Phir Bhi Dil Hai Hindustani - 8 in Gujarati Comedy stories by Harnish Jani books and stories PDF | ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 8

Featured Books
Categories
Share

ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 8

વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્

હરનિશ જાની

જ્યારે પણ આપણે ત્યાં લોકોની અંધશ્રધ્ધાની વાત નિકળે ત્યારે આપણે પશ્ચિમના દેશો અને વિજ્ઞાનની વાતો કરીએ છીએ. પરંતુ ધ્યાનથી જુઓ તો અમેરિકામાં પણ વ્હેમ અને અંધશ્રધ્ધાનો રાફડો ફાટ્યો છે. અમેરિકનો તો અમેરિકનો, તેમના પ્રેસિડન્ટ અને પોલિટીશીયનો પણ અંધશ્રધ્ધાળુ હોય છે. હવે આ પ્રેસિડન્ટ પણ અંધશ્રધ્ધા અને વ્હેમોમાં માનતા હોય તો પછી રહ્યું જ શું?

સામાન્ય લોકોની વાત કરીએ , હું જે કલર કંપનીમાં કામ કરતો હતો. તેના પ્રેસિડન્ટ બોબ ઝેલર , કંપનીની બોર્ડ મિટીંગ હોય તો લાલ ટાય પહેરીને વર્ક પર આવે તેમને પોતાની લાલ ટાય શુકનિયાળ લાગતી.. બીજી બાજુ મારા જેવી વ્યક્તિ એ જાતના વ્હેમમાંથી છુટીને અમેરિકન રહેણી કરણી અને અમેરિકન વિચાર પધ્ધતિ અપનાવતી હતી. જ્યારે અમેરિકનોમાં એવા લોકો જોવા મળ્યા જે કાળી બિલાડી આડી ઉતરે તો અપશુકન માને . સામાન્ય નાગરિકની વાત છોડો. અમેરિકન પ્રેસિડન્ટ પણ વ્હેમીલા હોય છે.

પ્રેસિડન્ટ ઓબામા તો ગજવામાં જાત જાતના લટકણિયાવાળી લકી ચેઈન રાખતા. જેમાં દોઢ ,બે ઈંચની હનુમાનજીની મૂર્તિ પણ હતી.

બીજું ઈલેક્શનને દિવસે તે અચૂક બાસ્કેટ બોલ રમતા, પછી મત આપવા જતા. ( અમેરિકામાં જાત જાતના ઈલેક્શન દર વરસે નવેમ્બરના પહેલા મંગળવારે થાય છે.) તે માનતા કે જો તે બાસ્કેટ બોલ રમે છે ત્યારે તેમનો કેન્ડિડેટ જીતે છે.. એમના પિતા ઈસ્લામ ધર્મમાં માનતા હતા. તેમનો ઉછેર પણ ઈસ્લામની છાયામાં થયો હતો. ઈસ્લામમાં તો વ્હેમનો પાર નથી. ઈસ્લામ જ કેમ? બધાં ધર્મોમાં અંધશ્રધ્ધાનો પાર નથી. ખરેખર તો એકની અંધશ્રધ્ધા તે બીજાની શ્રધ્ધા હોય છે. જગત આખું ચમત્કાર પાછળ દોડે છે. જો કોઈ પથ્થર કે કોઈ ઝાડની ડાળીથી કોઈનો રોગ મટી જાય તો તે જગ્યા તિર્થસ્થાન બની જાય. ફ્રાન્સના લોર્ડસ્ ગામમા સામાન્ય છોકરી બર્નાડેટે (૧૮૪૪) એક ટેકરીની પાછળ મધર મેરીના દર્શન કર્યા અને તે લેડીના કહેવાથી આંગળીથી જમીન ખોતરી તો તેમાંથી ઝરણું ફૂટ્યું.પાછળથી એ ઝરણું , વ્હેળો બની ગયો. તેના પાણીથી લોકોના રોગ મટવા લાગ્યા. આજે પણ તે વ્હેળો છે ને લાખો લોકો ત્યાં રોગો મટાડવા આવે છે. રોગો કદાચ બીજા કારણે પણ મટતા હોય.પરંતુ લોકોના મનમાં તે વિષેની શ્રધ્ધા બેસી ગઈ છે. રોમન કેથોલિક ચર્ચે સિસ્ટર બર્નાડેટને સેંન્ટ (સંત)નો દરજ્જો આપ્યો. હવે તો કહેવાય છે કે એમના સ્મરણથી જ રોગો મટે છે. બીજા એવા સેંટ લુઈસા ઓફ ફાતિમા થઈ ગયા. પોર્ટુગલના વિલેજ ફાતિમાની સીમમાં એક ટેકરી પર લુઈસા નામની એક ભરવાડની છોકરીને તેના બે પિતરાઈ ભાઈ બ્હેન સાથે ઘેટાં ચરાવતાં વર્જિન મેરીએ (૧૯૧૭માં) દર્શન દીધા હતા. તે ટેકરી આજે તો મોટી ચર્ચ બની ગઈ છે. અને ત્યાં લોકો પોતાના રોગો મટાડવા આવે છે. તો ક્રિશ્ચીયાનીટી તો આવી વાતોથી ભરી પડેલી છે. તો આ બધા ક્રિશ્ચીયન પ્રેસિડન્ટ તેમાં ન માનતા હોય તો જ નવાઈ.

