પ્રસ્તાવના:-
વાચક મિત્રો ઘણી વખત આંખો જોઇને બાંધેલી ધારણા સાચી નથી હોતી, અંદર કોઈ ઘમાસાણ ચાલતું હોય અને આંખો શાંત હોય છે, તો ક્યારેક આંખોમાં નૃત્ય દેખાતું હોય પણ અંદરનો દરિયો શાંત હોય, પહેલી નજરનો પ્રેમ એટલે? અંતે ગુનેગાર તો આંખો જ ને! એક અલગ પ્રકારની વાર્તા આપ સમક્ષ મૂકી રહ્યો છું, તો આપનો પ્રતિભાવ જરૂર આપશો..
મૃગનયની
ભાગ ૩
બાર તારીખે સાંજે હું દુકાનમાં બેઠો હિસાબ કરી રહ્યો હતો, રેશમા આવી, રેશમાને જોઇને હું ખુશ થઇ ગયો. રેશમાના ચહેરાના હાવભાવ જ કહેતા હતા કે એ કંઇક સારા સમાચાર લાવી છે.
મેં રેશમા સામે જોતા ઉત્સુક્તાવસ પૂછ્યું..
“શું કીધું પેલીએ, કાલે આવશે?”
“યસ, આવશે, માંડમાંડ સમજાવી છે, પણ મેં એક રિસ્ક લીધુ છે.”
“કેવું રિસ્ક.?”
“મેં એને એવું નથી કીધું કે તું સાથે આવવાનો છે.”
“કેમ? એવું કેમ કર્યું? ખોટું કેમ બોલી? હમણાજ ફોન કરીને કહી દે,”
“નોટ પોસીબલ, એ આવવાની હશે તો પણ નહી આવે. કાલે સાંજે ચાર વાગ્યાનો સમય આપ્યો છે,પ્લાનિંગ એવી રીતે બનાવ્યું છે કે સાંજે બગીચામાં જઇશું ત્યાંથી સાડા છ વાગ્યાનો સો છે, મુવી જોવા જઈશું, અને રાત્રે સાડાનવ વાગ્યે છૂટીને ડીનર માટે, કેવું રહેશે?”
“વાહ! તું તો સ્માર્ટ છે હો! જોરદાર પ્લાનિંગ બનાવ્યું, હું હમણાજ ત્રણ ટીકીટ બુક કરાવી લઉં છું.”
“હા, પણ તું બોલવામાં ધ્યાન રાખજે, અને એને ખબર ના પડવી જોઈએ કે આપણું પહેલાથી આવું આયોજન હતું. તારે એની સાથે એમજ વાત કરવાની કે તારું આવવાનું પાછળથી નક્કી થયું.”
“હા ચોક્કસ, આ પ્રેમની બાજીમાં કેવા કેવા ષડ્યંત્ર કરવા પડે છે. મારા સિદ્ધાંતથી વિપરીત છે આ.”
“અરે ગોળીમાર તારા સિધાંતને. પ્યાર ઔર લડાઈ મેં સબકુછ જાહીજ હે, સમજે જીગુ મિયા! ”
“હા તને બહુ ખબર પડે પ્યારમાં.”
“હેલ્લો મિસ્ટર. જો મને ખબર નાં પડતી હોત તો હું તારા માટે આટલી મહેનત ક્યારેય ન કરતી સમજ્યો?”
“ઓહો...હો..હો..હો વાત તો એમ કરી રહી છો જાણે પ્રેમ તો તને પણ થઇ ગયો હોય.”
“હા મેં એક સમયે કોઈ માટે આ દિલમાં જગ્યા રાખી હતી, પણ છોડ એ પછી ક્યારેક વાત.”
“પછી ક્યારેક કેમ? અત્યારેજ જણાવ ડીયર.”
“નાં પહેલા તારું એક કામ પૂરું થાય પછી ચોક્કસ જણાવીશ. પ્રોમિસ, હાલ હું જાઉં છું, કાલે મારો બર્થડે છે યાર, ઘણું બધું કામ બાકી છે.”
“ઓકે. પણ મને એ જાણવાની ઉત્સુકતા જરૂર રહેશે કે તારા મનનો માણીગર કોણ છે.”
રેશમા સ્માઈલ કરતા કરતા શરમાઈને જતી રહી, હું દુકાનના કામમાં વ્યસ્ત થયો..
