અસત્ય-મય જીવતે
અસત્ય એટલે ?
જો સત્ય જોઈ શકાતું હોત તો ? આવા રંગનું, આટલાં કદનું અને આવા આકારનું હોય તે સત્ય. કેટલું સરળ થઇ જાત સત્યને ઓળખવું ?... પણ, એજ તો આ સૃષ્ટિની અને માણસજાતના મગજની મજાછે. સત્ય, વૃત્તિ, ગુસ્સો, ભાવના, પ્રેમ, લાગણી, બુદ્ધિવગેરે ... આપણે જોઈ શકતા નથી અને એટલે એને માપી કે ઓળખી શકતા નથી. માત્ર અનુમાન કરીને જીવીએ છીએ. ખરેખર તો જે કાંઈપણ આપણે જોઈ શકીએ છીએ, નરી આંખે દેખાય છે, એ બધું જ નાશવંત છે, કાયમી નથી અને એ બધું આપણા જીવનમાં ખાસ અસર પણ કરતું નથી. જયારે જે કાંઈપણ નથી દેખાતું, એ ...આ પ્રેમ, બુદ્ધિ, સત્ય, વુત્તિઓ, લાગણી ..એ બધું જ આપણા વિચાર અને જીવન પર કેટલું બધું અસર કરે છે ? બધી જ ગેરસમજોનું કારણ જ એ છે કે, આપણને આ બધું દેખાતું નથી. સમજવું પડે છે.
હવે વિચાર કરો, ધારોકે કોઈ સર્જનહારે આ દુનિયા બનાવી છે, માણસ બનાવ્યા છે, તો એ આપણી બધી આવી હરકતો પર એકલો બેઠો બેઠો હસતો હશે કે નહી ? કે, આ બધા ડોબાઓને જે જોવાની જરૂર છે, એ તો દેખાતું જ નથી અને જે દેખાય છે, એ તો કોઈ મહત્વનું જ નથી. તોય ... આનાથી ઊંધું જીવીને કેવા હેરાન થાય છે ?
અ-સત્ય કે સત્ય જોઈ તો શકાતું જ નથી. તો ચાલો એને સમજવાની કોશિશ કરવી જ પડશે. આમતો અસત્યની વ્યાખ્યા બહુ સહેલી છે. ‘સત્ય નથી, તે અસત્ય.’ પણ સત્ય એટલે ? સત્ય એટલે સાવ અઢી અક્ષરનો શબ્દ. પણ એને સમજવા કે સમજાવવા પાનાંઓ ભરાય અને તો ય સમજાય કે નહી એની કોઈ ખાત્રી નહી. અઢી અક્ષરના બધાજ શબ્દો સમજવા અઘરા છે. જેમકે – આત્મા, જન્મ, મૃત્યુ, ધર્મ, કૃષ્ણ, વૃત્તિ, ક્રોધ, ઈર્ષ્યા, પ્રેમ, લગ્ન, સ્ત્રી, પત્ની .... મારી તો પત્નીનું નામ પણ દીપ્તી છે, બોલો...!
“સત્ય”ને સમજવાની કોશિશ કરીએતો ... મૂળ સંસ્કૃત શબ્દ “સત્ય”નો સ્થૂળ અર્થ - હકીકત, વાસ્તવિકતા અથવા જે સાચું છે તે – એવો કૈક કરી શકાય. ભારતીય સંસ્કૃતિમાં અને દરેક ધર્મ તેમજ વેદમાં સત્યનું ખૂબ મહત્વ છે, કારણકે એ એક ગુણ છે. મૂલ્ય છે. સાચું અથવા જે વાસ્તવિકતામાં છે કે યોગ્ય છે તેને વાણી, વિચાર અને વર્તનમાં વળગી રહેવું કે એ સત્ય. એટલેકે એ આચરણનો વિષય છે. પ્રયોગમાં મુકવાનો વિષય છે. અને તેનાથી વ્યક્તિનું ચરિત્ર બને છે.
