Devil - EK Shaitan -12 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૧૨

Featured Books
Categories
Share

ડેવિલ એક શૈતાન-૧૨

ડેવિલ : એક શૈતાન

ભાગ-૧૨

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું..અર્જુન દ્વારા હત્યારા દૈત્ય ને મારી નાંખ્યા બાદ રાધાનગરમાં શાંતિ નું મોજું ફરી વળે છે-અર્જુન ને ફરીથી બીજો એક રહસ્યમયી લેટર મળે છે-નાગેશ ની લાશ ને કબર માં થી ચોરનાર માણસ દ્વારા આરઝુ નામ ની મહિલા ની લાશ પણ કબરમાંથી ચોરવામાં આવે છે-વેલેન્ટાઈન દિવસ ના બીજા દિવસે એક વ્યક્તિ કોઈ હત્યાકાંડ ની જાણ કરવા પોલીસ સ્ટેશન માં આવે છે-અર્જુન અને નાયક નીકળી પડે છે હત્યાકાંડ ની તપાસ માટે-હવે વાંચો આગળ..

હત્યાકાંડ ની ખબર આપવા આવેલા જીવનલાલ ની સાથે અર્જુન અને નાયક શ્રીજી ફાર્મહાઉસમાં પહોંચે છે.ફાર્મહાઉસ માં થયેલા હત્યાકાંડ વિશે સાંભળી આજુબાજુ રહેતા થોડા માણસો અને ફાર્મહાઉસ પર કામ પર રાખેલા લોકો અત્યારે ઘટના સ્થળે હાજર હતા.

જીપ ને થોભાવી અર્જુન અને નાયક નીચે ઉતરી ફાર્મહાઉસ ના મુખ્ય ગેટ માંથી અંદર પ્રવેશે છે.અત્યારે લોકો નું ટોળું ફાર્મહાઉસ માં આવેલા સ્વીમીંગ પુલ જોડે એકઠું થયેલું હતું.

"સાહેબ ત્યાં ચાલો"જીવનલાલ એ અર્જુન એ એ ટોળા તરફ લઈ જતાં કહ્યું.

અર્જુન અને નાયક લોકો ને દુર ખસેડતાં ખસેડતાં સ્વીમીંગ પુલ ની નજીક આવ્યા.પુલ ના પાણી માં દેખાતો નજારો કોઈના પણ હોંશ ઉડાવી દેવા કાફી હતો.

પુલ ના એક તરફ નું પાણી લોહી ના લીધે લાલ થઈ ગયું હતું.પુલ ની સાઈડ પર એક છોકરી ની વિકૃત હાલત માં લાશ હતી.એ છોકરી અત્યારે બિકીની માં હતી.એનો એકતરફ નો ચહેરો ફાડી ને ચીરી નાંખ્યો હોય એવું લાગતું હતું.કાપયેલા ચહેરામાંથી એના જડબું અને દાંત નો ભાગ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.અર્જુને નજીક જઈને માર્ક કર્યું તો એ યુવતી નું શરીર અત્યારે ફિક્કું પડી ગયું હોય એવું લાગતું હતું જાણે કે એના દેહ માં લોહી વધ્યું જ ન હોય.

યુવતી ની લાશ જે તરફ પડી હતી એની સામે ની તરફ સ્વીમીંગ પુલની અંદર પાણીમાં એક યુવક ની લાશ તરતી દેખાઈ રહી હતી.જોડે આવેલા કોન્સ્ટેબલો ને કહી અર્જુને એ યુવક ની લાશ ને પણ બહાર કઢાવી મૃત પડેલી યુવતી ની લાશ જોડે રાખી દીધી.એ યુવક ની છાતી નો ભાગ માં ચીર ફાડ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું હતું.અર્જુને નોંધ્યું યુવક નું હૃદય એના સ્થાને મોજુદ નહોતું.

"જીવનકાકા આ બંને યુવક યુવતી કોણ છે,અને એમની આવી હત્યા કોને કરી હશે એ વિશે આપ કંઈ જણાવી શકશો?"અર્જુને જીવનભાઈ ને ઉદ્દેશીને કહ્યું.

