અન્યાય
કનુ ભગદેવ
૧૪: શશીકાંતનું પ્રેત
મારી સાથે ચાલો...!
-અરે...ગભરાઈ ગયા...?
ના...ના...એમાં તમારે કોઈનાથી યે ગભરાવાની કે ડરવાની કંઈ જ જરૂર નથી.
આજે તમારી મુલાકાત હું મૃત્યુ પામેલા માણસ સાથે એટલે કે શશીકાંત સાથે કરાવવા માંગું છું.
-શું...?
-સાથે નથી આવવું...?
-હું આખી કથા લખી નાખું એ જ તમે વાંચવા માંગો છો એમને? ભલા માણસ આવું હોય?
-અત્યાર સુધી તમે સંતોષકુમાર, બિહારી અને શશીકાંતનાં ખૂનો કોણે કર્યા હશે એની કલ્પના કરતા હતા. કથાના પ્રવાહ દરમિયાન વિચારતા હતા કે –શું હશે આ રહસ્ય?
ચાર ભાગીદારોમાંથી સૌ પહેલાં શશીકાંતને ગોળાથી ઉડાવી મૂકવામાં આવ્યો.
બિહારીને કોઈકે રેલિંગ પરથી નીચે ફેંકી દીધો.
અને સંતોષકુમારની શાનદાર કરણી બ્રેક ફેઈલ કરી નાખીને એને પણ મોતના જડબામાં ધકેલી દીધો.
હવે એક જ ભાગીદાર બાકી રહ્યો.
અને એ છે અપંગ અને લાચાર એવો બાપડો અજય!
તમે એ પણ વિચારતા હતા કે મરી ગયેલાં માણસે પત્રો કેવી રીતે લખ્યા?
શું કોઈ મૃત્યુ પામેલો માણસ પત્ર લખે ખરો?
ફોન કરે...?
મુલાકાત લે...?
-અને ખૂનો પણ કરે...?
છે ને કમાલ...!
ના, આમાં કોઈ જ કમાલ નથી. આપણને જે નથી સમજાતું, તેને આપણે કમાલ કહીએ છીએ.
-તો આવો મારી સાથે.
આ બધાં રહસ્યો પરથી આપણે સાથે મળીને જ પડદો ઊંચકીને?
-શું કહ્યું...?
-નાગપાલ...? એ ક્યાં છે તેની મને શું ખબર પડે? હા, દિલીપ જરૂર હશે. હવે જો તમે જલ્દી ચાલો તો સારું! અત્યાર સુધી જે બનાવો બની ગયા છે, તેને તમારા માટે કાગળ પર ઘસડી ઘસડીને હું થકી ગયો છું. એટલે વિચાર્યું કે લખવા કરતાં તમને જ સાથે લઈ જઉં.
-અરે...અરે...જાઓ છો ક્યાં...?
-ભલા માણસ, હું નથી ડરતો તો પછી તમારે શા માટે ડરવું જોઈએ?
-શું...?
-ભૂત કરતાં વાઘ-દીપડા સાડી સત્તર વખત સારા એમ...?
-હા...ભલે...ભલે...તમે સાચા બસ ને!
-હા...હવે બરાબર...આવો જોઈએ...! શાબાશ... ડરવાની જરૂર નથી...
-જુઓ...આ રાત...! રાતનાં પ્રકાર પણ ઘણા છે હો ભાઈ...! પરંતુ એ પ્રકારો વિષે બીજી કોઈ વાર...પ્લીઝ...જરા પગ જલ્દીથી ઉપાડો...નાહક જ મોડું થાય છે.
-તો હવે જુઓ...
-ઉજ્જ્ડતા...ભેંકાર વાતાવરણ...! રૂંવાડા ઊભા થઈ જાય તેવો ખોફનાક સન્નાટો...!
આકાશ પર ચન્દ્રમા અર્ધવૃતાકારે સ્મિત ફરકાવતો હતો. અલબત્ત, તેનું આ સ્મિત આવા ભયાનક વાતાવરણને વધુ ભયંકર બનાવતું હતું.
