Premagni - 22 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમાગ્નિ - 22

Featured Books
Categories
Share

પ્રેમાગ્નિ - 22

મોક્ષ ગુરુજી પાસે બેઠો છે. ગુરુજી એને હવે નવરાત્રી આવે છે તેના માટે આશ્રમમાં માતાજીની નવચંડી અને નવેનવ દિવસ જપ-ધ્યાન-માળા હવન કરવાનું આયોજન કરી રહ્યા છે, એમાં મોક્ષને બેસવાનું કહી રહ્યા છે. મોક્ષ કહે, “ગુરુજી તમારા આશીર્વાદથી હું વરસોથી નવરાત્રી કરું છું પરંતુ ઈશ્વરકૃપાથી – તમારા આશીર્વાદથી મને અહીં દેવભૂમિમાં નવરાત્રી અનુષ્ઠાન કરવાનો મોકો મળ્યો છે. હું નવરાત્રીમાં રોજ પાઠ-માળા-હવન કરીશ. મૌનવ્રત પાળીશ અને નકોડા ઉપવાસ કરીશ. મને આશિષ આપો. હું સાથે સાથે એક તપ કરીશ મારા ઓરા માટે, મારા પ્રેમ માટે એટલે મારું વ્રત પૂનમ સુધી કરીશ. પૂનમનાં દિવસે રાત્રે હવન કર્યા બાદ જ તમારા હાથે પંચામૃતથી અપવાસ – વ્રત પૂર્ણ કરીશ.”

ગુરુજી કહે, “તું શરીરને પીડા આપીને વ્રત શા માટે કરે છે ? એકવારનો ફળાહાર કરજે અને અનુષ્ઠાન કરજે.” મોક્ષ કહે, “ગુરુજી તમારા ચરણમાં છું મને કશું થવાનું નથી. આપને વિનંતી કરું છું આપ મને આ રીતે જ વ્રત કરવા, તપ કરવા, અનુષ્ઠાન કરવા રજા આપો.”

ગુરુજીએ મંદ મંદ હસતા મોક્ષના માથે હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. કહ્યું કે જે થવાનું હોય તે થઈને જ રહે છે. મારા આશીર્વાદ દીકરા તારું તપ અનુષ્ઠાન સફળ થશે તું તારો પ્રેમ જીતી જઈશ. મા બાબા રક્ષા કરશે.

***

મનસા-હેતલ-મનસુખભાઈ-માલતીબેન ચારે જણા મુંબઈ એરપોર્ટ પર ઉતરી ગયા છે. બધાને લેવા હસુભાઈ અને મનસુખભાઈનો ડ્રાઈવર પણ આવેલ છે. મનસુખભાઈએ હસુભાઈને ગળે લગાડી દીધા અને મનસા અને હેતલનો હાથ હાથમાં આપી કહ્યું, આ તમી જણસ એવી ને એવી તમને પાછી સુપરત કરું છું કહીને હસવા લાગ્યા. હું અને માલતી મારો ડ્રાઈવર લેવા આવ્યો છે એની સાથે ઘરે જઈએ છીએ. તમે લોકો પણ મારા ઘરે ચાલો. કાલે તમારા ગામ જતા રહેજો. હસુભાઈ કહે, ના તમે પહોંચો. અમે સીધા ગામ જઈએ. પછી પાછા શાંતિથી આવવાના જ છીએને. માલતીબેને હસુભાઈને કહ્યું તમે વિનોદાબાને યાદ આપજો કે તમારી મૂડી એવી ને એવી પાછી લાવ્યા છીએ. મુહૂર્ત કઢાવીને વેળાસર જણાવજો. મનસા અને હેતલ આગળ વધીને મનસુખભાઈ અને માલતીબેનને પગે લાગ્યા. માલતીબેને બન્નેને આશીર્વાદ આપીને કહ્યું, સુખી રહો. મનસાને તો જલ્દી જલ્દી પાછા લઈ આવીશું હસતા હસતા ભેટીને બધાને વિદાય આપી.

