કેરી તેરા તીન ગુન રૂપ રંગ ઔર બાસ....!
કેરી તેરા તીન ગુન રૂપ રંગ ઔર બાસ
એક ગુન અવગુન ભયો આઈ ન મેરે પાસ.....!
મારું ચાલે તો ચમનિયાને હું પદ્મવિભૂષણનો એવોર્ડ આપી દઉં. યાર પહેલી જ વાર બુદ્ધિ વાપરવાનું ખાતું એણે આજે ખોલ્યું. મને કહે, ‘ કેરીમાં રસ ને રસ સાથે ગોટલો કોણ મુકતું હશે...? કોઈ ખમતીધર નેતાનું નામ તો લેવાય નહિ. પણ એની એક વાત મને ગમી, કે આ કેરીને તો દુનિયાનું ‘ વર્લ્ડ-ફ્રુટ ‘ નું બિરુદ મળવું જોઈએ. જુઓ ને, કેરીએ ક્યારેય રાષ્ટ્રીય ઓળખ માટે આધાર કાર્ડ બનાવવો પડ્યો નથી. છતાં, બધાનો આધાર બનીને આજે વટ મારે જ છે ને...? એનું નામ કેરી. ને આપણે સાલા હજી આધાર કાર્ડની નકલ લઈને મજનુની માફક ફરવું પડે છે. હનુમાનજીની માફક છાતી ચીરીને ભારતનો નકશો તો બતાવાય નહિ. સિવાય કે, કંઈ બાય પાસ જેવી વેઠ ઉઠાવવાની આવે....!
કેરીની મઘમઘતી મોસમ હોય, ને કેરી જોઈને મોમાં પાણીના ફુવારા છૂટવા માંડે, ત્યારે આપણને પણ જોશ ચઢે કે, કેરીની સીઝનને આમ સાવ સસ્તામાં જવા દેવાય...? એટલે મને પણ આજે કેરી વિષે લખવાની ઉપડી. બાકી, આંબાવાદી ને કેરી વિશેના નિબંધ તો બહુ લખ્યા. પણ આપણા આંગણામાં બાવળિયા સિવાય એકેય ઝાડવું આપણું કહી શકાય એવું હોય નહિ, તો કેરી તો ક્યાંથી પ્રગટ થાય ? લોકોની મઘમઘતી કેરી જોઈને આપણે તો ખાલી મોમાંથી પાણીના ફુવારા જ છોડવાના. ત્યાં સુધી કે, કેરીના ટોપલાવાળા ટોપ ઉપર પહીંચી જતાં, ને આપણું ધોરણ તો ઠીક, કલાસરૂમ ને ક્લાસ ટીચર પણ નહિ બદલાતો...!
અમુક સમયે તો એવો ગેબી વિચાર પણ આવતો કે, આંબાવાડી ધરાવતાં કોઈ પરિવારના પાડોશી હોઈએ તો કેવું સારું ? એને કહેવાય તો ખરું કે, તેલ લેવા ગયું ‘ સ્વચ્છતા અભિયાન ‘ તું તારે કેરી ખાયને છાલ-ગોટલા મારા આંગણામાં જ નાંખજે. આવતાં જતાં ને શું ખબર પડે કે, આ છાલ ગોટલા કોના છે....? મફતમાં આપણી ઈજ્જત વધી જાય દાદુ....!
બધાના નશીબમાં કેરી હોતી નથી. તેમાં સીઝનનો પાક નિષ્ફળ ગયો હોય ત્યારે તો માત્ર કેરીના ભાવ જ સાંભળવાના. જેમ હાડકે પીઠી ચઢવી બધાના નશીબમાં નથી હોતી, એમ કેરી પણ કોઈ ભાગ્યશાળીના ઘરે જ કુમકુમ પગલાં પાડે. બધાના ભાગ્યમાં નહિ હોય. અમુકને તો કેરીની આખ્ખી સીઝન પતી જાય તો પણ, કેરી ચૂસવા નહિ મળે. લોકોએ ફેંકેલા છાલ ગોટલાના જ દર્શન કરવાના. બાકી ભારતમાં કેરીના થતાં વાવેતરના આંકડા જાણીએ તો, આપણી આંખ ફાટ જાય. કહેવાય છે કે, આખી દુનિયામાં વધારેમાં વધારે જો કેરીનું વાવેતર થતું હોય તો તે ભારતમાં થાય. આ દેશમાં ૨૧,૪૩,૦૦૦ હેક્ટરમાં કેરીનું વાવેતર થાય છે બોલ્લો....! ને આખ્ખી ઓવરમાં એક પણ રન લીધા વગર મેઇડન ઓવર જાય, એમ કેરી ચાખ્યા વગર સીઝન ચાલી જાય તો, દુઃખ નહિ લાગે...? એવાં તો કેવાં કરમ કરી નાંખ્યા કે, કેરીના દર્શન કરવા માટે માત્ર તેના ફોટા જ જોવાના....?