"સાહેબ આ બંને રાતે જ્યારે નાના શેઠ ગાડી લઈને આવ્યા ત્યારે જોડે હતા..આમ તો હું રાતે અહીં જ રોકાણ કરું છું પણ કાલે નાના શેઠ ના કહેવાથી હું ઘરે ચાલ્યો ગયો..સવારે આવીને જોયું તો સ્વીમીંગ પુલ જોડે આ બંને યુવક યુવતી ને જોયા એટલે તરત જ મારા દીકરા રાધે ને અહીં ઉભો રાખી પોલીસ સ્ટેશન આવ્યો"જીવનભાઈ એ હાથ જોડી કહ્યું.

"વિનાયક ભાઈ ને જાણ કરી દીધી?અને રાતે તમારા નાના શેઠ આવ્યા હતા તો અત્યારે એ ક્યાં છે?"અર્જુને પોલીસ કાર્યવાહી અનુરૂપ સવાલો પૂછવાનું ચાલુ રાખ્યું.

"હા મોટા શેઠ ને મારા દીકરા રાધેએ કોલ કરી જણાવી દીધું આ ખુની ઘટના વિશે,એ હમણાં આવતાં જ હશે.સાહેબ મારા નાના શેઠ ના જોડે એમની પ્રેમિકા પૂર્વી મેડમ અને બીજુ એક યુગલ પણ આ યુવક યુવતી સિવાય કાર માં જ હતું"જીવનભાઈ એ કહ્યું.

"એનો મતલબ ત્રણ યુવક અને ત્રણ યુવતી ઓ કુલ મળીને છ લોકો હતા..અહીં ૨ લોકો ની લાશ પડી છે તો બીજા ૪ લોકો અત્યારે ક્યાં છે?"અર્જુને પૂછ્યું.

"એતો સાહેબ ખબર નહીં, હું તો આ દ્રશ્ય જોઈ તાત્કાલિક દોડતો તમારા જોડે આવ્યો હતો..નાના શેઠ ની કાર સામે જ પડી છે એનો મતલબ એ પણ અહીં ક્યાંક જ હશે."જીવન કાકા એ સામે બિલ્ડીંગ જોડે પડેલી XUV કાર બતાવતા કહ્યું.

થોડીવાર માં એક ઓડી કાર ફાર્મહાઉસ ના ગેટ થી અંદર આવતી દેખાઈ.કાર માંથી એક શૂટ બુટ માં સજ્જ વ્યક્તિ નીચે ઉતર્યા,એમને જોતાંજ અર્જુન ઓળખી ગયો કે એ માણસ બીજું કોઈ નહીં પણ ફાર્મહાઉસ ના માલિક અને શહેર ના જાણીતા વકીલ વિનાયક પંડિત હતા.

વિનાયક પંડિત અર્જુન તરફ ચાલીને આવ્યા અને કહ્યું "હેલ્લો ઇન્સ્પેક્ટર આ બધું શું છે?"

"આ બધા વિશે તમારા દીકરા ને વધારે ખબર હોવી જોઈએ,સાંજે એ પોતાના બીજા ૫ મિત્રો સાથે આવ્યો હતો એમાંથી ૨ અહીંયા મૃત હાલત માં છે અને તમારા દીકરા સહિત અન્ય ચાર નો પત્તો નથી"અર્જુને પોતાના અવાજ માં થોડી કડકાઈ લાવતા કીધું.

"શું મારો દીકરો પણ આમના જોડે જ આવ્યો હતો? તો અત્યારે એ ક્યાં છે?"ચિંતાયુક્ત સ્વરે વિનાયક પંડિતે પૂછ્યું.

"એ માટે પહેલાં આ ફાર્મહાઉસ માં સઘન તપાસ અને શોધખોળ કરવી પડશે"અર્જુને વિનાયક પંડિત ને ઉદ્દેશીને કહ્યું.

"નાયક આ ફાર્મહાઉસ ની બિલ્ડીંગ અને નાનામાં નાની જગ્યા માં શોધખોળ ચાલુ કરી દે.દેવાંગ અને એના બીજા ત્રણ મિત્રો ક્યાં છે સૌપ્રથમ એ જાણવું જરૂરી છે.એમના મળ્યા પછી જ આગળ ની કાર્યવાહી ને અંજામ આપી શકાશે.!