હસુમામા બન્ને દીકરીઓને લઈને વાડીએ પહોંચ્યા. ખૂબ મોડું થઈ ગયું હતું પરંતુ વિનોદાબા-શાંતાકાકી અને હિનામામી રાહ જોઈને જ બેઠા હતા. હિનામામીની તબિયત ઠીક નહોતી એટલે હસુમામા એકલા જ એરપોર્ટ પર લેવા આવેલા. રસ્તામાં મનસા અને હેતલ સાથે મેલબોર્નની અને વ્યોમ વિકાસની વાતો કરતા હતા. મનસાએ હસુમામાને સહેજ પણ ગંધ ના આવવા દીધી કે વ્યોમ અને એ સમજૂતીથી છૂટા પડી ગયા છે અને પોતાના પ્રેમ સાથે જ લગ્ન કરશે. બધી ત્યાંની ફરવાની ખરીદીની – માણસોની રસ્તા –મોલ – ડિસિપ્લિન સ્વચ્છતા – શિક્ષણ – વગેરે બધી નવી નવી વાતો કરીને એરપોર્ટથી વાડીએ ક્યારે આવી ગયા એ ખબર જ ના પડવા દીધી. ગાડી આવીને ઊભી રહી અને વિનોદાબાને જોઈને મનસા દોડીને વળગી પડી પછી શાંતાકાકીને વહાલ કર્યું. હિનામામીને પગે લાગી. મનસાને હેમખેમ આવેલી જોઈને બધા હરખભેર સંતોષ પામ્યા.

***

વહેલી સવારનું બ્રહ્મમુહૂર્ત છે હજી આકાશમાં સૂરજદેવનાં અજવાળા પથરાયા નથી. આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે. આજથી મોક્ષનો તપનો વ્રત – અનુષ્ઠાનનો સમય શરૂ થાય છે. મોક્ષ નાહી-પરવારી ગંગા કાંઠે જ ધ્યાન સંધ્યા પરવારીને મા અંબાની પૂજા-અર્ચના કરીને પાઠમાળા કરી રહ્યો છે. આજથી નકોડા ઉપવાસ છે. સમગ્ર દિવસ દરમ્યાન મા અંબાની સ્તુતિ-દેવી ભાગવતનો અભ્યાસ માળાઓ અને સાંજના સમયે હવન કરે છે. શરીર પર માત્ર પીતાંબર છે. સૂવાનું ચટાઈ પર જમીન પર જ છે ખૂબ કઠણ તપ લીઘું છે. મૌનવ્રતને કારણે કોઈની સાથે બોલવાનું નથી એટલે સવારે ગુરુજીનાં આશીર્વાદ લઈને એ સેવામાં જ રહે છે. છેક રાત્રે ગંગાજીના ઘાટ પર આવે છે, શાંતિથી બેસે છે.

આમ ને આમ એકસરખું તપ કરતાં આજે આઠમનો શુભ દિવસ છે. મોક્ષનાં કપાળ પર ખૂબ તેજ આવી ગયું છે શરીરમાં નબળાઈ આવી ગઈ છે. આંખો ખૂબ મૃદુ થઈ ગઈ છે. મૌન છે. મોં પર દાઢી-મૂંછ વધી ગયા છે. એ અસલ સાધુ-સંન્યાસી જ લાગે છે. રોજ યોગ ઉપનિષદ – દેવી ભાગવત વાંચે છે. પોતાનાં આત્મા સાથે વાતો કરે છે. પ્રાણને આયામ કરવાની કસરત કરે છે. આજે આઠમનો ખાસ હવન કરવાનો છે અને 10 નાળિયેરની આહુતિ આપવાની છે. 10 શ્રીફળ એક નિમિત્ત છે આજે પોતાનાં મનમાં રહેલી અલગ-અલગ 10 જાતની કામના-વાસના-લાલચ-ઇર્ષા-તિરસ્કાર, ક્રોધ – બદલાની ભાવના, પરસ્ત્રીનું પાપ – વિચાર ચોરી – જૂઠ – બનાવટ આમ અનેક પ્રકારનાં પાપ એની ભાવના ત્યજીને મન-શરીરને પવિત્ર કરવાનું આહવાન છે એનો હવન છે એની ખૂબ મહત્તા છે. કાલે નવરાત્રીની પૂર્ણાહુતિ થશે એના માટે આશ્રમમાં ઉત્સવ છે. ઘણાં ભક્તો ભાગ લેવાના છે.

