Laganni Shart in Gujarati Classic Stories by ashish raval books and stories PDF | લગનની શર્ત

Featured Books
Categories
Share

લગનની શર્ત

લગનની શર્ત

પ્રકરણ 1

શર્તની શરુઆત

“ એ તને મળવા માંગે છે !” કોફીના વધુ ઉંડા ઘુંટ પીતા અવનીએ કહ્યુ.

મારુ દિલ એક ધબકારો ચુકી ગયુ, છતાં બનાવટી ચહેરો બનાવીને મેં પુછયું. “ કોણ ! કોણ મળવા માગે છે મને ? “

“ ઓફકોર્સ, પાપા ! નયન “

“ અવની આ જરા વહેલુ નથી લાગતુ. ”

“ નયન, ત્રણ વર્ષ અને આઠ મહિના થયા પુરા. બસોએક વખત તો આ શંભુ ના કોફી બાર ની કોફી પીધી છે. તારા મોબાઇલ ના લોક સ્ક્રીન પર મારો ફોટો છે, મારા નામનુ ટેટુ તારી પીઠ પર છે. અને એ બધુ બાદ કરતા તારી આંખમાં દેખાય છે કે તુ મને બેહદ ચાહે છે. અને તને હજી પણ આ વહેલુ લાગે છે. “

“ તુ મને કહી દે તુ જુની ફિલ્મોનો પ્રેમ ચોપરા છે. બસ ઉપયોગ કરી લીધો એટલે વાત પુરી. ” સુંદર ગુલાબી ચહેરા પર બને એટલો ગુસ્સો ઠાલવીને અવની બોલી.

“કાશ ! હું પ્રેમ ચોપરા રહ્યો હોત ! પણ હું છુ તારો ઇડીયટ નયન. એટલે જ કહુ છુ કે થોડી ધીરજ રાખ. “

“ મને ખબર છે, તુ પપ્પાથી બીએ છે. પણ કયારેક તો તારે તેમનો સામનો કરવો પડશે “ અવનીએ તેનો નાજુક હાથ મારા હાથ પર મુકતા કહ્યુ.

તે હાથ વધુ મજબુતીથી મારા હાથમાં લઇ હું બોલ્યો.

”અવની બે વર્ષ પહેલાની વાત જરા જુદી હતી. બે વર્ષ પહેલા, તુ જે કંપનીમાં કામ કરે છે ત્યાંનો હું મૅનેજર હતો. ઓલ્મોસ્ટ તારા કરતા ટ્રીપલ મારી સેલરી હતી. અને અત્યારે તુ જાણે છે ! મારો આ સ્ટાર્ટઅપ નો બિઝનેસ !. હું જ નથી નકકી કરી શકતો મારે શુ કરવુ છે ? એટલે સુધી કે આ કોફીના પૈસા પણ મારી અવનીએ ચુકવવા પડશે “

“ સો વોટ ! નયન “

“ સો વોટ ! મેજર સુર્યદીપસિંહ ! લશ્કરમાં બહાદુરી માટે જેમને અનેક અર્વોડ મળી ચુકયા છે. સમય અને શિસ્તમાં તો આપણા વડાપ્રધાન કરતાંય વધુ આગ્રહી છે. તેમની એકની એક પુત્રી નો હાથ માંગવા હું આમ જ જતો રહીશ, અને કહીશ.

“ હલો અંકલ ! બંદાને તમારી દીકરી સાથે પ્રેમ થઇ ગયો છે. હાલમાં હું તેને કશુ ખવડાવી શકુ એમ છું નહી. પણ હા તેના પગારમાં અમારા બંનેનુ ઘર ચાલી જશે. ”

“ ફરી એની એ જ વાત ! નયન હું પપ્પાને જાણુ છું. તુ જેવો છે એવો જ રજુ થઇશને એમાં જ એમને તારી બહાદુરી લાગશે, અને આ લડાઇ તુ !“ થોડુક અટકીને તે બોલી.

“ આપણે જીતી જઇશુ “

“ એટલે આ લગન પણ લડાઇ છે. એકવાર તારા ઘરે આવ્યો હતો અને મારા બુટની લેઝ ખુલી હતી. ત્યારે શુ બોલ્યા હતા ખબર છે. જો લશ્કરમાં કોઇ >>> મારી આગળ આ રીતે આવ્યો હોત તો ભરેલી બંદુક સાથે ઓછામાં ઓછા મેદાન ના વીસ રાઉન્ડ તેની પાસે લગાવત. “

“ હા, ઘરે જયારે પણ તારી વાત નીકળે ત્યારે કાયમ એવુ કહે છે, પેલી બુટની લેઝ ખુલી હતી એ જ છોકરો. ” અવની ખડખડાટ હસવા જ જતી હતી, પણ મારા મોંઢાના હાવભાવે તેને રોકી રાખી.

“ એટલે જ કહું છું ધીરજ રાખ “ અવની ની આંખોમાં આંખ પરોવી હું બોલ્યો.

“ તુ અવની ને પ્રેમ કરતો હોય તો આ અઠવાડિયાંમાં તારે પપ્પાને મળવાનુ છે, નહીંતર ! મને ભુલી જજે આ તારી ગર્લફ્રેન્ડ અવની નહીં, મેજર સુર્યદીપસિંહ ની છોકરી કહી રહી છે. ”

“ અવની, શુ મજાક છે ! “

પણ વધુ કશુ સાંભળવાની જ્ગ્યાએ તેણે ટેબલ પરથી ચાલતી પકડી. સાચુ કહુ ! તેનો તીખો સ્વભાવ પણ મને ગમે છે. જયારે તે ઘડીકવાર માટે મેજર સુર્યદીપસિંહ ની પુત્રી બની જાય છે. હવે મારે , રણમેદાનમાં ઝંપલાવ્યા સિવાય છુટકો નહોતો.

માર્કેટીંગ ના ચાર વર્ષ ના અભ્યાસક્રમ માં અમને શીખવવામાં આવતુ કે કોઇપણ પ્રોડકટ વેચતા પહેલા તેની સ્ટ્રેટ્રેજી બનાવવી ખુબ જરૂરી છે. એ જ સ્ટ્રેટ્રેજી હું મારા સ્ટાટ –અપ ના બિઝનેસમાં પણ અપનાવી રહયો છું, હા હજી સફળ થયો નથી એ વાત અલગ છે. તેવી જ એક સ્ટ્રેટ્રેજી મેં અવનીના પપ્પા, મારા ભાવી સસરા ને મળવા તૈયાર કરી. મારા બંને બિઝનેસ પાર્ટનર પાસેથી મેં અઠવાડિયાનો બ્રેક માગ્યો. અલબત તે મહાપરાણે તૈયાર થયા ખરા !ક્લાકો સુધી મેજર સુર્યદીપસિંહ નો નાનો ફોટો અરીસા આગળ રાખી મેં પ્રેકિટસ કરી, જેથી મારો સ્ટ્રેસ થોડો ઓછો થાય. આર્મી ની રીતભાત સમજવા મેં બે-ત્રણ ચોંપડીઓ પણ વાંચી. આખરે પુરી રીતે તૈયાર થઇ મેં અવનીને કહ્યુ.

‘ શેતાન જોડે ની ડેટસ ફિકસ કરી નાખ ‘

‘ તુ મારા પપ્પાને શેતાન કહે છે ? ‘ અવની ફોન પર ગુસ્સામાં બોલી.

