Satya Asatya - 8 in Gujarati Love Stories by Kajal Oza Vaidya books and stories PDF | સત્ય અસત્ય - પ્રકરણ - 8

Featured Books
Categories
Share

સત્ય અસત્ય - પ્રકરણ - 8

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૮

પ્રિયંકાનો ઇન્ટરવ્યૂ ખૂબ સારી રીતે પતી ગયો. વૉશિંગ્ટન ડી.સી. શહેર પણ જોવાઈ ગયું. ઇન્ટરવ્યૂ મેઇલ કરીને એ નિરાંતે હોટેલમાં આડી પડી ત્યારે એને આદિત્યનો વિચાર આવ્યો. એરપોર્ટ પર ઊતરીને એણે પ્રિયંકાને કાર્ડ આપતા કહેલું, “અમેરિકામાં એક દોસ્ત છે એટલું યાદ રાખજો ને મને મળ્યા વિના જો ઇન્ડિયા પાછા ગયા તો તમારા જ દેશમાં પ્રવેશવાના વિઝા ના મળે એટલી આપણી ઓળખાણ છે હોં.”

પ્રિયંકા અહીંની યુનિવર્સિટીઝમાં તપાસ કરવા માગતી હતી. આદિત્ય મદદરૂપ થઈ જ શકે એવો એનો વિચાર આવ્યો. એણે પર્સમાંથી કાર્ડ શોધીને આદિત્યને ફોન કર્યો, “પ્રિયંકા... પ્રિયંકા બોલું છું.”

“કોણ પ્રિયંકા ?”

“જી ? તમને ફ્‌લાઇટમાં મળી હતી...”

“પેલી રોતલ છોકરી ?” આદિત્ય ખડખડાટ હસ્યો, “ક્યારે આવો છો ન્યૂજર્સી ?”

“એટલે જ ફોન કર્યો છે. મારે થોડી યુનિવર્સિટીઝમાં તપાસ કરવી છે.”

“પ્રેમ થઈ ગયો ?”

“જી ?”

“આટલા બધા હેબતાઈ જવાની જરૂર નથી. હું મારી વાત નથી કરતો.” એ હસી રહ્યો હતો, “આ દેશ સાથે પ્રેમ થઈ ગયો ?”

પ્રિયંકાએ આદિત્યને કોઈ જવાબ ન આપ્યો, પરંતુ એનાથી મનોમન બોલાઈ ગયું, “પ્રેમ પૂરો થયો એટલે આ દેશમાં રહેવું છે. પાછા ત્યાં જવાની હિંમત નથી થતી.” પ્રિયંકાએ આદિત્ય સાથે બધી વિગતોની ચર્ચા કરીને ફોન મૂક્યો. એ નુઆર્ક એરપોર્ટ પર ઊતરી ત્યારે આદિત્ય એને આવકારવા ઊભો હતો. એણે પ્રિયંકાનો સામાન ગાડીની બૂટમાં મૂક્યો.

ન્યૂજર્સીના રસ્તા ઉપર ડ્રાઇવ કરતા એણે પ્રિયંકાને પૂછ્‌યું, “મારા ઘરે રહેવામાં તો કોઈ પ્રોબ્લેમ નથી ને ? અમેરિકામાં હોટેલ કે મોટેલના પૈસા ખર્ચવા નકામા. એકલી છોકરી ને એમાંય તમારા જેવી રોતલ...” એના ચહેરા પર શરારત હતી.

“ના, ના...” પ્રિયંકાએ સંકોચ સાથે ઉમેર્યું, “તમારા ઘરમાં કેવી રીતે રહું ?”

‘‘કેમ ? બે બેડરૂમનો અપાર્ટમેન્ટ છે... હું તમારા રૂમમાં નહીં ઘૂસી જાઉં.’’

‘‘પણ તમે એકલા રહો છો.’’

‘‘તો ?’’ આદિત્યના ચહેરા પર આશ્ચર્ય હતું, ‘‘એકલા છોકરા સાથે ના રહેવાય ? કઈ દુનિયામાં વસો છો મેડમ? જમાનો બદલાઈ ગયો છે... તમે અમેરિકામાં છો...’’

‘‘આઈ મીન...’’ પ્રિયંકા સહેજ સંકોચાઈ ગઈ, ‘‘તમને ના ફાવે એટલે.’’