અર્જુન ની વાત સાંભળી નાયક સહિત પોલીસ ના અન્ય કોન્સ્ટેબલ ફાર્મહાઉસ નો ખૂણેખૂણો ખૂંદવાની કોશિશ માં લાગી ગયા.ફાર્મહાઉસ ની બિલ્ડીંગ માં પ્રવેશતા જ અર્જુન ની નજર ઉપર ના માળે જતા મુખ્ય દાદર પર પડી..શ્વેત આરસપહાણ ની બનેલી દાદર પર એક યુવક નો લોહી થી ખરડાયેલો દેહ પડ્યો હતો.

અર્જુન અને નાયક દોડીને દાદર ચડી ને એ યુવક જોડે જોડે ગયા,અર્જુને જઈને તરત જ એ યુવક ના દેહ નો હાથ પકડી ને જોયું તો એ મૃત માલુમ પડ્યો.

"નાયક આ પણ ડેડ છે...અને આના છાતી ના ભાગ પરથી એવું લાગે છે કે આનું હૃદય પણ એના સ્થાને હાજર નથી."અર્જુને નાયક સામે જોઈ કહ્યું.

"સાહેબ હજુ આપણે ઉપર જઈને જોવું જોઈએ,મારુ મન કહે છે હજુ પણ વધુ લાશો આ ફાર્મહાઉસ માંથી મળવાની શક્યતા છે"નાયકે કહ્યું.

નાયક અને અર્જુન દાદર ને ચડી ને ઉપર ની તરફ ગયા એવી જ એમની નજર સામે એક યુવતી ની બિહામણી હાલત માં લાશ હતી,એ યુવતી ના દેહ ને દીવાલ માં રહેલા લોખંડ ના સળિયા પર લટકાવી દેવામાં આવી હોય એવું લાગી રહ્યું હતું.એ યુવતી ની પીઠ માંથી સળિયો પેટ ને ચીરતો આરપાર નીકળી ગયો હતો. એકવાર તો અર્જુન જેવા બાહોશ ઓફિસર ને પણ એ ભોગ બનેલી યુવતી ની આવી ભયંકર હાલત માં થયેલી હત્યા ને જોઈ કપાળે પરસેવો વળી ગયો.

અર્જુને નાયક જોડે એક ખુરશી મંગાવી એ યુવતી ની સળિયા પર ટીંગાઈ રહેલી લાશ ને હેઠે ઉતારી ને ત્યાં ફર્શ પર નીચે મૂકી.અર્જુને જોયું તો નીચે મળેલી યુવતી ની માફક આ યુવતી નો દેહ પણ લોહી ની માત્રા ની કમી ના કારણે ફિક્કો પડી ગયો હતો.

"નાયક ચાર ચાર લાશો મળી આવે છે અને હજુ બીજી બે જોવા મળવાની શક્યતા નકારી શકાય એમ નથી"અર્જુને પહોળી થઇ ગયેલી યુવતી ની આંખો ને બંધ કરતા કહ્યું.

"હા સર,હું હમણાં જ ફોરેન્સિક ટીમ અને ફોટોગ્રાફર ને કોલ કરી અહીં આવવાનું જણાવી દઉં ત્યાં સુધી તમે અહીં આવેલા રૂમ ની તલાશી લઈ લો,બહાર ઉભેલા વિનાયક પંડિત ને પણ બોલાવી લઈએ જેથી આ બધી લાશો ની ઓળખાણ કરવામાં સરળતા રહે..."નાયકે કહ્યું.

દાદર પર રહેલી લાશ ને પણ એ યુવતી ની લાશ જોડે રખાવી અર્જુન ઉપર ના માળે આવેલા રૂમ ની તલાશી લેવાની શરૂ કરે છે.આ ચાર યુવક યુવતીઓ ની લાશ જોઈને અર્જુન મનોમન સમજી જાય છે કે એને મળેલા રહસ્યમયી લેટર નો અર્થ શું નીકળતો હતો."સૂર્ય આથમતો નથી"એનો મતલબ એવો જ હશે કે દૈત્ય ની શકલ માં નાગેશ ને મારી ને પણ આ હત્યાઓ નો સિલસિલો અટકવાનું નામ લેવાનો નહોતો.કોઈતો એવું હતું જે આ બધું કરાવી રહ્યો હતું પત્ર ના નીચે લખેલા ડેવિલ ના નામ મુજબ હકીકત માં એ એક શૈતાન જ હતો.!