હવામાં ઠંડક હતી.
ચુપકીદીમાં ડૂબેલી રાત-
દિલીપનું સ્કૂટર પૂરી રફતારથી સડક પર ધસમસતું હતું અને સ્કુટરની ગતિ કરતાં પણ વધુ સ્પીડે દિલીપનું દિમાગ દોડતું હતું.
તે અજય વિશે જ વિચારતો હતો.
(પ્લીઝ, દિલીપને છાનોમાનો જવા દો. એને એની રીતે વિચારવા દો..તમે કોઈ જ જાતની અટકળ કે કલ્પના ન કરો...આપણે તો દિલીપનો પીછો પકડીને જે થાય તે જોવાનું છે.)
આ કેસ દરમિયાન ત્રણના મૃત્યુ થઈ ચુક્યા હતા અને ચોથાનું મોત નીપજવાનું હતું- અજયનું જ!
એણે માથું ધુણાવીને આ વિચારને દિમાગમાંથી હડસેલી મૂકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
-જો સાચે જ અજય મરી જશે તો...? એના માથાં પર પણ મોતની તલવાર લટકતી હતી. પરંતુ આ અજયના મામલામાં એક લાભ થયો હતો-જો ખરેખર જ શશીકાંતનું ભૂત હશે તો તેની ખાતરી કરી લેવાશે અને જો આ કોઈ જીવતાં ભૂતનું જ નાટક હશે તો પણ તેને પકડી શકાશે.
(સાચી વાત છે...ભૂત કરતાં માણસ વધુ ભયંકર છે.)
અચાનક તેને નાગપાલ યાદ આવ્યો...! ક્યાં ગય્યો હશે એ? એણે આ કેસના એક એક પાત્રોને યાદ કર્યા...? પછી સહસા તેને શશીકાંત તેમ જ બિહારીનો માળી યાદ આવ્યો...? ઓહ...ગોડ...ક્યાંય માળી તો...? ચોક્કસ અંકલ માળીનો જ તાગ લેવા માટે.
‘નિશા કોટેજ!’
દિલીપનું મોટર સાયકલ એક આંચકા સાથે બંગલાના ફાટક પાસે ઉભું રહ્યું.
નીચે ઊતરીને એણે કમ્પાઉન્ડનું ફાટક ઉઘાડ્યું. પછી ફરીથી મોટર સાયકલ પર બેઠો. કદાચ અંકલ આવે પણ ખરા- આ વિચારથી એણે ફાટક ઊઘાડું જ રહેવા દીધું. વરંડા પાસે સ્કુટરને પાર્ક કરી, નીચે ઊતરી આગળ વધીને એણે ડોરબેલ દબાવી.
થોડી પળો બાદ મનોરમાએ બારણું ઊઘાડ્યું.
દિલીપને જોઈને તેના ચ્હેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા.
તે એક તરફ ખસી ગઈ.
‘મિસ્ટર અજય ક્યાં છે?’ દિલીપે અંદર દાખલ થઈને પૂછયું.
‘પોતાની રૂમમાં...!’
‘કોઈ નવાજૂની...?’
‘ના...’
‘ઠીક છે...મિસ્ટર અજયને મારા આગમનની જાણ કરી દો.’ દિલીપ એક સોફા પર પડતું મૂકતાં બોલ્યો.
‘જાણ કરવી જરૂરી છે?’
‘કેમ...?’
‘વાત એમ છે મિસ્ટર દિલીપ સાહેબ કે જ્યારે પોતાની રૂમમાં હોય છે, ત્યારે ત્યાં કામ વગર આવવું નહીં એવી કડક સૂચના તેમણે મને આપી છે. ગમે તેટલું જરૂરી કામ હોય તો પણ મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. આજે પણ તેમણે આ સૂચના મને આપી છે. અલબત્ત, બારણું અમસ્તું જ ઓડકેલું છે. પરંતુ તેની નજીક જવાનું પણ કોઈનામાં સાહસ નથી.’
‘બીજાં નોકર-ચાકર ક્યાં છે?’