“મને શું કામ ના ફાવે ? ઊલટાનું એ બહાને બે-ચાર દિવસ સારું ગુજરાતી ખાવા મળશે.” એણે પ્રિયંકા સામે જોઈને તોફાની આંખો ઉલાળી, “રાંધતા આવડે છે કે પછી...”

“આવડે છે... આવડે છે...” હવે પ્રિયંકાનો મૂડ પણ બદલાયો હતો, “વીમો છેને તમારો ? તો જ મારા હાથનું ખાજો.” બંને જણા ખડખડાટ હસતા, મજાક કરતા આદિત્યના ઘરે પહોંચ્યા. બે બેડરૂમનો અપાર્ટમેન્ટ.

“આ મારું ઘર છે. આ બંને મારા રૂમ છે.” એણે એક રૂમનો દરવાજો બહારથી બંધ કર્યો, “એ તરફ જોતા પણ નહીં. આ ગેસ્ટરૂમ છે, જે મેં તમારા માટે સાફ કર્યો છે, આજે જ.”

“તમારાં મમ્મી-ડેડી...”

“નડિયાદમાં છે.”

“વાઇફ ?”

“હશે ક્યાંક...” એ હસ્યો, “ક્યાંક તો હશે ને ?”

‘‘તમે સાવ એકલા રહો છો ?’’

“હા. જોકે સાવ એકલા એવો કોઈ શબ્દ નથી... એકલા એટલે એકલા.’’ એણે પ્રિયંકાની સામે જોયું, ‘‘હજી પણ વિચાર બદલાયો હોય તો કોઈ મોટેલમાં વ્યવસ્થા કરી દઉં.” એણે બંને હાથ જોડીને નમસ્કારકર્યા, “આમ હું સજ્જન, સંસ્કારી, સભ્ય અને સારો કહી શકાય એવો માણસ છું.”

“ના, ના...” પ્રિયંકાને શું કહેવું તે સમજાયું નહીં.

“અરે શું ના, ના... હું સાચું બોલું છું.” આદિત્ય હજી મજાક કરી રહ્યો હતો, પણ બોલતા બોલતા એણે પ્રિયંકાનો સામાન ગેસ્ટરૂમમાં ગોઠવી દીધો. પ્રિયંકાને બાથરૂમ, શાવર વગેરે દેખાડીને ફ્રેશ થઈ જવાનું કહ્યું. કૉફી મશીન ચાલુ કર્યું. માઇક્રોવેવમાં મૂકેલું ખાવાનું ગરમ થવા લાગ્યું.

સાવ અજાણ્યા માણસના ઘરમાં ખરેખર પોતાને સંકોચ થવો જોઈતો હતો. એકલા રહેતા છોકરા સાથે ત્રણ દિવસ એક જ ઘરમાં રહેવાની પોતે ના પાડવી જોઈતી હતી, પણ કોણ જાણે કેમ, પ્રિયંકાને આદિત્ય ઉપર સહેજ પણ શંકા આવે એવું એના વર્તનમાં કશું જ ન દેખાયું.

પ્રિયંકાને યુનિવર્સિટીમાં અપ્લાય કરવા માટે આદિત્યએ બધી જ મદદ કરી. નેટમાં યુનિવર્સિટીઝ સર્ચ કરીને પ્રોસ્પેક્ટ્‌સ, સ્કોલરશિપ ડિટેઇલ્સ અને એડ્‌મિશનની બધી જ વિગતો એને શોધી આપી. સાથે સાથે અહીં રહેવું હોય તો કેટલું કામ થઈ શકે, કઈ રીતે પૈસા કમાવા પડે, યુનિવર્સિટીમાં શું ખર્ચ થાય વગેરે વિગતો એટલી તો ઊંડાણથી અને સારી રીતે સમજાવી કે પ્રિયંકાને હવે અમેરિકામાં ભણવાનું જે સપનું એણે જોયું હતું તે હાથવેંતમાં લાગ્યું.

એણે થોડી યુનિવર્સિટીઝમાં એપ્લિકેશન કરી. ઓનલાઇન ટેસ્ટ આપી દીધા. અમુક પેપર્સ સબમિટ કરી દીધા. હવે ટોફેલ વગેરે આપીને એણે પોતાના દેશથી ફરી એક વાર અમુક પરીક્ષાઓ પાસ કરવાની હતી. આદિત્યએ ત્રણ દિવસમાં પ્રિયંકાને ન્યૂજર્સીની આસપાસ ઘણુંબધું દેખાડ્યું. એટલાન્ટિક સિટી અને ન્યૂયોર્ક ફેરવી લાવ્યો. ટાઇમ્સ સ્ક્વેરમાં રાતના બે વાગ્યે ઝળહળતી લાઇટ્‌સ અને લોકોની ભીડ જોઈને પ્રિયંકાએ આદિત્યને પૂછ્યું, ‘‘આ ચોવીસ કલાક આવું જ હોય છે?’’

‘‘હા...’’ આદિત્ય આરામથી પ્રિન્ઝલ ખાઈ રહ્યો હતો. લોટની બનેલી બ્રેડ જેવી પ્રિન્ઝલ પર મીઠું છાટેલું હોય, મસ્ટર્ડ સોસ સાથે એ ખાવાની એક આગવી મજા છે. પ્રિયંકા આસપાસમાં જોઈ રહી હતી, ‘‘ઉન્માદ છે આ બધો. ઘેલછા એક જાતની.’’ આદિત્યએ કહ્યું, ‘‘મને સમજાતું નથી કે આ શહેર આખી રાત કઈ રીતે જાગે છે.’’

‘‘શહેરની છાતી પર ભાર છે આદિત્ય. સતત ભાગતા રહેવાનો ભાર... રાતે જાગીને, શરાબ પીને, જાતને ઉન્માદમાં ડુબાડીને લોકો ભાગી છૂટવા માગે છે, એમની અંદર સતત ચાલતી આ હરીફાઈથી.’’

‘‘આ શહેર, શહેર જ નહીં, આ દેશ તમને દોડતા કરી નાખે છે.’’ આદિત્ય આકાશ તરફ જોઈ રહ્યો હતો, ‘‘ભોગ ભૂમિ છે આ... વિલાસ અહીંનો મુખ્ય મૂડ છે અને વિશાદ એનું પરિણામ.’’

‘‘તમે તો કોઈ ફિલોસોફર જેવી વાત કરો છો.’’

‘‘આ દેશ બધાને ફિલોસોફર બનાવી દે છે. એકલવાયા લોકોનો દેશ છે. એકલો ખાતો માણસ... હાથમાં ડ્રિન્ક લઈને એકલો ચાલતો માણસ, એકલો જીવતો માણસ. એ બધાં સામાન્ય દૃશ્યો છે અહીંયા. શરીરથી જોડાય છે લોકો અને શરીરનો મોહ પૂરો થાય એટલે છૂટા પડી જાય છે.’’

‘‘તમે ? તમારે કોઈ ગર્લફ્રેન્ડ નથી ?’’

‘‘નથી. હું બહુ સીધો છું એવું નથી, પણ એવી કોઈ છોકરી ગમી નથી. રાત્રે રખડવા માટે કે શરીરની જરૂરિયાત માટે કોઈ છોકરી શોધવાની મહેનત નથી કરી મેં. દિવસ દરમિયાન કામ કરું છું, ભણું છું... મારાં મા-બાપે મને અહીંયા કરિયર બનાવવા મોકલ્યો છે એટલે બીજી બધી વાતોમાં હજી તો રસ નથી પડતો.’’

‘‘તમે બીજાઓ કરતા બહુ જુદા છો.’’

‘‘હા, ખબર છે મને... એનું કારણ કદાચ એ છે કે હું શરીર અને મનનો ફેર બહુ લાંબા સમય પહેલાં સમજી ગયેલો. બેને ભેગા નહીં કરવાના. મન પોતાની જગ્યાએ છે... અને શરીર તો...’’ એણે મોટું બગાસું ખાધું, ‘‘ચાલો, હવે આપણે જવું જોઈએ.’’

પ્રિયંકા આમતેમ જોઈ રહી હતી. એણે નાનું-મોટું શોપિંગ કર્યું અને ન્યૂયોર્કની એક ઇટાલિયન રેસ્ટોરાં કાર્માઇનમાં બંને જણા જમ્યા. આ તમામ સમય દરમિયાન પ્રિયંકાના મન પર એક ભાર હતો. ભારત પાછા જતા જ સત્યજીતની યાદ વીંટળાઈ વળશે એ ભયનો ભાર ! આદિત્ય જોઈ શકતો હતો કે પ્રિયંકાના હાસ્યમાં કશુંક બંધિયાર હતું. એના નોર્મલ રહેવાના તમામ મુખવટાની પાછળ એક ઉદાસી સંતાતી હતી, સતત !

પાછા ફરવા માટે ન્યૂજર્સીથી નુઆર્ક એરપોર્ટ માટે ડ્રાઇવ કરતા હતા એ દિવસે સાંજે આદિત્યએ ખૂબ ગંભીરતાથી પ્રિયંકાને કહ્યું, “હું એ નથી જાણતો કે તને શાનો ભાર લાગે છે, પણ એટલું ચોક્કસ જાણું છું કે તારી અંદર કોઈક વાતનો ભાર છે.” પ્રિયંકાની આંખો છલછલાઈ આવી, “અત્યાર સુધીમાં આપણી વચ્ચે એટલી દોસ્તી તો થઈ ગઈ છે કે સલાહ આપી શકું...” એણે પ્રિયંકાના ગાલે ટપલી મારી, “પંખીઓ ઊડી શકે છે, કારણ કે એમની પાંખ પર વજન નથી હોતું. તારે જો ભારતથી અમેરિકા સુધી ઊડવું હોય તો વજનને ખંખેરી નાખ. જિંદગી બહુ સુંદર છે. એકાદ કડવો અનુભવ જિંદગીના દરેક અનુભવને કડવા કરી નાખે એટલા મોટો તો ન હોવો જોઈએ ને ?”

‘‘શું કહેવા માગો છો ?’’

‘‘હું એટલું જ કહેવા માગું છું કે કોઈ એક સંબંધ જિંદગીથી મોટો તો ના જ હોઈ શકે. એક તરફ તું ભવિષ્યનાં સપનાં જુએ છે, આગળ ભણવાનો વિચાર કરે છે, જિંદગીમાં ડિઝાઇન બદલવા માટે મહેનત કરે છે - તો બીજી તરફ તારી અંદર કશુંક સાવ ઠરી ગયું છે... મરી ગયું છે...’’

‘‘કમઓન...’’

‘‘જો, તારે કહેવું હોય તો કહેવાની છૂટ છે. હું દોસ્ત છું. આ ત્રણ દિવસ મારી સાથે રહીને તને એટલું તો સમજાયું જ હશે કે હું સિમ્પલ - સાદો પટેલ છું. મને બહુ લાંબી-ટૂંકી વાત કરતા નથી આવડતી, પણ તારી સાથે જે કંઈ બન્યું છે એ દુનિયામાં પહેલી વાર કોઈની સાથે નથી બન્યું. હાર્ટબ્રેક નોર્મલ વસ્તુ છે ને હું માનું છું કે એકાદ વાર તો થવો જ જોઈએ.’’ એ હસી પડ્યો. પ્રિયંકા નવાઈથી જોઈ રહી.

‘‘તમને કેવી રીતે ખબર ?’’ એની આંખો ઝીણી થઈ... આદિત્યએ થોડાક અપરાધભાવ સાથે સ્વીકાર્યું કે પ્રિયંકા જ્યારે એના દાદાજી સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે એણે પ્રિયંકાની વાતો સાંભળી હતી.

એ પછી એરપોર્ટ સુધી બંનેમાંથી કોઈ કશું બોલ્યું નહીં. પ્રિયંકા બારીની બહાર જોતી રહી. આદિત્ય ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો. એરપોર્ટ ઊતરીને એણે પ્રિયંકાનો હાથ પકડ્યો, ‘‘આઈ એમ સૉરી.’’

‘‘શેના માટે ?’’

‘‘તારી વાત સાંભળી...’’ આદિત્યની આંખો એકદમ નિર્દોષ - નિષ્પાપ હતી, ‘‘હું માત્ર એટલું જ ઇચ્છતો હતો કે તારી આ તકલીફનું કારણ શોધી કાઢું.’’

‘‘કારણ શોધીને શું મળ્યું ?’’

‘‘સલાહ તો આપી...’’ એના ચહેરા પર સ્મિત આવ્યું, ‘‘તું માને ન માને એ તું જાણે... પણ હું તને એટલું ચોક્કસ કહી શકું કે દિલ તૂટે એટલે જીવવાનું ના છોડાય.’’

‘‘મેં જીવવાનું છોડી દીધું છે ?’’

‘‘હસવાનું છોડી દીધું છે... જે હસવાનું છોડી દે એને જીવવામાં શું મજા આવે ? બે હાથ ખુલ્લા રાખીને જિંદગીને પવનની જેમ માણી જો...’’ એ ગંભીર થઈ ગયો, ‘‘મારાં દાદી કહેતાં કે જે જાય એની પાછળ નહીં રડવાનું. શક્ય છે ભગવાને કંઈક સુંદર મજાનું ગોઠવી રાખ્યું હોય. આપણને દેખાતું નથી એટલે એ છે જ નહીં એવું નહીં માનવાનું.’’

પ્રિયંકાની આંખમાં પાણી આવી ગયાં, ‘‘સારું થયું હું તને મળી. મને એક આવા દોસ્તની જરૂર હતી. ભગવાને જ મોકલ્યો તને.’’

‘‘હાસ્તો ! એમનો ફોન આવેલો મારા પર...’’ એણે હસીને પ્રિયંકાના ગાલ પર ટપલી મારી. બંને હાથ પહોળા કરીને પ્રિયંકાને પૂછ્‌યું, “કેન આઇ ગીવ યુ અ હગ ? હું તને ભેટી શકું ?”

પ્રિયંકા એકદમ ભેટી પડી, એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. આદિત્ય એની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. ઘરેથી આવતી વખતે મહાદેવભાઈએ જે સ્નેહથી એની પીઠ પર હાથ ફેરવ્યો હતો એ જ સ્પર્શ પ્રિયંકાને યાદ આવી ગયો. આંખોમાં આંસુ સાથે પ્રિયંકા એક સાચો મિત્ર મળ્યાના આનંદ સાથે વિમાનમાં બેઠી. એ ભારત આવવા પાછી ફરી રહી હતી ત્યારે સત્યજીતના ઘેર એના પિતાના મૃત્યુ પછીની વિધિઓ પૂરી થવાની તૈયારીમાં હતી.

એ અમદાવાદ ઊતરી ત્યારે એને એના પિતા લેવા આવ્યા હતા. એમણે રવીન્દ્ર પારેખના મૃત્યુના સમાચાર આપ્યા. ઘર સુધી પ્રિયંકા ચૂપચાપ બેસી રહી. સિદ્ધાર્થભાઈએ પણ પ્રિયંકાને પોતાનો સમય લેવા દીધો. બંને જણા ખાસ્સી વાર ચૂપ રહ્યા પછી સિદ્ધાર્થભાઈએ કહ્યું, ‘‘તારે જવું છે ?’’

‘‘જઈશ.’’ પ્રિયંકાએ ઊંડો શ્વાસ લીધો, ‘‘આ બધું આમ જ થવાનું હશે એવું નક્કી હશે. તમે મને ફોન પર કહ્યું હોત તો...’’

સિદ્ધાર્થભાઈએ જવાબ ના આપ્યો. પ્રિયંકાને પણ હવે એ વિશે ચર્ચા કરવાનું યોગ્ય ન લાગ્યું. ઘરે જઈને મહાદેવભાઈની આંખોમાં જોતાં જ એના રુદનનો બંધ તૂટી પડ્યો... પોતે અહીંયા હાજર નહોતી અને જે કંઈ બની ગયું એ વાતે પ્રિયંકા પોતાની જાતને અપરાધી અનુભવતી હતી... એ રડતી રહી. મહાદેવભાઈએ એને રડવા દીધી...

*

રવીન્દ્ર પારેખના મૃત્યુ પછીના તેર દિવસોમાં સત્યજીતમાં કલ્પી ન શકાય એવો ફેરફાર થયો. સતત તોફાન કરતો, હસતો, જીવતો, ધબકતો સત્યજીત ક્યાંક ખોવાઈ ગયો. એની જગ્યાએ એક ગંભીર, ભાગ્યે જ હસતા, ઓછું બોલતો એક એવો માણસ ગોઠવાઈ ગયો, જેણે છેલ્લા સાત દિવસમાં જિંદગીના બબ્બે આઘાત જીરવ્યા હતા.

સોનાલીબહેને જ્યારે પ્રિયંકાને જણાવવાનું કહ્યું ત્યારે સત્યજીતે એના અમેરિકા જવાની વાત કહીને ટાળી દીધું. એનાં કુટુંબીજનોને જણાવવાનું પણ એણે ટાળ્યું, એટલું જ નહીં, મહાદેવભાઈ છાપામાં વાંચીને બેસણામાં પહોંચી ગયા. બેસણામાં આવેલા મહાદેવભાઈએ નજીક આવીને સત્યજીતના માથે હાથ ફેરવ્યો ત્યારે એમને ભેટીને સત્યજીત રડશે એવી એમની માન્યતા ખોટી પડી.

‘‘સહેજેય રડ્યો નથી.’’ સોનાલીબહેને ધીમા અવાજે ફરિયાદ કરી. મહાદેવભાઈને ફાળ પડી. આટલો મોટો આઘાત જો સત્યજીતના હૃદયની અંદર ઊતરી જશે તો એની જિંદગી બદલાઈ જશે એટલું એમને ચોક્કસ સમજાતું હતું. એ પછીના ત્રણ દિવસ એ રોજેરોજ સત્યજીત પાસે આવતા રહ્યા, પણ સત્યજીત સહેજેય ના પીગળ્યો.

ચોથે દિવસે એણે મહાદેવભાઈને કહી દીધું, ‘‘રોજ ધક્કો ખાવાની જરૂર નથી દાદાજી, આઈ એમ ફાઇન.’’

મહાદેવભાઈ ત્યાંથી બહાર નીકળીને પોતે રડી પડ્યા.

સત્યજીત અને પ્રિયંકા વચ્ચે જે કંઈ થયું એ અને રવીન્દ્રભાઈનું મૃત્યુ બંને ઘટનાએ સત્યજીતની અંદર સમુળગો ફેરફાર કરી નાખ્યો હતો એટલું એમને સમજાઈ ગયું. ફક્ત પ્રિયંકા જ નહીં, હવે સત્યજીત પણ પોતાની દિશામાં ચાલી નીકળ્યો હતો એ મહાદેવભાઈ જોઈ શક્યા.

પિતાના મૃત્યુના સમાચારથી શરૂ કરીને આ પળ સુધી સત્યજીતની આંખમાં એક આંસુ નહોતું ટપક્યું. આખેઆખો આંસુનો દરિયો એણે પોતાની અંદર એવી રીતે ઉતારી દીધો કે એની ખારાશ એના લોહીમાં ભળીને સુકાઈ ગઈ. આ બધા દિવસો દરમિયાન સોનાલીબહેન ધ્રૂસકે ધ્રૂસકે રડતાં રહ્યાં ને સત્યજીત એક પછી એક નિર્ણયો કરતો રહ્યો. સૂચનાઓ આપતો રહ્યો. પરિસ્થિતિને સંભાળતો રહ્યો.

મહાદેવભાઈ સોનાલીબહેન પાસે ગયા ત્યારે એમણે દબાયેલા અવાજે પૂછી જ નાખ્યું, “બે જણા વચ્ચે કંઈ થયું છે?”

“હા.” જુઠ્ઠું નહીં બોલવાના આગ્રહી મહાદેવભાઈએ આટલા ભયાનક આઘાત પછી પણ સોનાલીબહેનને સત્ય જણાવી જ દીધું, “બંને જણાએ જુદા થવાનો નિર્ણય લઈ લીધો છે.”

“એવું તે શું થઈ ગયું ?”

“એની ચર્ચા ફરી ક્યારેક કરીશું, પણ તમે હવે પ્રિયંકા ઉપર કોઈ દબાણ નહીં કરતા. એ છોકરીએ માંડ પોતાની જાતને સંભાળી છે.” મહાદેવભાઈએ સ્પષ્ટતા કરી.

“અરે પણ એમ વડીલોની સાથે કંઈ વાત કર્યા વિના...”

“પ્રિયંકાએ મારી સાથે વાત કરી છે. મને લાગે છે એનો નિર્ણય યોગ્ય છે.”

“આ બધું ક્યારે બન્યું ?”

“જે દિવસે રવીન્દ્રભાઈને હાર્ટઅટેક આવ્યો તે જ દિવસે.”

“મને ખબર હતી, એ છોકરી સત્યજીતની જિંદગીમાંથી જશે તો બધું જ વીખરાઈ જશે. એના પગલે જ સુખ-શાંતિ અને લક્ષ્મી આવ્યા હોત આ ઘરમાં...” એમણે નિઃશ્વાસ નાખ્યો, “જેવી ઈશ્વરની ઇચ્છા.”

એક રાત્રે સોનાલીબહેને હળવેકથી સવાલો પૂછવા માંડ્યા. એમણે સત્યજીત સાથે આ વાત કાઢવાની કોશિશ કરી, પરંતુ “ઊંઘ આવે છે” કહીને પોતાના રૂમમાં ચાલી જતા સત્યજીતને જોઈને એમને એટલું ચોક્કસ સમજાઈ ગયું કે જે કંઈ થયું હતું એ યુવાનીનો આવેશ કે પ્રેમીઓના સામાન્ય ઝઘડા નહોતા.

