન્સ્પેકટર સૂર્યવંશી સામે સૂચક નજરે જોયું.

‘અનીતા, મહેમાન માટે કૉફી તો લાવ.. ને વૃંદા બેબીને એના રૂમમાં લઇ જા.’ સલોનીના કહેવાનો અર્થ સમજી ગઇ હોય એમ બંને ત્યાંથી ખસી ગઇ.

‘હં... તો મિસ દેશમુખ... તમારા સ્ટાફ સામે તમે કદાચ ન બોલી શકો એ સમજી શકાય એવું કારણ છે.... પણ હવે ચાહો તો કહી શકો છો. ‘સુદેશ સિંહે સલોનીને આડકતરો આદેશ જ આપ્યો હતો.

‘એ માટે તો મારે તમને વિગતે જણાવવું પડશે, સર.’

સલોનીનો અવાજ પહેલા તો થોથવાયો, પણ આ વાતનો અંત ક્યારેક તો લાવવાનો જ હતો !

ત્રણ કલાક પછી સુદેશ સિંહે પોતાના રાઇટ હેન્ડ ઇન્સ્પેકટર સૂર્યવંશી સાથે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે લિફ્ટમાં પ્રવેશતા જ પ્રશ્ર્ન કર્યો :

‘સૂર્યવંશી, તને ખયાલ આવ્યો આખી સ્ટોરીનો ?’

‘હમ્મ.... ‘સૂર્યવંશીએ હકાર ભણી ચૂપ થઇ ગયો પછી થોડું વિચારીને એ બોલ્યો :

‘આ વિકી એટલે પેલો સૌમ્યા શાસ્ત્રી વાળો કેસ ને... ?’

‘રાઇટ...’ સુદેશ સિંહે જાણે સૂર્યવંશી ની કાબેલિયતથી ખુશ થઇ ગયા હોય એમ બોલ્યા :

‘એનો અર્થ એ થયો કે રેડ કૉર્નરની નોટિસ પછી પણ એ બંદો શાંત નથી પડ્યો...’

‘પણ સર... આ સૌમ્યા શાસ્ત્રીવાળી વાત તો જગજાહેર છે... તે આ દેશમુખ મૅડમને નહીં ખબર હોય ?’ સૂર્યવંશી ઇનોવામાં ગોઠવાતાં બોલ્યો:

‘મને એવું લાગે છે કે આ છોકરી પણ કંઇ છૂપાવે છે... એ ખુલીને કંઇ બોલતી નથી એ વાત તો નક્કી, પણ બોલશે.. એ પોલીસ પર તો શું, પોતાના પડછયા પર વિશ્ર્વાસ કરતાં ડરતી લાગી મને...’

‘સર, આ આખા મામલામાં વાત કંઇ મોટી હોવાની... અને આ મૅડમ તો મોઢામાંથી મગનું નામ મરી નથી પાડતી કે વિક્રમ ઉર્ફે વિકી એને ધમકી આપે છે, પણ ડારો શાનો બતાવે છે ? બ્લેકમેઇલિંગનું કારણ તો બોલતી નથી...’ સૂર્યવંશીનું ધ્યાન રસ્તા પરના ટ્રાફિક પર ભલે હતું, પણ દિમાગમાં પોતાના બૉસને ઉલઝાવી રહેલા સમીકરણ પર હતું.

‘સૂર્યવંશી, એક વાત તો ક્લિયર છે... એના બ્લેકમેઇલનું કારણનું મૂળ ગૂંચનો એક હિસ્સો છે. જો એ ગૂંચ ઉકેલવી હશે તો એણે કારણ કહેવું પડશે... એ ન કહે તો એને ફરી મળવું પડશે... એ જાણ્યા પછી એ જ લાઇન પકડીને આપણે આગળ વધીશું. આ સલોની જ આપણને પહોંચાડશે વિક્રમ સુધી !’

* * *

‘હલો, મિસ્ટર બારૂ... સલોની દેશમુખ હિયર...’

એક મહત્વનો પાંસો ફેંકવો હોય એમ સવારે જ સલોનીએ આશિષ બારૂને ફોન લગાવ્યો.

‘જી મૅમ, બોલો...’ આશિષ બારૂનો નમ્રતાભર્યો સ્વર કાને પડ્યો.

