Karshan na Kartuto in Gujarati Comedy stories by Navneet Marvaniya books and stories PDF | કરશનના કરતૂતો

Featured Books
Categories
Share

કરશનના કરતૂતો

કરશનના કરતૂતો

નવનીત પટેલ

આમ તો એક પછી એક એમ બધી ઋતુઓ આવતી હોય છે. ‘વારા ફરતી વારો ને મેં પછી ગારો...!!’ પણ કરશન માટે ઉનાળો કંઇક વિશેષ જ હતો. કરશનના તોફાનોને કારણે ઉનાળામાં ભર બપોરે ગામ આખાને માથે લેતો. સખે સુવાય નો’તો દેતો.

હાં, તો વાત એમ હતી કે કરશનનો એ પરીક્ષા પૂરી થયા પછીનો દિવસ હતો. એટલે કે વેકેશનનો પહેલો દા’ડો. કંઈ કેટલાય દિવસથી દબાવીને રાખેલા તોફાનો રાફડાની જેમ ફાટી નીકળ્યા. રવિવારનો દિવસ હતો એટલે કરશનના બધા ભાઈબંધોને પણ રજા હતી. જેમાં આગળ-પાછળના ધોરણવાળા પણ આવી જતા હતા. સવારના પહોરમાં જ ગામમાંથી છોકરાઓ વીણી-વીણીને કરશને ખરાવાઈડ એટલે કે ગામના પાદરે ભેગા કર્યા અને બેટ-દળે રમવાની હાકલ કરી. ગામના બધા જ છોકરાઓએ કીક્યારી કરીને કરશનના આ પ્રસ્તાવને એક જ ઝાટકે વધાવી લીધો.

પણ મોટી મોંકાણ એ હતી કે રમવાના કોઈ જ સાધનો કોઈ પાસે હતા નહિ. કોઈના ખિસ્સામાં રાતી પાઇ પણ નો’તી કે ગામની દુકાનેથી પણ કંઇક ખરીદી શકાય...!! અમુક છોકરાવને તો ચડ્ડીએ ખિસ્સા જ ઠામુકા નો’તા. પરિસ્થિનો તાગ મેળવી કરશને આઘેરેક દેખાતું સાયકલનું તૂટેલું ટ્યુબ હાથમાં લીધું અને ઘઉં ચોખ્ખા કરવાના હલરના પતરા સાથે ઘસી ઘસીને તેના લીરા બનાવ્યા. ગામના બધા છોકરાઓ ટોળે વળીને કરશનનું આ નવું કૌતુક જોવા માંડ્યા. ભીડમાંથી કરશને તેના ભેરુઓને ગોતી એક્નોરા બોલાવ્યા. થોભણને દામજી દરજી પાસે વધારાના લૂગડાના ચીથરા લેવા મોકલ્યો અને છગનના કાનમાં કંઇક ગુસપુસ કરી. ભીખાએ કાન દઈને સંભાળવાનો દાખળો કર્યો પણ કંઈ કાને નો પડ્યું.

થોડી વારમાં થોભણ દોથો ભરીને વધારાના લૂગડાના ચીંથરા લઇ આવ્યો, ત્યાં સુધીમાં કરશને સાયકલના ટ્યુબના લીરે લીરા કરી નાખ્યા હતા. આસ-પાસ તપાસ કરીને એક ગોળ સરખો પાણો લીધો અને તેની ઉપર લૂગડાના ગાભા માંડ્યો વીંટવા. જોત-જોતામાં કુંભાર જેમ માટલું બનાવતા માટીના પીંડને શેપ આપે એમ ગોળ દડા જેવું કંઇક દેખાવા લાગ્યું અને પછી કરશને માથે વીંટ્યા ટ્યુબના લીરા. ટાઈંટ કરીને ફરતી બાજુથી વીંટીને કાળો ભમ્મર દળો બનાવ્યો. ટેસ્ટીંગ માટે વશરામને ખભે માર્યો..!! ઓચિંતા થયેલા વારથી વશરામ ગભરાઈ ગયો, તાજો બનાવેલો દળો તો તેના ખભે ચમ્મ કરતો ચોંટી રહ્યો. ઓય.. માં..!! કરતોકને વશરામ ખુન્નસવાળા મોઢે કરશનને ઘુરતો, પોતાનો ખભો પસવારવા માંડ્યો. તેના ખભે લાલ ચામ્ભુ થઈ ગયું.