પૈણવા વગરના વાંઢા રહી જવું અને કેરી ખાધાં વગરના રહી જવું વચ્ચે, કાશ્મીરથી કન્યાકુમારી જેટલું લોંગ ડીસટન્ટ છે, એમ સમઝી શકાય. લગનની આખી વાત જ અલગ છે મામૂ....! છોકરાઓની સંખ્યા સામે, છોકરીઓનો જન્મદર જ ઓછો હોય તો બરફીવાળા પૈણી જાય ને ચટણીવાળા ભલે ‘ છોલે ભગો દાજી ‘ જેવાં રહે, એ માની લેવાય. પણ આખી દુનિયામાં જે દેશનું કેરીનું વાવેતર ટોપમાં હોય, ત્યાં કેરીમાં આવી કયામત...? આપણા કરતાં તો ઢોર ઢાંખર સારાં કે, રોડે રવળતી કેરી પણ એમને ખાવા મળે. ને આપણે માત્ર હોઠ જ મમરાવવાના...? કેવી વેદના થાય દાદુ...? ભારતમાં જનમ લીધાનો ફાયદો શું...? એના કરતાં આપણને સહરાના રણમાં જ ઠાલવ્યા હોત તો....? ખજૂરના ઠળીયા તો કાઢયા હોત...? ને આપણે પાછાં હરખઘેલા થઈને એવી ગુલબાંગ ઠોકીએ, કે, ‘ પ્રભુના આપણે કેવાં લાડકા દીકરા છીએ કે, પ્રભુએ આપણને કેરીના દેશમાં જનમ આપ્યો...! થાય એવું કે, કુંવારો જેમ લોકોના વરઘોડા જોઈને રાજી થાય, એમ આપણે માત્ર લોકોએ ચૂસેલા ગોટલાના જ દર્શન કરવાના...! આપણાથી સાલું સહન નહિ થાય કે, આપણને કેળાં ખાવા ભારતમાં જનમ આપેલો કે, કેરી ખાવાં.....?
એમાં પાછાં વલસાડ જેવાં કેરીના વિસ્તારમાં રહેતાં હોઈએ એટલે, લોકો પાછાં દાઝ્યા ઊપર ડામ લગાવે કે, રમેશ ચાંપાનેરીને તો ઘી કેળાંને બદલે, કેરીનો મુરબ્બો છે બોસ...! એના કપાળમાં કાંદા ફોડું, આપણું મન જાણે કે, આપણા નશીબમાં તો કાગડાઓ એવો પ્રવાસ કરી ગયેલાં છે કે, કેરી તો શું, સુંઘવા માટે કાંદો પણ નશીબમાં નથી મળતો....! અમારે કાંદો ખાવા માટે પણ કોઈ ખાનદેશીને શોધવા પડે છે. આંબાના ઝાડવાં સાથે સેલ્ફી લઈને જ રાજીના રેડ થતાં હોઈએ, ને કોઈ આવું કહી જાય તો ચચરે તો ખરું ને દાદુ...? થવું પડે છે....! જીસકો દેતા હૈ, ઉસકો છપ્પર ફાડકે કેરી દેતા હૈ, ઔર હમારે નશીબમેં કેરી તો ક્યા, ગોટલા ભી ઉંધા વળી જાતા હૈ...! ‘ ( ભાષા નહિ જોવાની, ભાવ જોવાનો....! )
આને કહેવાય કુદરતની માયાજાળ. દાંત હોય ત્યારે પોચું પોચું ચાવવા આપે, ને દાંત જાય ત્યારે કાઠીયાવાડના વણેલા કઠણ ગાંઠિયા ખાવા આપે. સાલી આપણી આખ્ખી યુવાની ખીચડી કઢી કે દાળ-ભાતમાં કાઢવાની, ને જીભે જયારે કેરી ખાવાના ચટાકા વધવા માંડે ત્યારે, શરીરમાં ડાયાબીટીશ દેવની પધરામણી થાય. એમાં ડોકટર જયારે કેરી ખાવાનું બંધ કરાવી દે, ત્યારે તો એવું લાગે કે, જાણે ઘરવાળીએ છૂટાછેડા આપવાની નોટીશ નહિ મોકલાવી હોય...? ધનુર તો ત્યારે ઉપડે કે, હરખભેર કોઈના લગનમાં જમવા જઈએ, ને ત્યાં રસપૂરીનું જ જમણ હોય. સાલું નહિ રહેવાય કે નહિ સહેવાય...! જીભ રસપૂરી ખાવા અંદરથી લપકારા મારતી હોય, ને ડાયાબીટીશ માથે ડાંગથી ડીંફળા મારતો હોય કે, ખબરદાર જો રસપૂરીને અડક્યો છે તો....! એના કપાળમાં કાંદા ફોડું....!!
જે કહો તે, કેરી બનાવીને ભગવાને ગજબની કમાલ કરી છે હોં....! માણસને જુદાં જુદાં ન્યાત/ધર્મવાળા અવતાર આપ્યાં, એમ કેરીમાં પણ જાત જાતની ન્યાત....! એના નામ વાંચીએ તો એમ જ લાગે કે, ફિલમના હીરો- હિરોઈનના નામ આ કેરીના નામ ઉપરથી જ પડ્યા હશે. જેમ કે, કેસર, હાફૂસ, લંગડો, રાજાપૂરી, તોતાપુરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી, બેગમપલ્લી, વનરાજ, જમાદાર, મલ્લિકા, રત્ના, દાડમ ને દેશી વગેરે....! પાછો બધાનો સ્વાદ પણ અલગ, ને દરેકનો ભાવ પણ અલગ. માણસનું પણ એવું જ છે ને દાદુ...?
ખરેખર સાધુ સંતોએ એટલે જ કહ્યું છે કે, મોહ માયાનો માણસે ત્યાગ કરવો જોઈએ. રૂપ રંગ ને સુગંધ જોઈને લાવેલા કેરી, સંભવ છે કે, કાર્બાઈડ પાઉડરથી પકવેલી પણ નીકળે. બ્યુટીપાર્લરવાકી વાઈફ ચલાવી લેવાય યાર, પણ કેરી તો નહિ જ....!!
***