હલ્દીઘાટી યુદ્ધ
સુલતાન સિંહ
તારીખ – ૧૮ જુન, ૧૫૭૬
સ્થળ – ખમનૌર, હલ્દીઘાટી
ઇતિહાસના મહાનતમ યુદ્ધોમાં સમાહિત અને રાજપૂત શૌર્યની ગાથાનું કેન્દ્રબિંદુ એટલે મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે લડાયેલું હલ્દીઘાટીનું યુદ્ધ. જો કે માતૃભુમી કાજે આવા અસંખ્ય યુદ્ધો રાણા પ્રતાપ અને મુઘલ સામ્રાજ્ય વચ્ચે પહેલા પણ ખેલાતા રહ્યા હતા. રાણા સાંગા, રાણા કુંભા તેમજ રાણા ઉદયસિંહ દ્વારા પણ આવા અનેકો યુદ્ધ ખેલાયા હતા. પણ, આ કદાચ ઇતિહાસનું એકમાત્ર એવું યુદ્ધ હતું જે ધર્મ કે સામ્રાજ્યના વિસ્તાર પુરતું માર્યાદિત ન હતું. આ યુદ્ધ હાર અને જીત કરતા વધુ, આધિનતા અને સ્વાભિમાન વચ્ચે હતું. આ યુદ્ધ હતું માતૃભુમી પ્રત્યેના ઋણાનુંબંધ અને સ્વરાજ પ્રેમ પ્રત્યે બલિદાનનું. આ યુદ્ધ પણ મેવાડના શૈન્ય દ્વારા રાજપૂતી પરંપરા મુજબ સામે ચાલીને કેસરિયા કરી લેવા જેટલું ભયાનક હતું. કારણ કે મુઘલોના વિશાળ સામ્રાજ્ય સામે મેવાડી સામ્રાજ્ય પ્રમાણમાં મજબુત છતાં બહુ અલ્પ હતું. પણ, આ રાજપૂત વંશ જાન માટે નહિ, આન, બાન અને શાન માટે જીવનારા રાજવી હતા. એમના માટે મોતના ભય કરતા વધારે ભયજનક સ્થિતિ હતી, પોતાની માતૃભૂમિ પર થતું દુશ્મનોનું આધિપત્ય. મહારાણા પ્રતાપ કોઈ પણ ભોગે મેવાડને મુઘલ સામ્રાજ્યના હવાલે કરવા રાજી ન હતા થયા.
એક રીતે આ યુદ્ધ એટલે પણ વિચિત્ર હતું કે એક તરફ જીતવાની જીદ હતી તો બીજી તરફ ઝુકી જવાની સ્પષ્ટ મનાઈ આપતું ફરમાન. આ યુદ્ધ ધર્મ ખાતર તો લડાયું જ ન હતું, કારણ કે જ્યારે ધર્મ બાબતે યુદ્ધ લડાય છે ત્યારે સમૂહ હમેશા ધર્મોના સામસામે ઉભો હોય છે. પણ આ યુદ્ધમાં રાણા પ્રતાપનું શૈન્ય કાબુલના મુઘલ અફઘાન પઠાણ સેનાપતિ હકીમ ખાં સુરીના નેતૃત્વમાં હતું, જ્યારે અકબરનું શૈન્ય જયપુરના હીન્દુ રાજા માનસિંહના નેતૃત્વમાં. આ યુદ્ધ સ્વરાજ પ્રેમ તેમજ માતૃભુમી પ્રત્યેના ત્યાગ અને સમર્પણનું હતું. મહારાણા ઉદયસિંહના મૃત્યુ પછી પણ મહારાણા પ્રતાપે એમની અડગતા જાળવીને જીવન પર્યન્ત પોતાના સામ્રાજ્યમાં ક્યારેય મુઘલ આધિપત્ય સ્વીકાર્યું ન હતું.
‘સીર કટે ઓર ધડ લડે...’ ભારતીય ઈતિહાસમાં રાજપૂતોની આવી અસંખ્ય શૌર્યવંથી ગાથાઓનો હંમેશાથી સાક્ષી રહ્યો છે. એવા શૂરવીરોમાં જ્યારે નામો દર્શાવાય ત્યારે મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, રાણા ઉદયસિંહ, રાણા રતનસિંહ, રાણા સાંગા, રાણા કુંભા, રાજા સોમેશ્વર ચૌહાણ, ભીલોના રાજા રાણા પુંજા, જેવા અનેક રાજાઓનો પણ ઉલ્લેખ થાય છે. મહારાણા પ્રતાપ પોતાના અડઘ નિર્ણય અને માતૃભુમીનું સમ્માન બચાવવા કાજે જીવનના મોટા ભાગના સમય દરમિયાન રાજપાટ અને ભવ્ય મહેલોના ઠાઠ છોડીને વનમાં રહ્યા હતા.
