Anyay - 13 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | અન્યાય - 13

Featured Books
Categories
Share

અન્યાય - 13

અન્યાય

કનુ ભગદેવ

૧૩: મરેલા માણસનો ફોન!

દિલીપે મહારાજા રોડ પર આવેલા અજયના બંગલા ‘નિશા કોટેજ’ ના કમ્પાઉન્ડમાં પોતાનું મોટર-સાયકલ ઉભું રાખ્યું. પછી આગળ વધી, મુખ્ય ઈમારત પાસે પહોંચીને એણે ડોરબેલ દબાવી.

જવાબમાં થોડી વાર પછી બારણું ઉઘડ્યું અને સ્થૂળ દેહધારી મનોરમાનાં દર્શન થયાં.

‘મિસ્ટર અજયને કહો કે હું તેમને મળવા માંગું છું.’ દિલીપે કહ્યું.

‘આવો...’ મનોરમા એક તરફ ખસતાં બોલી.

દિલીપ અંદર દાખલ થયો.

એને ડ્રોઈંગરૂમમાં બેસાડીને મનોરમા અંદરના ભાગમાં ચાલી ગઈ.

બે મિનિટ પછી તે પછી ફરી.

‘ચાલો...સાહેબ આપને પોતાની રૂમાં જ બોલાવે છે.’ એણે કહ્યું.

ત્યારબાદ દિલીપને અજયના શયનખંડમાં મૂકીને તે બહાર નીકળી ગઈ.

‘આવો દિલીપ સાહેબ!’ ટેબલ પાસે વ્હીલચેર પર બેઠેલા અજયે પોતાના હાથમાં જકડાયેલા પુસ્તકને ટેબલ પર મૂકતાં કહ્યું.

‘મારા આગમનથી તમારા વાંચનમાં ખલેલ તો નથી પહોંચીને મિસ્ટર અજય?’ દિલીપ એની સામે પડેલી એક ખુરશી પર બેસતાં બોલ્યો.’

‘ના...’ અજયે નકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું.

‘હું તમને થોડી તકલીફ આપવા માંગું છું.’

‘નાગપાલ સાહેબ નથી આવ્યા?’

‘ના...તેઓ કામમાં રોકાયેલા છે.’

‘હું સંતોષના કાર અકસ્માતના બનાવની વિગતો જાણવા માટે ખૂબ જ આતુર છું દિલીપ સાહેબ...!’ અજય ગમગીન તથા રૂંધાયેલા અવાજે બોલ્યો, ‘ એક સંતોષ બાકી હતો...હવે...હવે...હવે...તો એ પણ ચાલ્યો ગયો.’

‘નાગપાલ સાહેબને પણ એના મૃત્યુથી ખૂબ જ આઘાત થયો છે!’ દિલીપે કહ્યું, ‘અને એટલે જ હવે તેઓ પહેલાં જે વસ્તુમાં નહોતા માનતા, તેમાં માણવા લાગ્યા છે.’

‘નાગપાલ સાહેબ માટે આવી વાત સાંભળીને મને નવાઈ લાગે છે.’

‘સંતોષકુમારનું મૃત્યુ તો કાર અકસ્માતથી થયું છે. પરંતુ કોઈકે જાણી જોઈને જ તેમની કારની બ્રેક ફેઈલ કરી નાંખી હતી, એમ નાગપાલ સાહેબ માને છે.’

‘હેં...?’ અજયનું મોં નર્યા-નિતર્યા અચરજથી પહોળું થઈ ગયું, ‘તો તો આ ખૂન જ કહેવાય!’

‘હા...’

‘તો પછી આપે કારની બ્રેક કોણે બગડી હતી એની કંઈ તપાસ કરી કે નહીં? સંતોષના મિત્ર આનંદને ત્યાં પૂછયું?’

‘પૂછયું હતું. પરંતુ કંઈ જ જાણવા નથી મળ્યું.’

