Gaddaar in Gujarati Short Stories by Rekha Bhatti books and stories PDF | ગદ્દાર

Featured Books
Categories
Share

ગદ્દાર

ગદ્દાર

રેખા ભટ્ટી

હલદીઘાટીનુ યુદ્ધ પોતાની બધી જ ભયાનકતા પાછળ મુકતું ગયું હતું. મહારાણા પ્રતાપના 22,000 સિસોદિયા રજપૂતોએ મોતને વહાલું કરી લીધું હતું. ઘાયલ મહારાણા પ્રતાપને લઇને, તેનો ઘોડો ચેતક રણમેદાન છોડી ચુક્યો હતો. મુઘલ સેના મહારાણા પ્રતાપને શોધવા આકાશ પાતાળ એક કરી રહી હતી. મહારાણા પ્રતાપને શોધી કાઢવા મુઘલ સેનાપતિએ કેટલીય ટુકડીઓ દશે દિશામાં રવાના કરી હતી. પણ મુઘલ સેના મહારાણા પ્રતાપને શોધી શકતી ન હતી.

આવી કેટલીક ટુકડીઓમાંથી એક ટુકડીનો સરદાર હામીદખાન પણ એડીચોટીનું જોર લગાવી, દિવસ રાત જોયા વગર; ગાંડાની જેમ, મહારાણા પ્રતાપનું પગેરું શોધી રહ્યો હતો. લોભ, લાલચ, ધાકધમકી અને બળજબરી જે કઈ અજમાવવું પડે તે અજમાવી આ ખુંખાર મુઘલ સરદાર, કોઈ પણ હિસાબે; મહારાણા પ્રતાપને પકડી અકબરના દિલ્હી દરબારમાં રજુ કરવા માંગતો હતો, પણ દિવસો સુધી અથાક પ્રયત્નો કર્યા પછી પણ, મહારાણા પ્રતાપના કોઈ સગડ મળતા ન હતા.

એક દિવસ સાંજે થાક્યો પાક્યો તે પોતાના તંબુમાં આરામ કરી રહ્યો હતો, ત્યારે એક સિપાહીએ કુરનિસ બજાવી; અતિ ગુપ્ત સમાચાર આપ્યા કે, તેમણે એક એવી વ્યક્તિને પકડ્યો છે, જે મહારાણા પ્રતાપ વિષે જાણે છે. પણ આપના સિવાય કોઈને પણ બતાવવા માંગતો નથી. આપ કહો તો તેને આપની ખીદમતમાં હાજર કરું. હામીદખાન આ સમાચાર સંભાળીને ઉછળી પડ્યો. કઈ કેટલાય દિવસની થકવી નાખે તેવી રખડપટ્ટી અને ગુસ્સો દેવડાવતી નાકામિયાબી પછી, અલ્લાહની મહેરબાનીથી આજે કામિયાબી મળી. ત્યાર બાદ એક યુવાન પુરુષ અને એક યુવતીને હામીદખાન સામે હાજર કરવામાં આવ્યા. પહેરવેશ પરથી તેઓ રાજસ્થાની મારવાડી હોય તેવું લાગતું હતું. તેમની અને હામીદખાન વચ્ચે થયેલી વાતનો સાર આ મુજબ હતો. મારવાડી યુવાનની સાથે હતી તે તેની પત્ની હતી. યુવાન તેને લેવા માટે પોતાની સાંઢણી લઈને તેને પિયર ગયો હતો, અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો. યુવકનું નામ રણજીતસિંહ હતું. તેને મહારાણા પ્રતાપ ક્યાં છે તે ખબર હતી. પણ તે ખુબ જ ગરીબ હતો, અને પોતાનું ભારણ પોષણ માંડ માંડ કરી શકતો હતો. જો થોડા નાણા મળી જાય તો તે મહારાણા પ્રતાપ જ્યાં છુપાયા હતા તે જગ્યા બતાવી શકતો હતો.