ફાર્મહાઉસ ના ઉપર ના માળે ૪ રૂમ આવેલા.વિનાયક પંડિતે મોજશોખ માટે આ રૂમ નું નિર્માણ કર્યું હોય એવું લાગી રહ્યું હતું.જેનો ઉપયોગ એમનો પુત્ર એની મોજ મજા માટે કરતો હશે એવું અર્જુન ને લાગ્યું.

અર્જુને ૩ રૂમો ની તલાશી તો લઈ લીધી હતી પણ એને ત્યાં કંઈ મળ્યું નહીં.. છેલ્લા અને ચોથા રૂમ નો દરવાજો અડધો ખુલ્લો હતો, અર્જુને એ દરવાજા ને ખોલી અંદર પગ મૂક્યો તો અંધારા ને લીધે એને સ્પષ્ટ દેખાયું નહીં.અર્જુને સ્વીચબોર્ડ શોધી એકપછી એક બધી સ્વીચો ઓન કરી.લાઈટ ચાલુ થતા જ રૂમ માં રેલાયેલા પ્રકાશ માં અર્જુન નું ધ્યાન પલંગ પર પડ્યું.

પલંગ પર એક ૨૫ વર્ષ નો યુવાન ઊંધા મોંઢે પડ્યો હતો..કોન્સ્ટેબલ ને કહી અર્જુને એ યુવાન ને સીધો કરાવ્યો.એ યુવક ની આંખો ફોડી નાખવામાં આવી હતી અને બીજા મૃત મળેલા યુવકો ની જેમ એનો પણ છાતી નો ભાગ ચીરી ને હૃદય કાઢી લેવામાં આવ્યું હોય એવું લાગતું હતું.

થોડીવાર થઈ હશે ત્યાંતો વિનાયક પંડિત દોડતા દોડતા એ રૂમ માં આવ્યા જ્યાં અર્જુન હાજર હતો.રૂમ માં પ્રવેશતા જ એમની નજર પલંગ પર પડેલી લાશ પર પડી તો એ પોક મૂકીને રડતા રડતા એ લાશ ને ભેટી પડ્યા.

"દેવાંગ...મારા દેવાંગ...તને આ શું થયું...તારી આ હાલત કોને કરી મારા દીકરા..."પોતાના એકના એક વ્હાલસોયા પુત્ર ને ખોવાનું દુઃખ એમના શબ્દો માં છલકી રહ્યું હતું.

અર્જુને નાયક ને આંખ ના ઈશારા વડે લાશ થી અળગા કરવા કહ્યું.થોડો સમય વિનાયક ભાઈ ને એમના દિલ નો ભાર હળવો કરવા દીધા પછી નાયકે એમને સાંત્વના આપી અને બહાર લઈ ને એક ખુરશી માં બેસાડી દીધા.બહાર ગયા પછી પણ એમનું આક્રંદ અર્જુન ના કાને હજુ સંભળાઈ રહ્યું હતું.

વિનાયક ભાઈ ને પાણી પીવડાવી અને થોડા શાંત કરી નાયક અર્જુન ના જોડે પાછો આવે છે અને કહે છે"દેવાંગ પંડિત અને એના ચાર મિત્ર એમ મળી કુલ પાંચ લાશો મળી ગઈ...નીચે સ્વિમિંગ પુલ જોડે મળેલી લાશો ની ઓળખાણ વિનાયક ભાઈ એ ઋત્વિ અને નિમેષ તરીકે આપી જ્યારે દાદરા જોડે મળેલી લાશો ની ઓળખાણ પાયલ અને વિશાલ તરીકે..."

"જીવનભાઈ એ કીધા મુજબ દેવાંગ જોડે એની પ્રેમિકા પૂર્વી પણ હતી...એનો મતલબ એમ કે હજુ પૂર્વી ને શોધવાની બાકી છે..ભગવાન કરે એની લાશ ના જોવી પડે"અર્જુને કહ્યું.

