Cable Cut - 18 in Gujarati Fiction Stories by Rupen Patel books and stories PDF | કેબલ કટ, પ્રકરણ ૧૮

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

કેબલ કટ, પ્રકરણ ૧૮

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧૮

કેન્ટીનમાં કોફી પીને ખાન સાહેબ પોતાની ઓફિસમાં પરત ફરે છે અને પિંટોને પુછપરછ માટે બોલાવે છે. પિંટો ઓફિસમાં આવતાં સાથે જ ખાન સાહેબ કહે છે, “બધું વિચારી લીધું ને. હવે મારા પ્રશ્નનોના સીધા જવાબ આપવાનું શરુ કરો.”

“હા સાહેબ. બબલુ શેઠે ઘણી બધી છોકરીઓ સાથે સંબંધો રાખ્યા હતાં. તેમાંથી કેટલીક છોકરીઓએ જાણી જોઇને સંબંધો રાખ્યા હતાં અને તેનો ફાયદો પણ ઉઠાવ્યો હતો અને કેટલીક બબલુની જાળમાં ફસાઈ ગઈ હતી. સમયજતા તેમાંની કેટલીક છોકરીઓ ગાયબ પણ થઇ ગઈ હતી.”

“ફાયદો ઉઠાવ્યો એટલે શું ? કેવી રીતે ફાયદો ઉઠાવ્યો ? વાત સમજાવ અમને.”

“એટલે એમ કે બબલુએ તે છોકરીઓ સાથે રીલેશન રાખ્યા અને પછી એ છોકરીઓએ બબલુ પાસેથી રૂપિયા પડાવ્યા હતાં.”

“પણ બબલુ જેવો લુખ્ખો માણસ આમ રૂપિયા શા માટે આપે. એવી તો કઈ વાત હશે તે માટે થઈને બબલુ રૂપિયા ચુકવે. બબલુ ધારે તો તે છોકરીઓને બદનામ કરવાના બહાને હેરાન કરે તેવો માણસ હતો.”

પિંટો બોલતાં બોલતાં અટકી ગયો. તેને કઈ રીતે જવાબ આપવો તે સૂઝતું ન હતું. તે મગજમાં વાક્યો ગોઠવતો હતો પણ બોલી શકતો ન હતો. બબલુના ચહેરાના ભાવ જોઈ ખાન સાહેબ બોલ્યા, “પિંટો, કંઈપણ છુપાવાની કોશિશ ના કરીશ, નહિતર પછી તને ભારે પડશે.”

“તમારાથી કંઈપણ નહી છુપાવું. મને કેવી રીતે કહેવું તે સમજાતું નથી.” પિંટો ડરતાં સ્વરે બોલ્યો.

“વાંધો નહિ. વિચારીને બોલ પણ સાચું જ બોલ.”

“સાહેબ, બબલુ લોકોથી કંઇક ખાનગી રાખવા માંગતો હતો અને તે છોકરીઓ એજ વાતનો ફાયદો ઉઠાવી તેની પાસેથી રૂપિયા પડાવતી હતી.”

“બબલુ શું ખાનગી રાખવા માંગતો હતો ?”

“એમાં એવું હતું ને ...”

“એવું ને તેવું નહી. સીધી વાત કર.’ ખાન સાહેબ અકળાઈને બોલ્યાં.

“બબલુ નપુંસક હતો એ વાત છુપાવવા તે છોકરીઓને રૂપિયા આપતો હતો.”

“ઓહ ! એમ વાત હતી. પણ બબલુ ધારે તો તે છોકરીઓને કોઈપણ રીતે પતાવી પણ શકે તેમ હતો. તો પછી ..”

“હા બબલુ બધું કરી શકે તેમ હતો પણ તેની પણ કેટલીક મજબુરી હશે એટલે. વધુ મને ખબર નથી સાહેબ.”

“અને એ છોકરીઓના નામ યાદ કર અને મને જણાવ.”

“નામ માં એવું છે ને સાહેબ. હું બધાને નહોતો ઓળખતો પણ જે છોકરીઓ બ્લેકમેલ કરતી તેના નામ મને ખબર છે અને સરનામાં પણ ખબર છે. હું તેમના ઘરે રૂપિયા આપવા જતો હતો એટલે જે જાણું છું તે તમને કહીશ.”