***
આજે તેર ફેબ્રુઆરી અને રેશમાનો જન્મદિવસ છે. હું સવારમાં વહેલો ઉઠીને દુકાનના કામમાં લાગી ગયો સાંજે રેશમાની બર્થડે પાર્ટી માટે જવાનું હતું, હું નયનાને કેવી રીતે પ્રપોઝ કરીશ, કેવી રીતે શરૂઆત કરીશ એ વિચારતો રહ્યો, બપોરે બે વાગ્યે જ નવું બ્લુ જીન્સ અને અને બ્લેક ટીશર્ટ પહેર્યું, મુવી માટે ટીકીટનું બુકિંગ તો ઓનલાઈન કરાવ્યું હતું એટલે એ ચિંતા ન હતી. તૈયાર થઇને ત્રણ વાગ્યે દુકાન ઉપર નાના ભાઈને બેસાડીને સ્કુટર સીધું બગીચા તરફ દોડાવ્યું. રસ્તામાં કેક પાર્સલ કરાવી, સંભાળીને સ્કૂટરની ડીક્કીમાં મૂકી. બગીચાની બહાર બેઠેલા ફૂલવાળા પાસેથી એક ગુલાબનું ફૂલ લઈ પેપરમાં પેક કરાવી બગીચાની એક બેંચ ઉપર જઈને બેસી ગયો. રેશમાના મેસેજની રાહ જોવા લાગ્યો. થોડીથોડી વારે મોબાઈલ ચેક કરવા લાગ્યો.
સાડા ત્રણ વાગ્યે રેશમાનો મેસેજ આવ્યો..
”અમે નીકળી ગયા છીએ. તું બગીચામાં રાહ જુવે છે એ મેં નયનાને જણાવી દીધું છે.. એવરીથિંગ ઇસ ઓકે. ટેક કેર, એન્ડ ઓલ ધી બેસ્ટ ડાર્લિંગ.”
“ઓકે” મેં ટૂંકમાં રીપ્લાય કર્યો.
રેશમાનો મેસેજ વાંચીને મને શાંતિ થઇ. આજે મારા જીવનની બીજી તલાશ ખતમ થવા જઈ રહી હતી. બસ પહેલી તલાશ કામધંધો કે નોકરી હોય છે, એ રીતે હું સુખી હતો. જીવનમાં કમી હતી તો એ એક જીવન સાથીની, જે આજે પૂરી થઇ જશે.
ચાર વાગ્યા પણ બંને દેખાઈ નહી. એક એક મિનીટ મને એક એક કલાક જેવી લાગતી હતી. હું વ્યથિત થવા લાગ્યો. સવા ચાર વાગ્યે નયના અને રેશમા બગીચાની બહાર રીક્ષામાંથી ઉતરતી જોઈ હું ખુશ થઇ ગયો, મારી નજર સામેથી આવતી નયના ઉપર થોભી ગઈ. સફેદ કલરના સ્લીવલેશ લોંગ અનારકલી ડ્રેસમાં પરી જેવી લગતી, મો ઉપર સફેદ દુપટ્ટો લગાવેલો, બ્લેક ફ્રેમવાળા ચશ્માંમાંથી તેણીની હરણી જેવી આંખો મારા દિમાગને ફ્લેશ કરી દેતી, હું બધું ભૂલી જતો, મારી બોબડી બંધ થઇ જતી. રેશમા અને નયના મારી નજીક આવી, આવતાની સાથે મેં રેશમા સાથે હાથ મિલાવ્યો અને કહ્યું..
“હેપ્પી બર્થડે રેશમા.”
“થેન્ક્સ જીગા.”
“હાય નયના.” મેં નયના તરફ જોતા કહ્યું.
“હાય.”
હું જે બેંચ ઉપર બેઠો હતો તે બેંચ ઉપર બંને આવીને બેસી ગઈ. બેસતા બેસતા રેશમાએ મારી સામે જોઇને કહ્યું..
“જીગા, હું કંઇક નાસ્તો લાવું? પેલા લારીવાળા પાસેથી ચનાઝોરગરમ લાવું, તમે બેસો.”