‘મિસ્ટર બારૂ, મેં કહી હતી એ રકમ મને ક્યારે મળી શકે ?’ સલોનીનો અવાજ સપાટ હતો, પણ એમાં છાંટ આત્મવિશ્ર્વાસની હતી.

‘જી... ‘બારૂ જાણે શબ્દો ગોઠવવાની પેરવી કરી રહ્યો હોય એમ થોડી વાર પછી બોલ્યો :

‘મૅડમ, મેં આપને જણાવ્યું હતું કે તમારે બ્રેક-અપ્સ આપવા પડશે. ઑડિટર્સ માગશે એ પછી જ હું વધુ રકમ મોકલાવી શકીશ...’

‘ઓહ યેસ, યુ આર રાઇટ.. પણ થોડી વાતો એવી હોય છે કે જે જાહેર થાય તો એની ગરિમા ગુમાવી બેસે એટલે મને કહેવું યોગ્ય નહોતું લાગ્યું. પરંતુ હવે તમે જ્યારે આટલો ભારપૂર્વક અનુરોધ કરતા હો તો પછી મારે કહેવું જ રહ્યું. આખરે એ નાણાં વિરવાનીજીના હતા,મારા પોતાનાં નહીં...’ સલોની લાંબી સ્પષ્ટતા આપ્યા પછી ક્ષણભર માટે અટકી.

‘એ નાણાં મારે મોકલવાના હતાં એક સંસ્થાને... હવે મારે તમને એ વિગતો પણ આપવી પડશે ?’ સલોનીએ સામે પ્રશ્ન પૂછ્યો.

‘જી મૅડમ, એ તો...’

આશિષ બારૂ વધુ આગળ બોલે એ પહેલા જ સલોનીએ વાત કાપતાં કહ્યું :

‘સારું, તમને જોઇએ તો હું રસીદ પણ મોકલાવી શકીશ.. પણ અત્યારે તો મારી પાસે નથી.’

પોતાના હાથમાં રહેલી પેલી નારીનિકેતન સંસ્થાની રસીદને તાકતાં સલોની બોલી:

‘એ સંસ્થા છે વિરારની એસબીએલ નારીનિકેતન.. અને મને હજી થોડું ફંડ પણ આ જ કારણસર જોઇતું હતું. જો શક્ય હોય તો મોકલો અથવા.... ‘સલોનીએ વાત તરતી મૂકી દીધી.

આ તરફ, ગુરુનામ વિરવાનીએ વિચારમગ્ન અવસ્થામાં સિગારનો એક ઊંડૉ કશ લીધો. એ જાણતા હતા કે કંપનીના ચીફ એકાઉન્ટિંગ ઑફિસરે ઇ-મેઇલ પર મોકલાયેલો રીપોર્ટ ફરી ફરીને વાંચતા રહેવાથી બદલાઇ નહોતો જવાનો. એમણે ચોપરાને ફોન જોડ્યો :

‘ચોપરા... હવે હું સાચે ગૂંચવાયેલો છું... ક્યાંક કોઇ નિર્દોષને મારાથી અન્યાય ન થઇ જાય.’

ગુરુનામનો કાબો વકીલદોસ્ત અનુપમ ચોપરા પણ હવે જરા મુંઝાઇ રહ્યો હોય એમ લાગી રહ્યું હતું.

‘જો ચોપરા, હું તો મુંબઇ હતો નહીં...’

ગુરુનામે અઠવાડિયા પહેલા થયેલી ઘટના તાજી કરી રહ્યા હોય એમ એક્શન રીપ્લે કરી ચોપરાને સંભાળાવી રહ્યા :

‘હું લંડનમાં હતો ત્યારે મને ચતુર્વેદીનો કોલ આવ્યો... કહે કે સલોનીએ ફરી પચ્ચીસ લાખ રૂપિયા માગ્યા છે.. એટલે મેં આપણે વિચારી રાખેલા પ્લાન મુજબ કહ્યું કે સલોનીને માત્ર એટલું જ કહો કે અગાઉ લીધેલા પૈસાની વિગતો મોકલાવવી પડશે.’