“ઓકે. એ છોકરીઓના નામ અને સરનામાં ઇન્સ્પેકટર નાયકને સ્ટેટમેન્ટમાં લખાવી દે. અમને સહયોગ કરવા બદલ આભાર અને આગળ પણ જરૂર પડે મદદ કરીશ એવી આશા સાથે તને ઘરે જવા દેવામાં આવે છે.” ખાન સાહેબ પિંટોના ખભે હાથ મુકી ઉતાવળા સ્વરે બોલ્યા.

ખાન સાહેબ ઇન્સ્પેકટર નાયકને બહાર જઈ પિંટોનું સ્ટેટમેન્ટ લેવા કહે છે અને બહારથી સુજાતાને અંદર મોકલવા કહે છે.

સુજાતા ઓફિસમાં પ્રેવેશે છે અને ખાન સાહેબની સામે ટગર ટગર જોયા કરે છે. ખાન સાહેબ આમ તેની તરફ જોઈ રહેલ સુજાતાને ચેરમાં બેસવા કહે છે ત્યારે તેની નજર છુટે છે. સુજાતાની આંખોમાં આંખો પરોવીને ખાન સાહેબ પુછપરછ ચાલુ કરે છે, “તમે બધું બરોબર વિચારી લીધું. હવે તમે જવાબ આપવા તૈયાર છો ?”

“હા સર.”

“તો જવાબ આપવાનું શરુ કરો.”

“વિમલ મારો ફ્રેન્ડ છે અને હું તેને ઘણાં સમયથી ઓળખું છું.” સુજાતાએ ધીમા સ્વરે બોલવાનું શરુ કર્યું.

“બબલુને તમારી દોસ્તીની ખબર હતી ?”

“ના. બબલુને અમારી દોસ્તીની જાણ ન હતી પણ બબલુ વિમલને ઓળખતો હતો. વિમલ બબલુ પાસેથી ક્યારેક ક્યારેક તેના ગોરખધંધાના ન્યુઝ છુપાવવા રૂપિયા પડાવી લઇ જતો.”

“આપણી મુલાકાતની જાણ તેને કેમ કરી ?”

સુજાતાએ હાથ જોડીને કહ્યું ,“મારી મજબુરી હતી અને ભુલ પણ. બબલુના મોત પછી વિમલ મારી નજીક આવવા માંગે છે એવું મને લાગી રહ્યું છે. વિમલને હું દુર રાખવા માંગતી હતી પણ તે મને વારંવાર ફોન કરી મળવા માટે અને બબલુના કેસ વિશે બ્રેકીંગ ન્યુઝ માટે દબાણ કરતો હતો એટલે તેને મારે જાણ કરવી પડી.”

“તમારે તેની આવી હરકતો માટે પોલીસની મદદ લેવી જોઈતી હતી, તમે એવું કેમ ના કર્યું ?”

“મારી મજબુરી મને રોકતી હતી.”

“શું મજબુરી હતી ?”

“એમાં એવું છે ને સર..”

“ગભરાશો નહિ અને સાચું કહો.” ખાન સાહેબે આશ્વાસન આપતાં સ્વરે કહ્યું.

“હું બબલુ પર નજર રાખવા વિમલને રૂપિયા આપતી અને ક્યારેક બબલુના અવળા ધંધાની ખબર પણ તેને આપતી. વિમલ તે ખબર બદલ બબલુ પાસેથી રૂપિયા પડાવતો.”

“વિમલ તમારો દોસ્ત હોવા છતાં તમારી પાસેથી રૂપિયા પડાવતો. આ કેવી દોસ્તી ? તમે હજુ કઈ છુપાવો છો ?”

સુજાતાએ તેના મન પર રાખેલો કાબુ ગુમાવી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. આ વખતે ખાન સાહેબે તેને રડવા દીધી. રડી રડીને તેની આંખોના સુઝી ગયેલા પોપચા અને આંસુઓથી ખરડાયેલો તેનો ચહેરો ખાન સાહેબ જોઈ રહ્યા હતાં.

થોડીવાર રડીને સુજાતા એની જાતે શાંત પડી. ખાન સાહેબે તેની સામે પાણીનો ગ્લાસ મુકી પીવા ઈશારો કર્યો અને સુજાતા પાણી પી ગઈ. થોડી સ્વસ્થ થઈને તેણે કહ્યું, “ સર, માફ કરો. આનાથી આગળ મારાથી નહિ બોલાય.”

