Premparayan - 2 in Gujarati Love Stories by Beena Rathod books and stories PDF | પ્રેમપરાયણ - 2

Featured Books
Categories
Share

પ્રેમપરાયણ - 2

બિંદીયા મેગેઝીન વાંચી રહી હતી અને જયરાજ તેની કોઈ ફાઈલ લઈને બેઠો હતો. હું મારા અને નીરુના ફોટા લેપટોપ પર જોઈ રહ્યો હતો. નીરુ પણ સુવાની તૈયારી કરવા લાગી. તેણે મારા ઓશીકું ને ચાદર ચડેલા મોએ જેમ હતા ત્યાં ને ત્યાં રહેવા દીધા અને જેવા તેણે પગ લાંબા કર્યા કે તે નીચે પડી ગયા તે લેવા હું વાંકો વળવા જતો હતો. પણ જયરાજ અમારા અબોલા સમજી ગયો ને બોલ્યો, “સર ! હું આપી દઉં છું તમારા ઓશીકું ને ચાદર.” કહી તેણે ફાઈલ સાઈડ પર મુકી મને ચાદર ઓશીકું આપતા આપતા નીરુ સામે એક નજર કરી મને આંખ મીચકારી. અમને બન્નેને હસતા જોઈ બિંદીયા પણ અમારા અબોલા સમજી ગઇ છે, એવી રીતે તે ડોક હલાવતા મારી સામે હસી. આ બધા ઇશારાનો સરવાળો નીરુ પણ સમજી જ ગઈ.

એટલે નીરુએ વાત ફેરવવા બિંદીયાને કહ્યું, “ મને તો ટ્રેનમાં વહેલી ઊંધ જ ન આવે અને તમને બન્ને ને જોઈને પણ લાગે છે તમે હમણાં સુવાના નથી.” મને નીરુનો આ જુનો ડાઈલોગ સાંભળી હસવું આવી ગયું.ત્યા બિંદીયા મેગેઝીન બાજુ પર મુકીને બોલી, “ના,હું ને જયરાજ ઘણા સમય પછી મળ્યા છીએ,તો સમય ઊંઘ માટે શાને બગાડીએ.” જયરાજે પણ આ સાંભળતા ફાઈલ બેગમાં મુકી દીધી.નીરુંને તો મોકો મળ્યો એટલે પકડી પાડ્યું, “ઘણા સમય પછી એટલે ?” બિંદીયાએ કહ્યું, “હા લગભગ છ વર્ષ પછી.”

કુતૂહલ તો મને પણ હતું જાણવાનું કે છેલ્લે હું જયરાજ અને બિંદીયાને મળ્યો હતો,ત્યારે બિંદીયાના નિર્ણય પ્રમાણે બન્ને એક બીજાને હવે ક્યારે પણ નહી મળે એવું નક્કી કરીને પોતપોતાના મોબાઈલમાંથી એકબીજાના નંબર ડિલીટ કર્યા હતા. પણ જયરાજ ખૂબ આત્મવિશ્વાસ સાથે બોલ્યો હતો કે, “બિંદીયા ! તું જોજે,ક્યાંક તો ભટકાશુ જ આપણે !” મતલબ શું ત્યાર પછી તેઓ આજે જ મળ્યા હશે? આજે તેમને બન્નેને સાથે જોઈને મને જયરાજની એ વાત યાદ આવી ગઈ.

જયરાજ જેવો ટોઈલેટમાં ગયો કે નીરુએ બિંદીયાને પૂછ્યું, “તમે બન્ને ફ્રેન્ડ્સ....?” કહેતા તેણે સવાલને અધૂરો મુક્યો. નીરુને જ્યારે સામે વાળી વ્યક્તિને પૂરી રીતે જાણવાની આતુરતા હોય ત્યારે તે પોતાના અધૂરા સવાલ અને પ્રશ્નાર્થ ચિહ્ન વચ્ચે એટલી ખાલી જગ્યા મૂકે કે સામે વાળી વ્યક્તિ માટે એ ખાલી જગ્યા જવાબ દેવાની મજબૂરી બની જાય.