‘પણ સંતોષે તો મને પોતે આનંદને ત્યાં વધારે રોકાશે એમ કહ્યું હતું. તો પછી તે બે દિવસમાં જ કેમ પાછો ફરી ગયો?’

‘એક બનાવના કારણે...’ કહીને દિલીપે, આનંદે સંતોષકુમાર પાસેથી જે હકીકત સાંભળી હતી, એ તેને કહી સંભળાવી.

‘ફરી એ જ આત્મા...?’ અજય બબડ્યો. એના ચ્હેરા પર ચિંતાના હાવભાવ છવાઈ ગયા હતા.

‘મિસ્ટર અજય, હું એક વાત જાણવા માંગતો હતો!’

‘બોલો...’

‘આમ તો આ સવાલ મેં અને નાગપાલ સાહેબે તમને ઘણી વખત પૂછ્યો છે. હવે છેલ્લી વાર પૂછું છું કે તમે જોયો હતો- ઓળખ્યો હતો એ મૃતદેહ શશીકાંતનો જ હતો?’

‘હવે તો હું પણ આ બાબતમાં ખાતરીપૂર્વક કંઈ કહી શકું તેમ નથી.’

‘ઘડીભર માટે માંની લો કે શશીકાંત જીવતો હોય તો એણે ધંધાકીય રીતે શું લાભ થાય તેમ છે?’

‘કંઈ જ નહી. એ પોલીસ તથા દુનિયાની નજરે મૃત્યુ પામેલો જાહેર થયો છે. જો એ જીવતો હોય તો એણે, પોતે મૃત્યુ નહોતો પામ્યો તે વાત પુરવાર કરવી પડે! પણ એ જીવતો હોય એવું બને જ નહીં અને કદાચ જો એ જીવતો હોય તો પછી શશીકાંતના શયનખંડમાંથી જે મૃતદેહ મળી આવ્યો હતો, તે કોનો હતો?’

‘મિસ્ટર અજય...’ દિલીપ મક્કમ અવાજે બોલ્યો, ‘અત્યાર સુધી જે જે બનાવો બન્યા છે, તેમાં ભૂત-પ્રેતનો નહીં પણ માણસનો જ હાથ હોય એવું લાગે છે અને તે પરથી અનુમાન કરી શકાય કે શશીકાંત હજુ જીવે છે.’

‘તો પછી આ બધા ખૂનોનો જવાબદાર?’

‘આ બાબતમાં અત્યારે કંઈ જ કહી શકાય તેમ નથી. બનવાજોગ છે કે શશીકાંત મૃત્યુ પામ્યો હોય અને આ બધાં ખૂણો એના ભટકતા આત્માએ જ કર્યા હોય! સાલ્લું કંઈ જ સમજાતું નથી.’

‘આ બધું શું છે એ મને પણ નથી સમજાતું.’ અજય મુંઝવણભર્યા અવાજે બોલ્યો.

‘અમે જેમ બને તેમ જલ્દીથી આ કેસ ઉકેલી નાખીશું.’

‘આપ આ બધાં રહસ્યો ઉકેલી શકશો એની આપને પૂરી ખાતરી છે?’ અજયે પૂછયું.

‘વાત એમ છે મિસ્ટર અજય કે, આ કેસની બાબતમાં મારા અને નાગપાલ સાહેબના વિચારો એકબીજા સાથે મતભેદવાળા છે અને મારા રસ્તે હું સફળ થઈશ એવી મને આશા છે.’

અજય ચૂપ રહ્યો.

દિલીપ થોડી પળો સુધી તેની સામે તાકી રહ્યો. તે શૂન્યમાં જોતાં કંઈક વિચારતો હતો. પછી અચાનક તેનો ચ્હેરો ધોળો પૂણી જેવો થઈ ગયો.

‘શું વાત છે મિસ્ટર અજય?’ દિલીપે પૂછયું.

