Dushmanne Thaap aapnaar Veer javanni gatha in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | દુશ્મનને થાપ આપનાર વીર જવાનની ગાથા

Featured Books
Categories
Share

દુશ્મનને થાપ આપનાર વીર જવાનની ગાથા

દુશ્મનને થાપ આપનાર વીર જવાનની ગાથા

રાકેશ ઠક્કર

૧૯૬૫ નું એ વર્ષ ઇતિહાસના પાનાઓ પર એક યુધ્ધને લીધે અંકિત થયેલું છે.

૧૯૬૫ માં એક યુધ્ધ ખેલાયું બે દેશો વચ્ચે. જેની ચર્ચા આજે પણ ઇતિહાસવિદો અને વડીલો કરે છે.

એ એક એવું યુધ્ધ હતું જેમાં ભારતના સૈનિકોએ પોતાના તનમનને સમર્પિત કરીને લડ્યું હતું. જાનફેસાનીની ભાવના સાથે યુધ્ધ લડ્યું હતું.

એ યુધ્ધ દેશ માટે સન્માનનું હતું. ભારતે બતાવી દેવાનું હતું કે રાષ્ટ્રભક્તિ તેમના દરેક નાગરિકના શરીરમાં રક્ત બનીને વહે છે. દુશ્મનોના દાંત ખાટા કરવાનું કૌવત તેમનામાં છે.

દુનિયાના ઇતિહાસમાં જે યુધ્ધો નોંધાયા છે એમાં ૧૯૬૫ નું ભારત અને પાકિસ્તાન વચ્ચેનું એ યુધ્ધ વધુ ઉલ્લેખનીય ગણાય છે. ભારતના જવાનોએ દેશભાવનાથી એ યુધ્ધને જીવ પર આવીને લડ્યું હતું.

એ યુધ્ધ દરમ્યાન જીવ બચાવનાર એક નવયુવાન સૈનિકની આ કથા કોઇ પણ યુવાનમાં જોશ અને પ્રેરણા ભરી દે એવી છે.

એ યુધ્ધમાં દેશનો એક જવાન હતો. એનું નામ હતું ફિરોઝ ચિનોય.

એ પારસી યુવાનની એ સમયે ઉંમર હતી માત્ર ૨૦ વર્ષ. અને જવાબદારી કેટલી મોટી સોંપવામાં આવી હતી? દુશ્મનના તોપખાનાને ઉડાવવાની જવાબદારી હતી. અને તે પણ એકલે હાથે.

ભારતીય સેનામાં જોડાયાને હજુ તો આ યુવાનને બે વર્ષ માંડ થયા હતા. ત્યારે તેમની યુનિટને પંજાબની સીમા નજીક સ્થાપિત પાકિસ્તાનના તોપખાનાને નષ્ટ કરવાના મિશનનું કામ સોંપવામાં આવ્યું. પાકિસ્તાનના તોપખાનાથી ભારતને નુકસાન થઇ રહ્યું હતું. તેને નષ્ટ કરવું જરૂરી હતું.

પાકિસ્તાનના તોપખાનાનો હુમલો ભારે હતો. તેના કારણે ભારતની થલસેનાને પરેશાની થઇ રહી હતી. સેનાને આગળ વધવામાં મુશ્કેલી પડી રહી હતી. તેના હુમલાઓને કારણે સેનાએ માથું ઝુકાવીને રાખવું પડતું હતું. પણ આ તો જવાનો હતા. તેમનું માથું પોતાની માતૃભૂમિ સામે ઝૂકી શકે, દુશ્મન અને તે પણ પાકિસ્તાની સામે તો હરગીઝ ઝૂકી ના શકે.

પાકિસ્તાની સેનાની એક ટુકડી તે સમયે ઇછોગીલ નહેરને પાર કરવાની કોશિષ કરી રહી હતી. પરંતુ ભારે તોપને કારણે આગળ વધી શકતા ન હતા.

ફિરોઝ ચિનોયની ટુકડીને દક્ષિણી પાકિસ્તાનની આવા જ એક તોપખાનાને નષ્ટ કરવાનું લક્ષ્ય સોંપવામાં આવ્યું હતું. આ લક્ષ્ય ઘણું જ કઠીન હતું. પરંતુ એ માટે જવાનો સજ્જ હતા.

