બે દિવસ બાદ અમન ઇશા ને લેવા માટે ગયો. આખા પરિવારે અમનની મિજબાની ખુબ સારી રીતે કરી. આરતીબેને ઇશાના નાનપણથી લઇને યુવાની સુધીના બધા ફોટો આલ્બમ અમનને બતાવ્યા.
ઇશાના યુવાનીના ફોટો જોઇને મનોમન ખુશ થઇને તે બોલી ઉઠયો, “ઓહ...કેટલો સુંદર નાજુક નમણો ચહેરો, મોટી મોટી સુંદર આંખો, ગોરા ગાલ અને ગુલાબના ફુલ જેવા હોઠ, હુ ખુબ નસીબદાર છુ કે મને આવી સુંદર પત્ની મળી.”
અમને ધ્યાન આપ્યુ હતુ કે લગ્ન પહેલા તે જેવી રીતે સજી-ધજીને રહેતી હતી, જેવો નુર એના ચહેરા પર હતો તે વાત હવેની ઇશામા નહોતી. સામે બેઠેલી ઇશાના ચહેરાને ફરી ધ્યાનથી જોયુ. નિસ્તેજ, નુર વિનાનો, ઉદાસીભર્યો ચહેરો, એકદમ સાદગીથી તૈયાર થયેલી હતી.
“લગ્ન બાદ તો પત્ની કેવી તૈયાર થઇને રહે છે, જ્યારે તે પિયરમા રહે અને ફરી સાસરી જવાનુ આવે એ દિવસની કેવી આતુરતાથી રાહ જુએ છે. એણે તો મારી સામે ઠીક રીતે જોયુ પણ નહી. અચાનક ફરી તેને અનિતા સાથે કરેલી વાત યાદ આવી અને તેણે ઇશા સાથે દોસ્તી કરીને મનમેળ થાય એવા પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો.
થોડી વાર બેસીને ઇશાને લઇને અમન ત્યાથી નીકળ્યો. બાઇક ઉપર તેણે ઇશા સાથે ઘણી વાતો કરી, હસી મજાક કરવાનો પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ રહ્યો, ઇશા ચુપ જ રહી.
રાતે ઇશા બારી પાસે ઉભી ઉભી પોતાની યાદોને વાગોળી રહી હતી. ત્યા જ અમન આવ્યો. તે પલંગ પર બેઠો અને કહ્યુ, “ઇશા મારી પાસે બેસ...” થોડાક ખચકાટ સાથે તે અમનથી થોડેક દુર બેઠી.
“શુ વાત છે ઇશા? તુ જ્યારથી અહી આવી છે, ગુમસુમ અને ચુપ જ રહે છે. કોઇક તફલીફ હોય તો મને કહે, આપણે તેને સોલ્વ કરીશુ.” અમને ઇશાનો હાથ પકડીને કહ્યુ.
ઇશાનુ મન કોમળ અને સ્વચ્છ હતુ, તેના મનમા અમનથી પોતાનો ભુતકાળ છુપાવવા માટે રાજી નહતુ. એકતરફ વિવેકની યાદો અને પ્રેમમા તુટેલુ દિલ, તો બીજી તરફ સચ્ચાઇ છુપાવીને જાણે કે દર ક્ષણે તેની આત્મા જ કોષતી હોય એવો અનુભવ એને થતો હતો.
મનોમન ઇશા વિચારી રહી, “અતીત છુપાવીને મારી આત્મા, મારુ મન ઘુંટાય છે, બસ હવે વધુ નહી, હુ મારુ સત્ય અમનને આજે જ કહી દઉ છુ અને મનના બોજથી મુક્ત થવુ જ મારા માટે સારુ રહેશે.”
ઇશાએ વિવેક સાથેના પ્રણયફાગની સમગ્ર કહાની અમનને કહી દીધી. અમન બધુ શાંતિથી સાંભળતો રહ્યો. સત્ય જાણીને મનોમન તેને લાગી રહ્યુ હતુ કે તેની સાથે દગો થયો છે. ક્યા પ્રેમભર્યા દાંપત્યજીવનના સપના જોયા હતા અને આજે જાણે એ સપના પત્તાના બનેલા મહેલથી બેવફાઇ નામની હવાને કારણે વેરવિખેર થયા હોય એવુ લાગતુ હતુ. આખી રાત અમનને ઉંઘ ના આવી. આંખોમા આંસુની સાથે નસીબ પ્રત્યે પણ ગુસ્સો હતો. એ રાત પછી તેણે ઇશા સાથે બોલવાનુ જ બંધ કરી દીધુ.