રાજસ્થાનમાં આવેલું હલ્દીઘાટી એ ભારતમાં શૌર્ય સંગ્રામનું પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થાન છે. જ્યાં મહારાણા પ્રતાપે પોતાની જન્મભૂમીની અસ્મિતા જાળવી રાખવા અઢળક યુધ્ધો લડ્યા અને પોતાના શૌર્ય અને બલિદાનનું પ્રદર્શન પણ કર્યું. હલ્દીઘાટી એ રાજસ્થાનના ઉદયપુર જીલ્લાથી ૪૩ કિલોમીટર તેમજ નાથદ્વારાથી ૧૨ કિલોમીટર દુર પશ્ચિમ દિશામાં આવેલું છે. અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચેનું ઐતિહાસિક યુદ્ધ પણ આ સ્થાને જ ખેલાયું હતું. જો કે આ યુદ્ધમાં ક્યાય અકબર હાજર રહ્યો ન હતો. કારણ કે ઇતિહાસમાં દર્શાવ્યા મુજબ અકબર અને રાણા પ્રતાપ વચ્ચે કોઈ સામસામું યુદ્ધ થયું જ નથી. મેવાડ એ રાજસ્થાનના દક્ષીણ મધ્ય ભાગમાં વસેલી સૌથી મઝબુત રિયાસત હતી. જેની રાજધાની ચિતોડ, કુંભલગઢ અને ગોંગોઇ તેમજ છેલ્લે ચાવંડ પણ હતી. જેને એ સમયમાં રાણા ઉદયસિંહની રાજધાનીના કારણે ઉદયપુર રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવતું. અત્યારે આ વિભાગમાં ભારતના ઉદયપુર, ભીલવાડા અને ચિતોડગઢ જીલ્લાઓ આવેલા છે. ઘણા વર્ષો સુધી અહી રજપૂતો દ્વારા એકહથ્થું શાસન ચાલ્યું, જેમાં ગહલોત અને સિસોદિયા કુળના રાજપૂત વંશ દ્વારા ૧૨૦૦ વર્ષ જેટલું શાસન રહ્યું. જેમાં બાપ્પા રાવલથી મહારાણા પ્રતાપ સુધીનો શૌર્યવાંતિ સમયકાળ મુખ્ય ગણાય છે.
મહારાણા ઉદયસિંહ ૧૫૪૧મા જ્યારે મેવાડના રાજા બન્યા હતા, ત્યારે પણ ટૂંકા ગાળામાં જ અકબર સેનાએ મેવાડ પર અક્રમણ કરેલું. પણ ત્યારે અડઘ મનના રાણા ઉદયસિંહ આધિનતા સ્વીકારી લેવાના સ્થાને ચિતોડ છોડીને ઉદયપુરમાં નવી રાજધાની વસાવી રહેવા લાગ્યા. જો કે એમનો સંઘર્ષ સતત જયમલ રાઠોડ દ્વારા ચાલતો જ રહ્યો. અંતે ચિતોડ પર મુઘલ શાસન પોતાનું આધિપત્ય જમાવી ચુક્યું હતું. રાણા ઉદયસિંહના મૃત્યુ બાદ પણ વારંવાર અકબર દ્વારા મેવાડ માટે અધીનતા સ્વીકારી લેવા માટેના શાંતિ પ્રસ્તાવ આવતા રહ્યા. પણ, મહારાણા પ્રતાપે આધીનતા સ્વીકારી લેવાના સ્થાને સતત ચિતોડ વિજય માટેનું યુદ્ધ ચાલુ જ રાખ્યું. કારણ કે રાણા ઉદયસિંહના મૃત્યુ બાદ રાણા પ્રતાપનો એક માત્ર ધ્યેય હતો ફરી એકવાર ચિતોડદુર્ગ જીતી લેવો. કદાચ ધર્મની અને સ્વરાજની રક્ષા ખાતર સતત લડત આપતા રહેલા રાણા પ્રતાપ હિંદુ રાજાઓ માટે આદર્શ બની ગયા. હલ્દીઘાટીનું યુદ્ધ ઇતિહાસના પત્તાઓમાં આજે પણ મહારાણા પ્રતાપના નામ સાથે સુવર્ણ અક્ષરે અનાદીકાળ માટે અંકિત થઇ ચૂક્યું છે.
