રાત્રિનો શેતાની અંધકાર ક્રૂરતાથી હસી રહ્યો હતો.
બેડરૂમથી વીસેક ફૂટ દૂર પાછળના ભાગમાં રહેલા ટોયલેટ તરફ ડૉ. ઠક્કર ભાગ્યા.
ટોયલેટના દરવાજાના અપારદર્શક આવરણને વીંધી ડૉક્ટરને બે આંખો લાળ ટપકાવતી તાકી રહી હતી.
જેવો ડૉક્ટરે દરવાજો ખોલ્યો કે ત્યાં જ, એમની જ રાહ જોતા લોહિયાળ હાડપિંજરે તરાપ મારી ડૉકટરને ભીતર ખેંચી લીધા.
આવા અણધાર્યા હુમલાથી આઘાતમૂઢ બનેલા ડૉક્ટર તરફડી ઉઠ્યા.
એમના ગળે થી ચીસ પણ ન નીકળી.
મહાશક્તિશાળી શૈતાન સામે થોડીક ઝપાઝપી બાદ તેઓ ઠંડા પડી ગયા.
લોહીથી લથપથ હાડપિંજર ડોકટરના માંસલ બદનને ભીસતુ રહ્યું.
એમને મજબુત પક્કડમાં લઈ પોતાના રાક્ષસી દાંત ડોકટરની ગરદન પર મૂકી ધોરી નસમાં ખૂપાવી દીધા. લોહીનો એક ફુવારો ઉછળ્યો.
ટોયલેટ લોહીથી ખરડાઈ ગયું.
પોતાના ભુસાયેલા સિંદૂરથી અજાણ સુધા ઠક્કર નિંદ્રાધીન રાણીના આગોશમાં સમેટાઇને પડી હતી.
હવે એનો રસ્તો આંસુના દરિયા તરફ વહી જતો હતો.
એ વાતથી તે બેખબર હતી.
શૈેતાની બિલાડાની પાછળ પડેલી પેલી બિલ્લી ડૉક્ટર બંગલા નજીક આવીને અટકી ગઈ.
એ બિલાડી જાણે કશુંક શોધતી હતી. ફંફોસતી હતી અને જમણી બાજુએ રહેલા બંગલા તરફ વારંવાર જોયા કરતી હતી. સહેજ આગળ જતી, વળી પાછળ દોડીને આવતી એક ઘડીભર માટે મૂંઝાઈ ગઈ હતી.
રાત્રીના ૧૨થી સાડા બારનો સમય એક શૈતાની તાંડવનો સાક્ષી બની ચૂક્યો હતો.
ધીમે-ધીમે પવન ઉભરતો જતો હતો. તમરાનો અવાજ વધવા લાગેલો.
ક્યાંક ક્યાંક ચામાચીડિયાનો ખડખડાટ વાતાવરણને શોર મચાવી દેતો હતો.
બિલાડીની દોડાદોડીથી ઠક્કર બંગલા સામે પીપળના વૃક્ષ નીચે અર્ધજાગૃત અવસ્થામાં પડેલો લાલિયો કૂતરો હવે બેઠો થઈ ગયો હતો.
બિલાડી સામેની બાજુ મકાનના જાળિયામાં ભરાઈ ગઈ હતી.
લાલીઓ કૂતરો ઘડીક ઠક્કર બંગલા તરફ, તો ઘડીક બિલાડી સામે જોઈ જોરજોરથી ભસતો હતો.
કાળી બિલાડી કૂતરાના આવવાથી જાણે ક્રોધે ભરાઈ હોય, એમ ફૂંફાડા મારતી બેઠી હતી.
એ પોતાના હાથ-પગ પર પછાડતી હતી. કૂતરો પોતાને રહેશી નાખશે એવો તો એને જરા પણ ડર ન હતો.
એને જાણે એમ જ હતું કે પોતે કુતરા સાથે ઝપાઝપીમાં ઉતરશે તો પોતાનો શિકાર છટકી જવાનો હતો.
જેથી તેને શાંત બેસી રહી રાહ જોવાનું ઠીક લાગ્યું.
કૂતરાને એમ કે એણે બિલાડીનો માર્ગ અવરોધાયો છે, પણ એ એની ગેરસમજ હતી.