દેશની સીમાઓને બચાવવા તેનું રક્ષણ કરવા દરેક જવાનનું લોહી ઉછાળા મારી રહ્યું હતું.

અને આ તો નવલોહિયો યુવાન હતો. બાળપણથી જ દેશપ્રેમના પાઠ શીખેલા અને ફ્લાઇંગ ઓફિસર તરીકે જોડાયેલા ફિરોઝ ચિનોય એમાંથી બાકાત ન હતા. તે પોતાના સ્કવાડ્રન સાથીઓ સાથે યુધ્ધમાં સામેલ થવા ઉત્સાહથી થનગનતા હતો.

આ દેશ માટે સમર્પિત થવાની ભાવના સાથે તેમણે ભારતીય સેનામાં જોડાવાનું નક્કી કર્યું હતું. ઘણી વખત સેનામાં ઘણા જવાનોની સેવાની અવધિ પૂરી થઇ જાય ત્યાં સુધી દેશ માટે લડવાનો મોકો આવતો ન હતો. જ્યારે ફિરોઝ ચિનોયને તો શરૂઆતમાં જ એ તક અને જવાબદારી મળી ગયા. અને પોતાના કામમાં તે જરા પણ પાછા પડે એવા ન હતા. તેમની સજ્જતાને ધ્યાનમાં રાખીને જ આ જવાબદારી તેમને સોંપવામાં આવી હતી.

ફિરોઝ ચિનોય એટલા ઉત્સાહમાં હતા કે તેણે હુકમ મળ્યા પછી જમવાનું તો ઠીક પાણીનો એક ઘૂંટડો પીવાની પણ રાહ ના જોઇ. તે દુશ્મન સેનાને ભૂ પીતી કરવા ઉતાવળા બન્યા હતા. દેશ માટે લડવાની, મરી ફીટવાની જે તક ઊભી થઇ હતી એ તેમના ઉત્સાહમાં બમણો સંચાર કરી ગઇ હતી.

૧૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ નો એ દિવસ હતો જ્યારે ૨૦ વર્ષનો પારસી યુવાન ફ્લાઇંગ ઓફિસર ફિરોઝ ચિનોય પંજાબના આદમપુર એરબસ સ્ટેશનથી લડાકુ બોમ્બવર્ષક વિમાન લઇને આકાશમાં ઉડ્યો.

તેમને ખબર ન હતી કે તેઓ બોમ્બવર્ષા કરે એ પહેલાં જ પાકિસ્તાન તેમના પર હુમલો કરી દેવાનું હતું.

હવાને ચીરતું તેમનું વિમાન ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું. તેમણે પાકિસ્તાની તોપખાનાની ઉપર જઇને બોમ્બની વર્ષા કરવાની હતી. આ કામ કેટલું જોખમી છે તે સૌ કોઇ જાણતું હતું. તે એકલા જ એ વિમાનમાં હતા. કોઇ કો પાઇલટ પણ ન હતો. તેમની સાથે હતી તેની હિંમત અને દેશભાવના.

ફિરોઝ ચિનોય રવાના થયા પછી પોતાના વિમાનને થોડે ઉપર લઇ ગયા અને પાકિસ્તાની તોપખાનાને નિશાન બનાવવાની તૈયારી કરવા લાગ્યા.

પાકિસ્તાની સેના પણ સતર્ક હતી. તેમની નજરે ભારતનું આ વિમાન આવી ગયું હતું. અને એને નિશાન બનાવતા તેમને વાર ના લાગી. તેમણે આ વિમાનને ઉડાવી દેવા હુમલા શરૂ કર્યા. તોપખાનામાંથી છૂટતા ગોળા અને ગોળીઓ વિમાન પર ફેંકાવાના શરૂ થઇ ગયા.

વિમાન ચલાવવા સાથે હુમલાની તૈયારી કરતા ફિરોઝ ચિનોયને અચાનક વિમાનના તળિયામાં કશુંક ટકરાયાનો જોરદાર અવાજ આવ્યો. પાકિસ્તાનનો આ હુમલો ફિરોઝ ચિનોય માટે જીવલેણ સબિત થાય એમ હતો. તેમનું વિમાન ઝડપથી આગના હવાલે થઇ રહ્યું હતું. વિમાનની આસપાસ આગની લપેટ જોઇને ફિરોઝ ચિનોય સતર્ક થઇ ગયા. હવે મફતમાં જીવ આપી દેવા કરતાં વિમાનમાંથી ઇજેક્ટ થવા સિવાય કોઇ આરો ન હતો. થોડી જ ક્ષણોમાં આ વિમાન આગમાં ભડથું થઇ જવાનું હતું. કોઇ કો પાઇલટ પણ ન હતો એટલે તે કંઇ કરી શકે એમ ન હતા. તેમણે એક નિર્ણય લઇ લીધો.

ફિરોઝ ચિનોયે પેરાશૂટ પહેરી લઇને આકાશમાંથી છલાંગ લગાવી. તે સમજતા હતા કે પેરાશૂટથી નીચે ઉતરતી વખતે દુશ્મનો તેમને આસાનીથી નિશાન બનાવી શકતા હતા. પણ તેમના તનમનમાં દેશભાવના ભરેલી હતી. તે દેશ માટે આખું જીવન સમર્પિત કરવા માગતા હતા. આ રીતે જીવન ગુમાવવા માગતા ન હતા. એટલે બચવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

પાકિસ્તાની સેનાની ટુકડીની નજર તેમના પર જ હતી. તેમના પેરાશૂટ પર રાઇફલોથી ગોળીઓની વર્ષા કરવામાં આવી રહી હતી. તેમને એન્ટીએરક્રાફ્ટ ગનોનો અવાજ પણ સંભળાઇ રહ્યો હતો. વિમાનમાંથી કૂદીને બચવા માગતા ફિરોઝ ચિનોયને તેઓ જીવીત રહેવા દેવા માગતા ન હતા. આકાશમાંથી સલામત ઉતરાણ કરવાનું સરળ ન હતું. દુશ્મન સેના ગોળીઓ વરસાવી રહી હતી. કાચાપોચાના હાંજા ગગડાવી નાખે એવો એ ગોળીઓનો અવાજ હતો. ૨૦ વર્ષના યુવાન ફિરોઝ ચિનોયમાં ગજબની હિંમત હતી. તેમણે સંયમ રાખ્યો અને ડર્યા વગર હવામાં ઉડતા રહ્યા. થોડી જ વારમાં મોતને હાથતાળી આપીને એ જમીન પર સહી સલામત ઉતરવામાં સફળ થયા.

પણ હવે ખરી પરીક્ષા શરૂ થવાની હતી. એ ભારતની નહી પાકિસ્તાનની સીમામાં ઉતર્યા હતા. મોત તેમની સામે તાંડવ કરતું હતું. પાકિસ્તાની ગનો તેમને કાળનો કોળિયો બનાવવા ઉતાવળી બની હતી. જાણે ચારે તરફથી ઘેરાઇ ગયા હતા.

ફિરોઝ ચિનોય ઉતર્યા ત્યારે પાકિસ્તાની સૈનિકોની "મારો મારો" ની બૂમો તેમના કાનના પડદાને ધ્રૂજાવતી હતી. મોત જાણે હવે એકદમ નજીક હતું. મોત તેને સૂંઘી રહ્યું હતું. ફિરોઝ ચિનોય પાસે બીજો કોઇ રસ્તો ન હતો. હાથમાં કોઇ હથિયાર ન હતું. માત્ર જીવ હતો. હથિયાર હોય તો પણ આટલી મોટી ટુકડી સામે તે ટકી શકે એમ ન હતા. જો સામનો કરવા જાય તો એ હારાકીરી જ કરી ગણાય.

ફિરોઝ ચિનોય મુઠ્ઠીઓવાળી પોતાનો જીવ હાથમાં લઇને દોડવા લાગ્યા. પાકિસ્તાનીઓની નજરમાં ફિરોઝ ચિનોય આવી ગયા હતા. તેમણે ગોળીઓ બરબાદ કરવાને બદલે ફિરોઝ ચિનોયને પકડવાનું નક્કી કરી લીધું હોય એમ કેટલાક જીપમાં તો કેટલાક સૈનિકો દોડતા તેમની પાછળ ભાગવા લાગ્યા.

