Kismat Connection - 13 in Gujarati Love Stories by Rupen Patel books and stories PDF | કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૩

Featured Books
Categories
Share

કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૩

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧3

કેફેની બહાર નીકળીને નીકી હિંમત કરીને વિશ્વાસના ખભે હાથ મુકીને તેને ઉભો રાખે છે. દિલની ધડકનો પર કાબુ રાખીને ખચકાતા અવાજે તે બોલે છે, “વિશ્વાસ, મારે તને કંઈ કહેવું છે.”

નીકીના સામે જોયા વગર વિશ્વાસ અકળાઈને બોલ્યો, “હું કહું તે તું સાંભળ. મારો મુડ સારો નથી એટલે હું અહીંથી સીધો હોસ્ટેલ જવું છું. હું તને કાલે કોલેજ મળીશ. બાય.”

કેફેની બહાર રીક્ષામાં બેસીને નીકીની વાત સાંભળ્યા વગર વિશ્વાસ હોસ્ટેલ જવા નીકળી ગયો. નીકી સ્તબ્ધ બનીને ત્યાં ઉભી રહી ગઈ. તેની આંખોમાં ભીનાશ ઉભરી આવી. તેને ડુમો ભરાઈ આવ્યો પણ તેણે પળવારમાં જ પોતાની જાત પર કાબુ મેળવી લીધો. તેણે મોબાઈલમાં ટાઈમ જોયો અને લાયબ્રેરીમાં બુક્સ લેવા કોલેજ તરફ ચાલવા માંડી.

કોલેજ તરફ ચાલતાં ચાલતાં તેના મનમાં અનેક સવાલો ઉઠવા માંડ્યા હતાં. અનેક વિચારોએ તેના મનમાં ધમાસાણ મચાવ્યું હતું. વિશ્વાસ ને કેમ કરીને તેના મનની વાત કહેવી તે તને સમજાતું ન હતું. લાયબ્રેરી આવી જતાં તેણે તેના મનના વિચારો સંકેલી લીધા. તે લાયબ્રેરીમાંથી બુક લઇ હોસ્ટેલ જવા બહાર આવી રહી હતી ત્યાં તેને એક પ્રોફેસર મળી જાય છે અને તેમની સાથે રીડીંગ વેકેશન માટે વાત કરે છે. પ્રોફેસરની સલાહ હતી કે લાસ્ટ મંથમાં ઘરેઅથવા હોસ્ટેલમાં બેસીને સ્ટડી કરવું જોઈએ અને પ્રોબેલ્મ હોય કોલેજ આવી સોલ્વ કરવા જોઈએ.

તેણે હોસ્ટેલ આવીને ગુસ્સામાં ને ગુસ્સામાં રીડીંગ વેકેશનના બહાને ઘરે જવા બેગમાં બુક્સ અને કપડાં પેક કર્યા. હોસ્ટેલમાં ઘરે જવાની જાણ કરી પણ વિશ્વાસને કે અન્ય કોઈ ફ્રેન્ડને કહ્યા વગર તે સાંજની બસમાં ઘરે જવા નીકળી. ઘરે પહોંચી ત્યારે તેનો મુડ થોડો સારો થઇ ગયો હતો. આમ જાણ વગર આવી રીતે તેને ઘરે જોઇને તેની મમ્મી ચોંકી ગઈ અને તેને ગળે લગાડીને પુછે છે, “બેટા ! આમ અચાનક ઘરે કેમ આવી ?”

તેણે પળવારમાં મનમાં આઈડિયા વિચારી જોરથી બોલી, “સરપ્રાઈઝ, મમ્મી તને સરપ્રાઈઝ આપવા.”

“પણ..તારી કોલેજ અને સ્ટડી.”

“મમ્મી, અત્યારે મારે રીડીંગ વેકેશન શરુ થયું છે. એટલે હું રીડીંગ કરવા ઘરે આવી છું.” બેગમાંથી બુક્સ બહાર કાઢતા તે બોલે જતી હતી.

“તો રીડીંગ વેકેશન પુરું ક્યારે થશે ?”

“મમ્મી, તને બહુ ઉતાવળ છે. હજુ રીડીંગ વેકેશન શરુ જ થયું છે અને તું પુરું થવાની વાત કરે છે.”

“એમ નહી બેટા. એક્ઝામ ક્યારે છે એમ પુછુ છું ?”