’હા, પાડે તો સસરા નહિંતર મારા માટે તો શેતાન જ છે !‘મેં વળતો જવાબ આપ્યો.

આખરે રવિવાર નો દિવસ નક્કી કરવામાં આવ્યો. અવનીનુ માનવુ હતુ કે રવિવાર ની સવારે પપ્પાનો મુડ વધુ સારો હોય છે. રવિવાર ની સવારે બરાબર નવ વાગે હું અવનીના ઘરે પહોંચ્યો. મેજર સુર્યદીપસિંહ નુ ઘર બિલકુલ આર્મી સ્ટાઇલ ની ચાડી ખાતુ હતુ. અરે ! ઘરના દરવાજા ની બંને બાજુ તોપો કોતરેલી હતી.

‘ આ અવનીનો બાપ, એનુ ચાલે તો મારા પર બરાબર તોપના ગોળા જ વીઝેં ‘ મારા જ વિચાર પર મનોમન હસતા હું ઘરમાં પ્રવેશ્યો. અલબત, તે પહેલા મેં મારા શુઝની લેસ બે એક વાર ચકાસી લીધી હતી.

મને બેઠક ખંડ માં બેસાડવામાં આવ્યો. મારી બરાબર સામેની ચેર પર મેજર સુર્યદિપસિંહ બેઠા. એમની આજની પર્સનાલીટી મારી ઘારણા મુજબની જ હતી. એકદમ ઇસ્ત્રી ટાઇટ કપડા, ક્લીન શેવડ ચહેરો, થોડો શ્ર્વાસ વધુ લેવાઇ ગયો હોય તેવી ફુલેલી છાતી, વારે ઘડીએ મુંછો મસળવાની આદત, શિસ્ત ના પાઠ નવા રિક્રુટ ને ભણાવવા તત્પર રહેતી આંખો. એ આંખો મને સતત ચકાસી રહી હતી. અવનીએ ઇશારાથી બે-ત્રણ વાર મને મજબુત રહેવા “ બેસ્ટ ઓફ લક “ કર્યુ. એ વખતે હું વિચારતો હતો કાશ ! આ અવની કોઇ હલવાઇની છોકરી હોત.

‘ તમે બંને જણા બાજુના રૂમમાં જશો ‘ મારે યંગમેન જોડે એકલા વાત કરવી છે ‘ કડક અવાજ માં અપાયેલી સુચનાનુ તરત જ પાલન થયુ. હવે એ રૂમમાં અમે બંને એકલા જ હતા.

“ નયન દેવીપ્રસાદ શર્મા, એમ આઇ રાઇટ ? “

મારુ આખુ નામ સાંભળીને મને જ અચરજ થઇ રહ્યુ હતુ. છતાં હુ બોલ્યો. “ એકદમ રાઇટ સર “

‘તો, મિ. શર્મા એમ તો હું નાત-જાત માં માનતો નથી પણ થોડુ બેગ્રાઉન્ડ જાણવુ જરૂરી છે , નહિ ? ‘

‘ સ્યોર સર, કેમ નહિ ? ‘

’ તો મિ. શર્મા તમારા પિતા શુ કરતા હતા ? ‘

‘ સર, અમે મુળ રાજસ્થાન ના. પિતા ત્યાં ગામડામાં જ શિક્ષક હતા. થોડી ઘણી ખેતી પણ ત્યાં છે. ફાજલ સમયમાં તે ખેતીનુ પણ ધ્યાન રાખતા. ‘

‘ ધેટસ ગુડ ! મારુ માનવું છે કે દેશને મજબુત એક શિક્ષક, ખેડુત અને એક સૈનિક જ રાખી શકે ‘

સૈનિક શબ્દ ઉપર તેમણે ખાસ ભાર મુકયો પણ મારા માટે તો આ શરૂઆત પણ સારી હતી. એકદમ હરખાઇને હું બોલ્યો, -‘ ઓફકોર્સ સર ! મારા પિતા તો એમ કહેતા કે જે યુવાન નુ લોહી દેશના કામમાં ના આવે તે યુવાન શા કામનો ? ‘

‘ તો પછી, તમે આર્મીમાં કેમ નથી મિ. શર્મા ? ‘ બંદુકમાંથી ગોળી નીકળે તેમ એ શબ્દો બોલાયા. મારી જાળ માં હું જ ફસાયો.

‘સર ! અત્યારે હું જે બિઝનેસ ઉભો કરવા જઇ રહ્યો છુ. એ એક પ્રકાર ની દેશ સેવા જ છે. ‘ મેં બાજી સંભાળતા કહ્યુ.

‘ અને ! શુ છે એ બિઝનેસ ‘

‘ સર આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા ના જે ઉધોગોમાં ભયંકર કેમિકલયુકત કચરો પેદા થાય છે તેને કયાં તો જમીન પર કે પાણીમાં વહેવડાવી દેવામાં આવે છે. અમારી આ ટેકનોલોજી વડે આ કચરાને બને એટલો પ્રોસેસ કરી લગભગ 80% જેટલુ પ્રદુષણ ઓછુ કરી શકાશે. એક મિનિટ ! મારા મોબાઇલમાં આખી ક્લીપ અમે આ કંઇ રીતે કરીશુ તે સેવ છે. તમને જોવી ગમશે ! ‘ હું મારો મોબાઇલ કાઢી ભાવી સસરાને ઇમ્પ્રેસ કરવા જ જ્તો હતો. ત્યાં તે બોલ્યા.

‘નો ! નો ! યંગમેન એની કોઇ જરૂર નથી, પણ અવની કહેતી હતી કે આ પ્રોડકટ માટે હજી ઇન્ડિયન ગર્વમેન્ટ ના અપ્રુવલ મળ્યા નથી. ’

‘ સર, તમે તો જાણો છો આ બધી ચીજો માટે આપણા દેશમાં સમય લાગે છે પણ અમને ખાતરી છે કે આના અપ્રુવલ ઝડપથી મળી જશે. ‘

‘ આઇ હોપ સો ! પણ ત્યાં સુધી ઘર-ખર્ચ ચલાવવા શુ કરશો ? ‘

આ મુશ્કેલ સવાલ પુછાવાનો જ છે જ એમ હું જાણતો હતો. હું આત્મવિશ્ર્વાસ થી બોલ્યો.

‘પપ્પાનુ અડધુ પેંશન હજી મમ્મીને મળે છે. હું જયારે અવનીની કંપનીમાં મેનેજર હતો ત્યારે સારી એવી બચત પણ કરેલી છે. અને બે-ત્રણ ક્લાક હું ટયુશન કલાસીસ માં પણ જઇ આવુ છુ. ’

‘ મતલબ કે મારી પરમીશન થી તમારા લગ્ન થાય તો તમારે બે સ્ત્રીઓ પર આધાર રાખવો પડે ‘

‘ હા, સર ! એવુ જ પણ એમ જોઇએ તો ઇન્ફોસીસ ઉભી કરનાર નારાયણ મુર્તિ પણ ઘણા વર્ષો સુધી સુધા મુર્તિ પર આધાર રાખતા હતા ‘ મેં બને એટલી હિંમત કરીને જવાબ આપ્યો.