ફિરોઝ ચિનોયને પકડવાથી દુશ્મનની સેના એક મોટી સિધ્ધિ મેળવી શકતી હતી. તે ભારતીય સેનાનું મનોબળ તોડવા માગતી હતી.

ફિરોઝ ચિનોયની સાથે દેશની દુઆ હતી. પરિવારના આશિર્વાદ હતા. તેમનું નસીબ કહો કે બીજું કંઇ, પણ એ સમયે પંજાબમાં ખેતરોમાં પાક ઉગ્યો હતો એ કાપવામાં આવ્યો ન હતો. અને ઘાસ પણ માથોડું હતું. લાંબા ઘાસમાં માણસ આસાનીથી પોતાની જાતને છુપાવી શકતો હતો. ઘાસ જ નહીં શેરડીના ખેતરો પણ તેમની ઓથ બની રહ્યા હતા. સૈનિકની તાલીમના પાઠ કામ આવી રહ્યા હતા.

સસલો પોતાના દુશ્મનોને ચકમો આપે એમ ફિરોઝ ચિનોય પાકિસ્તાની સૈનિકોને છેતરી રહ્યા હતા. તેઓ ખેતરોમાં છૂપાતા છૂપાતા દોડતા રહ્યા.

ફિરોઝ ચિનોય ડૂબી રહેલા સૂરજને પોતાની ડાબી બાજુ રાખીને ઉત્તર દિશામાં ભાગીને તેમને ચકમો આપવામાં સફળ થઇ ગયા. કેમકે તેઓ એમ સમજતા હતા કે ફિરોઝ ચિનોય પૂર્વ દિશામાં ભાગી રહ્યા છે.

પાકિસ્તાની સેનાને થાપ આપવામાં સફળ રહેલા ફિરોઝ ચિનોય માટે બચવાનું એટલું સરળ ન હતું. સૂરજ હજુ ચમકતો હતો. રાત્રિ થવાનો ઇંતજાર કર્યા સિવાય કોઇ ઉપાય ન હતો.

પાકિસ્તાની સીમાને વળોટીને દબાયેલા પગથી ભારતમાં પ્રવેશવા માટે અંધકારની જરૂર હતી. સૂરજ છુપાય જાય ત્યાં સુધી એ પણ ખેતરમાં છુપાયેલા રહ્યા. પાકિસ્તાની સૈનિકોને લાગ્યું કે તે ભાગી ગયા છે એમ માની આગળ જતા રહ્યા. તેમનું નસીબ તેમને સારું સાથ આપી રહ્યું હતું. એ સમયે સૂરજ ડૂબે તેની સાથે જ ચાંદ ઉગી જતો હતો. એટલે તેમને પૂર્વ તરફ વધવાનો રસ્તો મળી ગયો. ચાંદાના અજવાળામાં તે આગળ વધી શકતા હતા.

હવે ખૂબ સાવધાની રાખવાની હતી. દુશ્મનની નજરે કોઇ રીતે આવવાનું ન હતું. અને ભારતનું સલામત સ્થાન શોધવાનું હતું. દુશ્મનના હાથમાં પોતાની કોઇ ઓળખ ના આવી જાય એટલે ફિરોઝ ચિનોયે ત્યાં જ પોતાની સાથેના ઓળખના બધા જ કાગળો અને વસ્તુઓનો ફેંકી દીધી અને તેનો નાશ કરી દીધો. અને પોતાના શરીર પરની ચમકીલી વસ્તુઓ દૂર કરી દીધી. જેથી કોઇને ખ્યાલ ના આવે.

ફિરોઝ ચિનોયની એક કઠીન યાત્રા શરૂ થઇ. તેમને ખબર હતી કે વિમાન ઉડાડ્યા પછી તે બહુ દૂર આવી ગયા હતા. હવે પાછા ફરવામાં ન જાણે કેટલો સમય લાગવાનો હતો. તેમણે ચાલવાનું શરૂ કરી દીધું. હિંમત અને વિશ્વાસ જ તેમના સહારા હતા. તે અનુમાન સાથે સતત ચાલતા રહ્યા. મિનિટો અને કલાકો પસાર થઇ રહ્યા હતા. સારી વાત એ હતી કે તેમને કોઇ જોઇ રહ્યું ન હતું. દુશ્મનોની નજર બચાવીને તે આગળ વધી રહ્યા હતા.