મોક્ષનું તપ-વ્રત-અનુષ્ઠાન ચાલુ જ છે. નવરાત્રી પૂરી થાય છે. પરંતુ હજી પાંચ દિવસ કાઢવાના છે – મોક્ષે વ્રત ચાલુ કર્યું ત્યારથી નક્કી કર્યું હતું કે વ્રત પૂરુ થયા બાદ જ ફોન ચાલુ કહીને MSG જોશે. ત્યાં સુધી ફોનને અડકશે પણ નહીં. વ્રત પૂનમ સુધીનું છે.

આજે મોક્ષના વ્રતનો છેલ્લો દિવસ છે. આજના બધા જ પૂજા-પાઠ પૂરા થઈ ગયા છે. રાતના 8 સુધીમાં તો હવન વગેરે બધું જ પતાવી દીધું છે. એના શરીરમાં ખૂબ નબળાઈ આવી ગઈ છે. એની દાઢી-મૂંછ ખૂબ વધી ગયા છે. શરીર અશક્ત થઈ ગયું છે. એ ચાલતો ચાલતો ગંગાનદીના ઘાટ પર આવીને બેઠો છે. એવા પગથિયા પર બેઠો છે જ્યાં એના પગ ગંગાજીના શીતળ જળને સ્પર્શી રહ્યા છે.

***

મનસાને મેલબોર્નથી આવ્યે એક અઠવાડિયું થઈ ગયું. ધીમેથી વિનોદાબા કહે, “તું આવી ત્યારથી ખૂબ જ ખુશ છે ત્યાંથી બધા માટે ઘણી વસ્તુઓ લાવી છો પરંતુ તેં એકવાર પણ વ્યોમને ફોન નથી કર્યો. શું વાત છે ? બધું બરાબર છે ને ? ગઈકાલે માલતીબેનનો ખબર પૂછવા ફોન આવ્યો તોપણ તે વાત ના કરી. મારે વાત કરીને ફોન મૂકી દેવો પડ્યો. આજે સવારે હસુમામાનો લગ્નનાં મુહૂર્ત કઢાવવા માટે ફોન આવ્યો તો તેં કીધું હજી શું ઉતાવળ છે ? દીકરા સાચું જણાવ શું વાત છે ? મને ગઈકાલે આખી રાત ચિંતામાં ઊંઘ નથી આવી. નવરાત્રી ચાલે છે. મનસા, તું માના નોરતા કરે છે. નોરતામાં જૂઠ્ઠુ ના બોલીશ મારાથી કંઈ છુપાવીસ નહીં સાચુ કહે.”