‘કેમ...?’
‘સાહેબનો હુકમ છે...!’ મનોરમા બોલી.
‘અને તમે...?’
‘મને પણ મારી રૂમમાં જ રહેવાની તેમણે સૂચના આપી હતી.’
‘તો પછી...?’
‘આપે ડોરબેલ વગાડી એટલે ન છૂટકે મારે બારણું ઉઘડવા માટે મારી રૂમમાંથી બહાર નીકળવું પડ્યું. બાકી તેમણે મને ઉંઘી જવાની તથા સવાર પહેલાં રૂમમાંથી બહાર ન નીકળવાની કડક સૂચના આપી હતી.’
‘મનોરમા...!’ અચાનક સન્નાટાને ચીરીને એક અવાજ ગૂંજી ઉઠ્યો.
‘સાહેબનો અવાજ છે!’ મનોરમા પગથી માથાં સુધી ધ્રુજી ઉઠતાં બોલી.
પછી તે ઉતાવળા પગલે એક દિશામાં આગળ વધી ગઈ.
બે-ચાર પળો બાદ દિલીપ પણ તેની પાછળ ધસ્યો.
અજયની રૂમનું બારણું અમસ્તું જ અડકાવેલું હતું.
બારણું ધકેલીને મનોરમા અંદર દાખલ થઈ. પછી એ થીજી ગઈ.
‘કોણ હતું?’ અજય જોરથી બરાડ્યો.
એનો ચ્હેરો બારણાંની સામે જ હતો. તે વ્હીલચેર પર બેઠો હતો. એની આંખોમાંથી ભય નીતરતો હતો. એની આંખો લાલઘુમ હતી. તેના હાથમાં એક રિવોલ્વર જકડાયેલી હતી.
‘હું હતો...’ કહેતાં કહેતાં દિલીપ તેની રૂમમાં દાખલ થયો.
‘ઓહ...દિલીપ સાહેબ...!’ અજયનો ચ્હેરો તથા અવાજ બંને એકદમ ઢીલા પડી ગયા. એનો રિવોલ્વરવળો હાથ નમી ગયો. પછી એણે મનોરમાને ઉદ્દેશીને કહ્યું, ‘તું તારી રૂમમાં ચાલી જા. અને હવે બહાર નીકળતી નહીં સમજી...?’
મનોરમા હકારમાં માથું હલાવીને ચાલી ગઈ.
‘નાગપાલ સાહેબ નથી આવ્યા?’ અજયે દિલીપ સામે જોતાં પૂછયું.
‘ના...હું તેમની રાહ જોઈ જોઈ, કંટાળીને એકલો જ અહીં ચાલ્યો આવ્યો છું. મને તમારી પણ ખૂબ જ ફિકર થતી હતી.’ દિલીપે જવાબ આપ્યો.
‘હું પણ રાહ જોઉં છું. પરંતુ હજુ સુધી કોઈ જ બનાવ નથી બન્યો!’ અજય થાકેલા અવાજે બોલ્યો. પછી તે વ્હીલચેરને ધકેલીને ખૂણામાં એક ટેબલ પાસે લઈ ગયો. ટેબલ પર વ્હીસ્કીની એક અડધી ભરેલી બોટલ, ગ્લાસ પાણી બગેરે પડ્યું હતું. એણે પોતાને માટે એક પેગ બનાવ્યો અને એકી શ્વાસે પી ગયો.
‘હું પોતે મારા મોતની રાહ જોઉં છું એણે ગાઉનની બાંયથી હોઠ લૂછતાં કહ્યું.
‘તમે નોકર-ચાકરને તેમના રૂમમાં રહેવાની સૂચના શા માટે આપી છે મિસ્ટર અજય?’ દિલીપે પૂછયું તે હજુ પણ ઊભો હતો.
‘હું આરામથી મારા મોત સાથે મુલાકાત કરી શકું એટલા માટે!’ અજયે જવાબ આપ્યો.
‘જો તમને ભય લાગતો હોય તો હું થોડા સિપાહીઓને બોલાવી લઉં!’ દિલીપે કહ્યું.
