Haiyu in Gujarati Fiction Stories by Parth Gajera books and stories PDF | હૈયું - ઠોકર ખાતી લાગણીઓનું સરવૈયું (ભાગ-૧)

Featured Books
Categories
Share

હૈયું - ઠોકર ખાતી લાગણીઓનું સરવૈયું (ભાગ-૧)

"ના પૂછ તારુ સ્થાન મારી જીંદગીમાં, સાંભળી હૈયુ હેબતાઇ જશે,
તારી મહત્તાનો એકરાર કરતા કરતા તો અંતર પણ મૂંઝાઇ જશે,
મનને તો મીઠી મથામણમાં પાડી દીધું તારી આ સ્નેહભરી જીદે,
કે જીંદગીને તો કેમ સમજાવુ કે તારુ સ્થાન મારી જીંદગીમાં શુ છે!!"

     સાંજનો સમય હતો છતાં સૂરજ હજુ પણ હાર માનવાનાં મૂડમાં ના હોય તે રીતે પોતાની હાજરીથી રેલવે સ્ટેશન પરનાં સૌ મુસાફરોને અકળાવી રહ્યો હતો. એક રીતે જોતા તો બધું સામાન્ય હતું, ટિકિટબારી પાર લાંબી કતારો, દૂર રહો દૂર રહોનાં બરાડા પાડતાં કુલી, સેલિબ્રિટી આવવાનો હોય તે રીતે પોતાના ભાડાની રાહ જોતા રિક્ષાવાળાઓ, પાણી કમ દૂધથી બનેલી ચા વેચવા પ્લેટફોર્મ વચ્ચે શટલો મારતા છોટુઓ,  પોતાની ટ્રેનની રાહ જોતા અને ગામ આખાની પંચાત કરતાં રાહદારીઓ. આ બધા ઘોંઘાટ વચ્ચે એક અલગ અવાજ અચાનક તરી આવ્યો. ટ્રેનનાં આગમનનો પાવો સંભળાયો. ઉસેન બોલ્ટ પણ જો અહીં દોડ લગાવવા આવે તો દસ નંબર સુધી ના આવે તેવી દોડધામ મચી ગઇ. કોઈ બારીમાંથી રૂમાલ નાખતું હતું તો કોઈ હાથમાં જે હતું તે સીટો પર ઘા કરતું હતું. પાંચ જ મિનિટમાં પ્લેટફોર્મ સૂમસામ થઈ ગયું અને બધા શોરબકોરની નિકાસ ટ્રેનમાં થઈ ગઈ. સ્ટેશન પરથી ટ્રેન ધીમેધીમે નીકળી પરંતુ આ બધા વચ્ચે કુણાલની ડસકા ખાતી જીંદગી પૂરપાટ દોડવાનું શરૂ કરવાની તૈયારી કરતી હતી. 

     કુણાલ ટ્રેનનાં જનરલ ડબાનાં દરવાજા પાસે ઉભો ઉભો કોઈ બીજી દુનિયામાં ખોવાઈ ગયો હતો.પાસે ઉભેલાને તો નિર્જીવ લાગે તેવો ભાવનાશૂન્ય ચહેરો.પોતાની અલગ દુનિયામાં ધ્યાનમગ્ન કુણાલની તંદ્રા એક લાંબા અંતરાલ પછી અચાનક આવેલા એક ધક્કાથી તૂટી ગઈ. "વોટ ધ...." બોલતાં બોલતાં તેની નજર ધક્કો આપનાર પર ગઈ. સામે વાળ માણસને પહેલેથી માફી માગવાની પ્રતિક્રિયા આપતો જોઈ પોતાની જાતને શાંત કરી. આ વાત જો આમ જ પૂરી થઈ ગઈ હોત તો કુણાલની જીંદગી એક નાના વર્તુળમાં પૂર્ણ થઈ ગઈ હોત. પણ તેના જીવનમાં એક મોટો વળાંક આ ઘડીએ જ લખાયેલો હતો. 