પાણીપતના બીજા યુદ્ધના વિજય પછી જલાલુદ્દીન અકબર દિલ્લીની ગાદીએ આરૂઢ થયા, ત્યાં સુધીમાં અફઘાનથી પશ્ચિમી ભારતની સીમાઓ સુધી મુઘલ પરચમ લહેરાઈ ચુક્યો હતો. હિંદુ રજાઓ સમયાન્તરે કા’તો મુઘલ આધિપત્ય સ્વીકારી ચુક્યા હતા, કા તો રાજપૂતોના આપસી મતભેદનો શિકાર બની ચુક્યા હતા. એવા સમયે મુઘલ સામ્રાજ્ય સામે અડઘ જો કોઈ રાજવંશ કે સામ્રાજ્ય હતું, તો એ હતું રાજા કાલભોજના વંશજ મહારાણા પ્રતાપનું મેવાડી સામ્રાજ્ય. મેવાડી સામ્રાજ્ય કોઈ પણ ભોગે મોઘલ આધિનતા સ્વીકારવા માટે તૈયાર ન હતું. રાણા સાંગાએ પણ અનેકો યુદ્ધ સંગ્રામો જેલ્યા હતા. દિલ્લી સલતનત પર બેઠેલા અકબરનું ધ્યાન વારંવાર મેવાડ પર લાગેલું રહેતું હતું. કારણ કે ગુજરાત બંદરગાહ પર ઉતરતો માલ સમાન અને મુઘલ સામ્રાજ્યનું વેપાર વાણિજ્ય બધું જ મેવાડી સામ્રાજ્યના કારણે અંકુશમાં હતું. ગુજરાતથી દિલ્લી વેપાર માટે આવતા માલસામાનને પસાર થવા માટે મેવાડની સીમાંમાંથી પસાર થવું પડતું હતું. વેપાર અને માલની અવરજવર માટે હંમેશા એમણે મેવાડી સામ્રાજ્યને લગાન ચૂકવવો પડતો હતો. કદાચ એક આ પણ મુખ્ય કારણ હતું કે અકબર કોઈ પણ ભોગે મેવાડને પોતાના આધીન કરવા ઉતાવળો બની રહ્યો હતો. બીજું કારણ સામ્રાજ્યમાં વિસ્તારની લાલસા પણ હતી. હાલનો ભારત, પાકિસ્તાન અને ભારતનો ઉત્તરી છોડ આખોય મુઘલ સામ્રાજ્યને આધીન થઇ ચુક્યો હતો. રાજપૂત રાજાઓ પણ બધા જ અકબરનું આધિપત્ય સ્વીકારી ચુક્યા હતા.
મેવાડી સામ્રાજ્યની શરૂઆતમાં કાલભોજ પછી, રાણા કુંભા, રાણા સાંગા, રાણા ઉદયસિંહ અને ત્યાર બાદ એમના વીર પુત્ર મહારાણા પ્રતાપ રાજ સિંહાસન પર મુઘલોને હંફાવવા આરૂઢ થયા હતા. રાણા પ્રતાપનું વિદેશીઓનું અધિપત્ય ન સ્વીકારવાનું અને ચિત્તોડગઢ દુર્ગ પાછો મેળવવાનું સ્વપ્ન જીવન પર્યંત રહ્યું. એમણે ક્યારેય ચિતોડ પાછું મેળવવાના પોતાના આ વિચાર કે પ્રયાસને છોડ્યો ન હતો. આ ગાળામાં મોઘલ સામ્રાજ્યના વેપાર માર્ગ પર સ્થિત મેવાડ પણ અકબરની આંખોમાં ખૂંચવા લાગ્યું હતું. એણે ઘણી વખત મેવાડ તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો, પણ રાણા પ્રતાપ એની કુટનીતિ જાણતા હોવાથી એમણે ક્યારેય એ પ્રસ્તાવને સ્વીકાર્યો નહિ. કારણ કે રાણા પ્રતાપ જાણતા હતા કે જો, મેવાડ એમના વેપાર વાણીજ્યના માર્ગ પરથી હટી જશે તો અકબરને આખાય ભારત પર આધિપત્ય સ્થાપવા મોકળું મેદાન મળી જશે. એટલે મેવાડી રાજા મહારાણા પ્રતાપ પોતાની અડઘ વિચારધારા પર અડઘ જ રહ્યા. જયપુરના રાજા માનસિંહ દ્વારા આપાયેલા શાંતિ પ્રસ્તાવને પણ મહારાણા પ્રતાપે અસ્વીકારી દીધો, કારણ કે એક પ્રકારે આ શાંતિ પ્રસ્તાવનો અર્થ મોઘલ સામ્રાજ્યના આધિપત્યનો સ્વીકાર જ હતું. આ કારણે જ એમણે સંધી પર મહોર માટે વિશેષ શરતો મૂકી, જેમાં કહેવામાં આવ્યું કે રાણા કોઈનું આધિપત્ય સ્વીકારશે નહિ, અને વિદેશી રાજાઓને કોઈ પણ ભોગે પોતાના સામ્રાજ્યમાં એમની મંજુરી સાંખી લેશે નહિ.