‘સત્વ’ અથવા ‘સત’ એટલે અર્ક, નીચોડ, મૂળ જે છે તે ..કોઇપણ શોધના અંતમાં જે નક્કર મળે તે ...‘સત્વ’ને ગુણ પણ કહ્યો છે. શુધ્ધ, પવિત્ર, સારું-સકારાત્મક છે, ભલું કરનાર છે, આગળ વધારનાર કે ઉંચે ઉઠાવનાર છે તેવો કલ્યાણકારી ગુણ તે સત્વ ગુણ. જેની આગળ કશું નથી અથવા જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું રહેતું નથી, તે અંતિમ, આખરી હકીકત કે વાસ્તવિકતા એટલે સત્ય. જેનો અસ્વીકાર જ ન થઇ શકે, સર્વ સ્વીકૃત છે તે... સત્ય.
આમતો સત્ય બે પ્રકારના હોઈ શકે, એક જે દેખાઈ કે સમજાઈ રહ્યું છે તે ...અને બીજું ..જે ખરેખર છે તે...માણસોનું પણ એવું જ હોય છે ને ? એક જે બહાર બધાને દેખાયછે તેવો ..અને બીજો જે ખરેખર અંદરથી હોય છે તેવો.
દેવદત્ત પટનાયક એમની “ગીતા” માં કહે છે કે, સત્ય સંપૂર્ણ છે. શાશ્વત છે. પણ દરેકને પોતાની સમજણ મુજબ એટલા “ભાગ”નું સત્ય દેખાય છે. અને જેને સત્યનો સંપૂર્ણ ભાગ દ્રશ્યમાન છે તે “ભાગ-વાન” એટલે કે ઈશ્વર.
એક જ વસ્તુ માટે દરેકનું સત્ય જુદું જુદું હોઈ શકે. કારણકે દરેકની સમજણ અને દ્રષ્ટિ જુદી જુદી હોય છે. સ્થૂળ રીતે જોઈએ તો મને ‘એ’ એન્ગલથી જે વસ્તુ દેખાય છે તે બીજાને ‘બી’ એન્ગલથી જુદા આકાર, કદ અને પરિમાણની દેખાવાની છે. અને તેથી બન્નેની એ વસ્તુ વિષેની સમજણ જુદી હોઈ જ શકે. પણ ખરેખર એ વસ્તુ બન્નેની સમજ કરતાં પણ જુદી જ હોઈ શકે,
ઘરની અંદર રહેનારને બહાર જનાર વ્યક્તિ ‘જતી’ દેખાય છે, જયારે ઘરની બહાર હોય એને માટે એ જ વ્યક્તિ, એ જ ક્ષણે “આવતી” છે. બન્ને પોત પોતાની જગ્યાએ સાચા જ છે. પણ જયારે અર્થઘટન કે સમજણની વાત આવે ત્યારે ફક્ત એ આવવા કે જવાની સ્થૂળ ક્રિયા જ નહી પણ એ પાછળનો હેતુ –motive- સમજવો પડે. તો જ સત્ય શું છે એ સમજાય.
આ વાત મને ત્યારે સમજાઈ, જયારે એક ટેલી-ફિલ્મના શુટીંગમાં એવું દ્રશ્ય હતું કે, એક યુવાન દીક્ષા લઈને સાધુ થવાનો નિર્ણય કરી કાયમ માટે ઘરની બહાર નીકળી રહ્યો છે. મેં એન્ગલ “એ” પર કેમેરો એવી રીતે ગોઠવ્યો કે યુવાન ઘરમાંથી નીકળી કાર તરફ જતો બતાવ્યો. જે તે નિર્માતાએ દલીલ કરી, કે....”આમ તો કેમેરામાં એ યુવાનની પીઠ દેખાય, અને એ ખોટું છે. કેમેરામાં કોઈ દિવસ પીઠ ન બતાવાય. ”મેં એમને સમજાવ્યા કે, મને આવડે જ છે કે, જ્યાં કાર ઉભી છે એ તરફ એન્ગલ“બી” પર કેમેરો ગોઠવીને પણ આ દ્રશ્યનું શુટિંગ કરી જ શકાય. પણ એદ્રશ્યનું શબ્દોમાં અર્થઘટન એવું થાય, કે “યુવાન ઘરમાંથી નીકળીને કારમાં બેસવા આવી રહ્યો છે.” જયારે મેં જે “એ” એન્ગલથી શૂટ કર્યું છે, એનો શાબ્દિક અર્થ એવો થાય કે, “યુવાન ઘરમાંથી નીકળીને કારમાં બેસવા જઈ રહ્યો છે.” હવે તમે જ કહો, કે સ્ક્રીપ્ટ મુજબ એ જઈ રહ્યો છે કે આવી રહ્યો છે ? ... બીજી વાત ...આ શોટ પછી જે શોટ જોડાશે એમાં કેમેરો બંગલાના મુખ્ય દરવાજાની બહાર રોડ પર લાગશે અને કાર દરવાજાની બહાર જતી રહેશે. બંગલો રહી જશે. એ શોટનું અર્થઘટન એવું થાય કે, “યુવાન ગયો અને આ વૈભવી બંગલાનો ઠાઠમાઠ પાછળ છોડતો ગયો.” પછી એ માન્યા.