‘હમ્મ... ને એણે મોકલી,એમ જ ને ? ! તો એમાં નવું શું ?’ ચોપરાને ગુરુનામ વિરવાનીના કહેવાનો તાત્પર્ય સમજાયું નહીં.

‘હા, અને એણે મોકલી પણ ખરી... એ જ વાત છે.’ ગુરુનામ વિરવાનીએ જરા ગંભીર થઇને કહ્યું:

‘પહેલાં તો થોડી આનાકાની પણ કરી. પછી કહ્યું કે એ રકમ એણે કોઇક સંસ્થાને દાન કરી હતી માટે ગોપિત રહે એવું ઇચ્છતી હતી એટલે જ એ જણાવવા નહોતી ઇચ્છતી...’

‘અચ્છા ?’ અનુપમ ચોપરાની આંખો જરા ઝીણી થઇ ને કાન સરવા.

‘હા, ચતુર્વેદીના સ્ટાફે આ વાત જણાવીને એ આખી વાત વિગતવાર રીતે ચતુર્વેદીએ મને ઇ-મેઇલ કરી.’

ગુરુનામ વિરવાનીની વાતથી અનુપમ ચોપરા કોઇ ઊંડા વિચારમાં પડી ગયો હોય એમ પોતાની ફ્રેન્ચ કટ દાઢીને પસવારતો રહ્યો:

‘આ પાછ્ળ નું લોજિક શું ?

‘ચોપરા, તને એ વાતનો તાળો નહી મળે... હું કહું તને કેમ !’ ગુરુનામે ચોપરાની અટકળ પર પાણી ફેરવવું હોય એમ કહ્યું:

‘ચતુર્વેદીએ સંસ્થાની વાત કરી એ પહેલા એણે પોતાના એક માણસને આ સંસ્થા કઇ છે એ જાણવા કામે લગાડી દીધો હતો એટલે મહત્વની કડી તો હવે મારે તને કહેવાની છે.’ કોઇ રહસ્યનો સ્ફોટ કરવાનો હોય એમ એ રીતે ગુરુનામ વિરવાનીએ ઉમેર્યુ :

‘એ રકમ સલોનીએ વિરારના નારીનિકેતનમાં ભેટ તરીકે આપી હતી... સલોની પાસે રસીદ પણ નહોતી,પણ ચતુર્વેદીએ બધી તપાસ કરાવી લીધી. એટલે સલોનીએ ત્યાં દાન તો આપ્યું હતું વાત ખોટી નહોતી.’

‘એટલે ? હું કઇ સમજ્યો નહીં !’ ચોપરા હવે અટકળો કરીને થાક્યો હોય એમ બોલ્યો, કંટાળાના આછા-પાતળા ભાવ એના ચહેરા પર સ્પષ્ટ રીતે તરી આવતા હતા.

‘વિરારની એ સંસ્થાની જે વિગતો ચતુર્વેદીએ મને ઇ-મેઇલ માં ફોરવર્ડ કરી એ વાત વાંચીને હું આશ્ર્વર્યમાં પડી ગયો...’ ગુરુનામે આખી વાત ફરી તાજી કરી. એકએક વિગત જણાવવી જરૂરી લાગે રહી.

‘નારીનિકેતનમાં આપવામાં આવેલી રકમનાં દાતાનું નામ શું લખાયેલું ખબર છે ?’ગુરુનામે સહેજ અટકીને ચોપરાને પ્રશ્ન કર્યો.

‘સલોની ગૌતમ વિરવાની ? એમ જ ને ?’ ક્યારથી મગજમાં ઘૂમી રહેલો વિચાર ચોપરાની જીભ પર જવાબ તરીકે આવી ગયો.

‘મેં પણ એમ જ ધાર્યું હતું.’ ગુરુનામે એક ઊડો કશ લીધો :

‘રૂપિયા અગિયાર લાખના દાનની રસીદ પર દાતાનું નામ હતું : શ્રીમતી અમૃતા વિરવાની...’

‘અમૃતા વિરવાની... ?!’ હવે આશ્ર્વર્યચકિત થવાનો વારો ચોપરાનો હતો.