મનસાએ વિનોદાબાને બેસાડીને બધી જ સાચી વાત કહી દીધી. એ મન મનાવવા જ મેલબોર્ન ગી હતી. વ્યોમે પણ મા-બાપના દબાણથી જ સગાઈ કરી હતી. પોતે મોક્ષને MSG કર્યા તે વ્યોમે વાંચેલા-વ્યોમના ફોનમાં એણે વ્યોમના અર્ચનાને મોકલેલ મેસેજ વાંચેલા. એણે અતથી ઇતિ બધું જ વિનોદાબાને કહી દીધું. વિનોદાબા અચંબામાં પડી ગયા. મનસા કહે, “બા તમે જ કહેતા હતા અને બાપુએ પણ કીધું હતું કારણ વિના કંઈ જ નથી બનતું. જે થાય છે તે સારા માટે જ થાય છે. હું ભલે તમારા દબાણથી ત્યાં ગઈ હતી પરંતુ વ્યોમનું પણ બીજે ઠેકાણે નક્કી હતું. બા, સાચું કહું મોક્ષ જ મારા નસીબમાં છે. હું મોક્ષ વિના નહીં જીવી શકું. મોક્ષ જ મારી મંઝિલ છે. મા, તમારા આશીર્વાદ વિના હું કોઈ નિર્ણય નહીં લઉં પરંતુ મોક્ષ સિવાય કોઈ પુરુષ સાથે લગ્ન નહીં કરું – આ મારો નિશ્ચય છે. બીજા કોઈનું જીવન મારે નથી બગાડવું.”

વિનોદાબાએ નિર્ણય કર્યો. એમણે મનસાની સામે જોઈને કહ્યું, “બેટા ! ચાલ તારી પસંદગી એ જ મારી પસંદગી. સમાજને કે કોઈનેય જવાબ આપવાનો આવશે તો હું જવાબ આપીશ પરંતુ તારો જીવ જ્યાં લાગ્યો છે એ મોક્ષ જ્યાં હોય ત્યાં જવા તૈયારી કર.” મનસા તો ખુશ થઈ ગઈ. વિનોદાબાને વળગી જ ગઈ. એણે માને કહ્યું મોક્ષ ક્યાં છે એ એક વ્યક્તિને ખબર જ હોય એમને હું મારી બધી સાચી વાત જણાવીને જાણી લઈશ વિનોદાબા કહે કોણ છે ? મા અમારા આચાર્ય સુકુમાર સાહેબ મોક્ષ એમને કીધા વિના ક્યાંય આટલો લાંબો સમય જાય જ નહીં. મનસાએ આચાર્યશ્રીને ફોન કર્યો, પોતાની મા વિનોદાબા સાથે પણ વાત કરાવી અને જાણી લીધું કે મોક્ષ મુક્તાનંદજીનાં આશ્રમમાં હરિદ્વાર છે.

વિનોદાબાએ હસુમામાને ફોન કરીને બધી વિગત જણાવી અને બીજા જ દિવસે વાડીએ આવવા જણાવ્યું. આમ, બધાએ ખૂબ આનંદથી અને સર્વસંમતિથી મનસાને લઈને હરિદ્વાર જવાનું નક્કી કર્યું. ગુરુજીના આશીર્વાદથી બન્નેના વિવાહ નક્કી કરવાનું ઠરાવ્યું.

***

મોક્ષ ગંગાના ઘાટ પર પોતાના પગ ગંગાજળને સ્પર્શે એવી રીતે બેઠો છે. એનું ધ્યાન ફક્ત પોતાના પ્રાણમાં છે. એ ગંગાના નીર પર દષ્ટિ ફેરવ્યા કરે છે. એને અત્યારે અગમનિગમનો અનુભવ થઈ રહ્યો છે. એને લાગે છે, એનો પ્રાણ નીકળીને એક ઝળહળતા ઓરામાં ભળી રહ્યો છે – દૂર આકાશમાં પ્રકાશપૂંજ દેખાઈ રહ્યો છે. એને એવું લાગે છે એ સ્વયં પ્રકાશપૂંજ બની ગયો છે. એને કોઈ અગમ્ય અનુભૂતિ થઈ રહી છે. શરીર હોવા છતાં જાણે શરીર નથી એવો એહસાસ થઈ રહ્યો છે. એનું શરીર એક સ્વયંભૂ જ્યોત બની ગયું હોય એવું લાગે છે. એક યુગ્મ અર્ધનારીશ્વરનું સ્વરૂપ જોઈ રહ્યો છે અને એનામાં જ લીન થઈ જાય છે.