બિંદીયા પણ નીરુનો “ખાલી જગ્યા પૂરો” વાળો ભાવાર્થ સમજી ગઈ હોય તેમ જ તેણે જવાબ આપ્યો, “હું ને જયરાજ ખુબ જ સારા ફ્રેન્ડ્સ છીએ ફક્ત એવું હું કહી શકુ પણ એથી વધુ કંઈક હોવાને કારણે અને અમને દર વખતે સાથે ને સાથે જોઈને વસાવે સરે અમને મજાક મજાકમાં ‘દો હંસો કા જોડા’ નામ આપ્યું છે.”

હવે નીરુએ વાત આગળ વધારવા માટે એક જ વાક્ય ગોઠવવાનું હતું.તેણે મનમાં વાક્ય ગોઠવ્યું, પલાંઠી વાળી અને જાણે જીગ્સૉ પઝલનું આખરી પીસ મુકતી હોય તેવું હસતા હસતા બોલી, “અરે વાહ ! મને હંસ હંસલીની વાર્તા સાંભળવી ગમશે..!”

ત્યાં જયરાજ આવ્યો, નીરુ અને બિંદીયાની અડધી પડધી વાત સાંભળી સમજી ગયો હોય તેમ તરત જ તે પણ પલાંઠી વાળી બેસતા બોલ્યો, “તો ચાલો અમે તમને મારી ને બીંદીની વાર્તા સંભળાવીએ જેથી તમારી અબોલા મુસાફરીનો કંટાળો દુર થાય.” કહેતા તેણે મારી સામે આંખ મીચકારી.

નીરુએ તરત, “ મુસાફરી હુંહ..!” બોલી હુંહકારો કરતા પાણી પીને બોટલને ‘ધડ્ડ’ કરી ને એવી રીતે પછાડી જાણે એ બોટલને પછાડીને નીરુએ મને માર્યાનો સંતોષ મેળવી લીધો.

મે જયરાજને હસતા હસતા કહ્યું, “અરે જયલા તું તારી વાર્તાની શરૂઆત અમારા અબોલાથી નહી કરને ભાય !”

બિંદીયાએ નીરુનો ઉશ્કેરાએલો ચહેરો જોતા જ જયરાજને આવી મજાક ન કરવા ઇશારો આપવા જયરાજથી નીરુ તરફ અને નીરુથી ફરી જયરાજ તરફ જોઈને આંખોને સહેજ મોટી કરી. એટલે જયરાજને પણ પોતાનો મજાક કોઈ બીજી દિશામાં જઈ રહી હોય એમ લાગતા તરત માફી માંગતા નીરુને કહ્યું, “અચ્છા બાબા આઈ એમ સોરી !તમે ગુસ્સો નહી કરો. હવે પછી આગળની વાતમાં હું મારા ને બીંદી સિવાય કોઈનું નામ નહી લઉં. આઈ પ્રોમિસ !”

વાતાવરણ ફરી હળવું કરવા જયરાજે મને કહ્યું, “સર..! તમે સાક્ષી છો. જોજો હું અમારી વાર્તામાં કોઈ એક્સટ્રા ટ્વિસ્ટ, ઢીશુમ્મ કે ઢીચ્ક્યાઉં તો એડ નથી કરતોને..!” બોલીને બધાને હસાવી મુક્યા.

જયરાજના કહેવાથી બિંદીયા એ પોતાનું પર્સ ખોલી એક વીઝીટીંગ કાર્ડ કાઢ્યું. જે મારા જુના છપાવેલા વીઝીટીંગ કાર્ડ માંનું એક હતું.

જયરાજે નીરુને કાર્ડ દેખાડી કહ્યું, “આ વસાવે સરનું વીઝીટીંગ કાર્ડ, મે અને બિંદીએ પહેલી વાર વાત કરી તેનું સાક્ષી છે.” નીરુએ કહ્યું, “મને જાણવું છે કઈ રીતે.”

નીરુએ આગળની વાત જાણવાની અધીરાઈ ન બતાવી હોત તો પણ બિંદીયા આગળની વાત કરવા ઉત્સુક જ હતી તેવું તેના ચહેરાના ભાવ જોઈ સાફ દેખાય આવતું હતું.