જવાબ આપવાને બદલે જાણે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય એ રીતે અજય એકદમ ચમકી ગયો.

‘તમે શું વિચારો છો?’ દિલીપે ફરીથી પૂછયું.

‘ક...કંઈ નહીં...’

‘તો પછી આમ અચાનક ચિંતાતુર શા માટે બની ગયા?’

‘દિલીપ સાહેબ...’ અજય ભયભીત અવાજે બોલ્યો, ‘આપે હમણાં કોઈ અવાજ સાંભળ્યો?’

‘અવાજ...?’

‘હા...’

‘ના...કેમ...?’

‘જાણે હમણાં જ મારા કાનમાં કોઈક કંઈક ગણગણ્યું હોય એવો અવાજ મેં સાંભળ્યો હતો.’ અજય બબડ્યો, અને એ અવાજ...એ અવાજ શશીકાંતનો હતો.’ કહીને એનો દેહ જોરથી કંપી ઊઠ્યો.

‘પણ અહીં તો મારા અને તમારા સિવાય બીજું કોઈ જ નથી.’ દિલીપ બોલ્યો.

‘હું સ...સાચું જ કહું છું.’ કોઈક અજ્ઞાત ભયથી અજયનો સ્વર ધ્રુજતો હતો.

‘તો પછી મને એ અવાજ શા માટે જ સંભળાયો?’

‘ભગવાન જાણે...’

‘તમને કદાચ ભ્રમ થયો હશે મિસ્ટર અજય...!’

‘ભ્રમ તો એકાદ વાર થાય દિલીપ સાહેબ! પણ મને તો અવાર નવાર શશીકાંત મારી આજુબાજુમાં જ ઊભો હોય એવો ભાસ થાય છે. હવે મરવાનો વારો મારો હોય એવું મને લાગે છે. મારા બે ભાગુદારો તો મેં ગુમાવ્યા છે. હવે તો હું એકલો જ બાકી રહ્યો છું અને શશીકાંતનો આત્મા હજુયે તરસ્યો હોય એવું લાગે છે અને જ્યાં સુધી હું જીવતો છું, ત્યાં સુધી એની તરસ નહીં છીપાય એમ હું માનું છું.’

દિલીપ તેની સામે તાકી રહ્યો.

‘મનોરમા એક ટ્રેમાં કૉફીના બે કપ લઇ આવી. એક કપ એણે દિલીપના હાથમાં મૂક્યો અને બીજો અજયના હાથમાં મૂકતાં બોલી, ‘શું થયું સાહેબ...?’

પરંતુ અજયની નજર શૂન્યમાં ભટકતી હતી. કોઈક અજ્ઞાત ભયના હાવભાવ એના ચ્હેરા પર છવાયેલા સ્પષ્ટ રિયે દેખાઈ આવતા હતા. એણે પોતાના હાવભાવ છૂપાવવાનો પ્રયાસ કર્યો, પણ એમાં તેને સફળતા ન મળી.

પછી સહસા તે પોતાની ખુરશી પર સળવળ્યો. ત્યારબાદ અચાનક જ તે ભયંકર ચીસ નાખીને ખુરશી સહિત જ નીચે જમીન પર ઉથલી પડ્યો.

આ અણધાર્યા બનાવથી મનોરમા એકદમ હેબતાઈ ગઈ. એના હાથમાંથી ખાલી ટ્રે છટકી ગઈ પછી તે ચિંતાતુર ચહેરે અજય તરફ દોડી.

દિલીપ ઊછળીને ઊભો થઈ ગયો. પરંતુ એના પર કંઈ જ અસર નહોતી થઈ કારણ કે આવા ઘણા કેસો એણે ઉકેલ્યા હતા.

મનોરમા બેભાન પડેલા અજયને ભાનમાં લાવવાનો પ્રયાસ કરતી હતી.