એમ કહી રેશમાએ મારી સામે જોઇને એની બીલ્લાડી જેવી લુચ્ચી આંખ મારી. અને નયનાનું ધ્યાન ન જાય એ રીતે અંગુઠો બતાવ્યો, અને રેશમા ત્યાંથી જતી રહી. બગીચાના એ બાંકડા ઉપર હું અને નયના એકલા બેઠા હતા. એ ચુપચાપ બેસી રહી, હું કેવી રીતે શરૂઆત કરું એ વિચારવા લાગ્યો. પાંચ મિનીટ એમને એમ નીકળી ગઈ. પાંચ મિનીટ પછી મારા મોબાઈલની રીંગ વાગી. તે રેશમાનો ફોન હતો. મેં ઉઠાવ્યો.
“હેલ્લો.”
“ગધેડા, નયનાને તારી બાજુમાં બેસાડવા માટે નથી લાવી, ડોબા આમ તો બહુ બોલ બોલ કરતો હોય છે. હવે તારી પાસે પાંચ મિનીટનો સમય છે, શરૂઆત તો કર ડોબા.
ટુ...ટુ...ટુ... સામેથી રેશમાએ ફોન કાપી નાખ્યો. હું ઘડિયાળમાં જોવા લાગ્યો સેકન્ડ કાંટો ફૂલ સ્પીડમાં દોડી રહ્યો હતો. આજે હું પ્રપોઝ નહી કરું તો ક્યારેય નહી કરી શકું. મેં હિમત કરીને વાત આગળ વધારી.
“નયના. એક વાત પૂછું?
નયનાએ એની આદત મુજબ મારી સામે જોઇને માથું ધુણાવતા હા કહ્યું..
“તારી આંખો મસ્ત છે.”
“હા....હા… હા....હા… હા....હા... “ નયના મારી વાત સાંભળીને ખડખડાટ હસવા લાગી.
“કેમ મેં કંઈ ખોટું કહ્યું.”
“બસ ખાલી મારી આંખોજ મસ્ત છે?”
“બ.મ.મ...મ… મારે કાંઇક કહેવું છે, પણ જે કહેવું છે એ કહેવાનો મને અનુભવ નથી.”
મારી વાત સાંભળી એની આંખોમાં ઉદાસી જોવાઈ. હું શું કહેવાનો છું એ સમજી ગઈ હોય એવા ભાવ એની આંખોમાં જોવાયા. એની આંખોમાં એક અણગમો ફરી વળ્યો હોય એમ એ મારી સામે જોવા લાગી.
થોડીવાર એ શાંત રહીને હળવેથી બોલી.
“આગળ બોલવાની હિંમત ન કરે તો સારું છે. મારા ચહેરા પાછળ છુપાયેલી હકીકત જાણ્યા પછી તું જે કહેવાનો છે એ કહેવાનો ઈરાદો બદલી પણ જાય.”
“હા...હા...હા... નયના તે તો મારી પ્રોબ્લેમ સોલ કરી દીધી, મારા કહેવા પહેલા તું સમજી ગઈ એનાથી વિશેષ મને બીજું શું જોઈએ? જો તું સમજી ગઈ છો તો હું તારા જવાબની રાહ જોઇશ.”
“કોઈ રાહ જોવાની જરૂર નથી, મારી સ્પષ્ટ શબ્દોમાં ના છે, વાત મિત્રતા સુધી સિમીત રહે અને એ જળવાઈ રહે.”
“કેવી મિત્રતા? એક મિત્રને ચહેરા પાછળ છુપાયેલુ રહસ્ય ન જણાવી શકે!”
“હું એ રહસ્ય અકબંધ રાખવા માંગું છું, અને એ મારો અંગત નિર્ણય છે.”
“કોઈ રહસ્ય છે એ તો ખબર પડી! હું તને ચાહું છું એ પણ મારો અંગત નિર્ણય છે, તારા ભૂતકાળથી અને તારા ચહેરા ઉપર લાગેલા પડદાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, એ જણાવવું ન જણાવવું એ તારી ઈચ્છા ઉપર નિર્ભર છે. હું નહી પૂછું.”
મારી વાત સાંભળીને નયના ગુસ્સામાં ઉભી થઇ ગઈ, એની આંખોમાંથી આગના તિખારા જરી રહ્યા. એ ચાલવા લાગી, જતાં જતાં કદાચ એની આંખોમાં એવા ભાવ હતા જાણે હમણાં જ હું એનો હાથ પકડીને રોકીશ. મને પણ ક્ષણિક એનો હાથ પકડીને રોકવા વિચાર આવ્યો અને ચાલ્યો ગયો.
રેશમા ચનાઝોરગરમનું પડીકું લઈને આવી પહોંચી.