મોક્ષ પોતાનાં અગમ્ય અનુભવમાં લીન છે. ત્યાં જ પાછળથી એના ખભા પર કોઈનો સ્પર્શ થાય છે. એ ધીમેથી પાછળ જુએ છે તો ત્યાં મનસા ઊભી છે. એ આંખો ચોળે છે. આ સ્વપ્ન છે કે સત્ય ? મનસાની આંખમાંથી આંસુઓની ધાર વહે છે. બન્નેના ચહેરા એકબીજાની સામે જોઈ રહ્યા છે. નિઃશબ્દ બની ગયા છે. બન્નેની આંખો એકબીજામાં પરોવાયેલી છે. બન્ને જણા મૌનરૂપે વાતો કરી રહ્યા છે. આંખો દ્વારા બધા જ શબ્દો હદયમાં ઉતારી રહ્યા છે – એકબીજા પ્રત્યે કોઈ આક્ષેપ નથી બસ, બન્નેની આંખોમાંથી નિર્મળ જળ વહી રહ્યું છે અને ગંગામાં ભળી રહ્યું છે. બન્નેનાં શ્વાસ એક થઈ ગયા છે. ના કોઈ બંધન કે વિધિ, ના કોઈ મંત્રોચ્ચારની જરૂર છે. બે જીવ એક જ ઓરામાં રોપાઈ ગયા છે. ગંગાની સાક્ષીએ આકાશમાં દેખાઈ રહેલા પ્રકાશપૂંજની સાક્ષીમાં બે જીવનું મિલન થઈ રહ્યું છે. બન્ને એકબીજામાં મળી ગયા – સમાઈ ગયા ઓગળી ગયા. પ્રકાશમાં પ્રકાશ ભળીને એક પ્રકાશપૂંજ બની ગયા છે. બન્ને પવિત્ર પ્રેમસમાધિમાં પૂર્ણ થઈ ગયા.

ગુરુજીની સાથે વિનોદાબા-શાતાકાકી-હસુમામા હિનામામી બધા હાજર છે. ગુરુજીના હાથ આશીર્વાદની મુદ્રામાં આવી ગયા. વિનોદાબાની આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. એ એટલું જ બોલી શક્યા –“લગ્નના ફેરામાં ના હોય એટલી પવિત્રતા આ બે જીવનાં મિલનમાં છે. ઈશ્વરકૃપાથી જે થવાનું હોય તે થઈને જ રહે છે. કારણ વિના કંઈ બનતું નથી.” વિનોદાબાએ બન્નેને આશીર્વાદ આપ્યા.

***

વિનોદાબા મનસાને લઈને હસુમામા અને હિનામામીની સંગાથે સુકુમારભાઈની માહિતી મુજબ અહીં આશ્રમમાં આવી ગયા. ગુરુજીને સવિસ્તર વાત કરી. ગુરુજી બધાને લઈને મોક્ષને મળવા ગંગા ઘાટ પર આવી ગયા.

***

નયનો એકબીજાને નીરખીને બસ અશ્રુધારા વહાવી રહ્યા છે. બન્નેની આંખોમાંથી એકબીજા માટે ખૂબ નિર્મળ પ્રેમ વહી રહ્યો છે. નદી જાણે સાગરમાં લુપ્ત તઈ રહી છે. સાગર પણ અસહ્ય વિરહની વેદના પછી નદીને પોતાનામાં ભેળવી રહ્યો છે. બન્ને એકબીજામાં ઓગળી રહ્યા છે. સમાઈ રહ્યા છે. હવે શરીરમાં અસ્તિત્વ નથી રહ્યું પરંતુ એક “તત્વ”માં પરિવર્તિત થઈ રહ્યું છે. બન્ને જીવ એક થઈને એક પ્રકાશમાં જ સમાઈ રહ્યા છે. મનસા આજે મોક્ષનાં તત્વમાં ભળીને મોક્ષની તત્વમસી બની ગઈ છે. મોક્ષનાં વિશ્વાસની આસ્થા બની ગઈ છે. મોક્ષ મનસા આજે એક જ શક્તિમાં પરિવર્તિત થઈ રહ્યા છે. પ્રેમમાં અભિભૂત બન્ને આત્મા એક થઈ રહ્યા છે એક પ્રેમભર્યું અર્ધનારીશ્વર સ્વરૂપ બની રહ્યું છે.