મારા જવાબથી તે મનોમન હસ્યા. જાણે તે કહી રહ્યા હોય હું બધી જ તૈયારી સાથે આવ્યો છુ. પછીનો અડધો કલાક અમારે ઘણી વાતો થઇ. મારી મા વિશે. અમારા કુંટુબ વિશે. રાજકારણ અને ક્રિકેટ જેવા વિષયો ઉપર પણ. ઘણીવાર મને લાગતુ હતુ કે હું તેમને ઇમ્પ્રેસ કરવામાં સફળ રહયો છુ, તો બીજી જ મિનિટે મને લાગતુ “ અભી દિલ્લી દુર હૈ “. અવની એ મને તેના બાપ વિશે પુરતો માહિતગાર કર્યો હતો. તેમને આર્મીના સમયગાળા દરમિયાન નુ પોતાનુ કલેકશન ખુબ ગમે છે. દરેક મૅજર ની જેમ તેમને પોતાની પ્રશંસા પણ ખુબ ગમે છે. મે માસ્ટરસ્ટ્રોક મારતા કહ્યુ. ‘ સર, અવની તમારા પર્સનલ કલેકશનના ખુબ વખાણ કરે છે. શુ આપણે તે જોવા જઇ શકીએ ? ‘‘ ઓફકોર્સ ! કેમ નહી ? ‘ તે ઉત્સાહમાં બોલ્યા. પછી અમે બંને જણા એક મોટા રૂમમાં દાખલ થયા. આખા રૂમમાં ઠેકઠેકાણે બ્લેક એન્ડ વ્હાઇટ છબીઓ લટકતી હતી. અડધો રૂમ શાળા સમય થી લશ્કર સુધી મેળવેલા ઍવોડથી ભરાયેલો હતો. તે પોતાનુ વિશાળ કલેકશન મને બતાવી રહ્યા હતા અને હું “ વાઉ ! વન્ડરફુલ !” બોલી બને એટલો કૃત્રિમરસ બતાવતો હતો. દિવાલ પર ટાંગેલા એક ફોટામાં ચેસ ની મોટી ગેમ ગોઠવેલી હતી, એકબાજુ મૅજર સુર્યદીપસિંહ અને બીજા કોઇ સાથી અધિકારી બેઠેલા દેખાતા હતા. મેં ઉત્સુકતાથી પુછયું

“ સર , આ તસવીર ! “થોડીક વાર તે અટ્કયા . વિજયી હાસ્ય કરીને તે બોલ્યા ‘’ મારી આખી રેજિમેંટ માં હું ચેસ ચેમ્પિયન બન્યો હતો તે વખતની છે. મેં કર્નલ રાણાને હરાવ્યા હતા. ’

‘ વેરીગુડ સર ‘ હું બોલ્યો. ‘ યન્ગ્મેન તને ચેસ માં રસ છે ‘

‘ નો સર ! મને તો આ ઘોડા- ગધેડાઓ પાછળ સમય વેડફવો બકવાસ લાગે છે. લોકો કઇ રીતે આટલા કલાકો એક ટેબલ સામે ગોઠવાઇ રહે છે એજ મને સમજાતુ નથી. ’

આ મારી ભુલ હતી. તમે નહિ માનો જીદગીંની સૌથી મોટી ભુલ. માંડ હળવા થયેલા ચહેરા પર ફરી પાછી કરડાકી દેખાઇ. અર્જુન ના બાણ ની જેમ શબ્દો નીકળ્યા. ‘ શતરંજ માં ફકત ઘોડા હોય છે, ગઘેડાઓ નહી ! ગઘેડાઓ તો સાચી જિંદગીમાં જ ભટકાતા હોય છે. ’

કાન આગળ કોઇએ તમાચો માર્યો હોય એવુ દર્દ એ શબ્દોએ આપ્યુ. મહામહેનતે બનાવેલો પતાનો મહેલ તુટતો હોય તેવુ લાગ્યુ. તે પુરા આર્મી ના કેમ્પ માં પહોચી ચુકયા હતા. આર્મી માં નવો દાખલ થયેલો કોઇ ભુલ કરે તો તેને શુ સજા આપવી તેવા હાવભાવ તેમના ચહેરા પર છવાયેલા હતા.

પછી અમે સાથે લંચ ના ટેબલ પર ગોઠવાયા. લંચ ટેબલ પર મેં શકય તેટલી તમામ શિસ્ત મેં દાખવી. અવની ભયંકર મુંઝવણ માં હતી. વારેઘડીએ મને ઇશારા કરીને “ શુ થયુ પપ્પાને ? “ તે જાણવા પ્રયત્ન કરતી. અવનીની મમ્મી ટેનિસ ના ગેમ ના પ્રેક્ષકો ની જેમ કંઇ બોલ્યા વગર ફકત નજર જ અમારા તરફ ફેરવતી. આખરે મેજર સુર્યદિપસિંહે ઉંડો શ્ર્વાસ ભર્યો અને બોલ્યા. ‘ મેં ફેંસલો કરી લીધો છે. ! ‘

દરેક ના હાથના કાંટા ચમચી સ્થિર થઇ ગયા. હવે પછીના શબ્દો પર અમારુ ભાવિ આધારીત હતુ. અવની સામે જોઇ તે બોલ્યા. ‘ નયન દેવીપ્રસાદ શર્મા ! તારી પસંદ અવની ! એક પણ રીતે તારી લાયક નથી . નોકરી છોડીને તેઓ જે પ્રોડકટ પાછળ મજુરી કરી રહ્યા છે તેના અપ્રુવલ થી માંડીને ઇન્વેસ્ટર્સ નુ કોઇ ઠેકાણુ નથી. લગ્ન પછી એ તારી જવાબદારી ઉઠાવશે કે તુ એની એ જ પ્રશ્ન છે. ’

‘ પાપા ! એવુ નથી “ અવની વચ્ચે બોલવા ગઇ પણ એક લશ્કરી હાથ ઉંચો થયો અને અવનીના શબ્દો ગળામાં જ રહી ગયા.

‘ આ એક કારણ જવા દઇએ તો પણ તેનામાં શિસ્ત અને સંયમ નો અભાવ છે. તે ગમે તેટલો સાલસ બનવાનો પ્રયત્ન કરે તો પણ મારા જેવા આર્મીમેન ની નજર માંથી કશુ છટકી શકે તેમ નથી. છતાંય હું તેને એક તક આપવા માંગુ છું ‘

“ તક “ અમારા ત્રણેય ના મગજમાં અલગ-અલગ વિચાર ઉપસી આવ્યા. મારો અને અવનીનો વિચાર કોમન હતો. ‘ પપ્પા, ચોકકસ નયન ને આર્મી જોઇંટ કરવાનુ કહેશે ‘ અમે બધા ખોટા પડયા. ‘ નયન (મને તુ કહી સંબોધવામાં આવ્યો), એની જાતને સાબિત કરવા માંગતો હોય તો મારી એક નાની શર્ત છે. નયન ને ચેસ ની રમત ઘોડા અને ગઘેડા ની લાગે છે(ગઘેડા શબ્દ પર ભાર ) તે રમત માં તેણે મારી સામે જીતવુ પડશે. ’ ‘ પપ્પા ! ચેસની રમત મારા માટે ! નયન ને તો ચેસ સાથે નાહવા-નિચોવાનો સંબંધ નથી. ’

‘ તો સંબંધ કેળવે ! મારા તરફથી આ સહેલામાં સહેલી શર્ત છે. હું ત્રણ મહિનાનો સમય આપુ છુ. જોઇએ તો ખરા ! તને મેળવવા એ શુ ભોગ આપી શકે એમ છે. ‘

અમારા ત્રણેય ના અધખુલ્લા મોં પર નજર રાખીને તે મૅજર ની અદાથી ઉભા થયા. ‘ ત્રણ મહિના પછી મળીશુ , નયન દેવીપ્રસાદ શર્મા ! ‘ મારી સાથે હસ્તધુન કરી તે ચાલતા થયા.