કરશને દાંત કાઢતા કહ્યું, “આ તો જોતો’તો લાગે છે કે નહિ....!! સારું ચાલો હવે આપણે રમવાનું ચાલુ કરીએ આમને આમ દી’ માથે આવી ગ્યો” ત્યાં તો ક્યારનો શાંતિથી ઓશિયાળુ મોઢું કરીને ઉભેલો ભીખો બોલ્યો “શું ધૂળ રમશું..? બેટ કે ગેડી જેવું કંઈ છે તો નહિ...?!” કરશન પેટ પકડીને દાંત માંડ્યો કાઢવા. કારણકે તેને દુરથી આવતો છગન દેખાણો અને તેના હાથમાં ચાર જાડા લાકડાના બળીકા હતા. “આજે બેટ-દળે નહિ તો ગેડી-દળે રમીશું” કહી કરશન, દુરથી આવતા છગનની સામે દોડ્યો. છગન તેના તરસીકાકાના ગાડામાં નવા જ નાખેલા આડા કાઢીને લઇ આવ્યો હતો તે જાણીને કરશન તો દાંત કાઢી કાઢીને ફિંડલા વળી ગ્યો. ક્યારના રાહ જોતા ટાબરીયાઓ પણ ગેલમાં આવી ગયા. આમ તો તેમાના મોટા ભાગના પ્રેક્ષકો જ હતા. આ પ્રેક્ષકો પણ બહુ કામના. કારણકે તેના વગર રમનાર બાહોસ ખેલાડી વટ કોની સામે પાડે...!!

ફટાફટ ટીમ પડી ગઈ અને ગેડી-દડાની રમત શરુ થઇ. શરૂઆતમાં તો પ્રેકટીસ નહિ હોવાના કારણે દડાનો અને ગેડીનો સંપર્ક જ નો’તો થઇ શકતો પણ પછી ફાવટ આવી જતા દાવ આપનાર અમરશી પરસેવે રેબ-જેબ થઇ ગ્યો તોય દાવ ના ઉતરે, એવો બધાએ ભેગા થઇને કોઈચ્વો...!! થોભણના એક ફટકાથી દડો હરજીભાઈની તલાવળીમાં જતો રહ્યો. બધાય છોકરાવ ગાડેળાના ટોળાની જેમ સરર...સટ કરતા તલાવળીના કાંઠે ભેગા થઇ ગયા અને એકના એક ઓશિયાળા દડાને પાણીમાંથી કાઢવાના ઉપાયો આદરવા માંડ્યા. કરશનની ટોળકીમાંથી કરશન સિવાય કોઈને તરતા આવડતું નો’તુ. કરશન પણ આ કાદવયુક્ત તલાવળીમાં જવા માટે હિમ્મત નો’તો કરતો. થોડીવાર બધાએ ઝાડના ડાળખાં નાખી-નાખીને દડાને શોધવાના વ્યર્થ પ્રયત્નો કરી જોયા. પણ કરશન જાણતો હતો કે દડાના મેન્યુફેકચરીંગ વખતે તેમાં પત્થર પોઢાળેલ હોવાથી દડો પાણીના તળીએ જઈને બેઠો હશે.

અચાનક ત્યાંથી ભેસો ચરાવતો જીવણ ભરવાળ નીકળ્યો. કરશને તેને જોતા વેંત મોંફાટ રાડ પાડી અને પાણીના તળીએથી દડો કાઢી આપવા હાકલ કરી. આખા ગામમાં જીવણ જેવો કોઈ તરવૈયો નો’તો. પણ જીવણના માતાજી મઢમાં હોય તો જ આવુ જનસેવાનું કામ કરે, બાકી રામ તારી માયા...!! આજે પણ ચોઘડીયા કંઇક એવા જ હતા. જીવણે ઘસીને દડો કાઢી આપવાની ના પાડી દીધી. થોભણ સાવ ગળગળો થઇ ગયો “જીવણકાકા કાઢી દ્યોને દડો...!!” જીવણ નાકના ફોયણા ફુલાવીને કહે, “હું કંઈ નવરો છું તમારા દડા કાઢવા, મારે મારું ડોબુ હવારનું ગુમ થઇ ગયું સે, ઇ ગોતું કે તમારો દડો ગોતું...!?” કરશનથી નો રેવાણુ “જીવણકાકા અમે તમારી ભેસ ગમ્મે ત્યાંથી ગોતી દેશું, પહેલા તમે અમારો દડો ગોતી દ્યોને યાર..!!” જીવણ એકનો બે નો થ્યો.