“નેક્સ્ટ મંથમાં.”

“તો હોસ્ટેલના અને કોલેજના બધા ફ્રેન્ડસ પણ ઘરે ગયા હશે ને.”

“હા. જેને રીડીંગ કરવું છે તે ઘરે જશે અને રખડવું છે તે કોલેજના નામે રખડશે. અને મમ્મી રીડીંગ વેકેશનમાં હોસ્ટેલમાં બધા ભેગા હોય તો વાંચવાની મજા ના આવે. એટલે હું નિરાંતે ઘરે આવી ગઈ. રીડીંગ કરવા.”

નીકીની મમ્મી તેના માટે પાણીનો ગ્લાસ લઇ આવી અને ધીરેથી પુછે છે, “તો વિશ્વાસ પણ તારી સાથે જ ઘરે આવ્યો હશે ને ?”

વિશ્વાસનું નામ સાંભળી પાણી પી રહેલી નીકીને ઉધરસ આવી ગઈ. નીકીને મમ્મીએ તેના બરડે હાથ ફેરવ્યો અને ધીમા સ્વરે ફરી પુછ્યું, “વિશ્વાસ પણ ઘરે આવ્યો હશે ને રીડીંગ કરવા.”

નીકીએ થોડા સ્વસ્થ થઈને કહ્યું, “હા મમ્મી. તે પણ ઘરે આવશે. અત્યારે નહી પણ પછીથી આવશે.”

“એટલે તું હોસ્ટેલથી આમ એકલી જ ઘરે આવવા નીકળી હતી.”

“ના મમ્મી. મારી જોડે કોલેજની બીજી બે જુનીયર છોકરીઓ પણ હતી.” નીકી ખોટું બોલી.

“અને વિશ્વાસ કેમ ના આવ્યો ?”

“તેને કોલેજમાં કામ હશે એટલે. એને આવવું હશે ત્યારે આવશે. તું પણ શું મમ્મી આમ સવાલ જવાબ કરે છે. છોકરીને ભુખ લાગી હશે તેવું તો વિચાર.” નીકી વાત બદલવા ફટાફટ બોલી.

“હા બોલ. શું બનાવું તારા માટે.”

“કંઈ પણ અને જલ્દીમાં જલ્દી.”

“તું થોડી ફ્રેશ થઇ જા ત્યાં સુધી હું કંઇક બનાવી દઉં તારા માટે.”

નીકીની મમ્મીને નીકીની વાતમાં અને આમ કહ્યા વગર ઘરે આવી તે માટે કંઇક ગડબડ લાગતી હતી. સમય આવે નીકીનો મુડ જોઇને વાત ઉકેલવાનું નીકીની મમ્મીએ મનોમન નક્કી કરી લીધું.

નીકી ફ્રેશ થઈને આવી એટલે તેની મમ્મીએ તેના પપ્પાને કોલ કરી નીકીની વાત કરી. તેના પપ્પા પણ આમ નીકીના ઘરે આવવાથી સરપ્રાઈઝ થઇ ગયા. નીકીએ પણ તેના પપ્પા સાથે વાત કરી અને પછી તેની મમ્મીએ બનાવેલ તેના ફેવરીટ બટાકા પૌંઆ ડીશમાં જોઈ ખુશ થઇ ગઈ. તેણે ધરાઈને બટાકા પૌંઆ ખાધા અને પછી આરામ કરવા સોફામાં આડી પડી.

નીકીની મમ્મી ફોન હાથમાં લઇ ઈશારો કરતાં બોલી, “તારા ઘરે આવવાના ન્યુઝ તારા મોના આંટીને તો આપી દે.”

“હમણાં રહેવા દે મમ્મી.” નીકી અણગમા સ્વરે બોલી.

“કેમ ?”

“અરે મમ્મી ! મોના આંટી મળવા ઘરે બોલાવશે યા મળવા તેમના ઘરે બોલાવશે અને મને રીડિંગમાં ડીસ્ટર્બ થશે. હું રીડીંગ માટે ઘરે આવી છું. આમ ફરવા માટે નહી.”

હવે નીકીની મમ્મીને ખાત્રી થઇ ગઈ કે નીકી અને વિશ્વાસ વચ્ચે કંઇક અણબન થઇ છે. નીકી પણ તેની મમ્મી સાથે શોર્ટમાં વાત પતાવીને આંખો બંધ કરીને આરામ કરવા સોફામાં સુઈ ગઈ. નીકીએ આખો દિવસ થોડું સ્ટડી કરવામાં અને આરામ કરવામાં વિતાવ્યો.