     કહેવાય છે ને કે, ટ્રેન એટલે નવા મિત્રો બનાવવાનું એક સાધન. અહીં પણ કંઇક એમ જ બન્યું. કુણાલને અજાણતા ધક્કો આપનાર માણસે કુણાલને બેસવા સીટ ઓફર કરી. કુણાલે હાથનાં ઇશારેથી જ પોતે પોતાની જગ્યાએ બરાબર છે તેવો ઈશારો કર્યો. પરંતુ,પાસેની સીટથી અવાજ આવ્યો, "મોટાભાઈ,બેસી જાવ સીટ પર. આ રાજ બિલકુલ ઘસાય તેવો માણસ નથી. જો બેસવા કહે છે તો બેસી જ જાવ." રાજેશ પણ હોંકારો આપતા બોલ્યો,"હા ભાઈ! બેસો. આમ પણ સીટમાં ત્રણ જણા એડજસ્ટ કરી લઈશું. ભૂલનું પ્રાયશ્ચિત સમજો." આમ પણ કુણાલ હવે ઉભા ઉભા થાકી ગયો હતો આથી તેણે તેમની વાત માની લેવાનું યોગ્ય માન્યું. અને પછી શરૂ થયો વાતોનો દોર. કુણાલની વર્તમાન પરિસ્થિતિ ઉલેચાઈ રહી હતી.પાંચ ફૂટ આઠ ઇંચનો ફૂટડો યુવાન.પોતાના નિસ્તેજ ચહેરા પાછળ એક અલગ આભા સ્પષ્ટ વર્તાતી હતી. પહેરવેશ પરથી જ ધનિક વર્ગનું લેબલ સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું અને હકીકત પણ એ જ હતી કે ફર્સ્ટ એ.સી.થી નીચેનાં ડબામાં મુસાફરી ના કરનાર કુણાલ આજે જનરલ ડબામાં પ્રવાસ ખેડી રહ્યો હતો.કુણાલને પોતાની સાથે અસહજ જોઈ રાજે વાતોનો દોર આરંભ્યો."હું રાજ અને આ મારો મિત્ર તારાજ" અટ્ટહાસ્ય કરતા કરતા પોતાના મિત્રને ટપલી મારતાં રાજ બોલ્યો," બરાબર ને કંદર્પ?" કુણાલ પોતાની ઓળખ આપતાં બોલ્યો,"ઓકે. માયસેલ્ફ કુણાલ. નાઈસ  ટુ મીટ યુ" કંદર્પ રાજને ટપારતાં બોલ્યો,"શીખ કાંઈક શીખ.તારું અંગ્રેજી તો હાય અને બાયથી આગળ નથી વધતું" આ સાંભળી ત્રણે હસી પડયા.કુણાલનાં ચહેરા પર લાંબા સમય પછી સ્મિત રેલાયું હતું. રાજ વાતનો દોર આગળ વધારતા બોલ્યો,"અમે મુંબઈ જઇ રહ્યા છીએ. તમે ક્યાર સુધી અમને કંપની આપવાના??" કુણાલથી અનાયાસે બોલાઈ જવાયું, "એ તો મને પણ ખબર નથી." તેને પોતાની સાથે થોડી વાર પહેલા ટિકિટ બારી પર બનેલો કિસ્સો યાદ આવી ગયો. ટિકિટ બારી પર તેને જ્યારે ટિકિટ કાપનારે ક્યાંની ટિકિટ આપું એમ પૂછ્યું ત્યારે તેનો સામો સવાલ હતો કે, "સૌથી છેલ્લું સ્ટેશન ક્યું છે?" ટિકિટ આપનાર અકળતા બોલ્યો," ઓ હીરો! કયા ધ્યાન છે? આ બસ સ્ટેશન નથી." પછી પોતે સમસમીને સૌથી દૂરનાં સ્ટેશનની ટિકિટ લઈને બેઠો હતો તે આખો પ્રસંગ તેની આંખ સામે ઉભો થઇ ગયો. કુણાલને આમ ખોવાયેલો જોઈ રાજ બોલ્યો, "ગજબ છે આ ભાઈ! થોડી થોડી વારે કનેક્શન ચાલ્યું જાય છે. બી.એસ.એન.એલ.નો ટાવર લાગે છે ઉપલા માળમાં" કંદર્પ કુણાલને પાછો વર્તમાનમાં લાવતા બોલ્યો,"ક્યાં જવું છે??!! તમે બોલ્યા તે સમજાયું નઇ" કુણાલ માથું ખંજવાળતા બોલ્યો, "ક્યાં જઈ રહ્યો છું હું?હા.... બેંગ્લોર.. બેંગ્લોર જઇ રહયો છું." રાજ અને કંદર્પ પોતાના સહપ્રવાસીનાં વર્તનથી આશ્ચર્યમાં હતા.