ટોળું ધીમે ધીમે વિખેરાવા માંડ્યું. રમતમાં જેનો જીવ પરોવાયો હતો તેને હજુ દડો કાઠે આવીને દર્શન દેશે એવી હામ હતી. તે પ્રયત્નો કરી રહ્યા હતા. અમુક લોકો તો ચડ્ડી ઉંચી ચડાવીને ગારો પણ ખુંદતા હતા, જો કાઠે જ ક્યાંક ગારામાં ખુચી ગયો હોય તો મળી જાય. આ ભવ્ય રમતના પ્રેક્ષકોને શ્રદ્ધા ખૂટી પડી અને એ લોકો તો હાલી નીકળ્યા ગામના ઝાંપા બાજુ. વેકેશનનો પહેલો દિવસ અને રવિવારનો દા’ડો, બંનેની મજા મરી ગઈ. કરશનના ભેરીઓ પણ દડો ગોતી ગોતીને થાક્યા. લમણે હાથ દઈ તલાવળીના કાઠે ઝાડવાના છાયે બધાએ ધામા નાખ્યા.

ત્યાં અચાનક વાતાવરણમાં કંઇક બખડ-જંતર થયું...!! જીવણ ભરવાડની ભેંસો ત્યાં પાણી પીતી હતી અને તલાવળીના કાઠે કૂણું-કૂણું ખડ ચરતી હતી ત્યાં જ અચાનક બે ભેંસો ગોળ-ગોળ ચકરડી ફરવા માંડી. આજુ બાજુ ધૂળની ડમરી ઉડવા માંડી. જીવણે ભેંસોની નજીક જવાનો દાખડો કર્યો પણ ધૂળની ડમરીમાં તેની આંખ જ નોતી ખુલતી. બીજી બધી ભેંસોમાંય નાસ – ભાગ મચી ગઈ. આ બધી ધમાલમાં છગન એક ભેસની હળફેંટે ચઢી ગ્યો. ભેંસે સિંગડામાં છગનને ચડાવી હવામાં ઉલાળ્યો. પણ છગન નસીબનો એવો બળુકો કે એ ભેસની પાડી તેની પાછળ જ આવતી હતી, તેની ઉપર જઈને પડ્યો. કોઈ મહારાજા જાણે ગજરાજ ઉપર આરૂઢ થઇને નગરની શોભા જોવા નીકળે તે રીતે છગન તો હક્કા બક્કા થઇને આજુ-બાજુ આંખો ચોળતો જોવા માંડ્યો. પાડીને અચાનક આ અઢી મણની કાયા પીઠ પર ચઢી બેસવાથી ખુબ વજન લાગવા માંડ્યો. છતાં પણ પાડીએ તો તેના મમ્મીની પાછળ દોડવાનું ચાલુ જ રાખ્યું. ભેંસો બધી ગાંડી તુર બનીને આમથી તેમ નાસ ભાગ કરવા માંડી હતી. જીવણ મોટે મોટેથી હાકોટા-પડકારા કરતો હતો પણ અત્યારે એકેય ભેંસ જીવણનું સાંભળવા તૈયાર નો’તી. થોભણ અને ભીખ્ખો તો છગનને સિયાવીયા થઈને પાડી પર બેઠેલો જોઈ દાંત કાઢી-કાઢીને હેઠા પડી ગ્યા. શાંતિથી ચરતી હતી તે ભેસોમાં પણ જાણે કોઈક નવા જ લોહીનો સંચાર થયો હોય તેમ ગાંડીતુર બનીને તળાવળી ડહોળવા માંડી.

