Naajuk Vel in Gujarati Love Stories by Minaxi Vakharia books and stories PDF | નાજુક વેલ

Featured Books
Categories
Share

નાજુક વેલ

‘નાજુક વેલ’

મિનાક્ષી વખારિયા

ઈવાના પ્રેમમાં ગળાડૂબ ડૂબેલા એડગરને સપનેય ખ્યાલ નહોતો કે બીજા વિશ્વયુધ્ધને પરિણામે પોતાના માદરે વતન એવા રૂપકડા જર્મની દેશમાં મહા અંધાધૂંધી ફેલાઈ જશે ને પોતાની માતૃભૂમિના ભાગલા પડી જશે, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની...! પૂર્વ જર્મની અમેરિકા જેવા કટ્ટર મૂડીવાદી રાષ્ટ્રના તાબામાં અને પશ્ચિમ જર્મની રશિયા જેવા સામ્યવાદી રાષ્ટ્રના તાબામાં આવી ગયા...અમેરિકા અને રશિયાની અન્યોન્યથી વિરુધ્ધ વિચારસરણીને કારણે બંને તરફની છાવણીમાં દરેક પળે યુધ્ધ જેવો માહોલ રહેતો. હકિકતમાં જર્મનીને નિશાના પર લઈ અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓ વચ્ચે શીત યુધ્ધ ખેલાઈ રહેલું. આખરે સન.૧૯૬૧માં અખંડ જર્મનીને બે ભાગમાં વિભાજિત કરતી પેલી કાળમુખી દીવાલ નામે એકસો પંચાવન કિલોમીટર લાંબી અજોડ ‘બર્લિન વોલ’ ચણાઈ ગઈ અને બિચારો એડગર પોતાની દિલોજાન પ્રેમિકા ઈવાને મળવાથી હાથ ધોઈ બેઠો.

અલબત્ત, મૂડીવાદી રાષ્ટ્રના કાયદાઓ કડક હોવાના તેમજ ત્યાં સતત ગરીબોનું શોષણ થતું રહેતું તેથી એ તરફ રહી ગયેલા લોકો સામ્યવાદી પશ્ચિમ જર્મનીમાં ગેરકાયદે પ્રવેશ મેળવવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં જેમાં પકડાઈ જવાય તો બચવાનો પ્રયાસ આત્મઘાતક નિવડતો. એ સાહસમાં કંઈ કેટલાય આશાભર્યા વિરલાઓએ જીવ ખોયા હતા.

કમનસીબ એડગર જ્યાં રહેતો એ ગામ પૂર્વ જર્મનીના તાબા હેઠળ આવી ગયું. તેનાથી થોડે જ દૂર રહેતી ઈવા, તેનું ઘર અને ખેતર, પશ્ચિમ જર્મનીમાં રહી ગયા. બસ અહીંથી જ શરૂ થઈ એમની દર્દે દિલની - દાસ્તાન...અદમ્ય પ્રેમની કસોટી...! એ જાલિમ દીવાલની બંને તરફ બે જુવાનહૈયા, તડપતા રહ્યા, વિરહની આગમાં સળગતા રહ્યા. એકમેકની યાદમાં ઝૂરતા એ બંનેની આંખોમાથી વહી રહેલા અશ્રુઓ એ બર્લિન વોલને ભીંજવી રહ્યા પણ એમ કંઈ એ દીવાલ થોડી ચળે? બર્લિન વોલના તોતિંગ દરવાજા સામે આવીને દરરોજ બંને ક્યાંય સુધી આશાભરી નજરે ટકટકી લગાવીને બેસી રહેતા. અંતે કોઈ ભલીવાર ન દેખાતા નિરાશ થઈ લડખડાતા પગે પોતપોતાના મુકામે પાછા ફરતા અને ઉના ઉના નિઃસાસા નાખી રાતને ટૂંકી કરવાનો પ્રયત્ન કરતાં.