‘ભય...?’ અજયે હળવું અટ્ટહાસ્ય કર્યું, ‘હું તો પોતે જ મારા મોતને મળવા માંગું છું.’
‘ઠીક છે...જો કે હું તો છું જ અહીં!’
‘હું મારી રૂમમાં એકલો જ રહેવા માંગું છું મિસ્ટર દિલીપ!’
‘પણ...’
‘પણ બણ કંઈ નહીં...!’ અજય વચ્ચેથી જ એની વાતને કાપી નાંખતા બોલ્યો, ‘મેં આપને કહ્યું ને કે આ રૂમમાં હું એકલો જ રહીને મારા મોતને મળવા માંગું છું.’
‘ભલે...જેવી તમારી ઈચ્છા...! પરંતુ હું બંગલાની અંદર અથવા તો પછી કંપાઉન્ડમાં હજાર રહીશ.’
‘ઠીક છે...આપને રહેવું હોય તો રહો. પણ તેમ છતાંય કોઈ જાતની દખલગીરી કરશો નહીં.’
‘એ તો સંજોગો પર આધાર રાખે છે.’ દિલીપ બેદરકારીથી ખભા ઉછાળતાં બોલ્યો. પછી તે બહાર નીકળ્યો. બહાર નીકળીને એણે બારણાને પૂર્વવત રીતે બંધ કરી દીધું.
થોડી વાર સુધી તે ડ્રોઈંગરૂમમાં જ બેસી રહ્યો. એણે ગજવા ફંફોળ્યો. પરંતુ ઉતાવળને કારણે તે સિગારેટ અને લાઈટર ઘેર જ ભૂલી ગયો હતો.
એને આવ્યાને એક કલાક પસાર થઈ ગયો હતો પરંતુ હજુ સુધી ન તો નાગપાલ આવ્યો હતો કે ન તો કોઈ પણ જાતનો બનાવ બન્યો હતો!
તે બહાર નીકળીને કમ્પાઉન્ડમાં આવ્યો. પછી કંઈક વિચારીને તે જે, ભાગમાં અજયની રૂમની બારી ઉઘડતી હતી, એ ભાગમાં પહોંચ્યો. બારીની દીવાલથી પાંચ-સાત ફુટ દૂર લાકડાની એક બેંચ પડી હતી. એ બરી તરફ ગયો. તેમાં સળીયા જડેલા હતા. ઉઘાડી બારીમાંથી અંદરનું દૃશ્ય દેખાતું હતું.
‘અંદર અજય પૂર્વવત્ પ્રવેશદ્વાર તરફ મોં રાખીને વ્હીલચેર પર બેઠો હતો.
તે પાછળ ખસ્યો.
જરૂર પડે ત્યારે પોતે અજયની રૂમનું દૃશ્ય જોઈ શકશે એની તને ખાતરી થઈ ગઈ.
તે આગળ વધીને બેન્ચ પર બેસી ગયો.
ઠંડી હવાના સપાટાથી બચવા માટે એણે ઓવરકોટના કોલર કાન સુધી ઊંચા ચડાવ્યા.
સન્નાટો હવે ફેલાઈ ગયો હતો.
રાતના ઉજ્જડ વાતાવરણમાં કમ્પાઉન્ડ વધુ ભયંકર લાગતું હતું.
ચંદ્રમાં વાદળ નીચે છૂપાઈ ગયો.
એને સિગારેટ પીવાની જોરદાર તલપ લાગી હતી. ગજવા ખાલી છે એ વાત જાણવો હોવા છતાં પણ પડી ગયેલી ટેવના કારણે એના હાથ યંત્રવત્ રીતે અવારનવાર ગજવા ફંફોળતા હતા.
અને ગજવા ખાલી છે એનો આભાસ થતાં જ તે ધૂંધવાઈને રહી જતો હતો.