અર્જુન દેવાંગ ની લાશ પડી હતી એ રૂમ માં આવ્યો ત્યાર થી એના નાક માં કંઈક વિચિત્ર સુગંધ નો અહેસાસ આવી રહ્યો હતો,અર્જુન ને ખબર ના પડી કે આ સુગંધ શેની છે. પણ વધુ પડતી સુગંધ ના લીધે એને માથા માં દુખાવો ઉપડતા એને રૂમ ની બાલ્કની નો દરવાજો ખોલ્યો.

રૂમ ની બાલ્કની ઘણી વિશાલ હતી,ત્યાં ભાત ભાતનાં છોડ ને કુંડા માં રાખવામાં આવ્યા હતા.અર્જુન ની નજર અચાનક કુંડા પાછળ રહેલી માનવ આકૃતિ પર પડી એટલે એને પોતાની રિવોલ્વર હાથ માં લઇ "જે હોય એ ચુપચાપ બહાર નીકળી જાય "એવું કહ્યું.

અર્જુન ના ધમકીભર્યા શબ્દો ની જાણે કંઈ અસર ના થઇ હોય એમ એ વ્યક્તિ તરફથી કોઈ પ્રતિભાવ પ્રાપ્ત ના થયો.અર્જુને થોડી હિંમત કરીને એ તરફ ડગ ભર્યા..અર્જુન ના આગળ વધવા છતાં એ કોઈ હિલચાલ એ તરફ થી ના થતા અર્જુન ને નવાઈ લાગી.

હવે અર્જુને ત્યાં પડેલા છોડ ને દુર કરી ને જોયું તો ત્યાં કોઈ યુવતી હતી.એ યુવતી ની આંખો બંધ હતી.અર્જુને એનો હાથ પકડી જોયું તો એનો શ્વાસ હજુ ચાલતો હતો.અર્જુને મનોમન વિચાર્યું કે આ યુવતી બીજું કોઈ નહીં પણ પૂર્વી જ છે.

"નાયક જલ્દી થી અહીં આવ"ફોટોગ્રાફર જોડે ઉભેલા નાયક ને બુમ પાડી અર્જુને કહ્યું.

"બોલો સર"નાયકે ફટાફટ બાલ્કની માં આવી કહ્યું.

અર્જુન ના કંઈ બોલ્યા પહેલા જ નાયક બધું સમજી ગયો."સાહેબ આ પૂર્વી જ લાગે છે..શું હજુ એ જીવે છે?" નાયકે પૂછ્યું.

"હા નાયક મને પણ લાગે આ જ પૂર્વી છે..આનો શ્વાસ હજુ ચાલે છે..તું મદદ કર આને અહીં થી અંદર સુધી લઈ જવામાં"અર્જુને કહ્યું.

અર્જુન અને નાયક એ યુવતી ને ઉપાડી ને અંદર લાવ્યા.ફોટોગ્રાફર અને ફોરેન્સિક ટીમ દ્વારા પોતપોતાનું કામ ચાલુ જ હતું.આટલી બધી લાશો જોઈને નાયકે વધુ પોલીસકર્મીઓ ને શ્રીજી ફાર્મહાઉસ માં આવવા કહી દીધું હતું.

અર્જુને થોડું પાણી એ યુવતી ના મોં પર છાંટી ને એને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો...૩-૪ વાર પાણી નો છંટકાવ કર્યા ની સાથે એ યુવતી એ આંખો ખોલી...આંખો ખોલતાની સાથે એ જોર જોર થી ચીસો પાડી ને ચિલ્લાવા લાગી" ખુન ખુન.. કોઈ બચાવી લો મારા દેવાંગ ને...!

આટલું બોલી એ યુવતી ફરી બેહોશ થઈને ઢળી પડી..

"સાહેબ,જરૂર આ છોકરી એ દેવાંગ અને બીજા એના મિત્રો ની હત્યા થતાં નરી આંખે જોઈ છે.જેના લીધે આ છોકરી ખૂબ ડરી ગઈ છે..આને તાત્કાલિક દવાખાને એડમિટ કરાવી પડશે"નાયકે યુવતી સામે જોઈ અર્જુન ને કહ્યું.