‘હા, મને પણ આવો જ આંચકો લાગેલો...’ ગુરુનામે કહ્યું :

‘એ અમૃતા વિશે શું જાણે ? અને અમૃતાને એ સંસ્થા જોડે શું કનેક્શન હતું એ કઇ રીતે જાણે ?’દુનિયા આખીને પોતાના ફાંટામાં લેનાર બંને મહારથી વિચાર કરતા રહ્યાં.

‘એનો અર્થ એ થયો ને કે ગૌતમે પોતાની માની અંગત વાતો સલોનીને જરૂર કરી હોવી જોઇએ. બાકી, અમૃતાનું પિયર આ સંસ્થા હતી એ એને કઇ રીતે જાણ હોઇ શકે ?’

‘હા, એ વાત તો ખરી..’ અનુપમ ચોપરા પણ આવી પડેલા નવા સમીકરણથી ભારે ગુંચવાયો હોય એમ લાગ્યુ :

‘તો પછી હવે શું વિચાર છે ?’

‘ચોપરા, મને લાગે છે કે એકદમ ઉતાવળે આ છોકરી માટે કૉઇ મત બાંધી લેવો કદાચ અયોગ્ય રહેશે.’ ગુરુનામ કશુંક વિચારી રહ્યા હોય એમ અટકી અટકીને બોલી રહ્યા.

‘તો પછી... ? ‘ચોપરાનો ઇશારો કોઇક બીજી જ દિશામાં હતો.

‘ના... ના...., હું એમ નથી કહેતો...’ ગુરુનમે ફરી મગજ પર સવાર થયેલા લાગણીના જાળને ખંખેરી નાખવું હોય એમ કહ્યું :

‘અગ્નિપરીક્ષા તો સતયુગમાં પણ હતી. આ તો કલિયુગ છે...’

* * *

મિસ દેશમુખ... પેલા કેસ બાબત મળવું પડશે. કાલે સાંજે તમે અમારે ત્યાં આવી શકશો ?

આગલી સાંજે સુદેશ સિંહનો ફોન આવ્યો હતો. કોઇ જ પ્રકારની ઔપચારિકતા વિના એણે સીધું જ કહ્યું હતું.

પેલો કેસ એટલે વિક્રમ એટલું તો સલોની સમજી જ ગઇ. એડિશનલ કમિશ્નર પોલીસને ના પાડવાનો સવાલ જ નહોતો. ‘વેલ, મને કોઇ જ વાંધો નથી, પણ....’ સહેજ અટકી. એને અચાનક વિચાર આવ્યો : વિક્રમ જો છેક સ્વિત્ઝરલેન્ડમાં પોતાની જાસુસી કરાવી શકે તો મુંબઇમાં કેમ નહીં ? જોકે સંશયની આ વાત કઇ રીતે માંડવી એની અવઢવ એ અનુભવી રહી.

‘મિસ દેશમુખ... કમ ટુ ધ પોઇન્ટ.’ લાંબી વાત ન કરતા સુદેશ સિંહને લાંબી વાતો સાંભળવાનો પણ કંટાળો હોય એમ વાતને વચ્ચેથી કાપી.

‘ના.... મારે માત્ર એટલું જ કહેવું હતું કે કદાચ જો કોઇ મારા પર નજર રાખી રહ્યું હોય તો તમારી ઑફિસમાં આવવું યોગ્ય રહેશે કે તમને ક્યાંક બહાર મળવું ?’ સલોનીએ પૂછી જ લીધું. ભલેને જવાબ નામાં આવતો !

જોકે સદનસીબે જવાબ નામાં ન આવ્યો ને બહાર મળવાનું નક્કી થયું.

નિયત સમયે ઢળતી સાંજના કેસરિયા ઉજાસમાં સલોની રેસકોર્સ પર પહોંચી ત્યારે કોઇએ આછેરો લીલો રંગ ભર્યો હોય એવું હરિયાળું લાગી રહ્યું હતું.

મહાલક્ષ્મી રેસકોર્સના ખોળામાં બેઠી હોય એવી નાનકડી રેસ્ટોરાં હતી ભલે સિટીના હાર્દમાં, પણ ત્યાં નીરવ શાંતિના સામ્રાજ્યને ભંગ કરવા જેવી ઘટના ભાગ્યે જ બનતી.