બાદશાહ અકબર ક્યારેય રાણા પ્રતાપ સાથે યુદ્ધભૂમિમાં સામસામે ભીડ્યા નથી. પણ છતાય મેવાડ પર આધિપત્યના સ્વપ્ને એને ક્યારેય ચેન પડવા જ ન દીધું. છેવટે ૧૮ જુન, ૧૫૭૬ના દિવસે અકબરની સેનાએ રાજા માનસિંહ અને આસફ ખાંના નેતૃત્વમાં મેવાડ પર ચડાઈ કરી. ગોંગુડા નજીક અરાવલી પર્વતમાળામાં ખમનૌર અને હલ્દીઘાટી વચ્ચેના મેદાની ક્ષેત્રમાં યુદ્ધ નિર્ધારિત થયું. હલ્દીઘાટીથી મેવાડમાં પ્રવેશ કરવાનો માર્ગ એકાદ રથ માંડ પસાર થાય એટલો સંકડો જ હતો. અને કોઈ પણ રાજ્ય દ્વારા મેવાડી સામ્રાજ્ય પર ચડાઈ કરવા માટે આ એકમાત્ર ઝડપી માર્ગ પણ હતો. છેવટે મુઘલ સેનાએ ઝડપી ચડાઈ માટે હલ્દીઘાટીનો માર્ગ જ પકડ્યો. રાણા પ્રતાપે પોતાની સેના સાથે યુદ્ધ ભૂમિ તરફ પ્રયાણ કર્યું. ભીલોના રાજા રાણા પુંજા એમના સહયોગી હતા. જેમનું યોગદાન હલ્દીઘાટીમાં સૌથી મહત્વનું હતું. મહારાણા પ્રતાપની સેનામાં મુખ્ય સેનાનાયક ગ્વાલિયરના રામસિંહ તોમર, કૃષ્ણદાસ ચુન્ડાવત, ઝાલા રામદાસ રાઠોડ, પુરોહિત ગોપીનાથ, શંકરદાસ, ચરણ જૈસા, પુરોહિત જગન્નાથ જેવા યોદ્ધા હતા. તેમ છતાં આ યુદ્ધની આગેવાની અફઘાન યોદ્ધા હાકીમ ખા સુરના હાથમાં હતી. હાકીમ ખા સુર અકબર સામે લડવા અને પિતાની મૃત્યુના બદલા માટે ઉત્સુક હતો. સામે મુઘલ પક્ષે સેનાપતિ તરીકે આમેરના રાજપૂત રાજા માનસિંહ મુખ્ય સેનાપતિ હતા. એમના સિવાય પણ સૈય્યદ હસીમ, સૈય્યદ અહમદ ખા, બહલોલ ખાન, મુલતાન ખાન, ગાજી ખાન, ભોકલ સિંહ, ખોરાસન અને વસીમ ખાન જેવા યોધ્ધા હતા. જેમણે મુઘલ સામ્રાજ્યને કેટલાય યુદ્ધોમાં વિજય આપાવી હતી.
મુઘલ સેના મેવાડ પર આક્રમણ કરવા માટે ખામનૌર આવીને રોકાઈ હતી, જ્યારે મેવાડી સેના એમના પ્રતિકાર માટે હલ્દીઘાટી મેદાનમાં જ હતી. બંને વચ્ચે રક્તકલાઇના મેદાનમાં યુદ્ધ ખેલાયું. મહારાણા પ્રતાપ તરફથી આક્રણણ ગોરીલા યુદ્ધ પ્રણાલી વડે હલ્દીઘાટી સંગ્રામ શરૂ થયો, જેમાં ભીલોના ઝેર ભીના બાણ, બરછી, ભાલા, તલવારો, ધારદાર શાસ્ત્રો અને પથ્થરના હમલાઓ સાથે રાજપૂતોના આક્રામક હમલાઓ સામે મુઘલ શેના ભારે નુકશાની સાથે વિખેરાઈ જવા લાગી. યુદ્ધના મુખ્ય હમલા માટે મહારાણા પ્રતાપની સેના ચાર ભાગોમાં વહેચાઈ ચૂકી હતી. જેમાં સૌથી આગળ હરાવલમાં હાકીમ ખા સુર, સૌથી પાછળ ચંદ્રાવલ ભાગમાં ભીલ રાજા રાણા પુંજા, જમણી બાજુ ઝાલા માનસિંહ અને ડાભી બાજુ રામશાહ તંવર હતા. જ્યારે મહારાણા પ્રતાપ સ્વયં પોતાના મંત્રી ભામાશાહ સાથે સેનાના મુખ્ય આગમન સ્થાને વચ્ચે જ હાજર રહ્યા હતા. મહારાણા પ્રતાપની વ્યૂહરચના પ્રભાવી અને અતુટ હતી, પણ મેવાડી સેનાનું દુર્ભાગ્ય એ હતું કે મહારાણા પ્રતાપનો સગો ભાઈ શક્તિ સિહ મુઘલ સેનાના ઓછામાં ઓછા સિપાહી ગવાય એની રણનીતિ મુઘલ સેનાને શીખવી રહ્યો હતો. પણ, છતાય