Redlite Bunglow - 19 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૧૯

Featured Books
Categories
Share

રેડલાઇટ બંગલો ૧૯

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૯

અર્પિતા એમ સમજતી હતી કે તેણે ડીએસપીને ફોન કરી રાજીબહેનની ફરિયાદ કરી છે એટલે તેનો બીજા રેડલાઇટ બંગલા પરનો ધંધો ઠપ થઇ જશે. અને રાજીબહેન બદનામ થઇ જશે. પણ જ્યારે રચનાએ તેને ખબર આપ્યા કે રેડલાઇટ બંગલા પર રેડ દરમ્યાન કશું પકડાયું નથી ત્યારે તેને નિરાશા થઇ. અને રચનાએ જ્યારે એમ કહ્યું કે રાજીબહેનને આ રેડ કોણે કરાવી તેની ખબર પડી ગઇ છે ત્યારે તેના દિલમાં ફડક પેસી ગઇ. તેને પોતાના પાસા ઉંધા પડતા લાગ્યા. પોતે પકડાઇ જશે એવો છુપો ડર તેના મનમાં ફેલાયો. રચનાએ જ્યારે એમ કહ્યું કે રાજીબહેન આવું કરનારને છોડશે નહીં ત્યારે તેનો ડર ઓર વધી ગયો. તેણે અવાજ પર સંયમ રાખી ધીમેથી પૂછ્યું:"રાજીબહેનને કેવી રીતે ખબર પડી શકે? તેમની એટલી બધી પહોંચ છે? અને તું ક્યાંથી આ બધું જાણી લાવી?"

"મારી બહેન! તું તો બધું જાણવા ઘાંઘી થઇ છે. તું તો રીપોર્ટરની જેમ સવાલ પૂછે છે." રચનાએ અર્પિતાના ગાલે ટપલી મારી આગળ કહ્યું:"જો આ તો રાજીબહેન મારા પર વિશ્વાસ ધરાવે છે એટલે બધી વાત મને કરી છે. તું પાછી કોઇને કહેતી નહી."

"તને લાગે છે હું કોઇને કહું?" અર્પિતાએ રચનાને સવાલ કરી પોતાની વિશ્વસનિયતા બતાવી.

"મને તારા પર પૂરો વિશ્વાસ છે. પણ એ નક્કી કે રાજીબહેન પોલીસને બાતમી આપનાર છોકરીને છોડવાના નથી. કોઇએ પીઠમાં છરો માર્યો હોય એવી પીડા તેમના ચહેરા પર મેં જોઇ છે. મેં તને અગાઉ પણ કહ્યું હતું કે રાજીબહેનનાં કામમાં રુકાવટ લાવનાર બચતું નથી. આપણી અગાઉ પણ કેટલીક છોકરીઓ સજા ભોગવી ચૂકી છે. આ તો કોઇનો બહુ મોટો ખેલ હતો...." રચના બોલી રહી હતી ત્યારે જીવ પર આવી ગયેલી અર્પિતાએ પૂછી જ નાખ્યું:"એ છોકરી કોણ છે?"

"રાજીબહેન આવી મોટી વાત કોઇને ના કરે. મને પણ કહ્યું નથી." રચનાએ પોતાની મજબૂરી જણાવી.

અર્પિતાને થયું કે રાજીબહેન હવે તેના પર પગલાં લેશે. રચનાને હવે સાચી વાત કહી દઉં? તે કદાચ બચાવી શકે. પણ પછી વિચાર આવ્યો કે હવે તેને પોતાની યોજનામાં સામેલ કરવાનો પણ અર્થ ન હતો. રચના રાજીબહેનની વિશ્વાસુ હતી. તેમની વિરુધ્ધ કોઇ વાત કરવાથી કદાચ તે ભડકી શકે.

