મારા ઘૂંટણ સંભાળો મહારાજ રે....!
જાણીએ છીએ કે, રાજકારણ એ લોકશાહીનો આધારસ્તંભ છે. એમાં ગંદવાડ નહિ આવવાનો તો, શું આપણા ડ્રોઈંગરૂમમાં આવવાનો યાર...? અમુક તો અમસ્તા જ રાજકારણની વાતને વાટી વાટીને છુંદો કરે. આપણને સાલી દયા આવે કે, કોઈને ભાંડવા જ હોય તો, દુનિયામાં જથ્થાબંધ ‘ પોઈન્ટ ‘ પડ્યા છે. આ લોકો શા માટે કચરાપેટીમાં ખાંખાખોરા કરતાં હશે....? સહેલી બોરડી મળે એટલે બસ પથ્થર જ મારવાના....? એના કરતાં ઘૂંટણ સંભાળો ને યાર....? રાજકારણ તો ઠીક, આપણું શરીર પણ ક્યાં કાબુમાં રહે છે ? શરીરનું ભાડું ચૂકવતા હોય એમ, રોજે રોજ ટીકડા ગોળીનો નાસ્તો કરવાનો, ત્યારે માંડ શરીર એની પોઝીશન પકડે. આપણા પેટીપેક ઘૂંટણ કંઈ ઓછાં ત્રાસ આપે છે ? મોદી સાહેબથી હેરાન નથી થયાં, એના કરતાં તો ઘણાને એના ઘૂંટણ જ પોક મુકીને રડાવે. છતાં સહન કરી લે, પણ ક્યારેય હાય મારાં ઘૂંટણ.… ઘૂંટણ… ઘૂંટણ બોલતાં સાંભળ્યા...? બિચારા મોદી...મોદી..મોદીનો હર્ષનાદ જ કરે છે ને...? ખમીરવંતી પ્રજા છે મામૂ...!!
જેને ઘૂંટણનું દર્દ ઉપડે, એને જ ખબર પડે કે, કેટલાં પંચા પંચાવન થાય ? ગેસની સબસીડી વગર ચાલે, ને પેટ્રોલ ભડકે બળે તો પણ ચાલે. પણ ઘૂંટણના દર્દ ઉપડ્યા તો એવી ચીસ પડાવી દે કે, મોંઘવારી ભૂલી જવાય.ય. પગમાં જયારે ટણક મારે ત્યારે ખબર પડે કે, કંપની ફીટીંગ સાથે શરીરમાં બે ઘૂંટણ પણ આવેલાં છે....! હવે એવું નહિ પૂછતાં કે, ‘ ઘૂંટણ ક્યાં આવેલાં છે ? કેટલાંક એને ઢીંચણ પણ કહે ને કેટલાંક એને ગોઠણ પણ કહે...! જેવી જેવી ઘૂંટણની મસ્તી..!.
ઘૂંટણની એક ટેવ મને ગમી. એ જયારે બગડે, ત્યારે નાસ્તિકને પણ આસ્તિક બનાવી દે. રામનું નામ લેવા નહિ માંગતો પણ ‘ રામ...રામ ‘ બોલવા માંડે. એવું દુખે કે, આપણી રોજની ચાલ શુદ્ધા બદલી નાંખે. સારી ચાલચલગત ધરાવતો માણસ પણ, ઘૂંટણના ભોગે રેંચો ચાલવા માંડે. સાલું સમઝમાં નહિ આવે કે, ભગવાને ઘૂંટણને જ કેમ આટલું તકલાદી બનાવ્યું હશે ? દર્દ આપવા માટે શરીરમાં એમને બીજી કોઈ જગ્યા જ નહિ મળી હશે કે...? જે કિરતારે શલ્યાની અહલ્યા કરી હોય, એણે શલ્યા જેવું ઢીંચણ કેમ નહિ બનાવ્યું ? ઘૂંટણ દુખવાની કડાકૂટમાંથી તો છુટકારો હોત....?
એ તો સારું છે કે, પરણીને પરવારી ગયાં પછી જ ઘૂંટણના દુખણા આવે છે. સાવ કુંવારા હોય, ને શરીર ઊપર હળદરની પીઠી લગાવવાને બદલે, ઘૂંટણ ઊપર લેપ ચોંટાડવાના આવે તો....? સાસરીના ધમાકેદાર માહ્યરાની મઝા બગાડી નાંખે. ને મંગળફેરા ફરવા માટે ‘ રનર્સ ‘ પણ રાખવો પડે તે અલગ....! તમને તો હસુ આવતું હશે, પણ જેનાં ઘૂંટણ ટણક મારતાં હોય એને ખબર પડે કે, ચાર ફેરા ફરવા કેટલાં આકરાં હોય...! ચાળીસ માળની બિલ્ડીંગના પગથીયાં ચઢતો હોય, એટલો હાંફી જાય. એમાં જુવાનિયાઓને ‘થનગનાટ’ કરતાં જોઈ, ત્યારે તો એને એવું જ લાગે કે, જાણે પોતાની લાશ ઉપર જુવાનીયા કેબ્રે ડાન્સ નહિ કરતાં હોય...?