બિંદીયા બોલી આ કાર્ડ સરે મને આપ્યું હતું પહેલી વખત મળ્યા ત્યારે. નીરુ એ પૂછ્યું, “પહેલીવાર મળ્યા હતા ત્યારે,મતલબ ?,તમે ત્રણેય જણ એકબીજાને પહેલીવાર મળ્યાં હતાં ?” જયરાજ બોલ્યો, “મળ્યાં પહેલીવાર હતા પણ સરને તો કોણ નથી જાણતું” કહી જયરાજ અને બિંદીયાએ મારી તરફ જોયું.

હું મનમાં થોડો ફૂલાય ગયો, સહેજ ટટાર થઈને બેઠો, મનમાં હું જાણે લોકોના ટોળા વચ્ચે ઊભો હોવ ને બધાનુ ધ્યાન મારા પર હોય એવો અભિમાની જેવો વિચાર આવ્યો. સાથે એવો વિચાર પણ આવ્યો કે જયરાજ અને બિંદીયાના મળવાનું નિમિત્ત હું હતો.

નીરુ એ ફરી પૂછ્યું, “અને તમે બંને ?,તમે બંને પણ ત્યારે જ પહેલીવાર મળ્યાં હતાં?”

જયરાજ બોલ્યો છાપામાં વાંચ્યું કે,વસાવે સરનું ‘કંટેમ્પ્રરી પેંટીગ’ પર લેક્ચર છે. હું તો સર નું નામ સાંભળતા જ સમય કરતા પણ વહેલો પહોંચી ગયો હતો અને ઓડિટોરિયમની લગભગ પાછળની સીટ પર જઈને ગોઠવાઈ ને બેસી ગયો હતો. લોકો પણ એક પછી એક આવી ગયા હતા. નીરુ થી રહેવાયું નહિ તે વચમાં જ બોલી ઊઠી, “બિંદીયા કયારે આવી ?”

બિંદીયા આ સાંભળતા જ જાણે પોતાની સ્થિતિ યાદ કરી હસવા લાગી અને બોલી,”હું તો લગભગ સૌથી છેલ્લે હતી. ટ્રાફિકને કારણે, વહેલી નીકળી હોવા છતાં મોડી પડેલી.ઓડિટોરિયમ નો દરવાજો જેવો બહારથી મેં અંદર જવા ખોલ્યો કે, ઓડિટોરિયમની બધી પબ્લિક નું ધ્યાન વસાવે સર તરફથી હટીને મારા તરફ એકવાર તો પડ્યું જ હશે, કે આટલી મોડી કોણ આવી?”

જયરાજ બોલ્યો, “હા !અને જેમાં હું પણ હતો.” ત્યારે બિંદીયા હોઠ દબાવી હસતી હોય એવું લાગ્યું. જયરાજ બોલ્યો, “સર એ દિવસ માટે તમને સોરી કહું છું ! કારણ કે,ત્યારે મારું ધ્યાન તમારા લેક્ચર પરથી હટ્યું તે પછી હું લેક્ચરમાં ધ્યાન નહોતો આપી શક્યો.”

મે કહ્યું, “જયરાજ, તેની ભરપાઈ તે પછી વારે વારે મને મળીને કરી દીધી છે.”

હા...મારી વર્કશોપ પર જયરાજ અને બિંદીયા મને મળવા તે દિવસ પછી ધણી વાર આવતા. અમે સારા મિત્રો બની ગયા. હું તેમના મળવાનું નિમિત્ત હોવાને કારણે જયરાજે આભાર પણ વ્યક્ત કરેલો.

આગળ વાત વધારતા બિંદીયા બોલી, “લેક્ચર પત્યા પછી વસાવે સર પાસેથી મે વીઝીટીંગ કાર્ડ લીધું અને હું બહાર નીકળી રીક્ષા પકડવા જઈ રહી હતી. એટલી વારમાં મને પાછળથી કોઈનો અવાજ આવ્યો. મે પાછળ વળીને જોયું તો જયરાજ પાછળથી દોડી ને આવી રહ્યો હતો તેણે આવતાં જ પૂછ્યું કે તમારી પાસે વસાવે સરનું વીઝીટીંગ કાર્ડ છે? તેમના પાસે કાર્ડસ લિમિટેડ હોવાને કારણે મને નથી મળ્યું.”

