Maansik Taklif in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | માનસિક તકલીફ!

Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

Categories
Share

માનસિક તકલીફ!

માનસિક તકલીફ!

યશવંત ઠક્કર

‘ડોક્ટર સાહેબ, હું મારા પતિને તમારી પાસે લાવીશ. એમને માનસિક તકલીફ છે.’

‘તમે ડોક્ટર છો?’

‘ના.’

‘તો તમને કેવીક રીતે ખબર પડી કે એમને માનસિક તકલીફ છે.’

‘એ એવું વર્તન કરે છે.’

‘કેવું વર્તન કરે છે?’

‘વિચિત્ર વર્તન કરે છે.’

‘વિચિત્ર એટલે કેવું? જરા મને કહેશો?’

‘એ પોતાની જાતને મહાન સમજે છે અને બીજા લોકોને મૂર્ખા સમજે છે.’

‘એ વિચિત્ર વર્તન કહેવાય? એને માનસિક તકલીફ કહેવાય?’

‘પણ મારા પતી ખરેખર મહાન નથી, તોય પોતાની જાતને મહાન સમજે છે.’

‘સમજવા દોને. ભલે સમજે. તમને એમાં શો વાંધો છે?’

‘પણ એ બીજા લોકોને મૂર્ખા સમજીને ઉતારી પાડે છે એ ખોટુંને?’

‘રૂબરૂમાં ઉતારી પાડે છે?’

‘ના, ફેસબુક પર ઉતારી પાડે છે.’

‘એવું કરવા દેવાનું. એવું કરવાથી એમને તો મજા પડતી હશેને?’

‘એમને મજા પડે પણ સામેવાળાને તકલીફ થાય એ પણ જોવાનુંને?’

‘સામેવાળાને ખરેખર તકલીફ થાય છે એવું તમે કેમ માની લીધું? બની શકે કે સામેવાળાને પણ મજા પડતી હોય.’

‘સામેવાળાને મજા કેવી રીતે પડતી હોય?’

‘પડતી હોય તો પણ તમને ઓછી ખબર પડવાની છે? બીજાને ખરેખર શું થાય છે એની ખબર તમને કેવી રીતે પડે?’

‘મને તો કોઈ ઉતારી પાડે તો મને ખૂબ જ દુઃખ થાય.’

‘તમારા પતિ તમને ઉતારી પાડે છે?’

‘ના, પણ બીજાને ઉતારી પાડે છેને?’

‘વળી પાછી એની એ જ વાત! તમરા પતિ બીજાને ઉતારી પાડે છે એમાં તમે શા માટે દુઃખી થાઓ છો?’

‘પણ એ રોજ ત્રણથી ચાર ફેસબુક ફ્રેન્ડ્સને બ્લોક કરે છે.’

‘કરવા દેવાના. એવું કરવાથી એમને તો રાહત થતી હશેને? સામેવાળાને પણ રાહત થતી હશે.’

‘પણ આ ખોટું ન કહેવાય? મારા પતિ પોતાની વાત સાથે સહમત ન થાય એમને ગધેડા માને એ ખોટું નહિ?’

‘માનવા દેવાના. એવું માનીને એ રાજી તો થાય છેને?’

‘રાજી થવાની આ રીત ખોટી નથી? મારા પતિની દૃષ્ટિએ, જે લોકો નરેન્દ્ર મોદીનાં વખાણ કરે એ બધા ગધેડા! સલમાનખાનનાં વખાણ કરે એ બધા ગધેડા! હિન્દી ફિલ્મો જુએ એ બધા ગધેડા! ગુજરાતી છાપાં વાંચે એ બધા ગધેડા! આવું ચાલે?’

‘એમના માનવાથી સામેવાળા ગધેડા બની જાય છે? કોઈના માનવાથી બીજા ગધેડા બની જતા હોત તો તો આ દુનિયા ગધેડાથી ઉભારાતી હોત. તમારા પતિના માનવાથી બીજા લોકો ગધેડા નથી બની જતા તો પછી તમારે ચિંતા કરવાની જરૂર જ નથી.’

‘ગધેડા તો ન બને પણ સામેવાળાને ગધેડા કહેવાથી સામેવાળાને દુઃખ ન થાય?’

‘એમને દુઃખ થાય જ એવું માની ન લેવાય. અને એમને દુઃખ થાય તો એ એમની તકલીફ છે. એમાં તમારે શા માટે દુઃખી થવું જોઈએ. તમારે તો તમારા પતિના સુખે સુખી થવાનું હોય અને દુઃખે દુઃખી થવાનું હોય.’

‘અરે પણ મારા પતિની બીજા લોકો તરફની તોછડાઈ મારાથી સહન થતી નથી.’

‘હવે તમે લાઇન પર આવ્યાં. તમારાથી સહન નથી થતું એ તમારી તકલીફ છે. સારવારની પ્રથમ જરૂર તમને જ છે. બોલો સારવાર ક્યારથી શરૂ કરવી છે?’

‘અરે પણ હું મારા પતિની તકલીફ લઈને આવી છું ને તમે મારી સારવારની વાત કરો છો? તમે કેવા ડોક્ટર છો?’

‘હું માનસિક રોગોનો ડોક્ટર છું. તમે પણ એ જાણો છો એટલે જ તો તમે મારી પાસે આવ્યાં છો’

‘મને કોઈ તકલીફ નથી. મારા પતિને તકલીફ છે.’

‘મેં તો તમરા પતિને જોયા નથી. તમને જોયાં છે અને મને લાગે છે કે તકલીફ તમને જ છે.’

‘તકલીફ મારા પતિને છે. એ વિચિત્ર વર્તન કરે છે. એમનું વર્તન મારાથી સહન થતું નથી.’

‘તમારા પતિનું વર્તન તમને વિચિત્ર લાગે છે એ તકલીફ તમારી છે. તમારા પતિનું વર્તન તમારાથી સહન થતું નથી એ તકલીફ પણ તમારી છે. તમે પહેલાં તમારી તકલીફની સારવાર કરાવો. તમારા પતિને સારવારની જરૂર છે કે નહિ એ પણ હું નક્કી કરીશ. ડોક્ટર હું છું, તમે નહિ.’

શ્રીમતી મોરઝરિયા વિચારમાં પડી ગયાં. આવું થશે એવું તો એમણે ધાર્યું જ નહોતું. એમણે તો ધાર્યું હતું કે, ‘ડોક્ટર મારા પતિને લઈને આવવાનું કહેશે. હું મારા પતિને સમજાવી પટાવીને ડોક્ટર પાસે લાવીશ, ડોક્ટર એમની સારવાર કરશે અને મારી સમજદારીની કદર કરશે, પણ...’

‘બોલો, શું કરવું છે? સારવાર જલ્દી કરવી છે કે પછી બીમારીને વધવા દેવી છે. તમારી બીમારી હજી પહેલા સ્ટેજ પર છે. જેટલું મોડું કરશો એટલી બીમારી વધવાની છે. આજથી જ સારવાર શરૂ કરવી છે?’

‘કરવી છે.’ શ્રીમતી મોરઝરિયા ગળગળા થઈને બોલ્યાં.

***