મોદી સાહેબ જો મળે તો આપણે કહેવું જોઈએ કે, પેટ્રોલ/ ડિઝલના ભાવો તમારે જેટલા ભડકે બાળવા હોય એટલા બાળો, “ વી હેવ નો પ્રોબ્લેમ...! “ પણ આ પાંચ કરોડ જનતાના, દશ કરોડ ઘૂંટણનું કંઈ કરો...! ઘરડે ઘડપણ બધો માર એના ઉપર જ આવે...! ઘડપણમાં ઘૂંટણ એવાં લપકારા મારે કે, જાણે જીવ મોઢાને બદલે ઘૂંટણમાંથી નહિ નીકળવાનો હોય ? જેમ વિરોધપક્ષવાળા, શાસક પક્ષ સામે કાંદો કાઢી શકતા નથી, હાડકાના ડોકટર પણ હવે તો ઘૂંટણના દર્દી સામે ઘૂંટણીએ પડી જાય છે બોલ્લો....! અમને કહે, ‘ તમારું ઘૂંટણ દુખે ત્યારે તમે તો અમારાં જેવાં ડોકટર પાસે પણ આવી શકો, પણ અમારાં ઘૂંટણ ટણકે ત્યારે અમારે ક્યાં જવું....? ઘૂંટણ તો અમારાં પણ ચીસ પડાવે....!
એકવાર એક માતાજી ડોકટર પાસે ઘૂંટણનું દરદ લઈને ગયાં. ડોકટર કહે ‘ બહેન, ....ઉમર થાય એટલે ઘૂંટણ તો ટણક્વાનાં જ. ‘ માજી કહે, ‘ ભાઈ ઉમર તો બંને પગની સરખી જ હોય ને ? ડાબું ઘૂંટણ ને જમણું ઘૂંટણ તો સાથે જ આ ધરતી ઉપર પ્રગટ થયેલાં. છતાં જમણા પગનું ઘૂંટણ જલશા કરે છે, ને આ ડાબું ઘૂંટણ જ ચીસ પડાવે એવું કેમ ? ‘ તમે માનશો નહિ, ડોકટર હજી બેભાન છે....!
એક કાકી તો એમના ધણી સાથે ડોક્ટરને ત્યાં ગઈ, અને ડોકટરને ધડાધડ ફરિયાદ કરવા બેઠી. ‘ ડોકટર સાહેબ હું આનાથી હવે કંટાળી ગઈ છું, તમે ગમે તે કરો પણ આનું કંઈ કરો...! એ જરાપણ મારા કાબુમાં રહેતો નથી. ‘ ડોકટર ગૂંચવાયા કે, કાકી વાત શાની સારે છે...? ડોકટર કહે, ‘ માજી....આ તમારો પોતાનો પ્રોબ્લેમ છે. એમાં ડોકટર શું કરી શકે...? કાકી કહે, ‘ તો પછી તમે ડોકટર થયેલાં કામના શું...? અમારો પ્રોબ્લેમ હોય તો જ અમે તમારી પાસે આવીએ ને...? ‘ ડોકટર કહે, ‘ માજી તમને કોઈ શરીરમાં તકલીફ હોય તો એનો ઈલાજ અમે ડોકટર થઈને કરીએ. તમે આ કાકાથી કંટાળ્યા હોય એમાં હું શું કરી શકું..? ‘ કાકી કહે, ‘ કાકાની ક્યાં વાત કરું છું ? જોતા નથી ક્યારની હું ઘૂંટણ બતાવું છું તે...? મારા ઘૂંટણની વાત કરું છું ભઈલા....! ત્યારે ડોકટરને ખબર પડી કે, ગાડી ઉંધે પાટે ગઈ....!!