નીરુ, “હમ્મ્મ્મ” વાળો લહેકો કરીને જયરાજને બોલી, “ત્યારે તો આ કાર્ડ નિમિત્ત બન્યું એમને ?” જયરાજ બોલ્યો, “મારી પાસે આ અજાણી છોકરી (બિંદી) સાથે વાત કરવાનું કોઈ બહાનું ન હોવાને કારણે મે મન માં વિચાર્યું કે, હું તેની પાસેથી સરનુ વીઝીટીંગ કાર્ડ માંગવાના બહાને થોડી ઘણી વાત કરીને ઓળખાણ કેળવી લઉં. કોણ જાણે કયું આકર્ષણ મને બિંદી તરફ ખેંચી રહ્યું હતું..! ત્યાર પછી અમે એકબીજાના નંબરની આપ લે કરી છુટા પડ્યા.”

બિંદીયા બોલી, “ત્યાર પછી અમે સરના બધા લેક્ચરમાં સાથે જતા. અમને બન્ને ને પેંટીગનો શોખ હોવાને કારણે કોઈ વાર આર્ટ ગેલેરી જતા. અમને સમજાતુ હતું કે અમને એકબીજાની કંપની ગમે છે.પણ હું નો’તી ઇચ્છતી કે અમારી વિશે અમારા ઘરના લોકો કંઈ પણ ધારી બેસે. અમારી અમુક મર્યાદાઓને કારણે તે સિવાય અમારે નહી મળવાનું અમે નક્કી કર્યું હતું.”

નીરુ એ પૂછ્યું, “કેવી મર્યાદા?”

જયરાજે કોઈ ગૂનો કર્યો હોય તેવા ધીમા અવાજે બોલ્યો, “બિંદીયા પરણેલી સ્ત્રી હતી ને એ વાત અમારી મૈત્રીની શરૂઆતથી જ મને ખબર હોવા છતા હું તેના તરફ આકર્ષણ અનુભવતો, તેની બિંદીયાને પણ ખબર પડી ગઈ હતી.”

નીરુની આંખો ભડકો થઈ ફાટેલી રહી ગઈ. એની આંખો નો સામનો કરવાની હિંમત બિંદીયામાં ન હતી પણ છતા નીરુ તે બન્ને માટે કાંઈ પણ જજ કરી લે તેના પહેલા બિંદીયા વાત આગળ વધારતાં બોલી, “અમે ઓછા મળતા પણ ફોન પર અમારી ઘણી વાતો થતી. અમારી વચ્ચે સારી મૈત્રી હતી. “મને જયરાજ સાથે પ્રેમ થઈ જ ન શકે” એવી મારી ધરણા હતી જે તૂટવાની હતી. એક દિવસ જયરાજે મને તેના લગ્નનાં સમાચાર આપવા ફોન કર્યો. બસ ત્યાર પછી તેના ફોન ઓછા થતા થતા બંધ થઈ ગયા.મે પણ તેને મારી તરફથી કોન્ટેક્ટ કરવાની હિંમત ન કરી. મને એ વખતે અહમ પર કાબૂ કરતા નહી આવડ્યું હોય...!અથવા તો “જયરાજ પર મારો શું અધિકાર છે ?” ના વિચારને કારણે હું અટકી રહી હતી. તેનું કારણ નથી ખબર.પણ હું એટલું સમજતી હતી કે જયરાજ હવે મારી માટે પહેલા જેવો સમય ન જ કાઢી શકે. હું બેચેન રહેવા લાગી, કાંઈ ખૂટી ગયું હોય એવું લાગવા લાગ્યું.મને સમજાય ગયું હતું કે ‘‘જયરાજ સાથે પ્રેમ ન થઈ શકે” વાળી મારી ધારણા ખોટી પડી.”

થોડી વાર ટ્રેનના હાલનડોલન સાથે ડોલી રહેલી વોટર બોટલના, પાટાના બદલાવાની ખટાખટીના, ટ્રેનની ઝૂલતી સાંકળના અવાજ સિવાય અમારા ચારે માથી કોઈનો અવાજ ન નિકળ્યો.

ક્રમશ...