(પ્લીઝ...તમારે યાર, દિલીપને સિગારેટ આપવા જવાની કંઈ જ જરૂર નથી. તમે તો ચૂપચાપ જે થાય તે જોયા કરો...ના, તમારે પણ સિગારેટ સળગાવવાની જરૂર નથી. એમ તો તમારા ને દિલીપ કરતા મને જ સિગારેટ સળગાવવાની તીવ્ર ઈચ્છા થાય છે. પરંતુ જો હું કે તમે, આપણા બંનેમાંથી કોઈક સિગારેટ સળગાવીશું તો ચોક્કસ જ દિલીપને આપણી હાજરીનો આભાસ થઈ જશે. માટે સિગારેટ પીવાની ઈચ્છાને હાલ તુરત દબાવી દેવામાં જ આપણું હિત છે. જો દિલીપને આપણી હાજરીની ખબર પડી જશે તો પછી શશીકાંતના પ્રેતનું રહસ્ય તથા આ વાર્તા અધૂરી જ રહી જશે...તમે તો ખેર, મારી સાથે જ છો...એટલે જે બનશે તે જોઈ શકશો. પણ મારા અન્ય વાંચકો, કે જે આપણી સાથે અહીં હજાર નથી, તેનું શું..? તેમને માટે તો મારે આ વાર્તા પૂરી કરવી જ જોઈએ ને? માટે ચૂપચાપ બેસી રહો.)
દિલીપને હવે બગાસા પર બગાસા આવવા લાગ્યા.
બગાસા ખાઈ ખાઈને એ કંટાળી ગયો.
તેની આંખોના પોપચા ઢળવા લાગ્યા.
‘હે ઈશ્વર!’ તે બબડ્યો, ‘એકાદ સિગારેટ હોત તો કેવું સારું હતું?’
(તમે યાર, વળી ઉછળ્યા...? તમારી પાસે દિલીપ પીએ છે. એ જ બ્રાંડનું સિગારેટનું આખું પેકેટ છે તે હું જાણું છું...! શું...? દિલીપની દયા આવે છે! અરે...તમે તો ક્યાંક સત્યાનાશ વળી નાખશો. અવાજ કર્યા વગર શાંતિથી બેસી રહો...જુઓ તો...! દિલીપ શું કરે છે?)
ઊંઘ તથા સુસ્તીને ઉડાડવા માટે તેને કમ્પાઉન્ડમાં ટહેલવાનો વિચાર આવ્યો એટલે તે ઊભો થયો.
-અને પછી અચાનક તે એકદમ ચમકી ગયો!
રાતના ભેંકાર, ચૂપચાપ, ખામોશી ભર્યા વાતાવરણની વિરાનગી અને કઠોર સીનાને ચક કરતો એક અવાજ ગૂંજી ઉઠ્યો.
‘ટપ્… ટપ્… ટપ્… ટપ્ ટપ્… ચ્યુંયું… મ્… ચ્યું યું… મ્...’
જાણે નક્કર જમીન પર કોઈક તદ્દન નવા ચામડાના બૂટ પહેરીને ચાલતું હોય એવો તે અવાજ હતો.
(ઓહો...એમાં તમે શા માટે ગભરાઈ ગયા? ના...તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી.)
બૂટનો અવાજ વાતાવરણમાં સ્પષ્ટ રીતે ગૂંજતો હતો.
અવાજ બંગલાની અંદરના ભાગમાંથી જ આવતો હતો.
પ્રત્યેક પળે એ વધુ ને વધુ નજીક આવતો હતો.
દિલીપ એકદમ સાવચેત થઈ ગયો.
અવાજ હવે અજયની રૂમ તરફ જતો હતો.
દિલીપ સ્ફૂર્તિથી આગળ વધીને બારી પાસે પહોંચી ગયો.
કોઈક અજ્ઞાત ભયથી એનું હૃદય ધબકતું હતું.
એણે ધીમેથી અંદર નજર કરી.
એ જ વખતે અંદર અજયે પોતાના બંને હાથથી વ્હીલને અવળું ફેરવ્યું.
વ્હીલચેર થોડી પાછળ સરકી ગઈ.
અજયના બંને હાથમાં રિવોલ્વર આવી ગઈ.