***

પ્રકરણ 2

શર્ત ની તાલીમ

આ ઘટના ના બરાબર બે દિવસ પછી હું અને અવની મારા રૂમમાં હતા.

‘ તારા બાપા ને આ ચેસ સિવાય બીજુ કંઇ મગજ માં ના આવ્યુ ! ’

‘ એય ! બાપા ના બોલીશ. બહુ ચીપ લાગે છે. અને એમ પણ મિ. શર્મા તમે બીજી કંઇ ચીજમાં એમને હરાવી શકો એમ છો. ’

‘ અરે ! લશ્કરના મૅજર છે. જમાઇ જોડે શરત લગાડે, કોણ વ્હીસકી ના વધારે પૅગ લગાવી શકે એમ છે ?’ મેં પાણીના ઘુંટ વ્હીસકીની જેમ પીતા કહ્યુ.

‘ ઇડીઅટ ! હું મારા બાપને જાણુ છું. તુ તેમાં પણ તેમને હરાવી ના શકે’

‘ જો તુ બાપ બોલી !’

‘હા, બોલી . પણ તને કોણે કીધુ હતુ આ ઘોડા- ગઘેડા વાળી કોમેન્ટ કરવાનુ ?’

‘મારાથી પણ બોલાઇ ગયુ, મને નહોતી ખબર કે મારા બોલવાના આવા પરિણામો આવશે’

‘તો શુ કરીશુ ?’ અવનીએ તેના બંને હાથ મારા ગળે ફરતે વીંટાળતા કહ્યુ.

એની આંખોની મસ્તી ને નિહાળતા હુ બોલ્યો. -‘ ભાગી જઇશુ ! કોર્ટ મેરેજ કરીને ? ’

‘ અને ભાગીને કયાં જઇશુ ?’

‘ રાજસ્થાન ના … ગામમાં હજી આપણુ ઘર છે’

‘ અને ત્યાં કામ શુ કરીશુ ?’

‘ આજ કામ જે અત્યારે કરીએ છીએ’ મારા હોઠ તેના હોઠ ની સમીપ લાવીને હું બોલ્યો.

થોડીક વાર તેના હોઠ સાથે એ જ મસ્તી ચાલતી રહી પણ અવનીએ મને અલગ કરી એ ગુલાબી આકાશમાંથી પાછો જમીન પર પટકી દીધો.

તે બોલી-‘મારે ભાગવુ નથી. પપ્પા ગમે તેમ પણ મને ખુબ પ્રેમ કરે છે. નાનપણથી જ મને છોકરી નહી પણ છોકરાની જેમ ઉછેરી છે. તેમને અને મમ્મીને દુ:ખ પહોચેં, આઇ ડૉન્ટ લાઇક !’

‘ તો પછી મને ભુલવાની તૈયારી છે તારી ?’

‘ ના, નયન ! તને કોઇ કાળે ભુલી શકુ એમ નથી. પણ તુ એક ચાન્સ તો લે ! તારે એક ગેમ જ રમવાની છે. કદાચ તુ જીતી પણ જાય !’

‘ વચ્ચે આ બહું મોટુ કદાચ આવે છે. મારે કોઇ એરાગેરા સાથે નહી, ઇન્ટર સ્કુલ , ઇન્ટર કોલેજ , આર્મી ચેમ્પિયન સામે ચેસમાં રમવાનુ છે’

‘ એટલે જ તુ આ ત્રણ મહિનામાં ચેસની પ્રેકટિસ કર નહિંતર કોર્ટ મેરેજ નો માર્ગ આપણા માટે ખુલ્લો જ છે’હું કદાચ વધુ દલીલ કરત પણ અવનીના હોઠે મારું મોં બંધ કરી લીધુ. એ બે ત્રણ પળ માટે મને લાગ્યુ. -‘ અવની ! તારા માટે આ જુગાર પણ ખેલી લઇશ. ’

‘ પણ મને શીખવાડશે કોણ?’ મેં અવનીને પુંછયું ?

‘ છે એક મારા ધ્યાનમાં’ અવનીના મોં પર લુચ્ચુ સ્માઇલ આવી ગયુ. ’એમ ! કોણ છે એ ખાસ વ્યકિત ?’

‘ સસ્પેનસ ! કાલે સાંજે હું તને મળવા લઇ જઇશ’ મને ધીરેથી આંખ મારી હાલ પુરતુ એ વાત પર તેણે પુર્ણવિરામ મુકી દીધુ.

બીજા દિવસે સાંજે મારા બાઇક પર અમે એ ખાસ વ્યકિત ને મળવા જઇ નીકળ્યા. મારી અધીરાઇ વધતી જતી હતી. પણ અવની પોતાની જ મસ્તીમાં મુસ્તાક હતી. આખરે તે મને એક ઘર પાસે લઇ આવી. બિલકુલ અવનીના ઘર જેવો જ તે ઘરનો ઝાંપો હતો.

‘ આ કોનુ ઘર છે ?’ મેં પુંછયુ.

‘ જુનિયર સુર્યદિપસિંહ’ તે આંખ મિચકારીને બોલી.

‘ તારે કોઇ ભાઇ છે ?’

‘ ના હવે ! . મારા કાકા !મેજર સુર્યદિપસિંહ ના નાના ભાઇ યશરાજસિંહ ના ઘરે છીએ’ .

‘ યશરાજસિંહ ! તારા કાકા ! એ મને ટ્રૈઇન કરશે ! બાય ધ વે ! આ તમારા ઘરમાં સિસ્ટમ છે એક નામની અંદર બે નામ રાખવાની. ’

‘ એટલે !’

‘ એટલે ! સુર્યદિપસિંહ માં સુર્ય અને દિપ, યશરાજસિંહમાં યશ અને રાજ’

‘ખાલી, એક નામનો પ્રભાવ ના પડે ને !’ મારી સામે સહેજ મોં બગાડીને તે બોલી. ‘તો પછી આ એક નામવાળા વ્યકિતની પાછળ કેમ છો ?’

‘ હું પણ એક ઇડિયટ ખરી ને ?’ તેની કૉમેંન્ટ પર અમે બંને હસી પડયા.

‘બાય ધ વે ! તારા કાકા અને પપ્પા ચેસ રમે તો એમાં મોટેભાગે કોણ જીતે છે ?’

‘ 30 % પર્સંન્ટ’ અવની ડોરબેલ દબાવતા બોલી.

’30 % પર્સંન્ટ ‘ મને સમજાયુ નહી.

‘ હા, 30% પર્સંન્ટ. કાકા અને પપ્પા દસ ગેમ રમે તો ત્રણેક ગેમ કાકા જીતે છે’

‘ એટલે ! મારા તારી સાથે લગ્ન ના ચાન્સ અત્યારેથી 30% પર્સંન્ટ છે’

‘ નયન ! સીરીયસલી તુ પણ ! હવે ચલ અંદર’

અમે બંને મોટા ડ્રોંઇગરૂમમાં પ્રવેશ્યા. અમને આવકારવા યશરાજસિંહ હાજર હતા. બિલકુલ એ જ ચહેરાનો ઘાટ. કર્નલ સુર્યદીપસિંહ જાણે દસ વર્ષ નાના હોય તેવુ લાગે ! પ્રવેશતાની સાથે જ હું જરા વધુ સતેજ થઇ ગયો, એ જાણે તે સમજી ગયા એટલે બોલ્યા.