યુદ્ધ માટે તૈયાર રહેતા મેવાડી સેનાના હમલાઓ સામે સમય સાથે લાશોના થોક ઊંચા આવતા ગયા. રક્તકલાઈની ભૂમિ લોઈના રંગે રંગાઈ રહી હતી. મુઘલ સેનાઓ પર રાજપુતી સેના સુનામીના જેમ ખાબકી, જેના કારણે મુઘલ સેના વિખેરાઈ જતા જરાય વાર ન લાગી. ઓછા સિપાહીઓ સાથે કેસરિયા કરી લેવા તૈયાર રાજપૂત સેનાએ મુઘલોની સેનાને ભારે નુકશાન સાથે એક સમય પૂરતા તો હાર સ્વીકારવા મજબુર કરી નાખી હતી. પણ સેનામાં સતત ઉમેરાતા સિપાહીઓ અલ્પ પ્રમાણમાં રહેલી રાજપૂત સેના માટે ચિંતા જન્માવી રહ્યા હતા. એક તરફ પહાડી યુદ્ધથી ટેવાયેલા ભીલ સિપાહીઓ રાણા પૂંજાના સબળ નેતૃત્વમાં મુઘલ શૈન્ય પર કહેર મચાવી રહ્યા હતા, તો બીજી તરફ મેવાડના સાથી પક્ષમાં રહેલા તોમર, કાવડીયા, અફઘાન તેમ જ અન્ય હિન્દૂ રાજાઓની સેનાઓ પણ આત્મસન્માન ખાતર જંગે જામી હતી. ગોરીલા યુદ્ધ પ્રણાલી મુઘલ સેનાએ માટે મોતના દ્વાર જેવી હતી. કારણ કે હલ્દીઘાટી અને ખમનૌરનું મેદાન રાજપૂત સિપાહીઓને સમય આપવા સક્ષમ હતું. મેવાડ પર ચડાઈ કરનારી સેનાએ ફરજીયાત હલદીઘાટી પાર કરીને આવવું પડતું અને આ જ એક સહાયક મુદ્દો હતો, કે જેથી કરીને મુઘલ સેના મોટી સંખ્યમાં જાણ બહાર વાર ન કરી શકે.
રાણા પુંજાના નેતૃત્વમાં પહાડી ભુભાગથી ટેવાયેલી ભીલ સેના સામે લડીને હલ્દીઘાટી પાર કરી શકવું અને નીકળતાની સાથે જ રાજપુતી સેના સામે લડી શકવું લગભગ અશક્ય બનતું જઈ રહ્યું હતું. મુઘલ સેના હલ્દીઘાટી પાર કરવામાં સતત કમજોર પડી રહી હતી, ત્યારે અચાનક રાણા પ્રતાપના ભાઈ શક્તિ સિંહે મુઘલ સેનાનું નેતૃત્વ અને રણનીતિ રચવાની જવાબદારી ઉપાડી લીધી. મેવાડમાં રહેલા રાણા પ્રતાપના ભાઈ શક્તિ સિંહ હલ્દીઘાટીના મેદાનો અને ભૂમિ ભાગથી પૂર્ણ પરિચિત હતા. એ જાણતો હતો કે હલ્દીઘાટી વટાવીને યુદ્ધ જીતી શકવું, મુઘલ સેના માટે અસંખ્ય શૈન્યબળ સાથે પણ લગભગ અશક્ય હતું. પણ અન્ય માર્ગ મુઘલ સેનામાં એના સિવાય કોઈ જાણતું પણ ન હતું. છેવટે મુઘલ સેના શક્તિ સિંહના નેતૃત્વમાં હલ્દીઘાટીના પાછળના માર્ગેથી યુદ્ધ મેદાન તરફ સરકવા લાગી, ત્યારે મહારાણા પ્રતાપ માટે આ સમજી શકવું અત્યંત સરળ બની ગયું કે આ ચાલ અને રણનીતિ કોના દ્વારા રચાઈ હતી. એ જાણતા હતા કે મુઘલ સેનામાં શક્તિ સિંજ હ એક માત્ર એવો વ્યક્તિ હતો, જે આ માર્ગ અને રણનીતિ વિષે માહિતગાર હતો. છેવટે એમણે બીજા રસ્તેથી આવનારી સેના પર બમણા જોરે આક્રમણ શરુ કર્યું. મહારાણા પ્રતાપના ગુસ્સા અને લડત સામે હજારોની સંખ્યામાં મુઘલ સેના ગાજર મૂળાની જેમ કપાતી ચાલી જઈ રહી હતી. મહારાણા પ્રતાપનું વિશાળ કદ કાઠી વાળું આ સ્વરૂપ મુઘલો માટે સાક્ષાત યમરાજ જેવું સાબિત થઇ રહ્યું હતું. પણ સેનામાં આધુનિક શસ્ત્રોની કમીના કારણે મેવાડી સેના સતત કમજોર પડતી રહી.