સતત પાંચ કલાક ચાલ્યા પછી શરીર જવાબ આપી રહ્યું હતું. શક્તિ ઘટી રહી હતી. તે જ્યારે વિમાનમાંથી પેરાશૂટથી કૂદ્યા ત્યારે નીચે ઉતર્યા ત્યાં સુધીમાં કમર અને પગમાં ઘણા ઝાટકા લાગ્યા હતા. તેનું ધીમું દરદ તો હતું. અને કલાકો ચાલ્યા પછી એ દરદ વધી ગયું હતું. તેને સહન કરી રહ્યા હતા.

ફિરોઝ ચિનોયને હવે ભારે તરસ લાગી હતી. ગળું સુકાતું હતું. જીવ પાણી પાણીનો પોકાર કરી રહ્યું હતું. પોતે કેટલા પાણીમાં છે એ ફિરોઝ ચિનોય જાણતા હતા. પણ પાણી વગર તે હવે પોતાનું પાણી બતાવી શકે એમ ન હતા. તેમણે પહેલાં પાણીની શોધ શરૂ કરી.

ફિરોઝ ચિનોયને આ સમયે સૌથી મોટી સમસ્યા એ હતી કે જો પાણી નહીં મળે તો બેભાન થઇ જાય એમ હતા. અને કોઇને જો તે બેભાન હાલતમાં મળી ગયા તો તે પહેલાં તેમના પર વાર જ કરશે અને પછી સવાલ પૂછશે એ જાણતા હતા.

તે મોટા મોટા ખેતરોમાં ચાલી રહ્યા હતા એટલે આશ હતી કે ક્યાંક તો પાણીનો કોઇક સ્ત્રોત મળી આવશે. તેમના પર પ્રભુકૃપા થઇ હોય એમ એક કૂવો મળી આવ્યો. પાણી મળ્યું એટલે જાણે જીવમાં જીવ આવ્યો અને ધરાઇને પાણી પીધું. જાણે આ પાણીથી એક નવું જીવન તેમને મળી ગયું. હવે હિંમત વધી ગઇ. જોમ અને ઉત્સાહ વધી ગયા.

સમય ભાગી રહ્યો હતો. હવે સવાર પડે એ પહેલાં ભારતની સીમામાં પહોંચી જવું જરૂરી હતું. જો ન પહોંચ્યા તો સવારે ઉગનારો સૂરજ તેમના જીવનનો છેલ્લો બની રહેવાનો હતો. તેમણે લાંબું અંતર કાપવાનું હતું. અને હવે કઠીનાઇઓ વધી રહી હતી. કેટલાય નહેર- નાળા પસાર કરવાના થયા. પરિસ્થિતિને અનુકૂળ થતાં થતાં તે આખરે એ જગ્યાએ પહોંચી ગયા જ્યાં ભારતનો અમૃતસર – બટાલા હાઇવે હતો. અને ભારતીય સૈન્ય હતું.

સૂરજનું પહેલું કિરણ ફેલાય એ પહેલાં તેમને આશાનું કિરણ દેખાઇ રહ્યું હતું.

જોખમ તો હતું જ. ભલે આ ભારતનો ભાગ હોય શકે પણ ખતરો ટળ્યો ન હતો.

સવાર થવાની તૈયારી જ હતી અને તે કેટલાક સૈનિકોની રૂબરૂ થયા, જેઓ દક્ષિણ ભારતીય ભાષામાં વાતચીત કરી રહ્યા હતા. ભલે એમની વાતો સમજાતી ન હતી પણ એક પોતીકાપણું તેમનામાં અનુભવાતું હતું. અને પોતે સાચી જગ્યાએ આવી ગયા હોવાનો આનંદ હતો.

હવે તેમણે મદદ માટે પોકાર કરવાનું શરૂ કર્યું. ફિરોઝ ચિનોય સામે ભારતના સશસ્ત્ર સૈનિકો ઊભા હતા. ફિરોઝ ચિનોયનો વેશ એવો હતો કે તે ભારતીય સૈનિક લાગતા ન હતા. સતત દોડભાગને કારણે તેમની હાલત ખરાબ હતી. તેમની સામે બંદૂકો તકાઇ ગઇ.