અચાનક પાડી પર સવાર થયેલા છગનની નજર પાણીમાંથી બહાર આવતી ભેંસના ગળે બાંધેલા ડેરા પર ગઈ. છગન તો આનંદથી કીકીયારીઓ કરી ઉઠ્યો અને હરખપદુડો થઇને પાડી પરથી સીધું જ પાણીમાં પડતું મુક્યું અને પાણીમાંથી બહાર નીકળતી ભેંસના ગળા અને ડેરા વચે સલવાઈ ગયેલો દડાને ઝપટી લીધો. કુરુક્ષેત્રમાં કૌરવોનો વધ કરવા ભીમ જેમ ત્રાડો નાખતો હતો તેમ છગને ગગનભેદી બરાડો પાડ્યો, “એ, દડો મળી ગયો, મળી ગયો” બધા જ ખેલાળીઓ ઘડીના છઠ્ઠા ભાગમાં પાછા ભેગા થઇ ગયા. પ્રેક્ષકગણ હજુ ગામના જાપામાં નો’તુ પ્રવેશ્યું. એ બધા પણ હળીયોહળી ખોટ્ટા રૂપિયાની જેમ પાછા આવ્યા. પણ કરશન ક્યાય દેખાયો નહિ...!!

ભેંસો બધી ધૂણીને થાકી, ડમરી થોડી હેઠે બેઠી. જીવણ તેના ડોબાઓની દેખભાળ કરવા લાગ્યો. અને ત્યાં જ બધી ભેંસોની પાછળ સંતાયેલા કરશને દર્શન દીધા. જીવણને વાતને સમાજતા વાર ના લાગી. તેણે તેની કળીયારી ડાંગ હાથવગી કરી.

વાત એમ બની હતી કે જીવણે દડો ગોતી આપવાની ના પાડતા કરશન ખારો ધુધવાર થઇ ગયો હતો. કરશને જઈને ભૂરીભેંસ અને ચાંદરિભેંસના પુછ્ડા સામ-સામે બંધી દીધા. એક-બીજાના પુછડા ખેંચાવાથી બંને ભેંસો ભળકેલી અને એક-બીજીને સિંગડા મારવા માટે ગોળ-ગોળ આંટા ફરવા માંડી. દિવાળીમાં જેમ ભોં-ચકરી થાય તેમ ધૂળની ડમરીઓ ઉડાડી દીધી અને એના લીધે બધી ભેંસો ભળકેલી. જેમ-જેમ પુંછડા ખેંચાતા ગયા તેમ-તેમ ગાંઠ મજબુત થતી ગઈ. આ બધી રમખાણની મજા કરશન ભેંસોની પેલી બાજુ એકલો ઉભો-ઉભો લેતો હતો.

ડમરી થોડી ઓછી થવાથી જીવણ હાથમાં ડાંગ લઈને કરશનની પાછળ નાઠો. કરશન તો કાન વાઢયુ કુતરું ભાગે એમ ભાગ્યો. ગામમાં ઉભી બજારે બેઉ જાય ભાગ્યા...!! આગળ કરશન અને પાછળ જીવણ. આઘેરેક જતા ગામમાં ધરમસી વસ્તાની નાની દીકરી નીમુંના લગ્ન લીધા હતા, એટલે શેરી વરારીને જાનના જમણવારની તૈયારીઓ ચાલતી હતી. કરશન મોકો ગોતી આડશ નીચેથી સરકીને અંદર ઘુસી ગયો. અંદરના ભાગમાં રસોડું હતું. બાબુ કંદોઈ તૈયાર થઇ ગયેલી રસોઈને આખરી ઓપ આપવામાં તલ્લીન હતો. એક બાજુ મોટા સુંડલામાં પાપળ તળીને રાખ્યા હતા તેની બાજુમાં મોટી કથરોટમાં ભાત ઢાંક્યા હતા, બીજી બાજુ શાક અને દાળના મોટા મોટા ટોપ ભરીને પડ્યા હતા. નીચે એક નાની ચોકી ભરીને સલાડ કપાયેલું તૈયાર પડ્યું હતું. વચ્ચોવચ એક મોટી ચોકીમાં જાંબુ માટે ચાસણી ઠારવા મૂકી હતી.