“શું થયું? અને આ નયના ક્યાં જાય છે? તે એને શું કહ્યું?” રેશમાએ આવતાની સાથે સવાલોનો મારો કર્યો.
“નાટક કરે છે સાલ્લી, લવ કરે છે પણ કહેવાની હિમંત નથી. હવે અહીં ઉભી ઉભી મારું મોઢું શું જોવે છે? જા એને બોલાવી આવ.”
રેશમા પડીકું મારા હાથમાં પકડાવીને નયનાની પાછળ દોડી, હું બેંચ ઉપર બેસી ચનાઝોર ગરમ ખાવા લાગ્યો. આ છોકરીઓના દિમાગ પણ ગજબના હોય છે. અંદર કંઇક જુદું ઘમાસાણ ચાલતું હોય અને બહાર કંઇક અલગ વર્તન. પંદર મિનીટ સુધી હું રાહ જોઈ બેઠો રહ્યો. રેશમા નયનાને સમજાવીને પાછી લાવી..
“કેમ પાછી આવી? અને પરત આવવું હતું તો પછી ચાલતી કેમ પકડી?” મેં નયના સામે જોઈ ગુસ્સામાં કહ્યું.
“અરે યાર જીગલા તું પણ ગજબ છે યાર, એક બાજુ તે મને નયનાને બોલાવવા મોકલી, હવે એ આવી ગઈ તો એને પરત આવવાનું કારણ પૂછે છે.” રેશમાએ ગુસ્સામાં છણકો કરતા કહ્યું.
“જો નયના મારે હવે કંઈ કહેવું પણ નથી અને કંઈ સાંભળવું પણ નથી. મને ખબર છે કે તારે જે સાંભળવું છે એ હું બોલી નહી શકું. અને તારે જે કહેવું છે એ તું નહી બોલી શકે. આજે તેર તારીખ છે. સોળ તારીખે સોમવારે દસ વાગ્યે હું રજીસ્ટ્રાર ઓફિસમાં તારી રાહ જોઇશ, આઈ હોપ તું આવશે. હવે તારે જવું હોય તો જઈ શકે છે.”
મારી વાત સાંભળીને નયના થોડીવાર મારી સામે અનિમેષ જોતી રહી. અને અચાનક એને શું વિચાર આવ્યો એ ફરી ઉતાવળા પગે બગીચાના ગેટ તરફ ચાલતી થઈ. નયના બગીચાના ગેટ સુધી પહોંચી હતી અને રેશમા ફરી એને બોલાવવા જતી હતી, પણ મેં રેશમાનું કાંડું પકડી રોકી.
“કેમ? એને ખોટું લાગી ગયું! અથવા તે પ્રપોઝ કરવામાં ઉતાવળ કરી.”
“કોઈ ઉતાવળ નથી કરી, એ સોમવારે આવશે.”
“અને નહી આવે તો?”
રેશમાએ સવાલ પૂછ્યો પણ મારું ધ્યાન દુર ગેટ તરફ જતી નયના તરફ હતું. નયનાએ બગીચાનો નાનો ગેટ ખોલ્યો અને બાહર નકળી, ત્યાં સુધી હું મુંજવણ માં હતો, મારા દિમાગમાં જાણે અંધારપટ છવાઈ ગયો, ગેટથી થોડે આગળ ચાલીને એ પાછી વળી, અને મારા ચહેરા ઉપર એક સ્મિત ફરી વળ્યું, પાછુ મારી તરફ એકવાર જોયું. નયના બગીચાનો નાનો ગેટ બંધ કરીને જતી રહી.
“જીગા, મેં તને કંઇક પૂછ્યું. સોમવારે નયના નહી આવે તો?”
“હા...હા.હા.. બગીચાનો ગેટ ખુલ્યો ત્યાં સુધીતો મને પણ એમ થયું હતું કે એ નહી આવે, પણ હવે હું તને ગેરેંટી સાથે કહું છું કે એ આવશે.”
“તું પાગલ છો? એના ઘરમાં એની મમ્મીને પૂછવાનું હોય, એના પપ્પા નથી એ સમજ્યા, એના પરિવાર વિષે તું શું જાણે છે?”
“એણે જતાં જતાં પણ ના કહ્યું?”
“ઓકે ચાલો એ આવે તો સારી વાત છે, પણ તમે બાને એ આજે મારો બર્થડે બગાડ્યો.”
ક્રમશ: