Risan Jack Island - 06 in Gujarati Fiction Stories by Bhavik Radadiya books and stories PDF | રીસન જેક આઈલેન્ડ - ૦૬

Featured Books
Categories
Share

રીસન જેક આઈલેન્ડ - ૦૬

રીસન જેક આઇલેન્ડ

(પ્રકરણ – ૦૬)

ભાવ્યાએ ઘણાં સમય પહેલા ભાર્ગવને લખેલો લવલેટર આયુષે મોટેથી વાંચ્યો.

“વાહ... જીઓગ્રાફીની ભાષામાં પ્રેમપત્ર!!” મોનાર્થ ઉછળ્યો.

“મારા માટે તો આવું ક્યારેય ના લખ્યું!” આયુષ ધીરેથી બબડ્યો અને કાગળ ભીંસતો રહ્યો.

ભાર્ગવે આ બદલાવ નોંધ્યો અને થોડો સચેત બન્યો, “શું? શું બોલ્યો તું?”

“અમમ.. એમજ કે આવો પ્રેમપત્ર અત્યારસુધીમાં કોઈએ નહિ લખ્યો હોઈ એમ.” આયુષે કાગળને કવરમાં પેક કરીને ટેબલ પર રાખી દીધો. એ પોતાના ગુસ્સાને મહામહેનતે કાબુમાં રાખવાની કોશિશ કરતો રહ્યો.

“અરે ભાઈ છોડને એ બધું.” મોનાર્થે પરિસ્થિતિને તાબે કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. “તને આ લેટર મળ્યો ક્યાંથી?”

“આ ટેબલના ડ્રોઅર માંથી.”

“તો શક્ય છે કે ત્યાંથી બીજી પણ કોઈ મહત્વની વસ્તુ પણ મળી જાય!”

“મહત્વની વસ્તુ એટલે એકઝેટલી કેવી?” ભાર્ગવે હવે ધાર કાઢેલા પ્રશ્નોનો મારો ચલાવ્યો.

“મારો મતલબ હતો કે આ તને લવલેટર જ્યાંથી મળ્યો, ત્યાં બીજું પણ કંઈક મળી શકે છે એટલે કે તેની સાથે સાચવી રાખ્યું હોય એવું બની શકે છે ને...” મોનાર્થને જવાબ આપવામાં તકલીફ પડી રહી હતી એ ભાર્ગવથી અજાણ્યું રહ્યું નહીં.

“ભાર્ગવ, આ લેટર ભાવ્યાએ જ લખ્યો છે. હું તેના હેન્ડ રાઈટીંગ સારી રીતે ઓળખી શકું છું.” આયુષે મોનાર્થને કવર કરવા માટે પોતાની વાત વચ્ચે મૂકી દીધી. નહિ તો ખબર નહિ તેને કેટકેટલાં જવાબો આપવા પડત અને કેટલું બકી જાત એની પણ નક્કી નહિ.

“અચ્છા, ઠીક છે. ચાલો હું એક બીજી વસ્તુ તમને લોકોને બતાવું.” ભાર્ગવ ખુશ થતો હતો, કારણ કે તેને પોતાના બધાંજ જવાબો આ બંને પાસેથી મળી જશે એની પૂરેપૂરી શક્યતા દેખાતી હતી. તેનું દિમાગ હવે દરેક બદલાવ અને તેની સાથે જોડાયેલી દરેક શક્યતાને તપાસીને તેનું નોંધ રાખતું હતું.

ભાર્ગવે ટેબલના ડ્રોઅર માંથી ભવ્યા અને નીલીમાના ફોટોઝ લીધા અને ત્રણેય જણા બેડરૂમમાં ગયાં. ભાર્ગવે ત્યાં ભેગા કરેલા બધાં ફોટોઝ એકબાજુએ મૂક્યાં અને પોતાના હાથમાં રહેલા ફોટોઝ આયુષને આપ્યા.

“આ બંને માંથી ભવ્યા કોણ છે અને નીલિમા કોણ છે?”

“આ દરિયાકિનારે પાડેલો ફોટો ભાવ્યાનો છે અને આ બ્લેક સ્કર્ટવાળી નીલિમા છે.”

ભાર્ગવે બંને ફોટોઝ વારાફરતી ઘણીવાર સુધી જોયે રાખ્યા. ફક્ત ફોટોઝ પરથી જ કોઈપણ વ્યક્તિ કહી શકે કે આ બંને છોકરીઓ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. ભવ્યા ઘૂઘવાટા મારતા દરિયાની સામે પણ શાંત લાગી રહી હતી. જયારે નીલિમા શિસ્તબદ્ધ કલાસરૂમમાં પણ તરંગી, અલ્લડ છોકરી! જાણે તેને દુનિયા સાથે કંઈ લેવાદેવા જ ના હોય.

ભાર્ગવે અલગ કાઢેલા ફોટોઝ માંથી તેનો અને એક અન્ય યુવાનનો ફોટોઝ આયુષને આપ્યો. તેમાં, તેણે એક ચશ્માવાળા નવયુવાનને બંને હાથથી ઉંચકી રાખ્યો હતો. તે બંનેના ફોટોઝ ઘણી મોટી સંખ્યામાં હતાં.

“આ મારી સાથે કોણ છે?”

“હર્ષવર્ધન” આયુષે ફોટો હાથમાં લેતા કહ્યું, “તારો બેસ્ટ ફ્રેન્ડ.”

“એ ક્યાં છે અત્યારે? કે પછી એ પણ તેના પ્રોજેક્ટ પાછળ લાગ્યો છે?” ભાર્ગવે હવે ક્રોસ ચકાસણી શરુ કરી.

“હા, બિલકુલ. એ અત્યારે કદાચ હિમાચલ પ્રદેશ બાજું હોવો જોઈએ. એ કોઈક એવું ડિવાઇઝ બનાવી બનાવી રહ્યો છે કે જેનાથી વિશ્વની કોઈપણ ઉંચાઈએથી, દરિયાના પેટાળમાં રહેલા લોકો સાથે પણ વાતચીત કરી શકાય એટલું શક્તિશાળી હશે. અને આ ગાંડપણ પાછળનું કારણ ફક્ત એટલું જ કે તેને માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને આપણા બધા સાથે વાત કરવી છે!”

“ઓહ, ખરેખર ગાંડપણ જ કહેવાય! પણ મને એક વાત સમજાવ, આટલા બધા ફોટોઝ માંથી તમારા બંનેનો એકપણ ફોટો ના મળ્યો! આવું કેવીરીતે બની શકે?” ભાર્ગવે બધાંજ ફોટોઝનો બેડ પર ઢગલો કરી દીધો.

“આપણા ડીપાર્ટમેન્ટ અલગ છે એટલે.”

“ફક્ત તમારા બંનેના જ?!”

“આપણી કોલેજ ઘણી મોટી છે - ઓપલ ઇન્સ્ટીટયુટ ઓફ જીઓલોજીકલ રિચર્ચ એન્ડ ડેવલોપમેન્ટ. તું, ભવ્યા અને હર્ષવર્ધન જીઓગ્રાફી ડીપાર્ટમેન્ટમાં છો. જયારે હું, મોનાર્થ અને નીલિમા એન્વાયરમેન્ટ ડીપાર્ટમેન્ટમાં છીએ. એટલે આપણે બધા એકસાથે કેન્ટીન છીવાય બીજે ક્યાંય ભાગ્યે જ મળી શકીએ. મેં તને હિંમતનગરની હોસ્પીટલમાં કેન્ટીનના અને ફેસ્ટિવલના ગ્રુપ ફોટોઝ બતાવ્યા તો હતાં. એન્ડ આ બધા ફોટોઝ તો તમારી બેચના છે, તો અમે એમાં કેવીરીતે હોઈએ?”

“ઓકે આયુષ ઓકે. એમાં આટલા બધા ખુલાસા શેનાં આપે છે? હું તો જસ્ટ પૂછતો હતો.”

“અરે યાર શાંતિ રાખો બધા. ભાર્ગવ, આગળ શું કરવાનું છે એ વિશે કઈ વિચારી રાખ્યું છે?” મોનાર્થે સમય સાચવી લીધો.

“હા, વિચારી રાખ્યું છે. પણ એક બોવ મોટો પ્રોબ્લેમ આવી ગયો છે....”

“કેવો પ્રોબ્લેમ?!”

“એક નકશો મળ્યો છે મને....”

“હેં...? કેવો નકશો?” મોનાર્થે ભાર્ગવની વાત વચ્ચેથી જ કાપી નાંખી.

“હા, એક નકશો છે. પણ એ બોવજ ખતરનાક લાગે છે મને. અને મને તો હવે એવું પણ લાગે છે કે એ નકશા માટે જ મારા પર જીવલેણ હુમલો થયો હતો. મારી સિક્સ સેન્સ કહે છે કે એ હુમલો કરનાર પણ કોઈ અંગત વ્યક્તિ જ હોવું જોઈએ.”

“એક મિનીટ, તું એવું કેવી રીતે કહી શકે કે તારા પર હુમલો કોઈ અંગત વ્યક્તિ દ્વારા થયો હતો? અને એ પણ કોઈ નકશાના લીધે? ભાર્ગવ તારા પર હુમલો નથી થયો, તું અકસ્માતનો ભોગ બન્યો છે. અમે ડોક્ટર્સ સાથે આ વિશે વાત કરી હતી.”

“કદાચ તારી વાત સાચી છે, પણ પુરેપુરી નહિ. કેમકે આ નકશો ‘રીસન જેક આઈલેન્ડ’ નો છે. આ નકશો એવી જગ્યાનો છે જે આજ સુધી એક્ષ્પ્લોર નથી થઈ. તેનો અંતિમ છેડો સિબાલો પર્વત છે કે જે “બ્લેક ઓપલ” નો ખજાનો છે. વિશ્વની સૌથી કિંમતી ચીજ! અને આ નકશો એ જગ્યાએ પહોચવા માટે શ્વાસ કરતા પણ વધારે જરૂરી છે. વળી આ નકશો ભવ્યાએ તૈયાર કરેલો છે. તો આ વાતની જાણ તો કોઈ આપણા અંગતને જ હોઈ અથવા તો વધુમાં વધુ આપણી કોલેજને હોઈ. તો આ નકશો મારી પાસે હતો એટલે કદાચ મારા પર હુમલો કરવામાં આવ્યો હશે એવું મને લાગે છે.”

“વાત તો તારી સાચી છે. ‘રીસન જેક’ નો પ્રોજેક્ટ તું અને ભવ્યા સાથે મળીને કરતા હતાં એ વાત તો આખી કોલેજ જાણતી હતી. પણ એ નક્શાનું બીજા કોઈને શું કામ? લોકો તો એના નામથી જ ધ્રુજે છે. ત્યાં પહોચવું શક્ય નથી. તો તારા પર હુમલો થયો હોઈ એ વાત હું ના માની શકું.”

“એક કામ કર આયુષ. બહાર જા અને પાર્કિંગમાં મહિન્દ્રા પડી છે એના પાછળના બંને ટાયર જોઇને આવ. જાણીજોઈને બંને ટાયર પંકચર કરેલા જેથી હું સ્પેરવ્હીલ પણ ના લગાવી શકું અને ફરજિયાત મારે બાઈક લઈને જ બહાર જવું પડે અને એ લોકોને હુમલો કરવો આસાન થઇ જાય. કારણકે તેઓ જાણતા કે હું ક્યારે અને ક્યાં. શા માટે જવાનો છું. પણ અફસોસ કે એ વાત મને યાદ નથી. મારા ઘરનું ડ્રોપબોક્ષ પણ કોઈએ તોડી નાંખેલું છે.”

“પણ ડૉ.મહેતાએ તો કહ્યું હતું કે તારી પાસે બાઈક હતી જ નહિ. જો હોત તો નંબર પ્લેટ પરથી જ તારી બધી ડીટેઈલ્સ મળી ગઈ હોત.”

“એકઝેટલી! એટલે જ મારી બાઈક ગાયબ કરી દેવામાં આવી હતી. આ વાત પણ મને ડૉ. મહેતાએ જ કહેલી.”

“ઓકે તું બેસ અહીં, હું અને મોનાર્થ બહાર જોઇને આવીએ છીએ અને તેને રીપેર કરાવવાની પણ કૈંક વ્યવસ્થા કરું છું. ડોન્ટ વરી. બધું બરાબર થઇ જશે.”

***

“આયુષ મને લાગે છે કે ભાર્ગવને થોડા જ સમયમાં બધુંજ ખબર પડી જશે. જે વાત પોલીસ સુધી પણ નથી પહોંચી એ વાત એને ફક્ત કોમન સેન્સથી જ ખબર પડી ગઈ. અથવા તો તેની યાદશક્તિ પાછી આવી ગઈ હોઈ એવું લાગે છે મને.” મોનાર્થ થોડો ડરેલો હતો.

“કંઈ નહિ થાય. તું ફક્ત ડૉ. મહેતા પર નજર રખાવ. એમણે જયારે ફી લેવાની ના પાડી, ત્યારથી જ મને એના પર શક હતો કે આ કાચીડાનો રંગ સાચો નથી.”

“સાચી વાત છે તારી આયુષ. ડૉ. મહેતા ગઈકાલ્રે જ અમદાવાદ આવી ગયા છે.”

“મને શક તો હતો જ. ઠીક છે, એની એકએક હરકત પર નજર રાખ. અને હા કાલે તે ભાર્ગવના ઘરનો દરવાજો ખોલતી વખતે ફિંગરપ્રિન્ટ ડેવલોપ કરી હતી એનું શું થયું? લોકર માંથી કઈ મળ્યું કે નહિ?”

“ફિંગરપ્રિન્ટ તો ઓકે છે, પણ લોકર ખાલી છે. તે કહ્યું હતું એવી એકપણ બુક્સ ના મળી.”

“વ્હોટ? લોકરમાં કઈ ના મળ્યું?”

“કદાચ ભવ્યાના ઘરનાં લોકરમાં પણ હોઈ શકે. અથવા તો ભાર્ગવની લાઈબ્રેરીના લોકરમાં...”

“એ બધું તું જોઈ લેજે. પણ એ બુક્સ ભાર્ગવના હાથમાં ના આવવી જોઈએ ઓકે. અને હવે આ પંક્ચર કરાવવાની કૈક વ્યવસ્થા કર. હું ભાર્ગવના મનમાં ભાવ્યાનો પ્રેમ ઘુસાડવાની ટ્રાય કરું છું.”

(ક્રમશ:)

લેખક : ભાવિક એસ. રાદડિયા