મોક્ષ મનસાએ ગુરુજી-વડીલો-વિનોદાબા હસુમામા કાકી-મામી બધાને જોયા. બન્નેએ બધાને વંદન કર્યા. સામે ગુરુજી પ્રેમસભર આંખે પ્રેરણામૂર્તિ સમા ઊભા છે. મનસા મોક્ષ બન્ને ગુરુજીના ચરણોમાં પડી ગયા. ગુરુજી પણ બન્ને આત્માને પ્રેમઅગ્નિમાં પવિત્ર થઈ એક થતાં જોઈ રહ્યા. બન્નેને સજળ નયને આશીર્વાદ આપી રહ્યા.

મનસા-મોક્ષનાં આત્માનો પ્રકાશ એકરૂપ થઈને પ્રકાશપૂંજ બનતો સર્વે જોઈ રહ્યા. પૃથ્વી પરનાં બે જીવ એક થઈને નવો પ્રવાસ ખેડતા બધા જોઈ રહ્યા. ગુરુજી એટલું જ બોલી ઉઠ્યા –“બે એકસરખાં જ પ્રેમાળ જીવ એક ઓરામાં એક પ્રકાશપૂંજમાં સમાઈને પોતાના પ્રેમપથ પર ચાલી નીકળ્યા છે. ઈશ્વર સદાય એમને આનંદ-સુખ-એક સાથમાં જ રાખે.” સર્વે હાજર રહેલા મનસા-મોક્ષના પ્રેમ થકીના આ “મોક્ષ” ના મૂક સાક્ષી બની રહ્યા. બધાએ સજળ નેત્રે આશીર્વાદ આપ્યા. નિઃશબ્દ સ્વરોએ વાત કરી લીધી. બે જીવોએ એક થઈને અંત્યેષ્ઠિ સર્જીને વિહાર કરી જવાનો નિર્ણય લઈ લીધો સર્વ વ્યાપી બ્રહ્માંડમાં લીન થઈ ગયા. એક યુગ્મ ઓરા બની ગયો.

***

સ્વામીજીએ મોક્ષના પગ પાસે પડેલ એની ડાયરી ઉઠાવીને એમાં લખેલા છેલ્લા શબ્દો વાંચ્યા અને જાણે શબ્દાંજલિ બની ગયા.

મનસા...

“કરું છું પ્રેમ એટલો કે ઈશ્વર પામી ગયો હોત

સીંચુ છું લાગણીઓ તને મારી કે પૃથ્વી પામી ગયો હોત

કરું છું વિશ્વાસ એટલો કે શ્વાસ ભૂલી ગયો હોત

ભરું છું પગલાં એટલાં તારા પથમાં કે મંઝિલ પામી ગયો હોત

માનું છું તને “શક્તિ” મનસા કે પ્રકૃતિ પામી ગયો હોત

પામું છું તત્વમસી તને કે બસ મારું જ તત્વ ભૂલી ગયો હોત

હું છું એક પૃથ્વીનો ગોળો...

મનસાનાં ઓરાને “મોક્ષ”નાં ઓરાને ભેળવતો પૃથ્વીનો ગોળો છું.

મનસાને અમાપ પ્રેમ કરતાં મોક્ષને મૂક સાક્ષી પૃથ્વીનો ગોળો છું.

મનસા મોક્ષને પ્રેમપથ પર સંપૂર્ણ આશીર્વાદ આપતો પૃથ્વીનો ગોળો છું.

આ કુદરતનાં કરિશ્મા સમી મનસા મોક્ષની વાત

કરું છું બસ વિશ્વાસ એટલો કે જાણે હું પૃથ્વીનો ગોળો.”

***