કરશન જેવો મંડપની આડસને ઉંચી કરી અંદર પ્રવેશ્યો કે ધબ કરતો ચાસણીની ચોકી ઉપર જ ઉંધે કાંધ ખાબક્યો. બાબુ કંદોઈ તો ફાટેલા ડોરે જોઈ જ રહ્યો કે “મારું બેટું આ શું છે...? કુતરું તો લાગતું નથી..?!!” અને કરશન ગરમ-ગરમ ચાસણીમાં પડવાથી ઓય માળીને ઓય બાપલીયા કરવા માંડ્યો...!! અધ ઉપર કરશન ચાસણી યુક્ત બની ગયો હતો. આ બધું આંખના પલકારામાં બની ગયું હતું. કરશન નીતરતા લુગડે માંડ હજુ ઉભો થયો ત્યાં તો તેની રાડ સાંભળી જીવણ ભરવાડ તેની વાહો વાહ આડસ નીચેથી રસોડામાં પ્રવેશ્યો. કરશનની આ હાલત જોઈને જીવણને લગરીકેય દયા નો આવી અને ઉલટાનો હવે શિકાર માંડ હાથમાં આવ્યો છે, તેની ખુશીમાં મુછ પર તાવ આપવા જેવો હાથ મુછ પર મુક્યો જ હશે કે કરશને પરીસ્થીતીનો તાગ કાઢી ફરી પાછી ગરગળતી દોટ મૂકી. ધરમશીભાઈના વાળાની વાળને ઠેકતોકને કરશન ઉભી શેરીએ ચડ્યો. આ શેરીમાં જ આગળ જતા કરશનનું પોતાનું જ ઘર આવતું હતુ એ કરશનને ખબર હતી. કરશન એ પણ જાણતો હતો કે આ રીતે નીતરતી ચાસણીએ ગૃહ પ્રવેશ કરીશ તો બાપા કયા પ્રકારનું સ્વાગત કરશે અને બા કેવી રીતે પોંખશે...?!

જીવણ ભરવાડ પણ તેની ભેંસોની ચિંતા કર્યા વગર કરશન પાછળ જ દોડ્યો આવતો હતો. કરશને ઘરે જવાનું માંડી વાળી નરશીબાપાની ડેલી ખુલ્લી ભાળતા તેમાં ઘુસી ગ્યો. અચાનક આંખ સામેથી કરશન ગાયબ થઇ જતા જીવણ હાંફતો હાંફતો ચારે કોર જોવા માંડ્યો. ગામડા ગામમાં બપોરા કરવાનો વખત થઇ ગયો હોવાથી સહુ કોઈ પોતપોતાના ઘરમાં જમવા બેઠા હતા. આજુ બાજુ કોઈ દેખાતું નો’તું. નરશીબાપાની ઘેરે પણ બધા જમવામાં મગ્ન હતા, ફળિયામાં કોઈ દેખાતું નો’તુ. કરશન લાગ જોઈને નરશીબાપાના નીણ ભરવાના ડેલામાં ઘુસી ગયો. ડેલામાં કપાસનો ઢગલો હતો. કરશન ઠેક્ડો મારીને તે ઢગલા પર ચઢી ગયો અને ખાલી મોઢું જ બહાર રહે તેમ શ્વાસ લેતો પડ્યો રહ્યો.

જીવણ નરશીબાપાની ખુલ્લી ખડકીમાં બહારથી ડોકા કાઢતો હતો પણ નરશીબાપાના સ્વભાવથી અવગત જીવણ અંદર જવાની હિમ્મત નો’તો કરતો. આમને આમ થોડોક સમય વીતી ગયો. કપાસની ગંજીમાં પડ્યા પડ્યા કરશનને ખુબ ગરમી થવા લાગી. એટલે કરશન બિલ્લી પગે કપાસના ઢગલા પરથી નીચે ઉતાર્યો. પણ આ શું....?!! આખા શરીરે ચાસણી પર કપાસ ચોંટી ગયો હતો. જાણે કરશન માંથી ઘેટું ના બની ગયુ હોય...!! કરશન કંઈ વિચારે તે પહેલા તો તેને બાહરથી જીવણની બુમ સંભળાઈ “એય કરશનીયા, બહાર આવ. મને ખબર છે તું નરશીબાપાના ઘરમાં જ છો” જીવણ નરશીબાપાની ડેલીએ ઉભો ઉભો બુમ પડતો હતો.