"હા નાયક તું આને લઈને સિટી હોસ્પિટલ પહોંચ..હું ત્યાં સુધી અહીં ની બીજી કાર્યવાહી પતાવું છું."અર્જુને જવાબ આપ્યો.

ફોરેન્સિક ટીમ,ફોટોગ્રાફર અને પોલીસ કર્મચારીઓ દ્વારા શ્રીજી ફાર્મહાઉસ માં બનેલા આ ગોઝારા હત્યાકાંડ ની નાના માં નાની વિગતો એકઠી કરવામાં આવી.આ બધી પ્રક્રિયા માં લગભગ ત્રણ કલાક જેટલો સમય વીતી ગયો.એમ્બ્યુલન્સ વડે પાંચેય લાશો ને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી.

પૂર્વી ને ગ્લુકોઝ ના બાટલા ચડાવામાં આવ્યા હતા,હજુપણ પૂર્વી ની તબિયત વધુ સારી નહોતી.વચ્ચે વચ્ચે એને ભાન આવતું પણ ભાન આવતા ની સાથે ખુન ખુન... દેવાંગ ને બચાવો એવી બુમો પાડી પાછી બેભાન થઈ જતી.ડોક્ટરે હજુ એને સારું થતા ૨-૩ દિવસ નો ટાઈમ લાગશે એવું નાયક ને જણાવી દીધું.

પૂર્વી ના અને બીજા ભોગ બનેલા યુવક યુવતી ના ફેમિલી મેમ્બર નો પણ કોન્ટેક્ટ કરી આ ઘટના ના વિશે જણાવી દેવામાં આવ્યું હતું.સાંજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી ભોગ બનેલા પાંચેય યુવક યુવતીઓ ના બોડી એમના પરિવાર ને સુપ્રત કરી દેવામાં આવ્યા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મૃત મળેલી બંને યુવતીઓ ના શરીર માંથી મોટા ભાગ નું રક્ત ચુસી લેવામાં આવ્યું હતું.લોહી ની ઉણપ ના લીધે એમની હાર્ટ બીટ ઘટી ગઈ અને એ મોત ને ભેટી.ત્રણેય યુવકો નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સરખો હતી.ત્રણેય નું ગળું દબાવતા દમ ઘોંટવાના લીધે અવસાન થયું હતું.સાથેસાથે ત્રણેય ની છાતી ચીરી ને હૃદય કાઢી નાખવામાં આવ્યા હતા..

ઘણી જગ્યા એ ફાર્મહાઉસ માં પંજા ના નિશાન ફોરેન્સિક ટીમ ને મળ્યા હતા પણ ક્યાંય કોઈ પ્રકારની ફિંગરપ્રિન્ટ નહોતી.યુવકો ના ગળા પર પણ હાથ થી દબાવના લીધે ચિહ્નો ઉપસી આવ્યા હતા..પણ આશ્ચર્યજનક બાબત એ હતી કે ત્યાં પણ ફિંગરપ્રિન્ટ મોજુદ નહોતી.!

અર્જુન રાત ના ૮ વાગ્યા આજુબાજુ પોતાની કેબીનમાં બેઠો બેઠો વારાફરતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ પર નજર કરી રહ્યો હતો.

"જો મારો શક ખોટો ના હોય તો પહેલાં થયેલા હુમલા ની જેમ આ પણ એક અસામાન્ય હુમલો જ છે.કોઈ શાતિર વ્યક્તિ નો હાથ આ બધી ઘટના પાછળ છે.એ માણસ જ આ બધું કરાવે છે.જો એકવાર એ શૈતાની દિમાગ ધરાવતા માણસ નો આ બધું કરાવવા પાછળ નો હેતુ સ્પષ્ટ ખબર પડે તો આગળ વધી શકાય"

અર્જુન સિગરેટ પીતાં પીતાં મનોમન બબડયો.