‘ યન્ગમેન, રીલેકસ. અવનીના કાકા એટલા કડક નથી. ’ અમે ત્રણ હસ્યા. અવની તો એના કાકાને ભેટીને એવી ચીટ-ચેટ કરવા લાગી કે થોડીવાર તો એ બંને મારુ અસ્તિતવ જ ભુલી ગયા. એ વાતનો એહસાસ યશરાજસિંહ ને ઝડપથી આવી ગયો. તેમના કહેવાથી અવનીએ આખુ ઘર ગાઇડની જેમ મને બતાવ્યુ. હાશ ! આ આખા ઘરમાં પેલી દિવાલોની જેમ તસવીરો અને ઍવોડસ નહોતા લટકતા. અવનીના કાકી તેમના પુત્ર હર્ષરાજસિંહ સાથે થોડો સમય બેંગ્લોર રોકાવા ગયા હતા. આખુ ઘર જોઇ ફરી અમે ડ્રોંઇગરૂમમાં પ્રવેશ્યા. વાતની શરૂઆત યશરાજસિંહે કરી.

‘ અવનીએ તારા માટે ઘણા સમય પહેલા વાત કરી હતી. એ વખતથી મને લાગતુ હતુ કે મોટાભાઇને મનાવવા અઘરા પડશે. પણ આવી વિચિત્ર શર્ત એ રાખશે એ તો મારી પણ કલ્પના ની બહાર હતુ. ’

‘તમે એમને સમજાવી શકો, લગ્ન માટે ! આઇ મીન , અવની કોઇ ચીજ નથી કે એના માટે શર્ત ! તમે સમજી શકો છો . ’ મેં બાકીનુ વાકય અધુરુ મુકયુ.

તેઓ મારી સામે ખડખડાટ હસવા લાગ્યા. મને ફરીથી કંઇ કાચુ બફાયુ હૌય એવુ લાગ્યુ.

‘ નયન , તુ એ કેમ ભુલે છે ? તુ મેજર સુર્યદિપસિંહ ના કાળજાના રત્ન સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. વિશ્ર્વાસ કર મારો એ ભાઇ આર્મીમેન સિવાય કોઇ જોડે મળવા રાજી થયો એ પણ આશ્ર્ચર્યજનક છે. ’

‘ તો શુ રસ્તો છે ?’ હું એમની આંખમાં આંખ પુરાવીને બોલ્યો.

‘ તો બે જ રસ્તા છે, કયાં તારે અવની સાથે ભાગી જવુ ! કયાં એમને ચેસમાં હરાવવા. ’

‘ હં !’ નિશ્ર્વાસ લેતા તે આગળ બોલ્યા.

‘ પહેલો રસ્તો તમને યોગ્ય નથી લાગ્યો એટલે જ મારી સામે બેઠા છો’ મેં અને અવનીએ હકારમાં ડોકુ હલાવ્યુ.

‘ તો નયન ! તુ ચેસ વિશે શુ જાણે છે ?’

‘ ચેસ !’ એટલુ કહી થોડીક સેંકંડો હુ વિચારતો રહ્યો.

‘ ચેસ, લડાઇ છે મારા માટે’

‘ ગુડ ! શરૂઆત સારી છે. તારે નવા સ્ટાર્ટઅપ બિઝનેસ ની જવાબદારી પણ છે. એટલે આપણે રોજ અહીં સાંજે સાત વાગે મળીશુ. બરાબર સાત વાગે’ મેજર સુર્યદિપસિંહની જેમ મુંછ મરડતા તે બોલ્યા.

‘બરાબર એ જ વખતે દિવાલ પર લાગેલી કલોક માં સાતના ડંકા વાગ્યા. મેં અને અવનીએ એક્બીજાની સામે પશ્રસુચક રીતે જોયુ. આ સાતના ડંકાને શુભ નસીબ ગણવુ કે પછી ? ‘

બીજા દિવસે બરાબર ૬:૫૫ વાગે હું યશરાજસિંહ ના ઘરે પહોંચી ગયો હતો. યશરાજસિંહ કાલ કરતા એકદમ અલગ મુડમાં આજે દેખાયા. તેમણે નેવી બ્લ્યુ રંગનુ જીન્સ પેન્ટ અને ક્રીમ કલરની હાફ બાયની ટી-શર્ટ પહેરી હતી. મારા માટે ટેબલ પર ચા-નાસ્તાની વ્યવ્સ્થા પણ હતી.

‘ તો અંકલ શરૂ કરીશુ’ હું ખુરશી પર બેસતા બોલ્યો.

‘ અરે ! શુ ઉતાવળ છે ! એમ પણ ચેસ ધીરજ ની રમત છે. ઓફિસેથી સીધો ઘરે આવ્યો છે. પહેલા ચા-નાસ્તો કર. ’

સાચે જ હું ખુબ થાકેલો અને ભુખ્યો હતો. બધી જ સૅન્ડવીચ અને ચા મેં ઝડપથી પતાવ્યા. બાદમાં એમણે એક મોટુ પુંઠાનુ ચેસ –બોર્ડ કાઢયુ. એ જોઇને મને ફરી એ જ વિચાર આવ્યો.

‘ નયન , આ બધી લપમાં કયાં પડે છે ! અવની ને સમજાઇને કૉર્ટ મેરેજ કરી નાખ. એટલે વાત પતે. ’ ખબર નહીં કયા દોરી-સંચાર થી હું ચેસ ની સામે હતો.

મારી સામે તે ચેસ-બોર્ડ ગોઠવાયુ. “ ૮* ૮” ના ચોસઠ ખાના ધરાવયુ એ મેજીક બોક્ષ મારી સામે હતુ જે મારુ અને અવનીનુ ભાવી નકકી કરનાર હતુ. પહેલો દિવસ તો એ ચેસ-બોર્ડ ના પ્યાદા કેવી રીતે ગોઠવવા અને દરેક પ્યાદાની અલગ-અલગ ચાલ શુ છે, તે સમજાવવામાં જ ગયો.

‘ આ ઘોડો છે જે અઢી સ્ટેપ ચાલે છે. ઉંટ છે જે ત્રાંસુ ચાલે છે. બ્લેક ખાના વાળો ઉંટ બ્લેક માં જ ચાલી શકે છે અને વ્હાઇટ વાળુ ફકત વ્હાઇટમાં. મને સખત બગાસા આવતા હતા. જેના પર મહાપરાણે કન્ટ્રોલ રાખીને હું સાંભળી રહ્યો હતો. બરાબર એક કલાક ના સેશન પછી હું હાથીની ચાલ સમજી શકયો. મારો કંટાળો જોઇને પહેલા દિવસનુ સેશન તેમણે જલ્દી પુરુ કર્યુ. આખા રસ્તે બાઇક પર બેઠા બેઠા હું આ ચેસના શોધક ને ગાળો આપતો રહ્યો. બીજા દિવસે સવારે વહેલા છ વાગ્યાથી મારી દેનિક ક્રિયા ઝડપથી શરૂ થઇ. અવની જોડે લગ્ન કરવા ઉંપરાત મારે મારા બિઝનેસ ની જવાબદારી પણ હતી. આખો દિવસ હું સતત ભાગતો રહેતો. વચ્ચે વચ્ચે બ્રેક માં કાયમ એ વિચાર આવતો, આજે તો હું ચેસ શીખવા નહિં જ જઉં. આજે એક દિવસ તો બ્રેક લઇ લઇશ. પણ આ બધા અવરોધો છતા હું કાયમ

૬:૫૫ વાગે મેજર યશરાજકસિંહ ના ઘરની ડોરબેલ વગાડતો.