સુદેશ ગેલપ્સ પર પહોંચ્યો ત્યારે બહાર માંડ બે-ત્રણ કાર પાર્ક થયેલી હતી. સાંજનો સમય હતો, છતાં રેસ્ટોરાં ખાલી હતી. એ જ ખાસિયત હતી ગેલપ્સની. ઝીણાં ઝીણાં પત્તાની વેલ-આઇવી વચ્ચે મઢાઇ ગઇ હોય એવી ગ્લાસ વિન્ડો પાસેના ટેબલ પર બેઠેલી સલોનીએ સુદેશને આવી રહેલો જોઇ હાથ ઊંચો કર્યો.

હાફ સ્લીવ્ઝનું રેડ ચેક્સ શર્ટ અને જીન્સ... સુદેશ પોલીસ ઑફિસર તો કોઇ એંગલથી નહોતો લાગી રહ્યો. હા, ક્લીન શેવ્ડ ચહેરો, ટ્રીમ કરેલી મૂછ, ટુંકા વાળ, વેફેરર સનગ્લાસીસ એની ઓળખ છતી કરી દેતાં હતાં. વીસ મિનિટ મોડો હોવા છતાં ધીમી ગતિએ લાંબા ડગલાં ભરીને ચાલી રહેલા સુદેશ સિંહને જોઇને સલોનીને પહેલી વાર પોતાની મોહકતા પર સંદેહ થયો. જિંદગીમાં કદાચ સૌપ્રથમ વાર એવો પૂરૂંષ મળ્યો,જેણે ન તો ચહેરા સામે ટકટકી લગાવી જોયું કે ન ચોરીછૂપીથી નજર નાખી.... પોતાની દુનિયાના પૂરૂંષોથી કેટલો અલગ... !

‘હેલો, મિસ દેશમુખ... મોડા પડવા બદલ માફી ચાહું છું...’ ઘૂંટાયેલાં અવાજે વિનમ્રતાપૂર્વક સુદેશે કહ્યું.

‘નો પ્રોબ્લેમ.... આ સાંજ કેટલી સુંદર છે.’ સલોનીએ બારી બહારનું દૅશ્ય બતાડતી હોય એમ સલોની બોલી :

‘શું લેશો તમે ?’

‘કેપેચીનો ઍન્ડ અ પોશૅન ઑફ ફ્રેન્ચફ્રાઇઝ...’ સુદેશનો જવાબ જાણ્યા પછી સલોનીએ જ ઑર્ડર આપ્યો.

‘હા,... તો... ?’ સલોનીએ વાતચીતનો દોર સાધવાનો પ્રયત્ન તો કર્યો. પણ કોઇ વાત જ સૂઝી નહીં.

‘મિસ દેશમુખ.. આપણે મળ્યાં છીએ એક ચોક્કસ કારણથી.. જો હવે એ વાત તમે ઘૂમાવવા કે છૂપાવવા માગતાં હો તો મને કહેવા દો કે તમે ભયંકર મોટી ઉપાધિમાં મૂકાઇ જશો...’ સુદેશ સિંહનો સ્વર નીચો હતો. પણ એમાં જે ધાર હતી એ સલોનીને ઉઝરડો કરી ગઇ. સુદેશ સિંહની સ્થિર નજર જાણે એક્સ-રે વિઝનથી વીંધી રહી હોય એમ જોઇ રહી હતી. જાણે ઉપાધિમાં મૂકાઇ જશો ? કે મૂકાઇ ગઇ છે ? એણે બરાબર પામી લીધું.

છતાંય સલોનીની અસ્વસ્થતા ઓછી ન થઇ ત્યારે સુદેશ સિંહે જ વાતનો દોર હાથમાં લેવો પડ્યો:

‘જો મારી ભૂલ ન થતી હોત યો તમને બ્લેકમેઇલ કરનાર છે વિક્રમ... એટલે કે વિકી પાલેકર... કહેવાતો ફોટોગ્રાફર... રાઇટ ? ‘

આને એ ખબર કઇ રીતે પડી ? સલોનીના મનનો પ્રશ્ન જાણે સુદેશ સિંહે પકડી પાડ્યો હોય એમ હળવું સ્મિત ફરકાવ્યું :

‘મૅડમ, તમે રિયલ કોપ સાથે વાત કરી રહ્યાં છો, ટીવી સિરિયલના પોલીસનો રોલ કરતાં ઍક્ટર સાથે નહીં.