એટલેકે, હેતુ –ઉદ્દેશ-આશય સમજાય તો વાતનું સત્ય સમજાય. જેમકે, ‘મહાભારત’માં સ્વયં શ્રીકૃષ્ણએ ઘણી જગ્યાએ કપટ કર્યું છે, કે ખોટું બોલ્યા હશે કે પ્રશ્ન ઉઠે એવું ઘણું કર્યું હશે.....પણ, એ બધાં પાછળનો આશય અધર્મના નાશ અને ધર્મની સ્થાપના માટેનો હતો. એટલેકે, સમસ્તીના હિત માટે –ભલાં માટે- કલ્યાણ માટે આચરાયેલું અસત્ય પણ એના આશયને કારણે ન્યાયી અને યોગ્ય ગણાયું છે.
ટૂંકમાં, મારી સમજણ મુજબ ... વાણી, વિચાર કે વર્તનના જે આચરણથી ‘સ્વ’ નું કે અન્યકોઈનું અહિત થતું હોય, તો એ યોગ્ય નથી, ઇચ્છનીય નથી. તે અસત્ય છે. આદર્શો કે મૂલ્યો વિહીન આચરણ, નકારાત્મક અભિગમ એટલે અસત્ય. જે આચરણનો હેતુ મંગલ નથી, કલ્યાણકારી નથી તે અસત્ય.
આટલું લાંબુ સમજવાની જરૂર જ ના પડત, જો સત્ય જોઈ શકાતું હોત તો.
પ્રયોગ એટલે ?
પ્રયોગ એટલે અમલમાં મુકવું, આચરણમાં મુકવું એમ સાદી ભાષામાં કહી શકાય. અને કોઇપણ પ્રયોગને અંતે પરિણામ મળે કે સિધ્ધાંત મળે, કે “આ પ્રયોગ કરવાથી શું થયું ? એટલેકે “ઇતિસિધ્ધમ” એવું તારણ મળે. બીજા શબ્દોમાં કહીએ તો આવું આચરણ કરવાથી આમ થયું એવો અનુભવ થાય.
“આત્મગીતા” પુસ્તકના લેખક અને અમેરિકામાં ડિફેન્સમાં વૈજ્ઞાનિક એવા મારા વડીલ ધીરજ પારેખ સાથેના સત્સંગમાં જે સમજાયું એ મુજબ ‘અનુભવ એટલેજ સાચું જ્ઞાન.’ દાખલા તરીકે ચાય કેમ બનાવવી એની રીત તમને ખબર છે. પણ એ તો માહિતી કે જાણકારી કહેવાય, જ્ઞાન નહી. જયારે તમે જાતે ચાય બનાવવાનો અનુભવ લો, ત્યારે એમ કહેવાય કે ‘તમને ચાય બનાવવાનું જ્ઞાન છે.’ ટૂંકમાં, જ્ઞાન એટલે અનુભવ. અને અનુભવ એટલે આચરણ – પ્રયોગ.