અર્પિતા વિચારોમાં અટવાઇ હતી ત્યાં રચના બોલી:" અર્પિતા, આ કામ આપણામાંની કોઇ છોકરીએ જ કર્યું છે, પરંતુ તેનું નામ હજુ તે મેળવી શક્યા નથી. તેમને બીજા રેડલાઇટ બંગલામાં જતી પેલી બિલ્ડીંગની કોઇ છોકરી હોવાની શંકા છે. કદાચ બે-ત્રણ છોકરીનું પણ આ કાવતરું હોય. કોને ખબર."

રચના આટલું બોલી ત્યાં અર્પિતાના દિલ પરનો મણમણનો ભાર અચાનક ઊતરી ગયો. તે પોતાને હળવીફુલ અનુભવવા લાગી. પણ તેને એ વાતની નવાઇ લાગી કે આખી વાત રાજીબહેનને કોણે કરી હશે. કદાચ પોલીસવાળા જ ફૂટી ગયા. તેમને ગૃહમંત્રીની પણ બીક નથી. કે પછી આખી ચેઇન ચાલે છે. તેણે વધુ માહિતી મેળવવા રચના પર મીટ માંડી.

રચના બોલી રહી હતી:"રાજીબહેન પર શહેરના કોઇ પોલીસવાળાનો ફોન આવ્યો. તેમને ખબર પડી કે ડીએસપીની ઓફિસમાં કોઇ છોકરીએ ફોન કરીને બિલ્ડિગની બાજુના બંગલામાં કૂટણખાનું ચાલતું હોવાની ફરિયાદ કરી હતી. પોલીસને તો શબાબના જ નહીં શરાબના અડ્ડાની પણ માહિતી હોય જ. બની શકે કે આગળથી જ તેમણે રાજીબહેનને જાણ કરી દીધી હોય. એટલે એ દિવસે કોઇ ગ્રાહકને બંગલામાં એટલે કે તેમના ગેસ્ટ હાઉસમાં આવવા દીધો નહીં. પોલીસે વીઝીટ કરીને ફરિયાદ ખોટી હોવાનું નોંધી દીધું. પણ જે છોકરીએ ફોન કર્યો હતો એ બડી ચાલાક હતી. પોતાનું નામ આપ્યું નહીં, એટલું જ નહીં કોઇ જાહેર એસટીડી બૂથ પરથી ફોન કર્યો હતો એટલે કોણ હોય શકે તેની ખબર પડી શકી નહી. પણ કોલેજની જ છોકરી હોવાની શંકા સાથે તેની શોધ કરી રહ્યા છે. જર્જરિત બિલ્ડીંગમાંની કઇ છોકરી હશે એ શોધવું બહુ મુશ્કેલ છે. પણ આટલા વર્ષોમાં રાજીબહેનની સામે આ રીતે પહેલી વખત કોઇએ હિંમત કરી છે. એટલે તે હચમચી ગયા છે. તે કોઇના ઉપર વરસી શકે છે. બધાને હવે શંકાની નજરે જોશે. એવું પણ બને કે તેમને છોકરીનું નામ મળી ગયું હોય અને જાહેર કરવા માગતા ના હોય. સારું છે કે આપણે બંને તેની ખાસમખાસ અને મોંઘી નોટ છે એટલે આપણી સાથે સારો વ્યવહાર રાખશે. જો તેમને આપણા પર શંકા હોત તો મને વાત જ ના કરી હોત. અને તેમને બિલ્ડિંગની છોકરીઓ પર શંકા વધુ છે. કોઇને આ ધંધો ના ગમતો હોય એટલે બંધ કરાવવા ફરિયાદ કરી હોય શકે. પણ તેને ખબર નથી કે રાજીબહેનના હાથ પોલીસથી પણ લાંબા છે."