આમ પંદરેક દિવસ વીત્યા અને મારી સાથે એક અજીબ ઘટના બની રહી હતી. મારા દુશ્મન સમાન લાગતા ઘોડા, ઉંટ, વજીર મને ગમી રહ્યા હતા.

‘ નો –નો યન્ગમેન, તુ તારો ઘોડો મારા સૈનિક ને ખાવા માટે આ રીતે અઢી સ્ટેપ ચલાવીશ તો તું મારા ઉંટ ને ખાવા માટે સીધો રસ્તો કરી આપીશ. ’ યશરાજસિંહ કહેતા.

‘ આઇ લાઇક ધીસ વર્ડસ. ખરેખર મને એ શબ્દો ગમતા. ’

મારા પિતા સાથેનુ મારુ અટેચમેન્ટ ખુબ ઓછુ રહ્યુ છે. નાનપણ માં ભણવામાં ખુબ હોંશિયાર હોવાને લીધે મને સારી હૉસ્ટેલ માં મુકવામાં આવ્યો. બારમાં ઘોરણના સારા પર્સન્ટ પછી હાયર સ્ટડીસ માટે હું મુંબઇ આવી ગયો. ફકત વેકેશનો ! હા, ફકત વેકેશનો ! મારી અને પપ્પાની ખાલી જગ્યા ભરતા. એ મને પોતાના જેવો બનાવવા નહોતા માંગતા. એક ગ્રામ્ય શિક્ષક ના પ્રમાણમાં વધારે કહેવાય એવી ફી ભરીને પણ તે મને ભણાવતા રહયા. કોલેજ પછીનો સમય અમને બંનેને નજીક લાવી શકત પણ ઇશ્ર્વરે મારા પહેલા તે સમય નું બુકીંગ કરી લીધુ હતુ. એટલે જ યશરાજસિંહ મને જે રીતે ટ્રીટ કરતા તે મને ગમતુ. ચેસ ની કોઇ સારી ચાલ માટે તે મારો વાંસો થાબડતા અને જો કોઇ ભુલ થઇ જાય તો જરા ગુસ્સાથી મને ખખડાવતા, તે મને પ્રિય હતુ. મારા અને અવની વચ્ચે એક મિશન ઇમ્પોસિબલ નકકી થયુ હતુ. અઠવાડિયામાં ફકત એક જ વાર મળવુ અને ફોન પર ફકત પંદર મિનિટ વાતો કરવી. તે મારુ ધ્યાન જરાપણ વિચલિત થાય એમ નહોતી ઇચ્છતી.

બરાબર મહિનો વીતી ગયો. ચેસ માં મારો રસ પણ વધતો ચાલ્યો.

‘ પ્રોકટશન ! પ્રોકટશન ઇઝ મસ્ટ ! ચેસ ના દરેક પ્યાદાને આગળ વધારતા પહેલા તેના પ્રોકટશન નો વિચાર પહેલા કરવો. ’

‘જો નયન ! ઉંટ અને ઘોડા માંથી કોઇ એક પ્યાદાને ખોવુ પડે જ એમ હોય તો બેહતર છે કે ઉંટ ની પસંદગી કરવી. ’

‘ ચેસ માં સૈનિક નુ પણ એટલુ જ મહત્વ છે. એક વધારે સૈનિક ખોવાથી તમે આખી ગેમ હારી શકો છો. ’

રાત્રે સપનામાં પણ તેમના શબ્દો મારા મગજ માં ઘુમરાતા રહેતા. એક દિવસ શનિવારે તેમણે મને ઓચિંતુ પુંછયુ.

‘ નયન , તુ ડ્રિંક કરે છે ?’

‘ મિત્રો સાથે કયારેક’ મેં થોડી મુઝવણ માં જવાબ આપ્યો.

‘ તો આજની રાત મારો મિત્ર બની જા. આંખ મિચકારીને તે ઉભા થયા અને કાચની રંગીન બોટલ સાથે હાજર થયા. એ રાત્રે અમે ખુબ હસ્યા. તેમણે પોતે લશ્કરના ચુસ્ત વાતાવરણ માં કરેલી શરારતો વિશે વાત કરી. મેં મારી અને અવનીની દોસ્તી પ્રણયમાં કઇ રીતે ફેરવાઇ તેની વાતો કરી. તેમણે જરૂરતથી વધારે નશો કરી લીધો હતો. તે જ નશામાં તે બોલ્યા.

‘ નયન ! યુ મસ્ટ વીન ! હું તારા જેવો જમાઇ ખોવા નથી માંગતો. ’

‘ શર્ત નુ અને અવની સાથે મારા લગ્નનુ જે થવુ હોય તે થાય હું અહીંયા ચેસ રમવા ચોકકસ આવીશ તે નકકી’ હું બોલ્યો.

‘ વેલ ! ધેન ચિર્યસ ફોર યોર વીન’

‘ ચિર્યસ’ કહી અમે બંનેએ પ્યાલીઓ ટકરાવી.

બીજા દિવસ ની સવારથી મારા પર કામનુ ભારણ ખુબ વધી ગયુ હતુ. મારી પ્રોડકટ ને પ્રેઝન્ટ કરવા માટે દસેક દિવસ બેંગ્લોર જવાનુ થયુ. મેં મારા મોબાઇલ માં ચેસ ને લગતી બધી જ ઍપ્સ ડાઉનલોડ કરી લીધી હતી. પ્લેનની અંદર, લંચ બ્રેક માં કે બીજે જયારે પણ સમય મળતો હું મારા વર્ચ્યુઅલ ચેસ –બોર્ડ સામે ગોઠવાઇ જતો. જાત સાથે સતત વાતો ચાલુ રહેતી.