બીજા દિવસે સવારે નીકીની મમ્મીએ તેના પપ્પા ઓફિસે ગયા પછી નીકીને ઉઠાડવા તેના બેડ રૂમમાં જાય છે. નીકી હજુ પણ મીઠી નીંદર માણી રહી હતી તે તેની મમ્મીએ જોયું. નીકીના મોબાઈલ પર કોલ આવે છે અને નીકી જોયા વગર કટ કરી દે છે. નીકીની મમ્મીએ નીકીને ઉપરા ઉપરી ત્રણ વાર ફોન કટ કરતાં જોઈ. નીકી હજુ ઊંઘમાં જ હતી અને તેની મમ્મી તેના બેડ પાસે ઉભી છે તેની તેને ખબર ન હતી. નીકીની મમ્મીએ ધીમે રહીને મોબાઈલ સ્ક્રીન પર જોયું તો ૧૨ મિસકોલ હતાં અને તે બધા વિશ્વાસના. વિશ્વાસનો કોલ શા માટે તે રીસીવ કરતી ન હતી તે જાણવા તેની મમ્મી મોબાઈલ લઈને ધીમે રહીને બેડરૂમમાંથી બહાર આવી. બહાર આવતાં જ ફરી વિશ્વાસનો કોલ આવ્યો અને નીકીની મમ્મીએ રીસીવ કર્યો.

વિશ્વાસ એકીસ્વરે બોલી રહ્યો હતો, “નીકી તું ક્યાં છે ? કાલે કોલેજમાં પણ ના દેખાઈ. હોસ્ટેલમાંથી ખબર પડી કે તું ઘરે ગઈ છે. આમ મને જાણ કર્યા વગર કેમ જતી રહી. કંઇક તો બોલ. તું મને સાંભળે છે ને. મારો કોલ પણ રીસીવ નથી કરતી.”

નીકીની મમ્મીએ મૌન રહીને વિશ્વાસની વાત સાંભળી લીધી. વિશ્વાસ બોલે રાખતો હતો અને નીકીની મમ્મી સાંભળી રહી હતી.

“મને લાગે છે નીકી તું હજુ ઊંઘમાં જ છું. વર્ષોનો થાક ઘરે જઈને ઉતારતી હશે યા કાલ રાતે મોડા સુધી રીડીંગ કરી ઉંઘી ગઈ હશે એટલે જવાબ આપતી નથી.” વિશ્વાસે એકલા એકલા મોબાઈલમાં બોલી કોલ કટ કરી નાંખ્યો.

નીકીની મમ્મી પાછી બેડરૂમમાં જઈને મોબાઈલ મુકી આવી. નીકી હજુ પણ ઉંઘમાં જ હતી તે તેણે જોયું. નીકીની મમ્મી તેને ઉઠાડ્યા વગર બહાર આવી ગઈ. થોડીવાર પછી નીકી ઉઠી ફ્રેશ થઇ ડ્રોઈંગરૂમમાં આવી.

નીકીને જોઇને તેની મમ્મી બોલી, “બેટા, વર્ષોની ઉંઘ પુરી કરી કે શું ?”

“ના મમ્મા. પણ ઘર જેવી ઉંઘ હોસ્ટેલમાં નથી આવતી એટલે ધરાઈને ઉંઘી લીધું.”

“બેટા, તારા મોબાઈલમાં ક્યારની રીંગો વાગતી હતી. જોઈ લે કોના કોલ હતાં.” નીકીની મમ્મીએ ત્રાંસી નજરે તેની સામે જોઇને કહ્યું.

“હશે કોલેજના ફ્રેન્ડસ ના. હમણાં જોઈ લઉં.” નીકી વાત કરતી કરતી મોબાઈલ લેવા બેડરૂમમાં ગઈ.

નીકી મોબાઈલમાં મેસેજ અને કોલ લીસ્ટ ચેક કરતી બહાર આવી એટલે ફરી તેની મમ્મીએ ઉત્સુક અવાજે પુછ્યું, “આટલા બધાં કોના કોલ હતાં?”