*****

     'બહુ દૂર જવાનું છે તમારે! રિઝર્વેશન કરાવ્યા વગર આમ બેસી બેસીને જશો તો થાકી જશો.' કંદર્પે સાહજીક પ્રશ્ન પૂછ્યો. કુણાલ બબડયો, "થાકી તો જીંદગીથી ગયો છું. શારીરિક થાકની તેની પાસે શું વિસાત!" પછી છેતરામણું સ્મિત રેલાવતા બોલ્યો,"એક્ચ્યુલી મારે અરજન્ટ નીકળવાનું થયું તેમાં રિઝર્વેશન માટે ટાઈમ જ ના રહ્યો." 

     કુણાલથી થઈ રહેલી શબ્દોની ગડમથલ તેની જીંદગીની ગડમથલ પાસે તો કંઈ નહોતી છતાં તેનામાં ખુદથી લડવાની તાકાત હતી. જીંદગીથી થાકી ગયો હોવા છતાં આત્મહત્યા કરીને છૂટી જાય તેવી કાયરતા પાળવાનો તેને જરાય શોખ નહોતો. આમ પણ નખશીખ ધનાઢય ઘરમાં ઉછરનાર નબીરા માટે માત્ર પોતાના અહમને પોષવા તમામ સુખ-સાહ્યબીને લાત મારવી કોઈ સહેલું કામ હોતું નથી. જી હા! કુણાલ પોતાના ઘરને અલવિદા કહીને પોતાની મંઝિલ ભણી નીકળી ચૂક્યો હતો જે તેને ખુદને પણ ખબર નહોતી. બાળપણથી કુણાલને પોતાનું ધાર્યું કરાવવાની આદત હતી. પોતાને ગમતું ઘટાવવા તે દરેક પ્રકારનાં દાવપેચ રમતાં પણ શરમાતો નહીં.આથી જ તો પોતાના પિતાની ઈચ્છા વિરુદ્ધ વિદેશમાં પોતાનું ગ્રેજ્યુએશન કરવાને બદલે પોતાના શહેર સ્થિત કોલેજમાં જ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. બિઝનેસમેન બાપનાં દીકરા માટે એક વણલખેલ નિયમ હોય છે કે, બેચલર કર્યા પછી એમ.બી.એ. કરવું અને જો તેમ ના કરવામાં આવે તો તેમનાં જમીનથી બે ઇંચ ઊંચા ચાલતા પગ જમીન પર ફસડાઈ પડે. કુણાલને પણ નાછૂટકે એમ.બી.એ. કરવું જ પડ્યું. હજુ થોડા દિવસો પહેલાની જ વાત છે કે કુણાલનું એમ.બી.એ. પૂરું થયું હતું. કુણાલનાં પિતાએ આ ખુશીમાં બિગ ફેટ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. પણ આ પાર્ટી પૂરી થયા પછી જે થવાનું હતું તે કુણાલે પોતાના જીવનમાં પણ કલ્પયું નહોતું. કુણાલનાં પિતાએ પાર્ટી પૂરી થવાનાં સમય પર એક ખાસ એનાઉન્સમેન્ટ કરી કે,"કોઈ પણ પિતા માટે સૌથી ખુશીની ક્ષણ હોય છે કે તેનો પુત્ર તેની જગ્યા પર બેસી તેની જવાબદારીઓનું નિર્વહન કરવાનું શરૂ કરે. આજનાં આ ખુશીનાં પ્રસંગે હું કુણાલને મારી કંપનીનાં નવા ચેરમેન તરીકે જાહેર કરતાં આનંદની લાગણી અનુભવું છું." પાર્ટીમાં હાજર બધાએ ધનંજયભાઈની આ વાત વધાવી લીધી પણ આ જાહેરાતથી એક માણસનાં ચહેરા પરની બધી ખુશી ઉડી ગઈ હતી અને તે માણસ બીજું કોઈ નહીં કુણાલ હતો. તે પાર્ટી પૂરી થયા પછી તરત પોતાના પિતાને બાજુનાં રૂમમાં લઈ જઈ પોતાની આપત્તિ પ્રકટ કરવા લાગ્યો. તે પોતાની જીંદગીનો રોડમેપ પોતાના પિતા સમક્ષ રજૂ કરતા બોલ્યો,"મે તમને કેટલી વાર કહ્યું છે કે મારે તમારી કંપનીમાં કામ નથી કરવું.મારે પોતાનું નવું કોઈ સાહસ ઉભું કરવું છે.મને નથી રસ તમારી બનીબેઠેલી કંપની ચલાવવામાં.મારે સ્વનિર્ભર બનવું છે." તેના પિતા તેને સમજાવતા બોલ્યા, "બેટા, આ બધી સૂફીયાણી વાતો ફિલ્મોમાં અને પુસ્તકોમાં સારી લાગે.આ વાતોનું હકીકતમાં કોઈ વજૂદ હોતું નથી.તું ધારેશ એટલું સહેલું નથી અત્યારનાં યુગમાં પગ જમાવવાનું.તને સમય આપું છું વિચારી લે હજુ.બાકી તારે છેવટે સાંભળવાની તો આપણી કંપની જ છે." કુણાલ સમસમીને આ વાત સાંભળી રહ્યો. આ વાત કોઈ પવનની લહેરખી જેવી નહોતી કે આવીને પોતાનો અનુભવ કરાવીને જતી રહે.