ઇશાના ભુતકાળ વિશે જાણીને અમનને ઘેરી શંકાઓ મનમા ઘેરી વળી હતી. બંને વિશે વિચારીને અમનને ક્રોધ આવી જતો. “સાત વર્ષથી બંને પ્રેમસંબંધમા હતા, નજાણે બંને વચ્ચે શુ શુ થયુ હશે?. તમામ મર્યાદાઓ વટાવી દીધી હશે.” વગેરે વિચારો કરીને તેને ઇશા પ્રત્યે નફરત થઇ હતી. તેની તરફ જોવાનુ પણ તે હવે પસંદ નહોતો કરતો.
આ વાત છેલ્લા ચાર દિવસથી હીરાબા અને અનિતાએ પણ મહેસુસ કરી હતી. તેઓ પુછતા પણ હતા પણ કોઇને કોઇ બહાનાથી અમન વાત ટાળી દેતો, અંતે અકળાયેલા હીરાબાએ બધાની હાજરીમા જ વાત કરી.
“શુ થયુ છે તમારી બંને વચ્ચે, ચાર દિવસથી જોઉ છુ કે તમે બંને વચ્ચે વાતચીતનો પણ વ્યવહાર નથી? હજુ લગ્નને પંદર દિવસ પણ નથી થયા અને તમારા વચ્ચે ઝઘડાઓ શરૂ થઇ ગયા. અત્યારે તો તમારે એકબીજા સાથે ફરવાનુ હોય, ખુશમિજાજી બનીને એકબીજાના પ્રેમભર્યા સાનિધ્યમા રહેવાનુ હોય કે પછી આમ...?” હિરાબા ગુસ્સામા બોલ્યા.
“ઇશા સાથે પુરી જિંદગી ઘુંટાઇને જીવવુ એના કરતા આ લગ્નસંબંધનો અંત લાવી દેવો જ વધારે ઉચિત રહેશે.” અમને મનોમન વિચારીને સત્ય ઘટના હીરાબા અને અનિતાને જણાવી દીધી. તેને એમ હતુ કે બા પણ જાણીને ગુસ્સે ભરાશે અને પછી ઇશાને પિયર મુકી આવીશુ. ઇશા ખુણામા ઉભી રહીને નીચી નજર કરીને જોતી રહી, તેની આંખોમા આંસુ હતા.
સત્ય જાણીને હીરાબાએ ઇશાને પોતાની પાસે બોલાવી. ઇશાએ નજીક જઇને બેસી અને કહ્યુ, “બા આમા મારો શુ વાંક? મે તો સાચા મનથી પ્રેમ કર્યો હતો, એણે મને દગો આપ્યો, મારો સાથ ના આપ્યો તો હુ શુ કરુ?” એક મહિનાથી મનમા ચાલતો ઘુંઘવાટ આજે ઇશામાથી બહાર નીકળતો હોય તેમ તે જોરથી રડી પડી. હિરાબાએ તેને ગળે લગાવીને મા ની મમતા આપી, હુંફ આપી.
“બેટા આજે મન ભરીને રડી લે, મનમા રહેલો બધો જ દુખ આજે આંસુ મારફતે હંમેશા માટે બહાર નીકાળી દે.” હિરાબાએ કહ્યુ.
થોડીવારે રડીને ઇશા શાંત થઇ પછી હિરાબાએ કહ્યુ, “બેટા પણ સત્ય વાતની પહેલા જાણ કરવી હતી, જેથી ભુતકાળને કારણે વર્તમાન પર કોઇ અસર ન પડે.”
“મમ્મી-પપ્પાને લાગતુ હતુ કે સત્ય જાણીને કોઇ મારી સાથે લગ્ન કરવા તૈયાર નહી થાય, આ કારણે મને અમન સાથે વાત કરવાનો મોકો જ ના આપ્યો, નહિતર.....” ઇશા બોલતા અટકી પડી.
હીરાબાએ સમજદારીપુર્વક કામ કર્યુ, “એ ઇશાનો ભુતકાળ કહેવાય, હવે એને ભુલીને તમે એક નવા જીવનની શરૂઆત કરો, એમા જ ભલમનસાઇ છે.”