અને ‘દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીવે” એમ આપણે આપણા કે બીજાના પ્રયોગો કે અનુભવોને આધારે આપણા આચરણની આચાર-સંહિતા અથવા માપદંડ નક્કી કરીને એ મુજબ જીવન જીવતા હોઈએ છીએ. પણ, આ આચાર-સંહિતા, સગવડિયા ધર્મની જેમ બહુ નિષ્ઠા પૂર્વક કે ચુસ્તપણે અનુસરતા નથી.
ખરેખર તો જીવન જીવવાની આ અચાર સંહિતા એટલે જ ધર્મ. ધર્મનું આચરણ કરવાનું હોય. જેમકે, વેપારીનો ધર્મ પતિનો ધર્મ, પત્નીનો ધર્મ, પિતા નો ધર્મ, રાજાનો ધર્મ ...એમ તમારે કેવું આચરણ કરવું જોઈએ એની આચાર સંહિતા / નિયમાવલી / રુલ બુક એટલે ધર્મ. દર નવાં વર્ષને દિવસે કે જન્મદિવસ નિમિત્તે આપણે ઘણું ય નક્કી કરીએ છીએ, પણ .... એ બધા રીઝોલ્યુશન્સ ઝાઝું ટકતાં નથી.
હવે .. વિચાર કરો ... વોટ્સએપ કે ફેસબુક વગેરે દ્વારા જે સુવાક્યોનો અને જીવન જીવવા વિશેના ઉપદેશોનો ધોધ વહે છે એ, તેમજ શાસ્ત્રો, ધર્મગ્રંથો અને વેદોથી માંડી, એ વિશેના પુસ્તકો, માં-બાપના સલાહ સૂચન, શાળા-કોલેજ બધેથી આપણને સતત અને ઢગલાબંધ માહિતી કે જાણકારીનો અઢળક ભંડાર સાવ મફતમાં આપણને ઉપલબ્ધ છે જ. આપણે જાણીએ જ છીએ, આપણને માહિતી છે જ ....કે સાચું બોલવું, વ્યસન ન કરવું, ભ્રષ્ટાચાર ન કરવો, ચોરી ન કરવી, સ્ત્રીઓને માન આપવું વગેરે વગરે ... પણ, એમાંથી આચરણમાં – પ્રયોગમાં કેટલું મુકીએ છીએ ?
જો તમે રોજનીશી એટલેકે આખા દિવસ દરમ્યાન જે કઈ થયું હોય તેનો સાર દરરોજ રાત્રે લખવા બેસો તો .. કદાચ એમ લાગશે કે કેટલી સરળતાથી, આસાનીથી આપણે અસત્યનું આચરણ કરીએ છીએ ? કારણ જુઠ્ઠું બોલવું, કેન્સરના ફોટા અને કાનૂની ચેતવણી છપાઈ હોવા છતાં વ્યસન કરવું, ટ્રાફિક પોલીસ પકડે કે ફાઈલ પાસ કરાવવાની હોય કે કોઈ ટેન્ડર કે પ્રોજેક્ટમાંથી લાંચ કે હિસ્સો આપવા કે લેવાનો હોય, આપણે દરરોજ અનેકવાર, આપણી સગવડ મુજબ ચુપચાપ અહિતકર આચરણ કરી ‘અસત્યના પ્રયોગ’ જાણે અજાણે જીવનમાં જાણે વણી લીધા છે.
અને દંભી તો એટલાં છીએ કે, ફેસબુક જેવાં સોશિયલ મીડિયા પર કે વોટ્સએપના ગ્રુપમાં તો લોકો સમક્ષ અને સમાજમાં તો સત્યના પ્રયોગોને વળગી રહેતા હોઈએ એમ સુવાક્યોનો મારો ચલાવીએ છીએ. ઔપચારિક લાઈક્સ અને શુભેચ્છા વગેરે આપીએ છીએ કે સારા સારા ફોટા છાપી પોતાની ઉજળી કે સારી છબી પ્રસ્થાપિત કરવાના સતત પ્રયત્નો કરીએ છીએ. પણ..કોઈ દિવસ ‘આજે મેં અમુક કામ માટે લાંચ આપી.’ ‘આજે કોઈ વ્યક્તિની એની ગેરહાજરીમાં નિંદા કરી, આમલેટ ખાધી કે માંસાહાર કર્યો, દારૂ પીધો, પત્ની સાથે ઝઘડો કરી એને ધમકાવીને રડાવી’, એવું બધું કોઈ દિવસ વોલ પર લખ્યું ? .. ના ... આપણે એવું નથી લખતા, કારણકે, આપણે ચોક્કસ એકદમ સારી રીતે જાણીએ છીએ કે, સારું અને સાચું એટલેકે ‘સત્ય’નું આચરણ કોને કહેવાય અને ખોટું-અયોગ્ય-અસત્ય કોને કહેવાય. અને એવું ઈચ્છીએ છીએ કે, “મારી છબી સારી, સત્યના વર્તન આધારિત હોય.” ખરું કે નહી ?