પૂર્વ જર્મનીના કાયદા પ્રમાણે દેશના દરેક ઘરમાંથી અપંગ, ઘરડાઓ અને બાળકોને છોડીને ઘરના યુવાન પુરૂષોએ લશ્કરમાં ભરતી થવાનું ફરજિયાત હતું. એ હિસાબે વાયોલિન વાદક એડગરે કમને પણ લશ્કરી ગણવેશ પહેરવો પડ્યો. દિવસમાં બબ્બેવાર કડક લશ્કરી કવાયત પછી કલાકો સુધી બર્લિનવોલની ચોકી કરવી પડતી. ક્યાં ઋજુ હ્રદયનો વાયોલિન વાદક એડગર અને ક્યાં લશ્કરની ભારેખમ નોકરી...! શું થાય? મૂડીવાદી સત્તાધીશોના રાજમા લાગણીઓ અને સંવેદનાઓને કોઈ સ્થાન જ નહોતું. લશ્કરી જુવાનોની કવાયત વખતે થતો ભારેખમ જોડાઓનો ઠક-ઠક અવાજ સાથે લેફ્ટ-રાઈટનો અપાતા ઓર્ડરથી બર્લિનનું ગગન ગુંજી ઊઠતું. જેનો નાદ પેલે પાર કાન દઈને સાંભળી રહેલી ઈવાના નાજુક હ્રદય પર શારડી ફેરવી જતો...રાત પડે એડગરની આંગળીઓ વાયોલિન પર ફરી વળતી અને વિરહના વિષાદયુક્ત સૂરો હવાની લહેરો પર સવાર થઈ એડગરની સંવેદનાઓને લઈને ઈવા સુધી પહોંચી જતા. એડગરનું એ સુખ પણ ક્ષણિક નીકળતું કારણ સૂવાનો ઘંટ વાગતા લશ્કરી સાશનમાં કોઈપણ જાતનો અવાજ કરી કોઈને વિક્ષેપ પહોંચાડવાની મંજૂરી નહોતી...ને એડગરની આંખો આંસુઓથી ડબડબી ઉઠતી. ન કહેવાય ન સહેવાય એવી તાબેદારી ભોગવી રહેલા એડગરે દીવાલ ફાંદવાનો પ્રયાસ નહોતો કર્યો એવું નહીં પણ ભાગી જવા માટે જ્યારે જ્યારે એ તોતિંગ દીવાલની નજીક પણ જતો ત્યારે ત્યારે લાલ સિગ્નલ ઝબૂકી ઉઠતાં અને ત્યાં તહેનાત ચોકિયાત ઘંટ વગાડવા માંડતો. હારી થાકીને અંતે તેણે દિલ પર મણમણના પથ્થર મૂકીને પાછા વળી જવું પડતું.

પેલે પાર ઈવાની હાલત પણ જરાય સારી તો નહોતી જ...દીવાલ આજે તૂટશે કાલે તૂટશે એમ રાહ જોતાં જોતાં તેની જુવાની ક્યારે પાછી વળી ગઈ તેનું ધ્યાન જ ન રહ્યું. એની આંખોનું તેજ પણ ઓસરવા લાગેલું પણ દિલમાં જગાવેલી પ્રેમની જ્યોત એવી ને એવી તરોતાજા હતી. નિયમિતપણે તે રોજેરોજ ચર્ચમાં જઈ પોતાના પ્રેમીને જલ્દીથી પામવા માનતા માની મીણબત્તી પેટાવતી આવતી. દિવસ રાત એડગરના નામની માળા જપતી ઈવાની હમઉંમર સખીઓ તો ક્યારનીય પરણીને ઠરી ઠામ થઈ ગયેલી ને બબ્બે ત્રણ ત્રણ છોકરાઓની માતા બની બેઠેલી. આજે એ બાળકો પણ જવાનીમાં કદમ મૂકી ચૂકેલા...! ત્યારે આ બાજુ પ્રેમની ધૂણી ધખાવી બેઠેલા એડગર અને ઈવાના વાળની લટોમાં હવે ક્યાંક ક્યાંક સફેદીએ દેખા દેવા માંડેલી. બંનેના ચહેરાપરની કરચલીઓની એક એક રેખાઓમાં એમની અતૂટ પ્રેમગાથા ઝીણવટથી કંડારાઈ ગયેલી. જેને ઉકેલવા ખરેખર તો આ બે પાગલ પ્રેમીઓ જેવી નજરોનું દૂરબીન જ કામ લાગે. વરસો વિતવા સાથે એમનો પ્રેમ પ્રબળ બનતો જતો હતો...જેને લોકો પાગલપનમાં ખપાવવા લાગેલા. ગામલોકોએ ઈવાને ઘણીવાર સમજાવીને જીવનમાં ઠરીઠામ થવા આગ્રહ કર્યો હતો પણ ઈવા જેનું નામ..., ક્યારેય પોતાના વિચારમાંથી ડગી નહીં...તો એડગર, ઈવાને પામવાની જે આમરણાંત કસમ ખાઈને બેઠેલો તેને જળોની જેમ વળગી રહ્યો...

પોતાની વહાલી ઈવાની યાદમાં દિવાના એડગરે વાયોલિન પર કેટકેટલી અનન્ય ધૂનો બનાવી નાંખેલી, તેને થતું ક્યારે ઈવાને રૂબરૂ થાઉં ને ક્યારે તેની પાસે ધૂનોનો આ અણમોલ ખજાનો લૂંટાવી દઉં...! વાયોલિન વાદક એડગરની પોતાની જિંદગીમાં બસ બે જ કમજોરી હતી. એક ઈવા અને બીજી ઈવાની ગ્રેપવાઈન...! તેના માટે આ બે ચીજ મળી જાય તો સ્વર્ગ હાથવેંતમાં હતું. ઈવા પણ દર વર્ષે પોતાના વાઈનયાર્ડમાં ઉગેલી દ્રાક્ષમાંથી બનાવેલી વાઈનમાંથી એક એક બાટલી બચાવીને લાકડાના બોક્સમાં સંઘરી રાખતી. બોક્સને તાળું મારી કૂંચીને પોતાના દિલની નજીક જાળવીને રાખી દેતી. દરેક બાટલી પર એક સરસ મજાનો પ્રેમભર્યો સંદેશો, તારીખ વાર સાથે લખી રાખતી અને દિવસો વિતાવતી જતી. એડગરની વાત તો પૂછવી જ નહીં...! ફૌજીની જેમ દેશભક્તિમાં રમમાણ રહી વતન પરસ્તીને ઘૂંટયા કરવા સિવાય એની નિરસ જિંદગીના પુસ્તકમાં કોઈ નવું પાનું ઉમેરાયું નહોતું અને નજીકના ભવિષ્યમાં ઉમેરાવાનું પણ નહોતું. જો અચાનક કોઈ ચમત્કાર થાય અને બર્લિનવોલ તૂટે તો જ તેની જિંદગીમાં નવી વસંત આળસ મરડીને બેઠી થાય તેમ હતું. બાપડી ઈવાની જુવાનીના દિવસોમાં આવેલી વાસંતી લહેરો કંઈ કેટલીય લલચામણી ઓફરો લઈને આવી પણ એડગર વિનાની જિંદગીમાં તેણે તો પાનખરને જ વહાલી કરી.

આમ ને આમ લગભગ ત્રીસ વરસના વહાણા વિતી ગયા. પૂર્વ પશ્ચિમના બંને રાષ્ટ્રોના સંબંધો સુધરે એવા કોઈ નામોનિશાન દેખાતા નહોતા...’ન આ પાર કે ન પેલે પાર’ ત્રિશંકુની જેમ જીવતા ઈવા અને એડગરના પગમાંય હવે જોર નહોતું રહ્યું. તેથી બેઉ જણા દીવાલની આસપાસ જ રહેતા...બસ એક જ આશા સાથે કે મોત આવે તે પહેલા જો એકવારેય એકબીજાને જોવા મળી જાય તો ઓલ માઈટી ગોડ જિસસનો ઘણો ઘણો ઉપકાર...! આટલા લાંબા ગાળા પછી તો બર્લિનવોલની કાંગરીઓ પણ ખરવા લાગેલી...કમ્મરેથી વાંકો વળી ગયેલો એડગર હવે ઝાઝું કામ ન કરી શકતો એટલે તે ફોજના રસોડે કામ કરતો...તેથી તેની ઘણો સમય ફાજલ મળી જતો. મરણિયો થયેલો એડગર, સિપાઈઓની નજર ચુકવીને, તક મળતા જ દીવાલને ખોતરતો રહેતો. એક દિવસ તે ત્યાં છીંડું પાડવામાં કામિયાબ થયો...પણ હજીય એકાદ મોટી તકની રાહ જોવાની હતી. ગમે તેમ કરીને ઈવા સુધી મિલનનો એક સંદેશો પહોંચતો કરવાનો હતો. હવે તો આ છીંડા મારફત એકવાર એ તિલસ્મી ચહેરાના દીદાર થઈ જાય તોય ભયોભયો...એણે સમય સૂચકતા વાપરીને એ છીંડું ઝાડના મોટા મોટા પાંદડાઓથી ઢાંકી દીધું.

કાજળકાળી રાતના ગાઢ અંધકારને દૂર હડસેલતી એ સોનેરી સવાર પણ ઊગી...હવે બંને બાજુના જર્મનીઓ વિના રોકટોકે સીમા પાર કરી શકશે...કારણ ઔધ્યોગિક ક્રાંતિનું હિમાયતી એવું અમેરિકા રશિયાને હરાવી ચૂક્યું હતું. આવતા ચોવીસ કલાકમાં બર્લિનવોલ તોડી પાડવી એવો આદેશ અપાઈ ગયો. ઈવાના કાને આ સમાચાર પડતા તે એવી ગાંડી ગાંડી થઈ ગઈ કે હતી એટલી તાકાત એકઠી કરી પોતાના વાઈનયાર્ડમાં સંઘરી રાખેલી ઉત્કૃષ્ઠ કક્ષાની વાઈનની બાટલી લઈ વોલ તરફ દોડી ગઈ... હજી તો ભળભાંખળું થયેલું. તોતિંગ દરવાજા ખૂલવાને વાર હતી, કદાચ સૈનિકો સુધી શીતયુધ્ધમાં અમેરિકાની જીત અને રશિયાની હાર થવાથી બંને રાષ્ટ્રોની ભેદરેખા લુપ્ત થયાનો કાયદેસરનો પત્ર પહોંચવાને વાર હશે. એડગરે પાડેલું છીંડું, બાવરી બનેલી ઈવાની નજરે પડી ગયું. ઉતાવળી થઈ તેણે ‘એડગર...એડગર’ની બૂમો પાડતા, પાંદડાઓ ખસેડવા માંડ્યા. પેલી તરફ સદાયના સતર્ક એડગરને પણ સારા સમાચાર મળી જ ગયા. એ તરત પોતાના ખિસ્સા ફંફોળવા માંડ્યો. ઈવાને ઘણા વરસે મળી રહ્યો હતો કંઈક તો એના માટે લઈ જવું પડે ને? એણે આસપાસ નજર દોડાવી કંઈ ન સૂજતા ખડકો પર ઉગેલા જંગલી ફૂલો એકઠા કરી તેનો એક ખૂબસૂરત ગુલદસ્તો બનાવીને એ પણ ઈવાને મળવા નીકળી પડ્યો...જે ઘડીનો વર્ષોથી ઇંતેજાર હતો તે ઘડી આવી પહોંચી....એડગરને પોતે પાડેલા છીંડામાથી ઈવાનો ચહેરો દેખાઈ રહેલો...ઈવા પણ એક નજરે એડગરને જોઈ રહી. એણે મૌનને પ્રેમની પરિભાષા બનાવી વાઈનની બાટલી એડગર તરફ લંબાવી...એડગરે ‘ઈચ લીબે ડીચ’ ( આઈ લવ યુ ) કહેતા ફૂલોનો ગુલદસ્તો લંબાવ્યો...ઈવાના હાથનો એક અછડતો સ્પર્શ પામીને એડગર તો રોમાંચિત થઈ ઉઠ્યો...એણે ઉત્સાહમાં આવીને ઈવાના હાથને પોતાના બંને હાથોમાં પકડી લીધો. પરોધના આંછા અજવાળામાં એમનું આ શુભગ મિલન દીવાલ પાસે તહેનાત એક ફૌજી જોઈ ગયો ( કદાચ તે એ દિવસના નવા ફતવાથી અજાણ હશે...! ) અને તેની ગનમાંથી આડેધડ ગોળીઓ છૂટી જે એડગરને ગંભીર રીતે જખ્મી કરતી ગઈ. શું થઈ રહ્યું છે તેનું શાનભાન ગુમાવીને ડઘાઈ ગયેલી ઈવાના ચહેરા પર એડગરનું ગરમ ગરમ લોહીનાં છાંટા ઉડયા ને તેને કારમો આઘાત પહોંચાડતી ગઈ....તે તેની વાચા સદા સદાને માટે ગુમાવી બેઠી.