અચાનક શું થઈ ગયું કે અજય બેભાન થઈ ગયો એની દિલીપને નવાઈ લાગતી હતી.

મનોરમા ગભરાયેલી હાલતમાં આશાભરી નજરે દિલીપ સામે તાકી રહી.

‘હાથનો ટેકો આપીને મિસ્ટર અજયને તમે પલંગ સુધી લઇ જાઓ.’ દિલીપે કહ્યું.

‘પણ સાહેબને શું થઈ ગયું છે?’ મનોરમાએ ગભરાયેલા અવાજે જવાબ આપ્યો.

‘મને શું ખબર પડે?’ દિલીપે બેદરકારીથી જવાબ આપ્યો.

મનોરમા તેની આ ઉદ્ધતાઈ સમજી શકી નહિ.

પછી કંઈ બોલ્યા વગર એણે અને દિલીપે અજયને પલંગ પર સૂવડાવી દીધો. અજયના પગ પર હંમેશા ઢંકાઈ રહેતું કાળું વસ્ત્ર આજે દૂર થઈ ગયું હતું.

એના પાતળા, રક્તહીન અને સૂકાઈને દોરડા જેવા થઈ ગયેલા બંને પગ ભયંકરતાની સાથે દયા પણ ઉપજાવતા હતા.

દિલીપની આંખો નર્યા-નિતર્યા અચરજથી પહોળી થઈ ગઈ.

એણે જીંદગીમાં આજે પહેલી વાર કોઈ જીવતા માણસના આવા પાતળા-સૂકાઈ ગયેલા પગ જોયા હતા. બિલકુલ સૂકાઈ ગયેલા પગ! જાણે બધું જ માંસ ઓગળી ગયું હતું! ફક્ત ચામડી જ બચી હોય એવું લાગતું હતું.

દિલીપે ચૂપચાપ મનોરમા સામે જોયું. મનોરમાએ અજયના પગ પરથી સરકી ગયેલી રેશમી શાલને વ્યવસ્થિત રીતે ઓઢાડી દીધી.

‘મિસ્ટર અજયને હૃદયરોગનો હુમલો તો નથી થતો ને?’

‘ના...’

‘અગાઉ ક્યારેય તેઓ આ રીતે બેભાન થઈ ગયા હતા ખરા?’

‘ના...પરંતુ ક્યારેક તેઓ ચુમ્સુમ તથા એકદમ ઉદાસ થઈ જાય છે અને શૂન્ય નજરે બધાને તાકી રહે છે. તેમના કહેવા પ્રમાણે તેમને અવારનવાર શશીકાંતનો અવાજ સંભળાય છે!’

‘તમે ક્યારેય એ અવાજ સાંભળ્યો છે?’

‘એ એટલે...? કોનો અવાજ?’

‘શશીકાંતનો?’

‘ના...’ મનોરમાએ નકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘કમાલ કહેવાય...!’ દિલીપ માથું ખંજવાળતાં બબડ્યો.

‘ડોક્ટરને બોલવું?’

‘હા...’

‘હું હમણાં જ ફોન કરીને તેમણને બોલાવી લઉં છું.’ કહીને મનોરમા ભાર નીકળી ગઈ. થોડી વાર પછી તે પાછી આવી.

‘ડોક્ટર સાહેબ મળ્યા?’ દિલીપે પૂછયું.

‘હા...તેઓ હમણાં જ આવે છે.’

‘ક્યા ડોક્ટરને બોલાવ્યા?’

‘ડોક્ટર લાખાણીને...!’

‘તેમનું દવાખાનું ક્યાં છે?’

‘લેડી વિલાસરાય રોડ પર!’

‘ઠીક છે...’ દિલીપે માથું હલાવ્યું.

‘આપને માટે બીજી કૉફી બનાવી લાવું?’

‘ના, એની કંઈ જ જરૂર નથી. હું તમારી સાથે થોડી વાતો કરવા માંગું છું. આપણે ડ્રોઈંગરૂમમાં જ બેસીએ.’