પગલાંનો અવાજ શાંત વાતાવરણમાં ખૂબ જ ભયંકર લાગતો હતો.
પછી અચાનક એ અવાજ બંધ થઈ ગયો.
પરંતુ એથી તો વાતાવરણ વધુ ભયંકર બની ગયું.
ખામોશી...વિરાની...સ્મશાનવત્ ચુપકીદી...!
પરંતુ આ કદાચ વિસ્ફોટ પહેલાંની ખામોશી હતી.
ઉત્તેજના, આવેશ, માનસિક તાણ અને હેબતથી દિલીપનો ચ્હેરો એકદમ વિચિત્ર બની ગયો. તે બારીમાંથી અજયની રૂમના પ્રવેશદ્વાર તરફ ફાટી આંખે તાકી રહ્યો હતો.
અજયની રૂમનું બારણું અમસ્તું જ અડકેલું હતું.
પ્રતિક્ષાની ઘડી કોઈ પણ પળે, તેના કોઈ પણ ભાગમાં સમાપ્ત થવાની તૈયારી હતી અને આ પ્રતિક્ષાએ તેનામાં પારાવાર બેચેની ભરી દીધી. જો હજુ થોડો વખત આવો જ ભેંકાર સન્નાટો રહેશે તો પોતાનાથી ચીસ પડાઈ જશે એવો ભય તેને લાગતો હતો.
(-ખામોશ...! મહેરબાની કરીને તમે તો મૂંગા જ રહેજો. તમને કંઈ જ નથી થવાનું! રામ...રામ...! તમે તો પરસેવે રેબઝેબ થઈ ગયા! અરે...તમારી છાતી તો ધમણની જેમ ધબકારા લે છે...શું...? પાછા જવું છે...? ભલા માણસ...તમારી વાત તો તરસ છીપાવવા માટે નદીકિનારે ગયા પછી ત્યાંથી પાણી પીધા વગર જ પાછા જવા જેવી છે! આમ તેં કંઈ ચાલે? તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી. તમને અહીં કોઈ જ જોઈ શકે તેમ નથી. હા, હવે બરાબર...શાબાશ...! શું કહ્યું...? આગંતુક કોણ છે...? હવે મને એની ક્યાંથી ખબર હોય? હું તો તમારી સાથે જ છું એટલે મને કંઈ જ ખબર નથી. ખેર, એ જે હોય તે! પણ આપણે હમણાં એને જોઈ શકીશું...!)
અંદર વ્હીલચેર પર બેઠેલો અજય પણ ખૂબ જ બેચેન બની ગયો હતો. શશીકાંતના ભટકતા આત્મા વિષે એણે ઘણું ઘણું સાંભળ્યું હતું.
કોઈક અજ્ઞાત ભયથી વ્હીલચેર પર તેનો દેહ થરથરતો હતો.
ઉત્તેજના, ગભરાટ અને આશંકાથી એનું લોહી એકદમ ગરમ થઈ ગયું હતું. એની લાલઘૂમ આંખો વ્યાકુળતાથી બારણા સામે જ જડાયેલી હતી.
અને પછી..?
‘ધડામ્...’ અવાજ સાથે બારણું ઉઘડી ગયું.
દિલીપનો શ્વાસ જાણો કે પળ ભાર થંભી ગયો.
અજયના હાથમાં જકડાયેલી રિવોલ્વર કોઈ પણ પળે આગ ઓકવા માટે તૈયાર થઈ ગઈ.
દિલીપની નજર પણ અજયની જેમ જ બારણા પર ચોંટી હતી.
પણ આ શું...?
ઘોર આશ્ચર્ય...!
બહાર કોઈ જ નહોતું.
બારણું ઉઘાડવાના અવાજથી પળભર માટે તૂટી ગયેલો સન્નાટો ફરીથી ખેંચાઈ આવ્યો.
બારણું ઉઘાડું હતું પણ કોઈ જ નહોતું દેખાતું.
અજયની સહન શક્તિએ છેવટે જવાબ આપી જ દીધો.
એની ધીરજનો પ્યાલો હવે છલકાઈ ગયો.