હામીદખાન શંકાની નજરે તે બંનેની સામે જોઈ રહ્યો. અને પુછ્યું ''અને તારી બતાવેલી જગ્યાએ મહારાણા પ્રતાપ ન મળે તો?'' ''તો તમારી તલવાર અને મારું માથું'' રણજીતસિંહે જવાબ આપ્યો. હામીદખાન મનોમન વિચારી રહ્યો, આવા ગદ્દારો જ્યાં સુધી હિન્દુસ્તાનમાં છે ત્યાં સુધી મુઘલોને કોઈ વાંધો આવે તેમ નથી. છતાં તને શંકા તો ગઈ જ કે કોઈ પણ રજપૂત આટલી જલ્દી ગદ્દારી કરે તો નહિ જ.''તેણે પૂછ્યું, ’’કેમ પ્રતાપ સાથે કઈ અંગત દુશ્મનાવટ છે?'' રણજીતસિહે કહ્યું ''સરદાર, અમે તો બહુ નાના માણસો છીએ. આવડા મોટા લોકો સાથે આમરે તે વળી શું વેર હોય?'' હામિદખાને પૂછ્યું ''તો પછી?'' રણજીત સિંહે કહ્યું ''અમારા જેવા માણસોને તો મુઘલ બાદશાહ હોય કે રાજપૂત રાજા. કોઈ ફેર ક્યાં પડે છે? અમે તો અભાગિયા જીવો. મારવા વાંકે જીવીએ. કોઈ આવીને આમારો કઈ ઉધ્ધાર કરવાના નથી. જો આવી નાણા બનાવવાની તક સામેથી આવી હોય તો જીંદગી બની જાય. બાકી તો આમારા જેવા ગરીબના ભાગે તો કોઈ પણ રાજા હોય; વૈતરું જ લખાયેલું હોય છે. આ તો કોઈ સારું પુણ્યનું કામ કર્યું હશે કે આજે આપ જેવાને કૈક કામ આવીએ તો, બાકીની જીંદગી આરામથી ગુજરે. હામીદખાનને હજી વિશ્વાસ બેસતો ન હતો તેણે બંનેને બહાર રાહ જોવા માટે હુકમ કર્યો અને તાત્કાલિક પોતાના અંગત માણસોને બોલાવી વિચાર વિમર્શ કર્યો. પછી રણજીતસિંહને બોલાવી રકમની તડજોડ શરૂ કરી. રણજીતસિંહ દોઢ લાખ રૂપિયા માંગતો હતો. જે હામીદખાનને ઘણા વધારે લગતા હતા. એટલે તેણે રણજીતસિંહને ઘણો મનાવ્યો. ધમકાવ્યો પણ ખરો. તેની પત્નીને મારી નાખવાની ધમકી પણ આપી. પણ રણજીતસિંહ એક નો બે ન થયો. છેવટે દોઢ લાખ રૂપિયા રોકડા ગણી દેવામાં આવ્યા. અને બીજા દિવસની સવારે હામીદખાન અને તેના 400 ઘોડેસવારો રણજીતસિંહને વચ્ચે રાખીને તેણે બતાવેલી દિશા તરફ ચાલ્યા. મારવાડથી અજાણ્યા એવા મુઘલોના ઘોડાઓને રણની રેતીમાં ચાલવાની તકલીફ પડતી હતી. જયારે રણજીતસિંહની સાંઢણી તો આરામથી ચાલતી હતી.