યુદ્ધ સમય સાથે વધુ આક્રમક અને ઘટક બનતું જઈ રહ્યું હતું. મેવાડની કમજોર સ્થિતિ જોતા જ મહારાણા પ્રતાપ ગુસ્સામાં ઉકળી ઉઠ્યા હતા. એવા સમયે જ બહલોલ ખાને એમના પર અક્રમણ કરવાની કોશિશ કરી પણ આક્રોશમાં તપેલા મહારાણા પ્રતાપે આવેશમાં આવીને બહલોલ ખાન પોતાના પર વાર કરે એ પહેલા જ સંપૂર્ણ બળ પૂર્વક બહલોલ ખાન પર તલવાર ફેરવી નાખી. ઇતિહાસીમાં એવું કહેવાય છે કે, આ ઘાવ એટલી હદે બળપૂર્વક કરવામાં આવ્યો હતો કે જેના દ્વારા બહલોલ ખાન માથાથી લઈને છેક ઘોડા સુધી બે ભાગમાં ચીરાઈને પડી ગયો હતો. બહલોલ ખાનના આવા કરુણ અંત પછી, એની સ્થિતિ જોઇને જ મોઘલ સેના કમજોર થઈને આમતેમ વિખારાઈ જવા લાગી અને જ્યાં ત્યાં ભાગી છૂટવા માટે ઉતાવળી બની ગઈ હતી. પણ શૈન્ય બળ સતત પૂરું પડવાથી અને સ્વયં જલાલુદ્દીન અકબર યુદ્ધ ભૂમિમાં પધારવાની વાયુ વેગે ફેલાતી મિથ્યા અટકળના કારણે ફરી મોઘલ સેના મેવાડી સેના સામે મજબુત થતી દેખાઈ. તોપ અને આધુનિક શાસ્ત્રોના ઉપયોગ સામે મેવાડી સેના સતત કમજોર પડી રહી હતી. આધુનિક તોપો સામે મેવાડી શાસ્ત્રો સાવ અર્થહીન લાગવા લાગ્યા હતા. જો કે થલ યુદ્ધ સતત ચાલતું જ રહ્યું, સ્થિતિ બગડી ત્યાં સુધીમાં ઘણા વીરો શહીદી વહોરી ચુક્યા હતા. યુદ્ધમાં હવે જીત લગભગ અશક્ય લાગવા લાગી હતી. મોઘલ સેના સતત મજબુત અને મેવાડી સેના કમજોર પડતી દેખાવા લાગી હતી. છેવટે મહારાણા પ્રતાપે મનમાં નિશ્ચય કરી લીધો હતો કે હવે મોઘલ સેનાને વિખેરી નાખવાનો એક માત્ર માર્ગ હતો એ સેનાપતિની હત્યા, જેના નેતૃત્વમાં આ સેના યુદ્ધ લડી રહી હતી. મોઘલ સેનાના સેનાપતિ તરીકે આમેરના રાજા માનસિંહ હાથી પર સવાર એક મજબુત સિપાહીઓની ટુકડી વચ્ચે રહીને સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા.