નીકી બગાસું ખાઈને બોલી, “પેલા વિશ્વાસના કોલ હતાં. નવરો પડ્યો હશે એટલે..”

“એટલે તારી યાદ આવી હશે અને કોલ કર્યા હશે.” નીકીની મમ્મીએ તેની સામે જોઇને કહ્યું.

નીકી કંઈ બોલી નહી પણ તેની મમ્મીથી નજર ફેરવવા આળસ મરડતી બાલ્કની ગઈ. બાલ્કનીમાં જઈને તેણે કુણા તડકાનો આનંદ લીધો. સવારની તાજી હવાના સ્પર્શથી તેના તન મનમાં તાજગી વ્યાપી ગઈ. તે કુદરતના સાનિધ્યને માણી રહી હતી તે તેની મમ્મીએ પણ જોયું.

નીકીએ તેની મમ્મીને કોફી લઇ બાલ્કનીમાં આવતાં જોઈ ખુશ થઇ ગઈ. તેના મુડને વધુ સારો કરવા માટે તેની મમ્મીએ તેની ફેવરીટ કોફી બનાવી હતી. કોફીનો એક કપ નીકીના હાથમાં હતો અને બીજો તેની મમ્મીના. કોફીની એક પછી એક સીપ લઇ રહેલી નીકીને જોઇને તેની મમ્મી બોલી, “કેવી છે કોફી ?”

“સુપર્બ. મમ્મી તારા જેવા ટેસ્ટની કોફી કોઈ બનાવી જ ના શકે.”

“બસ કર બટર લગાવાનું.” નીકીની મમ્મી હસીને બોલી.

“સાચું કહું છું મમ્મી. કોફી તો કોલેજ કેન્ટીનમાં પણ સારી મળે છે અને કેફેમાં પણ. તારી જેવી નથી મળતી.”

“તું કેફેમાં કોફી પીવા જાય છે ?”

“અરે ના મમ્મી. કોઈક વાર ફ્રેન્ડસ જોડે જવું પડે ત્યારે. બાકી કોલેજ કેન્ટીનમાં સોમાની કોફી જ પીવાની.”

“એટલે તું અને વિશ્વાસ પણ કેફેમાં ક્યારેક જતાં હશો ને ?” નીકીની મમ્મીએ ધીમે રહીને પુછ્યું.

નીકી કંઈ બોલી નહી. પળવાર માટે તે કોફી કપમાં જોઈ રહી. નીકી કોફીમાંથી નીકળતી વરાળને જોઈ રહી . નીકીની મમ્મી તેને જોઈ રહી.

થોડીવારના મૌન પછી નીકીની મમ્મી બોલી, “નીકી કેવું ચાલે છે તારી કોલેજ લાઈફનું લાસ્ટ યર ?”

“બસ કંઈ ખાસ નહીં મમ્મી.” નીકી કોફી પીતા પીતા બોલી.

“બધા ફ્રેન્ડ મજામાં ?”

“હા પણ હવે એક્ઝામ માટે લાસ્ટ મંથ છે એટલે બધા રીડીંગ કરવામાં છે.”

નીકી અને તેની મમ્મી વચ્ચે મા દિકરી કરતાં ફ્રેન્ડશીપના રીલેશન હતાં. નીકી તેની નાની મોટી ઘણી વાત તેની મમ્મી જોડે શેર કરતી હતી પણ વિશ્વાસ સાથેની ફ્રેન્ડશીપ પછી તેનો સ્વભાવ થોડો બદલાયો હતો તેવું તેની મમ્મીને લાગતું હતું. વિશ્વાસ સાથેના રીલેશન વિશે નીકી ક્યારેય વાત કરતી ન હતી અને તેની મમ્મી વાત કરે તો તે વાત બદલી નાંખતી હતી. પણ આજે નીકીની મમ્મીએ ગમેતેમ રીતે તેના અને વિશ્વાસ વચ્ચેના રીલેશન વિશેની ચર્ચા કરવાનું નક્કી કરી લીધું હતું.

કોફી પુરી થતાં નીકી તેનો અને તેની મમ્મીનો કપ લઇ કિચનમાં મુકવા જાય છે. નીકીની મમ્મી તે બાલ્કનીમાં આવશે તેમ વિચારી ત્યાં ઉભી રહી પણ નીકી ત્યાં ના આવતાં તે ડ્રોઈંગરૂમમાં જાય છે. ત્યાં નીકી તેના મમ્મીના પ્રશ્નો થી દુર થવા ન્યુઝ પેપર રીડ કરવા બેઠી હોય છે. તેની મમ્મી પણ ત્યાં તેની પાસે જઈને બેસે છે અને ફરી પુછે છે, ” તેં હેં નીકી, વિશ્વાસ શું કરે છે ?”