ડોક્ટરના બંગલાની આજુબાજુ બીજા ઘણા મકાનો હતાં. બિલ્લી નક્કી નહોતી કરી શકતી કે શિકાર કયા મકાનમાં છૂપાયો છે.
આટલામાં જ એના શિકારનું અસ્તિત્વ છે.
એ તો એના શરીરની મહેક ઉપરથી એ જાણી ગઈ હતી. એને પોતાના શિકાર સુધી પહોંચવામાં કશી મુશ્કેલી નડે એમ નહોતી.
એને મહાત કરવાનું પણ અશક્ય નહોતુ. છતાં પણ એને કોઈ ગૂઢ શક્તિ ત્યાં જ રોકાઈ રહેવા મજબૂર કરતી હતી.
અને તે શક્તિ કઈ હતી એ સારી પેઠે જાણતી હતી.
હવે પછીનો વારો પોતાનો હતો.
ગુરુની આજ્ઞા પ્રમાણે હવે 'મિન્ની' વર્તશે.
વિધાતાનું વર્તન પૂર્વનિર્ધારિત હતું.
તેથી જ ગુરુ પોતાની શક્તિ દ્વારા આદેશતા રહ્યા હતા.
ભવિષ્યકથન કરતા હતા.
હવે બાજી પોતાના હાથમાં રહેવાની હતી.
ચોર- પોલીસની આ રમતમાં પોલીસવાળી ભૂમિકા હવે પોતાના પક્ષે આવવાની હતી.
આજે 'મિન્ની' તમામ શક્તિઓ મ્લાન બની હતી.
જાણે એ શક્તિઓ પર એક જાતનું કઠોર પડ છવાઈ જવાથી કાર્યરત નહોતી.
સમય સમયનો ખેલ છે.
આ સમયે નસીબ પોતાના શિકાર સાથે છે તો સમય બદલાતાં તે પોતાની સાથે હશે..!
અચાનક લાલિયાએ બંગલા સામે જોઈ રડવાનું ચાલુ કર્યું હતું.
બિલાડીનો ડાબો હાથ અને ડાબી આંખ ફરકવા લાગ્યાં.
આ એક સંકેત હતો પોતાના ગુરુજીનો..
એ સમજી ગઈ
કૂતરાનું રૂદન અને અર્થ એ સમજી શકતી હતી.
પોતાની શક્તિ એને મળી ગઈ.
કોઈનું ખૂન થયું છે એવુ કૂતરાનું રુદન પરથી એને જાણ્યુ લીધુ.
બાજી હવે પોતાના હાથમાં જ હતી.
એ ઊભી થઈ ગુરુનું સ્મરણ કર્યું.
આગળના હાથ દ્વારા નતમસ્તકે બંધ આંખો કરી મંત્રોચ્ચાર કર્યો.
અને ક્ષણાર્ધમાં એક ધૂમ્રસેર તેના શરીરની આસપાસ વીંટળાઈ ગઈ.
તેનું શરીર અદ્રશ્ય થઈ ગયું.
અને જોતજોતામાં ધુમાડો પવન સાથે વહ્યો ગયો.
ત્યાં એક સુંદર પરી જેવી યુવતી ઉભી હતી.
અને હળવેથી એ ચાલવા લાગી.
લાલિયો હીપ્નોટાઈઝ થઈ ગયો હોય એમ પોતાની આગળથી પસાર થઈ રહેલી શક્તિશાળી યુવતીને જોતો રહ્યો.
મોહન રક્તપિધા પછી તૃપ્ત થયો હતો.
એના શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ.
પોતાની તરસ હજુ પણ અધૂરી હોય એમ ટોયલેટ નો દરવાજો ખોલી ધીમા પગલે ડોક્ટર પત્ની સુધા તરફ આગળ વધ્યો.
તો બીજીબાજુ યુવતીના સ્વરૂપમાં રહેલી બિલાડી ઝડપથી દાદર ચડતી હતી.
બિલ્લી માનવ સ્વરૂપમાં હતી.
તેના શરીરની મહેક માનવ શરીરની મહેક સાથે ભળી જતી હોવાથી મેરૂ થાપ ખાઇ ગયો.