     કુણાલ અને તેના પિતા વચ્ચે આ વાતને લઈને રોજ તણખા ઝરવા માંડયા.આજનાં દિવસે કુણાલ આર યા પારનાં મૂડમાં હતો.કુદરત પણ પોતાના રંગો પૂરવાની કલા બતાવવા બેતાબ હતું.વિધાતાએ પણ પોતાના લેખમાં સંયોગની રંગોળી આજ માટે જ પૂરી હોવાનું પ્રતિત થતું હતું.ધનંજયભાઈ આજે કોઈ તણાવમાં ઘરે આવ્યા હતા.તેમના ચહેરા પર ગુસ્સાની મુદ્રાઓ સ્પષ્ટ વર્તાઈ આવતી હતી. કુણાલે તેમના આવતાવેંત હરરોજની જેમ પોતાના અલગ સ્ટાર્ટ અપ માટેનો રાગ આલાપ્યો. દારૂ ઢીંચેલો માણસ તથા ક્રોધ પીધેલો માણસ પોતાના પરનો કાબૂ ગુમાવી બેસે છે અને ધનંજયભાઈ સાથે પણ તેમ જ થયું. પોતાની માથે લઈને ફરી રહેલા તણાવનાં બોજને તેઓએ કુણાલ પર ઠાલવી દીધો.તેઓ કુણાલનું માથું પકડીને બોલ્યા,"બહુ શોખ છે ને તને નવી કંપની ખોલવાનો. જા ખોલ, પણ એક વાત યાદ રાખજે,આજ પછી તારો આ બાપ તારી સાથે નહીં હોય અને તને એક ફૂટી કોડી પણ નહીં મળે.તને હજુ ખબર નથી કે વગર પૈસે આ દુનિયામાં કેટલી ઠોકરો ખાવી પડે છે. એક દિવસ પૈસા વગર રહીશ ને તો બીજે દિવસે તારી શાન ઠેકાણે આવી જાશે. અરે તારા જેવા કેટલાયે છોકરા મારા જેવા બાપની ઇચ્છા રાખતા હોય છે" "તો સીધું સીધું કહી દો ને કે તમને તમારો દીકરો તમારાથી આગળ નીકળી જાય તે નથી પસંદ. તમને બીક છે કે લોકો તમને ભૂલીને મારી વાહવાહી કરશે અને જો તમને લાગતું હોય કે હું બરાબર નથી તો એમાનાં જ એક છોકરાને ખોળે બેસાડીને વારસદાર બનાવી દ્યો."કુણાલ પણ પોતાનો પારો ઊંચો ચડાવતા બોલ્યો. તે આટલું બોલી લે ત્યાં અચાનક તેના ગાલ પર જોરદાર થપ્પડ પડી."બાપનો પાડ ના માન તો કાંઈ નહીં. તેને સન્માન તો આપતા તો શીખ. મારી જ ભૂલ છે કે મેં તને આટલા લાડ લડાવ્યા કે પોતાના જ બાપની મર્યાદા રાખતા ચૂક્યો.પણ હવે મારે મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે, નીકળ મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે. તારે જ્યા જવું હોય ત્યાં જા, જે કરવું હોય તે કર." કુણાલ પોતાના ગાલ પર હાથ ફેરવતા પોતાની માતાનાં કદી ન જોયેલા રૂપને જોઈ રહ્યો. કુણાલનાં માતાએ પોતાની આંખમાં આંસુ સાથે તેને ધક્કા મારવાનું શરૂ કર્યું.પોતાની માતાનાં આવા અણધાર્યા વર્તનથી કુણાલ રીતસરનો ડઘાઈ ગયો. તેણે ત્યાંથી ત્વરિત નીકળી જવાનું જ મુનાસીબ માન્યું. 