‘જરૂર... ચાલો...’

બંને ડ્રોઈંગરૂમમાં જઈને સામ-સામે બેસી ગયા.

‘તમે મિસ્ટર અજયને ત્યાં કેટલા વખતથી નોકરી કરો છો?’

‘છએક મહિનાથી! અજય સાહેબ પરદેશથી અપંગ થઈને આવ્યા ત્યારથી જ તેમની સાથે છું. હું નોકરીની શોધમાં જ હતી અને સાહેબને એક એવા માણસની જરૂર હતી કે જે રાત-દિવસ જોયા વગર તેમની સેવા કરી શકે! મેં તેમનું કામ સંભાળી લીધું. તેઓને મારા કામથી પૂરો સંતોષ છે. જોકે મારો દેખાવ લોકોને ગમે તેવો નથી પરંતુ સાહેબની વાત જુદી છે. તેમને મારા પ્રત્યે ખૂબ જ લાગણી છે. તેમને મને નોકરી ન આપી હોત તો અત્યારે હું ક્યાં હોત એ કહેવું તો શું, વિચારવું પણ મુશ્કેલ છે.’

‘તેમના પગ...?’

‘ઓહ...તેમની જિંદગીની એ જ સૌથી વધુ ભયંકર કરુણતા છે. પગની સારવાર માટે તેમણે ભારત તેમજ વિદેશના ઘણા ડોક્ટરોની મુલાકાતો લીધી હતી. પરંતુ કોઈ, કંઈ જ કરી શક્યું નહીં!’

‘તેઓ હાલી-ચાલી શકે છે?’

‘ના...’

‘ઓહ...’ દિલીપના મોંમાંથી ઊંડો શ્વાસ નીકળી ગયો, ‘ભવિષ્યમાં ક્યારેય તેમના પગ સાજા થશે ખરા?’

‘ના, એની કોઈ જ શક્યતા નથી.’ મનોરમા ઉદાસીભર્યા અવાજે બોલી.

‘ખરેખર આ ઘણી જ કરુણતા કહેવાય!’

‘હું સાહેબ માટે મારાથી બનતું બધું જ કરું છું અને હજુ પણ કરીશ. હું ક્યારેય તેમનો ઉપકાર, ભલમનસાઈ અને દયાવૃત્તિને નહીં ભૂલી શકું! આપ પોતે જ કહો કે જેણે મારા જેવી તિરસ્કૃત અને કદરૂપી સ્ત્રીને આશરો આપ્યો, એમનું હૃદય કેવું વિશાળ હશે?’

‘હું ક્યાં નથી ઓળખતો તમારા સાહેબને?’

‘જો તેમનો આધાર ન મળ્યો હોત તો હું આજે પણ વિશાલગઢની સડક કે ફૂટપાથ પર રઝળતી હોત! તેમણે તો મને નવી જિંદગી આપી છે. અફસોસ એટલો જ છે કે તેમની સારવાર માટે મારે જેટલું જોઈએ તેટલું નથી કરી શકતી!’

‘ઠીક છે...હવે હું જઉં છું. જરૂર પડે તો તમે મને થ્રી નોટ થ્રી પર ફોન કરજો.’

મનોરમાએ હકારમાં માથું હલાવ્યું.

દિલીપ બહાર નીકળ્યો.

બે મિનિટ પછી એનું મોટર સાયકલ સડક પર દોડતું હતું.

અત્યારે તે એકદમ ગંભીર થઈ ગયો હતો. તે અજય વિષે જ વિચારતો હતો. રહી રહીને એક વિચાર તેને ખૂબ જ મુંઝવતો હતો.

-જે અવાજ અજયને સંભળાય છે તે ખરેખર જ શશીકાંતના પ્રેતનો તો નથી ને?

પંદર દિવસ પછી તે પોતાના બંગલામાં દાખલ થયો.