પણ, એ મુજબનું આચરણ કરવામાં તકલીફ પડે છે. કારણકે બધા કરતાં જુદા પડી જવાય એવો ભય. કે પછી લાંચ નહી આપું તો કામ નહી થાય એવો ડર. નુકશાન થશે એવા ભય માંથી જ અસત્ય જન્મે છે. પણ, આપણને શ્રધ્ધા હોય કે “સત્ય મેવ જયતે” ...કંઈપણ થાય, હું સત્યને જ વળગીને જ રહીશ તો મને લાભ જ છે, એમાંજ મારું અને સૌનું કલ્યાણ છે. તો ભય ટકી શકે નહી અને એવો ભય જતો રહે, પછી અસત્યને સ્થાન જ ન રહે.
નૈતિક ચેતવણી : સત્ય એ પ્રાણ છે. એક સકારાત્મક ઉર્જા છે. અને એટલે જ સત્યના રાહે અથવા પ્રમાણિકતા જેવા મુલ્યો સાથે જીવનારમાં આ સકારત્મક ઉર્જાનો સંચાર વધતો રહે છે. એટલે મૂલ્યો સાથે જીવવું, એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભકર્તા છે.
પણ...પ્રેક્ટીકલી, વ્યવહાર જગતમાં રોજીંદા જીવનમાં આવી શ્રધ્ધા સાથે જીવી શકાય જ નહી, વેવલા કહેવાઈએ, એ તો ગાંધીજી જેવાં મહાત્મા જ કરી શકે, આપણને ના પોષાય, અઘરું છે ... એવાં આશ્વાસન સાથે, આપણે પોતે આપણા વકીલ બનીએ છીએ. અને પછી એ તરફ વિચાર જ નથી કરતા કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ ?
સત્યના પ્રયોગો આચરણમાં મુકવાનો ભય છે. પણ અસત્ય માટે ભય નથી ? લાંચ લેતાં કે આપતાં પકડાઈ જઈશું તો ? વ્યસનથી સ્વાસ્થ્ય બગડશે તો ? જુઠ્ઠું બોલવાનું કહીને આપણાજ બાળકોને આપણે અસત્ય વ્યવહાર શીખવાડી રહ્યા છીએ ? .... એવો કોઈ ભય નથી ? ... ..
પણ કદાચ એ ભયને પાછો અસત્યનો જ આધાર મળી જાય છે કે, પકડાઈ જઈશું તો લાંચ આપીને છૂટી જવાશે. બધા કાચના ઘરમાં જ રહે છે ને ? કોણ દૂધે ધોયેલું છે ? ...અને આમ જ નિર્ભય થઈને બિન્દાસ્ત દરરોજ અસત્યમય જીવન સાવ સહજતાથી, આસાનીથી જીવીએ છીએ.. આપણે ..! .. કોઈ પણ પ્રકારની શેહ શરમ વગર એને “વ્યવહારિક” – પ્રેક્ટીકલ – નું લેબલ લગાડી દઈને.
“સત્ય મેવ જયતે”ને બદલે “અસત્ય-મય જીવતે” એવું થઇ ગયું છે, એમ નથી લાગતું ?
બધાની જેમ જ મારું પણ “અસત્ય-મય જીવતે” એવું જ હતું અને હજી પણ ઘણે અંશે છે જ. પણ...મારી બાબતમાં કુદરતી કૈક જુદું જ થતું. આવા થોડાક અનુભવોની વાત એટલે મારા અસત્યના પ્રયોગો.
***