સત્યજીતે ચૌદમા જ દિવસથી ઑફિસ જવાનું શરૂ કરી દીધું. અત્યાર સુધી ઑફિસમાં માત્ર પૈસા લેવા કે રવીન્દ્રભાઈ ખખડાવવા બોલાવે ત્યારે જ જનારો છોકરો સવારે સાડા નવથી રાતના આઠ- સાડા આઠ, નવ તો ક્યારેક દસ સુધી ધંધાની આંટીઘૂંટી સમજવામાં જાતને વ્યસ્ત રાખવા માંડ્યો.

મહાદેવભાઈએ ફોન કરીને પ્રિયંકાના પાછા ફર્યાના સમાચાર આપ્યા તેમ છતાં સત્યજીતે એને ફોન ન જ કર્યો.

એટલું જ નહીં, પ્રિયંકા પણ સત્યજીતની ગેરહાજરીમાં સોનાલીબહેનને મળી આવી.

‘‘બેટા, એ તો મૂરખ છે. તું તો સમજ. આ શું માંડ્યું છે તમે ?’’

‘‘જે થવાનું હતું એ થઈ ગયું. હવે એ વિશે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી આન્ટી.’’

‘‘બેટા, તમે બંને એકબીજા વિના નહીં જીવી શકો.’’

‘‘એવું મને પણ લાગતું હતું, પણ હવે મેં મારી જાતને સંભાળી લીધી છે...’’

‘‘ને મારો દીકરો ?’’

‘‘એ પણ એની જાતને સંભાળી જ લેશે.’’

એ રાત્રે સોનાલીબહેને સત્યજીતને જણાવ્યું કે પ્રિયંકા મળવા આવી હતી... જાણે કોઈ અજાણી વ્યક્તિ કે કોઈ ઓળખીતા મળવા આવ્યા હોય એટલી સ્વાભાવિકતાથી એણે સાંભળી લીધું. કોઈ પણ પ્રકારના પ્રતિભાવ આપ્યા વિના પૂરી વાત સાંભળીને એણે શાંતિથી પૂછ્યું, ‘‘એ મજામાં છે ને ?’’

“હા.” સોનાલીબહેન નવાઈથી જોઈ રહ્યાં. સત્યજીતમાં આવેલો આ ફેરફાર એમને કોઈ રીતે ગળે નહોતો ઊતરતો, “આ કઈ રીતે વર્તે છે તું ? પ્રિયંકા પણ એવી રીતે વર્તે છે કે જાણે તને ઓળખતી જ ન હોય.”

“એવું જ હશે.” જવાબ આપતાં આપતાં સત્યજીત પોતાનું કામ કરી રહ્યો હતો. સોનાલીબેન સામે જોવાનું ટાળતો હતો એ સોનાલીબેને નોંધ્યું.

“જો નાનો મોટો ઝઘડો થયો હોય તો વાતને સુલઝાવી શકાય. સામસામે બેસીને વાત કરો બે જણા. આમ એકબીજાથી ભાગો છો કેમ?” સોનાલીબેને પૂછ્યું.

“કંઈ ભાગતો નથી.” જવાબ આપીને સત્યજીત સડસડાટ ઉપર ચડી ગયો.

સોનાલીબેન જોતાં રહ્યાં. એમની અનુભવી આંખો અને સમજદાર બુદ્ધિએ એટલું તો કળી જ લીધું કે ‘કંઈક’ થયું છે. હવે સત્યજીત સાથે બીજી કોઈ વાત કરવાનો મતલબ નહોતો, એ પણ સોનાલીબેન જોઈ શકતા હતા.

સત્યજીતને મળીને આવેલી પ્રિયંકાને સિદ્ધાર્થભાઈએ, મહાદેવભાઈએ બે-ચાર વાર પૂછવાનો પ્રયત્ન કરી જોયો, પણ પ્રિયંકાએ વાત એવી રીતે બદલી નાખી, જાણે એ વાત વિશે ઉલ્લેખ પણ કરવો યોગ્ય ન હોય. એ સાવ સામાન્ય વર્તતી હતી. ખાતી-પીતી, પોતાના કામ પતાવતી, ટીવી જોતી, મજાક કરતી, ક્યારેક હસી પણ નાખતી, પણ એ બધાની પાછળ એક પીડા ડોકાયા કરતી હતી.