‘ઓહ..’ સલોની ખિસિયાણું હસી. વિક્રમ નમનો શખ્સ પોતાને બ્લેકમેઇલ કરે છે એ તો એણે એ જ દિવસે જણાવ્યું હતું. પણ સુદેશ સિંહ આ રીતે એની આઇડેન્ટિટી પિનપોઇન્ટ રીતે પકડી પાડશે એવી કલ્પના પણ નહોતી ! એનો અર્થ એ કે અત્યાર સુધીમાં પોતે કોણ છે એ તો એનેન ખબર હોવાની જ !

સલોનીએ વેઇટરે મૂકીેલી કૉફીનો કપ હોઠે અડાડ્યો. વિક્રમ સાથેની લિન્ક વિચારવા જે થોડી ક્ષણની મહોલત મળી જાય.

‘મિસ દેશમુખ...’ સુદેશ સિંહનો તંગ ચહેરો જરા સૌમ્ય થયો :

‘જો સાચેસાચું કહેશો તો હું તમારી મદદ કરી શકીશ... અને હા, મદદ શબ્દ તો ખરેખર ન વાપરવો જોઇએ, કારણ કે તમારી માહિતીથી હું એ વિકી સુધી મહોંચી શકીશ... કદાચ તમને ખબર જ હશે એ વર્ષ પહેલાં જાણીતી મોડેલ સૌમ્યા શાસ્ત્રી સુસાઇડ...’

સલોનીના હાવભાવ જોવા સુદેશ સિંહ જરા અટક્યો.

‘હા, એ જે થયું તે ખૂબી જ દુ:ખદ... ડ્રગ ઓવરડોઝ...’ સલોની દિલગીરી દર્શાવતી હોય એમ બોલી.

‘ના, એ સુસાઇડ નહોતો....’ સુદેશ સિંહ સલોનીની વાત કાપી નાખતો હોય એવી ત્વરાથી બોલ્યો.

‘એ હતું કોલ્ડ બ્લેડેડ મર્ડર... ઠંડા દિમાગે પ્લાન કરાયેલી હત્યા અને કદાચ તમને જાણીને પણ નવાઇ નહીં લાગવી જોઇએ કે વિક્રમ પર રેડ કોર્નર નોટિસ છે.... !

‘વ્હોટ ?! ‘સલોનીને લાગ્યું પોતાના પગ તળેથી જમીન સરકી રહી છે.

એમ તો વિક્રમ અપમાનનો બદલો લેવા આ કામ કરી શકે એવું પણ ક્યાં માની શકાતું હતું ? પણ એ હકીકત હતી અને આજે સામે બેઠેલો મુંબઇ પોલીસનો ઉચ્ચ અધિકારી જે માહિતી આપી રહ્યો છે એ એટલી જ ડરામણી હતી...

‘સૌમ્યા શાસ્ર્તીના મોત માટે જવાબદાર વિક્રમ ?!’ પોતાના કાન પર હજી વિશ્વાસ ન આવતો હોય એમ એ સ્વગત બોલી રહી.

‘વિક્રમને તમે કદાચ ફોટોગ્રાફર તરીકે જાણતાં હશો... પણ વિક્રમ હતો ડ્રગ ડીલરનો એજન્ટ... ખબર છે આ વાતની ? ડ્રગ માફિયા સુલેમાન સરકારનું નામ તો તમે સાંભળ્યું હશે ને ? એને માટે કામ કરતો હતો એનું કામ જ હતું આ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આવતી સંઘર્ષ અને સ્ટ્રેસ વચ્ચે ફંગોળાતી છોકરીઓને નશેબાજ બનાવી પછી એમની પાસે તમામ પ્રકારના ગેરકાનૂની કામ કરાવવાનું... અને હવે મારે કહેવાની જરૂર ખરી કે આ વિક્રમના ક્લાયન્ટ્રસ કોણ હતા ? ફિલ્મ સ્ટાર્સ તો ખરા જ, પણ નામાંકિત રાજકારણી, ઉચ્ચ અધિકારી અને ઉધોગપતિ પણ....’

સુદેશ સિંહ આખી વાત એ રીતે કરી રહ્યો હતો જાણે કોઇ સૂર્ંગ બિછવતો હોય.