“કેમ નહિ બોલાય ? કંઇજ છુપાવશો નહિ. મને જણાવશો તો કઈ રસ્તો નીકળશે અને કદાચ બબલુના કેસમાં પણ મદદ મળશે.”

સુજાતા આંખો લુછતાં લુછતાં નર્વસ અવાજે બોલી, “સર, મને જે સુખ બબલુ પાસેથી નહોતું મળતું એ સુખ વિમલ પાસેથી મળતું હતું. હું એવી સ્ત્રી છું કે જેણે મજબુરીમાં ઘણી ભુલ કરી છે. મને મારી ભુલ પર પસ્તાવો થાય છે પણ હવે કંઈ સમજાતું નથી. હાઈ સોસાયટીમાં આવી રીલેશનશીપ કોમન છે અને મેં હાઈ સોસાયટીના ચક્કરમાં ભાન ભુલીને આટલી મોટી ભુલ કરી નાંખી છે. સર તમે પણ આમાં કંઈ મદદ કરી શકો તેમ નથી.”

“તમે ફરિયાદ કરો એટલે પોલીસ તમારી મદદ કરવા તૈયાર છે.”

“કેવી રીતે ?”

“તમે પહેલા મક્કમ થઈને ફરિયાદ કરો અને પછી જુઓ. પોલીસ તમારી મદદ કરવા તૈયાર છે.”

સુજાતાએ થોડું વિચારીને મક્કમતાથી કહ્યું, “ હું વિમલ વિરુદ્ધ ફરિયાદ કરવા તૈયાર છું. મારે હવે આ ચક્કરમાંથી બહાર નીકળવું છે. ભલે સમાજ જાણે અને જે થવું હોય તે થાય. તમે મારી મદદ કરજો સર. પ્લીઝ મને તમારી હેલ્પની જરૂર છે.”

ખાનસાહેબે સહાનુભૂતિભર્યા અવાજે સુજાતાને કહ્યું, “હા. તમારી શક્ય હશે એટલી મદદ મારા તરફથી અને પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવશે. અને ચિંતા ના કરો, તમારી ફરિયાદ ગોપનીય રહેશે. હું વિમલની ધરપકડ કરી તેની પાસેથી પણ જાણકારી મેળવીશ. તે તમને પરેશાન નહી કરે તેવી ખાત્રી આપે તો તમે ફરિયાદ પાછી લઇ લે જો.”

સુજાતાએ હા કહેતા ખાન સાહેબે ઇન્સ્પેકટર નાયકને બોલાવી સુજાતાની વિમલ વિરુદ્ધ ફરિયાદ લેવા કહ્યું. ખાન સાહેબે ઓફિસની બહાર આવી સુજાતા અને પિંટોને ઘરે જવા કહ્યું. પિંટો અને સુજાતા મૌન બનીને ક્રાઈમ બ્રાન્ચથી તેમની કારમાં ઘરે જવા નીકળ્યા. પિંટો કારમાં ત્રાંસી નજરે રડીને લાલ થઇ ગયેલી સુજાતાની આંખો જોઈ કંઇક વિચારતો હતો પણ પુછવાની હિંમત કરી શકતો ન હતો. સુજાતા પણ પિંટોના ચહેરા પરનું ટેન્શન જોઈ રહી હતી. તે બંને માટેનો આજનો કઠીન દિવસ પુરો થયો.

સુજાતાની ફરિયાદને આધારે ખાન સાહેબે વિમલની તાત્કાલિક ધરપકડ કરવા ઓર્ડર કર્યો.

ફોરેન્સિક એક્સપર્ટ બબલુનો રીપોર્ટ લઈને ખાન સાહેબને મળે છે. ખાન સાહેબ તેમની ટીમ સાથે મળીને તેમની ઓફિસમાં રીપોર્ટની જાણકારી મેળવે છે. ફોરેન્સિક એક્સપર્ટ રીપોર્ટની વિગતો જણાવતા કહે છે, “સર, બબલુના શરીર પર કોઇપણ જાતના ઘા જોવા નથી મળ્યા. બબલુનું ગળું દબાવી કે શ્વાસ રૂંધાવાથી પણ મોત થયું હોવાનું કારણ મળ્યું નથી.”

“તો પછી મોત થયું કઈ રીતે ? શું બબલુને હાર્ટ એટેક આવ્યો ?” ખાન સાહેબ ઉતાવળા સ્વરે બોલ્યા.