આખા દિવસની મુસાફરી પછી પણ કોઈ ગામ કે કોઈ માણસ મળ્યું નહિ. ચારે બાજુ બસ રેતી રેતી અને રેતી જ. ક્યાય કોઈ ઝાડ, ક્યાય કોઈ રસ્તો કે નાની કેડી પણ નહિ. હામીદખાન અવારનવાર સવાલો પૂછાતો અને રણજીતસિંહ જવાબો આપતો. હામીદખાન પુછતો ‘’હજી કેટલું દુર છે?’’ તો રણજીતસિંહ જવાબ આપતો ‘’બસ મારા સસરાનું ગામ આવે, પછીના ગામમાં જ મહારાણા સંતાયા છે. તે પછી તો શહેરાનું અફાટ રણ શરૂ થઈ જાય છે. તે રણમાં તો કોઈ હજુ ગયું નથી અને ગયું તે પાછું આવ્યું નથી.’’ બીજા દિવસે પણ મુસાફરી ચાલુ જ રહી બળબળતા સૂર્યે આગ ઓકવાનું શરૂ કર્યું. સૈનિકો પાસે પાણીનો જે જથ્થો હતો તે પણ ખલાસ થઇ જવા આવ્યો. ચારે બાજુ બળબળતી રેતી ઉડતી હતી અને સવારો અને ઘોડાના નાક કાનમાં ઘુસી જતી હતી. બળબળતી લૂમાં સૈનિકો માંદા પડી જવાની પણ દહેસત હતી. હામીદખાન પુછતો ‘’હજી કેટલું દુર છે?’’ તો રણજીતસિંહ જવાબ આપતો ‘’ આવતી કાલે બપોર સુધીમાં તો આપણે જરૂર પંહોચી જઈશું. ઘોડા કે સૈનિકો કોઈ આવા વાતાવરણથી ટેવાયેલા ન હતા પણ સાંઢણી અને તેના બંને અસવારો માટે આ કઈ ખાસ નવું ન હતું.

ત્યાં તો સાંઢણી ઉપરથી જાણે અસવાર કાબુ ગુમાવતો હોય તેમ તે રઘવાઈ થઇ ગઈ. રણજીતસિંહે જોયું તો સામેથી જબરજસ્ત આંધી આવી રહી હતી. તે મનોમન મુસ્કુરાયો. તે આ જ ઘડીની રાહ જોઈ રહ્યો હતો તેણે હામીદખાનને કહ્યું ''હામીદ આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પંહોચી ગયા છીએ. સામેથી આવતી જબરજસ્ત આંધીમાંથી આપણામાંથી કોઈ બચી શકવાનું નથી. તારા અલ્લાહને યાદ કરી લે. મહારાણા પ્રતાપ વિષે મને કઈ જ ખબર નથી અને ખબર હોય તોય હું તને બતાવું નહિ. હું રાજપૂત છું તે તું ભૂલી ગયો. હવે કમોતે મર''

આટલું કહેતા તો આંધીએ બધાને ઘેરી લીધા સાંઢણી રણની ભોમીયણ હતી માટે તે પીઠ ફેરવીને; આવી હતી તે દિશામાં ભાગી. હામીદખાન જોરથી થુક્યો અને એક ગાળ બોલીને રણજીતસિંહ માટે એજ શબ્દ ગદ્દાર ફરીથી વાપર્યો. પણ આ વખતે તેનો અર્થ સાવ જ અલગ હતો. ચારે બાજુ ઉડતી ભયાનક રેતી અને સુસવાટા મારતી ગરમ લુ એ ઘોડા અને અસવારોના નાક કાન અને આંખો રેતીથી ભરી દીધા એક કલાક સુધી આ આંધીનું ભયાનક તાંડવ ચાલ્યું. એક પણ પ્રાણી કે એક પણ માનવી જીવિત બચ્યું નહિ. સાંઢણી જીવ ઉપર આવીને ભાગી પણ રણની આ ભયાનક આંધી પાસે તેનું પણ કઈ ચાલ્યું નહિ. એક કલાક પછી આંધી સમી ત્યારે, મૃત મુઘલ સરદાર અને સૈનિકોના મોઢા પર અંત સમયે આવેલ ક્રોધ, તથા મૃત રણજીતસિંહ અને તેની પત્નીના મોઢા પર પોતે પોતાના રાજા તરફની બજાવેલી ફરજની મુશ્કાન હતી.

***