ફિરોઝ ચિનોય હાથ ઊંચા કરીને ઘૂંટણના બળ પર ઊભા રહ્યા. ભારતીય સેનાના શરણમાં હતા એટલે રાહત હતી.

તેમણે પોતાની ઓળખ આપતા કહ્યું:"હું ભારતીય સેનાનો ફ્લાઇંગ ઓફિસર ફિરોઝ ચિનોય છું..."

"તમારું આઇડી બતાવો..." સામો અપેક્ષિત સવાલ આવી ગયો.

ફિરોઝ ચિનોયને ખ્યાલ આવી ગયો કે આ ભારતીય સૈનિકો જ છે. પણ તેમને પોતે પણ તેમના જેવો એક જવાન હોવાનો પરિચય માત્ર નામથી જ આપી શકે એમ હતા. તેમની પાસે ઓળખનો કોઇ પુરાવો ન હતો. દુશ્મનોથી બચવા તેમણે પોતાની ઓળખના બધા પુરાવા ફેંકી દીધા હતા. કે નાશ કરી દીધો હતો. હવે પોતાની ઓળખ કેવી રીતે પ્રસ્થાપિત થશે તેની ચિંતા હતી.

પોતે ફ્લાઇંગ ઓફિસર ફિરોઝ ચિનોય હોવાના કેટલાક સંદર્ભ તેમણે આપ્યા. ભારતીય સેનાની કેટલીક વાતો જાણી સૈનિકોને તેમની વાતમાં થોડો વિશ્વાસ બેઠો. તેમણે તપાસ કરાવી. અને એ વાત સ્થાપિત થઇ કે આ જવાન ભારતીય સેનાનો ફ્લાઇંગ ઓફિસર ફિરોઝ ચિનોય જ છે એટલે તેમને મુક્ત કરીને તેમના યુનિટ સુધી લઇ જવામાં આવ્યા.

પંજાબના આદમપુર ખાતેના બેસ પર જ્યારે ફિરોઝ ચિનોય પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું. કોઇને કલ્પના ન હતી કે ફિરોઝ ચિનોય આ રીતે સલામત પરત આવી શકશે. જે રીતે તેમનું વિમાન આગમાં સ્વાહા થઇ ગયું હતું એ પરથી તો તેમના જીવીત બચવાની કોઇને આશા ન હતી.

ફિરોઝ ચિનોયને જોઇને તેમની રૂમનો સાથી મજાકમાં બોલી ઉઠ્યો:" અરે! આ તો પાછો આવી ગયો!" અને તેમને ભેટી પડ્યો.

દુશ્મનોની ચુંગાલમાંથી બચીને આવેલા ફ્લાઇંગ ઓફિસર ફિરોઝ ચિનોય ૫૦ થી વધુ વર્ષની સેનામાં સેવા આપ્યા પછી ગૃપ કેપ્ટનના પદ પર નિવૃત્ત થયા. અને એ દરમ્યાન તેમણે આવી જ રીતે ત્રણ વખત મોતને ચકમો આપ્યો.

૧૯૬૫ ના યુધ્ધ પહેલાં પણ ૧૯૬૪ માં તેઓ જ્યારે ટ્રેઇની પાયલટ હતા ત્યારે બ્રહ્મપુત્ર નદી પરથી ઉડતી વખતે પોતાના ઓરાગન લડાકૂ વિમાનમાં નિયંત્રણ સિસ્ટમમાં સમસ્યા આવવાથી ઇજેક્ટ કરવું પડ્યું હતું. પણ તે બચી ગયા હતા.

૧૯૮૭ માં ફિરોઝ ચિનોય મિગ-૨૧ વિમાન ઉડાવી રહ્યા હતા ત્યારે તેની સાથે પક્ષી ટકરાઇ જવાથી ઇજેક્ટ કરવાની નોબત આવી હતી.

અનેક વખત જાન જોખમમાં મુકાઇ હોવા છતાં ઉડવા માટેનું તેમનું ઝનૂન ક્યારેય ઓછું થયું નહીં. તે સેવા નિવૃત્ત થયા ત્યાં સુધી દેશની સુરક્ષા માટે વિમાન ઉડાવતા રહ્યા.

સલામ છે આ જવાનને તેમના દેશભક્તિના જસબા અને ઝનૂન માટે.

જયહિંદ.