પ્રેસિડન્ટ વિલીયમ મકેન્લિને શ્રધ્ધા કાર્નેશન નામના ફ્લાવર્સમાં હતી. તે પોતાના કોટમાં ખોસેલું રાખતા. જ્યારે ન્યૂ યોર્ક રાજ્યના બફેલો શહેરમાં ૧૯૦૨ના સપ્ટેમ્બરમા તેમનું લેક્ચર હતુ.તે માટે મંચ પર બોલવા માટે જતા હતા ત્યારે ઓડિયન્સમાં નાની છોકરીને પોતાનું કાર્નેશન આપી દીધું અને સ્ટેજ પર ગયા,ત્યાં જ તેમનું ખૂન થયું હતું . હવે આને શું કહેવાય ! જ્યારે નાના પ્રેસિડન્ટ બુશને વ્હાઇટ હાઉસના લિંકન બેડરુમમાં ભૂત દેખાતા હતા. તે અનુભવ તેમની દીકરી જેનાનો પણ હતો. અને સેકન્ડ વર્લ્ડ વોર વખતે લિંકન બેડરૂમમાં વિન્સ્ટન ચર્ચિલ રહ્યા હતા.ત્યાં તેમને લિંકનનું ભૂત દેખાયું હતું. પ્રેસિડન્ટ બુશ(નાના) ખૂબ ધાર્મિક હતા,તેમના સ્ટાફે તેમને ઓફિસમાં ઘણીવાર જિસસના ફોટા પાસે રડતા જોયા હતા. અને ઈરાક સામે વોરની શરુઆત તેમના ફાધર ( જિસસ)ના હુકમથી ચાલુ થઈ હતી.