અર્પિતા પોતે અત્યારે તો રાજીબહેનથી બચી ગઇ છે એમ જાણી રાહત અનુભવતી હતી. તેણે હવે બહુ સાવધ રહેવું પડશે એનો ખ્યાલ આવી ગયો હતો. અર્પિતા રાજીબહેનના ખોટા વખાણ કરી પોતાને તેમની હિતેચ્છુ હોવાની સાબિત કરવા રચનાને કહેવા લાગી:"રચના, ખરેખર રાજીબહેન તો આપણા ઉધ્ધારક છે. આપણી કેટલી કાળજી રાખે છે. જોને કોલેજક્વીન સ્પર્ધામાં મને જીતાડવા કેટલો ખર્ચ કરી રહ્યા છે."

અર્પિતાને સાથે એમ કહેવાનું મન થઇ ગયું કે અસલમાં તો તેના શરીરના વધુ રુપિયા ઉપજાવવા તેના પર "કોલેજક્વીન" નો ટેગ લગાવવા રાજીબહેન આ બધો ખર્ચ કરી રહ્યા છે. પણ તે બોલી નહીં.

"હા..લી, તારી તૈયારી કેવી ચાલે છે? આ વખતે તારા શિર પર જ કોલેજક્વીનનો તાજ મુકાવો જોઇએ. ગયા વર્ષે મને સો ટકા મત મળ્યા હતા. આ વર્ષે તને તો એક્સો દસ ટકા મત મળશે!" કહી રચના તેના ફિગર માટે "ફાઇન" નો ઇશારો કરી ચીડવવા લાગી.

રચનાએ ઉત્સાહમાં મસ્તીથી તેના ઉભાર પર હળવી ચૂંટણી પણ ખણી લીધી.

"જો પાછી! અહીંને અહીં જ હાથ મારે છે! એનો શેપ બગાડી નાખવાની છે તું!" અર્પિતા ફરી ચિડાઇ.

"એમ શેપ ના બગડે! કેટલાય લોકો આને મસળી ગયા છે, પણ છે કોઇ ફરક?!" રચનાએ તેને બિંદાસ જવાબ આપ્યો એટલે અર્પિતા વધારે દલીલ કરી શકે એમ ન હતી. .

"પણ એ તો બતાવ કે આ દસ ટકા વધારાના ક્યાંથી આવ્યા?" અર્પિતાએ આશ્ચર્યથી પૂછ્યું.

"આપણા પ્રિંસિપલ રવિકુમાર તને વધારાના દસ માર્ક્સ આપશે ને?!"

રચનાની વાતથી અર્પિતા ચમકી ગઇ. પણ અજાણી થઇ બોલી:"શા માટે?"

"તને રોજ ઓફિસમાં બોલાવે છે એટલે કહી શકું કે તારી તરફેણ વધારે કરશે! બોનસ માર્ક્સ આપશે." હસીને બોલ્યા પછી રચના ગંભીર થઇને બોલી:" આ તો મજાક છે પણ એક વાત છે. સો માર્ક્સમાં નેવું કોલેજની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફના હોય છે. જ્યારે દસ માર્ક્સ પ્રિંસિપલના હોય છે. ગઇ વખતે રાજીબહેનની ભલામણથી રવિકુમારે દસમાંથી દસ આપ્યા હતા એટલે હું મોટા અંતરથી સ્પર્ધા જીતી ગઇ હતી."

અર્પિતાને કહેવાનું મન થઇ ગયું કે હું રવિકુમાર પાસેથી બહુ મોટું બોનસ લેવાની છું એનો તને ખ્યાલ નથી.

"અરે! એ તો હું જ તેમની પાસે માર્ગદર્શન માટે જઉં છું. એ બહુ સારા છે." અર્પિતાએ વાતને વાળી લીધી. પછી ઉમેર્યું:"રચના આ વખતે પણ તારે ભાગ તો લેવાનો જ છે."

"અલી, કેવી વાત કરે છે તું. મારે હવે ભાગ લેવાનો નથી. રાજીબહેન તને જ જીતાડવા માગે છે." રચનાને અર્પિતાની વાતથી નવાઇ લાગી.

"હું કંઇ ના જાણું. તારે ભાગ લેવાનો છે એટલે લેવાનો જ છે. ભલે હું તાજ લઇ જાઉં પણ મારે તારી કંપની જોઇએ છે. એકલા મજા નહીં આવે. હું રાજીબહેનને સમજાવીશ." અર્પિતા જીદ કરવા લાગી.

રચનાએ દલીલો કરી પણ અર્પિતાએ પોતાની વાત પકડી જ રાખી. કેમકે જો રચના ભાગ ના લે તો પોતાની ગણતરીઓ ઊંધી પડે એમ હતી.

ત્યાં વીણા આવી અને અર્પિતાને રાજીબહેન બોલાવતા હોવાનું કહીને જતી રહી.

અર્પિતાને દિલમાં ડર તો ઊભો થઇ ગયો હતો. કદાચ પોલીસમાં ફરિયાદની વાતે તેને કંઇક કહેવા માગતા હોય. તેમને મારા પર શંકા ઊભી થઇ હશે તો કેવી રીતે ખુલાસો કરવો તેના વિચાર કરતી અર્પિતા જ્યારે રાજીબહેનના ઘરમાં પહોંચી ત્યારે તે બહાર સોફામાં પગ લંબાવીને બેઠાં હતા.

અર્પિતાએ જોયું તો આજે તે એકદમ મોર્ડન કપડાંમાં બેઠાં હતા. તેમના શરીરના ઉપરના ભાગ પર બ્રા જેટલું એક પારદર્શક આવરણ હતું એમાંથી અણિયાળા ઉરોજ દેખાતા હતા. અને નીચેના ભાગમાં પેન્ટીથી સહેજ લાંબી ચડ્ડી પહેરી હતી. એટલે લીસ્સા આરસપહાણ જેવા પગ દેખાતા હતા. અર્પિતાને નવા જમાનાના આવા નામમાત્રના કપડાંની નવાઇ લાગી રહી હતી. તે આંખોથી જાણે તેમના શરીરનું માપ લઇ રહી હતી. અર્પિતાને કહેવાનું મન થયું કે કપડાં પહેરવાં જ ના ગમતા હોય તો આ કાપડના નાનાં ટુકડા પણ શું કામ પહેરે છે. આમ પણ અહીં કોઇ પુરુષ તો આવતો નથી. તેને થયું કે એક જમાનામાં શું અત્યારે પણ ન જાણે કેટલા પુરુષો તેના કાતિલ રૂપના દીવાના હશે. અર્પિતાને થયું કે એ ભલે ઉઘાડી બેઠી પણ મારું કારસ્તાન ઊઘાડું ના પડે તો સારું.

રાજીબહેને અર્પિતાના મનની વાત સાંભળી લીધી કે પછી હોલમાં એસીની વધી રહેલી ઠંડક હોય પણ તેમણે બાજુમાં ટેબલ પર મૂકેલો કોટ જેવો હાફ ગાઉન પહેરીને પેટ પાસેનો વેલક્રો લગાવી નાભિદર્શન પણ બંધ કરી દીધું. અને ઔપચારિક વાત કર્યા પછી જે સવાલ કર્યો એ અર્પિતા માટે ચોંકાવનારો હતો. "અર્પિતા કોલેજમાં કેટલા પિરિયડ ભરે છે?"

અર્પિતા ચમકી ગઇ. હવે રાજીબહેન પોતાને આ બાબતે ઉઘાડી પાડવા માગતી લાગે છે. નક્કી તે કાલે કોલેજ બહાર ગઇ હતી તેની માહિતી તેમણે મેળવી લીધી છે. અને તેની ઉલટ તપાસ કરવા માગે છે.

અર્પિતાનો જવાબ સાંભળવા રાજીબહેન તેની સામે તાકી રહ્યા. તે અર્પિતાનો જવાબ સાંભળવા ઉત્સુક દેખાતા હતા.

***

વર્ષાબેને પોતે લાલજીની દુકાને ગયા ન હોવાનું કહ્યા પછી હરેશભાઇને તેમની વાત માન્યા વગર છૂટકો ન હતો. વર્ષાબેનની નારાજગી તેમની રાત બગાડી શકે એમ હતી એટલે દલીલ કરવાનું ટાળ્યા પછી ખેતરે આવેલા હરેશભાઇ તેનું રહસ્ય શોધવા માટે વિચાર કરતા રહ્યા. આજે રોજ જેટલું ખેતીકામ થયું નહીં. બપોર પડતા પણ વાર લાગી હોય એવું લાગ્યું. આજે ઘરે જમવા જવાનું મન થતું ન હતું. થોડીવાર વિચાર કર્યો પણ ભૂખ વધી એટલે ઘરે જવા સાયકલ પર નીકળ્યા. આજે તે થોડા મોડા હતા એટલે રસ્તો અને ખેતરો સૂમસામ હતા. બધા ખેડૂતો પોતાના ઘરે જતા રહ્યા હતા. ભારે ગરમીને લીધે ચકલું પણ ફરકતું ન હતું. તેમણે તાપથી બચવા માથા પર ફેંટાની જેમ એક કપડું બાંધી દીધું. અને ઘરે જવા નીકળ્યા. તે ધીમે ધીમે સાયકલના પેડલ મારીને જઇ રહ્યા હતા ત્યારે પાછળ દૂરથી બુલેટનો અવાજ સંભળાવવો શરૂ થયો. એ અવાજ ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. રસ્તો મોટો હતો તો પણ તેમણે સાયકલને રસ્તાની બાજુમાં ચલાવવાનું રાખ્યું અને બુલેટ માટે વધારે જગ્યા કરી આપી.

હરેશભાઇ જાણતા હતા કે ગામમાં રહેતા એક જમાદાર અને ત્રણ શ્રીમંત ખેડૂતો પાસે જ બુલેટ હતી. એટલે તેમને માન આપવા પણ બાજુ પર ખસવાનું જરૂરી હતું.

થોડી જ વારમાં બુલેટનો અવાજ વધી ગયો. અને તેમની લગોલગ આવી ગઇ. એ અવાજ પરથી તેમને લાગ્યું હમણા એ આગળ નીકળશે એટલે ખબર પડશે કે આટલા બપોરે કોણ બુલેટ લઇ શહેરમાં જવા નીકળ્યું છે.

પણ બીજી જ ક્ષણે તેમના પેડલ મારતા પગ સાથે બુલેટનો આગળનો ભાગ જોરથી ટકરાયો અને તેમની સાયકલ ફેંકાઇ ગઇ. તેની સાથે હરેશભાઇ પણ ફંગોળાયા. નસીબ એટલું ખરાબ હતું કે બાજુમાં જ નહેર હતી. એ રોડની બાજુમાં પછડાઇને નહેરના પાણીમાં પડ્યા. શરીર પર અનેક જગ્યાએ માર લાગ્યો. પગ અને થાપા પર વધારે માર લાગ્યો. માથા પર કપડું બાંધ્યું હતું એટલે માથું બચી ગયું હતું. તે ચીસ પાડી ઊઠયા. પણ બુલેટ ચાલક તો ઝડપ વધારીને ધૂળના ગોટેગોટામાં અદ્રશ્ય થઇ ગયો. તે બુલેટને જોઇ જ ના શક્યા. અને બચાવ માટે બૂમો પાડવા લાગ્યા. એ સાથે એમને પ્રશ્ન થયો કે આ માત્ર અકસ્માત હતો કે કોઇ જાણીબૂઝીને ટક્કર મારી ગયું છે?

***

અર્પિતા કોલેજમાં પિરિયડ છોડીને પોલીસને ફરિયાદ કરવા ગઇ હતી એ વાતની રાજીબહેનને ખરેખર ખબર પડી ગઇ હશે? હરેશભાઇને કોઇ ટક્કર મારી ગયું હતું ? કે પછી માત્ર અકસ્માત હતો? એ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણ વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.