બિલાડી તો પેલા ગ્લાસવાળી ખીડકી જોડે આવીને ઊભી હતી.
રક્તપ્યાસ માટે અધિર બનેલો મોહન શૈતાનિયતને સર પર ચડાવી કદમ પર કદમ આગળ વધી રહ્યો હતો.
એનો ઈરાદો ગાઢ નિંદરમાં સુતેલી સુધાને એજ હાલમા ઝડપી લેવાનો હતો.. એના સ્વરૂપને જોઈ કમરાને ચૂપકિદી પણ ધ્રૂજી ઉઠી.
એના ચહેરાની તરડાયેલી અને લટકતી ચામડીના લીરે લીરા રક્તિમ થયા હતા.
એની તગતગતી તારા જેવી આંખોમાં ખૂન્નસ હતુ.
એના લોહી ટપકતા મોંમાથી બે કાળા દાંત દેખાવા લાગ્યા હતા.
એના હાથ પગ ઉગી નીકળેલા અને પવનથી ધ્રૂજતા વાળની જેમ રાત્રી ધ્રૂજતી હતી.
એનો દેખાવ જંગલી હિંસક જાનવર જેવો લાગતો હતો.
મોહન ડૉક્ટર પત્નીની લગોલગ આવી ગયો હતો.
એને સાવધનીથી પોતાનો લાંબા નહોરવાળો લોહિયાળ પંજો સુધાની ગરદન તરફ લાંબો કર્યો.
ડપલોપિલોની મખમલી બેડ પર ભરનિંદરમાં રહેલી સુધાને ખબર નહોતી કે પોતાની ઉપર મોત જજૂમી રહ્યુ છે.
છેક ગરદન સુધી પહોંચી ગયેલો વિકરાળ પંજો અટકી ગયો.
એનુ શરીર કોઈ છૂપા ભયથી કંમ્પી ઉઠ્યુ.
જેનો એને ડર હતો એજ આફત આવવાનો અણસાર એને વર્તાયો.
પોતાનાથી અધિક શક્તિશાળી તેમજ યમદૂત સમો કાળ આવી રહ્યો છે એવુ મોહનને લાગ્યુ.
એના શૈતાની દિમાગે ત્વરીત નિર્ણય લીધો.
ને આમતેમ નજર દોડાવી બે બેઙ એક બીજાને અડીને ગોઠવાયેલી હતી. સામે શોકેઈસ માં ટીવી પડ્યુ હતુ.
દિવાલ પર ચારેક બાજુ પ્રકૃતિ ચિત્ર દોરેલાં હતાં. બેડરૂમ સ્વચ્છ સુઘડ હતો.
થોડાક બરતન સિવાય વધારાનો કોઇ સામાન નહોતો. મોહન સુધાની બેડ જોડે બેઠો.
એના ગંદા મુખે પવિત્ર સ્તુતિ કરી.
આંખો બંધ થઈ.
કશોક મંત્રોચ્ચાર થયો.
ત્યારેજ એક શ્વેત ધ્રૂમ્રસેર એના શરીરને ફરતે વિંટળાઈ વળી.
એનુ શરીર ધૂંધળુ થયુ.
બારી માંથી વહી આવેલો પવન ધુમાડાના ગોટાને ઉડાવી લઈ ગયો.
ત્યાં શૈતાની પિશાચની જગ્યાએ એક ખૂંખાર બિલાડો બેઠો હતો.
એના મોં પર રહેલા ખૂનના ડાઘ જેમનાતેમ હતા.
એના પંજાના લાંબા નહોર, ભરાવદાર શરીર અને તગતગતી તેજસ્વી આંખો ધ્વારા એમ જ લાગે જાણે જંગલનો વાઘ આવીને ઘરમાં ના બેઠો હોય..?'
એ તરત ઉભો થયો.
એને લાગ્યુ, હવે ભાગવુ જ જોઈએ.
મોહન પેલી તૂટેલા ગ્લાસવાળી બારી જોડે આવ્યો. ત્યાંજ બારીનો પડદો ફફડી ઉઠ્યો.
ઘરમાંથી બહાર નિકળવા માટેની એક માત્ર બારીમાંથી બિલ્લી (મિન્ની) પ્રવેશી રહી હતી.
( ક્રમશ: )