એક મઝાની વાત.૧૮૪૦ના પ્રેસિડન્ટ હેરી હેરીસનને રેડ ઈન્ડિયનો સાથેની વોરમાં તેમનો નાશ કર્યો હતો ત્યારે રેડ ઈન્ડિયન ચીફે હેરી હેરીસનને શ્રાપ આપ્યો હતો કે દર વીસ વરસે અમેરિકન પ્રેસિડન્ટ ચાલુ ટર્મમાં જ મરશે .તો આ શ્રાપને ‘ટિતેકનો” કહેવાય છે. તો હેરી હેરીસન ૧૮૪૦માં ,૧૮૬૦માં ચૂંટાયલા પ્રે. લિંકન. મકેન્લિ૧૯૦૦માં, ,૧૯૬૦ માં જ્હોન કેનેડી અને ૧૯૮૦માં ચૂંટાયલા રેગન સાહેબ પર પણ ગોળી છુટી. હવે વાત એમ થઈ કે રેગનસાહેબના પત્નીએ પછી સાત વરસ સુધી રેગનસાહેબની કુંડળી જોન ક્વિગલી નામની મહિલા પાસે વંચાવડાવી છે.તે મહિલા દર અઠવાડિયે વ્હાઈટ હાઉસમાં આવતા. અને પ્રેસિડન્ટની બધી મિટીંગો એ જ્યોતિષી મહિલાના કહેવા પ્રમાણે ગોઠવાતી હતી.. અને એ મહિલા કહે તો જ રેગન સાહેબે વ્હાઇટ હાઉસની બ્હાર પગ મુકવાનો, અને કહેવાય દુનિયાના શક્તિશાળી દેશના લિડર. આપણે વિચારીએ તો વાત કેટલી વાહિયાત લાગે છે. પણ આ હકિકત છે. પ્રેસિડન્ટ રેગન આ વાત પ્રેસમાં નકારી કાઢતા હતા. ઓબામાની સામે ઈલેક્શન લડનારા સેનેટર મકેઈન પણ ગજવામાં ઘસાયેલી પેની, નિકલ વિ. રાખે છે.જ્યારે પ્રેસિડન્ટ જિમી કાર્ટર યુ.એફ, ઓ. માં માનતા.તેમણે આકાશમાં ઉડતી રકાબી જોઈ હતી. ત્યારથી માને છે કે કોઈ બીજા પ્લેનેટ પર લોકો વસે છે. સારું થયું કે નાસાના વૈજ્ઞાનિકોને તે શોધવા ન મોકલ્યા. પ્રેસિડન્ટ ફોર્ડ માનતા કે બે કેન્ડિડેટમાંથી જેની પત્ની સરસ ચોકલેટ કેક બનાવે તે ઈલેક્શન જીતે. અને કોણ પહેલું છે. તેનો નિર્ણય “ફેમિલી સર્કલ” નામનું મેગેઝીન લે. જ્યારે પ્રેસિડન્ટ ઓબામાના પત્ની મિશેલ એ હરિફાઈ હારી ગયા તોય તેમના પતિ ઈલેક્શન જીત્યા. હવે ખબર નથી કે ચોકલેટ કેક બને છે કે નહીં. સેકન્ડ વર્લ્ડ વોર વખતના પ્રેસિડન્ટ રોઝવેલ્ટ ૧૩ના આંકડાથી ગભરાતા હતા. તો પ્રેસિડન્ટ ટૃમેન ગુડ લક ચાર્મ તરીકે ઘોડાના પગની નાળ–હોર્સ શુ –પોતાની વ્હાઈટ હાઉસની આફિસના બારણે લટકાવતા હતા. હવે આપણે રાહ જોવાની કે ટ્રમ્પ સાહેબને કઈ શુકનિયાળ વસ્તુનો વ્હેમ છે. મારું માનવું છે કે ભગવાન અને ભક્તિની વાત કરતાં વધુ તો આપણે ચમત્કારો પાછળ દોડીએ છીએ. પછી જે આપણું કામ કરે તે આપણો ભગવાન. મુંબઈના હાજી અલીની દરગાહના ચમત્કાર માટે દરેક ધર્મના લોકો ધક્કામુક્કી કરતા જોવા મળે છે.

Email harnishjani5@gmail.com

***

The chapter from my book- Tichhi najare –America.

પ્રાપ્તીસ્થાન : ગુર્જર સાહીત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ. પીન કોડ : 380 001 ફોન : (079) 221449660/22144663

ઈ.મેઈલ : goorjar@yahoo.com વેબ : gurjarbooksonline.com In USA E mail. harnishjani5@ gmail.com