‘ એ મોટી ભુલ થઇ ગઇ, ઘોડો એ જગ્યાએથી ખસેડ્વાનો જ નહોતો. ત્રીજી કે ચોથી ચાલ માં વજીર નો રસ્તો બંધ કર્યો હોત તો હું ચોકકસ જીતી જાત . ’

દસ દિવસ ઝડપથી વીતી ગયા. અમારી પ્રોડકટ કંપનીને ખરેખર ગમી હતી. અને તેઓ અમારી પ્રોડકટમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર હતા. મારો સાથી મિત્ર બ્રિજેશ બોલ્યો-‘ હવે માર આ

“ ચેસ ની શર્ત” ને ગોળી. આપણા માટે બિઝનેસ ની લાઇન ખુલ્લી છે. અવનીનો બાપ કોઇ રીતે માનવાનો નથી. તુ અવનીને લઇને કૉર્ટમેરેજ કરી નાખ. બાકીનુ અમે ફોડી લઇશુ. ’

‘ દોસ્ત ! પહેલા તો આ જુગાર રમવા મન કોઇ રીતે તૈયાર નહોતુ. પણ હવે તો આ જુગાર ખેલી લેવો છે. જોઇએ તો ખરા ! મેજર સુર્યદિપસિંહ માં કયાં સુધી પાણી છે. ’

અમે બંને મારી હીરો સ્ટાઇલ કૉમેન્ટ પર ખુબ હસ્યા. અને ફરી પાછો રમતનો સિલસિલો ચાલુ રહ્યો. યશરાજસિંહ માટે ખરેખર હું હવે મજબુત પ્રતિસ્પર્ધી હતો. કામનુ ભારણ ઓછુ થતા હું સવાર –સાંજ બંને સમય ચેસ રમવામાં ગાળતો. યશરાજસિંહ સાથે હું એક ચેસ-કલબમાં પણ જતો. જયાં અલગ વિરોધીઓ સાથે રમવાની સાચે જ મજા પડતી. રાત્રે અવનીનો ફોન આવતો ત્યારે હું બહું આત્મવિશ્ર્વાસ થી કહેતો

‘ તારા બાપને પ્રેક્ટિસ કરાવજે, નહીંતર આસાનીથી હારી જશે. ’

‘એમ ! તો હું આંખો નીચે રાખીને, જરા શરમાતા, જરા ખુશ થતા, સ્વયંવર માળા તારા ગળામાં નાખી દઇશ. ’ તે કહેતી.

તેના આ જવાબથી એવુ ના માનતા કે તે તણાવમાં નહોતી. યશરાજસિંહ ને ફોન કરી વારેવારે મારી રમત વિશે પુછતી અને મારી મમ્મી ને ફોન કરી એવા મસ્કા મારતી.

‘ મમ્મી ! હું નયન સાથે ભાગીને તમારા ઘરે રહેવા આવી જઉ તો ?’

અમારી શર્ત ના બે દિવસ પહેલા તેનો ફોન આવ્યો. તે મને તાત્કાલિક મળવા માંગે છે. તે મને ભેટીને રડવા માંડી. મારે તેને ધમકાવીને કહેવુ પડયુ. -‘ તુ બે દિવસ માટે ઇશ્ર્વરને પ્રાથના કરી સુઇ જા. બાકીનુ બધુ મારા પર છોડી દે. ’

સાચેજ હું નિશ્ર્ચિત હતો. મારામાં એક અજીબ આત્મવિશ્ર્વાસ હતો. જે કહેતો. ‘નયન, આ બાજી તુ જીતી જઇશ’

***

પ્રકરણ 3

શર્ત શરૂ....

આખરે એ કયામત ની ઘડી આવી ગઇ. અમે બધા હું, અવની, મારા સાસુ, યશરાજસિંહ અને મેજર સુર્યદિપસિંહ બધા એ જ બેઠકખંડમાં ગોઠવાયા. દરેક ના ચહેરા ના હાવભાવ અલબત જોવા જેવા હતા. અવની અને તેની માનો ચહેરો બેસણામાંથી રડી રડી ને ઉભા થયા હોય તેવો હતો ! સુર્યદિપસિંહની નજરો મને આખે આખો ખાઇ જવાની મુદ્રામાં હતી. યશરાજસિંહ આ મેચ ના તટસ્થ અમ્પાયર હતા. પણ એમનુ દિલ ઇન્ડિયા અને પાકિસ્તાનમાં “ઇન્ડિયા વીન” તરફ હતુ. અહીં પાકિસ્તાન એટલે મેજર સુર્યદિપસિંહ.

“ ૮ * ૮” નુ એક મોટુ ચેસ-બોર્ડ મારી સામે મુકાયુ. ખાસ નકશીકામ કરેલા પ્યાદા કાઢવામાં આવ્યા. મેં સફેદ પ્યાદા પસંદ કર્યા. કુલ ત્રણ ગેમ રમવાની નક્કી થઇ. સુર્યદિપસિંહે ઘડિયાળ સામે, અવની સામે જોયુ અને મને કહ્યુ.

‘યન્ગમેન પહેલી ચાલ તમારી !’

‘ એક મિનિટ અંકલ ! સોરી સર ! એક કામ બાકી રહી ગયુ. ’

‘શુ ? ’ -બધાએ પ્રશ્રસુચક મારી સામે જોયુ.

‘ગુરુ ના આર્શીવાદ’ હું ચુપચાપ મારી જગ્યાએથી ઉભો થયો અને યશરાજસિંહ ને પગે લાગ્યો. યશરાજસિંહ મને ભેટી પડયા અને બોલ્યા. -‘ જા મારા સિંહ ! ફતેહ તારી રાહ જોએ છે’

સાચુકલાસિંહ ને આ એકપણ રીતે ગમ્યુ નહી. તેમણે મને નહીં, યશરાજસિંહ ને કહ્યુ- ‘ યશ ! મારો સમય ઘણો કિંમતી છે, તુ તો એ વાત જાણતો જ હોઇશ’

‘ અરે સોરી સર !, આ તો આર્શીવાદ !’ બોલી હું ખુરશી પર ગોઠવાયો. મનોમન ઇશ્ર્વરનુ સ્મરણ કરી મેં મારી પહેલી ચાલ ખેલી. અવનીનો બાપ જરૂર કરતા વધારે ઝડપી હતો. હું ખુબ સાવચેતીથી મારા પ્યાદા આગળ કરતો, જયારે તેઓ બીજી જ પળે તેમની ચાલ ખેલતા. દરેક ચાલે જાણે હસીને કહેતા ના હોય. -‘બેટમજી તારુ આવી બન્યુ. ! ’

લગભગ બાવીસ કે ત્રેવીસમી ચાલમાં તેમણે મારા એક હાથી અને સૈનિક ને ખાઇ લીધા. બદલામાં મને તેમનુ ફકત ઉંટ મળ્યુ. વારેઘડીએ તે મારા રાજાને ચેક આપીને પરેશાન કરતા. એ પરેશાનીમાં જ મેં એક બે વધુ પ્યાદા ગુમાવ્યા. આખરે પહેલી રમત પુરા એક કલાક ચાલી અને પરિણામ આવ્યુ.

‘ પહેલી બાજી હું હારી ગયો. ’

‘ સોરી ની મુદ્રામાં મેં અવની સામે જોયુ. પણ એ તો આઘાત ને કારણે બીજી દુનિયામાં જતી રહી હોય તેમ લાગ્યુ. તેને તંદ્રામાંથી કાઢવા મારે કહેવુ પડયુ. - ‘ અવની એક કપ કોફી મળશે ?’

‘ મારા માટે પણ’ યશરાજસિંહ સાથે જોડાયા.

અવની બધા માટે કોફી લઇ આવી. ફરીવારના પ્યાદા ગોઠવાઇ ચુકયા હતા. કોફીના ઘુંટ ભરતા ભરતા મેં મારી બીજીવારની રમત કઇ રીતે રમવી તેના પર વિર્ચાયુ. હું પહેલી રમતમાં હું ખુબ ડિફેન્સીવ હતો તે મારે બદલવુ. પહેલી ગેમમાં મારી સ્ટ્રેટેજી ગેમ ના હારવા પર વઘારે હતી. મારા પ્યાદાઓ ને મારે શરૂઆત થી જ ખોલી દેવા. બીજી ગેમ શરૂ થઇ.