ઝાલા માનસિંહ પોતાના યુધ્ધમાં વ્યસ્ત હતા, મહારાણા પ્રતાપે ગણતરીની પળોમાં જ વિચાર કરી લીધો હતો કે કોઈ પણ ભોગે માનસિંહ નો સંહાર કરવો જ રહ્યો. અંતે મહારાણા પ્રતાપે પોતાની ટુકડી સાથે મુઘલ સેનાના મધ્યમાં જ પ્રવેશ કર્યો. રાણા પ્રતાપના આક્રામક પ્રહારો સામે કોઈ પણ મુઘલ ટુકડી ટકી ન શકી, છેવટે મુઘલ સેનામાં છીંડું પાડીને છેક મધ્યમાં પહોચીને રાણા પ્રતાપે મોઢા પર હાથીનું મુખવટુ પહેરેલા ચેતકના પેટ પર એડીના જોરે હમલો કર્યો. ચેતકે બંને પાછળના પગનો સહારો લઈને આગળના બંને પગ માનસિંહ જે હાથી પર હતો એના મસ્તક પર ટેકવી દીધા. ક્ષણિક સમયમાં જ મહારાણા પ્રતાપનો પ્રબળ પ્રહાર રાજા માનસિંહ પર થયો. પણ માનસિંહ હાથીપર બાંધેલા બંકરમાં છુપવામાં સફળ થયો. જો કે મહારાણા પ્રતાપનો બીજો વાર એટલો શક્તિશાળી હતો કે રાણાનો ભાલો હાથી ખેડનારના છાતી સરસો નીકળીને માનસિંહના મુકુટ પર જઈ ટકરાયો. જો કે આ ક્ષણમાં રાણા પ્રતાપ માનસિંહ સંહારની પળ ચુકી ગયા હતા. ક્ષણના ચોથા ભાગમાં જ આ બધું ઘટી ગયું હતું. માનસિંહ તો બચી ગયો પણ હાથીના મસ્તક પરથી ઉતરીને બેલેન્સ જાળવવા જતા ચેતકના એક પગમાં હાથીના સુંઢમાં રહેલી તલવારે ઊંડો ઘાવ કરી દીધો.
રાણા પ્રતાપ ત્યાં સુધીમાં મુઘલ સેનાના મધ્યમાં એકલા પડી ચુક્યા હતા. એમની સાથે આવેલી ટુકડીના સિપાહી લડતા લડતા શહીદી વહોરી ચુક્યા હતા. એ મુઘલ સેનાના એટલા મધ્ય ભાગ સુધી આવી ચુક્યા હતા, કે હવે એમાંથી નીકળી શકવું પણ સતત મુશ્કેલ બનતું જઈ રહ્યું હતું. અન્ય કોઈ અશ્વ હોત તો પગમાં વાગેલા તલવારના ઘા પછી કદાચ રાણા ત્યાજ દુશ્મનોને શરણ થઇ ચુક્યા હોત, પણ પગમાં ઊંડા ઘાવ સાથે ચેતક રાણાના પ્રાણ રક્ષણ માટે સતત જજુમતો રહ્યો. મુઘલ સેના મહારાણા પ્રતાપને કોઈ પ્રકારે ઓળખતી ન હતી, પણ વસ્ત્રો અને મેવાડી મુગટના કારણે એમની ઓળખ છુપી પણ ન રહી. છતાય પોતાના અદમ્ય સાહસ વડે એમણે આખી ઘેરી વળેલી ટુકડીને અમુક જ ક્ષણોમાં છિન્નભિન્ન કરી નાખી. તેમ છતાય આસપાસની અન્ય મુઘલ શૈન્ય ટુકડીઓ એમના સંહાર માટે તત્પર હતી. રાણો ઘાયલ હતા અને અશ્વ ચેતક પણ યુદ્ધના પ્રહારોથી ઘાયલ થઇ ચુક્યો હતો. એવામાં લડી શકવું સતત મુશ્કેલ બનતું જઈ રહ્યું હતું, ત્યારે ઝડપભેર રાણા પ્રતાપના વિશ્વાસુ અને હમશકલ માનસિંહ દ્વારા એમનું મુગટ અને બખ્તર ધારણ કરી લીધું. જેથી મુઘલ સેના એમને જ રાણા પ્રતાપ સમજીને લડતી રહે, અને આ ભ્રમણામાં રહે ત્યાં સુધી રાણા ચેતકને લઈને સુરક્ષિત સ્થળે જઈ શકે. ઝાલા માન જાણતા હતા કે રાણા પ્રતાપ જીવંત રહેશે, તો જ આ જંગ સતત ચાલુ રહી શકશે. જો આજે રાણા અહી માર્યા જશે તો મેવાડ હંમેશા ગુલામીની ઝંઝીરોમાં બંધાઈ જશે. એટલે એણે સ્વરાજની સોગંધ દઈને રાણાને સુરક્ષિત સ્થળે જતા રહેવા માનવી લીધા. મહારાણા પ્રતાપ સાદા સૈનિકની જેમ સ્વામી ભક્ત ઘાયલ ચેતકની મદદથી રણક્ષેત્રથી દુર જવામાં સફળ રહ્યો. કેસરિયા કરવાની પૂર્ણ તૈયારી સાથે ઝાલા માન કહેર બનીને મુઘલ સિપાહીઓ પર તૂટી પડ્યો હતો. પણ મુઘલ શૈન્યનો ઘેરાવો વધતા ઝાલા માન ગંભીર રીતે ઘવાયા. જો કે ઝાલા માનની શહાદત સાથે જ મુઘલ સેના તરત જ વાસ્તવિકતા પારખી ચુકી હતી. અમુક મુઘલ સૈનિક તો રાણા પ્રતાપની પાછળ પણ લાગી ચુક્યા હતા. જો કે ઝાલા માનના બલિદાને નીકળી શકવાના મહારાણા પ્રતાપના માર્ગને અમુક અંશે સરળ બનાવી દીધો હતો.