‘એટલે ? એટલે તમે એમ કહો છો કે વિક્રમ ડ્રગની હેરાફેરી કરતો હતો ? ‘સલોની હજી પણ પોતે સાંભળેલી વાત પર વિશ્ર્વાસ ન કરી શકતી હોય એવી અવઢવમાં બોલી.

‘ના...’ સુદેશ સિંહે માથું ધુણાવ્યું અને કૉફીની એક ચૂસકી લીધી. ‘ના, એ માત્ર ડ્રગ્ઝનું કામકાજ જ નહોતો કરતો, રાજકારણીઓને છોકરીઓ પૂરી પાડવાથી લઇ એમની વીડિયો ક્લિપ બનાવી લેતો. એ જ ક્લિપ ક્લાયન્ટને, છોકરીઓને બતાવી ધમકાવી પૈસા વસુલીનુ કામ કરતો અને હા, આ જ છોકરીઓનો ઉપયોગ એ પોતાના કનેક્શન સાચવવા માટે કરતો, રાજકારણીઓને નીરીને... કેટલીયે જિંદગી આ માણસે નશાના ખપ્પરમાં હોમી દીધી છે અને છતાં પણ વિકીનો કોઇ વાળ વાંકો નહોતું કરી શકતું... કારણ ખબર છે ?’

સલોનીએ માથું ધુણાવ્યું. ખરેખર પોતે કેટલી અજાણ હતી.

‘કારણ હતું વગદાર સત્તાધીશ રાજકારણી અને તાલેવંત લોકોની મહેરનજર.... ને આ બધું આજે પણ વિના રોકટોક ચાલતું જ હોત, જો સૌમ્યા શાસ્ત્રીવાળું પ્રકરણ ન થયું હોત તો !’

‘એટલે ? એક મોડેલના આપઘાતથી આખી પરિસ્થિતિ બદલાઇ ગઇ ?’ સલોનીની વિસ્ફારિત આંખો પરથી તો એવું લાગતું હતું કે જાણે હજી પણ એને આ વાત પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો.

‘ના, મેં પહેલા પણ કહ્યું એ આત્મહત્યા નહોતી... એ આખી વાત લાંબી પણ છે ને અટપટી પણ... ફરી કોઇક વાર કહીશ ને કેસ પણ ચાલુ છે. કદાચ તમે જાણો છો કે નહીં કે વિક્રમ પર ઇન્ટરપોલ રેડ કૉર્નર નોટિસ છે. એ ભાગેડુ ગુનેગાર છે... જે દિવસે પકડાયો એ દિવસે..., વધુ આગળ વાત કહેવી યોગ્ય ન લાગી હોય એમ સુદેશ સિંહે અધૂરી મૂકી દીધી.

‘પણ તમે શ્યૉર છે કે આ વિક્રમ અને પેલો વિકી એક જ વ્યક્તિ છે ?’ સલોનીનો જીવ હવે પડીકે બંધાઇ રહ્યો હતો. જો આ પ્રકારની સાંઠગાંઠ અન્ડરવલ્ડૅ સાથે હોય તો પરીવાળો કિસ્સો કિડનેપિંગનો જ નાકામ પ્રયાસ હશે ને !

પરીનું અપહરણ થઇ શકે... એ વિચારમાત્ર જ સલોનીને થથરાવી રહ્યો. એની આંખમાં મદદ માટેનો યાચકભાવ છલકાઇ ગયો.

‘એમ ડરવાથી કામ નહીં બને... યુ હૅવ ટુ ફેસ ઇટ’ હૈયાધારણા આપી રહ્યા હોય એમ સુદેશ સિંહ બોલ્યો.

‘તમારે હવે એ કરવાનું છે, જે હું કહીશ...’ સુદેશ સિંહ વાત કરી રહ્યું હતો સલોની સાથે પણ એની નજર સ્થિર હતી કાચની બહાર નજરે ચડતા હરિયાળા મેદાન પર... એની સ્થિર થઇ ગયેલી નજર કહી રહી હતી. એના મગજ માં કોઇ ઑપરેશન પ્લાન થઇ રહ્યું છે. સહમી ગયેલા સ્વરે સલોની માંડ પૂછી શકી :

‘તો મારે કરવાનું શું છે ?’