અંદર પ્રવેશતાં જ તેને હકલો સમો મળ્યો.

‘અંકલ છે?’ એણે પૂછયું.

‘હા...’ હક્લાએ જવાબ આપ્યો.

‘ક્યાં છે?’

‘કસ્ટડીમાં...!’ હકલો થોથવાયો, ‘ભૂલ્યો...સ્ટડીરૂમમાં...!’

‘ઠીક છે...તું બે કપ કૉફી બનાવીને સ્ટડી રૂમમાં આપી જા.’ કહીને દિલીપ આગળ વધી ગયો.

એ જ્યારે સ્ટડીરૂમમાં દાખલ થયો ત્યારે નાગપાલ રિવોલ્વિંગ ચેર પર બેસી, બારી તરફ મોં રાખીને પાઈપ ફૂંકતો હતો. એની ગંભીર આંખો આકાશમાં ઉડતા કબૂતરોના એક ટોળા પર જડાયેલી હતી.

દિલીપ ચૂપચાપ એની સામે પડેલી ખાલી ખુરશી પર બેસી ગયો.

નાગપાલ તેની સામે જોયા વગર જ વિચારતો રહ્યો.

આમ ને આમ દસ મિનિટ પસાર થઈ ગઈ.

આ દરમિયાન હકલો આવીને કોફીની ટ્રે મૂકી ગયો હતો.

દિલીપે એક કપ ઉંચકીને નાગપાલની સામે ટેબલ પર મૂકી દીધો.

‘હું અજયને મળી આવ્યો છું.’ છેવટે એ બોલ્યો.

‘કંઈ નવીન જાણવાનું મળ્યું?’ નાગપાલે તેની સામે જોતાં પૂછયું.

‘પહેલાં તો મને લાગ્યું કે ગુનેગાર જીવતો છે. પણ ખરેખર એવું નથી. હવે આપણે ગુનેગારને પકડવાની પદ્ધતિ બદલવી પડશે.’ દિલીપે જવાબ આપ્યો.

‘કેમ...? શું થયું...?’

‘એ જ ભૂત-પ્રેતનું ચક્કર...?’

‘ક્યાં...?’

‘અજયને ત્યાં...!’

‘એમ...?’

‘હા...’

‘પુત્તર...તારી ગોળ ગોળ જવાતો મને નથી સમજાતી...! કંઈક ખુલાસાથી કહે! નાગપાલે કૉફીનો કપ ઉંચકીને એક ઘૂંટડો ભરતાં કહ્યું.

દિલીપે તેને અજયને ત્યાં બનેલા બનાવની વિગતો કહી સંભળાવી.

‘તું આવ્યો ત્યારે અજય ભાનમાં આવી ગયો હતો?’

‘ના...’ દિલીપે નકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘તેં કોઈ ડોક્ટરને ન બોલાવ્યો?’

‘અજયની નોકરડી મનોરમાએ ડોક્ટરને ફોન કરી દીધો હતો.’

;’આ તેં બરાબર નથી કર્યું દિલીપ!’ નાગપાલના અવાજમાં ઠપકાનો સૂર હતો, ‘ડોક્ટર આવે ત્યાં સુધી તારે ત્યાં રોકાવું જોઈતું હતું.’

દિલીપ ચૂપ રહ્યો.

‘તું સાવ બુધ્ધુ છો...તારું આ ગધેડાપણું કોણ જાણે ક્યારે જશે?’ કહીને નાગપાલે પોતાની કોટ ઉતારીને હેંગર પર લટકાવી દીધો.

‘અંકલ...તમે છેવટે કહેવા શું માંગો છો? હું અહીં ચાલ્યો આવ્યો એમાં મેં શું ખોટું કર્યું છે?’

‘આ તારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે દિલીપ! પણ તારી આ ભૂલ હું તને હમણાં નહીં જણાવું.’ નાગપાલે સ્મિત ફરકાવતાં કહ્યું.