શરૂઆતની મારી થોડીક ચાલો ખુબ ઝડપી રહી. સુર્યદિપસિંહ તેનાથી હરખાયા તેમને લાગ્યુ કે હવે હું નર્વસ થઇ ચુકયો છું. પણ આ જ મારી સ્ટ્રેટેજી હતી. શરૂઆત ઝડપથી કરીને બાકીની ગેમ અટેકીંગ મુડમાં આગળ વધારવી. હું એટલો તલ્લીન હતો કે મારુ ધ્યાન અવની કે બીજા કોઇ પર બિલકુલ નહોતુ. મેં પહેલો વાર કરી મારા ઉંટ વડે તેમનો ઘોડો લીધો. તેમના અહંને આઘાત પહોચ્યો હોય તેવુ લાગ્યુ. તેમણે મારા પ્યાદા ઝડપી ખાઇ લેવા, તેમના હાથી અને ઉંટને ખસેડયા. મારે આવી જ કોઇ તક જોઇતી હતી. મેં ઝડપથી તેમના રાજાને ચેક આપવાના શરૂ કર્યા. રાજાને બચાવવા જતા તેમણે એક હાથી વધુ ગુમાવ્યો. આ વખતે હું પ્લસ પોઝિશનમાં હતો. મારા ચહેરા પરનુ સ્માઇલ તેમને ગમ્યુ નહીં. તેઁમણે એક-બે વધુ ભુલો કરી અને આખરે બીજી બાજી હું જીત્યો. મિનિટના ૧૫૦ લેખે થતા અવનીના ધબકારા ધીમા પડયા. યશરાજસિંહે થમ્સઅપની મુદ્રામાં મને અંગુઠો કરી અભિનંદન આપ્યા. ત્રીજી ગેમ ગોઠવાઇ ચુકી હતી.

‘ અવની, એક કપ કોફી મળશે ?’ આ વખતે આ સાદ પાડનાર હતા મેજર સુર્યદિપસિંહ. મારી જેમ તેઁમણે પર કોફીના ઘુંટ ધીમેધીમે લીધા. આ વખતે રમવાની સ્ટ્રેટેજી તેમનો ચેમ્પિયન આત્મા કરી રહ્યો હોય તેવુ લાગ્યુ. મારી પ્રેરણા જે પ્રમાણે લઇ જાય તે પ્રમાણે રમવાનુ મેં નકકી કર્યુ.

ત્રીજી ગેમ રમવાની શરૂ થઇ. અમે બંને જણા ખુબ વિચારી પોતાના પ્યાદા આગળ ચલાવતા. ચાલીસેક ચાલ થઇ ગઇ. બંને જણા ‘ નો વીન , નો લુઝ’ કંડીશનમાં હતા. તેમણે એટેક શરૂ કર્યો. મારે બે સૈનિક એમ જ ગુમાવવા પડયા. કેશલિંગ કરી તેમણે રાજાની જ્ગ્યા બદલી મને વધુ મુશ્કેલીમાં મુકયો. તેમની પકડ મારા પર વધુ મજબુત થઇ રહી હતી. મારે બે ઉંટ અને એક ઘોડો ગુમાવવા પડયા. જ્યારે તેમના એક ઘોડા સિવાય ના બધા જ પ્યાદા સાબુત હતા. પણ ત્યાં જ કુદરતે મારી તરફેણ કરી. મારા એક સૈનિકને ખાવા તેમણે ઉંટની જ્ગ્યાએ વજીરને આગળ કર્યો. હું આવી જ એક તકની રાહ જોઇ રહ્યો હતો. મારા હાથી વડે મેં તરત રાજાને ચેક આપ્યો. રાજાને બચાવવા જતા તેમણે એક હાથી ગુમાવ્યો. આગળની થોડીક ચાલ પછી મેં સરસાઇ મેળવી લીધી. યુદ્ધ માં કોઇ ચોકી શત્રુ સેના આગળ ગુમાવવી પડે તેવા ભાવો તેમના ચહેરા પર હતા. પોતાના દુશ્મનને અંડર એસ્ટિમેટ કરવાની ભુલ તેમને નડી ગઇ. અંતે પ્રેમનો વિજય થયો. ત્રીજી ગેમ જીત્યા પછી મને સોફા પર કુદકો મારવાની ઇચ્છા થઇ, પણ મેં મહામહેનતે દબાવી. કાશ! આ કોઇ અંગેજી મુવી હોત તો અવની મને જીતની ખુશાલીમાં !

અમે બધા એકીટશે મેજર સુર્યદિપસિંહ ના ચહેરા સામે જોઇ રહ્યા.

‘કેમ મેજર ! છોકરો કેવુ રમે છે ?’ યશરાજસિંહે સૌ પ્રથમ મૌન તોડયુ. મેજર સુર્યદિપસિંહ જગ્યાએથી ઉભા થયા. બે હાથ લાંબા કર્યા અને બોલ્યા. -‘ યન્ગમેન ! હવે તો ગળે મળવુ પડશે’

ખરેખર ! આ સ્વપન હતુ. હું મેજર સુર્યદિપસિંહને ગળે ભેટી રહ્યો હતો. અવનીની આંખોમાં સફેદ અશ્રુ ચમકી ઉઠયા.

” લગ્નની શર્ત મેં જીતી લીધી હતી. ! ”

રમતના બે દિવસ પછી હું અવનીના ઘરે, મારા ભાવિ સસરા સુર્યદિપસિંહ સાથે તેમના બગીચામાં બેઠા કોફીના ઘુંટ લઇ રહ્યો હતો. અવની તેની મમ્મી સાથે લગ્નની પ્લાનિંગ માં વ્યસ્ત હતી.

‘ નયન, તુ બહુ ઝડપથી ચેસ જીત્યો. બ્રેવો ! તને અને યશ બંનેને’

‘ પપ્પા ( મને હવે આ શબ્દ વાપરવાની છુટ હતી) આ આખી ઘટનાને ફરીથી તાજી કરતા મને કંઇક શંકા ઉપજે છે. ’

‘ કેવી શંકા ?’

‘ પહેલી બે રમત તો ઠીક હતી. પણ ત્રીજી રમતમાં જે ભુલો થઇ ! આ ડોન્ટ બીલીવ ઇટ ! તે નેચરલી હતી !’

‘ તો, તને ખ્યાલ આવી ગયો ?’

‘ હા, શાંતિથી વિચારતા તો એવુજ લાગે છે. ’

‘ નયન ! પહેલી બે રમત મેજર સુર્યદિપસિંહ રમી રહ્યા હતા. પણ ત્રીજી રમતતો અવનીનો પિતા રમી રહ્યો હતો. દીકરીની ખુશી માટે એક પિતાએ તો હારવુ જ રહ્યુ’

‘ તો પછી ! આ લગ્નની શર્ત હું કાયદેસર રીતે નથી જીત્યો. ’

‘ નયન, લગ્નની શર્ત ખાલી તારા પુરતી થોડી હતી. એ શર્ત મારા માટે પણ હતી, મને આનંદ છે કે આપણે બંને એ શર્ત જીતી ગયા. ’

અમારા વિજ્ઞાનના સર કહેતા કયારેય કશુ ખાલી નથી હોતુ. જેમ કે આ કોફીનો ખાલી કપ પણ હવાથી તો ભરેલો જ છે. મને આ નિયમ આજે સમજાઇ ગયો.

સમાપ્ત