"જો સાચે જ હું વિચારું છું એમ આ હત્યાકાંડ પાછળ ગઈ વખત ની જેમ જ કોઈ વિકરાળ દૈત્ય નો હાથ હશે તો ફરીવાર એને મોત ને ઘાટ ઉતારવામાં ભારે મહેનત કરવી પડશે.હવે બીજી આવી ઘટના બનવાની રાહ જોયા કરતા કંઈક એકશન તો લેવી જ પડશે."અર્જુન મનોમન વિચારી રહ્યો હતો.

"નાયક મારી કેબીન માં આવ"અર્જુને નાયક ને બુમ પાડી કહ્યું.

અર્જુન નો અવાજ સાંભળી નાયક પળવારમાં તો અર્જુન ની કેબીન માં આવી ગયો.

"બોલો સાહેબ,મારે લાયક કંઈ સેવા"નાયકે અદબ સાથે પૂછ્યું.

"નાયક પેલી ફાર્મહાઉસ માં મળેલી છોકરી ની હાલત કેવી છે...?"અર્જુને પૂછ્યું.

"આમ તો સારું છે..પણ હજુ સંપૂર્ણ સ્વસ્થ થતા બીજા ૨ દિવસ લાગશે..પછી જ એ કંઈ જણાવવા માટે સમર્થ થશે..અત્યારે એની ફેમિલી એના જોડે જ છે..અને મેં અશોક ને ત્યાં ગોઠવી દીધો છે..સાવધાની રૂપે"નાયકે ડિટેઇલ માં કહ્યું.

"સરસ..તો આપણે હજુ ૨ દિવસ રાહ જોવી પડશે એમજ ને..પણ નાયક મારા મતે આ હુમલો કોઈ માનવ દ્વારા કરવામાં આવેલ કૃત્ય નથી.."અર્જુને ચીંતા ના સુર માં કીધું.

"એનો મતલબ હું વિચારું છું એમજ તમે વિચારી રહ્યા છો.."નાયકે કહ્યુ.

"હા નાયક ,આ હુમલો પણ આગળ બનેલા હુમલા ની માફક કોઈ શૈતાની શક્તિ દ્વારા થયેલો હોવો જોઈએ"અર્જુને શંકા અને ભય મિશ્રિત સ્વરે કીધું.

"હા સાહેબ નિખિલ રૂપી દૈત્ય નો સામનો થયા બાદ હું પણ આ બધી શૈતાની શક્તિઓ ની વાત પર વિશ્વાસ કરવા લાગ્યો છું..અને જે રીતે ભોગ બનનારા માસુમ યુવક યુવતીઓ ની કરપીણ હત્યા કરાઈ છે એ આપણી શંકા નું પુરેપુરુ સમર્થન જરૂર કરે છે"નાયકે અર્જુન ના સુર માં સુર પરોવતાં કીધું.

"નાયક આપણે અત્યારે બીજો હુમલો થવાની રાહ બેસી રહી શકીએ નહીં. પૂર્વી ભાન માં આવે ત્યારની વાત ત્યારે પણ આજ રાત થી જ આપણે પહેલાં ની જેમ જ રાધાનગર ને સુરક્ષિત કરવાના કાર્ય માં લાગી જવું પડશે."અર્જુને કહ્યું.

"જી સર..હું બધા ને જાણ કરી દઉં.."આટલું કહી નાયક અર્જુન ની કેબિનમાંથી બહાર જાય છે.

જમવાનું પતાવીને અર્જુન અને એનો પૂરો સ્ટાફ પાછા લાગી જાય છે...રાધાનગર ના લોકો ની જીંદગી ની રક્ષા માં.....

To be continued........

અર્જુન નો શક સાચો હતો કે આ હત્યાકાંડ શૈતાની તાકાતો ના જોરે થયેલો છે? પૂર્વી એ શું જોયું હતું? અર્જુન અને એની ટીમ રાધાનગર ને કઈ રીતે સુરક્ષિત રાખી શકશે? આ બધા હત્યાકાંડ પાછળ કોણ હતું? આ બધા સવાલોના જવાબ આવતા સપ્તાહે. વાંચતા રહો ડેવિલ એક શૈતાન.. આ નોવેલ અંગેનો આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવવા વિનંતી.

ઓથર:- જતીન.આર.પટેલ