“એટલે ?” નીકી ન્યુઝ પેપર રીડ કરતાં કરતાં સામે પુછે છે.

“એટલે એમ કે તું રીડીંગ કરવા ઘરે આવી તો વિશ્વાસ હોસ્ટેલમાં શું કરે છે ?”

“મમ્મી જેમ અત્યારે હું ન્યુઝ પેપર રીડ કરું છું તેમ તે ત્યાં બુક્સ રીડ કરતો હશે.” નીકી થોડું હસીને બોલી.

“તે એકલો હોસ્ટેલમાં રહી સ્ટડી કરે છે ?”

“હા. તે એકલવાયો છે એટલે તેને એકલા સ્ટડી કરવાનું ફાવે. રીડીંગ વેકેશનમાં ઘણાબધા સ્ટુડન્ટ ઘરે રીડીંગ કરવા ગયા પણ તે પોથીપંડિત એકલો હોસ્ટલમાં રીડીંગ કરતો હશે.”

“રીડીંગ કરવું તો સારી વાત છે.”

“પણ મમ્મી આખો દિવસ રીડીંગ કરીને મગજ પાકી જાય અને એ પણ એકલાં રહીને. એના કરતાં ઘરે રહીને રીડ કરીએ તો માઈન્ડ પણ ફ્રેશ રહે.”

“તો તું એને સમજાય ને. તારો તો બેસ્ટ ફ્રેન્ડ છે એ.”

“જવા દે ને. એ કોઈ વાત સમજે તેમ નથી.” નીકી ઠાવકા અવાજે બોલી.

તેની મમ્મી તેની વાતો, તેના બદલાતા હાવભાવ ને ઓબ્ઝર્વ કરતી હતી એટલે તેમણે ધીમા સ્વરે નીકીને પુછ્યું, “બેટા મેં જોયું છે, હમણાં હમણાંથી તારા નેચરમાં ચેન્જ આવ્યો છે. તને શું લાગે છે ?”

“ના ના મમ્મી. તું પણ શું. સ્ટડીના ટેન્શનમાં તને એવું લાગતું હશે.” નીકી વાત બદલવાનો પ્રયત્ન કરતાં બોલી.

“અરે બેટા.મને તારા ફેસ પરથી દેખાય છે. મને ફીલ થાય છે.”

“શું ફીલ થાય છે ?”

“કે તું કોઈ સાથે ..” નીકીની મમ્મી બોલતાં બોલતાં અટકી ગઈ.

“શું કોઈ સાથે ?” નીકી અધીરા સ્વરે પુછ્યું.

તે બંનેની વાત ચાલતી હતી ત્યાં નીકીના મોબાઈલ પર કોલ આવે છે અને નીકી સ્ક્રીન પર જોવે છે ત્યાં જ તેની મમ્મી બોલે છે, “વિશ્વાસ નો જ કોલ હશે. ઉપાડીને કહે મમ્મી તને હમણાં જ યાદ કરતી હતી.”

“તને કેવી રીતે ખબર કે કોલ વિશ્વાસનો જ છે.” નીકીએ મોબાઈલની રીંગ સાયલન્ટ કરતાં કહ્યું.

“એના સિવાય તને આટલા બધા કોલ કરીને યાદ કોણ કરે ?” નીકીની મમ્મીએ મજાકના સ્વરે કહ્યું.

નીકી તેની મમ્મી સામે જોતી જ રહી. તેની મમ્મી રસોડામાં જતાં જતાં બોલતી ગઈ, “રસોડામાં જઈને હું કુકર ગ્યાસ પર મુકીને આવું છું. ત્યાં સુધી તું તારા ફ્રેન્ડ સાથે મોબાઈલ પર સિક્રેટ વાત કરી લે.”

નીકી મોબાઈલમાં વિશ્વાસને કોલ ડાયલ કરતાં કરતાં તેની મમ્મીના બદલાતા મુડને જોતી જ રહી.

પ્રકરણ ૧3 પુર્ણ

પ્રકરણ ૧૪ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.