આ તો બધી હસવા હસાવવાની વાત થઈ. જેમ ઘર ઘર ગેસના ચૂલ્હાઓ છે, એમ આજે ઘર-ઘર ઘૂંટણના કેસ છે. કેટલીક સાસુઓ તો જેટલી વહુથી ત્રાસી નથી, એનાથી વધારે ઘૂંટણની ટણકથી ત્રાસી ગઈ. ને લોકોના મોંઢાને ઢાંકણ તો હોય નહિ. ઘણા તો એવાં કાંદા ફોડે કે, ‘ જે સાસુએ પોતાના પરચા બતાવવામાં સગી વહુ માટે કંઈ બાકી મૂક્યું નહિ હોય, એમના જ ઘૂંટણ ટણકે...! ‘ બોલો...! આવી અફવા ફેલાવનારને તો ‘ સાસુદ્રોહી ‘ નો શ્રાપ આપવો જોઈએ કે નહિ ? આવાં ને તો સાત પેઢી સુધી કોઈએ જમાઈ બનાવવો નહિ એવું સરકારી ફરમાન થવું જોઈએ. પાછાં દાઝ્યા ઉપર ડામ મૂકી, એવાં ફોલ્લાં પાડે કે, દરદ કરમ ને ભક્તિ, ક્યારેય કોઈનો પીછો નહિ છોડે. આપણું પૂંછડું પકડીને પાછળ પાછળ જ આવે. ભલે ને હનુમાનજી ને તેલ ચઢાવો, એના કરતાં ડબલ તેલથી ઘૂંટણ ઉપર માલીશનું તેલ કેમ નહિ ચઢાવો ? તો પણ કરમ તો ઉભરે જ....! હિસાબના ચોપડાની માફક, ગયાં જનમની પાછલી બાકી આ જનમમાં પણ પાછી તો ખેંચાય જ...! સાસુનું ઘૂંટણ ને વહુની કમર, આ બધી અસહ્ય સમસ્યા છે દાદુ....! વહુની કમર દુખે તો એવું કહેવાવાળા પણ છે કે, ‘ જે વહુ અડોશ પડોશમાં ‘ સાસુચાલીસા ‘ કરતી હોય એની જ કમર દુખે...! ‘ એના કપાળમાં કાંદા ફોડું...!!
આ તો શરીર છે દાદુ...! ક્યારેક ઘૂંટણ પણ દુખે ને ક્યારેક કમર પણ દુખવાની. એને સાસુ-વહુના પરચામાં કે બૂરી વાણીમાં નહિ ખપાવાય. ક્યાંક ક્યાંક તો અમુક અમુક સાસુ-વહુના જોડાઓ એવાં રળિયામણા હોય, કે આપણને પણ ભક્તિ જાગે, કે આ લોકોના તો સમય આવે ત્યારે ઘુમ્મટવાળા મંદિર બનાવવા જોઈએ. આવનારી પેઢીને એ બહાને અંદાજ તો આવે કે, સાસુ-વહુના સંબંધો કેવાં મધુર ને દૈવિક હોવા જોઈએ ? એકવાર આવું મંદિર બંધાવું જ જોઈએ. પછી તો ધીરે ધીરે એના મેળા પણ ચાલુ થઈ જાય. એટલું જ નહિ, સાસુ પરેશાન કરે તો વહુ બાધા ચઢાવવા આવે, ને વહુ પરેશાન કરતી હોય તો, સાસુ નાળિયેર ફોડવા પણ આવતી થઈ જાય. ગામમાં ધાર્મિક વાતાવરણ ઝામી જાય દાદુ...! ગંગાસતી ને પાનબાઈના દાખલા ક્યાં આપણાથી અજાણ છે....? મૌજૂદ જ છે ને ?
અસ્સલ વહુને ચિંતા રહેતી કે, મારા લમણે કેવી સાસુ લખાયેલી હશે...? અત્યારે તો સાસુને ચિંતા થાય કે, મારા નસીબમાં કેવી વહુ લખાયેલી હશે....? એક સાસુએ એની વહુને એટલું જ કહ્યું, ‘ હવે તો ઉઠ હિરોઈન...! સૂરજ ઉગી પણ ગયો, ને આસમાને પણ ચઢી ગયો. ક્યાં સુધી પથારીમાં તું ઘોરતી પડી રહેવાની...? વહુ માથા ફરેલી. એણે તરત કહ્યું કે, ‘ મમ્મી....! સૂરજ ભલે આસમાને ચઢી ગયો. પણ ડૂબી તો વહેલો જાય છે ને....? અમારે તો રાતે અગિયાર વાગ્યા સુધી ઘરમાં કુટાવાનું હોય. એ ભૂલી ગયાં....? ‘ બોલો...! આવી સાસુ વહુના મંદિર તો ઠીક, એના પાળિયા પણ નહિ મુકાય....!
મામલો આખો સમજ અને ગેરસમજનો છે. જયારે નવી પેઢીની વિચારધારા સાથે, જૂની પેઢીની ચાંચ ટૂંકી પડે, ત્યારે આવાં ડખા થાય. એક દીકરાને એની માએ કહ્યું કે, પરણવા માટે તું છોકરી તો નકકી કરીને આવ્યો. પણ એ કંઈ ભણેલી છે કે પછી મારા જેવી જ છે....? છોકરો કહે, ‘ મમ્મી...! ભણવાની ક્યાં વાત કરે ? તારી આવનારી વહુ તો, ‘ આંખ આંખ ચાઈ...! ‘ જેટલું ભણેલી છે.’ મા કહે, ‘ અચ્છા એટલે કે એ છોકરી ‘ આઈ આઈ ટી ‘ થયેલી છે એમ...? ‘ તને કેમ ખબર પડી મા.....? ‘ મા કહે, બેટા....! ભલે હું ભણેલી નથી, પણ ગણેલી વધારે છું દીકરા...! એના કપાળમાં કાંદા ફોડું....!!
***