હાથના પંજા, પીઠ અને પગપર ગોળીઓ વાગતા ઢળી પડેલા એડગરને તાબડતોબ લશ્કરી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો...તેનો જીવ બચી ગયો પણ એક પગ કાપવો પડ્યો...આ વાતની જ્યારે એડગરને ખબર પડી તે દિવસે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આવા સમયે દરદીને પોતાનું સ્વજન વધારે યાદ આવે. એડગરને પણ ઈવાની યાદ આવી ત્યારે તેના દિલમાં એક ઝીણી ટીસ ઉઠી કે હવે તે ઈવાને ક્યારેય મળી નહીં શકે. રોજ રેડિયો પર પ્રસારિત થતાં સમાચાર તે ધ્યાનથી સાંભળતો. હવે પૂર્વ અને પશ્ચિમ જર્મની ફરી એક રાષ્ટ્રમાં ફેરવાઈ ગયા છે. સામ્યવાદી રશિયાને હરાવી, અહીં હવે અમેરિકાની એક હથ્થુ સત્તા સ્થપાઈ ચૂકી છે.... વગેરે...વગેરે..! એ ઘણીવાર વિચારે ચડી જતો કે ‘બંનેના મિલનના અંતરાયરૂપ દીવાલ તો તોડી પડાઈ, કોઈ બંધન નથી રહ્યું તોયે હજી સુધી ઈવા એને મળવા કેમ ન આવી? નક્કી કોઈ સંદિગ્ધ કારણ હશે...!’ અનેક સારાનરસા વિચારો તેને સતાવી રહ્યા પણ તેનામાં હજી ઊઠીને બેસવા જેટલી તાકાતેય નહોતી આવી, તેને પત્ર લખવો હતો પણ હાથેપગે પાટાપિંડી સાથે કેમ કરીને લખવો?

ઈવા પણ પરેશાન હતી તેનાથી તે દિવસનો કારમો બનાવ વિસરી શકાતો નહોતો. સૂતા જાગતા બંદૂકની ગોળીનો અવાજ તેના મગજમાં પડઘાયા કરતો. ઊંઘમાંથી બેબાકળી થઈ જાગી જતી તેને ચીસો પાડી રડવું હતું પણ ગાળામાંથી અવાજ નીકળતો નહોતો. તે પોતાની વ્યથાને વાચા નહોતી આપી શકતી તેને લઈને તે સતત રડ્યા કરતી ને એડગરની યાદમાં ઝૂર્યા કરતી. એડગર તો મરી જ ગયો હશે એમ વિચારી પોતાની બધી ઇચ્છા આકાંક્ષાઓને મનમંજુસાના એક અંધારિયા ખૂણામાં ધરબી દઈને દિવસો ગુજારતી હતી. તેને થોડોય અંદેશો હોત તો કે એડગર જીવતો છે તો એ ચોક્કસ એડગરને મળવા પહોંચી ગઈ હોત. બેય જર્મની એક થઈ ગયા અને દેશમાં અમેરિકી સાશન આવી ગયું. દેશમાં ઘણા બદલાવ આવી રહ્યા હતા પણ તેમાંથી કંઈ કરતા કંઈ ઈવાને સ્પર્શી શકયું નહીં. ઈવા એકાંતના ઓથારમાં પોતાની જાતને ઓગાળતી રહી.

આશરે છ મહિનાની સઘન સારવાર પછી એડગર પોતાના પગ પર ઊભો રહ્યો, અલબત્ત કાંખઘોડીને સહારે જ સ્તો. હોસ્પિટલ બહારની દુનિયા ઘણી બદલાઈ રહી હતી. જીવનની રફતાર તેજ થઈ રહી હતી. દુનિયા બે ભાગમાં વહેંચાઈ જતી દેખાણી, એક અમીર ઉમરાવોની અને બીજી મજૂર વર્ગ...! તેને તો કાંખઘોડીને સહારે જ જીવવાનું હતું...! દિલની અંદર ઊંડેઊંડે પણ ઈવાની યાદની જ્યોત ઝળહળી રહી હતી. બીજે દિવસે વહેલી સવારે તે તેનું એક માત્ર વાયોલિન ઉપાડીને ઈવાના ઘર તરફ રવાના થઈ ગયો...ઈવાના ઘર સુધી પહોંચતા તો તેના કદમ થંભી ગયા, તેના દિલને સખત આંચકો લાગી ગયો. ઈવાનું ઘર અને એનું ખેતર સાવ લગોલગ હતા. અરે આ શું? સદા હરિયાળા રહેતું ઈવાનું ખેતર સાવ સૂકું ભઠ્ઠ? તેણે એક નજર આકાશ તરફ કરી ઈવાની ક્ષેમકુશળતા માટે મનોમન જિસસને પ્રાર્થના કરી. તે ઘર તરફ આગળ વધ્યો. સહસા તેની નજર વાઈનયાર્ડમાં રહેલા મોટા લાકડાના બોક્સ પર પડી. તેણે અંદર જઈ વાંકા વળીને એ બોક્સ ખોલ્યો ને તેની આંખો અચરજથી પહોળી થઈ ગઈ. બોક્સમાં તેની પસંદગીના વાઈનની કેટલી બધી બાટલીઓ હતી... બાટલીઓ પર લગાવેલા લેબલમાં એડગરને સંબોધીને કેવા સુંદર સુંદર પ્રેમ સંદેશાઓ લખેલા....વાંચીને એડગરની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. આજુબાજુ નજર કરતાં તેણે લાગ્યું કે આ વાઈનયાર્ડ ઘણા દિવસોથી માવજત વિનાનો પડ્યો છે. તેને તરત જ ઈવાની ચિંતા થઈ આવી. તે કાંખઘોડીનો સહારો લઈ સત્વરે ઈવાના ઘરમાં પ્રવેશ્યો...ઘરના એક ખૂણે આરામખુરશીમા બેઠેલી અશક્ત, બીમાર ઈવા, એડગરને જોતાવેંત ઊભી થઈને ભેટી પડી. નિઃશબ્દ રડી રહેલી ઈવાને જોઈ એડગરે તેને પુછ્યું પણ ખરું કે “ઈવા તું ક્યાં હતી અત્યાર સુધી? મને મળવા ન આવી? હું છેલ્લા છ મહિનાથી હોસ્પીટલમાં સારવાર લેતો પડ્યો રહ્યો ત્યારે તું મને એકવાર પણ જોવા ન આવી? ત્યારે ઈવાએ તેને ઈશારાથી સમજાવ્યું કે “તે હવે ક્યારેય બોલી શકે એમ નથી...!” એડગરને કંઈ ન સમજાતા પ્રશ્નભરી નજરે તેની સામે જોઈ રહ્યો. એટલે ઈવાએ પાસે પડેલી ડાયરીના પાનાં પર પેલા છીંડા પાસે બનેલી આખી ઘટના વિગતવાર લખી જણાવી...વાંચીને દુ:ખી થયેલા એડગરે પોતાના ચહેરા પર સ્મિત લહેરાવી ઈવાને બાથમાં લઈને સાંત્વન આપતા કહ્યું, ઈવા, હવે હું કાયમને માટે તારી પાસે આવી ગયો છું, સૌ સારાવાના થઈ જશે. ચિંતા ન કરતી. આટલું બોલી ઈવાને પ્રગાઢ ચુંબનોથી નવરાવી દીધી...

ઈવા જે મિલનને વર્ષોથી ઝંખતી હતી તે ઝંખના પૂરી થઈ ગઈ. તેના ચહેરા પર પરમ સંતોષ છવાઈ ગયો...પણ અરે...આ શું? ઈવાનું શરીર અચાનક કેમ અકડાઈ ગયું? એડગર એકદમ ગભરાઈ ગયો ને તેણે ઈવાને જોરથી હલબલાવી નાંખી...! ઈવાને જાગ્રત કરવાના બધાય પ્રયત્નો વ્યર્થ ગયા...એડગરને આક્રંદ કરતો મૂકી ઈવા અનંતની સફરે નીકળી ચૂકી હતી. તે દિવસથી એડગરનું સરનામું એટલે ઈવાની કબર...! ચાહે વરસાદ હોય, કડકડતી ઠંડી હોય કે ગરમી, એડગર તમને અહીં જ મળશે. હા...તેના હાથમાં તેનું પ્રિય વાયોલિન તો રહેવાનુ જ. રોજ રાતે આખી દુનિયા સૂઈ જાય ત્યારે ઈવા કબરની બહાર આવે છે અને એડગરની આંગળીઓ વાયોલિન પર ફરી વળે. તેની સૂરીલી ધૂન પર મંત્રમુગ્ધ બની ઈવા એડગરને એક નાજુક વેલની જેમ વીંટળાઇ વળે છે.

***