“ના સર, બબલુના શરીરમાંથી પોટેશિયમ ક્લોરાઈડ નામનું ડ્રગ્સ મળી આવ્યું છે.”

“પોટેશિયમ ક્લોરાઈડ ?” ખાન સાહેબે પ્રશ્ન કર્યો.

“હા સર, પોટેશિયમ ક્લોરાઈડ. બબલુને કોઈએ પોટેશિયમ ક્લોરાઈડનું ઇન્જેક્શન આપ્યું હશે યા તેણે જાતે લીધું હશે.“

“આ ઇન્જેકશનમાં એટલું બધું ઝેરી ડ્રગ્સ આવે છે ?”

“હા સર.”

“પણ બબલુએ જાતે ઇન્જેક્શન કેવી રીતે લીધું હશે ? બબલુએ આત્મહત્યા કરવા માટે જાતે આ ડ્રગ લીધું હશે ?” ખાન સાહેબે ટીમ સામે પ્રશ્ન કર્યો.

“સર, બબલુ કે અન્ય વ્યક્તિ માટે આ ડ્રગનું પ્રમાણ નક્કી કરવું અને જાતે નસમાં ઇન્જેક્શન લેવું સહેલું નથી. બબલુએ ઇન્જેક્શન જાતે લેવાના ચાન્સ બહુ ઓછા છે. આ ઇન્જેક્શન માર્કેટમાં ઇઝીલી અવેલેબલ પણ નથી. ડોક્ટર પણ આ ઇન્જેક્શન પ્રિસ્ક્રીપ્શનમાં નથી લખી આપતાં. એટલે કોઈ પ્રોફેશનલ વ્યક્તિ જેવાકે ડોક્ટર કે નર્સે આપ્યું હોઈ શકે.”

“ઓકે. પણ, આ ડ્રગનું ઇન્જેક્શન કે અન્ય કંઈપણ કારમાંથી મળ્યું છે ?”

“ના કારમાંથી આવું કંઈપણ મળ્યું નથી.”

“આ ડ્રગ શરીરમાં કેવી રીતે અસર કરે અને આ ડ્રગ લીધા પછી કેટલા સમયે માણસને મોત આવે ?”

“સર, આ પોટેશિયમ ક્લોરાઈડ ડ્રગ્સ સર્જરી પહેલા દર્દીને બેભાન કરવા વપરાય છે. આ ડ્રગ્સ દર્દીની કન્ડીશન પ્રમાણે અલગ અલગ માત્રામાં ડોક્ટર આપે છે.”

“ઓવરડોઝથી મોત થઇ શકે ?”

“હા સર, ઓવરડોઝથી રેસ્પિરેટરી પેરાલિસીસ બાદ વ્યક્તિનું મોત થાય છે. આ ડ્રગ સીધું નસમાં લેવાથી અને તેનો ઓવરડોઝના કારણે ફેફસા અને હાર્ટ પર પ્રેશર વધવાથી મોત થઇ શકે છે. કોઈ એક્સપર્ટે ટેકનીકથી આ ડ્રગનું ઇન્જેક્શન આપ્યું હશે એવું લાગે છે.”

“એ નો મતલબ બબલુ એ વ્યક્તિને જાણતો હશે અને તેની જાણમાં કે જાણ બહાર આ ઇન્જેક્શન આપવામાં આવ્યું હશે.”

“હા સર, બબલુ એ વ્યક્તિને જાણતો કે જાણતી હશે અને કદાચ બબલુને બેધ્યાન કરી ઇન્જેક્શન આપ્યું હશે.”

“જાણી જોઇને બબલુ એ કોઈને ચાન્સ આપે તેવું બને નહિ, તો પછી એ પરિચિત કોણ હોઈ શકે ?” ખાન સાહેબે તેમની ટીમ સામે પ્રશ્ન કર્યો.

ખાન સાહેબે દુશ્મનના લીસ્ટમાં પરિચિત કે અપરિચિત નર્સ કે ડોક્ટરને લીસ્ટમાં ઉમેરો કરી તપાસ તે તરફ કરવા કહ્યું.

ખાન સાહેબે ઇન્સ્પેકટર નાયકને પિંટોનું સ્ટેટમેન્ટ વિશે ચર્ચા કરવા અને પિંટોએ જણાવેલ છોકરીઓના નામની ટીમ સામે ચર્ચા કરવા કહ્યું.

પ્રકરણ ૧૮ પુર્ણ

પ્રકરણ ૧૯ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો