Satya Asatya - 10 in Gujarati Love Stories by Kajal Oza Vaidya books and stories PDF | સત્ય અસત્ય - પ્રકરણ - 10

Featured Books
Categories
Share

સત્ય અસત્ય - પ્રકરણ - 10

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૦

પ્રિયંકા દેશ છોડીને નીકળી ત્યારે એને લાગ્યું કે એનો આખો ભૂતકાળ પાછળ છૂટી ગયો છે. જાણે જિંદગીનો એક આખો હિસ્સો પોતાનાથી કપાઈને અહીં છૂટી ગયો હોય એવી લાગણી એને વલોવતી રહી.

છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિમાન જ્યારે અમેરિકા તરફ ઊડ્યું ત્યારે પ્રિયંકાને પોતાના હાથમાં પકડાયેલો સત્યજીતનો હાથ સરકીને વિખુટો થઈ જતો હોય એવો ખાલીપો ઘેરી વળ્યો. એણે ઇમિગ્રેશન ચેક પસાર કર્યું ત્યાં સુધી એની અંદર એક અવઢવ એને મૂંઝવતી રહી. પોતાની જાત સાથે ઘણો સંઘર્ષ કર્યા પછી આખરે એણે પોતાનો લોકલ મોબાઇલ બંધ કરતા પહેલાં સત્યજીતને ફોન કરી જ દીધો.

“હા...” સત્યજીતનો અવાજ દૂર ગુફામાંથી આવતો હોય એવો સૂનો અને એકલવાયો હતો.

“હું... જાઉં છું.” પ્રિયંકાએ અચકાતા અચકાતા કહ્યું.

“મને તો એમ કે તું એ દિવસે જ ચાલી ગઈ.” સત્યજીતનો અવાજ અને ભાષા પ્રિયંકાને અજાણ્યા લાગ્યા, “હજી સુધી અહીં જ હતી એવી મને ખબર હોત તો હું કદાચ તારા સુધી આવવાનો પ્રયાસ કરત.”

“સત્ય...” પ્રિયંકાનું ગળું રુંધાઈ ગયું.

“ના, અસત્ય...” સત્યજીત સહેજ હસ્યો, પણ એના એ હાસ્યમાંથી કડવાશની છાલક છપાક દઈને પ્રિયંકાને વાગી, “મારું નામ અસત્યજીત હોવું જોઈતું હતું, નહીં ?”

“ભૂલી જા...”

“એ ભૂલી જઈશ તો જીવી નહીં શકું પ્રિયંકા, તારી સાથે ગાળેલા સમયની યાદ જ મારે માટે જીવવાનું કારણ છે. સમયનો એટલો જ ટુકડો શ્વાસ બનીને આવન-જાવન કરે છે, લોહી બનીને પ્રસરે છે, હૃદય બનીને ધબકે છે.” એણે સાથે જ કહ્યું નાખ્યું, “આ બધું તને દુઃખી કરવા નથી કહેતો.”

“તારા કહેવાથી હું દુઃખી નથી થતી, પણ દુઃખી થાઉં છું એ સત્ય છે.” એ હસી, “મારા માટે તારા વિનાની જિંદગીની કલ્પના કરવી પણ અઘરી હતી સત્યજીત, મને આ પળે પણ નથી સમજાતું કે મેં તારાથી છૂટા પડવાનો નિર્ણય કઈ હિંમત પર લીધો.”

“હિંમત ?” સત્યજીતનો અવાજ તદૃન નિષ્પ્રાણ હતો, “તને કદાચ ખરાબ લાગશે, પણ એક વાત કહી દઉં તને, છૂટા પડવા માટે બહુ હિંમત નથી જોઈતી પ્રિયંકા, સાથે જીવવા માટે હિંમતની જરૂર પડે છે. ભાગી જવું, નીકળી જવું કે રમત અધૂરી મૂકીને ઊભા થઈ જવું તો બહુ સરળ છે. જીવ સટોસટની બાજી લગાવીને જીતવું અઘરું છે.” એણે ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, “આવું પપ્પા કહેતા.”

“સાચું છે.” પ્રિયંકાથી પણ નિઃશ્વાસ નખાઈ ગયો, “ક્યારેક નિર્ણય લઈ લીધા પછી અફસોસ થાય છે માણસને. એનો અહમ્‌ અને પોતે જે કંઈ કરે છે તે સાચું જ છે એવું કહ્યા કરતો એનો અહંકાર એને પાછો ફરવા નથી દેતો, પણ આત્મા પાછા ફરવા માટે કરગરે છે ક્યારેક.”

“કોને ખબર... મેં તો આ બધું વિચારવાનું છોડી દીધું છે. આંખ ઊઘડે એટલે એક નવા દિવસની શરૂઆત થાય છે. આજમાં જીવું છું. ગઈ કાલનો અફસોસ નથી કરતો ને આવતી કાલની ચિંતા પણ છોડી જ દીધી છે મેં.” સત્યજીતે વાત પૂરી કરતો હોય એમ કહ્યું, “આમ પણ જે થવાનું હોય તેને રોકવાનો કે ન જ થવાનું હોય એને કરી બતાવવાની આપણામાં શક્તિ નથી હોતી.”

“તું મને માફ કરીશ ને ?”

“આ સવાલ તો મારે પૂછવાનો હતો તને.” સત્યજીત ફરી એટલું જ ખાલી, એટલું જ બરડ હસ્યો, “પણ હવે મને લાગે છે કે સારું થયું મેં ન પૂછ્‌યું.

મને માફ નહીં કરતી પ્રિયંકા, હું સાચે જ ઇચ્છું છું કે તું મને માફ ન કરે. તારા જેવી છોકરી મારી જિંદગીમાં દાખલ થઈને નીકળી જાય એ જ મારી સાચી સજા છે. તને સાચું કહું તો પહેલી વાર મને જિંદગીમાં જૂઠનો અર્થ સમજાયો છે.”

“હું સમજી નહીં.”

“તું મારી જિંદગીમાં છે જ અને રહીશ જ... એવા જૂઠા ભ્રમમાં જીવતો રહ્યો હું.” બંને પક્ષે વજનદાર મૌન ઘેરાતું ગયું, “જ્યાં સુધી આપણને સુખ નથી મળતુંને પ્રિયંકા, ત્યાં સુધી એના સ્વાદની ખબર નથી હોતી, પણ એક વાર સુખનો સ્વાદ ચાખ્યા પછી એના વગર જીવવું અઘરું થઈ પડે છે. તું સુખનો સ્વાદ લઈને આવી મારા માટે...”

“સત્યજીત...” પ્રિયંકાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં, “પ્લીઝ, હવે હું જઈ રહી છું ત્યારે આ બધું...”

“ત્યારે જ આ બધું કહેવું જરૂરી છે પ્રિયંકા, મને ખબર નથી કે ફરીથી જિંદગી આપણને એકબીજાની સામે લાવવાની ભૂલ કરશે કે નહીં... પણ, આજે મારે તને કહેવું જોઈએ કે તારા જવાની સાથે સાથે મારી જિંદગીમાંથી એક અર્થ, એક મતલબ, એક મિનિંગ નીકળી ગયો છે. ડિક્સનરીનો એક શબ્દ ઓછો થઈ ગયો પ્રિયંકા, પ્રેમ નામના શબ્દ સાથે તેં કરાવેલી ઓળખાણ તારા જવાની સાથે જ એક અપરિચિતતામાં પલટાઈ જશે. તું જઈશ અને આ શહેર અજાણ્યું થઈ જશે મારા માટે...” સત્યજીતનો અવાજ રુંધાવા લાગ્યો હતો. એણે થૂંકની સાથે ગળે ડૂમો ઉતારી દીધો અને છેલ્લું વાક્ય કહી જ નાખ્યું, “તું મારી જિંદગીમાં આવેલી પહેલી છોકરી હતી પ્રિયંકા, પણ આજે મને સમજાય છે કે મારી જિંદગીની છેલ્લી છોકરી પણ તું જ બની ગઈ...” ફોન ડિસકનેક્ટ થઈ ગયો હતો.

ફોન હાથમાં પકડીને પ્રિયંકા ક્યાંય સુધી રડતી રહી. પછી મન કઠણ કરીને એણે અંદરની તરફ જવા માંડ્યું. રહી રહીને એને લાગતું હતું કે સત્યજીત હજી એક વાર એનો સંપર્ક કરશે, કદાચ ફોન કરશે, કદાચ એને કહેશે કે...

બરાબર એ જ વખતે પ્રિયંકાના ફોન પર એક મેસેજ આવ્યો, “હું તને ક્યારેય રોકી શકું જ નહીં, કારણ કે મારી પાસે તને આપવા માટે હવે કોઈ વચન નથી. હું બદલાઈશ, સાચું બોલીશ એવી કોઈ વાત કહીને હું તને બાંધીશ નહીં. તું જા અને સુખી થા એટલી જ શુભેચ્છા આપું છું.”

પ્રિયંકાએ રડતા રડતા ફોન સ્વીચઓફ કરી દીધો અને સાથે જ એનો આ શહેર સાથેનો છેલ્લો તંતુ પણ કપાઈ ગયો.

વિમાનમાં બેઠેલી પ્રિયંકા પાછળ છૂટતા મુંબઈને જોઈ રહી હતી.

મુંબઈની સાથે સાથે એક આખી પ્રિયંકા પાછળ છૂટી રહી હતી. ખુશખુશાલ, હસતી-હસાવતી, જિંદગી શબ્દના પર્યાય સમી એ છોકરીનો ચહેરો વિમાનની બારીમાંથી દેખાતા આકાશમાં ઇન્ફિનીટી ટુ ઇન્ફિનીટી વિસ્તરેલો હતો. એ પ્રિયંકા વિમાનની બારીમાંથી વિમાનમાં બેઠેલી પ્રિયંકાની સામે જોઈ રહી હતી અને જાણે એને કહી રહી હતી,

“તારામાં ચાલે છે એક જણ મશાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

અજવાળા જેવા અજવાળાએ કીધી છે

શ્વાસના કાગળ પર અંતે એ લાલ સહી...

તારામાં ચાલે છે એક જણ ઢાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે”

એ પ્રિયંકાએ આ પ્રિયંકાને જાણે જીવવાનું બળ આપ્યું હોય એમ આંસુ લૂછીને વિમાનમાં બેઠેલી પ્રિયંકાએ પાછળ જોવાનું છોડી દીધું. વિમાન જે દિશામાં જઈ રહ્યું હતું તે તરફ જોતાં એણે નક્કી કર્યું, “હવે ભૂતકાળને ભૂતકાળ બનાવી હું જીવીશ. વીતેલી ગઈ કાલની કોઈ પળ મારી આવતી કાલને ક્યાંય નહીં નડે.” એણે આંખો મીંચી ત્યારે એની અંદર સળગી રહેલું કશુંક ધીમે ધીમે ઠરવા લાગ્યું હતું.

પ્રિયંકા જ્યારે ન્યૂયોર્ક એરપોર્ટ પર ઊતરી ત્યારે એને સખત આશ્ચર્ય થયું. આદિત્ય સામે જ ઊભો હતો.

“તું અહીંયા ?”

“હા, દાદાજીનો ફોન હતો. તને મારી સાથે ઘરે લઈ જવાનું કહ્યું છે.”

“હું સીધી યુનિવર્સિટી જઈશ.” આદિત્યને લાગ્યું કે આ કોઈ બીજી જ પ્રિયંકા હતી.

“પ્રિયંકા, આવા સમયે એકલા રહેવું...”

“આવા સમયમાં જ એકલા રહેવું જોઈએ. માણસને જાત સાથે વાત કરવાની તક મળે.” એની આંખોમાં એક વિચિત્ર સન્નાટો હતો, “આપણે આપણી જાતથી જ ભાગવા લાગીએ છીએ. ટોળામાં ભરાઈને આપણે આપણી જાતથી છુપાવા માગીએ છીએ. કોઈ પણ સવાલ સાંભળવા નથી. કોઈ જવાબ આપવા નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે જવાબ આપવા જતા જાતને છેતરવી પડશે.” આદિત્ય નવાઈથી પ્રિયંકાની સામે જોઈ રહ્યો હતો. એનો એક એક શબ્દ જાણે પીડામાં ડૂબીને બહાર આવતો હતો, “હું મારી જાત સાથે એકલી રહીશ આદિત્ય, મારું મન જેટલા સવાલ પૂછે એ બધાના જવાબ આપીશ. મારે મારાથી ભાગીને ક્યાંય નથી જવું. હું હંમેશાં મારી નજરમાં સાચી સાબિત થઈને જીવવા માગું છું. નહીં તો મને ડર છે કે સત્યજીત અને મારી વચ્ચે કોઈ ફરક નહીં રહે.”

“ઓ.કે. હું તારા પર કોઈ પ્રકારનું દબાણ નહીં કરું. કારણ કે મને તારામાં વિશ્વાસ છે.” આદિત્યએ બહુ જ સ્વાભાવિકતાથી પ્રિયંકાનો ખભો થપથપાવ્યો અને ન્યૂજર્સીથી ન્યૂયોર્ક સુધીની યાત્રા માથે પડ્યાના સહેજ પણ અફસોસ વિના એણે ઊંધા ફરીને ચાલવા માંડ્યું. પ્રિયંકાને એક વાર લાગ્યું કે એ આદિત્યને રોકે, પરંતુ બીજી જ ક્ષણે એને લાગ્યું કે દુઃખમાંથી નીકળવા માટે કોઈનો આધાર નથી જ શોધવો. સત્યજીત સાથે છૂટા પડવાનો નિર્ણય એનો એકલીનો હતો તો હવે એનું પરિણામ પણ એણે એકલીએ જ ભોગવવું રહ્યું.

એણે પોતાની લગેજ ટ્રોલી ધકેલતા બહારની તરફ જવા માંડ્યું. એક અજાણ્યા શહેરમાં, અજાણી દુનિયામાં, અજાણ્યા લોકોની વચ્ચે એનો એક અજાણી મંઝિલ તરફનો પ્રવાસ શરૂ થઈ ચૂક્યો હતો.

ટ્રોલીને ધકેલીને હિંમતથી જઈ રહેલી પ્રિયંકાને જોતો આદિત્યની નજરમાં પ્રશંસા છલકાઈ ઊઠી. પ્રિયંકાની હિંમત, એની સચ્ચાઈ, જાત પરત્વેની ઇમાનદારી અને સંબંધો વિશેની સ્પષ્ટતા આદિત્યને છેક ઊંડે સુધી સ્પર્શી ગઈ. મહાદેવભાઈએ એને બધી જ વાત કરી હતી. પ્રિયંકાને જોઈ રહેલા આદિત્યથી બોલાઈ ગયું, “આવી છોકરીને એક વાર મેળવ્યા પછી ખોઈ બેસવાનો અફસોસ શું હશે એ મને એક પુરુષ તરીકે આ પળે સમજાય છે.” તદૃન અજાણ્યા માણસ એવા સત્યજીત પ્રત્યેની સહાનુભૂતિથી એની આંખના ખૂણા ભીના થઈ ગયા. એણે સ્વગત કહ્યું, “દોસ્ત સત્યજીત, હું જિંદગીમાં ક્યારેય તને મળું કે નહીં, પણ મારી લાગણી અને સહાનુભૂતિ હંમેશાં તારા તરફ રહેશે, કારણ કે આ છોકરી તો જિંદગીનાં તોફાનો સામે ઝઝૂમવા માટે જ બની છે. આપણા જેવા સામાન્ય માણસો સંબંધોના મોજાની એક થપેટમાં વીખરાઈ જાય, જ્યારે આ છોકરી દરેક તોફાન પછી વધુ મજબૂત, વધુ હિંમતવાન અને વધુ કઠણ થઈને આગળ વધવા માટે જ જીવે છે.”

એ બીજી દિશામાં આગળ તો વધી ગયો, પણ એનું મન પ્રિયંકાની પાછળ પાછળ ચાલી ગયું.

(ક્રમશઃ)