ચ્હેરો પરસેવાથી ચમકતો હતો.
રિવોલ્વરો પર હાથ થરથરતા હતા.
‘ક...કોણ છે...? કોણ છે...?’ એણે જોરથી ત્રાડ પાડી.
પરંતુ તેના અવાજમાં તીવ્ર ધ્રુજારી હતી.
એનો અવાજ દીવાલો સાથે ટકરાઈને રહી ગયો.
નિ:સ્તબ્ધ વાતાવરણ ફરીથી સ્તબ્ધ બની ગયું.
હવા ભયાનક વેગથી વિંઝાતી હતી.
ખોફનાક વાતાવરણમાં હવાનો સૂસવાટ ગાજતો હતો.
એ જ વખતે કમ્પાઉન્ડના એક ઊંચા વૃક્ષ પરથી કોઈક નિશાચર પંખીએ જોરથી પાંખો ફફડાવી અને ત્યારબાદ ગળામાંથી એ વિચિત્ર ચીચીયારી પાડીને ડાળ પરથી ઉડી ગયું.
રૂમમાં અજય અને બહાર દિલીપ, બંને ઠંડીની ઋતુ હોવા છતાં પણ પરસેવે રેબઝેબ હતા.
દિલીપ બારીમાંથી અંદરનું દૃશ્ય જોઈ રહ્યો છે એ વાતથી અજય તદ્દન અજાણ હતો.
એક એક પળ, એકે એક યુગ જેટલી લાંબી ભાસતી હતી.
પછી અચાનક એક માનવી દ્વાર પર દેખાયો.
એણે પહેરેલા ઓવરકોટના કોલર કાન સુધી ઊંચા ચડાવેલા હતા. મસ્તક પર ધારણ કરેલી ફેલ્ટ હેટ કપાળ પર એકદમ નમી ગયેલી હતી જેના કારણે તેના ચહેરાનો અડધા કરતાં વધારે ભાગ છુપાઈ ગયો હતો.
(હા...ભાઈ, હા..! તે મનના ચ્હેરા જેવો જ લાગે છે! ભૂત-પ્રેતનું મોં ખોપરી જેવું બિહામણું હોય અને તેને રાક્ષસ જેવા શીંગડા હોય એમ તમે માનો છો? વારુ, તો ચૂપ રહો.
‘તું તારા બંને હાથ એકદમ ઊંચા કર નહી તો ન છૂટકે મારે મારી આંગળીને ટ્રેગર દબાવવાની તકલીફ આપવી પડશે.’ અજય આગંતુકને ઉદ્દેશીને જોરથી બરાડ્યો.
હાથ ઊંચો કરવાને બદલે એ માનવી રૂમમાં પ્રવેશ્યો.
પછી પીઠ ફેરવી, ચૂપચાપ બારણાને અંદરથી બંધ કરીને સ્ટોપર ચડાવી દીધી.
‘કોણ છે તું...?’ અજયનો અવાજ એકદમ કઠોર થઈ ગયો.
‘હું કોણ છું, તે તું બરાબર જાણે છે...!’ એ માનવીના ગળામાંથી બરફ જેવો ઠંડો અવાજ નીકળ્યો. પછી એણે ફેલ્ટ હેટ ઉતારીને ઓવરકોટના કોલરને નીચા વાળી દીધા.
‘તું...તું...?’ જાણે પગે સાપ વીંટળાયો હોય એમ અજયના ગળામાંથી ચીસ જેવો અવાજ નીકળ્યો.
‘હા...હું...તારું મોત...!’
‘અશક્ય...! તું...તું...તો ક્યારનો ય મરી ગયો છે.’
‘હા. મારી ગયો છું. અને હવે તને પણ લેવા આવ્યો છું.’
દિલીપ આશ્ચર્યથી જડવત્ બનીને એ બંનેને તાકી રહ્યો હતો.
અજયનો ચ્હેરો ભયના અતિરેકથી તરડાઈ ગયો હતો.
તેની સામે શશીકાંત ઊભો હતો...!
***