     તે પોતાનું ઘર છોડી એક દિશાહીન જીંદગી જીવવા નીકળી પડ્યો અને તેની જીંદગીની આગળની કડી જોડવાની જવાબદારી તેની ટ્રેનની મુસાફરીએ ઉપાડી લીધી. આ તમામ પ્રસંગો કુણાલની આંખો સમક્ષ ફરી તાજા થવાથી તેની આંખો ભીની થઇ ગઇ. અતિત-વર્તમાનની સફરો ખેડયે રાખતાં કુણાલને જોઈ રાજ-કંદર્પનાં મનમાં શંકાઓ જાગવા લાગી. રાજ કંદર્પ સાથે શરત લગાવતા બોલ્યો,"નક્કી કોઈ છોકરીનું ચક્કર છે બોલ. શરત લગાવવી." "ના રે ના.મને તો લાગે છે બાપાએ મોડેલ બનવાની ના પાડી હશે એટલે ભાગી નીકળો હશે. ચાલ,જો મારું સાચું પડે તો રાતનું જમવાનું તારા તરફથી, અને જો તું સાચો નીકળો તો મારા તરફથી.બોલ છે મંજૂર?" રાજે હકારમાં માથું ધુણાવ્યું. આ તમામની વાતો અને કલ્પનાઓનો દોર કાપતો શીંગ ચણા વાળો તેમની બાજુમાં આવીને ઉભો રહ્યો. રાજે શીંગ ચણા ખાવા તો નહીં પણ પહેલાને દૂર ભગાડવા ફરજિયાત લેવા પડયા.ગુજરાતીઓનો નિયમ છે કે,પોતે ક્યારેય એકલા ના ખાય.પોતાની આજુ બાજુ વાળાને જ્યા સુધી આગ્રહ ના કરે ત્યાં સુધી તેમને ખાવાનું પચે નહીં. રાજે કુણાલ બાજુ પેકેટ આગળ વધારીને આગ્રહ કર્યો.કુણાલે નકારમાં માથું ધુણાવતાં કંદર્પ બોલી ઉઠ્યો,"ભણેલા લોકોનો આ જ વાંધો.વાંચ્યું હોય કે ટ્રેનમાં કોઈનું આપેલું નહીં ખાવાનું તો ના જ ખાય." કુણાલે કંદર્પ સામે મંદ સ્મિત આપી તેના આગ્રહને માન આપવાનું ઉચિત માની બે-ત્રણ દાણા પોતાના મોંમાં નાખ્યા. પણ તેનું ડૂમો ભરેલું ગળું તેને નીચે ઉતારવાની પરવાનગી આપતું નહોતું..માંડમાંડ તેણે આ દાણા નીચે ઉતારી હાશકારો લીધો.તે હવે રાજ અને કંદર્પની કંપની એન્જોય કરી રહ્યો હતો.બીજી બાજુ ટ્રેન ટાઈમ ટેબલનાં હુકમને ફગાવીને પોતાની ઘડિયાળનાં સમયે વલસાડ પહોંચી ચુકી હતી. જેવી ગાડી સ્ટેશન પરથી નીકળી એક ચીરપરિચિત ધ્વનિ તેના કાને અથડાયો,"એ કુણાલ!!" કુણાલ આશ્ચર્યનાં ભાવથી તે આગુંતક સામે જોઈ રહ્યો. (ક્રમશ:)


-'ક્ષિતિજ'