અમનને લાગતુ હતુ કે એની બા અને બહેન એનો સાથ આપશે, પણ આનાથી વિપરીત બન્યુ, એ ગુસ્સામા બેગ લઇને ઓફિસ જવા નીકળી પડ્યો. ત્રણેય એને તાકી રહ્યા.
લગ્ન એ ખુબ પવિત્ર બંધન છે. તોડવુ સરળ અને જીવનભર નિભાવવુ એ પણ પ્રેમ, વિશ્વાસ અને વફાદારી સાથે એ ખુબ કઠીન છે. આ જ હિરાબાનુ માનવુ હતુ. તેમના સ્વભાવમા દયા હતી, તો કોઇને ક્ષમા કરવાની નીતી પણ હતી. આ જ કારણે ઇશાની ઉપર ચીડવાને બદલે સહાનુભુતિ દાખવી હતી. “વીતી એ વાત ગઇ” એવુ માનીને ઇશા સાથે અમને નવા જીવનની શરૂઆત કરવી જોઇએ, એવુ દ્રઢપણે હિરાબા અને અનિતાનુ માનવુ હતુ.
આંસુ મારફતે પોતાનુ સંપુર્ણ દુખ ઇશા વહાવી ચુકી હતી. અત્યાર સુધી તે અમન સાથે અન્યાય કરી રહી હતી એ વાતનુ એને દુખ હતુ. વિવેક જેણે પોતાના સ્વાર્થને ખાતર પોતાને તરછોડી દીધી એવા વ્યક્તિને યાદ કરીને જીવન બરબાદ કરવા કરતા એક નવા જીવનની શરૂઆત કરવી વધુ યોગ્ય હતી, એમ ઇશા માનતી હતી.
અમન રાતે અગિયાર વાગે ઘરે આવ્યો. હિરાબાને ગુસ્સો ચઢયો હતો.
“આજે કેમ આટલુ મોડુ થયુ?” હિરાબાએ પુછ્યુ.
“બસ એમ જ, બહાર હતો.” અમને કહ્યુ અને પોતાના રૂમમા જતો રહ્યો.
ઇશા રડી પડી. હિરાબાએ સાંત્વના આપતા કહ્યુ, “બેટા હ્રદય પર ઝખ્મ લાગ્યો છે, ભરતા વાર થશે.” થોડી વારે ઇશા પણ રૂમમા જતી રહી.
અમન બારી પાસે ઉભો હતો. ઇશા પાસે ગઇ અને કહ્યુ, “સોરી મે તમારાથી સચ્ચાઇ છુપાવી, પણ શુ મારા ભુતકાળને ભુલાવીને તમે મને એક મોકો આપશો?”
અમનના મનમા શંકાનો કીડો ઘર કરી ચુક્યો હતો, તે ગુસ્સામા જ બોલ્યો, “પણ એ તારો રંગીન ભુતકાળ કેવી રીતે ભુલી શકુ?”
ઇશા કઇ સમજી નહી, “મતલબ?”
“સાત વરસનો પ્રેમસંબંધ હતો, તમામ મર્યાદાઓ વટાવીને બહુ આગળ સુધી વધી ગયા હશો નહિ?, ઓહહ...હુ પણ શુ પુછુ છુ, હવે રિલેશનશીપમા હતી તો એ નોર્મલ જ કહેવાય ને?” અમન કટાક્ષમા બોલ્યો. હવે ઇશા સમજી ગઇ હતી કે અમન શુ કહેવા માંગે છે, પોતાના ચરિત્ર પર આંગળી ઉઠી હતી હવે કેમ ચુપ રહે.
ઇશાએ કહ્યુ, “શરમ આવવી જોઇએ ખુદની પત્ની વિશે આવી વાત કરતા.”
અમને કહ્યુ, “તને કરતા શરમ ના આવી, તો મને કહેવામા શી શરમ?”
ઇશાનો ગુસ્સો હવે વધ્યો હતો, તેણે અમનને ખેંચીને તમાચો માર્યો. બહારના રૂમમા સુતેલા હિરાબા અને અનિતાને પણ અવાજ આવતા બંને ઉભા થયા.
ઇશાએ બારણો ખોલ્યો અને મંદિરમા જઇને દિવો પ્રાગટ્ય કર્યો. હિરાબા અને અનિતા હજુ સમજી નહોતા શક્યા કે આ શુ થઇ રહ્યુ છે. અમન નહોતો આવ્યો પણ કઇક અજુગતુ લાગતા અનિતા તેને મંદિર પાસે ખેચી લાવી.