અત્યારે નહીં કહો તો ક્યારે કહેશો?’

‘જ્યારે તારા દિમાગમાંથી શશીકાંતનું હૂત નીકળી જશે ત્યારે!’ નાગપાલ અર્થસૂચક અવાજે બોલ્યો.

‘ઘડીભર માટે માંની લો કે એ નીકળી ગયું છે. પણ પછી દિલીપે માથું ખંજવાળતાં પૂછયું.

‘વખત આવ્યે સમજાઈ જશે.’ કહીને નાગપાલ બહાર જવાની તૈયારી કરવા લાગ્યો.

‘પણ તમે ક્યાં જાઓ છો?’

‘શશીકાંત, બિહારી કે સંતોષકુમાર પાસે નથી જતો...!’ કહીને નાગપાલ બહાર નીકળી ગયો.

થોડી પળો બાદ એની કાર સ્ટાર્ટ થવાનો અવાજ આવ્યો. દિલીપે બારીમાંથી જોયું તો ‘કેડીલેક’ કમ્પાઉન્ડમાંથી બહાર નીકળતી તેને દેખાઈ.

એ ચીડાઈને સ્ટડીરૂમમાંથી બહાર નીકળીને પોતાની રૂમમાં ચાલ્યો ગયો.

અડધો-એક કલાક પછી સહસા હકલો તેની રૂમમાં દાખલ થયો.

‘સ...સા...સાહેબ, તમારા પર કોઈકનો ફોન આવ્યો છે.’

‘મારા પર...કોણ છે એ લોકો...?’

‘કોઈક અજય સાહેબ છે....!’

‘ઓહ...’ દિલીપ ઝપાટાબંધ પગથિયાં ઉતરીને ડ્રોઈંગરૂમમાં આવ્યો. પછી એણે ટેબલ પરથી રિસીવર ઉંચકીને કાને મૂકતાં કહ્યું, ‘હલ્લો...હું દિલીપ બોલું છું.’

‘હું અજય બોલું છું.’ સામે છેડેથી અજયનો ગભરાટભર્યો અવાજ તેના કાને અથડાયો.

‘મિસ્ટર અજય...! તમને શું શું થયું છે? તમારો અવાજ આટલો ગભરાયેલો કેમ છે!’

‘હું ખૂબ જ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છું દિલીપ સાહેબ! નાગપાલ સાહેબ છે?’

‘ના...તેઓ તો કોઈક કામસર બહાર ગયા છે.’

‘બહારગામ...?’

‘ના...છે તો વિશાળગઢમાં જ! પરંતુ તમારે શું કામ છે એ તો કહો.’

‘દિલીપ સાહેબ, હવે મારો વારો આવી ગયો છે.’

‘એટલે...? શેનો વારો...? કેવો વારો...?’ દિલીપે ચમકીને પૂછ્યું.

‘બિહારી અને સંતોષ તો ગયા...હવે મારા જવાનો વખત આવી ગયો છે.’

‘તમે નાહક જ ગભરાઓ છો મિસ્ટર અજય!’

‘ના...હવે મારું આવી બન્યું છે...! બીહતી અને સંતોષની માફક શશીકાંતનું ભૂત આજે રાત્રે મને પણ મારી નાંખશે.’

‘આજે રાત્રે...?’

‘હા...’

‘આવું તમે શા માટે માની લીધું?’

‘શશીકાંતે પોતે જ હમણાં મને ફોન પર આવું કહ્યું છે.’

‘ફોન પર...? તમારું દિમાગ ઠેકાણે તો છે ને મિસ્ટર અજય?’ દિલીપે આશ્ચર્યથી પૂછયું.