પગમાં ઊંડા ઘાવ સાથે પણ ચેતકે રાણા પ્રતાપનો સાથ નહોતો છોડ્યો. ચેતક પણ હવે સમજી ચુક્યો હતો, કે રાણા પ્રતાપ હવે યુદ્ધ કરવા માટે સક્ષમ રહ્યા ન હતા. રાણા પ્રતાપનું શરીર તલવાર અને ભાલના ઘાવના કારણે મૂર્છિત અવસ્થામાં સતત સરતું જઈ રહ્યું હતું. છેવટે ચેતક પોતાના અંતિમ સમય સુધી મહારાણા પ્રતાપને સુરક્ષિત સ્થાન સુધી લઇ જવા પોતાના પૂર્ણ શક્તિને લગાડી રહ્યો હતો. છેવટે હલ્દીઘાટીથી પાંચ કિલોમીટર દુર જંગલોમાં મુઘલ શૈન્યને માત આપતો ૨૭ ફૂટના નાળાને વટાવી સુરક્ષિત સ્થિતિમાં લાવ્યા પછી ચેતકે પ્રાણ ત્યાગી દીધા. ચેતકના પ્રાણ મહારાણા પ્રતાપના ખોળામાં જ નીકળ્યા હતા. સ્વામિભક્ત ચેતકનું આ બલિદાન અને રાણાનો પોતાના પ્રિય અશ્વ માટેનો વિલાપ જોઇને પ્રતાપસિંહનો પીછો કરીને આવેલા શક્તિ સિંહની લાલસા ભાગી ગઈ હતી. એમના દિલના ઊંડાણમાં ભીના શૌર્ય અને લોઈની લાગણીઓ ઝંઝાવાતી તોફાન બનીને વહેવા લાગી હતી. પોતાના ભાઈ પ્રત્યેનું માન, પ્રેમ અને રાજપૂતી રક્તની વીરતા એનામાં ફરી એકવાર જીવંત બની ચુકી હતી. એણે જ મહારાણા પ્રતાપની પાછળ આવેલા અમુક મુઘલ સીપહીઓથી રક્ષા કરી હતી. જો કે મહારાણા પ્રતાપે યુદ્ધ ન કરવાની સ્થિતિ સ્વીકારીને શક્તિ સિંહને પોતાના સંહાર માટેની મંજુરી આપી દીધી હતી. પણ શક્તિ સિંહ રેલાતી આંખે એમના ચરણોમાં પાડીને માફી માંગી રહ્યો હતો. એણે પોતાનું સર્વસ્વ હવે રાણા અને મેવાડની સેવામાં અર્પણ કરવાની નિર્ણય લઇ લીધો હતો.
છેવટે મોઘલ સેનાથી રાણાને બચાવવા શક્તિ સિંહે પોતાનો અશ્વ આપીને રાણાને જંગલોમાં સુરક્ષિત સ્થાને લઇ જવા આદેશ આપ્યા હતા. ત્યાર બાદ રાણા પોતે જંગલોમાં પોતાના રાજપાઠ છોડીને ભિલો સાથે લગભગ ૨૦ વર્ષ સુધી રહ્યા હતા. પણ એમણે ક્યારેય આધીનતાનો સ્વીકાર ન કર્યો. મેવાડ પર જીત તો મુઘલ સામ્રાજ્યને મળી પણ છતાય એ લોકો મહારાણા પ્રતાપના આત્મસમ્માનને ક્યારેય ઝુકાવી ન શક્યા. એમણે જંગલમાં રહીને પોતાની નવી સેના તૈયાર કરી હતી. આ શક્તિ અને સંઘર્ષ દ્વારા જ મહારાણા પ્રતાપે પોતાના પાછળના સમયકાળમાં ચિત્તોડ સિવાયની હારેલી સંપૂર્ણ સત્તા ધીરેધીરે હાંસલ કરી લીધી હતી. ચિતોડ માટે એમનો સંઘર્ષ એમના મૃત્યુ સુધી ચાલતો રહ્યો હતો...
સુલતાન સિંહ ‘જીવન’
( માહિતી, સંકલન અને શોધ પર આધારિત લેખ... )