પ્રાગટય થયેલો દિવો હાથમા ઉપાડીને ઇશા બોલી, “હુ અંબેમાના સોગંધ ખાઇ, પવિત્ર અગ્નિને સાક્ષી માનીને કહુ છુ કે હુ પવિત્ર છુ, મારા અને વિવેક વચ્ચે માત્ર પ્રેમ હતો. મનથી મનનો પ્રેમ એનાથી વિશેષ કોઇ જ સંબંધ નહિ. હુ મારા પરિવારે આપેલા સંસ્કાર અને પિતાની આબરૂ જાળવવાનુ કામ દિકરીનુ હોય એ જાણુ છુ અને મે યોગ્ય રીતે આબરૂ જાળવી પણ છે.”
ઇશાની વાત સાંભળીને હિરાબા અને અનિતા સમજી ગયા કે અમને શી શંકા વ્યક્ત કરી હશે. તેમને અમન પર ગુસ્સો આવ્યો અને પહેલી વાર તેમણે અમન પર હાથ ઉપાડ્યો.
અનિતા પણ બોલી, “છી....શરમ આવવી જોઇએ અમન તને.”
ઇશાએ દિવો મુકી અને પોતાના રૂમમા જઇને બેગ પેક કરી. સવાર થતા સાસુના આશીર્વાદ લઇને પિયર જતી રહી. હિરાબા અને અનિતાએ રોકવાનો પ્રયાસ કર્યો પણ ઇશા બોલી, “બા સંબંધમા વિશ્વાસ હોય તો જ લગ્ન ટકે છે, અહી રહીશ તો શંકાની આગમા બળીને અમન બળશે જ, એનાથી યોગ્ય છે કે અલગ થઇ જઇએ.”
***
બે દિવસ બાદ સાંજે ૮ વાગ્યે કેશવભાઇ અને આરતીબેન અમનના ઘરે સમજુતી કરવા આવ્યા. હિરાબા અને અનિતા જ ઘરે હતા, અમન ઘરે નહતો. હિરાબાએ પ્રેમથી આવકાર આપ્યો. અનિતાએ બંનેને પાણી આપ્યુ. અને વાતો શરૂ થઇ.
“હુ માનુ છુ કે અમે ઇશાનો ભુતકાળ છુપાવ્યો, પણ કોણ મા-બાપ નહી ઇચ્છે કે એની સંતાન સુખી રહે?. આજે પણ આપણો સમાજ એવો જ છે કે કોઇ છોકરીનો ભુતકાળ હોય તો સહજતાથી સ્વીકાર નથી કરતા.” કેશવભાઇએ કહ્યુ.
“અમને પણ ભય હતો કે ઇશાના ક્યાક વર્તમાન અને ભવિષ્ય પર અસર ન પડે, બસ એ જ કારણ...” આરતીબેન બોલતા બોલતા અટકી ગયા.
હિરાબાએ કહ્યુ, “હુ પણ એક દિકરીની મા છુ, તમારી ભાવના અને દુવિધા સમજી શકુ છુ. જો હુ મારી વાત કરુ તો હુ ઇશાનો સ્વીકાર ખુશીથી કરવા તૈયાર છુ અને માનુ છુ કે બંનેએ એક નવી શુભ શરૂઆત કરવી જોઇએ, પણ અમનને સ્વીકારવામા વાર લાગશે.”
“જો ખોટુ ન લાગે તો એક વાત કહુ?” કેશવભાઇએ કહ્યુ.
“હા કહો ને ચોક્ક્સ....” હિરાબાએ કહ્યુ.
“અમનનો પણ તો ભુતકાળ હતો જ ને?, ફરક માત્ર એટલો જ છે કે એની સગાઇ થઇ હતી અને ઇશાએ કોઇ સાથે પ્રેમ કર્યો હતો, બસ...” કેશવભાઇએ કહ્યુ.
હિરાબાએ સહેજ નિસાસો નાખતા બોલ્યા, “અમે અમનને સમજાવીશુ.”
કલાક અમનની રાહ જોયા બાદ કેશવભાઇ અને આરતીબેન ત્યાથી ઘરે જવા રવાના થયા.
***
ક્રમશ:
રોહિત સુથાર “પ્રેમ”