‘કદાચ મારું દિમાગ ઠેકાણે ન હોત અને હું પાગલ જ હોત તો સારું થાત! એ સંજોગોમાં મને મોતનો ભય તો ન લાગત! અને તેની પીડા પણ કદાચ ભૂલાઈ જાત!’ સામેથી આવતાં અજયના નંખાઈ ગયેલા અવાજમાં નિરાશાનો સૂર હતો.

‘એ ફોન ક્યાંથી કરવામાં આવ્યો હતો, એની તમે તપાસ કરી હતી?’

‘કોઈક પબ્લિક બૂથમાંથી....’

‘મિસ્ટર અજય, કોઈકે જાણી જોઈને જ તમને ગભરાવી મૂકવા માટે ફોન કર્યો લાગે છે.’

‘ના, દિલીપ સાહેબ! એ અવાજ બિલકુલ શશીકાંત જેવો જ હતો.’ અજયના અવાજમાં મક્કમતા હતી.

‘ફોન પર એણે તમને શું કહ્યું હતું?’

‘એ જ કે મને આજે રાત્રે બિહારી અને સંતોષની માફક જિંદગીના બોજામાંથી મુક્તિ મળી જશે જેથી હું મૃત્યુની દીવાલ પાર કરીને મારા ત્રણેય ભાગીદારો અને મિત્રોને મળી શકું! આનો અર્થ એ થયો કે આજે રાત્રે જરૂર મોત પોતાનો ક્રૂર પંજો મારા તરફ લંબાવશે જ!’ એના અવાજમાં મોતનું ભયંકર સંગીત રેલાતું હતું.

‘તમે આ બાબતની સૂચના નજીકના પોલિસ સ્ટેશનમાં આપી દીધી છે?’

‘ના...મને મારી આજુબાજુ મોતનાં ભયાનક ઓળાઓ ઘુમતા દેખાય છે. જો નાગપાલ સાહેબ મને નહીં બચાવી લે તો હજારો સિપાહીઓ પણ નહીં બચાવી શકે એ હું જાણું છું.’

‘તમે હિંમત અને ધીરજ રાખો મિસ્ટર અજય!’ દિલીપ તેને આશ્વાસન આપતાં બોલ્યો, ‘નાગપાલ સાહેબ આવે એટલે હું તરત જ તેમણે તમારી પાસે મોકલું છું. તમારો વાળ પણ વાંકો નહીં થાય!’

‘આપ તેમને તરત જ મોક્લ્શોને?’

‘હા...તમે કશી યે ફિકર કરશો નહીં.’ કહીને દિલીપે રિસીવર મૂકી દીધું.

પછી એણે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયો.

રાતના આઠ વાગ્યા હતા.

થોડી વાર સુધી વિચાર કર્યા બાદ એણે નાગપાલનો સંપર્ક સાધવા માટે રિસીવર ઉંચકીને કેટલી યે જગ્યાએ ફોન કર્યા. પણ નાગપાલ ક્યાંય નહોતો. દરેક સ્થળેથી તેને નકારાત્મક જવાબ જ મળ્યો.

ધૂંધવાઈને એણે રિસીવર મૂકી દીધું. પછી લમણે હાથ દઈને બેસી ગયો.

નાગપાલ ક્યાં ગયો હશે એ તેને કંઈ નહોતું સમજાતું.

રાત સમ્ સમ્ કરતી પસાર થતી હતી.

ઘડિયાળનો કાંટો દસ પર પહોંચ્યો ત્યારે કંટાળીને તે ઊભો થયો.

એણે હકલાને બોલાવીને નાગપાલ આવે ત્યારે તરત જ અજયના બંગલે મોકલવાની સૂચના આપી દીધી.

ત્યાર બાદ એણે કોટના ગજવામાં પડેલી રિવોલ્વર ચેક કરી.

પછી પોતાના મોટર સાયકલ પર બેસીને તે રવાના થઈ ગયો.

બે મિનિટ પછી તેનું મોટર સાયકલ, હવા સાથે વાતો કરતુ અજયના બંગલા તરફ દોડતું હતું.

***