કરશનને થયું કે હવે તો જો પકડાઈ ગયો તો પણ વાંધો નથી કારણ કે તેને નરશીબાપા અને સંતોકમાંના નાના-મોટા કામો કર્યા હતા એટલે જીવણ ભારવાળના મારમાંથી આ લોકો તો મને બચાવશે જ. પણ કરશનનું ધ્યાન તેના શરીર પર પડ્યું “સાલ્લુ, આ વેહમાં મને ઓળખે તો બચાવે ને..?” કરશન લપાતો છુપાતો ભેંસની ગમાણમાં જઈને સંતાઈ ગયો. ભેસ હજુ બહાર લીંબડા નીચે બાંધી હતી એટલે ભેંસ બાંધવાનું એકઢારીયુ ખાલી હતું. કરશને ગમાણમાં સ્થાન લઈને ઉપર ભેંસે ખાધેલી કળબની ઓગઠ પાથરી દીધી અને રાહતનો દમ લીધો. અહી કપાસના ડેલા કરતા થોડો હવા ઉજાસ સારો હતો. કરશનને કકળીને ભૂખ લાગી હતી પણ હવે આ ઘેંટા જેવા વેશમાંથી છુટકારો કઈ રીતે કરવો તે કંઈ સુજતુ નો’તું.

થોડી વારમાં જીવણની બુમો સંભળાતી બંધ થઇ એટલે કરશન નિશ્ચિંત બન્યો કે હાશ ઘાત ગઈ. પણ કરમની કઠણાઈ કેવી કે કરશન હજુ ગમાણમાંથી બહાર નીકળવાનું વિચારતો જ હતો ત્યાં જ સંતોકમાં ભેંસ ને લઈને ગમાણે બાંધવા આવ્યા. કરશનના ધબકારા વધી ગયા. શ્વાસ રોકીને કરશન મડદાની જેમ બિલકુલ હલન ચલન વગર પડ્યો રહ્યો. સંતોકમાંએ ભેંસને ખીલે બાંધી અને ગમાણમાં કળબનો એક પૂળો તોળીને નાખ્યો અને જતા રહ્યા. ઉપર કળબનો પુળો ને નીચે કપાસ ચોંટેલો કરશન...!! ભેંસ તો ભૂખની મારી કરશનના શરીર ઉપર મુકેલો પૂળો ભચળ-ભચળ માંડી ખાવા. થોડીવારમાં કળબનો પૂળો તો ખલાસ થઇ ગયો. ભેંસને ગમાણમાં પડેલા કપાસમાં ચાસણીની સુગંધ આવવા લાગી ! તે સુંઘતી, સુંઘતી માંડી કરશનને જીભથી ચાંટવા. કરશનથી રેવાણું નહિ. તેણે આઘું-પાછું થવા માંડ્યું. એ જોઈને ભેંસ ભળકી...!! ભેંસના કાટ ખાઈ ગયેલા મસ્તિસ્કમાં પ્રશ્ન ઉભો થયો “સાલ્લુ આ કપાસ એકલો એકલો કેમનો હલે છે...?!” ભેંસ તો ગમાણથી થોળી દુર હટી ગઈ અને ચક્કર-વક્કર ડોળા કાઢીને આ કૌતુક જોવા માંડી.

કરશનને ચાસણી ઉપર ચોંટેલા રૂની નીચે કંઇક સળવળાટ થતો લાગ્યો. ચાસણીની મીઠી સુગંધથી લલચાઈને આવેલી કીડીઓએ કરશનના શરીર પર કાળો કેર વર્તાવાનું શરુ કર્યું. કરશન ગમાણમાંથી નીણ અને રૂને હાથથી હવામાં ઉડાડતો બાહુબલીની જેમ ભેંસને ઠેકીને એકઢારીયામાંથી બહાર આવ્યો. કરશન જેવો નરશીબાપાના ઘરમાંથી બહાર આવ્યો કે ગામના લોકો તેને જોઈને કોઈ ભૂત કે ખીજડોમામો સમજી બેઠા...!! કરશન ઉભી બજારે જાય ભાગ્યો. હવે કોની ઘરે જાઉં અને ક્યાં આશરો લઉં તે વિચારતો કરશન દોડ્યે જ જતો હતો. જોનારને એવું લાગતું હતું કે જાણે કોઈ ઘેટું બે પગે માણસની જેમ દોડતું ના હોય..!!