સુદેશ સિંહ બોલતો રહ્યો... સલોની નિષ્પલક સુદેશના ચહેરાને જોતી રહી- સાંભળતી રહી. હવે ગુંચવાયા કરવાનો અર્થ નહોતો... ક્યાંક તો શરૂઆત કરવાની જ હતી. સલોની મક્કમ મન બનાવી ચૂકી હતી.

જોકે સુદેશ પાસે કોઇ નક્કર પ્લાન ન હતો. પણ એક છૂપા જંગનું મંડાણ થઇ ગયું હતું.

‘તો નીકળીશું... ?’

પૂરાં દોઢ કલાકની મિટિંગ પછી સુદેશે વિચારમગ્ન સલોનીને આંતરતા પૂછ્યું.

ગેલ્પસની બહાર નીકળતા સલોનીએ નજર દોડાવી. મૅડમને બહાર આવતા જોઇને બહાદૂર કાર સ્ટાર્ટ કરી રહ્યો હતો.

‘અરે, તમારી કાર દેખાતી નથી ! ‘

વિશાળ મેદાન બે-ચાર કારને બાદ કરતાં ખાલીખમ હતું. સુદેશની કાર નજરે ન પડતાં સલોનીએ પૂછી લીધું.

‘ના, હું કાર લાવ્યો જ નહોતો.’ સુદેશે સાહજિકતાથી કહ્યું, પરંતુ સલોની એમાં પણ અર્થ તારવવાનો પ્રયત્ન કરી રહી. કદાચ આ મુલાકાત પોતાના દાયાં-બાયાંથી પણ ગોપિત રાખવાની હશે કે શું ?

‘તમને ડ્રોપ કરી દઉં ? ‘સુદેશ શું જવાબ આપે છે એ જાણ્યા પહેલા સ્મિત સાથે સુદેશ માટે ડોર સલોનીએ ખોલ્યું.

‘તમને નાહકની તકલીફ લેવી બહુ ગમતી હોય એમ લાગે છે.’ એટલું કહી સુદેશે વધુ દલીલ વિના સલોનીને અંદર બેસવા હાથથી ઈશારો કર્યો. પછી સલોનીની બાજુમાં એ ગોઠવાયો.

‘પહલે મલબાર હિલ....’ સલોનીને કહેવાની જરૂર ન લાગતિ હોય એમ સુદેશે જ બહાદૂરને સૂચના આપી.

‘હા, પણ મલબાર હિલ પર ક્યાં ?’ સુદેશની લગભગ તમામ વાત સલોનીને વિસ્મયકારક લાગતિ હતી.

સલોનીની વાતનો જવાબ આપવો ઉચિત ન સમજ્યો હોય એમ સુદેશ ચૂપ જ રહ્યો.

રસ્તા પરનો ટ્રાફિક ને મુંબઇની બદલાતી સૂરતની વાતચીતમાં ભંગ પાડ્યો બહાદૂરે :

‘સર, મલબાર હિલ પર કહાં ?’

‘એક કામ કરો, યહાં જો મિલ્ક બુથ હૈ વહાં સાઈડ પર રોકો...’

સલોની હજી કંઇ સમજી શકે એ પહેલા સુદેશે આદેશ આપ્યો હતો. કાર થોભી એ સાથે સુદેશ ત્વરાથી ઉતરી ગયો.

‘થેન્ક્સ મૅમ, વિલ બી ઇન ટચ..’

કાર સુદેશને ડ્રોપ કરી આગળ વધી અને સલોનીએ પાછળ ફરી જોયું. સુદેશ હજી ત્યાં જ ઊભો હતો. કદાચ કારની જવાની રાહ જોઇ રહ્યો હતો.

આ માણસ પોતાના પડછયાનો પણ વિશ્વાસ નહી કરતો હોય... સલોની વિચારી રહી. એના કનમાં પડઘાતા રહ્યાં હજી થોડી વાર પહેલા જ સુદેશે કહેલા શબ્દો :

તમારો રોલ શુ રહેશે એ નક્કી કરતા પહેલાં હજી તો મારે ઘણુંબધું કામ કરવાનું બાકી છે, પણ એ દિવસ દૂર નથી....

***