એક દિવસ બ્રેકફાસ્ટ ટેબલ પર એણે કહી દીધું, “હું યુનિવર્સિટીઝમાં એડમિશન માટે એપ્લાય કરતી હતી, એમાંથી ત્રણેક જગ્યાના કન્ફર્મેશન આવ્યા છે.” સહુ સાંભળી રહ્યાં. બધા જ જાણતા હતા કે પ્રિયંકાએ શું નિર્ણય કર્યો હતો અને એની પાછળ શું કારણ હતું.

બે-ચાર દિવસ પ્રિયંકાએ મનોમન સત્યજીતના ફોનની પ્રતિક્ષા કરી જોઈ. સોનાલીબેનને મળી આવ્યા પછી કદાચ સત્યજીત વાત કરવાનો પ્રયત્ન કરે એવી પ્રિયંકાને મનોમન આશા હતી, પરંતુ રાહ જોયા છતાં જ્યારે સત્યજીતનો ફોન આવ્યો ત્યારે પ્રિયંકાએ સત્યજીત ઉપર મેસેજ કરીને પિતાના મૃત્યુનો અફસોસ વ્યક્ત કરી દીધો. સત્યજીતે બીજા બધાને આપે એવો જ, ‘થેન્ક યુ’નો જવાબ આપી દીધો.

પ્રિયંકા પોતાના પેપર્સમાં, ટોફેલમાં અને બીજા પેપર્સ કરવામાં વ્યસ્ત રહી. એણે જવાનું નક્કી કરી લીધું હતું. ઘરમાં એકાદ વાર એ વિશે ચર્ચા થઈ, પછી સિદ્ધાર્થભાઈ અને શીલાબહેને પણ મંજૂરી આપી દીધી. એનું એડ્‌મિશન થઈ ગયું, સ્કોલરશિપ પણ મળી ગઈ... બધું એટલું ઝડપથી થતું ગયું જાણે કુદરતે જ નક્કી કરી લીધું હોય કે હવે પ્રિયંકાએ શહેર છોડી દેવું જોઈએ.

પ્રિયંકાએ દાદાજી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી જોયો.

“જો બેટા, નિર્ણય તારે જ કરવો જોઇએ, કારણ કે એનાં પરિણામ પણ તારે જ ભોગવવાના છે.” મહાદેવભાઈ બહુ જ પ્રેક્ટિકલ માણસ હતા. એમણે ખૂબ શાંતિથી જવાબ આપ્યો, “સાથે રહેવાનું હશે તો પણ તારે જ રહેવું પડશે ને દૂર જઈશ તો પણ એના વગર જીવતાં તો તારે જ શીખવું પડશે. અમે સાથે રહી શકીશું. સ્નેહ કે સહારો આપી શકીશું, પરંતુ જે થાય તે બધું તો તારી સાથે જ થશે ને ?

પ્રિયંકા વિચારતી રહી. એણે પોતાની જાતને થોડાક દિવસો આપવાનું નક્કી કર્યું. એડ્‌મિશન અને ટિકિટો થાય ત્યાં સુધી એણે સત્યજીતની રાહ જોવાનું નક્કી કર્યું. જો પોતે જાય ત્યાં સુધી સત્યજીતનો ફોન કે સંદેશો ન આવે તો વીતેલી વાતોને ભૂલીને આગળની જિંદગીને જોવી.

પ્રિયંકાને મનોમન એમ હતું કે સત્યજીત એને સંપર્ક કરશે, એના સુધી આવ્યા વિના નહીં રહી શકે, પણ સત્યજીત પોતાના કામમાં - ઑફિસમાં વધુ ને વધુ વ્યસ્ત થતો ગયો. થોડાક જ દિવસોમાં જાણે બે જણા વચ્ચે સદીઓનું અંતર પડી ગયું. એકબીજાને પોતાની જાતથીયે વધુ ચાહનારા બે જણા સતત એકબીજાને ઝંખતા હતા, તેમ છતા એકબીજા તરફ પહેલું ડગલું કોણ માંડે એની રાહ જોતાં દિવસો સડસડાટ પસાર થતા હતા.

પ્રિયંકાના વિઝા આવી ગયા.

ટિકિટ પણ.

આખરે જવાનો દિવસ પણ આવી જ ગયો.

(ક્રમશઃ)