આખા ગામમાં બધા લોકો બપોરા કરીને સુવાની તૈયારી કરતા હતા ત્યાં જ ભૂત, ભૂતની બુમોએ આખા ગામની શાંતિ છીનવી લીધી. નાનકડા ગામમાં વાત ફેલાતા વાર ના લાગી. એક તો ગામમાં ખીજડા મામાની અફવા વાયુવેગે ફેલાતી હતી અને એમાં કોઈકે નજરે મામો જોયાની વાતો માંડી થવા. ગામના પુરુષો લાકડી, ધારીયા ને કવાળી લઇ લઈને શેરીઓમાં નીકળી પડ્યા. કરશન દોડતો દોડતો આ શેરીએથી બીજી શેરીએ એમ લગભગ આખા ગામને ખુંદી વળ્યો. કરશન આગળને આખું ગામ ખીજડામામાની પાછળ...!! બધા લોકોએ આવું ભૂત તો પહેલી વાર જોયું હતું, એટલે આજે તો ભૂત ને પૂરું જ કરવું છે એવી નેમ સાથે ગામના બધા જ પુરુષો મરણીયા થયા હતા. કરશન દોડી-દોડીને સાવ અધમુવો થઇ ગયો હતો. અધૂરામાં પૂરું કીડીયો પણ ચટકા ભરતી હતી. એક નાની ગલીમાં થઇને ગામના ટોળાને ચક્મ્મા દઈને કરશન ગામના જાંપામાંથી ખરાવાઈડમાં ભાગી ગયો. પાછુ વળીને જોયું તો લોકોનું ટોળું તેની પાછળ જ હતું. ટોળું બહુ મોટું થઇ ગયું હતું. લગભગ આખું ગામ હલકીને ભેગું થઇ ગયું હતું. અને જોર જોરથી ખીજળામામાના નામની બુમો પાડતું હતું. કરશનને બચવાનો એક જ રસ્તો દેખાયો, સવારે જેમાં દડો ખોવાઈ ગયો હતો તે હરજીભાઈની તલાવળી.

કરશન કુદકો મારીને તલાવળીના પાણીમાં પડ્યો. પાણીમાં પડતા જ ચાસણી ઓગળી ગઈ અને કપાસ ભીનો થઈ છૂટો પડી ગયો. કરશન સાવ હલકો થઇ ગયો. ગામનું ટોળું તલાવળીના કાંઠે આવી પહોંચ્યું. ગામના લોકો કરશનને ઓળખી ગયા. ટોળામાં ગણગણાટ થવા માંડ્યો “આ તો ગંગારામ બાપાનો કરશનીયો” પાણીમાં જેમ કુકડો પલળે તેમ પલળેલો કરશન બે હાથ જોડી તલાવળીમાંથી બહાર આવ્યો. ટોળામાંથી મારગ કરીને ગંગારામબાપા આગળ આવ્યા અને કરશનને બોચીએથી પકડીને બે જાપટ મારી.

કરશનને એ ખબર ના પડી કે બાપાએ માર્યો કેમ...? હશે, આગલા રેકોર્ડ કોઈક બાકી રહી ગયા હશે એમ સમજીને કરશન, મન મનાવતો ગંગારામબાપાની સાથે ચાલી નીકળ્યો. ગંગારામબાપાએ હજુ કરશનને બોચીએથી પકડી રાખ્યો હતો. આગળ આ બેઉ બાપ-દીકરો ને પાછળ આખું ગામ. હજુ ગામના જાંપામાં દાખલ થાય છે ત્યાં તો સામેથી ગાડાનું આડું લઈને છગનના કાકા તરસીભાઈ આવતા હતા. આવીને તરસીભાઈ તો માંડ્યા ગંગારામ બાપાને ઘઘલાવવા. “આ તમારો કરશનીયો મારા ગાડાના નવે નવા આડા લઇ જાય છે અને ગેડી દળે રમે છે” ગંગારામ બાપાની આંખો લાલ થઇ, કરશનની બોચી પકડેલો હાથ મજબુત થયો. કરશને ભાગી છૂટવાનો ઘણો દાખડો કર્યો પણ ઘી-ગોળ ખાધેલા તેના બાપાના હાથમાંથી કોઈ રીતે છટકી શકાયું નહિ. અને અંતે ધરાઈને ગંગારામબાપાના હાથનો મેથીપાક ભરપેટ ખાધો.

***